Thursday, July 13, 2017

મૈં એક કિરદાર સે બડા તંગ હૂઁ કલમકાર...મુઝે કહાની મેં ડાલ, ગુસ્સા નિકાલના હૈ!


મૈં એક કિરદાર સે બડા તંગ હૂઁ કલમકાર...મુઝે કહાની  મેં ડાલ, ગુસ્સા  નિકાલના હૈ!

એક ડિસ્ટ્રિક્ટ પ્લેસની જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન અને એક દર્દી વચ્ચે થયેલો સાવ સાચો સંવાદ.
‘શું છે?’ ડૉ. બક્ષી.
‘સાહેબ.’ દર્દી બાપડો એક વૃદ્ધ સરકારી કારકૂન હતો. એ તો સિવિલ સર્જનના દર્શન માત્રથી થરથરવા માંડ્યો હતો. એમાં ડૉ. બક્ષીનો કડક અવાજ સાંભળ્યો એટલે ગળામાંથી વધારે કંઈ નીકળ્યું જ નહીં.
ડૉ. બક્ષીનો મિજાજ ફાટ્યો, ‘શા માટે આવ્યા છો એ તો ભસો!’, ‘સાહેબ, મને છાતીમાં દુખે છે.’, ‘તો હું શું કરું? ઠંડીની સિઝન છે. શરદીના કારણે દુખતું હશે. હું બામ લગાવી આપું એવું કહેવું છે તમારું? જાવ, ઘરભેગા થઈ જાવ! તમારી ડોશીને કહેજો, એ આદુંવાળી ચા બનાવી આપશે એટલે દુખાવો મટી જશે.’, ‘પણ સાહેબ, મારો દુખાવો ડાબી તરફનો છે. ક્યાંક હાર્ટનો તો?’, ‘મેં તમારો કેસપેપર વાંચી લીધો છે. તમે ધારો છો એવું કશું જ નથી.’

‘અરે! પણ સાહેબ, તમારું મશીન ખોટું પણ હોઈ શકે છે. ઈ.સી.જી. ભલે નોર્મલ આવતો હોય, પણ મારાથી તો શ્વાસ લેવાતો નથી.’, ‘એટલે? તમે કહેવા શું માગો છો, હેં? હું ડૉ. કમલકાંત હરિવદન બક્ષી સાવ આવડત વગરનો? મારી ડિગ્રી પણ ખોટી? મારું નિદાન ગલત? તમે એકલા સાચા?’
ક્લાર્ક બાપડો બે હાથ જોડીને કરગરી પડ્યો, ‘એવું મેં ક્યાં કીધું સાહેબ? મારું તો ખાલી એટલું જ કહેવાનું છે કે ક્યારેક આવાં મશીનોમાં નિદાન ન પણ પકડાય. આવી હાલતમાં હું આવતી કાલે નોકરી કરવા જાઉં અને ખુરશીમાં જ ઢળી પડું તો મારું કુટુંબ રઝળી પડે, સાહેબ!’

‘હું... મ... મ... મ્..!’ સમજી ગયો. તમારે સિકનેસ સર્ટિફિકેટ જોઈએ છે એમ કહોને? ચાલુ પગારે નોકરીમાંથી રજાઓ લેવી છે એમ ને? દીકરીનું લગ્ન આવે છે કે ચાર ધામની જાત્રાએ જવું છે? ચાલુ પગારે!’
‘અરે! સાહેબ, મારાથી અહીં ઊભા નથી રે’વાતું ત્યાં ચાર ધામની જાતરા કરવા કેવી રીતે જઈ શકું? મારે ખરેખર ઘરે રહીને આરામ કરવો છે. મને છાતીમાં અસહ્ય દુખાવો થાય છે.’
હવે ડાૅ. બક્ષીની ખોપરી હટી ગઈ. એમણે ઓફિસની છતમાં તિરાડ પડી જાય એવા મોટા અવાજમાં ત્રાડ નાખી, ‘હું તમારા જેવા આળસુ માણસોને બરાબર ઓળખું છું. સરકારનો પગાર મફતમાં ખાવો છો, કામ કરવું નથી,


ખોટેખોટાં સર્ટિફિકેટો લઈ જવાં છે અને છાશવારે સરકારી દવાખાનામાં આવીને ડૉક્ટરોની સામે ગરીબડું મોં કરીને ઊભી રહી જવું છે.’, ‘એવું નથી, સાહેબ.’
‘શટ અપ! એન્ડ ગેટ આઉટ! આઈ સે યુ ગેટ આઉટ!’ આવી રીતે છાતી પર હાથ દબાવીને બેસી પડશો એટલે કંઈ હું તમારાથી છેતરાઈ નહીં જઉં, કેદાર!’
ખરેખર ક્લાર્ક બાપડો છાતીના દુખાવાને કારણે જમીન પર ફસડાઈ પડ્યો હતો, પણ સાહેબે મારેલી ઘંટડીનો અવાજ સાંભળીને બહાર બેઠેલો પ્યૂન કેદાર અંદર દોડી આવ્યો. સલામ મારીને પૂછવા લાગ્યો, ‘સર!’
‘આ કાકો બહાર જતો નથી, તું એને ઘસડીને ઓફિસની બહાર લઈ જા અને એનું મોં ધ્યાનથી જોઈ લેજે. હવે પછી ક્યારેય એને મારી પાસે આવવા  દઈશ નહીં.’

કેદાર તો ચિઠ્ઠીનો ચાકર! સિવિલ સર્જનની જીભ ચાલે અને પટાવાળાના હાથ-પગ ચાલે. એ પીડાથી કણસતા વયોવૃદ્ધ ક્લાર્કને શબ્દાર્થમાં ઘસડીને ઓફિસની બહાર
લઈ ગયો. હવે આ આખી ઘટના જો આ રીતે જ ઘટી ગઈ હોત તો વાંધો ન હતો, પણ એ સમયે કારકૂનનો પૌત્ર પણ ત્યાં હાજર હતો. દાદાજીની ઉંમર સત્તાવન વર્ષની અને દીકરાના દીકરાની ઉંમર ત્યારે બાર વર્ષની. સાતમા ધોરણમાં ભણતો કિશોર.

આમ તો એ ઇમેચ્યોર ગણાય, પણ જે જુએ એ સમજી તો શકે જ એવી એની વય. કુમળી વયમાં જોયેલાં કેટલાંક દૃશ્યો માણસના મનમાં કાયમ માટે અંકાઈ જતા હોય છે. એમાં પણ દુ:ખના, શોકના, આઘાતના તો ખાસ. પરંતપ બાર વર્ષનો હતો, પણ દાદાજીનું થયેલું ઘોર અપમાન એ જોવા માત્રથી જ સમજી શકતો હતો. એને ભયંકર આઘાત લાગ્યો. આઘાત લાગવાનું એક કારણ એ હતું કે દાદાજી એને ખૂબ વહાલા હતા અને બીજું કારણ એ હતું કે એ જાણતો હતો કે એના દાદાજી ક્યારેય જુઠ્ઠું બોલતા ન હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભાનુદાદાને બેચેની રહેતી હતી. છાતી પર જાણે મોટો પથ્થર મૂક્યો હોય એમ ભારે ભારે લાગ્યા કરતું હતું.

સહેજ કામ કરવા જાય તો શ્વાસ ચડી જતો હતો. ફેમિલી ડૉક્ટરે પણ દાદાજીને તપાસીને એવી શંકા વ્યક્ત કરી હતી કે આ દુખાવો હાર્ટનો હોઈ શકે છે, તમે એક વાર કોઈ સારા ફિઝિશિયનને મળો!
આજથી પાંચ દાયકાઓ પહેલાં નાનકડા શહેરમાં એક પણ ડિગ્રીધારી ફિઝિશિયન હતા જ નહીં. નછૂટકે ભાનુદાદા ગવર્નમેન્ટ હોસ્પિટલમાં પહોંચી ગયા. ત્યાંના અર્ધદગ્ધ મેડિકલ ઓફિસરે કાર્ડિયોગ્રામ કાઢીને નિદાન કરી દીધું, ‘કશું જ નથી, શરદીની અસર લાગે છે.’

ભાનુદાદાએ સિકનેસ સર્ટિફિકેટ માટે વિનંતી કરી તો મેડિકલ ઓફિસરે સંભળાવી દીધું, ‘મારાથી એવું સર્ટિફિકેટ ન આપી શકાય, તમે સિવિલ સર્જન સાહેબને વિનંતી કરો.’
મેડિકલ ઓફિસર જાણતો હતો કે, મોટા સાહેબ પાસે ગયા પછી શું થવાનું છે? ડૉ. બક્ષીની છાપ એક અતિશય ક્રોધી અમલદાર તરીકેની હતી. એ દરેકની સાથે આવું જ વર્તન કરતા હતા. એમના દિમાગમાં અમલદાર હોવાનો અમલ (નશો) ભરાઈ ગયો હતો. એ એટલું વિવેકભાન પણ ગુમાવી બેઠા હતા કે એમની પાસે આવતા દર્દીઓ મજબૂરીના માર્યા આવે છે, કોઈ શોખથી મળવા  નથી આવતું.

ભાનુભાઈ પણ ડૉ. બક્ષીની આવી જ અમાનુષી ઉદ્ધતાઈનો ભોગ બની બેઠા. બાર વર્ષનો પરંતપ દાદાજીને ઊભા કરીને ત્યાંથી રવાના થઈ ગયો. રિક્ષામાં બેસાડીને ઘરે લઈ ગયો. ભાનુભાઈએ ફળિયામાં પગ મૂક્યો એ  સાથે જ...!
***
‘સર, બહાર કોઈ આપને મળવા માટે આવ્યું છે.’ પટાવાળાએ ગાંધીનગરની વિશાળ ઓફિસમાં બેસીને રાજ્યના આરોગ્ય ખાતાનો વહીવટ સંભાળતાં પંડ્યા સાહેબને કહ્યું.
‘એમને અંદર મોકલ.’ માથું ફાઇલમાં જ ખોડેલું રાખીને સાહેબે આદેશ આપ્યો.
‘સર, કોઈ જિદ્દી ડોસો છે. એણે આપની એપોઇન્ટમેન્ટ પણ નથી લીધી, તો પણ અંદર આવવા દઉં?’

‘હા, એપોઇન્ટમેન્ટની પ્રથા માત્ર વ્યવસ્થા પૂરતી જ હોય છે. અત્યારે હું બીજા કોઈને મળવાનો નથી અને તેઓ એક સિનિયર સિટિઝન છે, તો પછી એમને પાછા ન કઢાય. એમને મોકલી આપ.’
અને લગભગ સિત્તેરેક વર્ષનો એક વૃદ્ધ આદમી ઓફિસમાં દાખલ થયો. એના હાથ કંપતા હતા. માથું પણ સતત કંપતું રહેતું હતું. ડૉ. પંડ્યા સાહેબ સમજી ગયા. ઊભા થઈને એ વૃદ્ધનો હાથ પકડીને એમને દોરી લાવ્યા. ખુરશીમાં બેસાડ્યા.

‘થેંક્યૂ સર.’ વૃદ્ધે આભાર પ્રદર્શિત કર્યો, ‘છેલ્લાં સાત વર્ષથી પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાઉં છું.’
‘ઓહ! આઈ ફીલ સોરી ફોર યુ, સર. બોલો, શા માટે આવી હાલતમાં તમારે અહીં સુધીનો ધક્કો ખાવો પડ્યો?’
‘સર, હું પોતે એક ડૉક્ટર છું. ખરું કહું તો ડૉક્ટર હતો. હવે તો હું જ દર્દી છું. મેં કારકિર્દીની શરૂઆત સિવિલ સર્જન તરીકે કરી હતી. પછી ગવર્નમેન્ટ જોબ છોડી દીધી. પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી,

પણ કોઈ કારણસર ન ચાલી. જેમ તેમ કરીને ઘરખર્ચ નીકળી રહેતો હતો. એવી હાલતમાં દીકરાને ભણાવીને મોટો કર્યો. વિદેશ મોકલ્યો. હું અચાનક આ કંપવાનો ભોગ બની ગયો. પત્ની મરી ગઈ. હવે મારે જીવવા માટેના પૈસા...’, ‘કેમ, દીકરો રૂપિયા નથી મોકલતો?’, ‘ના, એને મારા સ્વભાવ સામે વાંધો છે. એ મને ફોન પણ નથી કરતો. હવે મારી એક જ આશા રહી છે. જો મને પેન્શન મળવાનું ચાલુ થઈ જાય તો, તો હું જીવી જાઉં. બાકી તો...’

‘પેન્શન તો મળતું જ હશેને? તમે કેટલાં વર્ષ નોકરી કરી હતી?’, ‘ના, સર. એમાં કાયદો નડે છે. આખું પેન્શન તો દૂરની વાત છે, પણ પાર્ટ પેન્શન મળે એટલા વર્ષની નોકરીમાં મારે ફક્ત એક દિવસ ખૂટે છે. હું એક વર્ષથી ફાઇલ લઈને એક ઓફિસેથી બીજી અને બીજી ઓફિસેથી ત્રીજી એમ ઠોકરો ખાતો ફરું છું, પણ કોઈ મારું સાંભળતું નથી. હમણાં મેં સાંભળ્યું કે ગાંધીનગરમાં હેલ્થ વિભાગમાં કોઈ સજ્જન ઓફિસર મુકાયા છે.

જેમનું નામ છે ડૉ. પંડ્યા સાહેબ. સર, હું તમારી પાસે ખૂબ મોટી આશા લઈને આવ્યો છું. તમે જો ધારો તો એક દિવસ આમથી તેમ કરી શકો છો. સરકારી કાયદાઓમાં ક્યાંક તો છીંડું હોય જ છે. તમે જો ધારો તો...’
‘અવશ્ય! હું કંઈક શોધી કાઢીશ. આપનું નામ?’, ‘ડાૅ. બક્ષી. ડૉ. કમલકાંત હરિવદન બક્ષી. ફાઇલમાં નામ લખેલું છે, સર.’
એક કડાકો થયો. ડાૅ. પંડ્યા સાહેબની નજરમાં એ દૃશ્ય તરવરી ઊઠ્યું. એક તુમાખી સિવિલ સર્જને જ્યારે દાદાજીને એની ઓફિસમાંથી બહાર ફેંકાવી દીધા હતા. તો આ સામે બેઠેલો વૃદ્ધ એ જ શેતાન છે એમને?

ડૉ. પંડ્યાએ ઘંટડી મારી. પટાવાળો દોડી આવ્યો. સાહેબે ધારદાર અવાજમાં ત્રાડ પાડી. આખું, ગાંધીનગર ધ્રૂજી જાય એવા અવાજમાં આદેશ ફરમાવ્યો, ‘આ રાક્ષસને ધક્કા મારીને ઓફિસમાંથી બહાર લઈ જા! આના કારણે જ મારા દાદાજીનું કરુણ મૃત્યુ થયું હતું. હું સજ્જન અવશ્ય છું, પણ હું બુદ્ધ, ઈસુ કે ગાંધી નથી. ઉઠાવ એને!’

ચોટ લગે તો રો કર દેખો... આંસૂ ભી મરહમ હોતા હૈ...


ચોટ લગે તો રો કર દેખો... આંસૂ ભી મરહમ હોતા હૈ...
કુંશાન મધુરજની માટે સજાવેલા શયનખંડમાં પ્રવેશ્યો. બારણું અંદરથી બરાબર વાસીને ત્રણ વાર ચેક કરી લીધું. બધી જ બારીઓ પણ બંધ હતી એની ખાતરી કરી લીધી. પડદા સારી રીતે ખેંચીને પાડી દીધા. પછી એ નવી-નવેલી દુલ્હનની દિશામાં ફર્યો! કસક આધુનિક જમાનાની ઉચ્ચ શિક્ષણ પામેલી મોડર્ન વિચારો ધરાવનારી યુવતી હતી, પણ આખરે હતી તો નવોઢા નાર જ ને! અને એ પણ વળી ભારતીય! શરમાઇ ગઇ.

કુશાન નજીક જઇને બેડ પર બેસી ગયો. પથારીની સજાવટ માટે પાથરેલા મઘમઘતાં પુષ્પોમાંથી એક બોરસલ્લીનું ફૂલ હાથમાં લીધું. નાક પાસે લઇ જઇને ઊંડો શ્વાસ ખેંચ્યો. જાસ્મિનની ખુશબૂ ફેફસામાં ફેલાઇ ગઇ અને દિમાગ તરબતર થઇ ગયું.  ‘કસક! જાનૂ!’ કુશાને જીવનસંગિનીનો જમણો હાથ પોતાના હાથમાં લીધો, ‘તને એવી અપેક્ષા હશે કે હવે પછીની બીજી જ ક્ષણે હું માણસ મટીને પશુ બની જઇશ. હિંસક પશુ જેવી રીતે પોતાના શિકાર પર તૂટી પડે એ રીતે હું તારા કોમળ દેહ ઉપર તૂટી પડીશ.

મૃગલીની ચામડી ફાડી નાખીશ અને એના કૂમળા માંસથી મારી વાસનાની હોજરી ભરી દઇશ. પણ હું એવું નહીં કરું. મારે તારો શિકાર નથી કરવો, પણ તારી સાથે સહશયન કરવું છે. પણ એ પહેલાં મારે તારી સાથે મન ભરીને વાતો કરવી છે. તને માણતાં પહેલાં મારે તને જાણવી છે. સાથે સાથે હું કેવો છું એ પણ તને જણાવવું છે.’ કુશાનની વાત સાંભળીને કસક ખુશ થઇ ઊઠી. સેક્સના વિચારોથી એ એક પ્રકારનું અજ્ઞાત સ્ટ્રેસ અને એક્સાઇટમેન્ટ અને કંઇક અંશે ડર પણ મહેસૂસ કરી રહી હતી એ અચાનક સાવ જ અદૃશ્ય થઇ ગયો. એ પૂરેપૂરી ‘રિલેક્સ’ થઇ ગઇ.

આજના જમાના પ્રમાણે માનવામાં ન આવે પણ કુશાન અને કસક લગ્ન પહેલાં માત્ર એક-બે વાર જ મળ્યાં હતાં. એનું કારણ એ હતું કે કુશાન બેંગલુરુમાં આઇ.ટી. સેક્ટરમાં જોબ કરતો હતો અને કસક દિલ્હીમાં રહેતી હતી. કસકનાં મમ્મી-પપ્પા ગુજરાતી જ હતાં, પણ પપ્પાની જોબ દિલ્હી ખાતે હતી. એટલે મામલો એક સ્ટેટનો હોવા છતાં ‘ટુ સ્ટેટ્સ’ ફિલ્મની વાર્તા જેવો હતો. બંને જણાં પસંદગી માટે મળ્યાં, પછી ગોળધાણાની વિધિ થઇ અને અઠવાડિયામાં જ પરણી ગયાં. લગ્ન માટે વધુ પડતો ખર્ચ કરવાની કુશાનની જ ઇચ્છા ન હતી. અને હવે આવી સુહાગરાત.

કસકને પણ પતિની વાત ગમી ગઇ. ‘એકબીજાને ગમતાં રહીએ’ એ પહેલાં ‘એકબીજાને સમજતાં રહીએ’ એ વાત કોઇ પણ નવપરીણિત યુગલ માટે સારી જ ગણાય. માત્ર ચામડાં ચૂંથવામાં જ રસ હોય તેવો પતિ કઇ સ્ત્રીને ગમે?! ‘બોલો, શું કહેવું છે તમારે?’ પાનેતર ટહુક્યું.
‘માત્ર કહેવું નથી, સાંભળવું પણ છે. પહેલાં તું કહે.’ કુશાન બેડ પર પડેલા મોટા તકિયાને અઢેલીને બેસી ગયો.

કસકે વાત શરૂ કરી. એના શૈશવકાળની વાતો, સ્કૂલ અને કૉલેજની વાતો, પરિવારના સભ્યોના સ્વભાવ, શોખ અને ખાસિયતોની વાતો, ઘરની બહારના પણ નિકટનાં સગાઓની વાતો અને અંતમાં સહેલીઓની વાતો.
રાત ભાંગતી રહી. આંખોમાં મીઠો ઉજાગરો અને દિમાગમાં એ ઉજાગરાનું ઘેન ભરીને કુશાન પોતાની ‘ઓવન ફ્રેશ’ પત્નીની વાતોને સાંભળતો રહ્યો, સમજતો રહ્યો, માણતો રહ્યો.
‘પછી?’ કસક અટકી ત્યારે કુશાને પૂછ્યું.

‘પછી શું હોય! મેં તો મારી અત્યાર સુધીની પૂરી આત્મકથા વર્ણવી દીધી. મારી ઢીંગલીને હું કયા રંગના ચણિયા-ચોળી પે’રાવતી હતી એ પણ તમને કહી દીધું. હવે તમે બોલો અને હું સાંભળીશ.’
‘મારી પાસે કહેવા માટે વધુ કંઇ નથી. હવે પછી તું અહીં મારા ઘરમાં જ રહેવાની છે એટલે મારાં મમ્મી-પપ્પા, વિધવા ફોઇ, નાની બહેન અને બીજાં સગાંઓ વિશે ધીમે ધીમે તને બધું જાણવા મળવાનું જ છે, અને મારા સ્વભાવ વિશે, શોખ વિશે, મારા ગમા-અણગમાઓ વિશે પણ એ લોકો જ તને કહી દેશે. બાકીનું તું જાતે જાણી લેજે.’
‘બસ? તમે તો અડધી મિનિટમાં જ તમારી આત્મકથા પૂરી કરી દીધી. આવું ન ચાલે.’

કુશાન હસ્યો, ‘ન જ ચાલે. મેં હજુ ક્યાં વાત પૂરી કરી નાખી છે? કસક, માય ડાર્લિંગ! મારે તને એક જ વાત કરવી છે. એ વાત મારા મિત્ર હરબીજ સોની વિશેની છે.’
‘હરબીજ? આવું નામ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું.’
‘એના જેવો માણસ પણ જિંદગીમાં પહેલીવાર જોઇશ.’

‘એમ? તો જણાવો તમારા એ મિત્ર વિશે.’ કસકે બંને પગ વાળીને એના પર હડપચી ગોઠવીને હરબીજ-પુરાણ સાંભળવા માટે કાન સરવા કર્યા.
‘હરબીજનો અર્થ થાય છે ચાંદી અથવા સોના જેવું મૂલ્યવાન. પણ મારો મિત્ર તો પ્લેટિનમ જેવો કીમતી છે. અમે લંગોટિયા મિત્રો છીએ. શાળામાં સાથે હતા અને શાળા છૂટ્યા પછી શેરીમાં પણ સાથે હતા. હાઇસ્કૂલ, કૉલેજ પણ સાથે જ કરી.’

‘તમારો એ દોસ્ત આપણા મેરેજમાં કેમ ગેરહાજર હતો?’
‘અે હાલમાં ઢાકા ગયો છે. એના પપ્પાનો બિઝનેસ બાંગલાદેશ, નેપાળ અને ચાઇનામાં ફેલાયેલો છે. એટલે હરબીજને દોડાદોડી કરતા રહેવું પડે છે. બાકી એ જો ભારતમાં હોય તો આવ્યા વગર રહેતો હશે?’
‘ઓ. કે.’

‘કસક, તારે જો મારા વર્તુળમાં કોઇ એક વ્યક્તિને સાચવવાનો હોય તો એ હરબીજ છે. તું મારાં પપ્પા-મમ્મી કે મારી બહેનનું ધ્યાન નહીં રાખે તો હું કદાચ તને માફ કરી શકીશ, પણ હરબીજને હરગિજ નારાજ ના કરતી. એ મારો શ્વાસ-પ્રાણ છે.’
‘ઓહ્...! જય અને વીરુ?’

‘એના કરતાં પણ વિશેષ. જયના મરી ગયા પછી વીરુ તો જીવી ગયો હતો, પણ જો હરબીજ મારી જિંદગીમાંથી દૂર થઇ ગયો તો હું જીવી નહીં શકું.’
‘અરે! આવું તે હોતું હશે? દોસ્તી એ સારી વસ્તુ છે, પણ આટલી હદ સુધીની દોસ્તી હું પહેલી વાર...’
‘મેં કહ્યું ને? હરબીજ જેવો દોસ્ત પણ બીજો જોવા ન મળે.’

‘એવું તે શું છે એનામાં?’ કસકના મનમાં હરબીજ વિશે વધુ જાણવાની ઉત્સુકતા ઉત્પન્ન થઇ.
અને કુશાને મિત્રની ખૂબીઓ વિશે બોલવાનું શરૂ કર્યું. એ બોલતો જ ગયો... બોલતો જ ગયો... બોલતો જ ગયો, અને કસક
સાંભળતી રહી. પતિના મુખેથી ઝરતા એક-એક શબ્દને ધ્યાનપૂર્વક પીતી રહી અને એ વર્ણનમાંથી ઘડાતા જતા એક અપરિચિત
ચહેરાનો આકાર પામતી રહી.

વાતોમાં ને વાતોમાં ચાર વાગી ગયા. હવે બંનેની આંખો ઘેરાવા માંડી હતી. એક તો આખા દિવસનો થાક અને લગભગ આખી રાતનો ઉજાગરો.
‘ચાલો, હવે ઊંઘી જઇએ.’ કુશાને કીમતી વસ્ત્રોને બદલે નાઇટ ડ્રેસ ધારણ કરી લીધો, ‘આપણું હનિમૂન આવતી કાલે.’ અને એ બંને ઊંઘી ગયાં. વિકારને વિરામ આપીને. તન-મનમાં પેદા થયેલી કામનાઓને આવનારી કાલનો વાયદો આપીને. એકમેકનાં સાંનિધ્યમાં, પ્રગાઢ પ્રેમભર્યા આશ્લેષમાં, અપાર વિશ્વાસના આવરણમાં કેદ પુરાઇને બે યુવાન તન-બદન મીઠાં ઘેનમાં સરી ગયાં.

સવાર જરાક મોડી પડી. દસ વાગે નણંદે બેડરૂમનું બારણું હળવેકથી ખખડાવ્યું, ‘ભાભી...! ઓ... ભાભી...! ઊઠો હવે! દસ વાગ્યા. મેં પણ હજુ સુધી ચા નથી પીધી. તમારી સાથે જ...’
કસક પથારીમાંથી બહાર નીકળવા ગઇ, પણ ત્યાં જ કુશાને એને રોકી લીધી, એના હાથમાં મોબાઇલ ફોન હતો, ‘ડાર્લિંગ, જો, સવારના પહોરમાં છ વાગ્યે હરબીજનો મેસેજ આવ્યો છે. લે, વાંચ!’
કસકે મેસેજ વાંચ્યો.

હરબીજ લખતો હતો, ‘હેલ્લો, કુશાન! હા...ઇ... કસકભાભી! કેવી રહી સુહાગરાત? હું તમારા મેરેજમાં હાજર ન રહી શક્યો એ માટે સોરી! પણ આપણે ત્રણેય હવે ક્યાંક સાથે ફરવા માટે જઇએ તો કેવું? ચિંતા ન કરશો. હું અલગ રૂમમાં રહીશ. કબાબમાં હડ્ડી નહીં બનું. પણ સાત-આઠ દિવસ આપણે સાથે રહીશું, હરીશું-ફરીશું અને મોજ કરીશું. હું બે દિવસ પછી ઢાકાનું કામ પતાવીને આવંુ છું. ત્યાં સુધીમાં વિચારી રાખજો.’
કસકનું મોં પડી ગયું, ‘આપણે ફરવા માટે વિદેશમાં જઇએ ત્યાં તમારા મિત્રની શી જરૂર છે? એને ના પાડી દો.’

‘કસક, હું એને ના નહીં પાડી શકું. તું જ ના કહી દેજે. હું તને હરબીજનો નંબર આપું છું.’
કસક ઊભી થઇને બારણું ખોલીને નણંદની સાથે ચાલી ગઇ. આખો દિવસ કસકના મનમાં ધૂંધવાટ ચાલતો રહ્યો. એ સાથે સાથે મનમાં સમાંતર વિચારો પણ ચાલતા રહ્યા. લગ્નની પ્રથમ રાત્રીએ સુહાગરાત મનાવવાને બદલે એના પતિએ આખી રાત જાગીને જે મિત્ર વિશે વાતો કરી હોય એ મિત્ર એને કેટલો વહાલો હશે? કસકનો ધૂંધવાટ શમવા લાગ્યો. લંચ પછી તો એ વધારે પોઝિટિવ બનવા લાગી, ‘હરબીજ ભલે ને આવે! બે કરતાં ત્રણ ભલા! આમ પણ દિવસ દરમિયાન તો અજાણ્યા શહેરમાં ભટકવાનું જ હોય છે ને! ત્યાં હરબીજ જેવો અનુભવી માણસ સાથે હશે તો આસાની રહેશે.’

એ સાંજે કસકે જ હરબીજને મેસેજ કરી દીધો, ‘હાય! કેમ છો તમે? આપણે ચાર દિવસ પછી માલદિવ્ઝ જઇ રહ્યાં છીએ. તમે પણ સાથે જ આવો છો. હું કુશાનને બુકિંગ માટે કહી દઉં છું. એક વિનંતી, તમે મને ‘કસકભાભી’ ના કહેશો. ખાલી કસક જ કહેશો તો મને વધારે ગમશે. પ્લીઝ, ટ્રીટ મી ઓલ્સો એઝ યોર ફ્રેન્ડ. તમે દિયર તરીકે કેવા હશો એ હું નથી જાણતી, પણ તમે ફ્રેન્ડ તરીકે કેવા છો એ હું જાણું છું. તમારા વિશેની વાતો અમારી સુહાગરાતને ગળી ગઇ છે. વેઇટિંગ ફોર યોર અરાઇવલ.’

બે દિવસ પછી હરબીજ આવી પહોંચ્યો. ત્રિપુટી વિમાનમાં બેસીને માલદિવ્ઝ ટાપુ પર ફરવા માટે પહોંચી ગઇ. કુશાને વાત-વાતમાં કહી દીધું, ‘હરબીજ, તારે મને એક પણ રૂપિયો આપવાનો નથી, તારો પૂરો ‘ખર્ચ’ મેં જ ઉઠાવ્યો છે.’
ત્યારે હરબીજે ખુલાસો કર્યો, ‘મને શંકા હતી જ. એટલે તો આવતા મહિને આપણા ત્રણેય માટે મેં શ્રીલંકાનું પેકેજ કરાવી લીધું છે. સેકન્ડ પાર્ટ ઓફ યોર હનીમૂન વિલ બી સ્પોન્સર્ડ બાય મી!’

છ મહિનામાં તો ત્રિપુટી એકબીજાની ખૂબ નિકટ આવી ગઇ. કુશાન-હરબીજ તો વર્ષોથી ગાઢ મિત્રો હતા જ, હવે કસક પણ હરબીજ સાથે હળી ગઇ.
બરાબર એક વર્ષ પૂરું થવામાં એક દિવસની વાર હતી ત્યારે કસક હરબીજની સાથે ભાગી ગઇ. પાછળ ચિઠ્ઠી લખીને મૂકતી ગઇ, ‘કુશાન, આઇ એમ સોરી! તું ભલો છે, પણ હરબીજ જેવો પુરુષ આખા વિશ્વમાં બીજો ન મળે. હી ઇઝ ફેન્ટાસ્ટિક!

એ પણ મને ચાહવા લાગ્યો છે. અમે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. આશા છે કે તું ડિવોર્સ આપવામાં આનાકાની નહીં કરે. બીજી એક વાત. હરબીજનું માનવું છે કે હવે પછી તું મને ક્યારેય ન મળે એ અમારી મેરેજ લાઇફ માટે સારું રહેશે. એ પણ હવે પછી તારો મિત્ર બની રહેવા નથી ઇચ્છતો. એનું માનવું છે કે મિત્રતા એ ઘરનાં બારણાં સુધી જ સાથે આવવી જોઇએ, ઘરની અંદર નહીં.’
કુશાને કપાળ કૂટ્યું: ‘કાશ, આ છેલ્લું વાક્ય હરબીજે મને પહેલાં કહી દીધું હોત તો?!!!’

કુછ લમ્હે ગુજારે થે તુમને મેરે સાથ...! તુમ ઉન્હેં વક્ત કહેતે હો ઔર હમ ઉન્હેં જિંદગી!!!


કુછ લમ્હે ગુજારે થે તુમને મેરે સાથ...! તુમ ઉન્હેં વક્ત કહેતે હો ઔર હમ ઉન્હેં  જિંદગી!!!
ડો. શાહ પોતાની નવી કીમતી કારમાં બેસીને બહારગામ જવા નીકળ્યા હતા. સાથે પત્ની પણ હતી અને બાળકો પણ. કાર મોટી હતી. ડ્રાઇવર સારો હતો. એટલે ડૉ. શાહ એન્ડ ફેમિલી મજાક-મસ્તી કરતાં કરતાં પ્રવાસનો આનંદ લૂંટી રહ્યાં હતાં. અચાનક ડ્રાઇવરે ગાડી ધીમી પાડી દીધી. પછી સાચવીને સડકની એક બાજુએ ઊભી રાખી દીધી.

‘શું થયું રમેશ?’ ડો. શાહના પ્રશ્નમાં દસ ટકા પૂછપરછ હતી, નેવું ટકા જેટલી ચિંતા હતી. ‘સાહેબ, નીચે ઊતરીને જોવું પડશે. ગાડી એક તરફ ખેંચાય છે.’ કહીને રમેશ નીચે ઊતર્યો. બે જ મિનિટમાં એણે કારણ શોધી કાઢ્યું, ‘સર, આગળના ટાયરમાં ઝીણું પંક્ચર હોય એમ લાગે છે. સાવ દબાઈ ગયું છે.’

‘સ્પેર વ્હીલમાં હવા છેને?’, ‘હા, સાહેબ! જેક પણ સાથે રાખ્યો છે. તમે ઝાડના છાંયડામાં થોડીક વાર બેસો એટલામાં હું વ્હીલ બદલાવી નાખું.’ ડૉ. શાહ એમનાં બાલ-બચ્ચાં સાથે કારમાંથી નીચે ઊતર્યાં, પણ બહાર તો અડધી સેકન્ડ માટેય ઊભા રહી શકાય તેવું ન હતું. વૈશાખનું આસમાન અંગારાનો વરસાદ વરસાવી રહ્યું હતું. ક્વચિત વાતો પવન પણ અગનજ્વાળાની પેઠે ચામડીને દઝાડતો હતો.

બંને બાળકો અકળાઈ ઊઠ્યાં. ત્યાં ડૉ. શાહની નજર બાજુના ખેતરમાં ઊભેલા એક મકાન પર પડી. એને મકાન કહેવું એ પણ બાંધકામની શોધનું અપમાન કર્યું કહેવાય! કોઈ શહેરી બંગલામાં નોકરને રહેવા માટે બનાવેલું આઉટ-હાઉસ પણ આની સરખામણીમાં રાજમહેલ લાગે! ડૉ. શાહ મજબૂર હતા. સામે ચાલીને એ ઝૂંપડા સુધી જઈ પહોંચ્યાં. લીમડાના વૃક્ષના ઘટાદાર છાંયડા નીચે કાથીનો ખાટલો ઢાળીને એક મધ્યમ વયનો ખેડૂત આડો પડ્યો હતો. ઝૂંપડીમાં ધોળે દિવસે પણ અંધારું છવાયેલું હતું, પણ અંદરથી કંઈક ખખડાટનો અવાજ બહાર સુધી રેલાતો હતો.

‘ભાઈ!’ ડૉ. શાહે સહેજ મોટા અવાજમાં કહ્યું. પેલાે ખેડૂત જાગતો જ સૂતો હશે, તરત જ બેઠો થઈ ગયો. સારાં કપડાં પહેરેલા શહેરી મહેમાનને જોઈને ગદ્દગદ થઈ ઊઠ્યો. ‘આવો સાહેબ! કેમ આવવું થયું અમ જેવા ગરીબની ઝૂંપડીએ?’ આટલું પૂછીને એણે સડકની દિશામાં નજર ફેંકી દીધી. બધું સમજાઈ ગયું. ‘ગાડી બગડી સે, સાયેબ? તો સોકરાવને ને મારાં બેનને આહીં બોલાવી લ્યો, સાયેબ! ત્યાં ઊભા રે’હે તો લૂ લાગી જાહે.’

ડૉ. શાહે ઇશારાથી જ પત્નીને અને બાળકોને બોલાવી લીધાં. પછી તો ગરીબ માણસના ફળિયામાં અમીરાતભરી પરોણાગત જામી. ખેડૂત પાસે બીજું તો શું હોય? એણે અંદરની દિશામાં હાંક મારી એટલે એની સ્ત્રી પહેલાં પાણીનો કળશો ભરીને લઈ આવી, પછી ઠંડી છાશ. ડૉ. શાહ ત્વરિત નિદાનશક્તિ ધરાવતા અમદાવાદ શહેરના ગેસ્ટ્રોલોજિસ્ટ અને એન્ડોસ્કોપી સર્જન હતા. એ પેલી સ્ત્રીને જોઈને પૂછી બેઠા, ‘ભાઈ, તમારી ઘરવાળી બીમાર છે?’

ખેડૂતને શું ખબર કે આવું પૂછનાર કોણ છે? એણે પડેલા મોંએ માહિતી આપી, ‘હા, સાહેબ! એ મારી રાધા. બે મહિનાથી એને પેટમાં દુખ્યા કરે છે. બાજુના ગામમાં દેસી દાગતર છે એની પાંહેથી ટીકડા લઈ આવીયે સીયે. મોટા શેરમાં જવાનું તો અમને...?’ ‘ભાઈ, ચિંતા ન કર. આજે મોટું શહેર સામે ચાલીને તારી ઝૂંપડીએ આવી ઊભું છે. હું પોતે જ આંતરડાંનો નિષ્ણાત ડૉક્ટર છું.’, ‘એ બધું છોડ! તારી રાધાને કહે કે અંદર જઈને ખાટલામાં ચત્તી સૂઈ જાય.’ ડૉ. શાહે પત્નીની સામે જોયું. બંને પતિ-પત્ની અંદર ગયાં. થોડી વારે બહાર આવ્યાં.

‘શું લાગે છે, સાહેબ?’, ‘ભાઈ, સારું નથી જણાતું. રાધાના પેટમાં મોટી ગાંઠ છે. મોટાભાગે તો એ આંતરડાંમાં થયેલી કેન્સરની જ ગાંઠ લાગે છે, પણ ખાતરીપૂર્વક કશું જ ન કહી શકાય. તું એક વાર અમદાવાદ આવીને બધા ટેસ્ટ્સ કરાવી જા. પછી ઓપરેશન હું કરી આપીશ.’ ખેડૂતનું નામ રાઘવ હતું. એ વિચારમાં પડી ગયો. અમદાવાદ જવું એ એને મન અમેરિકા જવા જેવું અશક્ય કામ હતું, પણ રાધાની સારવાર માટે એ મનોમન તૈયાર તો થઈ ગયો. હવે લાખ રૂપિયાનો સવાલ આવતો હતો.

‘સાહેબ, ઓપરેશન વગેરે કરવું પડે તો ખરચો કેટલો થાય?’, ‘તું ખર્ચની ચિંતા છોડને! એક વાર તારી ઘરવાળીને લઈને મારા દવાખાને આવી જા.’ ડૉ. શાહે પૈસાની વાત ઉડાડી દીધી. આ ઘટના જૂની નથી. આજથી 40-50 વર્ષો પહેલાંની આ વાત નથી જ્યારે ડૉક્ટરો હંમેશાં સફેદ પેન્ટ-શર્ટ પહેરીને દેવદૂતની જેમ ફરતા હતા અને જીવતા હતા. આ ઘટના તાજેતરના સમયની જ છે જ્યારે ડૉક્ટરો (ખાસ તો સુપર સ્પેશિયાલિસ્ટો) મે મહિનાની ગરમીમાં પણ વૂલન કોટ ધારણ કરીને ફરે છે,

કારણ કે એમને ગરમી નડતી નથી. એમના બંગલાઓ એરકન્ડિશન્ડ હોય છે, કાર એર કન્ડિશન્ડ હોય છે અને એમનો વર્કિંગ એરિયા પણ એરકન્ડિશન્ડ હોય છે. આ ઘટના એ વર્તમાન કાળની છે જ્યારે કાયદો કહે છે કે ડૉક્ટર વ્યાપારી છે અને દર્દી ગ્રાહક છે. આ એ સમયની વાત છે જ્યારે મોટાભાગના ડૉક્ટરો દર્દીને દાખલ કરતા પહેલાં મોટી રકમ એડવાન્સ પેટે જમા કરાવી લે છે અને આ એ કાળની વાત છે જ્યારે ડૉક્ટરની જરા પણ ચૂક ન હોવા છતાં દર્દીનું મૃત્યુ થાય ત્યારે એના પરિવારજનો ડાૅક્ટર પર જાનલેવા હુમલાઓ કરે છે.

આ સમયમાં અમદાવાદ જેવા ગણતરીબાજ શહેરનો એક નામાંકિત સુપર કન્સલ્ટન્ટ હાઈ-વે પરની ઝૂંપડીમાં બેસીને એણે પીધેલ છાશનું ઋણ ચૂકવી રહ્યો હતો અને કહી રહ્યો હતો, ‘પૈસાની ચિંતા છોડ. તું એક વાર અમદાવાદ લઈ આવ તારી ઘરવાળીને.’ ‘હા, પણ ખર્ચાનું તો તમારે કે’વું જ પડશે. ભલે હું ગરીબ માણસ હોવું, પણ ખેડૂતનો દીકરો સું. ગમે તેમ કરીને.’ ‘તું પૂછે છે એટલે કહું છું. આ કહેવાનો ચાર્જ છે, તારી પાસેથી લેવાનો ચાર્જ નથી. ફોટા, ટેસ્ટ્સ બાયોપ્સી, સી.ટી. સ્કેન અને બીજાં અસંખ્ય પરીક્ષણોનો ખર્ચ આશરે પાંસઠથી સિત્તેર હજાર રૂપિયા જેટલો થશે.

પછી જો ઓપરેશન કરવું પડે તો બીજા એટલા જ. ટૂંકમાં, સવાથી દોઢ લાખ થશે.’ ડૉ. શાહ તો પોતાનું વિઝિટિંગ કાર્ડ આપીને ઊભા થઈ ગયા. ગાડીનું વ્હીલ તો ક્યારનુંયે બદલાઈ ગયું હતું. પરિવાર ગાડીમાં ગોઠવાઈ ગયો. આગ વરસાવતી લૂને ચીરતી વાતાનુકૂલિત ગાડી ફરી ધોરી માર્ગ પર દોડવા માડી.

દસેક દિવસ પછી રાઘવ અને રાધા ડૉ. શાહના ક્લિનિક પર પહોંચી ગયાં. ડૉ. શાહ એમના શબ્દ પર અટલ હતા. પોતાની ફી પેટે એમણે એક રૂપિયો પણ ન લીધો. ઇન્વેસ્ટિગેશન્સ, બાયોપ્સીથી માંડીને પેટનું મેજર ઓપરેશન બધું જ એમણે સરસ રીતે કરી આપ્યું. રાધાને આંતરડાંનું કેન્સર હતું. એ પણ આગળના સ્ટેજમાં પહોંચી ગયેલું. એટલે મોટી સર્જરી કર્યા પછી પણ એને કીમોથેરપી વગેરેનો ખર્ચ ઊભો જ હતો.
ડૉ. શાહે બધું જ પાર પાડી આપ્યું. રાઘવ દેવું કરીને સિત્તેર હજાર રૂપિયા લઈ આવ્યો હતો. એટલા તો બહારની વસ્તુઓમાં જ ખર્ચાઈ ગયા. એનેસ્થેસિયા અને મેડિસિન્સમાં પણ.

જ્યારે રાધા સદંતર ભયમુક્ત બની ગઈ ત્યારે રાઘવે પૂછ્યું, ‘સાહેબ, હવે છેલ્લો આંકડો પાડો, તમારી મહેનતના કેટલા આપવાના છે મારે.’, ‘તારે કંઈ આપવાનું નથી, મારે કંઈ લેવાનું નથી. મેં પ્રથમથી જ બોલી કરી હતી.’ ‘સાહેબ, મારું ખેતર વેચીને પણ હું...’, ‘પછી તું વાવીશ શું અને ખાઈશ શું? ડૉ. શાહનો પ્રશ્ન સાંભળીને રાઘવ નજર ઢાળી ગયો.’, ‘તો પછી એક કામ કરો, સાહેબ. એક-બે મહિના પછી પાછા મારા ખેતરે પધારો!’

ડૉ. શાહે વચન આપ્યું. બે મહિના પછી તેઓ ગયા પણ ખરા. પરિવારને લઈને. ખેતરમાં ઊભેલી બાજરી અને જુવાર વાઢીને રાઘવે ડુંગર ઊભો કર્યો હતો. ડૉ. શાહને આવેલા જોઈને એણે કૂણા-કૂણા ડૂંડાનો પોંક પાડ્યો. બધાંને પેટ ભરીને ખવડાવ્યો. પછી વિનંતી કરી, ‘સાહેબ, મારું ખેતર તો તમે મને વેચવા નો દીધું, પણ હવે એક વાત માનશો? આ વરહે જેટલો પાક થ્યો સે ઈ બધો તમે લઈ જાવ!’ ‘હું? તારી બાજરી ને જુવાર લઈ જાઉં!’, ‘કેમ? તમે ઘઉં ખાતા હોવ તો શિયાળામાં ઘઉં વાવું છું ઈ વાઢીને તમને...’

‘અરે ભોળિયા! તારા ખેતરમાં વર્ષમાં જેટલું વાવીને તું કમાતો હોઈશ એટલું તો હું એક જ ઓપરેશનમાં કમાઈ લઉં છું. ક્યારેક એકાદ પુણ્યનું કામ પણ કરવા દે મને!’
રાઘવ રડી પડ્યો. મોટો થેલો ભરીને ડંૂડાંઓ ગાડીની ડિકીમાં મૂકી દીધાં, ‘બાપ, મારા હમ જો આની ના પાડો તો! ભગવાન કીરશને પણ સુદામાની તાંદુલની પોટલી લઈ લીધી’તી!’
ડૉ. શાહે તાંદુલ સ્વીકારી લીધા. ગાડીમાં બેઠા ત્યાં સુધી આધુનિક સુદામો એના દ્વારિકાના ધણીને સમજાવતો રહ્યો, ‘સાહેબ, ઘરે જઈને તમે પોંક હું કવ ઇમ બનાવશોને તો સોકરાવને ભાવશે. ઈમાં સે ને તે...’

અને એક હળવા આંચકા સાથે ગાડી ગતિમાન બની. ધોમધખતા ઉનાળામાં આરંભાયેલી એક ઘટનાએ શ્રાવણનાં ઝરમરિયાં સાથે શીતળતા ધારણ કરી હતી.
(સત્યઘટના. કથાબીજ : ડૉ. કાર્તિક શાહ, અમદાવાદ)

જબ રૂહ મેં ઉતર જાતા હૈ બેપનાહ ઇશ્ક કા સમંદર, લોગ જિંદા તો હોતે હૈ મગર કિસી ઔર કે અંદર


જબ રૂહ મેં ઉતર જાતા હૈ બેપનાહ ઇશ્ક કા સમંદર, લોગ જિંદા તો હોતે હૈ મગર કિસી ઔર કે અંદર
મિતિ જવાબ આપતાં પહેલાં પૂરી ત્રણ મિનિટ સુધી મંત્રની સામે જોઈ રહી. કોઈ છોકરો અચાનક આવું પૂછી બેસે કે ‘હું તમને ચાહું છું; તમને મારો પ્રસ્તાવ કબૂલ છે?’ ત્યારે સાંભળનાર યુવતી ભલેને ગમે તે ધર્મની હોય, તો પણ એના દિમાગમાં નિકાહ કરાવતા કાઝીના શબ્દો ગુંજવા લાગે: ‘તુમ્હેં યે શાદી કુબૂલ હૈ?’

અહીં તો મિતિ પણ હિંદુ હતી અને મંત્ર પણ હિંદુ હતો. મંત્ર સૌરાષ્ટ્રનો હતો અને મિતિ અમદાવાદની. બંને એક જ કૉલેજમાં સાથે ભણતાં હતાં. વર્ષ અલગ હતું. વર્ગ પણ અલગ-અલગ હતો. બંનેનાં મિત્રવર્તુળો પણ જુદાં હતાં. એટલે તો મંત્રને ફરજ પડી કે પોતાના દિલની વાત એણે સ્વયં મિતિને જણાવવી પડી.

મિતિ બુદ્ધિશાળી હતી. સંસ્કારી હતી. અઢી અક્ષરના શબ્દના ચોકલેટી આકર્ષણમાં મુગ્ધ બની જઈને આંધળુકિયા કરી નાખે એવી મૂઢ ન હતી. એણે પૂરેપૂરી સ્વસ્થતા સાથે જવાબ આપ્યો, ‘જુઓ, મિ. તમે જે કોઇ હો તે! હું તમારું નામ જાણતી નથી. કાસ્ટ પણ જાણતી નથી. તમારા ખાનદાન વિશે પણ મારી પાસે કશી જ માહિતી નથી. માટે હું તમારો પ્રસ્તાવ સ્વીકારતી નથી.’
‘એમાં જ્ઞાતિ, જાતિ, કુટુંબની વાત વચ્ચે ક્યાં આવે છે? પ્રેમ તો.....’

‘જસ્ટ એ મિનિટ! પ્રેમ? કેવો પ્રેમ? કોને થયો પ્રેમ? ક્યારે થયો પ્રેમ? તમને મારા પ્રત્યે થયો હશે, મને તો નથી થયો. મેં તમને કેમ્પસમાં જોયેલા તો છે, પણ હું બીજું કશું જ જાણતી નથી. અને પ્રેમ એ એક એવી તાળી છે, જે હંમેશાં બે હાથથી જ પડે છે.’ ‘મૈં વો બલા હૂં જો શીશે સે પથ્થર કો તોડતા હૂં.’ આટલું બોલીને મંત્રએ જમણો હાથ હવામાં ઉઠાવ્યો. ચાર આંગળીઓ જોરથી હથેળી સાથે અથડાવી. હળવો અવાજ ઊઠ્યો. મંત્રે કહ્યું, ‘તાળી એકલા હાથથી પણ પડી શકે છે.’

મિતિએ ગુમાનમાં મસ્તક ઉઠાવ્યું, ‘તો પાડ્યા કરો એક હાથની તાળી આખી જિંદગી! બીજો હાથ માંગવા શા માટે આવ્યા છો?’
મિતિનો ટોણો સાંભળીને મંત્રનું સંપૂર્ણ અભિમાન ઓસરી ગયું.
‘તો શું હું તમારી ના સમજી લઉં?’

‘ના, એવું મેં ક્યારે કહ્યું?’
‘તો મારે શું સમજવું? હા પાડતા નથી, ના કહેતા નથી.’ મંત્ર મૂંઝાઇ ગયો, ‘મારે કરવું શું?’
‘જસ્ટ વેઇટ એન્ડ વૉચ. મને વિચારવા માટે સમય...’

‘કેટલો સમય?’
‘જેટલો મારે જોઇએ એટલો.’ મિતિએ રૂપગર્વિતાના અંદાઝમાં કહ્યું, ‘હું મારી રીતે તમારા વિશે બધી તપાસ કરીશ. પછી જો મને સંતોષ થશે તો હા પાડીશ.’
‘પણ ધારો કે તમે એમાં ને એમાં બે-ચાર વર્ષ કાઢી નાખો તો?’

‘તો તમારે બીજી કોઇ યુવતીની સાથે પરણી જવું. આ દિલનો સોદો છે, જનાબ, આમાં ઉતાવળ ન હોય!’
મંત્ર ખરેખર મિતિને ચાહતો હતો; એણે મિતિની વાતને મંજૂર રાખી દીધી. છ-આઠ મહિના વીતી ગયા. આ દરમિયાન મિતિએ હોમવર્ક કરી લીધું. એણે આજુ-બાજુ, ચારે બાજુએથી મંત્ર વિશેની માહિતી એકઠી કરવા માંડી.

પછી એક કાગળ પર ખાનાં પાડીને પોઇન્ટ્સ આપવાનું શરૂ કર્યું. દેખાવ: હેન્ડસમ. સ્માર્ટનેસ: જોરદાર. અભ્યાસમાં મધ્યમ. ચારિત્ર્ય: ટનાટન. સ્વભાવ: મળતાવડો. આર્થિક સ્થિતિ: મધ્યમ. પરિવાર: સૌરાષ્ટ્રના એક નાના ટાઉનમાં. સભ્યો: મમ્મી, પપ્પા અને મંત્ર. ભવિષ્ય: ઉજ્જ્વળ કારણ કે મંત્ર ભલે અત્યારે મિડલક્લાસમેન હોય પણ જીવનભર એ મિડલક્લાસમાં સબડવા માટે તૈયાર નથી. એ ગમે તેમ કરીને સુખ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતો તેજસ્વી યુવાન છે.

દરેક મુદ્દાની સામે અપાયેલા પોઇન્ટ્સનો જ્યારે સરવાળો કરવામાં આવ્યો ત્યારે મિતિએ જોયું કે કુલ સોમાંથી એંશી ગુણ મેળવીને મંત્ર જ્વલંત રીતે પાસ જાહેર થતો હતો. મિતિએ એક બપોરે સામે ચાલીને મંત્રને કહી દીધું, ‘મારી હા છે. પણ એક શરત છે મારી. સગાઈ કરતાં પહેલાં તારા અને મારા પરિવારની સંમતિ લેવી ફરજિયાત છે.’ ‘ઓહ! એ તો ક્યારે મળશે? હજુ તો હું વીસ જ વર્ષનો થયો છું.  મારા પપ્પા હું પચીસનો થાઉં તે પહેલાં મારા લગ્નનો વિચાર પણ નહીં કરે. ત્યાં સુધી આપણે શું કરવાનું? મંજીરાં વગાડવાનાં?’

‘ના, મંજીરાં વગાડવાની જરૂર નથી; ત્યાં સુધી આપણે મહોબ્બત કરીશું. વી વિલ બી વેરી ગુડ ફ્રેન્ડ્ઝ. વી વિલ બી વેરી ફેઇથફુલ લવર્સ.’
‘ડન!’ મંત્રે આ વાત સ્વીકારી લીધી. એ પછી શરૂ થયો મિતિ અને મંત્ર વચ્ચેની અકાટ્ય મોહબ્બતનો અવિરત સિલસિલો. એ કૉલેજના ઇતિહાસમાં ક્યારેય કોઇ બે પ્રેમી-પ્રેમિકાએ આ હદ સુધીનો ઉત્કટ પ્રેમ નહીં કર્યો હોય. દરેક સારી વાતનો ક્યારેક અંત આવે જ છે. કોલેજકાળનો પણ એક દિવસ અંત આવ્યો. મંત્ર એક વર્ષ આગળ હતો. મિતિને હજુ એક વર્ષ ભણવાનું બાકી હતું.

છૂટા પડતી વખતે મિતિએ પૂછ્યું, ‘હવે શું કરવાનો વિચાર છે તારો?’
‘મારે કંઇક કરવું તો પડશે જ. આ ડિગ્રીનો કાગળ મને દસ-પંદર હજારથી વધુ કમાણી નહીં અપાવી શકે. હું ઘરે જઇને મમ્મી-પપ્પાની સાથે બેસીને કશુંક વિચારીશ. પછી જે કંઇ નક્કી કરીશ એ તને જણાવીશ. તારા ઘરનો ફોન નંબર મારી પાસે છે.’

‘પણ તારા ઘરનો ફોન નંબર મારી પાસે નથી.’
‘ક્યાંથી હોય! મારા ઘરે ફોન જ નથી તો...!!’ મંત્ર હસીને છૂટો પડ્યો.
આ એ જમાનાની વાત છે જ્યારે આપણા દેશમાં હજુ પેજર પણ પ્રવેશ્યાં ન હતાં; સેલફોનની વિભાવના તો ક્ષિતિજ પર પણ ડોકાતી ન હતી.

મંત્ર વચન આપીને ગયો, ‘મારી વાટ જોજે. હું પાછો આવીશ.’ અને પછી ન તો મંત્ર આવ્યો, ન એના કોઇ સમાચાર આવ્યા.
છ મહિના, બાર મહિના, બીજું વર્ષ, ત્રીજું વરસ. શરૂમાં મિતિને અપાર આશા હતી, પછી ધીમે ધીમે ધીરજ ખૂટતી ગઇ; આશા તૂટતી રહી.
હવે મિતિની વય લગ્નને લાયક થતી હતી. ચોવીસમા વર્ષમાં પહોંચેલી છોકરી માટે પપ્પાએ છોકરાઓ જોવાનું શરૂ કર્યું. મિતિ ચિંતાગ્રસ્ત હતી. એ પોતાની રીતે તપાસ તો ચલાવતી જ રહેતી હતી કે મંત્રનું શું થયું. ક્યાંયથી એને મંત્રના પપ્પાના ઘરનું સરનામું ન મળ્યું. ક્યાંયથી ઊડતા સમાચાર જાણવા મળ્યા કે મંત્ર તો છેલ્લાં 2-3 વર્ષથી ક્યાંક પરદેશ ઊડી ગયો છે.

‘ક્યો દેશ? ક્યું શહેર? એડ્રેસ? ફોન નંબર? આ બધા પ્રશ્નો હતા જે માત્ર પ્રશ્નો જ રહ્યા; જવાબો ક્યારેય ન મળ્યા.
છોકરીની જાત. એ પણ સુંદર અને જુવાન. ક્યાં સુધી પપ્પાની સામે ઝીંક ઝીલી શકે?
‘બેટા, હવે તું કોઇ પણ સારો છોકરો પસંદ કરી લે.’ પપ્પાએ આગ્રહ કર્યો.

‘પપ્પા, હું શું કરું? મને કોઇ ગમવું તો જોઇએ ને!’
‘તને કેવો છોકરો ગમે?’
‘મને....’ મિતિ હોઠો પર આવેલું નામ ગળી ગઇ, ‘પપ્પા, મને એ મુરતિયો ગમશે જે તમને પસંદ હશે.’

‘ખરેખર, બેટા? હું પસંદ કરીશ એને તું સ્વીકારી લઇશ?’
‘હા, પપ્પા. વચન આપું છું. મારે હવે એક પણ મુરતિયો જોવો નથી. તમે જ નક્કી કરી નાખજો. મને જ્યારે કહેશો ત્યારે પાનેતર પહેરીને માંડવામાં બેસી જઇશ.’
પપ્પાને દીકરીની નિર્લેપતા સમજાણી નહીં. એ તો હમણાં જ આવેલા એક માગાના વિચારોમાં ખોવાઈ ગયા હતા. મિતિના ફુવાની બહેનની નણંદનો છોકરો હતો.

એનો ફોટો જોઇને જ પપ્પા પોઝિટિવ બની ગયા હતા.
મુરતિયાને પણ કન્યાનો ફોટો બતાવવામાં આવ્યો. એણે મોં મચકોડીને કહ્યું, ‘હં....મ...મ...મ...! છોકરી દેખાય છે તો સારી, પણ ફોટામાં તો બધાયે સારા જ લાગે. પ્રત્યક્ષ જોયા વગર હું હા નહીં પાડું.’
પપ્પાએ કહ્યું, ‘મિતિ, આ રવિવારે બપોરે છોકરો એના પૂરા ફેમિલીની સાથે આપણા ઘરે તને જોવા માટે આવવાનો છે.’

‘પપ્પા, મેં કહ્યું તો ખરું કે મારે છોકરો નથી જોવો....’
‘હા, દીકરી! પણ એ તને જોયા વગર સગાઇ કરવાની ના પાડે છે. એકવાર એને મળી લેવામાં શો વાંધો છે? તું જરા હસતું મોઢું રાખીને રવિવારે એને.....’
રવિવારે મુરતિયો દસ જણાંને લઇને આવી પહોંચ્યો. મમ્મી, પપ્પા, મામા, મામી, બે પિતરાઇ બહેનો, બે માસીઓ, બે માસાઓ.

મિતિ એના બેડરૂમમાં તૈયાર થતી હતી. મહેમાનો ડ્રોઇંગ રૂમમાં બેઠા. જલપાનની વિધિ સંપન્ન થઈ.
પપ્પાએ બૂમ મારી, ‘મિતિ....! બેટા! આવજે તો....!’ બધાની નજરો મિતિની દિશામાં મંડાઈ ગઈ. અને ઠસ્સાદાર રાજકુમારી જેવી મિતિ મંથર ગતિએ ચાલતી દીવાનખંડમાં પધારી. સોફામાં બેસતાં પહેલાં એણે પાંપણો ઉઠાવી.

સામે બેઠેલો મુરતિયો જોયો. કોરાધાકોર આસમાનમાં આષાઢી મેઘગર્જના ઊઠી. એવું લાગ્યું જાણે છાતીનું પિંજર તોડીને હૃદય હમણાં બહાર આવી જશે!
‘મંત્ર......!!! તું?’
‘હા, મિતિ! મને તો તારો ફોટો જોઇને જ ખબર પડી ગઇ હતી. પણ મેં તને જોવાનું નાટક કર્યું.’

‘પણ તું અત્યાર સુધી ક્યાં હતો?’
‘હું ઑસ્ટ્રેલિયામાં હતો. ત્યાં જ છું. મારી ડાયરી ખોવાઇ ગઇ હતી. ન તારો નંબર હતો, ન કોઇ કૉમન મિત્ર. જો હતો તો ફક્ત એક વિશ્વાસ કે ગમે એટલાં વર્ષો વીતી જાય તો પણ ઈશ્વર આપણને ભેગાં કરશે જ. અને હું તારી સામે છું.’

એ પછી સમય ઓગળી ગયો. હૈયા પીગળી ગયા. ગીલા-શિકવા નીકળી ગયા. આજે મિતિ-મંત્ર પતિ-પત્ની છે અને એક દીકરાની સાથે
સુખી છે.

હમ બડે નાઝ સે આયે થે તેરી મહફિલ મેં ક્યા ખબર થી લબ-એ-ઇઝહાર પે તાલે હોંગે!


હમ બડે નાઝ સે આયે થે તેરી મહફિલ મેં
ક્યા ખબર થી લબ-એ-ઇઝહાર  પે તાલે હોંગે!

જ્યારે પહેલી વાર મારા જાણવામાં આવ્યું ત્યારે મારા મોઢામાંથી પણ સહુની જેમ જ હાયકારો નીકળી પડ્યો હતો.
‘હાય, હાય! શું કહો છો? અજયને કેન્સર? ન હોય!’
કેન્સર બધાને થઈ શકે, એમાં અજયને માટે ‘ન હોય’ જેવા શબ્દો વાપરવાનું કારણ શું?’
કારણ એક નહીં, પણ એક કરતાં વધારે હતાં. પહેલું કારણ એ કે અજય ડૉક્ટર હતો. ડૉક્ટરને તો તાવ આવ્યો હોય તોયે લોકો આવું બોલતાં હોય છે, ‘લે, ડૉક્ટરો પણ માંદા પડે?’ હું જવાબમાં કહેતો હોઉં છું,

‘ડૉક્ટરો માંદા પણ પડે અને મરી પણ જાય. મૃત્યુથી વધારે મોટો સામ્યવાદી બીજો કોઈ નથી.’
આવું સમજતો હોવા છતાં ડૉ. અજયને કેન્સર થયું છે તે જાણીને મને આઘાત લાગ્યો હતો. મારું મન એ સત્યને સ્વીકારવા માટે તૈયાર ન હતું. એ વાતનો આઘાત.
બીજું કારણ એ હતું કે અજય મારા ગાઢ મિત્રનો ગાઢ મિત્ર હતો. અમે પણ સારા મિત્રો હતા જ, પણ ડૉ. અજય મારા ગાઢ મિત્ર ડાૅ. ચિરાગનો ખાસ દોસ્ત હતો. ચિરાગ પાસેથી મને અજયના જીવન વિશેની, દિનચર્ચા વિશેની, વાણી-વર્તન, રુચિ-અરુચિ, ખાન-પાન, મોજ-શોખ આ બધાં વિશેની રજેરજ માહિતી મળતી રહેતી હતી. ડૉ. અજયને એક પણ ચીજનું વ્યસન ન હતું. સિગારેટ, તમાકુ, શરાબ, બહારની ખાણી-પીણી આમાંની કોઈ જ આદત એને ન હતી. આવા માણસને ફેફસાંનું કેન્સર થાય એટલે આશ્ચર્ય પણ થાય અને આઘાત પણ લાગે.

ત્રીજું કારણ એ હતું કે ડૉ. અજય સાવ યુવાન હતો. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારનો એ દીકરો, આપબળે મહેનત કરીને ડૉક્ટર બન્યો. કન્સલ્ટન્ટ થયો. પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. કૌશલ્ય અને સ્વભાવને કારણે સારું કમાયો. ઘર બનાવ્યું. પત્ની અને એક બાળક તથા મમ્મી-પપ્પાની સાથે શાંતિથી જીવવાનો સમય હજુ તો હવે શરૂ થતો હતો ત્યાં જ અચાનક આસમાનમાંથી વીજળી ત્રાટકે એમ આ બીમારી ક્યાંથી આવી પડી?

મને જેવી જાણ થઈ કે તરત જ મેં ફોન કરીને ડૉ. અજયની સાથે વાત કરી લીધી. થોડી પૂછપરછ, થોડીક ચર્ચા, આશ્વાસન, હિંમત અને અફસોસ વ્યક્ત કરી લીધો. ફોન મૂકતી વખતે અજય બોલી ગયો, ‘થેંક્યૂ શરદભાઈ, પછી ક્યારેક સમય મળે તો રૂબરૂ મળવા આવજો. મને સારું લાગશે.’‘ચોક્કસ આવીશ જ.’ કહીને મેં વાત પૂરી કરી. હું મારા વચન માટે કટિબદ્ધ હતો. અજયનું કેન્સર ખૂબ આગળના સ્ટેજમાં પહોંચી ગયું હતું. ઓપરેશનનો તબક્કો ક્યારનોયે વીતી ગયો હતો.

હવે કેન્સરના નિષ્ણાતો એના માટે શું સૂચવશે એની મને ધારણા ન હતી, પણ મને એટલી ખબર હતી કે ડૉ. અજય બે-ત્રણ મહિનાથી લાંબું ખેંચી શકે તેવી આશા ન હતી.
મારી તમામ કોશિશો છતાં દોઢેક મહિનો વ્યસ્તતામાં જ વીતી ગયો. એ દરમિયાન ચાર-પાંચ મિત્રો દ્વારા અજયના દસ-બાર સંદેશાઓ આવતા રહ્યા. ‘શરદભાઈને કહેજોને કે મારે એમની સાથે કેટલીક વાતો ‘શેર’ કરવી છે. સમય કાઢીને આવી જાય.’

હું વિચારમાં પડી જતો હતો: એક નિશ્ચિત મૃત્યુ તરફ ઘસડાઈ રહેલો યુવાન ડૉક્ટર મારી સાથે શું ‘શેર’ કરવા ઇચ્છતો હશે? એની ચિંતા? ભય? ટૂંકી જિંદગીમાં કરેલી અફાટ મહેનતની વ્યર્થતા? ગરીબીમાંથી સંઘર્ષ કરીને ઉપર આવ્યા પછી જીવનના રંગમંચ પરથી અચાનક ‘એક્ઝિટ’ લેવી પડે છે એની વેદના? અધૂરા રહી ગયેલાં સપનાંઓની વ્યથા?
સામા પક્ષે મારે પણ અજયને ઘણું બધું પૂછવું હતું. મને મૃત્યુની નિશ્ચિત ઘટના વિશે પહેલેથી જ ઘણું બધું આકર્ષણ રહેતું આવ્યું છે. એની આજુબાજુ ગૂંથાયેલાં રહસ્યોમાં મને રસ રહ્યો છે. આપણે તો જાણતાં નથી કે આપણું મોત ક્યારે, કઈ રીતે આવવાનું છે, પણ જેને જાણ થઈ ગઈ છે કે એમનું મૃત્યુ હવે હાથવેંતમાં જ છે, એમની મન:સ્થિતિ કેવી થઈ જતી હશે?

મેં અજયને પૂછવા જેવા પ્રશ્નોની યાદી વિચારી લીધી. અચાનક એક દિવસ એની પત્નીનો ફોન આવ્યો, ‘શરદભાઈ, આજે બપોરે તમે આવી જાવ તો સારું! નહીંતર કદાચ ક્યારેય...’, ‘એવું ન બોલશો, હું આજે જ આવું છું.’ પછી મેં પૂછ્યું, ‘ફોન તમારે કેમ કરવો પડ્યો? અજયને...’
‘એની વાચા ક્ષીણ થઈ ગઈ છે. બોલે છે તો માંડ સમજાય છે. શરીર સાવ...’

‘બસ, બસ! હું આવું છું.’ મારે એક યુવાન પત્નીનાં મુખેથી એનાં નંદવાઈ રહેલા સૌભાગ્ય વિશે વધારે વાક્યો સાંભળવાં ન હતાં. મેં બપોરના બે વાગ્યાનો સમય નક્કી કર્યો? મારું કન્સલ્ટિંગ સેશન લગભગ અઢી વાગ્યે પૂરું થયું. હું  ‘લંચ’ જતું કરીને નીકળી પડ્યો. અજયના ઘરે પહોંચ્યો. અજયની પત્નીએ બારણું ઉઘાડ્યું. અજય ડ્રોઇંગ રૂમમાં જ પાટ પર સૂતો હતો. એની શારીરિક હાલત જોઈને મારા હૈયામાંથી નિસાસો નીકળી ગયો.

‘ભાઈ, સાવ આવું શરીર થઈ ગયું? મેં તો તને હંમેશાં હર્યોભર્યો જોયો છે.’ મેં કહ્યું. એ હસ્યો. ઓલવાતી જ્યોત ફરકતી હોય એવું એનું ફિક્કું, ધ્રૂજતું સ્મિત હતું.
હવે જ મારી નજર સામેના સોફા પર પડી. ત્યાં કોઈ આગંતુક બેઠું હતું. પચાસ-પંચાવન વર્ષનો દેખાતો, ટાલિયો, કાળો પુરુષ. ઝીણી લુચ્ચી લાગતી આંખો. જાડા કાળા હોઠ. એની ચામડીના રંગ સાથે શોભે નહીં તેવા ડાર્ક કલરના સફારી સૂટમાં એ ખરેખર ભૂંડો દેખાઈ રહ્યો હતો. એનું મોટું પેટ સફારીનાં બટનો વચ્ચેથી બહાર ધસી આવવાની કોશિશમાં હતું.

સૌથી મોટી બેહૂદી વાત એ હતી કે એ માણસ આવા સમયે પણ સિગારેટ ફૂંકી રહ્યો હતો.
‘આમને ઓળખોછોને શરદભાઈ?’ ડૉ. અજયે મને પૂછ્યું, ‘આ છે ડોક્ટર ઘનશ્યામભાઈ. જનરલ પ્રેક્ટિસ કરે છે.’, ‘આેહ! તો મેં જેમનું નામ અનેક વાર સાંભળ્યું છે એ ઘનુભાઈ આ જ છે એમને?’ મેં કહ્યું. ખરેખર તો મારી જીભ પર ‘ઘનિયો’ નામ આવી ગયું હતું, મેં માંડ માંડ સંયમ જાળવ્યો. ડૉ. ઘનશ્યામ કોઈ પણ માન્ય ડિગ્રી વગરનો લેભાગુ ડૉક્ટર હતો. એક ખાસ વિસ્તારમાં એનું ક્લિનિક આવેલું હતું.

ચોવીસ કલાક (ઊંઘના સમયને બાદ કરતાં) એ સિગારેટ ફૂંકતો રહેતો હતો. દવાખાનામાં ગણીને સાત જ દવાઓ રાખતો હતો. એના દર્દીઓ બાપડા ગરીબ, અભણ અને સમજ વગરના હતા. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન’ એ કહેવત અનુસાર ઘનિયો જામી ગયો હતો. ડૉ. ઘનિયો પોતાના દર્દીઓ બીજા સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટોને રિફર કરતો રહેતો હતો. મને આવા ઊંટવૈદોની મહેરબાનીમાં ક્યારેય રસ પડ્યો નથી. એટલે જ હું ડૉ. ઘનશ્યામને કદીયે મળ્યો ન હતો. તે દિવસે પહેલી વાર હું એને મળી રહ્યો હતો.

પરિચયવિધિના જવાબમાં ડૉ. ઘનશ્યામે મારી દિશામાં જ ધુમાડાનો ગોટો ફેંક્યો. મને તમાકુની વાસ પ્રત્યે ભયાનક ચીડ, પણ મિત્રના ઘરે હું લાચાર હતો. મેં સહન કરી લીધું.
ડૉ. અજયે સૂચક રીતે મને જણાવ્યું, ‘ડૉ. ઘનશ્યામભાઈ રોજ સાતથી દસ દર્દીઓ મને મોકલે છે.’ હું સમજી ગયો કે અજય એવું કહેવા માગતો હતો કે આ અહેસાનના બદલામાં એણે આવા વિવેકવિહીન માણસને સહન કરવો પડે છે.

વળી, અજયે ઉમેર્યું, ‘ડૉ. ઘનશ્યામભાઈ લગભગ દોઢેક કલાકથી અહીં બેઠા છે.’ આ એનું આડકતરું સૂચન હતું કે હવે એમણે જવું જોઈએ, પણ ત્યાં તો  ઘનશ્યામે નવી સિગારેટ સળગાવી.
મારી પાસે એકાદ કલાકનો જ સમય હતો. મારે અજયને ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. ત્યારે મારી કોલમ ‘ડૉ.ની ડાયરી’ શરૂ થયાને બે વર્ષ થયાં હતાં. ઠીક ઠીક જામી ગઈ હતી કોલમ. કદાચ અજયે પણ મને એટલે જ બોલાવ્યો હતો. એ મને લખવા જેવું કંઈક મેટર આપવા માગતો હશે, પણ એ જે કંઈ કહેવા માગતો હતો તે અત્યંત ખાનગી હતું. નહીંતર ડૉ. ઘનશ્યામની હાજરીમાં પણ એણે કહેવાનું શરૂ કરી દીધું હોત.

મેં પણ આડકતરાં સૂચનો કરી જોયાં, ‘ઘનશ્યામભાઈ, તમારા દર્દીઓ રાહ જોતાં હશે. મને લાગે છે કે આપણે હવે ઊઠવું જોઈએ. અજયભાઈને આરામ કરવા દઈએ વગેરે વગેરે, પણ એ માણસ ન ઊઠ્યો તે ન જ ઊઠ્યો. એની વાતો પણ કેવી! બોસ, આ મેંચમાં અઝહરુદ્દીનની સેન્ચુરી પાક્કી! સાહેબ, જો મારું માનો તો ટી.સી.એસ.ના પાંચસો શેર લઈ જ લો! પાંચ વર્ષમાં તરી જશો. આ વર્ષે જો વરસાદ સારો પડેને તો મેલેરિયાની સિઝન ખૂલી જાય, મારા ઘરના નવા ફર્નિચરના પૈસા નીકળી જાય!’

હું એકના બદલે દોઢ કલાક સુધી બેસી રહ્યો, પણ ડાૅ. ઘનુભાઈએ અમને બોલવાનો મોકો જ આપ્યો નહીં. અંતે થાકીને હું ઊભો થયો, ‘અજય, ચાલ ત્યારે, હું જઉં છું. પાછો આવીશ.’
‘જરૂર આવજો. હું રાહ જોઈશ. મારે તમને...’ એ વધુ બોલી ન શક્યો. હાંફીને ચૂપ થઈ ગયો. મેં બીજા દિવસે ફરીથી આવવાનું વચન આપ્યું. હું રવાના થયો ત્યારે ડૉ. ઘનશ્યામ વધુ એક નવી સિગારેટ સળગાવી રહ્યો હતો.

બીજો દિવસ અજયના જીવનમાં આ‌વ્યો જ નહીં. ડૉ. અજયે એ રાત્રે જ દેહ છોડી દીધો.
આ ઘટનાને આજે વીસ-બાવીસ વર્ષ જેટલો સમય થઈ ગયો, પણ હજુ સુધી હું ડૉ. અજયની આંખોમાં રહેલા એ ભાવને ભૂલી શક્યો નથી. એ મને કંઈક કહેવા માગતો હતો, પણ એની અે ઝંખના કોઈ જડભરતના મોઢામાંથી ફેંકાતા ધુમાડામાં દબાઈને રહી ગઈ.

મેં એ પછી ડૉ. ઘનશ્યામને ફરી ક્યારેય જોયો નથી.
(શીર્ષક પંક્તિ: પરવેઝ જાલંધરી)

એટલે ભટક્યા કરું છું એક શબ્દથી બીજા શબ્દમાં, ક્યાંક કદાચ હું મળી જાઉં મને, મને ગમતા અંદાજમાં


એટલે ભટક્યા કરું છું એક શબ્દથી બીજા શબ્દમાં, ક્યાંક કદાચ હું મળી જાઉં મને, મને ગમતા અંદાજમાં
લવ હોસ્ટેલના બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર આવ્યો. એના રૂમ-પાર્ટનર ઇપ્સિતને આશ્ચર્ય થયું. આ ભાઈ સાહેબ સવારે તો નાહ્યા હતા; સાંજે બીજી વાર નહાવાનું કારણ શું હશે? પણ ઇપ્સિતે પોતાની જિજ્ઞાસા પર કાબૂ રાખ્યો. એ પથારીમાં પડ્યો પડ્યો સ્વ. પન્નાલાલ પટેલની નવલકથા વાંચી રહ્યો હતો. પણ લવની હિલચાલમાં ઇપ્સિતને નવલકથા જેટલો જ રસ પડ્યો.

લવ ટોવેલ વીંટીને રૂમમાં ફરી રહ્યો હતો અને ગુનગુનાવી રહ્યો હતો: ‘આજ ઉન સે પહેલી મુલાકાત હોગી... ફિર આમને સામને બાત હોગી....ફિર હોગા ક્યા....? ક્યા પતા... ક્યા ખબર...’
‘મને ખબર છે કે પછી શું થવાનું છે!’

ઇપ્સિતે પથારીમાંથી જ લવના ભવિષ્ય ઉપર પ્રકાશ ફેંકી દીધો.
લવ ચોંકી ગયો, ‘અરે! તું સાંભળી ગયો? નો પ્રોબ્લેમ. તને ખબર પડે કે ન પડે, શું ફરક પડવાનો છે?’

‘કેમ એવું કહે છે?’
‘જો, દોસ્ત! તું રહ્યો પુસ્તકિયો કીડો! તને રસ માત્ર એક જ વાતમાં છે. વાર્તાઓ, નવલકથાઓ, ગીતો, ગઝલો અને પ્રવાસ-વર્ણનો વાંચવામાં. તું રહ્યો થિયરીનો માણસ! અને હું તો છું પ્રેક્ટિકલનો વિદ્યાર્થી!’
‘કંઈક સમજાય એવું બોલ.’

‘જો તું યુરોપ-અમેરિકાના પ્રવાસવર્ણનો વાંચે એટલામાં જ તને વિદેશ ફરી આવ્યાનો સંતોષ મળી જાય છે; જ્યારે મને તો કાંકરિયા રૂબરૂ જવામાં જ આનંદ મળે છે. એવું જ પ્રેમની બાબતમાં પણ છે. તને પ્રસન્નદેવી, મંજરી, જીવી અને રોહિણીનું પાત્રલેખન વાંચવામાત્રથી પ્રેમમાં પડવાની અનુભૂતિ મળી જાય છે.’
‘અને તને?’

‘મને?’ લવે ભીના વાળમાં કાંસકો ફેરવ્યો, ‘મને તો પાંચ ફીટ, સાત ઇંચની ગુલાબી કાયા સામે બેઠેલી હોવી જોઈએ. એનાં વીસ ટકા વસ્ત્રોમાંથી છલકતો એંશી ટકા અનાવૃત દેહ મારી પહોંચમાં હોય એટલો નિકટ હોવો જોઈએ. એના ગળામાંથી ટપકતા મધમીઠા વાક્ય-સમૂહો મારા કાનમાં ઠલવાતા હોવા જોઈએ. એની મોટી આંખોમાંથી છલકાતો રૂપનો આસવ મને વ્હિસ્કીના નશાની જેમ ધીમે ધીમે ચડતો જવો જોઈએ અને......’

‘બસ! બસ! મારે વધારે કંઇ નથી સાંભળવું. માત્ર એ રૂપના આસવનું નામ જણાવી દે એટલે બહુ થયું.’
‘નામ? ના હોં! એનું નામ તો હું કોઈને નહીં જણાવું. હજુ આજે તો મેં માંડ એને રૂબરૂ મુલાકાત માટે રાજી કરી છે. હજુ તો એને પટાવવાની પણ બાકી છે. જો એનું નામ જાહેર થઈ જાય તો બીજા ઘણા યે મિત્રો એવા છે જે અમારા પ્રેમના પેચમાં લંગશિયું નાખી શકે છે. સોરી! નામ નહીં જણાવું. આજ ઉનસે પહલી મુલાકાત હોગી.....ફિર....’

લવે ગઇ કાલે જ ખરીદેલું જીન્સ ચડાવ્યું. બ્રાન્ડેડ ટી શર્ટ પહેર્યું. એના મામા અમેરિકાથી લઇ આવેલા તે નવા રંગીન સ્પોર્ટ્સ શૂઝ ધારણ કર્યાં. ‘કોબ્રા’ પર્ફ્યૂમના ફુવારાઓ છાંટીને અડધી બોટલ ખાલી કરી નાખી. પછી નિયત સમય કરતાં પંદર મિનિટ પહેલાં એ બહાર નીકળ્યો.

‘સાવ ઘેલો!’ પથારીમાં પડેલો ઇપ્સિત હસી પડ્યો, ‘સાલાનું નામ એની ફોઇએ લક્ષણો પ્રમાણે જ પાડ્યું છે. દર રવિવારે કોઈ ને કોઈ છોકરીને પટાવવા માટે નીકળી પડે છે. પણ છેલ્લાં બે વર્ષમાં કોઈ એની જાળમાં ફસાતી નથી. પાછો મારો બેટો મારી મજાક ઉડાવતો ફરે છે!!  હંહ!!’

ઇપ્સિતની મજાક એકલો લવ જ નહીં પણ આખા કેમ્પસના તમામ છોકરાઓ ઉડાવતા રહેતા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં અલગ-અલગ વિદ્યાશાખાઓની અનેક હોસ્ટેલ આવેલી હતી. સેંકડો વિદ્યાર્થીઓ હતા. કોઈ ગરીબ, કોઈ મધ્યમ વર્ગીય, કોઈ ધનવાન પરિવારમાંથી આવેલા હતા. એમની લિવિંગ સ્ટાઇલ અલગ હતી, પણ બધાંની બિલિવિંગ સ્ટાઇલ એકસરખી જ
હતી. છોકરીઓ પટાવવામાં બધાંને એક સમાન રસ હતો.

જેમ ઈશ્વર વિશે એવું કહેવાય છે કે મંજિલ એક જ છે, પણ એને પામવાના માર્ગો એટલે કે ધર્મો જુદા-જુદા છે. એવું જ પ્રેમિકાને વિશે પણ કહી શકાય. કેમ્પસમાં બધાંની મંજિલ એક જ હતી, પણ ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ, વિચારો અને સાધનો જુદાં જુદાં હતાં.

સાયન્સ ફેકલ્ટીનો ગોલ્ડમેડલિસ્ટ વિદ્યાર્થી પંકજ પૂંઠાવાલા કહેતો હતો, ‘તમારે ધારી પ્રેમિકાને પાડવી છે? તો ખૂબ મન લગાવીને અભ્યાસ કરો. પરીક્ષામાં તમારી ફર્સ્ટ રેન્ક આવશે એટલે આ બધાં રૂપનાં પડીકાઓ તમારી તરફ દોડી આવશે.’

આર્ટ્સનો જહોન અબ્રાહમ ગણાતો બિંદેશ બોડીવાલા દૃઢપણે માનતો હતો, ‘છોકરીઓને મસલમેન જ ગમે છે. સ્ત્રી સ્વયં એક નાજુક બાંધાનું કોમળ માનવ-પાત્ર છે. એને પોતાનું રક્ષણ કરી શકે તેવો ‘મેચોમેન’ જ પસંદ પડે છે. એટલે તો હું રોજના પાંચ-પાંચ કલાક જીમમાં પડ્યો રહું છું. બંદાની નજર આપણી કૉલેજની બ્યુટી ક્વીન ઉપર મંડરાઈ રહી છે.’

કોમર્સનું નાક ગણાતો રોનક ઝવેરી બધાને કહેતો ફરતો હતો- ‘તમને બધાને સાચી વાતની ખબર જ નથી. છોકરીઓના વિષય ઉપર મેં પીએચ.ડી. કરેલું છે. આ તિતલીઓ છે ને એ પૂરી મહત્ત્વાકાંક્ષી હોય છે. એમની નજર એક જ ટાર્ગેટ પર હોય છે: પૈસો. જો તમારે શ્રેષ્ઠ રૂપસુંદરી પામવી હોય તો મબલખ રૂપિયા કમાવા પડે. મને સાયન્સમાં એડમિશન મળતું હતું; એ છોડીને હું કોમર્સમાં આવ્યો છું.

પૂછો કે શા માટે? એટલા માટે કે મારે અબજોપતિ થવું છે. પાંચ વર્ષ પછી મારી પાસે એવો બિઝનેસ હશે જે મને આ શહેરનો સૌથી વધારે પૈસાદાર પુરુષ બનાવી શકશે અને મારી પાસે એટલું ઊજળું ભવિષ્ય હશે જે મને આપણા કેમ્પસની શ્રેષ્ઠ સુંદરીનો સ્વામી બનાવી શકે.’

ઇપ્સિત અને લવ બાયોલોજી ડિપાર્ટમેન્ટના પી.જી. સ્ટુડન્ટસ હતા. લવ એમના ક્લાસનો સૌથી રંગીન મિજાજ છોકરો હતો. એનો ફન્ડા સ્પષ્ટ અને જગજાહેર હતો, ‘છોકરીઓ બીજું કશું જ નથી જોતી, યાર! ન બંગલો, ન ગાડી, ન બિઝનેસ, ન બોડી! છોકરીઓ માત્ર છોકરાને જ જુએ છે. એમાં ય પાછું એવું નથી કે છોકરો ચોકલેટી હીરો જેવો દેખાવો જોઇએ. ફુલ પેકેજ સારું હોય એ જરૂરી છે.’
‘ફુલ પેકેજ એટલે?’ ઇપ્સિત જેવો કોઇ ભોળિયો પૂછી બેસતો હતો.

‘ફુલ પેકેજ એટલે પચાસ ટકા છોકરાનું થોબડું સારુ હોવું જોઇએ. વીસ ટકા સ્માર્ટનેસ. વીસ ટકા સ્ટાઇલિશ અદાઓ. દસ ટકામાં કપડાં અને શૂઝ વગેરે આવી જાય. એક નૂર આદમી, હજાર નૂર કપડાં/ લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં!’

આવી માન્યતા ધરાવતો લવ દર રવિવારે હજાર, લાખ અને કરોડ નૂરનો સરવાળો સાથે લઇને નીકળી પડતો હતો. ત્રણ-ચાર કલાકના ફિલ્ડવર્કના અંતે ભીનાં કપડાં જેવો થઇને પાછો ફરતો હતો. ચહેરા પરનું નૂર અદૃશ્ય થઈ જતું હતું.

પણ એનો આત્મવિશ્વાસ બુલંદ હતો, ‘ઇપ્સિત! તું સાલો બોચિયો છે બોચિયો! આ ગુજ્જુ લેખકોની વાર્તાઓ વાંચી વાંચીને તારું દિમાગ સડી ગયું છે. તું કાગળ પર ચિતરાયેલા રૂપનાં વર્ણનો જ વાંચ્યા કરજે. હું એક દિવસ આપણી કૉલેજનું સૌથી સુંદર, મઘમઘતું ગુલાબ મારા બેડરૂમમાં ગોઠવી દઈશ.’

‘પણ મને એનું નામ તો આપ?’
‘નો! નો.....નો... નો... નો... નો! મને મિત્રોની દાનત પર વિશ્વાસ નથી. એનું નામ તો તમને મારાં લગ્નની કંકોતરીમાં જ વાંચવા મળશે.’ અને કામદેવનો અવતાર બનીને લવ નીકળી પડ્યો.

આ વખતે લવે બહુ ઊંચું નિશાન તાક્યું હતું. છેલ્લાં બબ્બે વર્ષથી મિસ યુનિવર્સિટીનો ખિતાબ જીતી જનારી અનુપમ લાવણ્યમયી અવધિ શાહ લવને ખૂબ ગમી ગઇ હતી. આમ તો અવધિ બધાંને ગમતી હતી; પણ એના જેવી ખૂબસૂરત રૂપગર્વિતા કોઈને રિસ્પોન્સ ન જ આપે એવું માનીને કોઇ છોકરાએ આજ સુધી એને પ્રપોઝ કરવાની હિંમત કરી ન હતી.

લવનું ગણિત સાવ સાદું હતું: ‘દાણો તો ચાંપી જોઇએ. જો એ ના પાડશે તો મારે કંઇ ગુમાવવાનું નથી; પણ જો એણે હા પાડી દીધી તો અપની તો નિકલ પડી રે.....!’
ઇપ્સિતના મનમાં એવું હતું કે લવ બે-ત્રણ કલાક પછી જ પાછો ફરશે. દર વખતે લવ કોઈ ને કોઇ છોકરીને પટાવવા માટે ત્રણેક કલાક અને ત્રણેક હજાર રૂપિયા તો ખર્ચી જ નાખતો હતો. એટલે આજે પણ.....!

પણ આ વખતે સાવ ન ધારેલું હોય તેવું બની ગયું. લવ અડધા કલાકમાં જ ધોયેલા મૂળાની જેવો ચહેરો લઇને પાછો આવ્યો.
‘કેમ, શું થયું? સિંહ કે શિયાળ?’ ઇપ્સિતે પૂછ્યું.

‘કૂતરો.’ લવના જવાબમાં ગુસ્સો ફૂટી રહ્યો.
‘અરે, પણ શું થયું એ તો કહે.’

‘થાય શું? અમે મળ્યાં. કૉફી શોપમાં બેઠાં. હજી તો હું ઓર્ડર આપું એ પહેલાં જ એણે મને કહી દીધું- ‘મિ. લવ! તમે મારી બાબતમાં જરા પણ આગળ વધવાનું વિચારતા હો તો અહીંથી જ પાછા વળી જજો. હું બીજી છોકરીઓ જેવી નથી. મને દેખાવ, સ્માર્ટનેસ, સફળતા, પૈસો કે કોરી બૌદ્ધિકતાથી કોઇ પુરુષ જીતી શકે તેવી જરા પણ શક્યતા નથી. આ બધું હું જોઇને બેઠી છું. મારા પપ્પા અબજપતિ છે.

મોટાભાઇ આઇ. એ.એસ. છે. નાનો ભાઈ ફિલ્મોમાં કામ કરે છે. મારો કઝીન હમણાં જ બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં વિજેતા બન્યો છે. મને માત્ર એવો યુવાન આકર્ષી શકશે જે સાહિત્યનો પ્રેમી હોય. પુસ્તકો જેનો પ્રાણ હોય. કવિતા જેનો શ્વાસ હોય અને નવલિકા જેનું દિલ હોય....!’ મેં એને પૂછ્યું કે આવું શા માટે!’

‘ત્યારે એણે શો જવાબ આપ્યો?’
‘એણે કહ્યું કે આ દેશના મોટા મોટા નેતાઓના, પોલીસ અધિકારીઓના, માફિયાઓના અને બિલ્ડરોના બંગલાઓમાં ભૈતિક સુખનાં તો બધાં સાધનો ઉપલબ્ધ હશે, પણ બે સારાં પુસ્તકો જોવા નહીં મળે. હું માનું છું કે સારા પુસ્તકનું વાંચન એ આપણા આત્માનો ખોરાક છે. ઇપ્સિત, એ મૂર્ખ છોકરીએ મને હડધૂત કરીને હાંકી કાઢ્યો.’ લવ રડમસ થઇ ગયો.

ઇપ્સિતે નવલકથા બાજુ પર મૂકી દીધી; પછી કંઈક વિચારીને પૂછ્યું, ‘દોસ્ત, એ છોકરીનું નામ અવધિ શાહ છે?’લવ ચોંકી ઊઠ્યો, ‘હા, પણ તને કેવી રીતે ખબર પડી?’ ઇપ્સિત હસ્યો, ‘મને તો ખબર જ હોય ને! અમારી મુલાકાતો સિનેમા ઘરના અંધારામાં નથી યોજાતી, પણ અમે તો પુસ્તકાલયોના ઉજાસમાં મળીએ છીએ. મારે તને અવધિ વિશે વધુ કંઇ નથી કહેવું.

આવતા ડિસેમ્બરમાં મારાં લગ્નની કંકોતરીમાં એનું નામ વાંચી લેજે.’ લવને ચક્કર આવી ગયાં. આજે એને પહેલીવાર જિંદગીનું શાશ્વત સત્ય સમજાયું કે દરેક વખતે લાખ નૂર ટાપટીપ કે કરોડ નૂર નખરાં કામમાં નથી આવતાં; ક્યાંક ક્યાંક, ક્યારેક ક્યારેક પુસ્તકોનું અજવાળું પણ એક અબજ સૂર્યોના સામટા અજવાળા જેવું તેજસ્વી સાબિત થતું હોય છે.

વરસું તો હું શ્રાવણ છું ને સળગું તો વૈશાખ મારી પાસે બે જ વિકલ્પો કાં આંસુ કાં રાખ


વરસું તો હું શ્રાવણ છું ને સળગું તો વૈશાખ મારી પાસે બે જ વિકલ્પો કાં આંસુ કાં રાખ

ત્વિષાની ચીસો ક્રમશ: વધતી જતી હતી. વહેલી સવારથી એને પ્રસૂતિની પીડા સાથે મારા નર્સિંગ હોમમાં લાવવામાં આવી હતી. દાખલ કરતી વખતે એની તપાસ કરી ત્યારે જ મેં કહી દીધું હતું, ‘બહેન, તારી ડિલિવરી નોર્મલ રીતે થાય એવી શક્યતા નહીંવત્ છે. બાળકનું માથું એવી પોઝિશનમાં છે કે હું ગમે એટલી રાહ જોઈશ તો પણ એ નીચેથી બહાર નહીં આવી શકે.’ 

‘મને પણ એવું જ લાગે છે, સર! તમે મારાં મમ્મી-પપ્પાની સાથે વાત કરી લોને, પ્લીઝ. હું વધારે રિબાવા નથી માગતી. તમે સિઝેરિયન કરીને બાળક લઈ લો.’ ત્વિષાએ એના તરફથી સંમતિ આપી દીધી.
મેં ત્વિષાનાં મમ્મી-પપ્પાને બોલાવ્યાં. શાંતિથી બધું સમજાવ્યું. બંને ગામડાંના જીવ હતા, પણ ભલા અને સમજુ હતાં. તરત જ માની ગયાં, પણ ત્વિષાના પપ્પાએ મને વિનંતી કરી, ‘સાહેબ, અમારા જમાઈ આવે ત્યાં સુધી રાહ જુઓ. એ જરાક ક્રોધી માણસ છે. પછી જાતજાતના વાંધાવચકાઓ ઊભા કરશે.’

મેં કહ્યું, ‘મને કોઈ પ્રોબ્લેમ નથી. આપણી પાસે પૂરતો સમય છે. તમે જમાઈને બોલાવી લો.’
ત્વિષાના પપ્પા વિનોદભાઈએ જમાઈને ફોન કર્યો, ‘પ્રશાંતકુમાર, ત્વિષાને દવાખાનામાં દાખલ કરી છે. તમે આવી જાવને! ડોક્ટર તમારી સાથે વાત કરવા માગે છે.’
‘આવું છું.’ જમાઈએ કહ્યું. ફોન પૂરો થયો. 

પૂરા દોઢ કલાક પછી કારમાં બેસીને જમાઈબાબુ આવી પહોંચ્યા. સાથે એનાં માતા-પિતા, બે નાની બહેનો અને એક વિધવા ફોઈ પણ હતાં. બધાં આવતાંની સાથે સીધા વોર્ડમાં ત્વિષાની પાસે દોડી ગયાં. ત્યાંથી બધી વાત જાણ્યા પછી જમાઈ મને મળવા માટે આવ્યા. 

મેં એમને સ્મિત કરીને આવકાર્યા. સીધી જ ત્વિષાની વાત કરવાને બદલે ઔપચારિક પરિચય પૂછવાથી શરૂઆત કરી, ‘શું કરો છો તમે, પ્રશાંતભાઈ?’, ‘હું કોલેજમાં લેક્ચરર છું.’, ‘સબ્જેક્ટ?’, ‘ફિઝિક્સ.’, ‘અરે વાહ! તમે બી.એસસી. વિથ ફિઝિક્સ થયેલા છો?’

‘નો! મેં ફિઝિક્સ વિષયમાં બી.એસસી. એમ.એસસી. અને પછી પીએચ.ડી. કર્યું છે. બહુ થોડા વર્ષમાં તો હું કોલેજમાં પ્રિન્સિપાલના હોદ્દામાં બેઠો હોઈશ.’
‘ગુડ.’ મેં ખુશી વ્યક્ત કરી. હકીકતમાં જ્યારે મારા દર્દીનાં સ્વજનોમાંથી કોઈ વિજ્ઞાનનો સ્નાતક નીકળી આવે ત્યારે હું ખરેખર રાજી થતો હોઉં છું. એનું કારણ એ છે કે વિજ્ઞાનના જાણકારને તબીબી વિજ્ઞાનની જટિલ વાત સમજાવતાં મને ઓછી તકલીફ પડે છે. સાવ અભણ અથવા અવૈજ્ઞાનિક સમજ ધરાવતા સગાંવહાલાંને મેડિકલ સાયન્સનાં તથ્યો સમજાવતાં નાકમાં દમ આવી જાય છે.

(જોકે, એક વાતની સ્પષ્ટતા કરી દઉં. મારી ચાર દાયકાની પ્રેક્ટિસમાં મને સૌથી વધારે સમજદાર દર્દીઓ મુસલમાન લાગ્યા છે. કોઈ પણ મુસ્લિમ બાનુની સ્થિતિ વિશે હું અડધું વાક્ય જ બોલું અને એમાંથી આખી વાત સમજી લે એ મુસલમાનો હોય છે. પછી સારવાર અંગે જે ત્વરિત નિર્ણય લેવાનો હોય તેમાં એ લોકો ક્ષણ માત્રનોયે સમય બગાડતા નથી. આપણાં લોકો ગર્ભસ્થ શિશુની હાલત ગંભીર હોય ત્યારે પણ વિચારવામાં કલાકોના કલાકો વેડફી નાખે છે. મારી જેમ જ મારા અન્ય ડોક્ટર મિત્રોને અનુભવ પણ આવો જ છે.)

ત્વિષાનો પતિ પ્રશાંત ફિઝિક્સમાં ડોક્ટરેટ થયેલો હતો એ વાત જાણીને હું રાજી થયો.
મેં કહ્યું, ‘તમે પહોંચવામાં જરાક મોડું કરી નાખ્યું છે, પણ વાંધો નથી. ત્વિષાની સ્થિતિ ક્રમશ: બગડતી જાય છે. ગર્ભાશયની અંદર બાળકની હાલત પણ ધીમે ધીમે ખરાબ થતી જાય છે.’, ‘પણ સર! ત્વિષાને પેઇન્સ તો સારા આવે છે.’, ‘હા, લેબર પેઇન્સ સારા છે. ઇન ફેક્ટ, હું ઇન્જેકશનો આપીને દર્દીને હજુ પણ વધારી શકું છું. અહીં પ્રશ્ન એનો નથી.’, ‘તો શેનો છે?’, ‘તમારી પત્નીનાં ગર્ભાશયમાં રહેલા બાળકની પોઝિશનનો પ્રશ્ન છે. 

એનું માથું એવી રીતે ગોઠવાયેલું છે કે જેમ જેમ દર્દ વધતું જશે તેમ તેમ એનું માથું હાડકાં વચ્ચે દબાતું જશે, પણ એ બહાર નહીં નીકળી શકે. પરિણામે એ અંદર જ ઝાડો કરી જશે. પછી એવું ગંદું પાણી એના મોઢામાં અને શ્વાસનળીમાં ચાલ્યું જશે. કદાચ એ અંદર જ મૃત્યુ પામશે. જો જીવતું આવે તો પણ...’
મને ગળા સુધી વિશ્વાસ હતો કે ડો. પ્રશાંત મારી વાત સાંભળીને કાચી સેકન્ડમાં કહી દેશે, ‘લાવો, સાહેબ! સંમતિપત્ર! મારે ક્યાં સહી કરવાની છે? તમે તાત્કાલિક ઓપરેશન કરીને અમારા શિશુને બચાવી લો.’

પણ મારા આશ્ચર્ય વચ્ચે પ્રશાંતે આટલું જ કહ્યું, ‘હું તમારું કહેવું સમજી ગયો, પણ મને થોડોક સમય આપો. હું મારા ગુરુજીની સલાહ લઈ લઉં, એ જેમ કહે એ પ્રમાણે કરીશું.’
‘ગુરુજી? તમારા ગુરુજી ગાયનેકોલોજિસ્ટ છે?’ મારા પ્રશ્નમાં સહેજ અકળામણ હતી.
‘ના, મારા ગુરુદેવ તો ડોક્ટરોથી પણ મોટા છે. આ ભવસાગર પાર કરવામાં મદદ કરનારા છે. પૃથ્વી પર એમની મરજી વગર પાંદડુંયે ફરકતું નથી.’

‘આવું તો ભગવાન માટે કહેવાય છે.’
‘મારા ગુરુદેવ સાક્ષાત્ ભગવાન જ છે. હું એમની આજ્ઞા વગર કોઈ જ અગત્યનો નિર્ણય લેતો નથી. તમે દસ મિનિટ થોભો. હું બહાર જઈને એમની સાથે વાત કરીને આવું છું.’

મેં એક વાત નોંધી કે ગુરુદેવની વાત કરતી વખતે આ ડોક્ટરેટ થયેલા વિજ્ઞાનના માણસની આંખમાં એક ન સમજી શકાય તેવી મૂઢતા અંજાઈ જતી હતી. એનું ભણતર, ગણતર, વિચારોની ચમક, ડિગ્રીનું તેજ આ બધું સરી જતું હતું. એનું સ્થાન સંપૂર્ણ જડતા અને અંધશ્રદ્ધા લઈ બેસતી હતી. હું લાચાર હતો. મારી નજર સામે એક પ્રસૂતા પીડાઈ રહી હતી, એનું શિશું જોખમમાં મુકાઈ રહ્યું હતું અને હું કશું જ કરી શકતો ન હતો. 
પ્રશાંત બહાર જઈને પાછો આવ્યો, ‘સર, મારે વાત થઈ ગઈ છે. ગુરુદેવે ઉપાય બતાવ્યો છે. હું એમણે કહેલો પ્રસાદ ત્વિષાને ખવડાવું છું. બે કલાકમાં નોર્મલ ડિલિવરી થઈ જશે.’

‘બે કલાક?!! એટલી વારમાં તો...???’ હું ખળભળી ઊઠ્યો, પણ પ્રશાંત તો ત્યાં સુધીમાં રવાના થઈ ગયો હતો. કદાચ ગુરુદેવે કહેલો પ્રસાદ લાવવા માટે.
હું શાંતિથી બેસી રહ્યો. પછી જે થયું એનું વર્ણન મારા સ્ટાફની બહેને મને કહી સંભળાવ્યું.
પ્રશાંત લગભગ પોણો કલાક બાદ પાછો ફર્યો. એના હાથમાં એક તપેલી હતી. એમાં કોઈક વસ્તુ હતી. એ વોર્ડમાં ગયો. તપેલી પત્નીની સામે ધરીને એણે કહ્યું, ‘આ ખાઈ જા! ગુરુદેવની આજ્ઞા છે. સુવાવડ નોર્મલ રીતે થઈ જશે.’

ત્વિષાનાં નાકમાં દુર્ગંધનું ઝાપટું પ્રવેશી ગયું. એણે ચીસોમાં ‘બ્રેક’ પાડીને તપેલીમાં નજર ફેંકી. અંદર ગાયનું છાણ ભરેલું હતું. (કોઈ માને યા ન માને, પણ આ શત-પ્રતિશત સત્યઘટના છે.)
‘આ કેવી રીતે ખવાય? આ તો છાણ છે?’ ત્વિષા બોલી ઊઠી.
‘શટઅપ! ગુરુદેવના પ્રસાદને તું છાણ કહે છે? મારે તારી એક પણ વાત સાંભળવી નથી. મારો સ્વભાવ તું જાણે છેને?’ પ્રશાંતનો અવાજ ભયંકર બની ગયો.

ત્વિષા એના પતિના સ્વભાવને સારી રીતે જાણતી હતી. ઉપરથી સુશિક્ષિત દેખાતો પ્રશાંત ભીતરથી પૂરેપૂરો ‘ધણી’ હતો. એકવીસમી સદીની હવા હજુ એને સ્પર્શી જ ન હતી. પત્ની એ એને મન દાસી હતી.
ત્વિષા સમજી ગઈ કે જો એ પતિનું કહેવું નહીં માને તો એ આ વાત પર એને ડિવોર્સ આપવાની હદ સુધી જઈ શકે છે. ત્વિષાનાં મમ્મી-પપ્પા બાપડાં લાચાર હતાં. જમાઈ આગળ કશું જ બોલી શકવાની કોઈની હિંમત ન હતી. 

ત્વિષા નાક બંધ કરીને ઊબકા અનુભવતી એ તપેલીમાં હતું એ બધું છાણ ખાઈ ગઈ.
બે કલાક થઈ ગયા. મેં મશીનની મદદથી પ્રશાંતને ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા સંભળાવ્યા. હવે ભાઈસાહેબ ધ્રૂજી ગયા, ‘સર, તમારે જે કરવું હોય તે કરો, મારા બાળકને બચાવી લો પ્લીઝ.’
એનેસ્થેટિસ્ટ આવ્યા. 

ત્વિષાની હોજરીમાં પડેલું છાણ નળી વાટે બહાર કાઢ્યું. પછી એનેસ્થેસિયા આપ્યું. સિઝેરિયન સંપન્ન થયું. દીકરો જન્મ્યો તો ખરો, પણ એ શ્વાસ લેતો ન હતો. સદ્્ભાગ્યે નિઓનેટોલોજિસ્ટ હાજર હતા. એમણે બાળકને બચાવી લીધું. આ ઘટનાને આજે વર્ષો થઈ ગયાં, પણ જ્યારે યાદ કરું છું ત્યારે મારા મનમાં એક-બે સવાલો ઊઠે છે: આ દેશમાં બાબાઓ-ગુરુદેવો-બાપુઓ કેટલી હદ સુધી પ્રજાના દિમાગ પર છવાયેલા છે? પીએચ.ડી. થયેલો યુવાન પણ આટલી અંધશ્રદ્ધા ધરાવી શકે તો અલ્પશિક્ષિત ભક્તોનું તો પૂછવું જ શું? અને બાપડી ત્વિષા! છાણ પણ ખાવું પડ્યું અને નોર્મલ ડિલિવરી પણ ન થઈ! 

હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ, આંખ મીચું ને બસ પાંપણ સુધી તો આવ


હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ, આંખ મીચું ને બસ પાંપણ સુધી તો આવ

સજન શાહે લગ્ન માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું. પણ સારો બેટ્સમેન જેમ પહેલી ઓવરના પહેલા જ દડે ક્લીન બોલ્ડ થઇ જાય એવું જ એની સાથે બન્યું. એણે પ્રથમ કન્યા-રત્ન જોયું એ જ એની આંખમાં વસી ગયું. સજનની ફોઇએ તો એને કહ્યું પણ ખરું, ‘ભ’ઇ, આવું તે કંઇ હોતું હશે? આપણું ઘર ઊંચું છે, બિઝનેસ મોટો છે, તારા બાપાની આબરૂ સારી છે, તારામાં પણ કંઇ કહેવા જેવું નથી, હું તો માનું છું કે તારે એકસો એક છોકરીઓ જોઇ લેવી જોઇએ. પછી જ નિર્ણય લેવાય.’

વિધવા ફોઇ સજનના પરિવારમાં જ રહેતાં હતાં. પપ્પા, મમ્મી, ફોઇ અને સજન, આટલો જ પરિવાર હતો. ફોઇની વાત સાવ સાચી હતી. સજનના પપ્પા મુકુંદભાઇએ જાત-મહેનતથી બિઝનેસ જમાવ્યો હતો. એક નાની ફેક્ટરીથી શરૂઆત કરીને વીસ વર્ષમાં મુકુંદરાય વાર્ષિક બારસો કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી ગયા હતા. સજન એની જ્ઞાતિનો ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ હતો. એનો દેખાવ, એની સ્માર્ટનેસ, એની ડિગ્રી, એના પપ્પાની આર્થિક સમૃદ્ધિ આ બધું સર્વશ્રેષ્ઠ હતું. એ જ્ઞાતિની કે સમાજની કોઇ પણ રૂપસુંદરી તરફ પાંપણનો પલકારો મારે તો એ સુંદરી એના જીવનમાં આવી પડે.
આવા યુવાને પ્રથમ મુલાકાતમાં જ ગતિ નામની છોકરી માટે હા પાડી દીધી.

સ્વયં ગતિને પણ સજનના આવા ત્વરિત નિર્ણયથી આશ્ચર્ય થયું હતું.
એણે તો હસીને પૂછી પણ લીધું હતું, ‘ખરાં છો તમે! હજુ તો આપણે બે-પાંચ વાક્યોની જ આપ-લે કરી છે. નથી તમે મને એક પણ સવાલ પૂછ્યો. મારી આવડત, મારા શોખ, મારું ભણતર, મને રાંધતાં આવડે છે કે નહીં, મારો સ્વભાવ, આ બધું તો તમે પૂછ્યું જ નહીં. બસ, આપણે મળ્યાં, હસ્યાં, ચાર-પાંચ વાક્યો બોલ્યાં એટલામાં જ તમે મને પસંદ કરી લીધી?’

‘હા, તમને પસંદ કરવા માટે આટલું જ જરૂરી હતું.’
‘તો પછી બીજાં યુવાનો અને યુવતીઓ મેરેજનું નક્કી કરતાં પહેલાં ડેટિંગ કરે છે, એકબીજાને સમજવા માટે સો-બસો સવાલોનું પ્રશ્નપત્ર તૈયાર કરે છે, એ બધું તમને વ્યર્થ લાગે છે?’
સજન હસી પડ્યો, ‘વ્યર્થ નહીં, વાહિયાત લાગે છે.’

‘વાહિયાત?’
‘હા, વાહિયાત. લગ્ન પહેલાંની મુલાકાતો, ઇન્ટર્વ્યૂઝ, એકમેકને જાણવાનો પ્રયાસ આ બધું જ વાહિયાત હોય છે. સામેના પાત્રને છેતરવાનો અભિનય હોય છે. આવી મુલાકાતોમાં બંને પાત્રો પોતાનાં શ્રેષ્ઠ પાસાઓ રજૂ કરવાનો જ પ્રયાસ કરતા હોય છે. ક્યારેય કોઇ એવું કબૂલ નથી કરતું કે મારામાં આટલી-આટલી ખામીઓ છે. શ્રેષ્ઠ વસ્ત્રો, શ્રેષ્ઠ મેકઅપ, સારી સારી વાતો, મિલનસાર સ્વભાવ વગેરે વગેરે. એક વાર લગ્ન થઇ જાય, એ પછી ભીતરમાં ભંડારાયેલા અવગુણોનું પોટલું સપાટી પર ડોકાય છે અને પછી લગ્નજીવનમાં ગરબડો થવા માંડે છે.’

‘તો પછી તમે મારામાં શું જોયું?’
‘તારો દેખાવ. તારું રૂપ. તારી સ્માર્ટનેસ. તારું સ્મિત. સાચું કહું તો બાહ્ય શારીરિક સૌંદર્ય જ એક માત્ર એવી ‘વસ્તુ’ છે જે યથાર્થ સ્વરૂપમાં જોઇ શકાય છે. હા, થોડો-ઘણો મેકઅપ કરીને તમે એમાં પણ ચમક-દમક ઉમેરી શકો છો, પણ નાક-નકશો મહદંશે બદલાતો નથી. માટે મેં તો તારું રૂપ જ જોયું છે. માંહ્યલા ગુણ તો મહાદેવ જાણે!’

પોતાના રૂપની પ્રશંસા કઇ સ્ત્રીને સાંભળવી ન ગમે? ગતિ પણ ખુશ થઇ ઊઠી. એણે તો સજન સાથેની મુલાકાત પહેલાં જ જાણી લીધું હતું કે એ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છે. એની સાથેના ચાર ફેરા એટલે જિંદગીનું આમૂલ પરિવર્તન! સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતાના ઘરમાંથી ઊંચકાઇને રાતોરાત સમૃદ્ધિથી ઊભરાતા પતિના ઘરમાં પહોંચી જવાની ચમત્કારિક ઘટના.
જે નિર્ણય લેવાનો હતો તે માત્ર સજને જ લેવાનો હતો. ગતિએ તો માત્ર પ્રગતિ જ કરવાની હતી.

ચટ્ટ મંગની, પટ્ટ બ્યાહ! બંનેનાં લગ્ન ઊજવાઇ ગયાં. સજનના પપ્પા મુકુંદભાઇએ લગ્નના ચાર દિવસ પહેલાં છાનાછપના ગતિના ઘરે જઇને ભાવિ વેવાઇના હાથમાં પચાસ લાખ રૂપિયા મૂકી દીધા, ‘વેવાઇ, મન મૂકીને ખર્ચ કરજો. અમારું ખરાબ દેખાવું ન જોઇએ.’
રૂપનો ખજાનો ધનના ખજાના સાથે જોડાઇ ગયો. સજનનો શયનખંડ સમૃદ્ધિથી તો ચમકતો જ હતો, હવે એ સૌંદર્યથી પણ ઝગમગી ઊઠ્યો.

એક મહિનાનું ‘હનીમૂન’ સ્વિટ્ઝર્લેન્ડમાં માણીને સજન-ગતિ ઘરે પાછાં ફર્યાં. જિંદગી ધીમે ધીમે ફરીથી રોજિંદા ઢાંચામાં ગોઠવાતી ગઇ.
સજને પિતાનો બિઝનેસ સંભાળી લીધો. એક દિવસ એકાંતની પળોમાં ગતિએ સજનની આગળ વાત મૂકી, સજન, આખો દિવસ હું ઘરમાં રહીને કંટાળી જઉં છું. મારા માટે કોઇ કામ છે જ નહીં. ઘરકામ માટે દસ-બાર ફુલટાઇમ માણસો રાખેલા છે. આમ ને આમ તો હું છ મહિનામાં જાડી થઇ જઇશ. મારું ફિગર બગડી જશે.

‘ના, હો! એવું તો મને જરા પણ નહીં ગમે. તારે શું કરવું છે? જીમ જોઇન કરવું છે?’
‘હા, એ તો કરીશ જ, પણ મારો વિચાર આપણી ઓફિસમાં રસ લેવાનો થાય છે. તારો બોજ પણ હળવો થશે અને મારો સમય પણ પસાર થશે.’
‘ઇટ્સ એ ગુડ આઇડિયા. સારા કામમાં મોડું શા માટે? હું આવતી કાલે જ મેનેજરને કહીને તારા માટે અલગ ઓફિસ તૈયાર કરવાની વ્યવસ્થા કરાવું છું. પહેલી તારીખથી તું આવવાનું શરૂ કરી દેજે.’ સજને પત્નીની ઇચ્છાને વધાવી લીધી.

એ પછીના મહિનાની પહેલી તારીખથી ગતિએ બિઝનેસમાં પતિની જવબદારી અંશત: સંભાળી લેવાનું શરૂ કર્યું. અઢીસો કર્મચારીઓનો સમૂહ ઉત્સાહમાં આવી ગયો. સિનેમાની હિરોઇન જેવી આકર્ષક દેખાતી ગતિ બધાને ગમી ગઇ. એના દેખાવ ઉપરાંત બધાંની સાથેનું એનું વર્તન પણ ખૂબ સારું હતું.
સજન પણ પત્નીની કામગીરીથી ખુશ હતો. એક દિવસ એણે જ સામે ચાલીને કહ્યું, ‘હું જોઉં છું કે તારું કામ દિન-પ્રતિદિન વધતું જાય છે.’

‘હા, મને પણ લાગે છે કે હું એકલી આટલા બધાં કામને પહોંચી શકતી નથી.’
‘આઇ સજેસ્ટ યુ વન થિંગ.’
‘શું?’

‘તું એક પર્સનલ આસિસ્ટન્ટ રાખી લે. શી વિલ લૂક આફ્ટર ઓલ યોર વર્ક. ભલે એને સેલેરી આપવી પડે. પણ તારા કામનો બોજો અડધો થઇ જશે.’
ગતિએ એક અઠવાડિયામાં પતિના સૂચનને અમલમાં મૂકી દીધું, જોકે આ કામ માટે આવેલી દસેક છોકરીઓમાંથી એક પણ એને પસંદ પડી નહીં, ન છૂટકે એક યુવાન પર એણે મહોર મારવી પડી.
મોનાર્ક તરવરિયો યુવાન હતો. ભલે એ આર્ટ્સ ગ્રેજ્યુએટ હતો પણ એનામાં ધંધાકીય સૂઝ-સમજ સારી એવી હતી. એનામાં ઓફિસ વર્ક ઉપરાંત બહારનું બેન્કનું કામકાજ, ખરીદીનું કામ, પબ્લિસિટી વર્ક ઉપરાંત ગતિનાં અંગત પરચૂરણ કામો કરી આપવાની ફાવટ પણ સારી એવી હતી.

‘મોનાર્ક, અમારા માટે કોલકાતાની ફ્લાઇટની બે ટિકિટ્સ બુક કરાવી લાવીશ? મોનાર્ક, આજે અમારા માટે હોટેલ મેરીડિયનમાં બે ટેબલ્સ રિઝર્વ કરાવી આપીશ? મોનાર્ક, આજે મારા ડેડીનો બર્થ ડે છે, હું ગિફ્ટ લેવા જઇ શકું તેમ નથી, તું પ્લીઝ...?’ ગતિ પૂર્ણપણે મોનાર્કની આવડત પર આધાર રાખતી થઇ રહી.
ક્યારેક ગતિએ સ્વયં પણ મોનાર્કની સાથે બહાર જવું પડતું હતું. ગિફ્ટની પસંદગી કંઇ મોનાર્ક એકલો થોડો કરી શકે?

ધીમે ધીમે ઓફિસમાં ગણગણાટ થવા માંડ્યો. સજનના કાન પર વાત આવી. મેડમ અને મોનાર્ક રોજ પાંચ-છ કલાક ક્યાંક ગાયબ થઇ જાય છે. સાહેબ, જરાક નજર રાખો.
સજને નજર રાખી તો ચોંકી જવાય તેવું સત્ય બહાર આવ્યું. ગતિ અને મોનાર્ક દૂરના એક ખાલી બંગલામાં રોજ સુંવાળું સાંનિધ્ય માણવા ઊપડી જતાં હતાં.
ગતિના મોબાઇલમાં સચવાયેલા ઢગલાબંધ મેસેજીઝ વાંચીને સજનને ખાતરી થઇ ગઇ કે એમનો પગારદાર કર્મચારી મોનાર્ક તો ગતિનો ‘જાનૂ’ અને ‘મોનુ’ બની બેઠો હતો.

ખરા આઘાતની વાત હવે આવે છે. એક રાતે સજને પત્નીને સામે બેસાડીને આકરી પૂછપરછ શરૂ કરી. ગતિએ કહી દીધું, ‘મોનાર્ક અને હું વર્ષોથી પ્રેમમાં હતાં, છીએ અને રહીશું. એ કોલેજમાં પણ મારી સાથે જ હતો.’
સજને ભયંકર ઝઘડો કર્યો. પરિણામ શું આવ્યું? ગતિ એના ઘરમાંથી નીકળી ગઇ. ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી દીધી. પ્રતિષ્ઠા જવાના ડરથી સજને સમાધાન કરી લીધું. પચાસ કરોડ રૂપિયા આપીને ગતિને મુક્ત કરી દીધી.

આજે ગતિ, મોનાર્ક પતિ-પત્ની છે. નાના પાયે ધંધાની શરૂઆત કરી રહ્યાં છે. સજન હજુ બેવફાઇના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.