મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જિંદગી તારો ઈશારો જોઈએ
2000-2001ના સમયની ઘટના. ઉનાળાના દિવસો. અયોધ્યાપુરમ તીર્થધામ ખાતેથી જૈન સાધુઓ વિહાર કરતાં કરતાં શ્રીશંખેશ્વર તીર્થની દિશામાં જતા હતા. સૂરજના આકરા તાપથી બચવા માટે વિહારની શરૂઆત વહેલી સવારે (લગભગ પાંચ વાગ્યે જ) કરી દીધી હતી.
અચાનક પૂ. મુનીશ્રી મેઘચંદ્રસાગરજી મહારાજ સાહેબ નામના સાધુ ભગવંતને છાતીમાં દુખાવો ઉપડ્યો. સાથે અન્ય સાધુ ભગવંતો હતા એમણે જોયું કે મુનીશ્રી બેસી પડ્યા છે.
‘સાહેબશ્રી, શું થાય છે?’ એક યુવાન સાધુએ પૂછ્યું.
મુનિશ્રીએ માત્ર ઇશારાથી જણાવ્યું. બાકીનું બધું એમની મુખરેખાઓ કહી આપતી હતી. આખો ચહેરો પરસેવાથી તરબોળ બની ગયો હતો. શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. એક ડગલું પણ ભરી શકાય એમ લાગતું ન હતું.
અન્ય સાધુઓએ પરિસ્થિતિનું સાચું બયાન કર્યું, ‘સાહેબ, ગમે તેમ કરીને પણ વિહાર ચાલુ રાખવો જ પડશે. સૂરજ માથા પર આવતો જાય છે. નજીકમાં નજીકનું ગામ પાટડી છે. જે કંઈ સારવાર થઈ શકશે તે ત્યાં જ થઈ શકશે. જો અહીં જ અટકી જઈશું તો અંતરિયાળ...’
મુનિશ્રીએ આછું સ્મિત ફરકાવ્યું, પછી પીડાભરેલા સ્વરે કહ્યું, ‘મેં ક્યાં અહીં રોકાઈ જવાનું કહ્યું છે? સાધુ તો ચલતા ભલા! આપણા સહુના માથે જિન પરમાત્મા બેઠા છે. ચાલો, વિહાર કરીએ. નમો અરિહંતાણમ્...!નમો સિદ્ધાણમ્...’
લથડતા પગ, પસીનાથી નીતરતો દેહ, છરી ફરતી હોય એવી વેદનાથી વીંધાતો સીનો અને નવકાર મહામંત્રના રટણથી આગળ ધપતાં ચરણો.
આખરે મધ્યાહ્્નના બાર વાગ્યે પાટડીનાં મકાનો દેખાયાં. થોડી વાર પછી સાધુઓ પાટડીના ઉપાશ્રયે આવી પહોંચ્યા. હવે મુનિશ્રીની તબિયત અતિશય ગંભીર રૂપ ધારણ કરી ચૂકી હતી. તરત જ એમને લાકડાની પાટ પર સુવડાવી દેવામાં આવ્યા.
સમાચાર મળતાંમાં જ પાટડીના ભાવિક શ્રાવકો ઉપાશ્રયમાં દોડી આવ્યા. મુનિશ્રીની સ્થિતિ જોઈને તાબડતોબ એક એલોપેથીના જાણકાર ડોક્ટરને વિઝિટ માટે બોલાવી લીધા.
ડોક્ટરે કેટલાક પ્રશ્નો પૂછ્યા. પછી શારીરિક તપાસ કરી. પછી નિદાન જાહેર કર્યું, ‘ગેસ ટ્રબલ જેવું લાગે છે. હું સાદી ગોળીઓ આપું છું. એ ગળાવી દો. કલાકમાં ગેસનો ગોળો બેસી જશે. હવે આજે તો વિહાર નથી કરવાનોને?’
‘જો તમે ના પાડતા હો તો વિહાર નહીં કરીએ. બાકી અમારો વિચાર તો નમતી બપોરે અહીંથી શંખેશ્વરની દિશામાં...’
ડોક્ટરે ખોંખારીને કહી દીધું, ‘તો અહીં રોકાવાની કંઈ જરૂર નથી. તમે તમારા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધી શકો છો.’ ડોક્ટર ગયા. થોડીવાર પછી એક વૈદ્યરાજ પધાર્યા. બીજા એક શ્રાવક એમને આમંત્રણ આપી આવ્યા હતા. સામાન્ય રીતે તમામ તબીબો (પછી તે કોઈ પણ શાખાના હોય) સાધુ-સંતો પ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિભાવ ધરાવતા હોય છે. શક્ય હોય ત્યાં સુધી વિઝીટ ફી કે સારવારની ફી પણ સ્વીકારતા હોતા નથી.
(જો સારવારનો ખર્ચો મોટો થતો હોય તો શ્રાવક આગેવાનો એમની રીતે બધું ‘મેનેજ’ કરી લેતા હોય છે.)
વૈદ્યરાજે મુનિશ્રીની નાડ તપાસી. જીભથી લઈને પેટ સુધીની ઝીણવટભરી શારીરિક તપાસ કરી. મુનિશ્રીના આહાર અને વિહાર વિશે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા. પછી એલોપેથીના ડોક્ટરના નિદાન સાથે પોતાની સહમતિ જાહેર કરી દીધી, ‘વાયુ અને પિત્તનો પ્રકોપ થયો છે. આવી ધાણીફોડ ગરમીમાં ભૂખ્યા પેટે વિહાર કર્યો એનું જ આ પરિણામ લાગે છે. હું ઔષધ સૂચવું છું. આરામ થઈ જશે.’
‘ધન્યવાદ વૈદ્યરાજ! અમે ચાર વાગ્યે આગળનો વિહાર કરી શકીશુંને?’
‘અવશ્ય.’ વૈદ્યરાજ વિદાય થયા. બપોરે ચારેક વાગ્યે પુન: વિહાર શરૂ થયો. દવાઓની કોઈ જ અસર કળાતી ન હતી. દર્દ ક્રમશ: તીવ્રતા પકડતું જતું હતું. કવિ અશરફ ડબાવાલાની પંક્તિઓ જેવી હાલત હતી, ‘ડગલું એક ભરવાનાયે હોશ નથી ને ડગલું એક ભરું તો એનાં ફળિયાં આવે.’
ખરેખર આવું જ હતું. પસીનાથી લથબથ શરીર અને હાંફતાં ફેફસાંનો ચાલતી ધમણ જેવો અવાજ અને એ બધાની ઉપર હવામાં ગુંજતા આ નાદ: ‘નમો અરિહંતાણમ્! નમો...!’
સૂરજ ડૂબતા પહેલાં સાધુજનો શંખેશ્વર ધામમાં પધારી ગયા. એમના સમુદાયના ગુરુદેવ પ.પૂ.આ. શ્રી બંધુબેલડી ધર્મકાર્યમાં વ્યસ્ત હતા. બંધુબેલડી એટલે શ્રી અયોધ્યાપુરમ તીર્થધામના સ્વપ્નદૃષ્ટા પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસાગર સૂરિજી મહારાજ અને એમના વડીલબંધુ પ. પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂ.મ.સા.
વ્યાધિગ્રસ્ત મુનિશ્રી મેઘચંદ્રસાગરજી તો છાતી પર હાથ દબાવીને પાટ પર સંથારો કરી ગયા. રાતભર તડપતા રહ્યા. બીજા દિવસે પૂ. ગુરુદેવને આખી વાતની જાણ થઈ. તેઓ સમજી ગયા કે મામલો ગંભીર છે. શું થયું છે એની તો કોઈને શંકા ન હતી, પણ જે કંઈ થયું છે તે સામાન્ય નથી એટલું તો સમજાઈ ગયું. પૂ. ગુરુદેવે શિષ્યના મસ્તક પર વાસક્ષેપ નાખી અને સલાહ આપી ‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું શરણ સ્વીકારો અને નવકાર મંત્રનો જાપ સાથે વિહાર શરૂ કરી દો. આજે જ પાટણ પહોંચી જાવ. ત્યાં હાર્ટના સ્પેશિયાલિસ્ટ પાસે નિદાન કરાવો. મને ઘણું બધું સમજાઈ રહ્યું છે.’
આમ તો આવી સ્થિતિમાં પગે ચાલીને વિહાર કરાય જ નહીં, ડોલીમાં બેસીને જ જવું જોઈએ, પણ અડતાળીસમાં વર્ષે દીક્ષા લેનાર મુનિશ્રી મેઘચંદ્રસાગરજીએ અત્યાર સુધીના સાધુજીવનમાં ક્યારેય ડોલીનો સહારો સ્વીકાર્યો ન હતો. પૂ. ગુરુદેવના આશીર્વાદ લઈને મુનિશ્રીએ િવહાર શરૂ કર્યો. સાથે એક જ સાધુ હતા. પાટણ સુધીનો રસ્તો બે કલાકનો હતો, પણ છાતીનો દુખાવો એટલો તીવ્ર હતો કે મુનિશ્રીએ દર સો ડગલાં ચાલ્યા પછી થોડી વાર માટે થંભી જવું પડતું હતું. આવી રીતે બે કલાકનું અંતર ચાર કલાકમાં કાપીને મુનીશ્રી પાટણ આવી પહોંચ્યા. છેલ્લું થોડુંક અંતર બાકી બચ્યું હતું ત્યારે પૂ. ગુરુદેવે તબિયતના સમાચાર પૂછવા શ્રાવક પાસે પૂછપરછ કરાવી. સ્થિતિ ગંભીર જાણીને એમણે શ્રાવકોને સૂચના આપી, ‘મુનીશ્રીનો જીવ જોખમમાં છે. ડોલીની વ્યવસ્થા કરાવો.’
પાટણના હાર્ટ સ્પેશિયાલિસ્ટે કાર્ડિયોગ્રામ કાઢ્યો. બીજા ટેસ્ટ્સ પણ કર્યા. પછી આશ્ચર્યપૂર્ણ અવાજમાં પૂછ્યું, ‘તમે અહીં સુધી પહોંચ્યા શી રીતે? તમને ખબર છે કે તમને શું થયું છે? છેલ્લા ચોવીસ કલાકમાં તમને બે ભારે અને એક હળવો એમ ત્રણ-ત્રણ હૃદયરોગના હુમલાઓ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં પથારીમાંથી ઊભું થવું એ પણ મોતને આમંત્રણ આપવા જેવું ગણાય. તમે પાટડીથી શંખેશ્વર અને શંખેશ્વરથી પાટણ સુધી પગે ચાલીને..?’
કઈ દવા હતી? કયો આઇ.સી.યુ. હતો? એરકન્ડિશન્ડ કોર્પોરેટ હોસ્પિટલની કઈ સઘન સારવાર હતી? જેના કારણે મુનિશ્રી જીવિત રહી શક્યા? પછીથી આ વાતને સંભારીને અનેક વાર મુનિશ્રી આવું કહેતા હતા, ‘આઇ.સી.યુ. હતો મારા દેવગુરુની કૃપાનો! અને સારવાર હતી નવકાર મંત્રના જાપની!’ મુનિશ્રીનો ચાતુર્માસ મુંબઈ ખાતે નિર્ધારિત થયો. ત્યાં એન્જિયોગ્રાફી કરાવી તો જાણવા મળ્યું કે હૃદયને લોહી પૂરું પાડતી તમામ નળીઓ 90% જેટલી અવરુદ્ધ છે. હવે પછી ક્યાંય પણ જવું હોય તો ડોલીમાં બેસીને જ જવું, પગપાળા વિહાર કરવો નહીં અને બાયપાસ સર્જરી આજે શક્ય હોય તો આવતી કાલ પર ન ઠેલવી.
મુનીશ્રી મેઘચંદ્રસાગરજીએ એ પછી મુંબઈથી ભાવનગરનો વિહાર કર્યો. આહારમાં કડક સંયમ. ઘી ચોપડ્યા વગરની ફૂલકા રોટલી, બાફેલી દૂધીનું શાક અને બાફેલા મગ પર આખું જીવન ખેંચી કાઢ્યું. ભાવનગરથી ચેન્નાઈ જવાનું થયું. બે હજાર કિમી. કાપવાનો પડકાર હતો. ગુરુદેવે ડોલીનો ઉપયોગ કરવાની છૂટ આપી, પણ આ શિષ્ય સાધુજીવનની આચારસંહિતા પાળવા માટે મક્કમ હતા. સંપૂર્ણ વિહાર પગે ચાલીને સંપન્ન કર્યો. રોજ નવકાર મંત્રની પચાસ-પચાસ માળા કરી. આકરાં તપ આદર્યાં અને પાર પાડ્યાં. જૈન ધર્મશાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. 2017 સુધીના આયુષ્યકાળમાં કુલ દસહજાર કિમી. જેટલો પગપાળા વિહાર કર્યો.
શું આ મેડિકલ સાયન્સની હાર ગણી શકાય? કે પછી અદમ્ય ઇચ્છાશક્તિનો દૈહિક અવસ્થા પરનો અપ્રતિમ વિજય ગણાય?! ભાવનગર પહોંચીને જ્યારે મુનીશ્રીએ બીજી વાર એન્જિયોગ્રાફી કરાવી ત્યારે કાર્ડિયોલોજિસ્ટ એ રિપોર્ટ જોઈને દંગ રહી ગયા. કહે, ‘આ બંને રિપોર્ટ્સ એક જ દર્દીના હોઈ જ ન શકે.’ હવે તો વિજ્ઞાન પણ સ્વીકારે છે મનુષ્યનું મન સર્વોપરી છે અને એનું શરીર એ મનની સૂચનાને અનુસરે છે. ગંભીરમાં ગંભીર બીમારીને પણ મક્કમ મનોબળથી હંફાવી શકાય છે અને હરાવી શકાય છે. આ જૈન મુનિશ્રીએ આ વાતને સિદ્ધ કરી આપી.
સૌથી મોટું આશ્ચર્ય તો એ વાતનું છે કે મુનીશ્રી મેઘચંદ્રસાગરજીએ સ્વયં સ્ફુરણાથી કે સંયમ માર્ગ પ્રત્યેના પ્રબળ આકર્ષણના કારણથી દીક્ષા અંગીકાર કરી ન હતી. મૂળ ઇન્દૌરના આ મધ્યમવર્ગીય વેપારીના જ્યેષ્ઠ પુત્રે જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની વાત કરેલી ત્યારે એમણે જબરદસ્ત વિરોધ કર્યો હતો. પૂ. ગુરુદેવ સાથે પણ શાબ્દિક યુદ્ધ કરી લીધું હતું, પણ જ્યારે દીક્ષાધર્મ સ્વીકારી લીધો ત્યારે પિતા પણ સંયમના પંથે ચાલી નીકળ્યા. પછી તો એમના બીજા પુત્ર, એક પુત્રી અને પત્ની એમ આખા પરિવારે દીક્ષા લઈ લીધી અને એક વાર દીક્ષા લઈ લીધી તો એને દીપાવી લીધી.
ક્યારેક મુનિશ્રી ભૂતકાળની ઘટનાને યાદ કરીને કહેતા હતા, ‘હું જાણું છું કે મૃત્યુ અફર છે. હું મોતથી ડરતો નથી. હું ત્યારે પણ ભયભીત થયો ન હતો જ્યારે અયોધ્યાપુરમથી શંખેશ્વર તરફ વિહાર કરતી વખતે પાટડી પાસે મને હાર્ટએટેક આવ્યો હતાે. હા, મને એક વાતનો અફસોસ રહી ગયો હોત, જો મારો દેહ ત્યાં પડી ગયો હોત. જો ઇચ્છામૃત્યુનું વરદાન આપવામાં આવે તો હું સિદ્ધાંચલ પર્વત પર દેહ છોડવાનું પસંદ કરું.’ ખરેખર એવું જ બન્યું. પૂ. ગુરુદેવની નિશ્રામાં છત્રીસ દિવસનો છ’રીપાલક સંઘ નીકળ્યો. એમાં મુનીશ્રી મેઘચંદ્રસાગરજી પણ સામેલ હતા.
થોડાક દિવસો પહેલાં જ લાંબો વિહાર પૂર્ણ કરીને પાલીતાણાનો પહાડ ચડીને શ્રી આદિશ્વર દાદાના શરણમાં એમણે દેહ ત્યાગી દીધો. ન કશીયે પીડા, ન કશોય અફસોસ. મૃત્યુનો પણ ઉત્સવ મનાવીને ગયા. હૃદય એમને ડગલું પણ ભરવાની ઇજાજત નહોતું આપતું, એ જ હૃદય સાથે તેમણે દસ હજાર કિમીનો પંથ કાપી બતાવ્યો. પાટડીથી પાલિતાણા સુધી પહોંચવામાં એક તપ કરતાં વધારે યુગ વીતી ગયો. અંતરિયાળ પાદર? અને ક્યાં શ્રી આદિશ્વરદાદાનું ફળિયું? પણ જેને શ્રદ્ધા તારે છે સંજોગો ક્યારેય ડુબાડતા નથી.
જૈનમ્ જયતિ શાસનમ્! {
(શીર્ષક પંક્તિ: શૂન્ય પાલનપુરી)
No comments:
Post a Comment