Thursday, July 13, 2017

જબ રૂહ મેં ઉતર જાતા હૈ બેપનાહ ઇશ્ક કા સમંદર, લોગ જિંદા તો હોતે હૈ મગર કિસી ઔર કે અંદર


જબ રૂહ મેં ઉતર જાતા હૈ બેપનાહ ઇશ્ક કા સમંદર, લોગ જિંદા તો હોતે હૈ મગર કિસી ઔર કે અંદર
મિતિ જવાબ આપતાં પહેલાં પૂરી ત્રણ મિનિટ સુધી મંત્રની સામે જોઈ રહી. કોઈ છોકરો અચાનક આવું પૂછી બેસે કે ‘હું તમને ચાહું છું; તમને મારો પ્રસ્તાવ કબૂલ છે?’ ત્યારે સાંભળનાર યુવતી ભલેને ગમે તે ધર્મની હોય, તો પણ એના દિમાગમાં નિકાહ કરાવતા કાઝીના શબ્દો ગુંજવા લાગે: ‘તુમ્હેં યે શાદી કુબૂલ હૈ?’

અહીં તો મિતિ પણ હિંદુ હતી અને મંત્ર પણ હિંદુ હતો. મંત્ર સૌરાષ્ટ્રનો હતો અને મિતિ અમદાવાદની. બંને એક જ કૉલેજમાં સાથે ભણતાં હતાં. વર્ષ અલગ હતું. વર્ગ પણ અલગ-અલગ હતો. બંનેનાં મિત્રવર્તુળો પણ જુદાં હતાં. એટલે તો મંત્રને ફરજ પડી કે પોતાના દિલની વાત એણે સ્વયં મિતિને જણાવવી પડી.

મિતિ બુદ્ધિશાળી હતી. સંસ્કારી હતી. અઢી અક્ષરના શબ્દના ચોકલેટી આકર્ષણમાં મુગ્ધ બની જઈને આંધળુકિયા કરી નાખે એવી મૂઢ ન હતી. એણે પૂરેપૂરી સ્વસ્થતા સાથે જવાબ આપ્યો, ‘જુઓ, મિ. તમે જે કોઇ હો તે! હું તમારું નામ જાણતી નથી. કાસ્ટ પણ જાણતી નથી. તમારા ખાનદાન વિશે પણ મારી પાસે કશી જ માહિતી નથી. માટે હું તમારો પ્રસ્તાવ સ્વીકારતી નથી.’
‘એમાં જ્ઞાતિ, જાતિ, કુટુંબની વાત વચ્ચે ક્યાં આવે છે? પ્રેમ તો.....’

‘જસ્ટ એ મિનિટ! પ્રેમ? કેવો પ્રેમ? કોને થયો પ્રેમ? ક્યારે થયો પ્રેમ? તમને મારા પ્રત્યે થયો હશે, મને તો નથી થયો. મેં તમને કેમ્પસમાં જોયેલા તો છે, પણ હું બીજું કશું જ જાણતી નથી. અને પ્રેમ એ એક એવી તાળી છે, જે હંમેશાં બે હાથથી જ પડે છે.’ ‘મૈં વો બલા હૂં જો શીશે સે પથ્થર કો તોડતા હૂં.’ આટલું બોલીને મંત્રએ જમણો હાથ હવામાં ઉઠાવ્યો. ચાર આંગળીઓ જોરથી હથેળી સાથે અથડાવી. હળવો અવાજ ઊઠ્યો. મંત્રે કહ્યું, ‘તાળી એકલા હાથથી પણ પડી શકે છે.’

મિતિએ ગુમાનમાં મસ્તક ઉઠાવ્યું, ‘તો પાડ્યા કરો એક હાથની તાળી આખી જિંદગી! બીજો હાથ માંગવા શા માટે આવ્યા છો?’
મિતિનો ટોણો સાંભળીને મંત્રનું સંપૂર્ણ અભિમાન ઓસરી ગયું.
‘તો શું હું તમારી ના સમજી લઉં?’

‘ના, એવું મેં ક્યારે કહ્યું?’
‘તો મારે શું સમજવું? હા પાડતા નથી, ના કહેતા નથી.’ મંત્ર મૂંઝાઇ ગયો, ‘મારે કરવું શું?’
‘જસ્ટ વેઇટ એન્ડ વૉચ. મને વિચારવા માટે સમય...’

‘કેટલો સમય?’
‘જેટલો મારે જોઇએ એટલો.’ મિતિએ રૂપગર્વિતાના અંદાઝમાં કહ્યું, ‘હું મારી રીતે તમારા વિશે બધી તપાસ કરીશ. પછી જો મને સંતોષ થશે તો હા પાડીશ.’
‘પણ ધારો કે તમે એમાં ને એમાં બે-ચાર વર્ષ કાઢી નાખો તો?’

‘તો તમારે બીજી કોઇ યુવતીની સાથે પરણી જવું. આ દિલનો સોદો છે, જનાબ, આમાં ઉતાવળ ન હોય!’
મંત્ર ખરેખર મિતિને ચાહતો હતો; એણે મિતિની વાતને મંજૂર રાખી દીધી. છ-આઠ મહિના વીતી ગયા. આ દરમિયાન મિતિએ હોમવર્ક કરી લીધું. એણે આજુ-બાજુ, ચારે બાજુએથી મંત્ર વિશેની માહિતી એકઠી કરવા માંડી.

પછી એક કાગળ પર ખાનાં પાડીને પોઇન્ટ્સ આપવાનું શરૂ કર્યું. દેખાવ: હેન્ડસમ. સ્માર્ટનેસ: જોરદાર. અભ્યાસમાં મધ્યમ. ચારિત્ર્ય: ટનાટન. સ્વભાવ: મળતાવડો. આર્થિક સ્થિતિ: મધ્યમ. પરિવાર: સૌરાષ્ટ્રના એક નાના ટાઉનમાં. સભ્યો: મમ્મી, પપ્પા અને મંત્ર. ભવિષ્ય: ઉજ્જ્વળ કારણ કે મંત્ર ભલે અત્યારે મિડલક્લાસમેન હોય પણ જીવનભર એ મિડલક્લાસમાં સબડવા માટે તૈયાર નથી. એ ગમે તેમ કરીને સુખ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતો તેજસ્વી યુવાન છે.

દરેક મુદ્દાની સામે અપાયેલા પોઇન્ટ્સનો જ્યારે સરવાળો કરવામાં આવ્યો ત્યારે મિતિએ જોયું કે કુલ સોમાંથી એંશી ગુણ મેળવીને મંત્ર જ્વલંત રીતે પાસ જાહેર થતો હતો. મિતિએ એક બપોરે સામે ચાલીને મંત્રને કહી દીધું, ‘મારી હા છે. પણ એક શરત છે મારી. સગાઈ કરતાં પહેલાં તારા અને મારા પરિવારની સંમતિ લેવી ફરજિયાત છે.’ ‘ઓહ! એ તો ક્યારે મળશે? હજુ તો હું વીસ જ વર્ષનો થયો છું.  મારા પપ્પા હું પચીસનો થાઉં તે પહેલાં મારા લગ્નનો વિચાર પણ નહીં કરે. ત્યાં સુધી આપણે શું કરવાનું? મંજીરાં વગાડવાનાં?’

‘ના, મંજીરાં વગાડવાની જરૂર નથી; ત્યાં સુધી આપણે મહોબ્બત કરીશું. વી વિલ બી વેરી ગુડ ફ્રેન્ડ્ઝ. વી વિલ બી વેરી ફેઇથફુલ લવર્સ.’
‘ડન!’ મંત્રે આ વાત સ્વીકારી લીધી. એ પછી શરૂ થયો મિતિ અને મંત્ર વચ્ચેની અકાટ્ય મોહબ્બતનો અવિરત સિલસિલો. એ કૉલેજના ઇતિહાસમાં ક્યારેય કોઇ બે પ્રેમી-પ્રેમિકાએ આ હદ સુધીનો ઉત્કટ પ્રેમ નહીં કર્યો હોય. દરેક સારી વાતનો ક્યારેક અંત આવે જ છે. કોલેજકાળનો પણ એક દિવસ અંત આવ્યો. મંત્ર એક વર્ષ આગળ હતો. મિતિને હજુ એક વર્ષ ભણવાનું બાકી હતું.

છૂટા પડતી વખતે મિતિએ પૂછ્યું, ‘હવે શું કરવાનો વિચાર છે તારો?’
‘મારે કંઇક કરવું તો પડશે જ. આ ડિગ્રીનો કાગળ મને દસ-પંદર હજારથી વધુ કમાણી નહીં અપાવી શકે. હું ઘરે જઇને મમ્મી-પપ્પાની સાથે બેસીને કશુંક વિચારીશ. પછી જે કંઇ નક્કી કરીશ એ તને જણાવીશ. તારા ઘરનો ફોન નંબર મારી પાસે છે.’

‘પણ તારા ઘરનો ફોન નંબર મારી પાસે નથી.’
‘ક્યાંથી હોય! મારા ઘરે ફોન જ નથી તો...!!’ મંત્ર હસીને છૂટો પડ્યો.
આ એ જમાનાની વાત છે જ્યારે આપણા દેશમાં હજુ પેજર પણ પ્રવેશ્યાં ન હતાં; સેલફોનની વિભાવના તો ક્ષિતિજ પર પણ ડોકાતી ન હતી.

મંત્ર વચન આપીને ગયો, ‘મારી વાટ જોજે. હું પાછો આવીશ.’ અને પછી ન તો મંત્ર આવ્યો, ન એના કોઇ સમાચાર આવ્યા.
છ મહિના, બાર મહિના, બીજું વર્ષ, ત્રીજું વરસ. શરૂમાં મિતિને અપાર આશા હતી, પછી ધીમે ધીમે ધીરજ ખૂટતી ગઇ; આશા તૂટતી રહી.
હવે મિતિની વય લગ્નને લાયક થતી હતી. ચોવીસમા વર્ષમાં પહોંચેલી છોકરી માટે પપ્પાએ છોકરાઓ જોવાનું શરૂ કર્યું. મિતિ ચિંતાગ્રસ્ત હતી. એ પોતાની રીતે તપાસ તો ચલાવતી જ રહેતી હતી કે મંત્રનું શું થયું. ક્યાંયથી એને મંત્રના પપ્પાના ઘરનું સરનામું ન મળ્યું. ક્યાંયથી ઊડતા સમાચાર જાણવા મળ્યા કે મંત્ર તો છેલ્લાં 2-3 વર્ષથી ક્યાંક પરદેશ ઊડી ગયો છે.

‘ક્યો દેશ? ક્યું શહેર? એડ્રેસ? ફોન નંબર? આ બધા પ્રશ્નો હતા જે માત્ર પ્રશ્નો જ રહ્યા; જવાબો ક્યારેય ન મળ્યા.
છોકરીની જાત. એ પણ સુંદર અને જુવાન. ક્યાં સુધી પપ્પાની સામે ઝીંક ઝીલી શકે?
‘બેટા, હવે તું કોઇ પણ સારો છોકરો પસંદ કરી લે.’ પપ્પાએ આગ્રહ કર્યો.

‘પપ્પા, હું શું કરું? મને કોઇ ગમવું તો જોઇએ ને!’
‘તને કેવો છોકરો ગમે?’
‘મને....’ મિતિ હોઠો પર આવેલું નામ ગળી ગઇ, ‘પપ્પા, મને એ મુરતિયો ગમશે જે તમને પસંદ હશે.’

‘ખરેખર, બેટા? હું પસંદ કરીશ એને તું સ્વીકારી લઇશ?’
‘હા, પપ્પા. વચન આપું છું. મારે હવે એક પણ મુરતિયો જોવો નથી. તમે જ નક્કી કરી નાખજો. મને જ્યારે કહેશો ત્યારે પાનેતર પહેરીને માંડવામાં બેસી જઇશ.’
પપ્પાને દીકરીની નિર્લેપતા સમજાણી નહીં. એ તો હમણાં જ આવેલા એક માગાના વિચારોમાં ખોવાઈ ગયા હતા. મિતિના ફુવાની બહેનની નણંદનો છોકરો હતો.

એનો ફોટો જોઇને જ પપ્પા પોઝિટિવ બની ગયા હતા.
મુરતિયાને પણ કન્યાનો ફોટો બતાવવામાં આવ્યો. એણે મોં મચકોડીને કહ્યું, ‘હં....મ...મ...મ...! છોકરી દેખાય છે તો સારી, પણ ફોટામાં તો બધાયે સારા જ લાગે. પ્રત્યક્ષ જોયા વગર હું હા નહીં પાડું.’
પપ્પાએ કહ્યું, ‘મિતિ, આ રવિવારે બપોરે છોકરો એના પૂરા ફેમિલીની સાથે આપણા ઘરે તને જોવા માટે આવવાનો છે.’

‘પપ્પા, મેં કહ્યું તો ખરું કે મારે છોકરો નથી જોવો....’
‘હા, દીકરી! પણ એ તને જોયા વગર સગાઇ કરવાની ના પાડે છે. એકવાર એને મળી લેવામાં શો વાંધો છે? તું જરા હસતું મોઢું રાખીને રવિવારે એને.....’
રવિવારે મુરતિયો દસ જણાંને લઇને આવી પહોંચ્યો. મમ્મી, પપ્પા, મામા, મામી, બે પિતરાઇ બહેનો, બે માસીઓ, બે માસાઓ.

મિતિ એના બેડરૂમમાં તૈયાર થતી હતી. મહેમાનો ડ્રોઇંગ રૂમમાં બેઠા. જલપાનની વિધિ સંપન્ન થઈ.
પપ્પાએ બૂમ મારી, ‘મિતિ....! બેટા! આવજે તો....!’ બધાની નજરો મિતિની દિશામાં મંડાઈ ગઈ. અને ઠસ્સાદાર રાજકુમારી જેવી મિતિ મંથર ગતિએ ચાલતી દીવાનખંડમાં પધારી. સોફામાં બેસતાં પહેલાં એણે પાંપણો ઉઠાવી.

સામે બેઠેલો મુરતિયો જોયો. કોરાધાકોર આસમાનમાં આષાઢી મેઘગર્જના ઊઠી. એવું લાગ્યું જાણે છાતીનું પિંજર તોડીને હૃદય હમણાં બહાર આવી જશે!
‘મંત્ર......!!! તું?’
‘હા, મિતિ! મને તો તારો ફોટો જોઇને જ ખબર પડી ગઇ હતી. પણ મેં તને જોવાનું નાટક કર્યું.’

‘પણ તું અત્યાર સુધી ક્યાં હતો?’
‘હું ઑસ્ટ્રેલિયામાં હતો. ત્યાં જ છું. મારી ડાયરી ખોવાઇ ગઇ હતી. ન તારો નંબર હતો, ન કોઇ કૉમન મિત્ર. જો હતો તો ફક્ત એક વિશ્વાસ કે ગમે એટલાં વર્ષો વીતી જાય તો પણ ઈશ્વર આપણને ભેગાં કરશે જ. અને હું તારી સામે છું.’

એ પછી સમય ઓગળી ગયો. હૈયા પીગળી ગયા. ગીલા-શિકવા નીકળી ગયા. આજે મિતિ-મંત્ર પતિ-પત્ની છે અને એક દીકરાની સાથે
સુખી છે.

No comments:

Post a Comment