Thursday, July 13, 2017

એટલે ભટક્યા કરું છું એક શબ્દથી બીજા શબ્દમાં, ક્યાંક કદાચ હું મળી જાઉં મને, મને ગમતા અંદાજમાં


એટલે ભટક્યા કરું છું એક શબ્દથી બીજા શબ્દમાં, ક્યાંક કદાચ હું મળી જાઉં મને, મને ગમતા અંદાજમાં
લવ હોસ્ટેલના બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર આવ્યો. એના રૂમ-પાર્ટનર ઇપ્સિતને આશ્ચર્ય થયું. આ ભાઈ સાહેબ સવારે તો નાહ્યા હતા; સાંજે બીજી વાર નહાવાનું કારણ શું હશે? પણ ઇપ્સિતે પોતાની જિજ્ઞાસા પર કાબૂ રાખ્યો. એ પથારીમાં પડ્યો પડ્યો સ્વ. પન્નાલાલ પટેલની નવલકથા વાંચી રહ્યો હતો. પણ લવની હિલચાલમાં ઇપ્સિતને નવલકથા જેટલો જ રસ પડ્યો.

લવ ટોવેલ વીંટીને રૂમમાં ફરી રહ્યો હતો અને ગુનગુનાવી રહ્યો હતો: ‘આજ ઉન સે પહેલી મુલાકાત હોગી... ફિર આમને સામને બાત હોગી....ફિર હોગા ક્યા....? ક્યા પતા... ક્યા ખબર...’
‘મને ખબર છે કે પછી શું થવાનું છે!’

ઇપ્સિતે પથારીમાંથી જ લવના ભવિષ્ય ઉપર પ્રકાશ ફેંકી દીધો.
લવ ચોંકી ગયો, ‘અરે! તું સાંભળી ગયો? નો પ્રોબ્લેમ. તને ખબર પડે કે ન પડે, શું ફરક પડવાનો છે?’

‘કેમ એવું કહે છે?’
‘જો, દોસ્ત! તું રહ્યો પુસ્તકિયો કીડો! તને રસ માત્ર એક જ વાતમાં છે. વાર્તાઓ, નવલકથાઓ, ગીતો, ગઝલો અને પ્રવાસ-વર્ણનો વાંચવામાં. તું રહ્યો થિયરીનો માણસ! અને હું તો છું પ્રેક્ટિકલનો વિદ્યાર્થી!’
‘કંઈક સમજાય એવું બોલ.’

‘જો તું યુરોપ-અમેરિકાના પ્રવાસવર્ણનો વાંચે એટલામાં જ તને વિદેશ ફરી આવ્યાનો સંતોષ મળી જાય છે; જ્યારે મને તો કાંકરિયા રૂબરૂ જવામાં જ આનંદ મળે છે. એવું જ પ્રેમની બાબતમાં પણ છે. તને પ્રસન્નદેવી, મંજરી, જીવી અને રોહિણીનું પાત્રલેખન વાંચવામાત્રથી પ્રેમમાં પડવાની અનુભૂતિ મળી જાય છે.’
‘અને તને?’

‘મને?’ લવે ભીના વાળમાં કાંસકો ફેરવ્યો, ‘મને તો પાંચ ફીટ, સાત ઇંચની ગુલાબી કાયા સામે બેઠેલી હોવી જોઈએ. એનાં વીસ ટકા વસ્ત્રોમાંથી છલકતો એંશી ટકા અનાવૃત દેહ મારી પહોંચમાં હોય એટલો નિકટ હોવો જોઈએ. એના ગળામાંથી ટપકતા મધમીઠા વાક્ય-સમૂહો મારા કાનમાં ઠલવાતા હોવા જોઈએ. એની મોટી આંખોમાંથી છલકાતો રૂપનો આસવ મને વ્હિસ્કીના નશાની જેમ ધીમે ધીમે ચડતો જવો જોઈએ અને......’

‘બસ! બસ! મારે વધારે કંઇ નથી સાંભળવું. માત્ર એ રૂપના આસવનું નામ જણાવી દે એટલે બહુ થયું.’
‘નામ? ના હોં! એનું નામ તો હું કોઈને નહીં જણાવું. હજુ આજે તો મેં માંડ એને રૂબરૂ મુલાકાત માટે રાજી કરી છે. હજુ તો એને પટાવવાની પણ બાકી છે. જો એનું નામ જાહેર થઈ જાય તો બીજા ઘણા યે મિત્રો એવા છે જે અમારા પ્રેમના પેચમાં લંગશિયું નાખી શકે છે. સોરી! નામ નહીં જણાવું. આજ ઉનસે પહલી મુલાકાત હોગી.....ફિર....’

લવે ગઇ કાલે જ ખરીદેલું જીન્સ ચડાવ્યું. બ્રાન્ડેડ ટી શર્ટ પહેર્યું. એના મામા અમેરિકાથી લઇ આવેલા તે નવા રંગીન સ્પોર્ટ્સ શૂઝ ધારણ કર્યાં. ‘કોબ્રા’ પર્ફ્યૂમના ફુવારાઓ છાંટીને અડધી બોટલ ખાલી કરી નાખી. પછી નિયત સમય કરતાં પંદર મિનિટ પહેલાં એ બહાર નીકળ્યો.

‘સાવ ઘેલો!’ પથારીમાં પડેલો ઇપ્સિત હસી પડ્યો, ‘સાલાનું નામ એની ફોઇએ લક્ષણો પ્રમાણે જ પાડ્યું છે. દર રવિવારે કોઈ ને કોઈ છોકરીને પટાવવા માટે નીકળી પડે છે. પણ છેલ્લાં બે વર્ષમાં કોઈ એની જાળમાં ફસાતી નથી. પાછો મારો બેટો મારી મજાક ઉડાવતો ફરે છે!!  હંહ!!’

ઇપ્સિતની મજાક એકલો લવ જ નહીં પણ આખા કેમ્પસના તમામ છોકરાઓ ઉડાવતા રહેતા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં અલગ-અલગ વિદ્યાશાખાઓની અનેક હોસ્ટેલ આવેલી હતી. સેંકડો વિદ્યાર્થીઓ હતા. કોઈ ગરીબ, કોઈ મધ્યમ વર્ગીય, કોઈ ધનવાન પરિવારમાંથી આવેલા હતા. એમની લિવિંગ સ્ટાઇલ અલગ હતી, પણ બધાંની બિલિવિંગ સ્ટાઇલ એકસરખી જ
હતી. છોકરીઓ પટાવવામાં બધાંને એક સમાન રસ હતો.

જેમ ઈશ્વર વિશે એવું કહેવાય છે કે મંજિલ એક જ છે, પણ એને પામવાના માર્ગો એટલે કે ધર્મો જુદા-જુદા છે. એવું જ પ્રેમિકાને વિશે પણ કહી શકાય. કેમ્પસમાં બધાંની મંજિલ એક જ હતી, પણ ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ, વિચારો અને સાધનો જુદાં જુદાં હતાં.

સાયન્સ ફેકલ્ટીનો ગોલ્ડમેડલિસ્ટ વિદ્યાર્થી પંકજ પૂંઠાવાલા કહેતો હતો, ‘તમારે ધારી પ્રેમિકાને પાડવી છે? તો ખૂબ મન લગાવીને અભ્યાસ કરો. પરીક્ષામાં તમારી ફર્સ્ટ રેન્ક આવશે એટલે આ બધાં રૂપનાં પડીકાઓ તમારી તરફ દોડી આવશે.’

આર્ટ્સનો જહોન અબ્રાહમ ગણાતો બિંદેશ બોડીવાલા દૃઢપણે માનતો હતો, ‘છોકરીઓને મસલમેન જ ગમે છે. સ્ત્રી સ્વયં એક નાજુક બાંધાનું કોમળ માનવ-પાત્ર છે. એને પોતાનું રક્ષણ કરી શકે તેવો ‘મેચોમેન’ જ પસંદ પડે છે. એટલે તો હું રોજના પાંચ-પાંચ કલાક જીમમાં પડ્યો રહું છું. બંદાની નજર આપણી કૉલેજની બ્યુટી ક્વીન ઉપર મંડરાઈ રહી છે.’

કોમર્સનું નાક ગણાતો રોનક ઝવેરી બધાને કહેતો ફરતો હતો- ‘તમને બધાને સાચી વાતની ખબર જ નથી. છોકરીઓના વિષય ઉપર મેં પીએચ.ડી. કરેલું છે. આ તિતલીઓ છે ને એ પૂરી મહત્ત્વાકાંક્ષી હોય છે. એમની નજર એક જ ટાર્ગેટ પર હોય છે: પૈસો. જો તમારે શ્રેષ્ઠ રૂપસુંદરી પામવી હોય તો મબલખ રૂપિયા કમાવા પડે. મને સાયન્સમાં એડમિશન મળતું હતું; એ છોડીને હું કોમર્સમાં આવ્યો છું.

પૂછો કે શા માટે? એટલા માટે કે મારે અબજોપતિ થવું છે. પાંચ વર્ષ પછી મારી પાસે એવો બિઝનેસ હશે જે મને આ શહેરનો સૌથી વધારે પૈસાદાર પુરુષ બનાવી શકશે અને મારી પાસે એટલું ઊજળું ભવિષ્ય હશે જે મને આપણા કેમ્પસની શ્રેષ્ઠ સુંદરીનો સ્વામી બનાવી શકે.’

ઇપ્સિત અને લવ બાયોલોજી ડિપાર્ટમેન્ટના પી.જી. સ્ટુડન્ટસ હતા. લવ એમના ક્લાસનો સૌથી રંગીન મિજાજ છોકરો હતો. એનો ફન્ડા સ્પષ્ટ અને જગજાહેર હતો, ‘છોકરીઓ બીજું કશું જ નથી જોતી, યાર! ન બંગલો, ન ગાડી, ન બિઝનેસ, ન બોડી! છોકરીઓ માત્ર છોકરાને જ જુએ છે. એમાં ય પાછું એવું નથી કે છોકરો ચોકલેટી હીરો જેવો દેખાવો જોઇએ. ફુલ પેકેજ સારું હોય એ જરૂરી છે.’
‘ફુલ પેકેજ એટલે?’ ઇપ્સિત જેવો કોઇ ભોળિયો પૂછી બેસતો હતો.

‘ફુલ પેકેજ એટલે પચાસ ટકા છોકરાનું થોબડું સારુ હોવું જોઇએ. વીસ ટકા સ્માર્ટનેસ. વીસ ટકા સ્ટાઇલિશ અદાઓ. દસ ટકામાં કપડાં અને શૂઝ વગેરે આવી જાય. એક નૂર આદમી, હજાર નૂર કપડાં/ લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં!’

આવી માન્યતા ધરાવતો લવ દર રવિવારે હજાર, લાખ અને કરોડ નૂરનો સરવાળો સાથે લઇને નીકળી પડતો હતો. ત્રણ-ચાર કલાકના ફિલ્ડવર્કના અંતે ભીનાં કપડાં જેવો થઇને પાછો ફરતો હતો. ચહેરા પરનું નૂર અદૃશ્ય થઈ જતું હતું.

પણ એનો આત્મવિશ્વાસ બુલંદ હતો, ‘ઇપ્સિત! તું સાલો બોચિયો છે બોચિયો! આ ગુજ્જુ લેખકોની વાર્તાઓ વાંચી વાંચીને તારું દિમાગ સડી ગયું છે. તું કાગળ પર ચિતરાયેલા રૂપનાં વર્ણનો જ વાંચ્યા કરજે. હું એક દિવસ આપણી કૉલેજનું સૌથી સુંદર, મઘમઘતું ગુલાબ મારા બેડરૂમમાં ગોઠવી દઈશ.’

‘પણ મને એનું નામ તો આપ?’
‘નો! નો.....નો... નો... નો... નો! મને મિત્રોની દાનત પર વિશ્વાસ નથી. એનું નામ તો તમને મારાં લગ્નની કંકોતરીમાં જ વાંચવા મળશે.’ અને કામદેવનો અવતાર બનીને લવ નીકળી પડ્યો.

આ વખતે લવે બહુ ઊંચું નિશાન તાક્યું હતું. છેલ્લાં બબ્બે વર્ષથી મિસ યુનિવર્સિટીનો ખિતાબ જીતી જનારી અનુપમ લાવણ્યમયી અવધિ શાહ લવને ખૂબ ગમી ગઇ હતી. આમ તો અવધિ બધાંને ગમતી હતી; પણ એના જેવી ખૂબસૂરત રૂપગર્વિતા કોઈને રિસ્પોન્સ ન જ આપે એવું માનીને કોઇ છોકરાએ આજ સુધી એને પ્રપોઝ કરવાની હિંમત કરી ન હતી.

લવનું ગણિત સાવ સાદું હતું: ‘દાણો તો ચાંપી જોઇએ. જો એ ના પાડશે તો મારે કંઇ ગુમાવવાનું નથી; પણ જો એણે હા પાડી દીધી તો અપની તો નિકલ પડી રે.....!’
ઇપ્સિતના મનમાં એવું હતું કે લવ બે-ત્રણ કલાક પછી જ પાછો ફરશે. દર વખતે લવ કોઈ ને કોઇ છોકરીને પટાવવા માટે ત્રણેક કલાક અને ત્રણેક હજાર રૂપિયા તો ખર્ચી જ નાખતો હતો. એટલે આજે પણ.....!

પણ આ વખતે સાવ ન ધારેલું હોય તેવું બની ગયું. લવ અડધા કલાકમાં જ ધોયેલા મૂળાની જેવો ચહેરો લઇને પાછો આવ્યો.
‘કેમ, શું થયું? સિંહ કે શિયાળ?’ ઇપ્સિતે પૂછ્યું.

‘કૂતરો.’ લવના જવાબમાં ગુસ્સો ફૂટી રહ્યો.
‘અરે, પણ શું થયું એ તો કહે.’

‘થાય શું? અમે મળ્યાં. કૉફી શોપમાં બેઠાં. હજી તો હું ઓર્ડર આપું એ પહેલાં જ એણે મને કહી દીધું- ‘મિ. લવ! તમે મારી બાબતમાં જરા પણ આગળ વધવાનું વિચારતા હો તો અહીંથી જ પાછા વળી જજો. હું બીજી છોકરીઓ જેવી નથી. મને દેખાવ, સ્માર્ટનેસ, સફળતા, પૈસો કે કોરી બૌદ્ધિકતાથી કોઇ પુરુષ જીતી શકે તેવી જરા પણ શક્યતા નથી. આ બધું હું જોઇને બેઠી છું. મારા પપ્પા અબજપતિ છે.

મોટાભાઇ આઇ. એ.એસ. છે. નાનો ભાઈ ફિલ્મોમાં કામ કરે છે. મારો કઝીન હમણાં જ બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં વિજેતા બન્યો છે. મને માત્ર એવો યુવાન આકર્ષી શકશે જે સાહિત્યનો પ્રેમી હોય. પુસ્તકો જેનો પ્રાણ હોય. કવિતા જેનો શ્વાસ હોય અને નવલિકા જેનું દિલ હોય....!’ મેં એને પૂછ્યું કે આવું શા માટે!’

‘ત્યારે એણે શો જવાબ આપ્યો?’
‘એણે કહ્યું કે આ દેશના મોટા મોટા નેતાઓના, પોલીસ અધિકારીઓના, માફિયાઓના અને બિલ્ડરોના બંગલાઓમાં ભૈતિક સુખનાં તો બધાં સાધનો ઉપલબ્ધ હશે, પણ બે સારાં પુસ્તકો જોવા નહીં મળે. હું માનું છું કે સારા પુસ્તકનું વાંચન એ આપણા આત્માનો ખોરાક છે. ઇપ્સિત, એ મૂર્ખ છોકરીએ મને હડધૂત કરીને હાંકી કાઢ્યો.’ લવ રડમસ થઇ ગયો.

ઇપ્સિતે નવલકથા બાજુ પર મૂકી દીધી; પછી કંઈક વિચારીને પૂછ્યું, ‘દોસ્ત, એ છોકરીનું નામ અવધિ શાહ છે?’લવ ચોંકી ઊઠ્યો, ‘હા, પણ તને કેવી રીતે ખબર પડી?’ ઇપ્સિત હસ્યો, ‘મને તો ખબર જ હોય ને! અમારી મુલાકાતો સિનેમા ઘરના અંધારામાં નથી યોજાતી, પણ અમે તો પુસ્તકાલયોના ઉજાસમાં મળીએ છીએ. મારે તને અવધિ વિશે વધુ કંઇ નથી કહેવું.

આવતા ડિસેમ્બરમાં મારાં લગ્નની કંકોતરીમાં એનું નામ વાંચી લેજે.’ લવને ચક્કર આવી ગયાં. આજે એને પહેલીવાર જિંદગીનું શાશ્વત સત્ય સમજાયું કે દરેક વખતે લાખ નૂર ટાપટીપ કે કરોડ નૂર નખરાં કામમાં નથી આવતાં; ક્યાંક ક્યાંક, ક્યારેક ક્યારેક પુસ્તકોનું અજવાળું પણ એક અબજ સૂર્યોના સામટા અજવાળા જેવું તેજસ્વી સાબિત થતું હોય છે.

No comments:

Post a Comment