હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ, આંખ મીચું ને બસ પાંપણ સુધી તો આવ
સજન શાહે લગ્ન માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું. પણ સારો બેટ્સમેન જેમ પહેલી ઓવરના પહેલા જ દડે ક્લીન બોલ્ડ થઇ જાય એવું જ એની સાથે બન્યું. એણે પ્રથમ કન્યા-રત્ન જોયું એ જ એની આંખમાં વસી ગયું. સજનની ફોઇએ તો એને કહ્યું પણ ખરું, ‘ભ’ઇ, આવું તે કંઇ હોતું હશે? આપણું ઘર ઊંચું છે, બિઝનેસ મોટો છે, તારા બાપાની આબરૂ સારી છે, તારામાં પણ કંઇ કહેવા જેવું નથી, હું તો માનું છું કે તારે એકસો એક છોકરીઓ જોઇ લેવી જોઇએ. પછી જ નિર્ણય લેવાય.’
વિધવા ફોઇ સજનના પરિવારમાં જ રહેતાં હતાં. પપ્પા, મમ્મી, ફોઇ અને સજન, આટલો જ પરિવાર હતો. ફોઇની વાત સાવ સાચી હતી. સજનના પપ્પા મુકુંદભાઇએ જાત-મહેનતથી બિઝનેસ જમાવ્યો હતો. એક નાની ફેક્ટરીથી શરૂઆત કરીને વીસ વર્ષમાં મુકુંદરાય વાર્ષિક બારસો કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી ગયા હતા. સજન એની જ્ઞાતિનો ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ હતો. એનો દેખાવ, એની સ્માર્ટનેસ, એની ડિગ્રી, એના પપ્પાની આર્થિક સમૃદ્ધિ આ બધું સર્વશ્રેષ્ઠ હતું. એ જ્ઞાતિની કે સમાજની કોઇ પણ રૂપસુંદરી તરફ પાંપણનો પલકારો મારે તો એ સુંદરી એના જીવનમાં આવી પડે.
આવા યુવાને પ્રથમ મુલાકાતમાં જ ગતિ નામની છોકરી માટે હા પાડી દીધી.
સ્વયં ગતિને પણ સજનના આવા ત્વરિત નિર્ણયથી આશ્ચર્ય થયું હતું.
એણે તો હસીને પૂછી પણ લીધું હતું, ‘ખરાં છો તમે! હજુ તો આપણે બે-પાંચ વાક્યોની જ આપ-લે કરી છે. નથી તમે મને એક પણ સવાલ પૂછ્યો. મારી આવડત, મારા શોખ, મારું ભણતર, મને રાંધતાં આવડે છે કે નહીં, મારો સ્વભાવ, આ બધું તો તમે પૂછ્યું જ નહીં. બસ, આપણે મળ્યાં, હસ્યાં, ચાર-પાંચ વાક્યો બોલ્યાં એટલામાં જ તમે મને પસંદ કરી લીધી?’
‘હા, તમને પસંદ કરવા માટે આટલું જ જરૂરી હતું.’
‘તો પછી બીજાં યુવાનો અને યુવતીઓ મેરેજનું નક્કી કરતાં પહેલાં ડેટિંગ કરે છે, એકબીજાને સમજવા માટે સો-બસો સવાલોનું પ્રશ્નપત્ર તૈયાર કરે છે, એ બધું તમને વ્યર્થ લાગે છે?’
સજન હસી પડ્યો, ‘વ્યર્થ નહીં, વાહિયાત લાગે છે.’
‘વાહિયાત?’
‘હા, વાહિયાત. લગ્ન પહેલાંની મુલાકાતો, ઇન્ટર્વ્યૂઝ, એકમેકને જાણવાનો પ્રયાસ આ બધું જ વાહિયાત હોય છે. સામેના પાત્રને છેતરવાનો અભિનય હોય છે. આવી મુલાકાતોમાં બંને પાત્રો પોતાનાં શ્રેષ્ઠ પાસાઓ રજૂ કરવાનો જ પ્રયાસ કરતા હોય છે. ક્યારેય કોઇ એવું કબૂલ નથી કરતું કે મારામાં આટલી-આટલી ખામીઓ છે. શ્રેષ્ઠ વસ્ત્રો, શ્રેષ્ઠ મેકઅપ, સારી સારી વાતો, મિલનસાર સ્વભાવ વગેરે વગેરે. એક વાર લગ્ન થઇ જાય, એ પછી ભીતરમાં ભંડારાયેલા અવગુણોનું પોટલું સપાટી પર ડોકાય છે અને પછી લગ્નજીવનમાં ગરબડો થવા માંડે છે.’
‘તો પછી તમે મારામાં શું જોયું?’
‘તારો દેખાવ. તારું રૂપ. તારી સ્માર્ટનેસ. તારું સ્મિત. સાચું કહું તો બાહ્ય શારીરિક સૌંદર્ય જ એક માત્ર એવી ‘વસ્તુ’ છે જે યથાર્થ સ્વરૂપમાં જોઇ શકાય છે. હા, થોડો-ઘણો મેકઅપ કરીને તમે એમાં પણ ચમક-દમક ઉમેરી શકો છો, પણ નાક-નકશો મહદંશે બદલાતો નથી. માટે મેં તો તારું રૂપ જ જોયું છે. માંહ્યલા ગુણ તો મહાદેવ જાણે!’
પોતાના રૂપની પ્રશંસા કઇ સ્ત્રીને સાંભળવી ન ગમે? ગતિ પણ ખુશ થઇ ઊઠી. એણે તો સજન સાથેની મુલાકાત પહેલાં જ જાણી લીધું હતું કે એ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છે. એની સાથેના ચાર ફેરા એટલે જિંદગીનું આમૂલ પરિવર્તન! સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતાના ઘરમાંથી ઊંચકાઇને રાતોરાત સમૃદ્ધિથી ઊભરાતા પતિના ઘરમાં પહોંચી જવાની ચમત્કારિક ઘટના.
જે નિર્ણય લેવાનો હતો તે માત્ર સજને જ લેવાનો હતો. ગતિએ તો માત્ર પ્રગતિ જ કરવાની હતી.
ચટ્ટ મંગની, પટ્ટ બ્યાહ! બંનેનાં લગ્ન ઊજવાઇ ગયાં. સજનના પપ્પા મુકુંદભાઇએ લગ્નના ચાર દિવસ પહેલાં છાનાછપના ગતિના ઘરે જઇને ભાવિ વેવાઇના હાથમાં પચાસ લાખ રૂપિયા મૂકી દીધા, ‘વેવાઇ, મન મૂકીને ખર્ચ કરજો. અમારું ખરાબ દેખાવું ન જોઇએ.’
રૂપનો ખજાનો ધનના ખજાના સાથે જોડાઇ ગયો. સજનનો શયનખંડ સમૃદ્ધિથી તો ચમકતો જ હતો, હવે એ સૌંદર્યથી પણ ઝગમગી ઊઠ્યો.
એક મહિનાનું ‘હનીમૂન’ સ્વિટ્ઝર્લેન્ડમાં માણીને સજન-ગતિ ઘરે પાછાં ફર્યાં. જિંદગી ધીમે ધીમે ફરીથી રોજિંદા ઢાંચામાં ગોઠવાતી ગઇ.
સજને પિતાનો બિઝનેસ સંભાળી લીધો. એક દિવસ એકાંતની પળોમાં ગતિએ સજનની આગળ વાત મૂકી, સજન, આખો દિવસ હું ઘરમાં રહીને કંટાળી જઉં છું. મારા માટે કોઇ કામ છે જ નહીં. ઘરકામ માટે દસ-બાર ફુલટાઇમ માણસો રાખેલા છે. આમ ને આમ તો હું છ મહિનામાં જાડી થઇ જઇશ. મારું ફિગર બગડી જશે.
‘ના, હો! એવું તો મને જરા પણ નહીં ગમે. તારે શું કરવું છે? જીમ જોઇન કરવું છે?’
‘હા, એ તો કરીશ જ, પણ મારો વિચાર આપણી ઓફિસમાં રસ લેવાનો થાય છે. તારો બોજ પણ હળવો થશે અને મારો સમય પણ પસાર થશે.’
‘ઇટ્સ એ ગુડ આઇડિયા. સારા કામમાં મોડું શા માટે? હું આવતી કાલે જ મેનેજરને કહીને તારા માટે અલગ ઓફિસ તૈયાર કરવાની વ્યવસ્થા કરાવું છું. પહેલી તારીખથી તું આવવાનું શરૂ કરી દેજે.’ સજને પત્નીની ઇચ્છાને વધાવી લીધી.
એ પછીના મહિનાની પહેલી તારીખથી ગતિએ બિઝનેસમાં પતિની જવબદારી અંશત: સંભાળી લેવાનું શરૂ કર્યું. અઢીસો કર્મચારીઓનો સમૂહ ઉત્સાહમાં આવી ગયો. સિનેમાની હિરોઇન જેવી આકર્ષક દેખાતી ગતિ બધાને ગમી ગઇ. એના દેખાવ ઉપરાંત બધાંની સાથેનું એનું વર્તન પણ ખૂબ સારું હતું.
સજન પણ પત્નીની કામગીરીથી ખુશ હતો. એક દિવસ એણે જ સામે ચાલીને કહ્યું, ‘હું જોઉં છું કે તારું કામ દિન-પ્રતિદિન વધતું જાય છે.’
‘હા, મને પણ લાગે છે કે હું એકલી આટલા બધાં કામને પહોંચી શકતી નથી.’
‘આઇ સજેસ્ટ યુ વન થિંગ.’
‘શું?’
‘તું એક પર્સનલ આસિસ્ટન્ટ રાખી લે. શી વિલ લૂક આફ્ટર ઓલ યોર વર્ક. ભલે એને સેલેરી આપવી પડે. પણ તારા કામનો બોજો અડધો થઇ જશે.’
ગતિએ એક અઠવાડિયામાં પતિના સૂચનને અમલમાં મૂકી દીધું, જોકે આ કામ માટે આવેલી દસેક છોકરીઓમાંથી એક પણ એને પસંદ પડી નહીં, ન છૂટકે એક યુવાન પર એણે મહોર મારવી પડી.
મોનાર્ક તરવરિયો યુવાન હતો. ભલે એ આર્ટ્સ ગ્રેજ્યુએટ હતો પણ એનામાં ધંધાકીય સૂઝ-સમજ સારી એવી હતી. એનામાં ઓફિસ વર્ક ઉપરાંત બહારનું બેન્કનું કામકાજ, ખરીદીનું કામ, પબ્લિસિટી વર્ક ઉપરાંત ગતિનાં અંગત પરચૂરણ કામો કરી આપવાની ફાવટ પણ સારી એવી હતી.
‘મોનાર્ક, અમારા માટે કોલકાતાની ફ્લાઇટની બે ટિકિટ્સ બુક કરાવી લાવીશ? મોનાર્ક, આજે અમારા માટે હોટેલ મેરીડિયનમાં બે ટેબલ્સ રિઝર્વ કરાવી આપીશ? મોનાર્ક, આજે મારા ડેડીનો બર્થ ડે છે, હું ગિફ્ટ લેવા જઇ શકું તેમ નથી, તું પ્લીઝ...?’ ગતિ પૂર્ણપણે મોનાર્કની આવડત પર આધાર રાખતી થઇ રહી.
ક્યારેક ગતિએ સ્વયં પણ મોનાર્કની સાથે બહાર જવું પડતું હતું. ગિફ્ટની પસંદગી કંઇ મોનાર્ક એકલો થોડો કરી શકે?
ધીમે ધીમે ઓફિસમાં ગણગણાટ થવા માંડ્યો. સજનના કાન પર વાત આવી. મેડમ અને મોનાર્ક રોજ પાંચ-છ કલાક ક્યાંક ગાયબ થઇ જાય છે. સાહેબ, જરાક નજર રાખો.
સજને નજર રાખી તો ચોંકી જવાય તેવું સત્ય બહાર આવ્યું. ગતિ અને મોનાર્ક દૂરના એક ખાલી બંગલામાં રોજ સુંવાળું સાંનિધ્ય માણવા ઊપડી જતાં હતાં.
ગતિના મોબાઇલમાં સચવાયેલા ઢગલાબંધ મેસેજીઝ વાંચીને સજનને ખાતરી થઇ ગઇ કે એમનો પગારદાર કર્મચારી મોનાર્ક તો ગતિનો ‘જાનૂ’ અને ‘મોનુ’ બની બેઠો હતો.
ખરા આઘાતની વાત હવે આવે છે. એક રાતે સજને પત્નીને સામે બેસાડીને આકરી પૂછપરછ શરૂ કરી. ગતિએ કહી દીધું, ‘મોનાર્ક અને હું વર્ષોથી પ્રેમમાં હતાં, છીએ અને રહીશું. એ કોલેજમાં પણ મારી સાથે જ હતો.’
સજને ભયંકર ઝઘડો કર્યો. પરિણામ શું આવ્યું? ગતિ એના ઘરમાંથી નીકળી ગઇ. ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી દીધી. પ્રતિષ્ઠા જવાના ડરથી સજને સમાધાન કરી લીધું. પચાસ કરોડ રૂપિયા આપીને ગતિને મુક્ત કરી દીધી.
આજે ગતિ, મોનાર્ક પતિ-પત્ની છે. નાના પાયે ધંધાની શરૂઆત કરી રહ્યાં છે. સજન હજુ બેવફાઇના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
No comments:
Post a Comment