ચિહ્નો કોઈ વિરામનાં એમાં મળ્યાં નહીં, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના!
હું રાત્રિનો રાઉન્ડ પતાવીને વોર્ડમાંથી બહાર નીકળ્યો. વી.એસ. હોસ્પિટલના કેમ્પસમાં ‘ચિનાઈ મેટરનિટી વિભાગ’ની સાવ પાસે જ નદીના કાંઠા પર અમારું પી.જી. ડૉક્ટર ક્વાર્ટર્સ આવેલું હતું. સાડા દસ વાગ્યા હતા. પગથિયાં પાસે ચાર-પાંચ યુવાન ડૉક્ટર મિત્રો ઊભા હતા. બાજુમાં આવેલા પાર્કિંગ શેડ નીચે સ્કૂટર્સ પર બીજા ચાર-પાંચ ડૉક્ટર્સ બેઠા હતા. એ બધા અલગ અલગ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હતા.
કોઈક મેડિસિન વિભાગમાં, કો’ક વળી સર્જિકલ વિભાગમાં, તો કો’ક રેડિયોલોજી વિભાગમાં. હું ‘હાય-હેલ્લો’ કરતો ત્યાંથી પસાર થઈ ગયો. ત્યાં અચાનક મારું ધ્યાન પગથિયાંની જમણી તરફ દસેક ફિટની દૂરી પર ઘોર અંધકારમાંથી આવતા એક અજીબોગરીબ અવાજ તરફ ખેંચાયું. જાણે કોઈ દબાયેલા અવાજમાં ડૂસકાં ભરતું હોય તેવો એ અવાજ હતો. હું ઊભો રહી ગયો. પથ્થરિયા બાંકડા પર બેઠેલા બે ઓળા દેખાયા. મારી તીવ્ર ઇચ્છા હોવા છતાં સજ્જનતા ખાતર હું પાસે તો ન ગયો, પણ નજરને ખેંચીને એ બંનેનો અણસાર તો પામી જ લીધો.
એક યુવાન હતો, એક યુવતી. બંને તરત જ ઓળખાઈ ગયાં. યુવાન ઇન્ટર્નશિપ કરતો હતો. નામ હતું પ્રાંશું. છોકરી પણ એની જ બેચની હતી, નામ કિસલય ગોસ્વામી. પછી હું વધુ વાર ત્યાં ખોડાઈ ન રહ્યો. બે જણાં જ્યારે આંસુના પ્રવાહમાં ડૂબકીદાવ રમી રહ્યાં હોય ત્યારે અાપણાંથી વચ્ચે પડાય નહીં. જ્યારે આંસુ સુકાઈ જાય ત્યારે પૂછી લેવાય.
બે દિવસ પછી બપોરના સમયે પ્રાંશુ લંચના સમયે મેસમાં મળી ગયો. હું એ દિવસે સમયસર હતો, એ મોડો પડ્યો હતો. એટલે બંને સાથે થઈ ગયા.
‘હેલ્લો, કેમ છો?’ પ્રાંશુએ હસીને પૂછ્યું. પ્રાંશુ સ્માર્ટ અને દેખાવડો હતો. અભ્યાસમાં ખાસ તેજસ્વી કદાચ ન હતો, પણ કપડાં, શૂઝ, બેલ્ટ વગેરેની પસંદગીમાં ‘ચૂઝી’ હતો. આમ તો એ મારાથી જુનિયર હતો, પણ એની આ બધી વિશેષતાઓને કારણે જ અમે જ્યારે પણ ભટકાઈ જતાં ત્યારે બે-ચાર વાક્યોની ‘આપ-લે’ કરી લેતા હતા.
અને વી.એસ.ના કેમ્પસમાં બધા જ ડૉક્ટરો આખો દિવસ એકબીજાને ભટકાતા જ રહેતા હતા. ડૉ. પ્રાંશુના પ્રશ્નનો ઉત્તર મેં પ્રશ્ન પૂછીને જ આપી દીધો, ‘મારી વાત છોડ! તું કેમ છે એ કહે! બે દિવસ પહેલાં રાત્રે સાડા દસ વાગ્યે બાંકડા પર બેસીને...’
‘ઓહ! એવું તો અમારી વચ્ચે ચાલતું જ રહે છે. કિસલય અને હું આમ તો ત્રણેક વર્ષથી ‘સ્ટેડી’ છીએ. લગ્ન પણ કરવાનાં છીએ, પણ તકલીફ એક જ વાતની છે. અમે બંને જરૂર કરતાં જરાક વધુ સંવેદનશીલ છીએ. એટલે નાની-નાની વાતમાં ઝઘડાઓ થયા કરે છે. એમાં ક્યારેક એ રડી પડે, ક્યારેક હું.’
‘ઓકે! ઓકે!’ કહીને મેં વાતનો વિષય બદલી નાખ્યો. એ દિવસો મારી પણ જુવાનીના હતા.
ત્રેવીસમાં વર્ષના તોફાની તરફડાટના હતા. મારી સગાઈ તાજેતરમાં જ થઈ હતી. સ્મિતા પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી હતી. અમે પણ સમય ચોરીને મળી લેતાં હતાં. સપનાનો માળો બાંધવા માટે અપેક્ષાઓ અને અરમાનોનાં તણખલાં ભેગાં કરી રહ્યાં હતાં, પણ અમારા હિસ્સામાં પ્રાંશુ-કિસલય જેવાં આંસુ, ડૂસકાં અને ડૂમાઓ હજુ આવ્યાં ન હતાં. એટલે હું ચૂપચાપ કોળિયો ચાવ્યે જતો હતો અને મનોમન અમારી અને એ બંનેની સરખામણી કર્યે જતો હતો.
એકાદ મહિના પછી મને સાંભળવા મળ્યું, ‘પેલો પ્રાંશુ નહીં? ઇન્ટર્નશિપ કરે છે એ.’, ‘હા, હું ઓળખું છું એને.’
‘એણે સ્યુસાઇડલ એટેમ્પ્ટ કર્યો.’, ‘હેં? મારા મોઢામાંથી આઘાતજનક ઉદ્્ગાર સરી પડ્યો.’ બિચારો! સારો છોકરો હતો.
‘હતો? એટલે તમે શું કહેવા માગો છો?’
‘હું, હું આઈ મીન, પ્રાંશુ બચી ગયો છે?’
‘હા, એના માટે તો આ રોજનું થયું. બંને જણાં એકબીજાનાં પ્રગાઢ પ્રેમમાં ઊંધે કાંધ પડ્યાં છે, પણ ભગવાન જાણે બંનેની વચ્ચે શું પ્રોબ્લેમ છે કે છાશવારે બેય ઝઘડતાં જ રહે છે. પછી ચાર-છ મહિને કોઈ એક જણ આત્મહત્યાની કોશિશ કરે છે.’, ‘અને દર વખતે બચી જાય છે?’
‘હા, બચી જ જાય છે. બંને ડૉક્ટર હોવાથી એમને ખ્યાલ છે કે ગોળીઓનો કેટલો ડોઝ લેવાથી મરી જવાય અને કેટલો ડોઝ લેવાથી બચી જવાય.’, ‘પણ જો બચવું જ હોય તો મરી જવાની કોશિશ શા માટે?’
‘એનું સાચું કારણ તો એ લોકો જ જાણે, પણ મને લાગે છે કે આ બંને સાવ ચાઇલ્ડિશ છે. એમનો પ્રેમ સાચો, એમાં ના નથી, પણ નાની નાની વાતમાં ઝઘડી પડવું, રડી પડવું, રિસાઈ જવું, પાછું મનાઈ જવું એમાં ને એમાં ક્યારેક આવેશમાં આવી આપઘાતની કોશિશ પણ કરી લેવી, આ બધું એમનાં વ્યક્તિત્વનો જ એક ભાગ હોઈ શકે. હવે તમે જોજો, આવતા ચાર-છ મહિનામાં કિસ્સી આત્મહત્યાની કોશિશ કરશે.’, ‘કિસ્સી?
એ વળી કોણ?’
‘અરે ભાઈ! કિસ્સી એટલે કિસલય. પ્રાંશુ કિસલયને કિસ્સી કહીને બોલાવે છે.’
‘અરે ભાઈ! કિસ્સી એટલે કિસલય. પ્રાંશુ કિસલયને કિસ્સી કહીને બોલાવે છે.’
‘આઈ સી! કિસ્સી! વાહ! બહોત યારાના લગતા હૈ દોનોં મેં!’ હું બબડ્યો.
પ્રેમ અને આત્મહત્યાના બે અંતિમ ધ્રુવો વચ્ચેથી પસાર થતી પ્રાંશુ અને કિસ્સીની કથા એક ચોક્કસ પડાવ સુધી મારી જાણમાં રહી, પછી એનો તંતુ છૂટી ગયો. એનું કારણ એ છે કે હું ત્રણ વર્ષના અંતે એમ.ડી. (ગાયનેક) થઈને વી.એસ. કેમ્પસથી દૂર ચાલ્યો ગયો, પણ સમયાંતરે કર્ણોપકર્ણ કાચા-પાકા સમાચારો મારા કાનમાં પડતા રહેતા હતા.
ડૉ. પ્રાંશુ અને ડૉ. કિસ્સી ઇન્ટર્નશિપ પૂરી થયા પછી પરણી ગયાં. બંનેને અલગ અલગ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મળી ગયું. ડૉ. પ્રાંશુ એમ.એસ. થઈ ગયો. ડૉ. કિસ્સી એમ.ડી. થઈ ગઈ. પછી બંને વિદેશમાં સ્થાયી થવા માટે ઊપડી ગયાં.
ડૉ. પ્રાંશુ અને ડૉ. કિસ્સીના વિદેશ ગમન પછી તબીબી વર્તુળમાં કાનાફૂસી ચાલુ થઈ ગઈ, ‘અરે! તો પછી પેલી સિલ્કીનું શું થયું? પ્રાંશુ તો એની સાથે...’
સિલ્કી એક કોર્પોરેટ હાઉસની રિસેપ્શનિસ્ટ હતી. એક વાર એના પતિને લઈને હોસ્પિટલમાં કોઈક સર્ટિફિકેટ માટે આવી હતી. ત્યારે ડૉ. પ્રાંશુએ ‘અસાધારણ’ સહકાર આપીને એને મદદ કરી હતી. પરણેલી સિલ્કીને તે વખતે કુંવારા ડૉ. પ્રાંશુ સાથે પ્રેમ થઈ ગયો હતો, પણ ડૉ. પ્રાંશુ તો ડૉ. કિસ્સીની સાથે મેરેજ કરીને અમેરિકા ઊપડી ગયો.
સાબરમતીમાં દસેક ચોમાસાનાં પાણી વહી ગયાં. ઊડતાં ઊડતાં સમાચાર મળતા હતા, ‘પ્રાંશુ-કિસ્સીને બે બાળકો છે.
પ્રાંશુ ત્યાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે જામી ગયો છે. ડૉ. કિસ્સી પણ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે તગડી કમાણી કરે છે.’ અચાનક શું થયું તે ઉપરવાળો જાણે, પણ ભારતમાં રહેલી સિલ્કી એના પતિ અને ત્રણ સંતાનોને છોડીને અમેરિકા પહોંચી ગઈ. એ સુંદર હતી, સ્માર્ટ હતી અને ડૉ. પ્રાંશુની પ્રેમિકા હતી. પ્રાંશુએ જ અેને જોબ અપાવી દીધી.
બીજા છએક મહિના, સમાચાર આવ્યા, ‘ડૉ. પ્રાંશુ અને ડૉ. કિસ્સીના ડિવોર્સ થઈ ગયા છે. હવે ડૉ. પ્રાંશુ અને સિલ્કી મેરેજ કરવાના છે.’
ત્યારે અહીં બંધાને ખબર પડી કે સિલ્કી એના પતિથી છૂટાછેડા મેળવીને જ ત્યાં ગઈ હતી. ઓકે! નો પ્રોબ્લેમ. પીતે પીતે કભી કભી યૂં જામ બદલ જાતે હૈં ઔર જીતે જીતે કભી કભી હમસફર કે નામ ભી બદલ જાતે હૈં!
હમણાં ભારતમાં સિલ્કીના દીકરાના મેરેજ નક્કી થયા. એને પરણાવવા માટે ખાસ અમેરિકાથી વિમાનમાં બેસીને સિલ્કી આવી પહોંચી. ડિવોર્સ લીધેલાં પતિ-પત્નીએ ભેગાં થઈને રંગેચંગે દીકરાનાં લગ્ન ઊજવ્યાં, સિલ્કી પાછી ડૉ. પ્રાંશુ પાસે ચાલી ગઈ.
ફરીથી સમાચાર આવ્યા. ડૉ. પ્રાંશુ અને ડૉ. કિસ્સીની મોટી દીકરીનું મેરેજ ગોઠવાયું. અમેરિકામાં જ પ્રસંગ હતો. અલગ અલગ રહેતાં એક સમયનાં પતિ-પત્ની પ્રાંશુ અને કિસ્સીએ વૈદિક વિધિથી કન્યાદાન આપ્યું. દીકરી વિદાય થઈ એની બીજી મિનિટે મમ્મી પણ ચાલી ગઈ. આ બધું સાંભળીને કોઈના પણ મનમાં વિચાર આવે કે કોઈ યુગલની જિંદગીમાં આટલા બધા ઘટનાકંપો આવી શકે ખરા?
તો સહેજ ધીરજ રાખો મિત્રો, છેલ્લે આંચકો હવે આવી રહ્યો છે.
બ્રેકિંગ ન્યૂઝ એવા છે કે ડૉ. પ્રાંશુને બીજી પત્ની સિલ્કીની સાથે પણ ન ફાવ્યું એટલે બંનેએ ડિવોર્સ લઈ લીધા છે. બંને યુગલોનાં ચારેય પાત્રો હવે આઝાદ પરિંદા બની ગયાં છે. એમાંનાં ત્રણનું શું છે એ ઉપરવાળો જાણે, પણ ડૉ. પ્રાંશુ ભારતની મુલાકાતે પધારી રહ્યો છે. શા માટે? ફરીથી લગ્ન કરવા માટે.
પોતાના પરિચિત વર્તુળમાં એણે વાત પણ રમતી મૂકી દીધી છે, ‘કોઈ સુંદર, સ્માર્ટ અને સુપાત્ર કન્યારત્ન ધ્યાનમાં હોય તો મારું ગોઠવજો.’
હું સમજી શકતો નથી કે વર્ષો પહેલાં મેડિકલ કેમ્પસમાં રાત્રે અંધારામાં બેસીને પ્રેમિકા સામે ડૂસકાં ભરતો પ્રાંશુ આ જ હતો? બંને જણાં વારાફરતી આત્મહત્યાની કોશિશો કરતાં હતાં એ શું હતું?
No comments:
Post a Comment