હમ બડે નાઝ સે આયે થે તેરી મહફિલ મેં
ક્યા ખબર થી લબ-એ-ઇઝહાર પે તાલે હોંગે!
ક્યા ખબર થી લબ-એ-ઇઝહાર પે તાલે હોંગે!
જ્યારે પહેલી વાર મારા જાણવામાં આવ્યું ત્યારે મારા મોઢામાંથી પણ સહુની જેમ જ હાયકારો નીકળી પડ્યો હતો.
‘હાય, હાય! શું કહો છો? અજયને કેન્સર? ન હોય!’
કેન્સર બધાને થઈ શકે, એમાં અજયને માટે ‘ન હોય’ જેવા શબ્દો વાપરવાનું કારણ શું?’
કારણ એક નહીં, પણ એક કરતાં વધારે હતાં. પહેલું કારણ એ કે અજય ડૉક્ટર હતો. ડૉક્ટરને તો તાવ આવ્યો હોય તોયે લોકો આવું બોલતાં હોય છે, ‘લે, ડૉક્ટરો પણ માંદા પડે?’ હું જવાબમાં કહેતો હોઉં છું,
‘ડૉક્ટરો માંદા પણ પડે અને મરી પણ જાય. મૃત્યુથી વધારે મોટો સામ્યવાદી બીજો કોઈ નથી.’
આવું સમજતો હોવા છતાં ડૉ. અજયને કેન્સર થયું છે તે જાણીને મને આઘાત લાગ્યો હતો. મારું મન એ સત્યને સ્વીકારવા માટે તૈયાર ન હતું. એ વાતનો આઘાત.
બીજું કારણ એ હતું કે અજય મારા ગાઢ મિત્રનો ગાઢ મિત્ર હતો. અમે પણ સારા મિત્રો હતા જ, પણ ડૉ. અજય મારા ગાઢ મિત્ર ડાૅ. ચિરાગનો ખાસ દોસ્ત હતો. ચિરાગ પાસેથી મને અજયના જીવન વિશેની, દિનચર્ચા વિશેની, વાણી-વર્તન, રુચિ-અરુચિ, ખાન-પાન, મોજ-શોખ આ બધાં વિશેની રજેરજ માહિતી મળતી રહેતી હતી. ડૉ. અજયને એક પણ ચીજનું વ્યસન ન હતું. સિગારેટ, તમાકુ, શરાબ, બહારની ખાણી-પીણી આમાંની કોઈ જ આદત એને ન હતી. આવા માણસને ફેફસાંનું કેન્સર થાય એટલે આશ્ચર્ય પણ થાય અને આઘાત પણ લાગે.
ત્રીજું કારણ એ હતું કે ડૉ. અજય સાવ યુવાન હતો. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારનો એ દીકરો, આપબળે મહેનત કરીને ડૉક્ટર બન્યો. કન્સલ્ટન્ટ થયો. પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. કૌશલ્ય અને સ્વભાવને કારણે સારું કમાયો. ઘર બનાવ્યું. પત્ની અને એક બાળક તથા મમ્મી-પપ્પાની સાથે શાંતિથી જીવવાનો સમય હજુ તો હવે શરૂ થતો હતો ત્યાં જ અચાનક આસમાનમાંથી વીજળી ત્રાટકે એમ આ બીમારી ક્યાંથી આવી પડી?
મને જેવી જાણ થઈ કે તરત જ મેં ફોન કરીને ડૉ. અજયની સાથે વાત કરી લીધી. થોડી પૂછપરછ, થોડીક ચર્ચા, આશ્વાસન, હિંમત અને અફસોસ વ્યક્ત કરી લીધો. ફોન મૂકતી વખતે અજય બોલી ગયો, ‘થેંક્યૂ શરદભાઈ, પછી ક્યારેક સમય મળે તો રૂબરૂ મળવા આવજો. મને સારું લાગશે.’‘ચોક્કસ આવીશ જ.’ કહીને મેં વાત પૂરી કરી. હું મારા વચન માટે કટિબદ્ધ હતો. અજયનું કેન્સર ખૂબ આગળના સ્ટેજમાં પહોંચી ગયું હતું. ઓપરેશનનો તબક્કો ક્યારનોયે વીતી ગયો હતો.
હવે કેન્સરના નિષ્ણાતો એના માટે શું સૂચવશે એની મને ધારણા ન હતી, પણ મને એટલી ખબર હતી કે ડૉ. અજય બે-ત્રણ મહિનાથી લાંબું ખેંચી શકે તેવી આશા ન હતી.
મારી તમામ કોશિશો છતાં દોઢેક મહિનો વ્યસ્તતામાં જ વીતી ગયો. એ દરમિયાન ચાર-પાંચ મિત્રો દ્વારા અજયના દસ-બાર સંદેશાઓ આવતા રહ્યા. ‘શરદભાઈને કહેજોને કે મારે એમની સાથે કેટલીક વાતો ‘શેર’ કરવી છે. સમય કાઢીને આવી જાય.’
હું વિચારમાં પડી જતો હતો: એક નિશ્ચિત મૃત્યુ તરફ ઘસડાઈ રહેલો યુવાન ડૉક્ટર મારી સાથે શું ‘શેર’ કરવા ઇચ્છતો હશે? એની ચિંતા? ભય? ટૂંકી જિંદગીમાં કરેલી અફાટ મહેનતની વ્યર્થતા? ગરીબીમાંથી સંઘર્ષ કરીને ઉપર આવ્યા પછી જીવનના રંગમંચ પરથી અચાનક ‘એક્ઝિટ’ લેવી પડે છે એની વેદના? અધૂરા રહી ગયેલાં સપનાંઓની વ્યથા?
સામા પક્ષે મારે પણ અજયને ઘણું બધું પૂછવું હતું. મને મૃત્યુની નિશ્ચિત ઘટના વિશે પહેલેથી જ ઘણું બધું આકર્ષણ રહેતું આવ્યું છે. એની આજુબાજુ ગૂંથાયેલાં રહસ્યોમાં મને રસ રહ્યો છે. આપણે તો જાણતાં નથી કે આપણું મોત ક્યારે, કઈ રીતે આવવાનું છે, પણ જેને જાણ થઈ ગઈ છે કે એમનું મૃત્યુ હવે હાથવેંતમાં જ છે, એમની મન:સ્થિતિ કેવી થઈ જતી હશે?
મેં અજયને પૂછવા જેવા પ્રશ્નોની યાદી વિચારી લીધી. અચાનક એક દિવસ એની પત્નીનો ફોન આવ્યો, ‘શરદભાઈ, આજે બપોરે તમે આવી જાવ તો સારું! નહીંતર કદાચ ક્યારેય...’, ‘એવું ન બોલશો, હું આજે જ આવું છું.’ પછી મેં પૂછ્યું, ‘ફોન તમારે કેમ કરવો પડ્યો? અજયને...’
‘એની વાચા ક્ષીણ થઈ ગઈ છે. બોલે છે તો માંડ સમજાય છે. શરીર સાવ...’
‘બસ, બસ! હું આવું છું.’ મારે એક યુવાન પત્નીનાં મુખેથી એનાં નંદવાઈ રહેલા સૌભાગ્ય વિશે વધારે વાક્યો સાંભળવાં ન હતાં. મેં બપોરના બે વાગ્યાનો સમય નક્કી કર્યો? મારું કન્સલ્ટિંગ સેશન લગભગ અઢી વાગ્યે પૂરું થયું. હું ‘લંચ’ જતું કરીને નીકળી પડ્યો. અજયના ઘરે પહોંચ્યો. અજયની પત્નીએ બારણું ઉઘાડ્યું. અજય ડ્રોઇંગ રૂમમાં જ પાટ પર સૂતો હતો. એની શારીરિક હાલત જોઈને મારા હૈયામાંથી નિસાસો નીકળી ગયો.
‘ભાઈ, સાવ આવું શરીર થઈ ગયું? મેં તો તને હંમેશાં હર્યોભર્યો જોયો છે.’ મેં કહ્યું. એ હસ્યો. ઓલવાતી જ્યોત ફરકતી હોય એવું એનું ફિક્કું, ધ્રૂજતું સ્મિત હતું.
હવે જ મારી નજર સામેના સોફા પર પડી. ત્યાં કોઈ આગંતુક બેઠું હતું. પચાસ-પંચાવન વર્ષનો દેખાતો, ટાલિયો, કાળો પુરુષ. ઝીણી લુચ્ચી લાગતી આંખો. જાડા કાળા હોઠ. એની ચામડીના રંગ સાથે શોભે નહીં તેવા ડાર્ક કલરના સફારી સૂટમાં એ ખરેખર ભૂંડો દેખાઈ રહ્યો હતો. એનું મોટું પેટ સફારીનાં બટનો વચ્ચેથી બહાર ધસી આવવાની કોશિશમાં હતું.
સૌથી મોટી બેહૂદી વાત એ હતી કે એ માણસ આવા સમયે પણ સિગારેટ ફૂંકી રહ્યો હતો.
‘આમને ઓળખોછોને શરદભાઈ?’ ડૉ. અજયે મને પૂછ્યું, ‘આ છે ડોક્ટર ઘનશ્યામભાઈ. જનરલ પ્રેક્ટિસ કરે છે.’, ‘આેહ! તો મેં જેમનું નામ અનેક વાર સાંભળ્યું છે એ ઘનુભાઈ આ જ છે એમને?’ મેં કહ્યું. ખરેખર તો મારી જીભ પર ‘ઘનિયો’ નામ આવી ગયું હતું, મેં માંડ માંડ સંયમ જાળવ્યો. ડૉ. ઘનશ્યામ કોઈ પણ માન્ય ડિગ્રી વગરનો લેભાગુ ડૉક્ટર હતો. એક ખાસ વિસ્તારમાં એનું ક્લિનિક આવેલું હતું.
ચોવીસ કલાક (ઊંઘના સમયને બાદ કરતાં) એ સિગારેટ ફૂંકતો રહેતો હતો. દવાખાનામાં ગણીને સાત જ દવાઓ રાખતો હતો. એના દર્દીઓ બાપડા ગરીબ, અભણ અને સમજ વગરના હતા. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન’ એ કહેવત અનુસાર ઘનિયો જામી ગયો હતો. ડૉ. ઘનિયો પોતાના દર્દીઓ બીજા સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટોને રિફર કરતો રહેતો હતો. મને આવા ઊંટવૈદોની મહેરબાનીમાં ક્યારેય રસ પડ્યો નથી. એટલે જ હું ડૉ. ઘનશ્યામને કદીયે મળ્યો ન હતો. તે દિવસે પહેલી વાર હું એને મળી રહ્યો હતો.
પરિચયવિધિના જવાબમાં ડૉ. ઘનશ્યામે મારી દિશામાં જ ધુમાડાનો ગોટો ફેંક્યો. મને તમાકુની વાસ પ્રત્યે ભયાનક ચીડ, પણ મિત્રના ઘરે હું લાચાર હતો. મેં સહન કરી લીધું.
ડૉ. અજયે સૂચક રીતે મને જણાવ્યું, ‘ડૉ. ઘનશ્યામભાઈ રોજ સાતથી દસ દર્દીઓ મને મોકલે છે.’ હું સમજી ગયો કે અજય એવું કહેવા માગતો હતો કે આ અહેસાનના બદલામાં એણે આવા વિવેકવિહીન માણસને સહન કરવો પડે છે.
વળી, અજયે ઉમેર્યું, ‘ડૉ. ઘનશ્યામભાઈ લગભગ દોઢેક કલાકથી અહીં બેઠા છે.’ આ એનું આડકતરું સૂચન હતું કે હવે એમણે જવું જોઈએ, પણ ત્યાં તો ઘનશ્યામે નવી સિગારેટ સળગાવી.
મારી પાસે એકાદ કલાકનો જ સમય હતો. મારે અજયને ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. ત્યારે મારી કોલમ ‘ડૉ.ની ડાયરી’ શરૂ થયાને બે વર્ષ થયાં હતાં. ઠીક ઠીક જામી ગઈ હતી કોલમ. કદાચ અજયે પણ મને એટલે જ બોલાવ્યો હતો. એ મને લખવા જેવું કંઈક મેટર આપવા માગતો હશે, પણ એ જે કંઈ કહેવા માગતો હતો તે અત્યંત ખાનગી હતું. નહીંતર ડૉ. ઘનશ્યામની હાજરીમાં પણ એણે કહેવાનું શરૂ કરી દીધું હોત.
મેં પણ આડકતરાં સૂચનો કરી જોયાં, ‘ઘનશ્યામભાઈ, તમારા દર્દીઓ રાહ જોતાં હશે. મને લાગે છે કે આપણે હવે ઊઠવું જોઈએ. અજયભાઈને આરામ કરવા દઈએ વગેરે વગેરે, પણ એ માણસ ન ઊઠ્યો તે ન જ ઊઠ્યો. એની વાતો પણ કેવી! બોસ, આ મેંચમાં અઝહરુદ્દીનની સેન્ચુરી પાક્કી! સાહેબ, જો મારું માનો તો ટી.સી.એસ.ના પાંચસો શેર લઈ જ લો! પાંચ વર્ષમાં તરી જશો. આ વર્ષે જો વરસાદ સારો પડેને તો મેલેરિયાની સિઝન ખૂલી જાય, મારા ઘરના નવા ફર્નિચરના પૈસા નીકળી જાય!’
હું એકના બદલે દોઢ કલાક સુધી બેસી રહ્યો, પણ ડાૅ. ઘનુભાઈએ અમને બોલવાનો મોકો જ આપ્યો નહીં. અંતે થાકીને હું ઊભો થયો, ‘અજય, ચાલ ત્યારે, હું જઉં છું. પાછો આવીશ.’
‘જરૂર આવજો. હું રાહ જોઈશ. મારે તમને...’ એ વધુ બોલી ન શક્યો. હાંફીને ચૂપ થઈ ગયો. મેં બીજા દિવસે ફરીથી આવવાનું વચન આપ્યું. હું રવાના થયો ત્યારે ડૉ. ઘનશ્યામ વધુ એક નવી સિગારેટ સળગાવી રહ્યો હતો.
બીજો દિવસ અજયના જીવનમાં આવ્યો જ નહીં. ડૉ. અજયે એ રાત્રે જ દેહ છોડી દીધો.
આ ઘટનાને આજે વીસ-બાવીસ વર્ષ જેટલો સમય થઈ ગયો, પણ હજુ સુધી હું ડૉ. અજયની આંખોમાં રહેલા એ ભાવને ભૂલી શક્યો નથી. એ મને કંઈક કહેવા માગતો હતો, પણ એની અે ઝંખના કોઈ જડભરતના મોઢામાંથી ફેંકાતા ધુમાડામાં દબાઈને રહી ગઈ.
મેં એ પછી ડૉ. ઘનશ્યામને ફરી ક્યારેય જોયો નથી.
(શીર્ષક પંક્તિ: પરવેઝ જાલંધરી)
No comments:
Post a Comment