Thursday, July 13, 2017

કુછ લમ્હે ગુજારે થે તુમને મેરે સાથ...! તુમ ઉન્હેં વક્ત કહેતે હો ઔર હમ ઉન્હેં જિંદગી!!!


કુછ લમ્હે ગુજારે થે તુમને મેરે સાથ...! તુમ ઉન્હેં વક્ત કહેતે હો ઔર હમ ઉન્હેં  જિંદગી!!!
ડો. શાહ પોતાની નવી કીમતી કારમાં બેસીને બહારગામ જવા નીકળ્યા હતા. સાથે પત્ની પણ હતી અને બાળકો પણ. કાર મોટી હતી. ડ્રાઇવર સારો હતો. એટલે ડૉ. શાહ એન્ડ ફેમિલી મજાક-મસ્તી કરતાં કરતાં પ્રવાસનો આનંદ લૂંટી રહ્યાં હતાં. અચાનક ડ્રાઇવરે ગાડી ધીમી પાડી દીધી. પછી સાચવીને સડકની એક બાજુએ ઊભી રાખી દીધી.

‘શું થયું રમેશ?’ ડો. શાહના પ્રશ્નમાં દસ ટકા પૂછપરછ હતી, નેવું ટકા જેટલી ચિંતા હતી. ‘સાહેબ, નીચે ઊતરીને જોવું પડશે. ગાડી એક તરફ ખેંચાય છે.’ કહીને રમેશ નીચે ઊતર્યો. બે જ મિનિટમાં એણે કારણ શોધી કાઢ્યું, ‘સર, આગળના ટાયરમાં ઝીણું પંક્ચર હોય એમ લાગે છે. સાવ દબાઈ ગયું છે.’

‘સ્પેર વ્હીલમાં હવા છેને?’, ‘હા, સાહેબ! જેક પણ સાથે રાખ્યો છે. તમે ઝાડના છાંયડામાં થોડીક વાર બેસો એટલામાં હું વ્હીલ બદલાવી નાખું.’ ડૉ. શાહ એમનાં બાલ-બચ્ચાં સાથે કારમાંથી નીચે ઊતર્યાં, પણ બહાર તો અડધી સેકન્ડ માટેય ઊભા રહી શકાય તેવું ન હતું. વૈશાખનું આસમાન અંગારાનો વરસાદ વરસાવી રહ્યું હતું. ક્વચિત વાતો પવન પણ અગનજ્વાળાની પેઠે ચામડીને દઝાડતો હતો.

બંને બાળકો અકળાઈ ઊઠ્યાં. ત્યાં ડૉ. શાહની નજર બાજુના ખેતરમાં ઊભેલા એક મકાન પર પડી. એને મકાન કહેવું એ પણ બાંધકામની શોધનું અપમાન કર્યું કહેવાય! કોઈ શહેરી બંગલામાં નોકરને રહેવા માટે બનાવેલું આઉટ-હાઉસ પણ આની સરખામણીમાં રાજમહેલ લાગે! ડૉ. શાહ મજબૂર હતા. સામે ચાલીને એ ઝૂંપડા સુધી જઈ પહોંચ્યાં. લીમડાના વૃક્ષના ઘટાદાર છાંયડા નીચે કાથીનો ખાટલો ઢાળીને એક મધ્યમ વયનો ખેડૂત આડો પડ્યો હતો. ઝૂંપડીમાં ધોળે દિવસે પણ અંધારું છવાયેલું હતું, પણ અંદરથી કંઈક ખખડાટનો અવાજ બહાર સુધી રેલાતો હતો.

‘ભાઈ!’ ડૉ. શાહે સહેજ મોટા અવાજમાં કહ્યું. પેલાે ખેડૂત જાગતો જ સૂતો હશે, તરત જ બેઠો થઈ ગયો. સારાં કપડાં પહેરેલા શહેરી મહેમાનને જોઈને ગદ્દગદ થઈ ઊઠ્યો. ‘આવો સાહેબ! કેમ આવવું થયું અમ જેવા ગરીબની ઝૂંપડીએ?’ આટલું પૂછીને એણે સડકની દિશામાં નજર ફેંકી દીધી. બધું સમજાઈ ગયું. ‘ગાડી બગડી સે, સાયેબ? તો સોકરાવને ને મારાં બેનને આહીં બોલાવી લ્યો, સાયેબ! ત્યાં ઊભા રે’હે તો લૂ લાગી જાહે.’

ડૉ. શાહે ઇશારાથી જ પત્નીને અને બાળકોને બોલાવી લીધાં. પછી તો ગરીબ માણસના ફળિયામાં અમીરાતભરી પરોણાગત જામી. ખેડૂત પાસે બીજું તો શું હોય? એણે અંદરની દિશામાં હાંક મારી એટલે એની સ્ત્રી પહેલાં પાણીનો કળશો ભરીને લઈ આવી, પછી ઠંડી છાશ. ડૉ. શાહ ત્વરિત નિદાનશક્તિ ધરાવતા અમદાવાદ શહેરના ગેસ્ટ્રોલોજિસ્ટ અને એન્ડોસ્કોપી સર્જન હતા. એ પેલી સ્ત્રીને જોઈને પૂછી બેઠા, ‘ભાઈ, તમારી ઘરવાળી બીમાર છે?’

ખેડૂતને શું ખબર કે આવું પૂછનાર કોણ છે? એણે પડેલા મોંએ માહિતી આપી, ‘હા, સાહેબ! એ મારી રાધા. બે મહિનાથી એને પેટમાં દુખ્યા કરે છે. બાજુના ગામમાં દેસી દાગતર છે એની પાંહેથી ટીકડા લઈ આવીયે સીયે. મોટા શેરમાં જવાનું તો અમને...?’ ‘ભાઈ, ચિંતા ન કર. આજે મોટું શહેર સામે ચાલીને તારી ઝૂંપડીએ આવી ઊભું છે. હું પોતે જ આંતરડાંનો નિષ્ણાત ડૉક્ટર છું.’, ‘એ બધું છોડ! તારી રાધાને કહે કે અંદર જઈને ખાટલામાં ચત્તી સૂઈ જાય.’ ડૉ. શાહે પત્નીની સામે જોયું. બંને પતિ-પત્ની અંદર ગયાં. થોડી વારે બહાર આવ્યાં.

‘શું લાગે છે, સાહેબ?’, ‘ભાઈ, સારું નથી જણાતું. રાધાના પેટમાં મોટી ગાંઠ છે. મોટાભાગે તો એ આંતરડાંમાં થયેલી કેન્સરની જ ગાંઠ લાગે છે, પણ ખાતરીપૂર્વક કશું જ ન કહી શકાય. તું એક વાર અમદાવાદ આવીને બધા ટેસ્ટ્સ કરાવી જા. પછી ઓપરેશન હું કરી આપીશ.’ ખેડૂતનું નામ રાઘવ હતું. એ વિચારમાં પડી ગયો. અમદાવાદ જવું એ એને મન અમેરિકા જવા જેવું અશક્ય કામ હતું, પણ રાધાની સારવાર માટે એ મનોમન તૈયાર તો થઈ ગયો. હવે લાખ રૂપિયાનો સવાલ આવતો હતો.

‘સાહેબ, ઓપરેશન વગેરે કરવું પડે તો ખરચો કેટલો થાય?’, ‘તું ખર્ચની ચિંતા છોડને! એક વાર તારી ઘરવાળીને લઈને મારા દવાખાને આવી જા.’ ડૉ. શાહે પૈસાની વાત ઉડાડી દીધી. આ ઘટના જૂની નથી. આજથી 40-50 વર્ષો પહેલાંની આ વાત નથી જ્યારે ડૉક્ટરો હંમેશાં સફેદ પેન્ટ-શર્ટ પહેરીને દેવદૂતની જેમ ફરતા હતા અને જીવતા હતા. આ ઘટના તાજેતરના સમયની જ છે જ્યારે ડૉક્ટરો (ખાસ તો સુપર સ્પેશિયાલિસ્ટો) મે મહિનાની ગરમીમાં પણ વૂલન કોટ ધારણ કરીને ફરે છે,

કારણ કે એમને ગરમી નડતી નથી. એમના બંગલાઓ એરકન્ડિશન્ડ હોય છે, કાર એર કન્ડિશન્ડ હોય છે અને એમનો વર્કિંગ એરિયા પણ એરકન્ડિશન્ડ હોય છે. આ ઘટના એ વર્તમાન કાળની છે જ્યારે કાયદો કહે છે કે ડૉક્ટર વ્યાપારી છે અને દર્દી ગ્રાહક છે. આ એ સમયની વાત છે જ્યારે મોટાભાગના ડૉક્ટરો દર્દીને દાખલ કરતા પહેલાં મોટી રકમ એડવાન્સ પેટે જમા કરાવી લે છે અને આ એ કાળની વાત છે જ્યારે ડૉક્ટરની જરા પણ ચૂક ન હોવા છતાં દર્દીનું મૃત્યુ થાય ત્યારે એના પરિવારજનો ડાૅક્ટર પર જાનલેવા હુમલાઓ કરે છે.

આ સમયમાં અમદાવાદ જેવા ગણતરીબાજ શહેરનો એક નામાંકિત સુપર કન્સલ્ટન્ટ હાઈ-વે પરની ઝૂંપડીમાં બેસીને એણે પીધેલ છાશનું ઋણ ચૂકવી રહ્યો હતો અને કહી રહ્યો હતો, ‘પૈસાની ચિંતા છોડ. તું એક વાર અમદાવાદ લઈ આવ તારી ઘરવાળીને.’ ‘હા, પણ ખર્ચાનું તો તમારે કે’વું જ પડશે. ભલે હું ગરીબ માણસ હોવું, પણ ખેડૂતનો દીકરો સું. ગમે તેમ કરીને.’ ‘તું પૂછે છે એટલે કહું છું. આ કહેવાનો ચાર્જ છે, તારી પાસેથી લેવાનો ચાર્જ નથી. ફોટા, ટેસ્ટ્સ બાયોપ્સી, સી.ટી. સ્કેન અને બીજાં અસંખ્ય પરીક્ષણોનો ખર્ચ આશરે પાંસઠથી સિત્તેર હજાર રૂપિયા જેટલો થશે.

પછી જો ઓપરેશન કરવું પડે તો બીજા એટલા જ. ટૂંકમાં, સવાથી દોઢ લાખ થશે.’ ડૉ. શાહ તો પોતાનું વિઝિટિંગ કાર્ડ આપીને ઊભા થઈ ગયા. ગાડીનું વ્હીલ તો ક્યારનુંયે બદલાઈ ગયું હતું. પરિવાર ગાડીમાં ગોઠવાઈ ગયો. આગ વરસાવતી લૂને ચીરતી વાતાનુકૂલિત ગાડી ફરી ધોરી માર્ગ પર દોડવા માડી.

દસેક દિવસ પછી રાઘવ અને રાધા ડૉ. શાહના ક્લિનિક પર પહોંચી ગયાં. ડૉ. શાહ એમના શબ્દ પર અટલ હતા. પોતાની ફી પેટે એમણે એક રૂપિયો પણ ન લીધો. ઇન્વેસ્ટિગેશન્સ, બાયોપ્સીથી માંડીને પેટનું મેજર ઓપરેશન બધું જ એમણે સરસ રીતે કરી આપ્યું. રાધાને આંતરડાંનું કેન્સર હતું. એ પણ આગળના સ્ટેજમાં પહોંચી ગયેલું. એટલે મોટી સર્જરી કર્યા પછી પણ એને કીમોથેરપી વગેરેનો ખર્ચ ઊભો જ હતો.
ડૉ. શાહે બધું જ પાર પાડી આપ્યું. રાઘવ દેવું કરીને સિત્તેર હજાર રૂપિયા લઈ આવ્યો હતો. એટલા તો બહારની વસ્તુઓમાં જ ખર્ચાઈ ગયા. એનેસ્થેસિયા અને મેડિસિન્સમાં પણ.

જ્યારે રાધા સદંતર ભયમુક્ત બની ગઈ ત્યારે રાઘવે પૂછ્યું, ‘સાહેબ, હવે છેલ્લો આંકડો પાડો, તમારી મહેનતના કેટલા આપવાના છે મારે.’, ‘તારે કંઈ આપવાનું નથી, મારે કંઈ લેવાનું નથી. મેં પ્રથમથી જ બોલી કરી હતી.’ ‘સાહેબ, મારું ખેતર વેચીને પણ હું...’, ‘પછી તું વાવીશ શું અને ખાઈશ શું? ડૉ. શાહનો પ્રશ્ન સાંભળીને રાઘવ નજર ઢાળી ગયો.’, ‘તો પછી એક કામ કરો, સાહેબ. એક-બે મહિના પછી પાછા મારા ખેતરે પધારો!’

ડૉ. શાહે વચન આપ્યું. બે મહિના પછી તેઓ ગયા પણ ખરા. પરિવારને લઈને. ખેતરમાં ઊભેલી બાજરી અને જુવાર વાઢીને રાઘવે ડુંગર ઊભો કર્યો હતો. ડૉ. શાહને આવેલા જોઈને એણે કૂણા-કૂણા ડૂંડાનો પોંક પાડ્યો. બધાંને પેટ ભરીને ખવડાવ્યો. પછી વિનંતી કરી, ‘સાહેબ, મારું ખેતર તો તમે મને વેચવા નો દીધું, પણ હવે એક વાત માનશો? આ વરહે જેટલો પાક થ્યો સે ઈ બધો તમે લઈ જાવ!’ ‘હું? તારી બાજરી ને જુવાર લઈ જાઉં!’, ‘કેમ? તમે ઘઉં ખાતા હોવ તો શિયાળામાં ઘઉં વાવું છું ઈ વાઢીને તમને...’

‘અરે ભોળિયા! તારા ખેતરમાં વર્ષમાં જેટલું વાવીને તું કમાતો હોઈશ એટલું તો હું એક જ ઓપરેશનમાં કમાઈ લઉં છું. ક્યારેક એકાદ પુણ્યનું કામ પણ કરવા દે મને!’
રાઘવ રડી પડ્યો. મોટો થેલો ભરીને ડંૂડાંઓ ગાડીની ડિકીમાં મૂકી દીધાં, ‘બાપ, મારા હમ જો આની ના પાડો તો! ભગવાન કીરશને પણ સુદામાની તાંદુલની પોટલી લઈ લીધી’તી!’
ડૉ. શાહે તાંદુલ સ્વીકારી લીધા. ગાડીમાં બેઠા ત્યાં સુધી આધુનિક સુદામો એના દ્વારિકાના ધણીને સમજાવતો રહ્યો, ‘સાહેબ, ઘરે જઈને તમે પોંક હું કવ ઇમ બનાવશોને તો સોકરાવને ભાવશે. ઈમાં સે ને તે...’

અને એક હળવા આંચકા સાથે ગાડી ગતિમાન બની. ધોમધખતા ઉનાળામાં આરંભાયેલી એક ઘટનાએ શ્રાવણનાં ઝરમરિયાં સાથે શીતળતા ધારણ કરી હતી.
(સત્યઘટના. કથાબીજ : ડૉ. કાર્તિક શાહ, અમદાવાદ)

No comments:

Post a Comment