ચોટ લગે તો રો કર દેખો... આંસૂ ભી મરહમ હોતા હૈ...
કુંશાન મધુરજની માટે સજાવેલા શયનખંડમાં પ્રવેશ્યો. બારણું અંદરથી બરાબર વાસીને ત્રણ વાર ચેક કરી લીધું. બધી જ બારીઓ પણ બંધ હતી એની ખાતરી કરી લીધી. પડદા સારી રીતે ખેંચીને પાડી દીધા. પછી એ નવી-નવેલી દુલ્હનની દિશામાં ફર્યો! કસક આધુનિક જમાનાની ઉચ્ચ શિક્ષણ પામેલી મોડર્ન વિચારો ધરાવનારી યુવતી હતી, પણ આખરે હતી તો નવોઢા નાર જ ને! અને એ પણ વળી ભારતીય! શરમાઇ ગઇ.
કુશાન નજીક જઇને બેડ પર બેસી ગયો. પથારીની સજાવટ માટે પાથરેલા મઘમઘતાં પુષ્પોમાંથી એક બોરસલ્લીનું ફૂલ હાથમાં લીધું. નાક પાસે લઇ જઇને ઊંડો શ્વાસ ખેંચ્યો. જાસ્મિનની ખુશબૂ ફેફસામાં ફેલાઇ ગઇ અને દિમાગ તરબતર થઇ ગયું. ‘કસક! જાનૂ!’ કુશાને જીવનસંગિનીનો જમણો હાથ પોતાના હાથમાં લીધો, ‘તને એવી અપેક્ષા હશે કે હવે પછીની બીજી જ ક્ષણે હું માણસ મટીને પશુ બની જઇશ. હિંસક પશુ જેવી રીતે પોતાના શિકાર પર તૂટી પડે એ રીતે હું તારા કોમળ દેહ ઉપર તૂટી પડીશ.
મૃગલીની ચામડી ફાડી નાખીશ અને એના કૂમળા માંસથી મારી વાસનાની હોજરી ભરી દઇશ. પણ હું એવું નહીં કરું. મારે તારો શિકાર નથી કરવો, પણ તારી સાથે સહશયન કરવું છે. પણ એ પહેલાં મારે તારી સાથે મન ભરીને વાતો કરવી છે. તને માણતાં પહેલાં મારે તને જાણવી છે. સાથે સાથે હું કેવો છું એ પણ તને જણાવવું છે.’ કુશાનની વાત સાંભળીને કસક ખુશ થઇ ઊઠી. સેક્સના વિચારોથી એ એક પ્રકારનું અજ્ઞાત સ્ટ્રેસ અને એક્સાઇટમેન્ટ અને કંઇક અંશે ડર પણ મહેસૂસ કરી રહી હતી એ અચાનક સાવ જ અદૃશ્ય થઇ ગયો. એ પૂરેપૂરી ‘રિલેક્સ’ થઇ ગઇ.
આજના જમાના પ્રમાણે માનવામાં ન આવે પણ કુશાન અને કસક લગ્ન પહેલાં માત્ર એક-બે વાર જ મળ્યાં હતાં. એનું કારણ એ હતું કે કુશાન બેંગલુરુમાં આઇ.ટી. સેક્ટરમાં જોબ કરતો હતો અને કસક દિલ્હીમાં રહેતી હતી. કસકનાં મમ્મી-પપ્પા ગુજરાતી જ હતાં, પણ પપ્પાની જોબ દિલ્હી ખાતે હતી. એટલે મામલો એક સ્ટેટનો હોવા છતાં ‘ટુ સ્ટેટ્સ’ ફિલ્મની વાર્તા જેવો હતો. બંને જણાં પસંદગી માટે મળ્યાં, પછી ગોળધાણાની વિધિ થઇ અને અઠવાડિયામાં જ પરણી ગયાં. લગ્ન માટે વધુ પડતો ખર્ચ કરવાની કુશાનની જ ઇચ્છા ન હતી. અને હવે આવી સુહાગરાત.
કસકને પણ પતિની વાત ગમી ગઇ. ‘એકબીજાને ગમતાં રહીએ’ એ પહેલાં ‘એકબીજાને સમજતાં રહીએ’ એ વાત કોઇ પણ નવપરીણિત યુગલ માટે સારી જ ગણાય. માત્ર ચામડાં ચૂંથવામાં જ રસ હોય તેવો પતિ કઇ સ્ત્રીને ગમે?! ‘બોલો, શું કહેવું છે તમારે?’ પાનેતર ટહુક્યું.
‘માત્ર કહેવું નથી, સાંભળવું પણ છે. પહેલાં તું કહે.’ કુશાન બેડ પર પડેલા મોટા તકિયાને અઢેલીને બેસી ગયો.
કસકે વાત શરૂ કરી. એના શૈશવકાળની વાતો, સ્કૂલ અને કૉલેજની વાતો, પરિવારના સભ્યોના સ્વભાવ, શોખ અને ખાસિયતોની વાતો, ઘરની બહારના પણ નિકટનાં સગાઓની વાતો અને અંતમાં સહેલીઓની વાતો.
રાત ભાંગતી રહી. આંખોમાં મીઠો ઉજાગરો અને દિમાગમાં એ ઉજાગરાનું ઘેન ભરીને કુશાન પોતાની ‘ઓવન ફ્રેશ’ પત્નીની વાતોને સાંભળતો રહ્યો, સમજતો રહ્યો, માણતો રહ્યો.
‘પછી?’ કસક અટકી ત્યારે કુશાને પૂછ્યું.
‘પછી શું હોય! મેં તો મારી અત્યાર સુધીની પૂરી આત્મકથા વર્ણવી દીધી. મારી ઢીંગલીને હું કયા રંગના ચણિયા-ચોળી પે’રાવતી હતી એ પણ તમને કહી દીધું. હવે તમે બોલો અને હું સાંભળીશ.’
‘મારી પાસે કહેવા માટે વધુ કંઇ નથી. હવે પછી તું અહીં મારા ઘરમાં જ રહેવાની છે એટલે મારાં મમ્મી-પપ્પા, વિધવા ફોઇ, નાની બહેન અને બીજાં સગાંઓ વિશે ધીમે ધીમે તને બધું જાણવા મળવાનું જ છે, અને મારા સ્વભાવ વિશે, શોખ વિશે, મારા ગમા-અણગમાઓ વિશે પણ એ લોકો જ તને કહી દેશે. બાકીનું તું જાતે જાણી લેજે.’
‘બસ? તમે તો અડધી મિનિટમાં જ તમારી આત્મકથા પૂરી કરી દીધી. આવું ન ચાલે.’
કુશાન હસ્યો, ‘ન જ ચાલે. મેં હજુ ક્યાં વાત પૂરી કરી નાખી છે? કસક, માય ડાર્લિંગ! મારે તને એક જ વાત કરવી છે. એ વાત મારા મિત્ર હરબીજ સોની વિશેની છે.’
‘હરબીજ? આવું નામ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું.’
‘એના જેવો માણસ પણ જિંદગીમાં પહેલીવાર જોઇશ.’
‘એમ? તો જણાવો તમારા એ મિત્ર વિશે.’ કસકે બંને પગ વાળીને એના પર હડપચી ગોઠવીને હરબીજ-પુરાણ સાંભળવા માટે કાન સરવા કર્યા.
‘હરબીજનો અર્થ થાય છે ચાંદી અથવા સોના જેવું મૂલ્યવાન. પણ મારો મિત્ર તો પ્લેટિનમ જેવો કીમતી છે. અમે લંગોટિયા મિત્રો છીએ. શાળામાં સાથે હતા અને શાળા છૂટ્યા પછી શેરીમાં પણ સાથે હતા. હાઇસ્કૂલ, કૉલેજ પણ સાથે જ કરી.’
‘તમારો એ દોસ્ત આપણા મેરેજમાં કેમ ગેરહાજર હતો?’
‘અે હાલમાં ઢાકા ગયો છે. એના પપ્પાનો બિઝનેસ બાંગલાદેશ, નેપાળ અને ચાઇનામાં ફેલાયેલો છે. એટલે હરબીજને દોડાદોડી કરતા રહેવું પડે છે. બાકી એ જો ભારતમાં હોય તો આવ્યા વગર રહેતો હશે?’
‘ઓ. કે.’
‘કસક, તારે જો મારા વર્તુળમાં કોઇ એક વ્યક્તિને સાચવવાનો હોય તો એ હરબીજ છે. તું મારાં પપ્પા-મમ્મી કે મારી બહેનનું ધ્યાન નહીં રાખે તો હું કદાચ તને માફ કરી શકીશ, પણ હરબીજને હરગિજ નારાજ ના કરતી. એ મારો શ્વાસ-પ્રાણ છે.’
‘ઓહ્...! જય અને વીરુ?’
‘એના કરતાં પણ વિશેષ. જયના મરી ગયા પછી વીરુ તો જીવી ગયો હતો, પણ જો હરબીજ મારી જિંદગીમાંથી દૂર થઇ ગયો તો હું જીવી નહીં શકું.’
‘અરે! આવું તે હોતું હશે? દોસ્તી એ સારી વસ્તુ છે, પણ આટલી હદ સુધીની દોસ્તી હું પહેલી વાર...’
‘મેં કહ્યું ને? હરબીજ જેવો દોસ્ત પણ બીજો જોવા ન મળે.’
‘એવું તે શું છે એનામાં?’ કસકના મનમાં હરબીજ વિશે વધુ જાણવાની ઉત્સુકતા ઉત્પન્ન થઇ.
અને કુશાને મિત્રની ખૂબીઓ વિશે બોલવાનું શરૂ કર્યું. એ બોલતો જ ગયો... બોલતો જ ગયો... બોલતો જ ગયો, અને કસક
સાંભળતી રહી. પતિના મુખેથી ઝરતા એક-એક શબ્દને ધ્યાનપૂર્વક પીતી રહી અને એ વર્ણનમાંથી ઘડાતા જતા એક અપરિચિત
ચહેરાનો આકાર પામતી રહી.
વાતોમાં ને વાતોમાં ચાર વાગી ગયા. હવે બંનેની આંખો ઘેરાવા માંડી હતી. એક તો આખા દિવસનો થાક અને લગભગ આખી રાતનો ઉજાગરો.
‘ચાલો, હવે ઊંઘી જઇએ.’ કુશાને કીમતી વસ્ત્રોને બદલે નાઇટ ડ્રેસ ધારણ કરી લીધો, ‘આપણું હનિમૂન આવતી કાલે.’ અને એ બંને ઊંઘી ગયાં. વિકારને વિરામ આપીને. તન-મનમાં પેદા થયેલી કામનાઓને આવનારી કાલનો વાયદો આપીને. એકમેકનાં સાંનિધ્યમાં, પ્રગાઢ પ્રેમભર્યા આશ્લેષમાં, અપાર વિશ્વાસના આવરણમાં કેદ પુરાઇને બે યુવાન તન-બદન મીઠાં ઘેનમાં સરી ગયાં.
સવાર જરાક મોડી પડી. દસ વાગે નણંદે બેડરૂમનું બારણું હળવેકથી ખખડાવ્યું, ‘ભાભી...! ઓ... ભાભી...! ઊઠો હવે! દસ વાગ્યા. મેં પણ હજુ સુધી ચા નથી પીધી. તમારી સાથે જ...’
કસક પથારીમાંથી બહાર નીકળવા ગઇ, પણ ત્યાં જ કુશાને એને રોકી લીધી, એના હાથમાં મોબાઇલ ફોન હતો, ‘ડાર્લિંગ, જો, સવારના પહોરમાં છ વાગ્યે હરબીજનો મેસેજ આવ્યો છે. લે, વાંચ!’
કસકે મેસેજ વાંચ્યો.
હરબીજ લખતો હતો, ‘હેલ્લો, કુશાન! હા...ઇ... કસકભાભી! કેવી રહી સુહાગરાત? હું તમારા મેરેજમાં હાજર ન રહી શક્યો એ માટે સોરી! પણ આપણે ત્રણેય હવે ક્યાંક સાથે ફરવા માટે જઇએ તો કેવું? ચિંતા ન કરશો. હું અલગ રૂમમાં રહીશ. કબાબમાં હડ્ડી નહીં બનું. પણ સાત-આઠ દિવસ આપણે સાથે રહીશું, હરીશું-ફરીશું અને મોજ કરીશું. હું બે દિવસ પછી ઢાકાનું કામ પતાવીને આવંુ છું. ત્યાં સુધીમાં વિચારી રાખજો.’
કસકનું મોં પડી ગયું, ‘આપણે ફરવા માટે વિદેશમાં જઇએ ત્યાં તમારા મિત્રની શી જરૂર છે? એને ના પાડી દો.’
‘કસક, હું એને ના નહીં પાડી શકું. તું જ ના કહી દેજે. હું તને હરબીજનો નંબર આપું છું.’
કસક ઊભી થઇને બારણું ખોલીને નણંદની સાથે ચાલી ગઇ. આખો દિવસ કસકના મનમાં ધૂંધવાટ ચાલતો રહ્યો. એ સાથે સાથે મનમાં સમાંતર વિચારો પણ ચાલતા રહ્યા. લગ્નની પ્રથમ રાત્રીએ સુહાગરાત મનાવવાને બદલે એના પતિએ આખી રાત જાગીને જે મિત્ર વિશે વાતો કરી હોય એ મિત્ર એને કેટલો વહાલો હશે? કસકનો ધૂંધવાટ શમવા લાગ્યો. લંચ પછી તો એ વધારે પોઝિટિવ બનવા લાગી, ‘હરબીજ ભલે ને આવે! બે કરતાં ત્રણ ભલા! આમ પણ દિવસ દરમિયાન તો અજાણ્યા શહેરમાં ભટકવાનું જ હોય છે ને! ત્યાં હરબીજ જેવો અનુભવી માણસ સાથે હશે તો આસાની રહેશે.’
એ સાંજે કસકે જ હરબીજને મેસેજ કરી દીધો, ‘હાય! કેમ છો તમે? આપણે ચાર દિવસ પછી માલદિવ્ઝ જઇ રહ્યાં છીએ. તમે પણ સાથે જ આવો છો. હું કુશાનને બુકિંગ માટે કહી દઉં છું. એક વિનંતી, તમે મને ‘કસકભાભી’ ના કહેશો. ખાલી કસક જ કહેશો તો મને વધારે ગમશે. પ્લીઝ, ટ્રીટ મી ઓલ્સો એઝ યોર ફ્રેન્ડ. તમે દિયર તરીકે કેવા હશો એ હું નથી જાણતી, પણ તમે ફ્રેન્ડ તરીકે કેવા છો એ હું જાણું છું. તમારા વિશેની વાતો અમારી સુહાગરાતને ગળી ગઇ છે. વેઇટિંગ ફોર યોર અરાઇવલ.’
બે દિવસ પછી હરબીજ આવી પહોંચ્યો. ત્રિપુટી વિમાનમાં બેસીને માલદિવ્ઝ ટાપુ પર ફરવા માટે પહોંચી ગઇ. કુશાને વાત-વાતમાં કહી દીધું, ‘હરબીજ, તારે મને એક પણ રૂપિયો આપવાનો નથી, તારો પૂરો ‘ખર્ચ’ મેં જ ઉઠાવ્યો છે.’
ત્યારે હરબીજે ખુલાસો કર્યો, ‘મને શંકા હતી જ. એટલે તો આવતા મહિને આપણા ત્રણેય માટે મેં શ્રીલંકાનું પેકેજ કરાવી લીધું છે. સેકન્ડ પાર્ટ ઓફ યોર હનીમૂન વિલ બી સ્પોન્સર્ડ બાય મી!’
છ મહિનામાં તો ત્રિપુટી એકબીજાની ખૂબ નિકટ આવી ગઇ. કુશાન-હરબીજ તો વર્ષોથી ગાઢ મિત્રો હતા જ, હવે કસક પણ હરબીજ સાથે હળી ગઇ.
બરાબર એક વર્ષ પૂરું થવામાં એક દિવસની વાર હતી ત્યારે કસક હરબીજની સાથે ભાગી ગઇ. પાછળ ચિઠ્ઠી લખીને મૂકતી ગઇ, ‘કુશાન, આઇ એમ સોરી! તું ભલો છે, પણ હરબીજ જેવો પુરુષ આખા વિશ્વમાં બીજો ન મળે. હી ઇઝ ફેન્ટાસ્ટિક!
એ પણ મને ચાહવા લાગ્યો છે. અમે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. આશા છે કે તું ડિવોર્સ આપવામાં આનાકાની નહીં કરે. બીજી એક વાત. હરબીજનું માનવું છે કે હવે પછી તું મને ક્યારેય ન મળે એ અમારી મેરેજ લાઇફ માટે સારું રહેશે. એ પણ હવે પછી તારો મિત્ર બની રહેવા નથી ઇચ્છતો. એનું માનવું છે કે મિત્રતા એ ઘરનાં બારણાં સુધી જ સાથે આવવી જોઇએ, ઘરની અંદર નહીં.’
કુશાને કપાળ કૂટ્યું: ‘કાશ, આ છેલ્લું વાક્ય હરબીજે મને પહેલાં કહી દીધું હોત તો?!!!’
No comments:
Post a Comment