વરસું તો હું શ્રાવણ છું ને સળગું તો વૈશાખ મારી પાસે બે જ વિકલ્પો કાં આંસુ કાં રાખ
ત્વિષાની ચીસો ક્રમશ: વધતી જતી હતી. વહેલી સવારથી એને પ્રસૂતિની પીડા સાથે મારા નર્સિંગ હોમમાં લાવવામાં આવી હતી. દાખલ કરતી વખતે એની તપાસ કરી ત્યારે જ મેં કહી દીધું હતું, ‘બહેન, તારી ડિલિવરી નોર્મલ રીતે થાય એવી શક્યતા નહીંવત્ છે. બાળકનું માથું એવી પોઝિશનમાં છે કે હું ગમે એટલી રાહ જોઈશ તો પણ એ નીચેથી બહાર નહીં આવી શકે.’
‘મને પણ એવું જ લાગે છે, સર! તમે મારાં મમ્મી-પપ્પાની સાથે વાત કરી લોને, પ્લીઝ. હું વધારે રિબાવા નથી માગતી. તમે સિઝેરિયન કરીને બાળક લઈ લો.’ ત્વિષાએ એના તરફથી સંમતિ આપી દીધી.
મેં ત્વિષાનાં મમ્મી-પપ્પાને બોલાવ્યાં. શાંતિથી બધું સમજાવ્યું. બંને ગામડાંના જીવ હતા, પણ ભલા અને સમજુ હતાં. તરત જ માની ગયાં, પણ ત્વિષાના પપ્પાએ મને વિનંતી કરી, ‘સાહેબ, અમારા જમાઈ આવે ત્યાં સુધી રાહ જુઓ. એ જરાક ક્રોધી માણસ છે. પછી જાતજાતના વાંધાવચકાઓ ઊભા કરશે.’
મેં કહ્યું, ‘મને કોઈ પ્રોબ્લેમ નથી. આપણી પાસે પૂરતો સમય છે. તમે જમાઈને બોલાવી લો.’
ત્વિષાના પપ્પા વિનોદભાઈએ જમાઈને ફોન કર્યો, ‘પ્રશાંતકુમાર, ત્વિષાને દવાખાનામાં દાખલ કરી છે. તમે આવી જાવને! ડોક્ટર તમારી સાથે વાત કરવા માગે છે.’
‘આવું છું.’ જમાઈએ કહ્યું. ફોન પૂરો થયો.
પૂરા દોઢ કલાક પછી કારમાં બેસીને જમાઈબાબુ આવી પહોંચ્યા. સાથે એનાં માતા-પિતા, બે નાની બહેનો અને એક વિધવા ફોઈ પણ હતાં. બધાં આવતાંની સાથે સીધા વોર્ડમાં ત્વિષાની પાસે દોડી ગયાં. ત્યાંથી બધી વાત જાણ્યા પછી જમાઈ મને મળવા માટે આવ્યા.
મેં એમને સ્મિત કરીને આવકાર્યા. સીધી જ ત્વિષાની વાત કરવાને બદલે ઔપચારિક પરિચય પૂછવાથી શરૂઆત કરી, ‘શું કરો છો તમે, પ્રશાંતભાઈ?’, ‘હું કોલેજમાં લેક્ચરર છું.’, ‘સબ્જેક્ટ?’, ‘ફિઝિક્સ.’, ‘અરે વાહ! તમે બી.એસસી. વિથ ફિઝિક્સ થયેલા છો?’
‘નો! મેં ફિઝિક્સ વિષયમાં બી.એસસી. એમ.એસસી. અને પછી પીએચ.ડી. કર્યું છે. બહુ થોડા વર્ષમાં તો હું કોલેજમાં પ્રિન્સિપાલના હોદ્દામાં બેઠો હોઈશ.’
‘ગુડ.’ મેં ખુશી વ્યક્ત કરી. હકીકતમાં જ્યારે મારા દર્દીનાં સ્વજનોમાંથી કોઈ વિજ્ઞાનનો સ્નાતક નીકળી આવે ત્યારે હું ખરેખર રાજી થતો હોઉં છું. એનું કારણ એ છે કે વિજ્ઞાનના જાણકારને તબીબી વિજ્ઞાનની જટિલ વાત સમજાવતાં મને ઓછી તકલીફ પડે છે. સાવ અભણ અથવા અવૈજ્ઞાનિક સમજ ધરાવતા સગાંવહાલાંને મેડિકલ સાયન્સનાં તથ્યો સમજાવતાં નાકમાં દમ આવી જાય છે.
(જોકે, એક વાતની સ્પષ્ટતા કરી દઉં. મારી ચાર દાયકાની પ્રેક્ટિસમાં મને સૌથી વધારે સમજદાર દર્દીઓ મુસલમાન લાગ્યા છે. કોઈ પણ મુસ્લિમ બાનુની સ્થિતિ વિશે હું અડધું વાક્ય જ બોલું અને એમાંથી આખી વાત સમજી લે એ મુસલમાનો હોય છે. પછી સારવાર અંગે જે ત્વરિત નિર્ણય લેવાનો હોય તેમાં એ લોકો ક્ષણ માત્રનોયે સમય બગાડતા નથી. આપણાં લોકો ગર્ભસ્થ શિશુની હાલત ગંભીર હોય ત્યારે પણ વિચારવામાં કલાકોના કલાકો વેડફી નાખે છે. મારી જેમ જ મારા અન્ય ડોક્ટર મિત્રોને અનુભવ પણ આવો જ છે.)
ત્વિષાનો પતિ પ્રશાંત ફિઝિક્સમાં ડોક્ટરેટ થયેલો હતો એ વાત જાણીને હું રાજી થયો.
મેં કહ્યું, ‘તમે પહોંચવામાં જરાક મોડું કરી નાખ્યું છે, પણ વાંધો નથી. ત્વિષાની સ્થિતિ ક્રમશ: બગડતી જાય છે. ગર્ભાશયની અંદર બાળકની હાલત પણ ધીમે ધીમે ખરાબ થતી જાય છે.’, ‘પણ સર! ત્વિષાને પેઇન્સ તો સારા આવે છે.’, ‘હા, લેબર પેઇન્સ સારા છે. ઇન ફેક્ટ, હું ઇન્જેકશનો આપીને દર્દીને હજુ પણ વધારી શકું છું. અહીં પ્રશ્ન એનો નથી.’, ‘તો શેનો છે?’, ‘તમારી પત્નીનાં ગર્ભાશયમાં રહેલા બાળકની પોઝિશનનો પ્રશ્ન છે.
એનું માથું એવી રીતે ગોઠવાયેલું છે કે જેમ જેમ દર્દ વધતું જશે તેમ તેમ એનું માથું હાડકાં વચ્ચે દબાતું જશે, પણ એ બહાર નહીં નીકળી શકે. પરિણામે એ અંદર જ ઝાડો કરી જશે. પછી એવું ગંદું પાણી એના મોઢામાં અને શ્વાસનળીમાં ચાલ્યું જશે. કદાચ એ અંદર જ મૃત્યુ પામશે. જો જીવતું આવે તો પણ...’
મને ગળા સુધી વિશ્વાસ હતો કે ડો. પ્રશાંત મારી વાત સાંભળીને કાચી સેકન્ડમાં કહી દેશે, ‘લાવો, સાહેબ! સંમતિપત્ર! મારે ક્યાં સહી કરવાની છે? તમે તાત્કાલિક ઓપરેશન કરીને અમારા શિશુને બચાવી લો.’
પણ મારા આશ્ચર્ય વચ્ચે પ્રશાંતે આટલું જ કહ્યું, ‘હું તમારું કહેવું સમજી ગયો, પણ મને થોડોક સમય આપો. હું મારા ગુરુજીની સલાહ લઈ લઉં, એ જેમ કહે એ પ્રમાણે કરીશું.’
‘ગુરુજી? તમારા ગુરુજી ગાયનેકોલોજિસ્ટ છે?’ મારા પ્રશ્નમાં સહેજ અકળામણ હતી.
‘ના, મારા ગુરુદેવ તો ડોક્ટરોથી પણ મોટા છે. આ ભવસાગર પાર કરવામાં મદદ કરનારા છે. પૃથ્વી પર એમની મરજી વગર પાંદડુંયે ફરકતું નથી.’
‘આવું તો ભગવાન માટે કહેવાય છે.’
‘મારા ગુરુદેવ સાક્ષાત્ ભગવાન જ છે. હું એમની આજ્ઞા વગર કોઈ જ અગત્યનો નિર્ણય લેતો નથી. તમે દસ મિનિટ થોભો. હું બહાર જઈને એમની સાથે વાત કરીને આવું છું.’
મેં એક વાત નોંધી કે ગુરુદેવની વાત કરતી વખતે આ ડોક્ટરેટ થયેલા વિજ્ઞાનના માણસની આંખમાં એક ન સમજી શકાય તેવી મૂઢતા અંજાઈ જતી હતી. એનું ભણતર, ગણતર, વિચારોની ચમક, ડિગ્રીનું તેજ આ બધું સરી જતું હતું. એનું સ્થાન સંપૂર્ણ જડતા અને અંધશ્રદ્ધા લઈ બેસતી હતી. હું લાચાર હતો. મારી નજર સામે એક પ્રસૂતા પીડાઈ રહી હતી, એનું શિશું જોખમમાં મુકાઈ રહ્યું હતું અને હું કશું જ કરી શકતો ન હતો.
પ્રશાંત બહાર જઈને પાછો આવ્યો, ‘સર, મારે વાત થઈ ગઈ છે. ગુરુદેવે ઉપાય બતાવ્યો છે. હું એમણે કહેલો પ્રસાદ ત્વિષાને ખવડાવું છું. બે કલાકમાં નોર્મલ ડિલિવરી થઈ જશે.’
‘બે કલાક?!! એટલી વારમાં તો...???’ હું ખળભળી ઊઠ્યો, પણ પ્રશાંત તો ત્યાં સુધીમાં રવાના થઈ ગયો હતો. કદાચ ગુરુદેવે કહેલો પ્રસાદ લાવવા માટે.
હું શાંતિથી બેસી રહ્યો. પછી જે થયું એનું વર્ણન મારા સ્ટાફની બહેને મને કહી સંભળાવ્યું.
પ્રશાંત લગભગ પોણો કલાક બાદ પાછો ફર્યો. એના હાથમાં એક તપેલી હતી. એમાં કોઈક વસ્તુ હતી. એ વોર્ડમાં ગયો. તપેલી પત્નીની સામે ધરીને એણે કહ્યું, ‘આ ખાઈ જા! ગુરુદેવની આજ્ઞા છે. સુવાવડ નોર્મલ રીતે થઈ જશે.’
ત્વિષાનાં નાકમાં દુર્ગંધનું ઝાપટું પ્રવેશી ગયું. એણે ચીસોમાં ‘બ્રેક’ પાડીને તપેલીમાં નજર ફેંકી. અંદર ગાયનું છાણ ભરેલું હતું. (કોઈ માને યા ન માને, પણ આ શત-પ્રતિશત સત્યઘટના છે.)
‘આ કેવી રીતે ખવાય? આ તો છાણ છે?’ ત્વિષા બોલી ઊઠી.
‘શટઅપ! ગુરુદેવના પ્રસાદને તું છાણ કહે છે? મારે તારી એક પણ વાત સાંભળવી નથી. મારો સ્વભાવ તું જાણે છેને?’ પ્રશાંતનો અવાજ ભયંકર બની ગયો.
ત્વિષા એના પતિના સ્વભાવને સારી રીતે જાણતી હતી. ઉપરથી સુશિક્ષિત દેખાતો પ્રશાંત ભીતરથી પૂરેપૂરો ‘ધણી’ હતો. એકવીસમી સદીની હવા હજુ એને સ્પર્શી જ ન હતી. પત્ની એ એને મન દાસી હતી.
ત્વિષા સમજી ગઈ કે જો એ પતિનું કહેવું નહીં માને તો એ આ વાત પર એને ડિવોર્સ આપવાની હદ સુધી જઈ શકે છે. ત્વિષાનાં મમ્મી-પપ્પા બાપડાં લાચાર હતાં. જમાઈ આગળ કશું જ બોલી શકવાની કોઈની હિંમત ન હતી.
ત્વિષા નાક બંધ કરીને ઊબકા અનુભવતી એ તપેલીમાં હતું એ બધું છાણ ખાઈ ગઈ.
બે કલાક થઈ ગયા. મેં મશીનની મદદથી પ્રશાંતને ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા સંભળાવ્યા. હવે ભાઈસાહેબ ધ્રૂજી ગયા, ‘સર, તમારે જે કરવું હોય તે કરો, મારા બાળકને બચાવી લો પ્લીઝ.’
એનેસ્થેટિસ્ટ આવ્યા.
ત્વિષાની હોજરીમાં પડેલું છાણ નળી વાટે બહાર કાઢ્યું. પછી એનેસ્થેસિયા આપ્યું. સિઝેરિયન સંપન્ન થયું. દીકરો જન્મ્યો તો ખરો, પણ એ શ્વાસ લેતો ન હતો. સદ્્ભાગ્યે નિઓનેટોલોજિસ્ટ હાજર હતા. એમણે બાળકને બચાવી લીધું. આ ઘટનાને આજે વર્ષો થઈ ગયાં, પણ જ્યારે યાદ કરું છું ત્યારે મારા મનમાં એક-બે સવાલો ઊઠે છે: આ દેશમાં બાબાઓ-ગુરુદેવો-બાપુઓ કેટલી હદ સુધી પ્રજાના દિમાગ પર છવાયેલા છે? પીએચ.ડી. થયેલો યુવાન પણ આટલી અંધશ્રદ્ધા ધરાવી શકે તો અલ્પશિક્ષિત ભક્તોનું તો પૂછવું જ શું? અને બાપડી ત્વિષા! છાણ પણ ખાવું પડ્યું અને નોર્મલ ડિલિવરી પણ ન થઈ!
No comments:
Post a Comment