Thursday, July 13, 2017

યે દુનિયા હૈ તેજ ધૂપ, પર વો તો બસ છાંવ હોતી હૈ, સ્નેહ સે સજી, મમતા સે ભરી, માઁ તો બસ માઁ હોતી હૈ



યે દુનિયા હૈ તેજ ધૂપ, પર વો તો બસ છાંવ હોતી હૈ, સ્નેહ સે સજી, મમતા સે ભરી, માઁ તો બસ માઁ હોતી હૈ
નામ તેજસ્વિની. પણ એના પપ્પા શરૂઆતથી જ એને ‘તેજુ’ કહીને બોલાવતા હતા; એટલે બધાં માટે એ તેજુ જ બની ગઇ હતી. જ્યારે મેરેજ માટેના ઇન્વિટેશન કાર્ડમાં પૂરું નામ લખાયું ત્યારે સહુને ખબર પડી કે આપણી તેજુ તો સૌભાગ્યકાંક્ષિણી તેજસ્વિની છે! મા વગરની દીકરી. એટલે સગાંવહાલાં, મિત્રો, સ્વજનો બધાં સહકુટુંબ ઊમટી પડ્યાં. દીકરીને પરણાવવા માટે પપ્પા એકલા તો બેસી શકે નહીં; એટલે વિધિ માટે તેજુનાં કાકા અને કાકી બેઠાં હતાં. એક તરફ લગ્નની વિધિ ચાલી રહી હતી; બીજી તરફ માંડવામાં બેઠેલા મહેમાનોમાં ચર્ચા.

‘હર્ષદભાઇ એટલે કહેવું પડે, હોં! તેજુને બે વર્ષની મૂકીને એની મમ્મી મૃત્યુ પામી હતી, પણ હર્ષદભાઇને દીકરીને માની ખોટ સાલવા ન દીધી. મમ્મી અને પપ્પા બેઉનો પ્રેમ એમણે એકલાએ આપ્યો. બીજી વાર પરણ્યા પણ નહીં. આવો બાપ આ હળાહળ કળિયુગમાં જોવા ન મળે.’ બીજાએ ટાપસી પુરાવી, ‘સાવ સાચી વાત. મારી તો આંખ સામેની વાત. અમારું ઘર હર્ષદભાઇના ઘરની બરાબર સામે જ. જ્યારે તેજુની મમ્મીનું અવસાન થયું ત્યારે હું બહારગામ હતો, પણ ઘરે આવીને મેં જોયું તો હર્ષદભાઇ જે કલ્પાંત કરતા હતા...

કાંઇ કલ્પાંત કરતા હતા..! ભગવાનના સમ; આટલું તો ક્યારેય જુવાન બાઇ રાંડે ને તો યે ન રડે.  એક વડીલે તરત જ ‘જુવાન’ શબ્દને પકડી લીધો. ‘તે હર્ષદભાઇ પણ જ્યારે વિધુર થયા ત્યારે ક્યાં ઘરડા થઇ ગયા હતા? માંડ ત્રીસ વરસના હશે. અત્યારના સમયમાં તો આ ઉંમરે છોકરા-છોકરીઓ કુંવારાં ફરતાં હોય છે. જો હર્ષદભાઇએ ધાર્યું હોત તો બીજા મહિને જ ઘોડીએ ચડી શક્યા હોત એ પણ કાચી કુંવારી કન્યા જોડે પરણવા માટે.’

‘તો એમણે બીજું લગ્ન શા માટે ન કર્યું?’
‘એમની દીકરી તેજુના ભવિષ્ય માટે.’

‘પણ તેજુ તો તે સમયે ફક્ત બે જ વર્ષની હતી; એનું ભવિષ્ય તો બીજી મમ્મી આવી હોત તો જ સારું થયું હોત ને?’
‘ના, નવી મમ્મીથી માત્ર એનો વર્તમાન જ સારો થયો હોત. એ પણ ત્યાં સુધી જ જ્યાં સુધી બીજી મમ્મીને એનાં પોતાનાં બાળકો ન થયાં હોત. એ પછી તો પોતાનાં અને સાવકાંની જુગ જુગ જૂની રમત જ ચાલુ થઇ ગઇ હોત. હર્ષદભાઇ આ વાત સારી રીતે સમજતા હતા; એટલે જ એમણે બીજી વાર મેરેજ કરવાનું માંડી વાળ્યું.’

‘કન્યા પધરાવો, સાવધાન....!’ ગોર મહારાજે મોટેથી ઉચ્ચાર્યું. એ સાથે જ લાલ-શ્વેતરંગી પાનેતરમાં શોભતી તેજની મૂર્તિ સમી તેજસ્વિની મંડપમાં પ્રવેશી. માંડવા પક્ષમાં તો બધાને એનાં રૂપની જાણ હતી જ; પણ જાનૈયાઓના મોઢામાંથી વાહ! વાહ!ના ઉદ્્ગારો સરી પડ્યા.
હસ્તમેળાપ, મંગળફેરા, સપ્તપદીના શ્લોકો, મામેરું વગેરે વિધિઓ ચાલતી રહી. કાકા-કાકી તેજુનું કન્યાદાન કરી રહ્યાં. હર્ષદભાઇ આર્દ્ર આંખો સાથે બાજુમાં બેસીને બધું જોતા હતા. જ્યારે ભોજન સંપન્ન થયા બાદ કન્યાવિદાયનો સમય આવ્યો ત્યારે બધાની આંખોમાં આંસુઓનું પૂર વહી નીકળ્યું. તેજુ હર્ષદભાઇના ગળે વળગીને રડી પડી ‘પપ્પા.....! હવે તમારું ધ્યાન કોણ રાખશે?’

તેજુનો પ્રશ્ન સાંભળીને ઉપસ્થિત મહેમાનો રડી પડ્યા. તેજુની ચિંતા વાજબી હતી. જે લોકો નિકટના હતા તેઓ સારી રીતે જાણતા હતા કે જેટલું ધ્યાન શરૂઆતનાં પંદર વર્ષમાં હર્ષદભાઇએ દીકરીનું રાખ્યું હતું, એટલું જ ધ્યાન છેલ્લાં પંદર વર્ષ દરમિયાન તેજુએ એના પપ્પાનું રાખ્યું હતું.

સત્ય એ હતું કે પપ્પાની ચિંતાને લીધે જ તેજુ ત્રીસ વર્ષ સુધી કુંવારી બેસી રહી હતી. એના માટે કંઇ કેટલાય સુયોગ્ય મુરતિયાઓનાં માગાંઓ આવી ચૂક્યાં હતાં. બધા જ છોકરાઓ સારા હતા. પણ તેજુ ના પાડતી રહી. હર્ષદભાઇએ એક દિવસ પૂછી પણ લીધું હતું, ‘હું તો કંટાળી ગયો, બેટા. તું દરેક મુરતિયા માટે ના કેમ પાડી દે છે? મને તો બધા જ ગમ્યા હતા.’

‘પપ્પા, હું ના પાડું છું એનાં કારણો છે. પેલો અમેરિકાવાળો દર વરસે બે મિલિયન ડોલર્સ કમાતો હતો એ વાત સાચી, પણ એની સાથે પરણીને મારે અમેરિકા જવું પડ્યું હોત. પેલો ડેપ્યુટી કલેક્ટર દર ચોથા વરસે ઠેકાણું બદલતો રહે; એની સાથે લગ્ન કરીને હું યે વણઝારાની જેમ પોઠ સાથે ફરતી રહેતી હોત. પેલો કાર્ડિયોલોજિસ્ટ મને પણ ગમ્યો હતો, પણ એ મુંબઇમાં સેટલ થવાનો હતો. પપ્પા, હું જો લગ્ન કરીને તમારાથી દૂર ચાલી જાઉં તો પછી તમારું કોણ?

મારે તો આ જ શહેરમાં રહેતા છોકરાની સાથે પરણવું છે. ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું! રોજ બે વાર તમારું ધ્યાન રાખવા આવવું હોય તો આવી શકાય ને એટલા માટે.....’
તેજુ આમાં ને આમાં ઓગણત્રીસની થઇ ગઇ. ત્યારે અમદાવાદમાં જ રહેતો તપસ્વી નામનો એક સોહામણો મુરતિયો એનો હાથ માગવા આવી પહોંચ્યો. એ ઊભરતો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હતો. સુખી સંપન્ન પરિવારનો પુત્ર હતો. તેજસ્વિનીએ એની સાથે બધી વાતની ચોખવટ કરી લીધી.

‘હું તારી સાથે લગ્ન કરવા માટે એક જ શરતે હા પાડું; મારા પપ્પાએ મારા માટે આજીવન વિધુરાવસ્થા ભોગવવાની ભીષ્મપ્રતિજ્ઞા લીધી હતી; હવે એમની વૃદ્ધાવસ્થા સાચવવાની ફરજ મારી રહેશે.’
‘તારી નહીં, આપણી રહેશે.’
તેજસ્વિનીએ હસીને ‘હા’ કહી દીધી હતી.

અને તેમ છતાં પણ પપ્પાથી જુદાં પડતી વેળાએ તેજુ રડી પડી હતી, ‘પપ્પા, મારા વગર હવે તમારું ધ્યાન કોણ રાખશે?’ અશ્રુભીના વાતાવરણમાં કન્યા વિદાય થઇ ગઇ. ઘર સૂનું થઇ ગયું.
લગ્ન પછી તેજસ્વિની બે-અઢી મહિના સુધી તો પપ્પાની સંભાળ પ્રેમપૂર્વક લેતી રહી; પછી અચાનક એક દિવસ એના પિયરના જૂનાં પાડોશી ભાનુમાસી મળી ગયાં.
‘અરે, ભાનુમાસી! તમને મારાં લગ્નની કંકોતરી તો મોકલાવી હતી; કેમ ન આવ્યાં?’

‘દીકરી, હું ન આવું એવું તે બનતું હશે ક્યારેય? તારી મા મારી નજીકની બહેનપણી હતી. પણ એ વખતે અમે ચાર ધામની જાતરાએ ગયાં હતાં. પાછાં આવ્યાં ત્યારે કંકોતરી વાંચી. આજે હું તને ચાંલ્લો આપવા માટે જ આવી છું. ના ન પાડીશ. મારી ફરજ બને છે અને તારો હક્ક.’ ભાનુમાસી દોઢ-બે કલાક બેઠાં. તેજુએ ચા-નાસ્તો આપ્યો. પછી વાત કાઢી, ‘માસી, તમે કહ્યું ને કે મારી મમ્મી તમારી ખાસ બહેનપણી હતી; તો મને એનાં વિશે કંઈક વાત કરો ને!’

‘કેમ, તારા બાપે તને કંઇ કહ્યું જ નથી?’
‘મેં પપ્પાને ક્યારેય પૂછ્યું જ નથી; મારા પપ્પાને મારી મમ્મી માટે એટલો બધો પ્રેમ હતો કે મારા પૂછવાથી એમને દુ:ખ....’
‘અરે, શેનું દુ:ખ અને કેવો પ્રેમ?! તારો બાપ માણસ નથી, પણ રાક્ષસ છે! એણે  જ તારી માને...’

‘મારા પપ્પાએ મમ્મીને મારી નાખી હતી?’
‘ના, તારી માએ આત્મહત્યા કરી હતી; પણ એને આત્મહત્યા કરવા માટે મજબૂર તારા બાપે કરી હતી.’
‘કારણ?’

‘કારણ એટલું જ કે તારા બાપનું બીજી એક હલકટ સ્ત્રી સાથે લફરું ચાલતું હતું. તારો બાપ કાયમ એ બાઇના ઘરમાં જ પડ્યો રહેતો હતો. રખાત જ માની લે ને! રાતભર ત્યાં પડ્યા-પાથર્યા રહેવું, એની પાછળ પૈસા ઉડાડવા, તારી માના હાથમાં ઘરખર્ચ પૂરતાંયે નાણાં ન મૂકવા. બિચારી થાકી ગઇ, હારી ગઇ અને એક રાત્રે તું ઊંઘતી હતી ત્યારે ગળે ફાંસો ખાઇને....’
‘પણ તો પછી મારા પપ્પાએ બીજાં લગ્ન શા માટે ન કર્યાં? પપ્પા એમની રખાતની સાથે તો મેરેજ કરી શકતા હતા ને?’

‘ના.’ ભાનુમાસીએ ઘટસ્ફોટ કર્યો, ‘એ બાઇ વિધવા હતી અને એને એના સ્વર્ગસ્થ પતિના સ્થાન પર નોકરી મળેલી હતી. એને બે સંતાનો પણ હતાં જે સમજણાં થઇ ચૂક્યાં હતાં. એટલે તારા બાપે લગ્ન કર્યાં વગર જ એની સાથેનો સંસાર ચાલુ રાખ્યો. એનાં બાળકો ઘરમાં હાજર ન હોય ત્યારે એ....’
‘ઓહ! ત્યારે હું આટલાં વર્ષો સુધી ભ્રમમાં જ જીવતી હતી કે પપ્પાએ મારા માટે કેટલો મોટો ભોગ આપ્યો છે?’

‘તારો બાપ હત્યારો છે. એણે ભોગ આપ્યો નથી, પણ ભોગ લીધો છે; તારી માનો, તારી સુખી જિંદગીનો અને સત્યનો ભોગ.’ ભાનુમાસી આટલું કહીને રવાના થઇ ગયાં.
પણ તેજસ્વિનીના મનમાં હવે બધું સ્પષ્ટ થઇ ગયું હતું. એણે તરત જ એક ટૂંકો પત્ર લખી નાખ્યો, ‘શ્રીમાન હર્ષદભાઇ, હું તમને આજથી ‘પપ્પા’ કહેવાનું બંધ કરું છું. મને તમારી અસલિયત વિશે સંપૂર્ણ જાણકારી મળી ચૂકી છે. અત્યાર સુધી હું એવું માનતી રહી કે તમે મને મા અને બાપ બંનેનો પ્રેમ પૂરો પાડ્યો છે. આજે ખબર પડી કે મારી જિંદગીમાંથી માતાની મમતાની બાદબાકી કરનારા તમે જ હતા.

હું તમને ધિક્કારું છું. હવે પછી ક્યારેય મને મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન સરખો પણ કરતા નહીં. કહેવતમાં કહ્યું છે કે ‘ઘોડાનો ખૂંદનાર બાપ ભલે મરે, પણ તકલીની કાંતનાર મા ન મરજો!’ માનું સ્થાન બાપ ક્યારેય લઇ ન શકે. જિંદગીનાં ત્રીસ વર્ષ મેં મમ્મી વગર કાઢી નાખ્યાં, હવે  બાકીનાં બધાં વર્ષો હું મારી મમ્મીની સ્નેહભરી સ્મૃતિઓમાં સથવારે કાઢી નાખીશ. લિ. એક હતભાગી દીકરી.’

No comments:

Post a Comment