Tuesday, September 5, 2017

ઇચ્છાપૂર્તિ માટે પરિવર્તન કરવું પડે છે, પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે


ઇચ્છાપૂર્તિ માટે પરિવર્તન કરવું પડે છે, પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે

નામ?’ મેં એક સરસરી નજર ફેંકીને એને જોઈ લીધી; કેસ-પેપર રજિસ્ટરમાં વિગત નોંધવા માટે પૂછતાછ શરૂ કરી.
‘સર, લખવાની જરૂર નથી. હું પેશન્ટ બનીને નથી આવી. તમારી હેલ્પની જરૂર છે એટલા માટે આવી છું.’
મેં ચોપડો બંધ કરી દીધો. પેન બાજુ પર મૂકી દીધી. પણ સવાલ ન મૂક્યો. એનો એ જ પકડી રાખ્યો, ‘નામ?’
‘લવલી.’ એણે કહ્યું.

‘એ તો તું છો જ; પણ હું નામ પૂછું છું.’
એ પવનમાં ફરકતાં ફૂલની જેવું હસી પડી, ‘સર, મારું નામ જ લવલી છે. લવલી બ્રહ્મભટ્ટ.’
‘ઓહ! લવલી નેઇમ! કોણે પાડ્યું છે?’
‘મારા પપ્પાએ. પપ્પા સાહિત્ય-રસિક હતા.’
‘હતા?’
‘હા, હવે નથી.’ ડાળી પર ઝૂલતા ગુલાબના ફૂલને જાણે પડી ગયેલો પવન નડી ગયો! એનું હસવું થંભી ગયું.
‘આઇ એમ સોરી. કેટલાં વર્ષ થયાં એમની વિદાયને?’

‘હું સાતમા ધોરણમાં ભણતી હતી. પપ્પા રાત્રે ફેક્ટરીની નોકરીમાંથી છૂટીને સાઇકલ પર ઘર તરફ આવતા હતા. અચાનક મેસિવ હાર્ટ એટેક આવ્યો. સાઇકલ પડી ગઈ!’
હું જોઈ રહ્યો. સાંભળી રહ્યો. વિચારી રહ્યો. શું વીત્યું હશે આ દીકરી પર એ વખતે? અને એ પછી પણ! આ કઠોર જગતમાં વિધવા માતા અને અબૂધ બાળકી. કદાચ બીજાં ભાઇ-બહેન પણ હશે. મા એ શું શું નહીં વેઠ્યું હોય સંતાનોને ઉછેરવા માટે! એમાં પણ લવલી તો મોગરાના કરંડિયામાં સંતાડેલો રૂપનો ભારો હતી! એને ઉછેરવી એના કરતાં યે વધારે અઘરું કામ એને બચાવવી એ હતું.

લવલીએ ધીમે ધીમે મૂળ મુદ્દા પર આવવાની શરૂઆત કરી, ‘તમારા મનમાં જે કલ્પનાઓ ચાલતી હશે, અમે એ જીવી ચૂક્યા છીએ. હવે હું બી.કોમ. ગ્રેજ્યુએટ થઈ ગઈ છું.’
‘સરસ. ત્યારે તો તમારા પરિવારનું રાષ્ટ્રગીત હવે આ હશે - દુ:ખ ભયે દિન બિતે રે ભૈયા....અબ સુખ આયો રે.....!’
‘ના, સર.’ એના રૂપાળા ચહેરા પર શ્યામલ છાયા ઊભરી આવી, ‘અચ્છે દિન આને વાલે હૈ- એ દેશ માટે કદાચ સાચું હોઇ શકે છે; પણ દરેક પરિવાર માટે નહીં. અમારા ઘરમાં તો મમ્મીનો સંઘર્ષ પૂરો થયો અને મારો સંઘર્ષ શરૂ થયો છે.’

લવલી બોલતી રહી; એની વાતમાંથી એના ઘરની દર્દભરી હકીકત ઝમતી રહી. એની નાની બહેન કૉલેજમાં ભણતી હતી. એ લવલીથી બે વર્ષ નાની હતી. એના પછી ત્રણ વર્ષે ભાઇ હતો. લવલીની કૉલેજ પૂરી થતાંમાં મમ્મીની શક્તિના આંટા ખલાસ થઇ ગયા હતા. અમાનવીય પરિશ્રમ અને અપૂરતા આહારના કારણે એને ક્ષયરોગ લાગુ પડી ગયો હતો. એ દિવસનો મોટા ભાગનો સમય ઓરડામાં ખાટ પર પડી-પડી ખાંસતી રહેતી હતી. ખાંસીના ઠહકાઓ વચ્ચે આ એક જ વાત બોલતી રહેતી હતી, ‘લવલી! સાંભળે છે, બેટા? મારાથી હવે કામ નહીં થાય. હવે ઘરની જવાબદારી તારા માથે છોડું છું. બેય ભાઇ-બહેનનાં ભણવાનો ખર્ચ અને ચાર જણાનાં પેટ ભરવાનાં.....ખોં.....ખોં....ખોં...!’

જવાબદારી ઉઠાવવા માટે લવલી તૈયાર જ હતી, પણ તક મળવી જોઈએ ને? એકવીસમી સદીના ભારતમાં સારી અને સલામત નોકરી મેળવવી એ લગભગ અશક્ય વાત બની ગઈ છે. હાથમાં સાવરણો પકડવાનું કામ મળતું હોય તો સો-બસો ઉમેદવારો હાજર થઈ જાય છે. જ્યાં ચાર ચોપડીનું ભણતર ચાલી જાય ત્યાં એમ.એ. અને એમ.એસ.સી. મળી જાય છે. એમાં પણ લવલી તો રૂપનો છોડ. સુગંધની ટોકરી. સુંદરતાનું આખરી સરનામું એટલે એની મમ્મીએ એને સલાહ આપી, ‘બેટા, તું ક્યાંક ખાનગી દવાખાનામાં કામ શોધી કાઢ. સરકારી ભરતી તો બંધ જેવી જ છે. અને આપણી પાસે કોઇની ભલામણ પણ નથી.’
એ સલાહની કેડી પર ચાલીને લવલી મારી પાસે આવી પહોંચી, ‘સર, હું તમને વર્ષોથી વાંચતી રહી છું. તમારા શબ્દોમાં મને શ્રદ્ધા પડી છે. મને જોબ આપો.’
‘બહેન, તારી શ્રદ્ધા માટે આભાર, પણ મારા મેટરનિટી હોમમાં કોમર્સ ગ્રેજ્યુએટને માટે કોઈ જગ્યા નથી. અમારા ‘સેટઅપ’માં તને ગોઠવવી હોય તો તને તાલીમ આપવી પડે. અને એ તાલીમ તને કેટલી ચડશે એ વિશે કંઇ કહેવાય નહીં. બીજું કે અત્યારે મારી પાસે પૂરતો સ્ટાફ છે. એટલે તારે બીજી કોઈ જગ્યાએ તપાસ કરવી પડશે.’
‘સર, હું ક્યાં તપાસ કરું? હું તો તમને ઓળખું છું. તમે જ કોઈ રસ્તો બતાવો, પ્લીઝ!’ લવલીની સુંદર આંખોમાંથી મારા માટેનો વિશ્વાસ ટપકતો હતો.
હવે હું મૂંઝવણમાં મુકાઈ ગયો. હું ‘અમ્પ્લોયમેન્ટ સેન્ટર’ તો ચલાવતો ન હતો. મારે પનારો પણ સ્ત્રીઓની સાથે જ પડતો રહ્યો છે; જેમાંની અડધો અડધ હાઉસવાઇફ હોય છે, બાકીની બહેનો ક્યાંક જોબ કરતી હોય છે.

મારી સ્મૃતિમાં એવી એક પણ બહેન ન હતી જે બીજાને નોકરીમાં રાખતી હોય. મારા દિમાગમાં અચાનક ઝબકારો થયો. હું ડૉક્ટર તરીકે ભલે ફક્ત સ્ત્રીઓના જ પરિચયમાં આવતો હોઉં, પણ લેખક તરીકે તો....!!
હા, અનેક પુરુષો મારી પાસે આવીને એમના વિઝિટિંગ કાર્ડ્ઝ મૂકી ગયા છે: ‘સાહેબ, મારે લાયક કંઇ પણ કામ હોય તો જરૂર કહેજો.’ આવું કહી ગયા છે.
આવાં બધાં નામ-સરનામાવાળાં કાર્ડ્ઝ મેં ટેબલના ડ્રોઅરમાં સાચવી રાખ્યાં હતાં. મેં ખાનું ખોલીને ખાંખાંખોળા કર્યાં. એક નામ પર નજર ઠરી: પ્રેમલ પાનસુરિયા.
પ્રેમ આયર્ન ઇન્ડસ્ટ્રીઝ. નીચે એડ્રેસ અને મોબાઇલ નંબર લખ્યાં હતાં. શહેરથી પંદરેક કિ.મી. દૂરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ કંપની આવેલી હતી.

મેં પ્રેમલનો નંબર લગાડ્યો. મારી ઓળખાણ આપી. પછી પૂછ્યું, ‘ભાઈ, મને મળવા આવ્યા હતા. યાદ છે?’
એના અવાજમાં ઉલ્લાસનો ઉછાળ આવી ગયો, ‘અરે, સાહેબ! તમે? આજે તમે મને ફોન કર્યો? મારો તો મોબાઇલ ફોન ધન્ય થઇ ગયો...’ બ્લા....બ્લા...બ્લા...!

‘એ બધું જવા દો, મિત્ર, તમે મને તમારું કાર્ડ આપી ગયા હતા. અને કહી ગયા હતા કે તમારે લાયક કોઈ કામ પડે તો મારે તમને યાદ કરવા....’

‘હા જી સર! બોલો કોને કેટલા રૂપિયાની મદદ કરવાની છે? કોઇ સ્ટુડન્ટ છે? ગરીબ પેશન્ટ છે? કોઈ સંસ્થાને રૂપિયાની જરૂર...?’
‘ના, એવું કશું જ નથી. મારી સામે એક જુવાન છોકરી બેઠી છે. એને જોબની જરૂરિયાત છે. મને ખબર નથી કે તમારી ઑફિસમાં.....’
‘નો પ્રોબ્લેમ, સર! એને મોકલી આપો. હું એનો ઇન્ટરવ્યૂ લઈને પછી નક્કી કરીશ. બીજું કંઇ હોય તો પણ જણાવજો.’
એણે ફરી પાછા થોડાંક અહોભાવસૂચક વાક્યો બોલીને ફોન પૂરો કર્યો. મેં એના કાર્ડ સાથે લવલીને રવાના કરી દીધી.
મને એક ભલાઇનું કામ કર્યાનો સંતોષ થયો. મારા એક ફોનથી એક આખું ફેમિલી નભી જશે એ વાતનો આનંદ પણ થયો. ત્યાં તો બીજા દિવસે જ લવલી આવી ચડી. મોં પર આક્રોશ. આંખોમાં તીખાશ. હોઠો આવેગના માર્યા કંપે. એ કશુંક કહેવા માંગતી હતી, પણ કહી શકતી ન હતી. મેં એને હિંમત આપી, એટલે એનો બંધ તૂટી ગયો.

‘સર, તમારો એ મિત્ર તો સાવ કેવો માણસ છે....?’
‘હોલ્ડ ઓન!’ મેં એને અટકાવીને સ્પષ્ટતા કરી દીધી, ‘એ મારો મિત્ર નથી, માત્ર વાચક છે. અમે ફક્ત એક જ વાર મળ્યા છીએ. ત્યાર પછી મેં ક્યારેય ફોન પણ કર્યો નથી. હું એના વિશે કંઈ જ જાણતો નથી. મેં તને શુભાશયથી એની પાસે મોકલી હતી. એની પાસે નોકરી છે, તારી પાસે બેકારી છે. એટલે મેં તો... પણ જવા દે! એ જણાવ કે ત્યાં શું થયું? પ્રેમલે તને રિજેક્ટ કરી દીધી? જોબ ન આપી?’

‘એવું નથી બન્યું, સર. એમણે મારો ઇન્ટરવ્યૂ લીધો અને પછી કહ્યું કે અમારી કંપનીમાં તારા માટે કોઇ જગ્યા નથી, તો પણ સાહેબનો ફોન હતો એટલે હું તને રાખી લઉં છું; પણ પગાર માસિક ત્રણ હજાર રૂપિયાથી વધારે નહીં આપી શકું.’
‘શરૂમાં ત્રણ હજાર ઓછા ન ગણાય. હું તો કહું છું કે તું એ જોબ લઇ જ લે. ધીમે ધીમે તારું પરફોર્મન્સ જોઇને...’
(આ ઘટના 2002ના વર્ષની છે; ત્યારે ત્રણ હજારની રકમ આજના જેવી સાવ મામૂલી ન હતી.)

લવલી હજુ પણ ગુસ્સામાં હતી, ‘મેં એમને કહ્યું કે મારા પગાર પર જ આખા ફેમિલીનો આધાર છે, માટે થોડો વધારો કરી આપો. તો એમણે શું કહ્યું એ જાણવું છે?’
‘જણાવ!’
‘એમણે કહ્યું કે-હું તો તને માસિક પચીસ હજાર રૂપિયા આપવા તૈયાર છું. પણ તારે બદલો વાળી આપવો પડશે.’ લવલીની વાત મારે લવલીના શબ્દોમાં તમારી સામે રજૂ નથી કરવી. પણ તમે ‘ઇમેજિન’ કરી શકશો.

પ્રેમલ પ્રેમ ચોપડાની અદાથી એના દેહ પર નજર ફેરવીને બોલ્યો હશે કે બેબી, યુ આર સેક્સી! તારે મારી પર્સનલ સેક્રેટરી બનીને મારી સાથે ફરવું પડશે. હું તને દર અઠવાડિયે બહારગામ લઈ જઈશ. મુંબઈ, કોલકતા, ચેન્નાઇ, બેંગલોર. ત્યાં ફાઇવસ્ટાર હોટલમાં તારે મારી સાથે એક જ રૂમમાં રહેવું પડશે. બદલામાં હું તને તગડો પગાર આપીશ. ઉપરાંત મોડર્ન ડ્રેસીઝ, જ્વેલરી, પર્ફ્યૂમ્સ, શૂઝ વગેરેનો વરસાદ કરાવી દઇશ. બોલ, યે રિશ્તા મંજૂર હૈ?’

અને જવાબમાં પ્રેમલની ઑફિસનું બારણું પછાડીને ચાલી ગયેલી લવલી અત્યારે મારી ઑફિસમાં મારી સામે બેસીને ઊનાં ઊનાં આંસુઓ ટપકાવી રહી હતી.
મને ઊંડો આઘાત લાગ્યો. એક વિચાર તો પ્રેમલને ફોન કરીને ખખડાવી નાખવાનો આવી ગયો. પછી વિચાર્યું કે એણે ક્યાં કોઈ છેતરપિંડી કરી હતી! મારી ભલામણથી એણે ત્રણ હજાર રૂપિયાની સેલેરી ઓફર કરી હતી, પછી જો લવલી વધારે પગારની માગણી કરે તો પ્રેમલે સમાજમાં ચાલતી પ્રથા પારદર્શક રીતે જણાવી દીધી હતી. મેં લવલીને શાંત પાડી સમજાવી: ‘જો, બેટા! આજકાલ જ્યાં જઇશ ત્યાં આવું જ જોવા મળશે.

ગિવ એન્ડ ટેકનો રિવાજ બની ગયો છે. કુછ પાને કે લિયે કુછ ખોના ભી પડતા હૈ. તું સંસ્કારી છોકરી છો; તેં ના પાડી દીધી સારું કર્યું. હવે તું ધીરજ રાખીને બીજે ક્યાંક પ્રયાસ કરતી રહેજે. હું પણ સારી જોબ હશે તો તને કહીશ. આવજે!’
લવલી ચાલી ગઈ. એ પછી લાંબા સમય સુધી મને દેખાઈ નહીં. એકાદ વર્ષ પછી એક મરેજ રિસેપ્શનમાં એ મળી ગઈ. બાપ રે! શું એનું રૂપ ખીલ્યું હતું! જુવાનીના વૃક્ષ પર જાણે સજાવટનાં ફૂલો ખીલી ઊઠ્યાં હતાં! એનાં વસ્ત્રો, એનો મેકઅપ, એનાં ઇઅરિંગ્ઝ, બુટ્ટીઓ, ડોક અને હાથ પરનાં આભૂષણો! એ આખેઆખી ઝગારા મારી રહી હતી.

એ સામેથી મળવા આવી; મેં પૂછ્યું, ‘પરણી ગઈ કે શું? કોઈ માલદાર વર શોધી કાઢ્યો લાગે છે! ભારે ખુશ દેખાય છે ને!’
એ ફિક્કું હસીને ધીમેથી બોલી ગઈ, ‘એવું નથી, સર. મેં પેલી જોબ સ્વીકારી લીધી છે. ટી.બી.માં સપડાયેલી મા, ફીના પૈસા માંગતી બહેન અને સાઇકલ માટે જીદ કરતો નાનો ભાઈ. સર, મજબૂરીના પાયા પર ચારિત્ર્યની ઇમારત બાંધી નથી શકાતી.’ અને એ ચાલી ગઈ.

જોને ધીમું જલે આ લાગણીનું તાપણું, ઊંડે ઊંડે તો સૌ કોઈ ઝંખે કોઈક તો હોય આપણું


જોને ધીમું જલે આ લાગણીનું તાપણું, ઊંડે
ઊંડે તો સૌ કોઈ ઝંખે કોઈક તો હોય આપણું
એ ક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. પછી કારમી ચીસો. પછી માણસોના દોડવાનો અવાજ. ડો. બાબરિયા એમના કન્સલ્ટિંગ રૂમમાં બેસીને દર્દીઓ તપાસી રહ્યા હતા. ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર આવેલું ટાઉન. બે રાજ્યો વચ્ચેનો ઊંબરો જ ગણાય. એટલે દર્દીઓની સંખ્યા બંને રાજ્યોમાંથી પચાસ-પચાસ ટકા જેવી. એક જ ગાયનેકોલોજિસ્ટ એટલે કામનો પાર નહીં.

અમદાવાદની કોઈ જનરલ હોસ્પિટલમાં જોવા મળે તેવી ભીડ. શહેરના ખાનગી નર્સિંગહોમની સાઇઝનો તો એકલો વેઇટિંગ હોલ! રોજની દસ-બાર ડિલિવરીઝ થાય, પાંચેક મેજર ઓપરેશન અને નાનાં-નાનાં ઓપરેશનો તો ગણવાનાં જ નહીં.

ક્યારેક એવું બનતું કે ડો. બાબરિયા ઓપરેશન થિયેટરમાં જ બેસીને લંચ પતાવી લેતા! જે દિવસે આ ઘટના બની ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા. આટલો મોટો ધમાકો સાંભળીને ડો. બાબરિયા ખુરશીમાંથી ઊભા થઈ ગયા. બહાર દોડી ગયા. વેઇટિંગ રૂમમાં બેઠેલા દર્દીઓનાં સગાંઓ પણ બહાર આવી ગયાં.

જે દૃશ્ય જોયું તે છાતી ચીરી નાખે તેવું હતું. એક બાઇક ઊછળીને દવાખાનાની સામેની ભીંત પાસે પડેલી હતી. રસ્તાની વચ્ચોવચ એક જુવાન ચત્તોપાટ પડ્યો હતો. દવાખાનાના ઝાંપા આગળ એક યુવતી પોટલાની જેમ પડી હતી. થોડે દૂર એક ટેમ્પો સહેજ ફંટાઈને ઊભો રહી ગયો હતો. એના ચાલકનો કોઈ અતોપતો ન હતો. પ્રથમ નજરે જ સમજી શકાતું હતું કે આ એક અકસ્માતની ઘટના હતી. ટેમ્પોચાલક બાઇકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. ડો. બાબરિયા પણ એ ભીડમાં સામેલ થઈ ગયા.

‘ડોક્ટર આવ્યા! આઘા ખસો!’ જેવા અવાજોની વચ્ચે ડો. બાબરિયા પહેલાં તો યુવાનની પાસે ગયા. એનો હાથ પકડીને ‘પલ્સ’ પકડી. બંધ હતી. આંખોનાં પોપચાં ખોલ્યાં. નાક પર હથેળી ધરી. છાતી તરફ એકાદ મિનિટ ધ્યાનથી ત્રાટક કરતાં હોય તેમ જોયા કર્યું. પછી બબડ્યા, ‘લાગે છે કે ખલાસ છે.’ પછી ડોક્ટર પેલી સ્ત્રીની પાસે ગયા. એનું ઊપસેલું પેટ કહી આપતું હતું કે આ સ્ત્રી ગર્ભવતી હતી. ડોક્ટરી નજરે પારખી પણ લીધું, ‘સીમ્સ ટુ બી ફુલ ટર્મ પ્રેગ્નન્સી.’

સ્ત્રીની હાલત પણ ગંભીર તો હતી જ, પણ પેલા યુવાનના જેવી નહીં. શું કરવું? ડોક્ટર વિચારમાં પડી ગયા. અમદાવાદ જેવું શહેર હોય તો કોઈ ખાનગી ડોક્ટર આવા કેસને અડે પણ નહીં. અહીં કાયદાના બહુ પ્રશ્નો નડે! તરત જ ફોન કરીને 108ને બોલાવી પેલી સ્ત્રીને જનરલ હોસ્પિટલમાં પહોંચાડી દે, પણ નાનાં કસ્બાઓમાં પરિસ્થિતિ જુદી હોય છે. ત્યાં શહેરના જેવી આધુનિક જનરલ હોસ્પિટલ હોતી નથી. ઉપરાંત નાનાં શહેરોમાં પોલીસ પણ ડોક્ટરનું માન જાળવતી હોય છે.

ભીડમાંથી પણ અવાજો ઊઠ્યા, ‘અલ્યા, ઊંચકો બાઈને! ડોક્ટર સાહેબના ટેબલ પર લઈ લો!’ સ્વયંસેવકો જેવા ગ્રામીણો કામે લાગી ગયા. યુવતીને ઉઠાવીને અંદર લઈ ગયા. ડો. બાબરિયાએ પણ પરિસ્થિતિનો પૂરો ક્યાસ કાઢી લીધો અને સ્ત્રીને સીધી ઓપરેશન ટેબલ પર જ સુવડાવી દીધી. ડો. બાબરિયાએ યુવતીની હાલત તપાસવાની શરૂ કરી. નાડી ચાલતી તો હતી, પણ ધબકારા મંદ હતા. બાઇક પરથી ફેંકાઈ જવાના કારણે મગજ પર ચોટ આવી હતી. શ્વાસ ખૂબ ભયાવહ રીતે ચાલી રહ્યો હતો. ગાઢ અંધકારમાં ઊજળું કિરણ એક જ હતું. ‘બાળક જીવે છે.’ ડોક્ટરના આ શબ્દોએ સ્ટાફથી લઈને બહારના લોકોના ચહેરાઓ પર હળવાશ પાથરી દીધી.

‘પણ આ સ્ત્રીની હાલત નાજુક છે. કદાચ એ બચી નહીં શકે, પણ જો એના બાળકને બચાવવું હોય તો એક જ ઉપાય છે. ઇમરજન્સીમાં સિઝેરિયન કરવું પડે.’, ‘આવી હાલતમાં ઓપરેશન?’ જે લોકો ડોક્ટર ન હતા તે પણ ફફડી ગયા. ડો. બાબરિયાએ માથું હલાવ્યું પછી એનેસ્થેટિસ્ટને ફોન કર્યો, ‘ડો. ભટ્ટ, ક્યાં છો તમે?’, ‘જમવા બેઠો છું.’ ‘અડધા કોળિયે ઊભા થઈ જાવ! પાણી પીવાયે ન રોકાશો. એક ખતરનાક ઇમરજન્સી કેસ છે. બી ક્વિક, પ્લીઝ!’ ડો. ભટ્ટ ‘હા’ એટલું બોલવા પણ ન રોકાયા. દોડી આવ્યા. ઓપરેશન થિયેટરમાં દાખલ થયા પછી એમનાથી પણ આ જ સવાલ પુછાઈ ગયો, ‘આવી હાલતમાં ઓપરેશન?’ સ્ત્રીને બેહોશીનું ઇન્જેક્શન આપવાની વાત પણ માનવામાં ન આવે તેવી હતી, પહેલેથી જ બેહોશ હતી. આવી હાલતમાં ઓપરેશન શરૂ કરવામા આવ્યું.

ડો. ભટ્ટે પેશન્ટની જનરલ કન્ડિશનમાં સુધારો થાય તે માટે જરૂરી તમામ સારવાર ચાલુ કરી દીધી. કહ્યું પણ ખરું, ‘ડો. બાબરિયા, તમે કેટલી મિનિટ્સમાં ઓપરેશન પૂરું કરશો?’ ‘સાતથી આઠ મિનિટ્સમાં? કેમ પૂછ્યું?’ ‘પેશન્ટનું બ્લડપ્રેશર પકડાતું નથી. હું એને વધારે સમય માટે ટકાવી રાખી નહીં શકું.’ સાડા સાત મિનિટ્સ પછી ડો. બાબરિયા સ્ત્રીના પેટ પર છેલ્લો ટાંકો મારી રહ્યા હતા. ઓરડામાં નવજાત શિશુના રડવાનો અવાજ આવતો હતો, પણ કોઈનું ધ્યાન તે દિશામાં ન હતું. બંને ડોક્ટરો એમના સ્ટાફની મદદથી પ્રસૂતા સ્ત્રીને બચાવવાની મહેનતમાં ડૂબી ગયા હતા.

સતત પાંચ કલાકની જહેમત પછી હાથમાં માત્ર હતાશા જ આવી. એ સ્ત્રીએ દમ તોડી દીધો. એની પાછળ વિલાપ કરનારું પણ કોઈ ન હતું. બે ડોક્ટરો અને બાર જણાનો સ્ટાફ ભીની આંખો સાથે એકબીજાને પૂછી રહ્યો હતો, ‘હવે શું? આ સ્ત્રી કોણ હતી? એનું નામ-ઠામ-ઠેકાણું? એની સાથે એનો પતિ જ હોવો જોઈએ એનું શું થયું હશે? અને એના બાળકનું...?’ ત્યારે જ બધાનું ધ્યાન ગયું કે નવજાત બાળક તો રડી-રડીને ઊંઘી ગયું હતું. ડો. બાબરિયાએ એને જોયું. એ સુંદર મજાનો તંદુરસ્ત દીકરો હતો.

‘કેટલો અભાગી છે આ દીકરો? જન્મતાંની સાથે જ અનાથ બની ગયો. મમ્મી-પપ્પાનું મોં જોવા ન પામ્યો. હવે કોના ઘરમાં રહીને ઊછરશે? મામા-મામી, કાકા-કાકી કે પછી માસી-માસાના ઘરમાં જશે? એમને પોતાનાં જણ્યાં પણ હશેને? બિચારો આ અભાગી જીવ ઠેબાં ખાઈ-ખાઈને કેવી રીતે મોટો થશે, ભણશે કે પછી મજૂરી કરશે? કે અંધારી આલમમાં જતો રહેશે?’ જાતજાતના વિચારો ડો. બાબરિયાના મનમાં આવી ગયા.

નર્સ બહેને બાળકને ખોળામાં લીધું. ગાયનું દૂધ પીવડાવ્યું. બાળક જીવી ગયું. બીજા દિવસે પોલીસે આવીને સમાચાર આપ્યા, ‘પુરુષ અને સ્ત્રી બંનેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. સરકારી ડોક્ટરે મૃત્યુનું કારણ અકસ્માતમાં થયેલી ઈજાઓ અને રક્તસ્ત્રાવ ગણાવ્યા છે.’ ‘આ વાત સમજી શકાય તેવી છે.’ ડો. બાબરિયા બોલ્યા. ‘હા, પણ ન સમજી શકાય તેવી વાત એ છે કે એ બંને કોણ હતાં, ક્યાંથી આવ્યાં હતાં. બધા સવાલોનો કશો જ જવાબ મળતો નથી.’, ‘એટલે?’ ડોક્ટર ચોંકી ગયા.

‘એટલે એમ કે પુરુષ કે સ્ત્રીની પાસેથી એક પણ નિશાની મળી નથી. વિઝિટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બાઇકનાં પેપર્સ કે બીજું કશું જ નથી મળ્યું. હાથની આંગળી પર એક-એક પાતળી વીંટી અને પાકીટમાં થોડાક રૂપિયા.’ ‘તો? હવે શું કરશો?’, ‘પોલીસ આવા કિસ્સામાં જે કરે છે તે કરીશું. છાપાંમાં મૃતકોના ફોટા આપીશું. આર.ટી.ઓ.માંથી બાઇકનું રજિસ્ટ્રેશન કોના નામનું છે તે માહિતી મેળવીશું. પોસ્ટર્સ છપાવીને દીવાલો પર લગાવીશું. આજે નહીં તો કાલે પણ પતો લગાવીને જ રહીશું.’

પોલીસનો આત્મવિશ્વાસ સફળ ન થયો. અખબારી પ્રયાસો વાંઝિયા પુરવાર થયા. આર.ટી.ઓ.માંથી જેનું નામ મળ્યું એણે કહ્યું, ‘મેં તો વર્ષો પહેલાં કોઈ અજાણ્યાને એ બાઇક વેચી દીધી હતી. એણે પેપર્સ માગ્યાં જ ન હતાં. અમારે ગામડાંમાં તો આવું જ ચાલે!’ સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે આખા રાજ્યના એક પણ પોલીસ સ્ટેશનમાં એ તારીખે બે (એક સ્ત્રી- એક પુરુષ) જણાના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ ન હતી! આનો અર્થ એવો થતો હતો કે મરનાર સ્ત્રી-પુરુષનાં દુનિયામાં કોઈ જ સ્વજનો, સગાંઓ કે પરિચિતો ન હતાં? કે પછી એ બંને બહારના રાજ્યમાંથી અહીં આવ્યાં હશે?

જે હોય તે! એ વિષય સાવ અલગ જ હતો. મુખ્ય સવાલ હતો કે હવે આ બાળકનું શું કરવું? જો કોઈ સગાંસંબંધીનો પત્તો ન જ મળે તો એને પોલીસના હાથમાં સોંપી દેવું પડે.
ડો. બાબરિયા ઊંડા વિચારોમાં ડૂબી ગયા હતા, ત્યાં એમની પત્ની સુનંદા એમની પાસે આવી અને પૂછવા લાગી, ‘સિસ્ટરે મને બધી વાત કરી છે. પેલા બાળકનું શું કરવું એની ચિંતામાં જ બેઠા છોને?’
‘હા, સુનંદા! એ માસૂમનો કયો અપરાધ કે એના...?’

‘ડિયર! તમને માત્ર આ એક જ સવાલ સૂઝે છે? જો એ માસૂમનો કોઈ અપરાધ ન હોય તો મારો ને તમારો શો અપરાધ છે? આપણે એવાં કેવાં પાપ કર્યાં છે કે ભગવાને આપણને હજુ સુધી સંતાનસુખથી વંચિત રાખ્યાં છે? આજ-કાલ કરતાં આપણાં લગ્નને દસ વર્ષ થવા આવ્યાં....’ ‘તો શું થઈ ગયું, સ્વીટી? હું જાણું છું કે તારા અને મારા તમામ રિપોર્ટ્સ નોર્મલ છે. એ માત્ર એક યોગાનુયોગ છે કે તને પ્રેગ્નન્સી રહેતી નથી, પણ ભવિષ્યમાં ગમે ત્યારે રહેશે.’

‘ભવિષ્ય કોણે જોયું છે? હું તો કહું છું કે વર્તમાનનો વિચાર કરીને આ બાળકને વધાવી લઈએ. ભવિષ્યમાં બાળક થવાનું હશે તો થશે, પણ એવી આશામાં ને આશામાં હું આ મળેલા બાળકને ગુમાવી દેવા નથી ઇચ્છતી. મારી આટલી વાત માનો.’ ડો. બાબરિયાના દિમાગની બત્તી જલી ઊઠી. આવો સુંદર વિચાર પોતાને કેમ ન આવ્યો?! આ સ્ત્રીઓ જબરી હોય છે! બીજા દિવસે જ ડો. બાબરિયાએ વકીલને બોલાવીને દતકવિધિ શરૂ કરી દીધી. બાળકને પોતાનું બનાવી લીધું.

જ્યારે શહેરમાં વાત ફેલાઈ ગઈ ત્યારે બધાંના હોઠો પર એક જ સવાલ રમતો હતો, ‘આ બાળક કેટલું બધું નસીબદાર કહેવાય નહીં? જન્મ્યું ત્યારે મા-બાપનાં નામનાંયે ઠેકાણાં ન હતાં અને હવે ડોક્ટર સાહેબ જેવા સુખી, સંસ્કારી, ઇજ્જતદાર માણસના ઘરમાં આવી ગયું! વાહ રે ઈશ્વર! આનું નામ તે વિધાતાના લેખ!’

અબ ના કોઈ શિકવા, ન ગિલા, ના કોઈ મલાલ રહા સિતમ તેરે ભી બેહિસાબ રહે, સબ્ર મેરા ભી કમાલ રહા


અબ ના કોઈ શિકવા, ન ગિલા, ના કોઈ મલાલ રહા સિતમ તેરે ભી બેહિસાબ રહે, સબ્ર મેરા ભી કમાલ રહા
ડો.શિખાબહેન ગાયનેકોલોજિસ્ટ અને એમનાં પતિ ડો. સુજલભાઈ જનરલ સર્જન. બંને યુવાન. એકસાથે એક જ હોસ્પિટલમાં ‘જોબ’ કરે, પણ બંને સાવ નવાંસવાં હતાં એટલે દુનિયાદારીનો અનુભવ ન મળે.
ડો. શિખા સવારનો રાઉન્ડ પૂરો કરીને આઉટડોર વિભાગમાં આવ્યાં. દૂર દૂરથી આવેલી 70-80 જેટલી દર્દીબહેનો એમની રાહ જોતી બેઠી હતી. ડો. શિખાએ ખુરશીમાં બેસતાં ચોતરફ એક નજર ઘુમાવી લીધી. પછી ટેબલ ઉપર પડેલી ઘંટડી વગાડી.

ફરજ ઉપર હાજર આયા દોડી આવી, ‘બોલો બહેન! શું કામ છે?’ ડો. શિખાને આયાનું આવું વર્તન ગમ્યું નહીં. એને બોલાવવા માટે ‘બેલ’ શા માટે મારવી પડે? આયાએ તો બારણાં પાસે જ હાજર રહેવું જોઈએ, પણ ડો. શિખા ગમ ખાઈ ગયાં. હજી નોકરીને પંદર દિવસ પણ થયા ન હતા, એટલામાં જૂના કર્મચારીઓનો વિખવાદ ક્યાં ઊભો કરવો!
‘મંગુબહેન, આ શું છે? આ દીવાલો કેટલી ગંદી છે? ટેબલ-ખુરશી ઉપર ધૂળ બાઝેલી છે. પંખાનાં પાંખિયાં મેલ જામવાથી કાળાં પડી ગયાં છે. બાથરૂમ-જાજરૂમાંથી વાસ આવે છે. આ તે મારો કન્સલ્ટિંગ રૂમ છે કે ઉકરડો?’

‘બહેન, એમાં હું એકલી શું કરું? મારી તો શિફ્ટ ડ્યૂટી છે. સવારના આઠથી બે સુધીની. આટલા પેશન્ટો જોવામાં બે તો હમણાં વાગી જશે. આ બધું બપોરવાળીએ...’
‘આવાં બહાનાં નહીં ચાલે. હું નવ વાગ્યે ઓ.પી.ડી.માં આવું તે પહેલાં મારે બધું સાફસુથરું જોઈએ. તમારી પાસે આઠથી નવ સુધીનો એક કલાક હોય છે જ. એમાં તમે શું કરો છો?’
મગુંબહેને છેલ્લા સવાલનો જવાબ ન આપ્યો. સાફસૂફી પણ ન કરી. એ દિવસે તો ડો. શિખાએ ‘ઉકરડામાં’ બેસીને ઓ.પી.ડી. પતાવી લીધી, પણ બપોરે લંચ સમયે પતિની સાથે વાત કાઢી. ડો. સુજલે માહિતી
આપી, ‘અહીંનો સ્ટાફ સોએ સો ટકા કામચોર અને બદમાશ છે. આખી દુનિયામાં ક્યાંય ન ચાલે તેવાં છાપેલાં કાટલાંઓ અહીં એકઠાં થયાં છે. ક્લાર્ક મનુભાઈએ મને બધી માહિતી આપી દીધી છે. મારો વોર્ડબોય કનુ રીઢો ચોર છે. હોસ્પિટલમાંથી રોજ કોટન, બેન્ડેજ, કાતર અને દવાઓ ચોરી જાય છે.’
‘ઓહ નો!’

‘યસ! અને તમારા ગાયનેક વિભાગની પેલી આયા છેને, જશુ! એ તો ગોડમધર જેવી ગુંડી છે. જે દર્દીનાં સગાંઓ એને પચાસ-સો રૂપિયાનંુ નજરાણું ન ધરે એ દર્દીનું કામ જ ન કરે.’
‘તો દર્દીઓ ફરિયાદ કેમ નથી કરતા?’
‘કોણ કરે? જે દર્દીનાં સગાં અવાજ ઉઠાવે એ દરવાજાની બહાર નીકળે એટલે જશુના માણસો એને મારી મારીને તોડી નાખે અને આ બધામાં પાછી એકતા છે. પેલો કાળિયો રાઘવ એમનો યુનિયન લીડર છે. જો
આપણે કડક પગલાં ભરીએ તો તમામ સ્ટાફ મેમ્બર્સ હડતાળ પર ઊતરી જાય છે.’
‘તો મારે કામ કેવી રીતે લેવું એ લોકો પાસેથી? મારા વિભાગમાં તો કોઈ કચરા-પોતાંયે કરતું નથી.’
‘તારે શાંતિથી, હળવેકથી, સમજાવટથી કામ લેવું પડશે. કોઈને ખખડાવવાનો વિચાર તો ભૂલેચૂકેય નહીં કરતી. આપણે ચોથા વર્ગના કર્મચારીઓ હોઈએ અને એ લોકો આપણાં સાહેબો હોય એવી રીતે વાત
કરવાની. મેં તો એવુંયે સાંભળ્યું છે કે પાંચેક વર્ષ પહેલાં અહીં ડો. પંડ્યા હતા તેમણે રમેશ નામના એક સ્વીપરને કામમાં બેદરકારી બદલ ‘મેમો’ આપવાની ભૂલ કરેલી એના બદલામાં રમેશે એમની વિરુદ્ધ યુનિયન તરફથી કેસ ઠોકી દીધો હતો. ડો. પંડ્યાએ ખાનગીમાં હાથ જોડીને માફી માગી ત્યારે મામલો થાળે પડ્યો હતો.’ ડો. શિખાબહેન ચિંતામાં પડી ગયાં. એમને પોતાના હાથ નીચેના કર્મચારીઓ પર જોહુકમી કરવાની આદત ન હતી, પણ જો એ લોકો એમનું કામ બરાબર રીતે ન કરે તો ગરીબ દર્દીઓનાં ઓપરેશનો બગડે એ વાતની ચિંતા હતી.

બે-ચાર દિવસ પસાર થયા એ પછી ફરીથી ડો. શિખાને ગુસ્સો આવ્યો, ‘મંગુબહેન, દર્દીઓ ભલે અડધો કલાક બેસી રહેતા, પણ તમે અત્યારે જ ડિટર્જન્ટ પાઉડરવાળું પાણીનું પોતું લઈ આવો અને આ દીવાલો ચોખ્ખી કરી નાખો. બાથરૂમ-જાજરૂ ફિનાઇલથી ધોઈને સાફ કરી દો. ચોખ્ખા ભીના કપડાથી આ ટેબલ પર પોતું મારી દો. હું તમને હુકમ નથી કરતી, વિનંતી કરું છું, પણ આટલું તો તમારે કરવું જ પડશે.’
મંગુ હાથણીની ચાલે ગઈ અને મહારાણીની ચાલે પાછી ફરી. એના હાથમાં સાબુના ફીણવાળંુ એક પોતું હતું. એણે માત્ર એક જ દીવાલ સાફ કરી અને પાછી ચાલી ગઈ. પોતું મૂકીને આવી એટલે ડો. શિખાએ
પૂછ્યું, ‘કેમ એક જ દીવાલ સાફ કરી? બાકીની દીવાલોનું શું? અને બાથરૂમ-જાજરૂ કોણ સાફ કરશે?’
‘બહેન, મારા ભાગે આવતું કામ મેં પૂરું કર્યું છે. અહીં કુલ ચાર આયાઓ ડ્યૂટી બજાવે છે. મારા ભાગે પચીસ ટકા જ કામ આવે. બાકીની ત્રણ દીવાલો શાંતા, ડાહી અને લીલા કરશે.’
‘અને બાથરૂમ-જાજરૂ?’

‘એ મે’તરાણીની ફરજમાં આવે છે. હું આયા તરીકે નોકરી કરું છું. જો મને કામ કરવાની ફરજ પાડશો તો હું યુનિયનમાં જઈશ.’
‘સારું! સારું! હવે તમે થાકી ગયાં હશો મંગુબહેન! સ્ટૂલ પર બેસી જાવ અને આરામ કરો. હું દર્દીઓને જોવા માંડું છું.’ ડો. શિખાએ કામ શરૂ કરી દીધું.
સાંજે એમણે મહેતરાણીને જાજરૂ-બાથરૂમ સાફ કરવા માટે ‘વિનંતી’ કરી, તો ચંપાએ રોકડું પરખાવી દીધું, ‘ફિનાઇલ ખલાસ છે, પાણી રેડીને સાફ કરી આપું.’

‘ફિનાઇલ તો પૂરતા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. વપરાયા વગર ખલાસ કેવી રીતે...?’
‘એ સવાલ મને નહીં પૂછવાનો બહેન!’
‘તો કોને પૂછું?’

‘રાઘવભાઈને!’ ચંપાનો જવાબ સાંભળીને ડો. શિખાએ વાત ખતમ કરી દીધી. રાઘવ તો આ ગેંગનો નેતા હતો. એને કોણ સવાલ પૂછે?
શનિવાર હતો. એ દિવસે ડો. શિખાનો વીકલી ઓફ્ફ હતો. ડો. સુજલને રવિવારે અઠવાડિક રજા રહેતી હતી. એ બપોરે એક પ્રસૂતા લેબર રૂમમાં દાખલ થઈ. ઇન્ચાર્જ સિસ્ટરે પૂછ્યું, ‘કેટલામી સુવાવડ છે?’
પેશન્ટે કષ્ટતા અવાજમાં જવાબ આપ્યો, ‘આ પહેલી જ સુવાવડ છે. હું રાઘવભાઈની છોડી છું.’

નર્સ ગભરાઈ ગઈ. રાઘવ તો યુનિયનનો ભારાડી નેતા. એની દીકરી એ તો વી.આઇ.પી. પેશન્ટ કહેવાય. એણે ખુલાસો કરી દીધો, ‘બહેન, આજે અમારા ગાયનેકનાં લેડી ડોક્ટર રજા પર છે. જો સુવાવડ નોર્મલ રીતે પતી જશે તો અમે કરાવી આપીશું, પણ જો ચીપિયો લગાડવાની કે સિઝર કરવાની જરૂર પડી તો તમારે બાજુના શહેરમાં જવું પડશે.’
મધરાતના બાર વાગ્યે પ્રસૂતાએ ચીસાચીસ કરી મૂકી. રાઘવ ઢીલો પડી ગયો, ‘સિસ્ટર, મારી છોડી મરી જાહે. એનાથી હવે દુ:ખ નથી વેઠાતું. તમે શિખાબુનને બોલાવોને!’

‘મેં ડો. શિખાબહેનને ફોન કર્યો હતો, પણ એમણે આવવાની ના પાડી દીધી છે. એમણે કહ્યું કે આજે એમની રજાનો દિવસ છે. કાયદો એટલે કાયદો!’
રાઘવ જાતે ડો. સુજલ સાહેબના ક્વાર્ટર પર ગયો. રડી પડ્યો. ડો. સુજલે શરત કરી, ‘મેડમ હમણાં જ આવીને તારંુ કામ કરી આપે, પણ આવતી કાલથી તારી આખી ગેંગને સૂચના આપી દેજે કે બધાં એમની ફરજ સારી રીતે નિભાવે.’

‘સાહેબ, તમારો હુકમ અને મારું માથું!’ રાઘવે શરત મંજૂર રાખી લીધી. બીજા દિવસથી હોસ્પિટલ અરીસાની જેમ ચમકવા લાગી.

હાદસે કુછ જિંદગી મેં, ઐસે હો ગયે, હમ સમંદર સે ભી, ગહરે હો ગયે


હાદસે કુછ જિંદગી મેં, ઐસે હો ગયે, હમ સમંદર સે ભી, ગહરે હો ગયે
કામરુ દેશની રાજકુંવરી જેવી નક્ષત્રા બાવીસ વર્ષની થઇ ત્યાં તો આખી પુરુષજાતિ એની પાછળ પાગલ થવા માંડી. એ જ્યારે જન્મી હતી ત્યારે જ નર્સે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું, ‘નિશાબહેન, તમારી દીકરી મોટી થઇને મિસ વર્લ્ડ બનશે. એને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા મોકલજો.’
એને જ્યારે જુનિયર કે.જી. માં મૂકી ત્યારે એની સાથેના ટેણિયાઓ જેમને ચડ્ડી પહેરતાં નહોતું આવડતું એ બધાંને સીટી મારતા આવડી ગયું હતું.
એ જ્યારે હાઇસ્કૂલમાં પહોંચી ત્યારે એક દિવસ એની ક્લાસ ટીચરે નિશાબહેનને બોલાવીને કહ્યું હતું, ‘તમે નક્ષત્રાની મમ્મી છો ને? મારી એક સલાહ માનશો?’

નિશાબહેને ડરતાં ડરતાં પૂછ્યું હતું ‘શું?’
‘તમારી દીકરીને અહીંથી ઉઠાવીને બીજી કોઇ સ્કૂલમાં એડમિશન અપાવી દો ને! એવી સ્કૂલમાં જ્યાં માત્ર ગર્લ્સ જ હોય. અહીં કો-એજ્યુકેશન છે. મારા ક્લાસના છોકરાઓ તમારી દીકરીનાં રૂપની પાછળ પાગલ થઇને ભણવામાં ધ્યાન જ નથી આપતા. આખો દિવસ કવિતાઓ જ લખ્યા કરે છે.’
પૃથ્વીના પ્રારંભથી આવો સિલસિલો ચાલતો આવે છે. ‘મૈં કહીં કવિ ના બન જાઉં... તેરે પ્યાર મેં કવિતા..!’

એ દિવસે નક્ષત્રાની મમ્મીને ખબર પડી ગઇ કે એમની દીકરી જરૂર વધારે ખૂબસૂરત છે. સુંદર તો એમને લાગતી જ હતી, પણ હવે ચિંતાજનક હદે સુંદર લાગવા માંડી હતી.
કૉલેજમાં પહોંચી ત્યારે ખુદ નક્ષત્રાને પણ સમજાઇ ગયું કે એ સ્ત્રીનાં રૂપમાં હરતી-ફરતી, શ્વાસ લેતી, જીવતી-જાગતી સ્વર્ગલોકની અપ્સરા છે. સર્જનહારે એને નવરાશથી ઘડીને પૃથ્વી પર મોકલી આપી છે અને એ વખતે એના કાનમાં ફૂંક મારી હશે- ‘નક્ષત્રા! યુ કિલ ધેમ ઑલ એન્ડ કમ બેક એલોન! તને હું પૃથ્વી પરના તમામ પુરુષોની કત્લેઆમ કરવા માટે જ નીચે મોકલું છું. સફળતા પામીને જ પાછી આવજે!’
ખરેખર આવું જ બન્યું હોય એ પ્રમાણે નક્ષત્રાએ કૉલેજમાં યુવાનોની છાતીમાં કામનાનું કાતિલ વલોણું ઘુમાવવાનું શરૂ કરી દીધું.

ત્રણ વર્ષમાં 40 યુવાનોએ નક્ષત્રાનાં ચંપલનો માર ખાધો અને ત્રીસ જણાએ ‘ટીક ટ્વેન્ટી’ની બાટલીઓ ગટગટાવી લીધી. જોકે આ પુરુષજાત જબરી તો કહેવાય જ! કારણ કે આ બધા બચી ગયા; માર ખાનારા પણ અને ઝેર પીનારા પણ. પણ પદમણી કોઇના હાથમાં ન આવી. હવે આખી કૉલેજમાં સૌથી વધુ પુછાતો પ્રશ્ન આ હતો: ‘આ વિશ્વસુંદરીને કેવો પુરુષ ગમે છે? એ કોને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરશે?’
આવા સવાલોનો જવાબ બીજા કોઇની પાસે હોય કે ન હોય પણ સ્વયં નક્ષત્રા પાસે તો હતો જ. નક્ષત્રાના દિમાગમાં એના ભવિષ્યનો નકશો સ્પષ્ટ રીતે અંકાયેલો હતો. એને પોતાનાં અકાટ્ય આકર્ષણ વિષે જાણ થઇ ચૂકી હતી. એ ખુદના રૂપ-ખજાના વિશે સભાન થઇ ચૂકી હતી. એ એક એવા મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી હતી જ્યાં એને મૉડલિંગ, ટી.વી., ફિલ્મ અથવા બ્યુટી કૉન્ટેસ્ટમાં ભાગ લેવા જવા માટેની પરમિશન ક્યારેય મળવાની ન હતી.

એની મમ્મી લગભગ દિવસમાં દસવાર નક્ષત્રાનાં પપ્પાને એકની એક વાત કહ્યા કરતી હતી, ‘આ છોકરીનું રૂપ હવે ચિંતાજનક નહીં પણ ભયજનક બનતું જાય છે. એની સાથે કંઇક અજુગતું થઇ જાય તે પહેલાં એને ખીલે બાંધી દો. કોઇ સારો વર શોધી કાઢો.’
પણ લાખ ટકાનો સવાલ આ જ હતો કે નક્ષત્રાને માટે સારો વર ક્યાંથી શોધવો?

નક્ષત્રાએ પોતે જ ભાવિ જીવનસાથી માટે કેટલીક યોગ્યતાઓ વિચારી રાખી હતી. એ હેન્ડસમ તો હોવો જ જોઇએ. એ પ્રાથમિક પાત્રતા હતી. હીરાના દાગીનાને ગંદા ચીંથરામાં તો ન જ લપેટી રખાય.
નક્ષત્રાની બીજી શરત હતી કે મુરતિયો ધનવાન હોવો જોઇએ. લગ્ન કરીને વન હોલ-બેડરૂમવાળા ભાડાના ફ્લેટમાં રહીને દસ-વીસ વર્ષ સંઘર્ષમાં ગુજારીને પછી પરસેવાના પાયા પર રચાયેલા મિડલ ક્લાસ ‘સુખ’માં એને રતીભાર પણ રસ ન હતો. જો એવું જ કરવાનું હોય તો પછી આટલાં સૌંદર્યનો અર્થ શો હતો? માટે એના ભાવિ પતિ પાસે આરંભથી જ બંગલો, નોકર-ચાકર, ગાડીઓ, સોના-રૂપાની છાકમછોળ અને રણકાર મારતાં બેન્ક એકાઉન્ટ્સ હોવાં જ જોઇએ. નક્ષત્રા રાજરાણી બનવા માટે સર્જાઇ હતી, દાસી બનવા માટે નહીં.

નક્ષત્રાની ત્રીજી શરત હતી કે એનો પતિ વ્યક્તિ તરીકે ઉત્તમ હોવો જોઇએ. એની ‘સેન્સ ઑફ હ્યુમર’ શ્રેષ્ઠ હોવી જોઇએ. એ જિંદગીભર પત્નીને હસાવતો રહેવો જોઇએ. વળી એની પાસે હૃદયની વિશાળતા હોવી જોઇએ. એણે નક્ષત્રાને અઢળક પ્રેમ કરવો પડે જ. એ ઉદાર હોવો જોઇએ. નક્ષત્રા માટે પાણીની જેમ પૈસા ખર્ચે તેવો. ટૂંકમાં નક્ષત્રાને ચાર-પાંચ પતિઓનો સરવાળો એક જ પુરુષમાં જોઇતો હતો. આઇ.ક્યુ.માં આઇન્સ્ટાઇન, આવકમાં અંબાણી, રમૂજવૃત્તિમાં આર.કે.લક્ષ્મણ, રોમાન્સમાં રોમિયો અને પૈસા ઉડાવવામાં શાહજહાં!

આવો એક યુવાન મળી ગયો. નિતાંત કૉલેજમાં એનાથી બે વર્ષ સિનિયર હતો. જ્યારે નક્ષત્રા હજુ તો છેલ્લા વર્ષમાં ભણતી હતી ત્યારે નિતાંત ગ્રેજ્યુએશન પૂરું કરીને બાપના બિઝનેસમાં જોડાઇ ગયો હતો. પણ કૉલેજને ‘બાય-બાય’ કરતાં પહેલાં એણે બગીચાનું શ્રેષ્ઠ, મઘમઘતું પુષ્પ જોઇ લીધું હતું. નક્ષત્રાનું રૂપ એને યાદ રહી ગયું હતું. એના અંગત મિત્રો સમક્ષ એ અવાર-નવાર આ વાત કહેતો પણ હતો- ‘જો હું પરણીશ તો નક્ષત્રાની સાથે જ.

મને ખબર છે કે એની પસંદગીના માપદંડો બહુ ઊંચા ને અઘરા છે. પણ મારી પાસે સમય છે. એ લગ્નને યોગ્ય ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં હું એના તમામ માપદંડો સર કરી બતાવીશ.’ ખરેખર એણે એવું કરી બતાવ્યું. નક્ષત્રા બાવીસની થઇ ત્યાં સુધીમાં તો નિતાંત રંગવાલાનું નામ બજારમાં જામી ચૂક્યું હતું. નિતાંતના પિતા અને દાદા પણ રંગના બિઝનેસમાં હતા, પણ સિત્તેર વર્ષથી ચાલ્યો આવતો એમનો બિઝનેસ હજુ વાર્ષિક એંશી લાખનું ટર્નઓવર જ આંબી શક્યો હતો; નિતાંતે આ ટર્નઓવર આઠ કરોડના આંકડા સુધી પહોંચાડી દીધું.

જે દિવસે નિતાંતે નક્ષત્રાને પહેલી વાર પ્રપોઝ કર્યું ત્યારે એણે પોતાનું પ્રોગ્રેસ કાર્ડ રજૂ કરી દીધું. નક્ષત્રાની આંખો પહોળી થઇ ગઇ. નિતાંતે ઉમેર્યું, ‘એમાં આટલા બધા ખુશ થઇ જવાની જરૂર નથી. આઠ કરોડ એ મારો વર્તમાન છે ભવિષ્ય નહીં.’‘તો ભવિષ્ય શું હશે?’
‘અઢાર કરોડ! અથવા અઢારસો કરોડ! સ્કાય ઇઝ ધ લિમિટ ફોર મી. મારા શબ્દકોશમાં ‘સંતોષ’ જેવો શબ્દ નથી. હું જીવનભર એક જ જગ્યા પર ઊભો નહીં રહી શકું.’
‘આટલી બધી મહેનત કરવાનું કોઇ કારણ?’

‘મારી ભાવિ પત્ની અને અમારાં બાળકો. હું મારી પત્નીને કપડાં, ઘરેણાં અને બીજી કીમતી ચીજવસ્તુઓથી લાદી દેવા માગું છું. અને હું માનું છું કે સાચું સુખ માત્ર ધનના ઢગલામાંથી જ આવે છે.’
નક્ષત્રાના બત્રીસે કોઠે દીવા પ્રગટી ઊઠ્યા. એના તમામ માપદંડોમાં આ યુવાન પાર ઊતરતો હતો. એ હેન્ડસમ હતો, સ્માર્ટ હતો, એના ચહેરા પર સતત એક એવું સ્મિત રમતું રહેતું હતું જે બેક્ટેરિયા જેવું ચેપી હતું. ધનવાન હતો અને વધારે ધનવાન બનવાની દિશામાં ગતિ કરી રહ્યો હતો. નક્ષત્રાએ પળવારના વિલંબ વિના પ્રસ્તાવ સ્વીકારી લીધો.

એક ગણતરીપૂર્વકના પ્રવાસની શુભ શરૂઆત થઇ ગઇ. નિતાંત સાથે લગ્ન કરીને નક્ષત્રા ખૂબ જ ખુશ હતી.
એની બહેનપણીઓ એને પૂછતી હતી, ‘ફાવે છે ને તારા વર સાથે?’
‘અરે, વાત જ ન કરો! નિતાંત મને હથેળીમાં સાચવે છે. આટલા સુખની તો મેં સપનામાં યે કલ્પના નહોતી કરી. વિશાળ બંગલો! નાનાં નાનાં કામ માટે અલાયદા રૂમ્સ. ઘરમાં દસ-બાર જેટલા નોકર-ચાકરો. ગાડીઓની લંગાર. રૂપિયા ખર્ચવાની કોઇ મર્યાદા જ નહીં. આવો પતિ કોને મળે!’ નક્ષત્રા જવાબ આપતાં આપતાં ઝૂમી ઊઠતી હતી. છ-બાર મહિના તો હવાની લહેરખીની જેમ વહી ગયા. ધીમે ધીમે આસમાનમાં ઊડતી જિંદગી વાસ્તવિકતાની ધરતીને સ્પર્શવા માંડી.

‘હની! આજે તારે ઘરે આવતાં કેમ મોડું થઇ ગયું?’
‘ઑફિસમાં મિટિંગ હતી. બહુ લાંબી ચાલી.’
‘પણ આજે આપણે મૂવિ જોવા જવાનું હતું. ભૂલી ગયો?’

‘ના, યાદ હતું. પણ બિઝનેસની મિટિંગ એ વાંદરાછાપ હીરોની મૂવિ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હતી. તને જ્યારે પણ કોઇ ફિલ્મ જોવા જવાની ઇચ્છા થાય ત્યારે તારે કોઇ બહેનપણીની સાથે જઇ આવવું. મારી કંપનીની આશા નહીં રાખવી. ચાલ, જમવાનું પીરસ! ભૂખ લાગી છે.’
શરૂઆતના દિવસોમાં આ સંવાદ શાંતિથી ભજવાતા હતા, પછી અવાજનું ટેમ્પરેચર વધતું ગયું. એક દિવસ નક્ષત્રાએ ફરિયાદના સૂરમાં કહી દીધું, ‘આજકાલ તારી પાસે બીજાં બધાં કામો માટે સમય હોય છે; માત્ર મારા માટે જ નથી હોતો.’

‘તું સમજતી કેમ નથી? હું દિવસ-રાત કામ કરું છું એ બિઝનેસના વિકાસ માટે કરું છું. આ વર્ષે મારો ટાર્ગેટ ત્રીસ ટકા જેટલા ટર્નઓવરના વધારાનો છે. એ રૂપિયા મારે કોના માટે વાપરવાના છે? હું તને સોના, ચાંદી, હીરા, મોતીથી લાદી દેવા માગું છું....’
નક્ષત્રાનું તન તો સુખનાં સાધનોથી લદાતું ગયું, પણ એનું મન ધીમે ધીમે મુરઝાતું રહ્યું. એના પતિ પાસે બધું હતું, પણ નક્ષત્રા માટેનો સમય ન હતો. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે લગ્નજીવનનાં ત્રણ-ત્રણ વર્ષ પછી પણ એની કૂખ હજુ ખાલી જ હતી. ડૉક્ટરે બંનેના રિપોર્ટ્સ કરાવ્યા પછી આવું કહ્યું હતું, ‘નક્ષત્રા, તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે. મને લાગે છે કે મહિનામાં જ બે-ત્રણ દિવસ તમારે પતિ-પત્ની એ....’

‘યુ આર રાઇટ, ડૉક્ટર! એ ખૂબ જ થાકેલા હોય છે. પથારીમાં પડતાંની સાથે જ નસકોરાં બોલાવવા માંડે છે. એમનો રસ માત્ર બિઝનેસનું ટર્નઓવર વધારવામાં જ છે, ફેમિલીના વધારામાં નથી.’
ધીમે-ધીમે નક્ષત્રા મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેવા લાગી. સોશિયલ મીડિયા પર આખો દિવસ એક્ટિવ રહેવા માંડી. એમાં એને ઘણા નવા મિત્રો મળી ગયા. જોક્સ, ચેટિંગ, મેસેજિસની આપ-લેમાં સમય મૌજથી પસાર થવા લાગ્યો. એમાં એક સાવ નવરો પણ મોજીલો યુવાન મળી ગયો.

લતેશ રોમેન્ટિક હતો, હેન્ડસમ અને સ્માર્ટ હતો, એની સેન્સ ઑફ હ્યુમર ખૂબ સારી હતી, એ બધી રીતે નિતાંતની સમકક્ષ હતો. બે પુરુષો વચ્ચે માત્ર બે જ વાતોનો ફરક હતો. નિતાંત પાસે ધન હતું પણ પત્ની માટે આપવાનો સમય ન હતો. લતેશ પાસે પૈસો ન હતો, પણ પ્રેમિકાને ખુશ રાખવા માટે સમય જ સમય હતો.
હવે ત્રણેય પાત્રો ખુશ છે!!

અપની વજહ-એ-બરબાદી સુનિયે તો,ઝિંદગી સે યુ ખેલે, જૈસે દૂસરે કી હૈ...!


અપની વજહ-એ-બરબાદી સુનિયે તો,ઝિંદગી સે યુ ખેલે, જૈસે દૂસરે કી હૈ...!

લગભગ 1974-75ના વર્ષનો વૈશાખી મહિનો હતો. હું ત્યારે મેડિકલ સ્ટુડન્ટ હતો. રાતના ભોજન પછી હોસ્ટેલની મારી રૂમમાં બેઠક જમાવીને વાંચવાની હજુ તો શરૂઆત જ કરતો હતો ત્યાં અચાનક ખુલ્લા બારણામાંથી અવાજ સંભળાયો, ‘શું ચાલે છે પાર્ટનર, અંદર આવી શકું કે?’

મારા હૈયામાં ધ્રાસકો પડ્યો. પરીક્ષા માથા પર ગાજતી હતી. પેથોલોજી, ફાર્મેકોલોજીનાં દળદાર થોથાં ઊથલાવી જવાનાં હતાં. આજે તો આખી રાત જાગવાનો સંકલ્પ હતો, ત્યાં આ કોણ ટપકી પડ્યું? એક પળ માટે તો મને મારી ઉપર ગુસ્સો આવી ગયો. રૂમનું બારણું ખુલ્લું ફટાક રાખ્યું એનું જ આ પરિણામ! જો બારણું બંધ હોત તો ઊંઘતો હોવાનો અભિનય કરી શક્યો હોત. આ તો જાગતો ઝડપાઈ ગયો!

‘પાર્ટનર’ એ અમારા વિશાળ કેમ્પસનું સર્વમાન્ય અને સર્વસામાન્ય સંબોધન હતું. આઠ-આઠ હોસ્ટેલ્સમાં પથરાયેલા આઠસો હજાર વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને આ સંબોધનથી વાત કરી શકતો હતો. એના માટે કોઈ પરિચયની ગરજ રહેતી ન હતી.

મેં ડોકું ઘુમાવીને જોયું તો સુકેતુ ઊભો હતો. બારસાખમાં મઢેલા ફોટાની જેમ! અને મીઠું મીઠું કારણ વગરનું સ્મિત ફરકાવી રહ્યો હતો. ત્યારે મારી વય 19-20 વર્ષની હશે, પણ મને એ ઉંમરે પણ એટલું તો સમજાઈ ચૂક્યું હતું કે આવું સ્મિત ‘ગરજાઉ સ્મિત’ હોય છે. સાવ અજાણ્યો માણસ કંઈ પણ કામ વિના આવું સ્મિત કરે નહીં.
‘આવોને પાર્ટનર!’ મેં કહ્યું. જોકે, મારા આવકારમાં ઉષ્માનો અભાવ અને ચહેરા પરનો અણગમો એ પારખી ગયો હશે.

એટલે જ એણે પૂછ્યું, ‘રીડિંગ એક્ઝામની તૈયારી?’
‘હા, આજે તો મોટો ઘાણ ઉતારી નાખવો છે. બોલો, શું કામ હતું?’, ‘મારું નામ સુકેતુ.’, ‘જાણું છું. એક જ હોસ્ટેલમાં રહેતા હોઈએ એટલે નામથી તો પરિચિત છું, કયા વર્ષમાં છો?’, ‘તમારાથી એક વર્ષ આગળ.’, ‘ઓહ! સેકન્ડ યર થર્ડ ટર્મ?’, ‘હા.’, ‘ત્યારે તો તમારી એક્ઝામ પણ આવતી જ હશેને?’, ‘હા, પણ એક્ઝામની ચિંતા કરે એ બીજા! આ બંદા નહીં.’

એના જવાબથી હું ગભરાયો. આ બંદા હવે ઓછા લાકડે બળવાના નથી! મેં પણ ‘બુક’ બાજુ પર મૂકી દીધી. પલાંઠી વાળીને જમાવી દીધી.
‘બોલો, શું કામ પડ્યું?’ મેં પૂછ્યું.
‘પાર્ટનર, તમારે મને એક લવલેટર લખી આપવાનો છે.’ હું ચોંકી ઊઠ્યો, ‘મિત્ર, ક્યાં પેથોલોજી અને ક્યાં પ્રેમપત્ર? કંઈક વાજબી વાત કરો.

‘વાજબી વાત લઈને જ આવ્યો છું. મને ખબર છે કે તમે સારું લખી શકો છો.’ એના અવાજમાં જાણકારીનો રણકો પડઘાતો હતો.
સુકેતુની જાણકારી થોડાક અંશે સાચી હતી. હું સારું તો નહીં, પણ કાચું-પાકું લખતો હતો ખરો. અમારી મેડિકલ કોલેજના વોલ મેગેઝિનનું સંપાદન એ વર્ષે હું સંભાળતો હતો. એ પખવાડિક ભીંતપત્રમાં માત્ર કવિતાને જ સ્થાન અપાતું હતું. હું પણ ગઝલના ચાળે ચડ્યો હતો. તે જમાનામાં કમ્પ્યૂટર ક્યાં હતાં? મોડી રાત સુધી હોસ્ટેલમાં જમીન પર જાડું કાર્ડબોર્ડ પાથરીને રંગીન પેનોથી બોર્ડર ચીતરીને પાંચ-સાત મિત્રોની રચનાઓને હું મારા હસ્તાક્ષરમાં આલેખતો હતો. ગઝલ, હાઇકુ, અછાંદસ, એકાદ-બે સુવિચારો એવું બધું સજાવીને ભીંતપત્ર તૈયાર કરતા હતા.

કોલેજમાં થોડું ઘણું નામ થતું આવતું હતું. (એ ભીંતપત્ર આજે પણ ચાલુ છે. વિદ્યાર્થીઓની પેઢીઓ બદલાઈ ગઈ, પણ પ્રવૃત્તિ ચાલુ રહી છે. મારી પહેલાંના વર્ષોમાં એક મિત્ર એમાં ગઝલ લખતાં લખતાં અત્યારે તો ખૂબ નામ કમાયા છે. અમેરિકાસ્થિત કવિ ડો. અશરફ ડબાવાલા એ વોલ મેગેઝિનમાંથી જ બહાર આવ્યા છે. ભાવનગરના ડો. કિશોર વાઘેલા કે રાજકોટના ખ્યાતિપ્રાપ્ત કવિ. ડો. લલિત ત્રિવેદી પણ જાણીતાં નામો છે.)

એ સમયની મારી રોમેન્ટિક રચના વાંચીને સુકેતુને લાગ્યું હશે કે આ છોકરો સારો લવલેટર લખી આપશે. મેં પણ એને ઝડપથી વિદાય કરવાના આશયથી વધુ આનાકાની ન કરી, પૂછી લીધું, ‘શું નામ છે તમારી પ્રેમિકાનું?’ એ ગૂંચવાયો, ‘નામમાં તો એવું છે ને કે માત્ર નામ જ છે. એ હજુ મારી પ્રેમિકા બની નથી.’, ‘આ તો હદ થઈ ગઈ! પ્રેમિકા ન હોય તો પ્રેમપત્ર કેવી રીતે હોઈ શકે?’, ‘પાર્ટનર, તમે સમજો.’, ‘સમજાવો!’, ‘તમે કહ્યું એનાથી ઊંધું પણ હોઈ શકેને? મારો પ્રેમપત્ર વાંચીને એ મારી પ્રેમિકા બની જાય એવું પણ શક્ય છેને?’ હું આભો બની ગયો. સુકેતુનું લોજિક મારા માટે નવું હતું, પણ સાચું લાગી રહ્યું હતું.

‘પાર્ટનર, એનું નામ જણાવો.’ મેં કાચી સામગ્રી એકઠી કરવા માંડી. ‘રાધિકા.’, ‘વાહ! નામ તો સારું છે. પત્ર લખતાં લખતાં કાનુડો બની જઈ શકાશે. એનો ફોટો-બોટો જોવા મળી શકે?’, ‘ના.’, ‘કેમ?’, ‘તમે સમજો.’, ‘તમે સમજાવો તો સમજુ ને!’, ‘એનો ફોટો મારી પાસે ક્યાંથી હોય? એ હજુ મારી પ્રેમિકા બની ગઈ નથી. એને તો ખબર પણ નથી કે હું એને ચાહું છું.’
હવે જ મને ભાન થયું કે મામલો હું ધારતો હતો એના કરતાં ઘણો વધારે અઘરો હતો. સાવ અજાણી એક છોકરીને પ્રેમમાં પાડવાની હતી.

‘પાર્ટનર, પત્રમાં તમારું નામ તો લખવાનું છેને?’ મને સવાલ ફૂટ્યો. એ ભડકી ગયો, ‘ના, જોજો, એવી ભૂલ ન કરતા.’, ‘પણ કેમ?’, ‘તમે સમજો.’, ‘સમજાવો.’ હવે હું અકળાતો જતો હતો. પછીની દસેક મિનિટ સુકેતુએ મારી સમજણનાં દ્વારો ઉઘાડવામાં પસાર કરી દીધા. એની દલીલ આવી હતી- રાધિકા સુકેતુનો પ્રેમપત્ર વાંચીને કાં તો માની જશે, અથવા નહીં માને! જો ન માને તો મોટો ભવાડો થાય.

માટે શરૂમાં નામ ગુપ્ત રાખવું હિતાવહ હતું. જો રાધિકા પ્રેમપત્ર વાંચીને પ્રભાવિત થઈ જાય તો પાર્ટનરનો બેડો પાર! પછી નામ જાહેર કરવામાં કોઈ વાંધો ન રહે.
હવે મારી જવાબદારી બમણી થઈ ગઈ. એક તો મારે પ્રેમપત્ર લખી આપવાનો હતો, બીજું એ પત્ર રાધિકાને આંજી દે તેવી ભાષામાં લખી દેવાનો હતો.
એ ટીનએજમાં મને વધુ તો શું સૂઝે? મેં લખવાની શરૂઆત કરી, ‘પ્રિય રાધિકે! દિલના દ્વારેથી, આંખોના ઉંબરેથી, કાલિનદીના કાંઠા પર બેસીને એક કાનુડો આ પત્ર લખી રહ્યો છે. તું પણ ત્રેતા યુગની રાધા બનીને, જુગ-જુગ જૂનો ઝુરાપો અને અતીતની આરજુ લઈને આ પત્ર વાંચજે, મારા તડપતાં ટેરવાં તને આટલું જ કહેવા માગે છે કે...’

જોશમાં ને જોશમાં પૂરાં છ ફુલસ્કેપ પાનાં મેં ભરી આપ્યાં. પછી લિખિતંગમાં ‘તારો જ...’ એવું લખીને પત્ર સુકેતુના હાથમાં સોંપી દીધો. પત્ર વાંચીને સુકેતુએ કહ્યું, ‘સારું છે કે હું સ્ત્રી તરીકે નથી જન્મ્યો?’, ‘કેમ આવું કહો છો?’, ‘પાર્ટનર તમે સમજતા નથી.’, ‘તો સમજાવોને યાર!’, ‘શું સમજાવું? પત્ર એટલો સુંદર લખાયો છે કે એ વાંચીને કોઈ પણ છોકરી પ્રેમમાં પડી જાય. જો હું સ્ત્રી હોત તો હું પણ.’

મને પ્રેમપત્ર સારો લખાયો હોવાની પહોંચ મળી ગઈ, પણ સુકેતુ તરફથી. રાધિકાને ગમશે કે નહીં એ સવાલનો જવાબ આવનારા સમયની કૂખમાં હતો.
મેં પૂછવા ખાતર પૂછી લીધું, ‘આ પત્ર પોસ્ટ કયા સરનામે કરશો? રાધિકાનું એડ્રેસ છે તમારી પાસે?’ ‘એડ્રેસ તો છે, પણ પત્ર પોસ્ટ કરવામાં જોખમ રહેલું છે. રાધિકાને બદલે આ લવલેટર એની મમ્મી, પપ્પા કે ભાઈના હાથમાં આવી જાય તો?’, ‘તો શું કરશો?’, ‘તમને નહીં સમજાય પાર્ટનર!’, ‘તો સમજાવોને?’ મેં કહ્યું, પણ આ વખતે એણે મને ન સમજાવ્યું.

એનું લુચ્ચું સ્મિત કહી રહ્યું હતું કે એની પાસે કોઈ ખુફિયા પ્લાન હોવો જોઈએ. એ પછીના દોઢ વર્ષમાં મેં કંઈકેટલાયે પ્રેમપત્રો એને લખી આપ્યા હશે. બે-ચાર પત્રો પછી મેં તરકીબ કરી. રાધિકાનું મન જાણવા માટે એક પત્રમાં લખ્યું, ‘મારા પત્રો તને ગમે છે કે નહીં એ મારે જાણવું છે. આવતી કાલે તું કોલેજમાં જવા નીકળે તો પિંક કલરનો ડ્રેસ પહેરીને નીકળજે.’ રાધિકા ખરેખર પિંકી બનીને કોલેજમાં આવી હતી. મેં તો જોઈ ન હતી, સુકેતુએ કહ્યું હતું. આખરે પત્રો ‘હું’ ક્યાં લખતો હતો?

સુકેતુ એમ.બી.બી.એસ. પૂરું કરીને કેમ્પસમાંથી ચાલ્યો ગયો. પછી એની સાથેનો સંપર્ક તૂટી ગયો. હવે એ કોની પાસે પ્રેમપત્રો લખાવતો હશે એની મારી પાસે કશી જ માહિતી ન હતી. હું મારા અભ્યાસમાં વ્યસ્ત હતો. આજે એ ઘટનાને ચાળીસ વર્ષ વીતી ગયાં. હમણાં વોટ્સએપમાં બે જૂના મિત્રો મળી ગયા. ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલો ડો. પૂર્વેશ અને અેની પત્ની રાધિકા. પત્નીનું નામ વાંચીને મારા દિમાગમાં હળવો આંચકો લાગ્યો. મેં પૂર્વેશને ખાનગીમાં પૂછી લીધું, ‘આ રાધિકા એટલે??’

‘હા, આ એ જ રાધિકા છે જેને તમે સેંકડો પ્રેમપત્રો લખી મોકલ્યા હતા. સુકેતુ એ પત્રો પોસ્ટ કરવાને બદલે મારા દ્વારા એની પ્રેમિકાના હાથમાં પહોંચાડતો હતો. શરૂમાં મેં એની સહેલીની મદદ લીધી હતી, પછી જ્યારે રાધિકા પિંક ડ્રેસ પહેરીને આવી તે દિવસથી મેં હાથોહાથ...! એ એવું જ માનતી હતી કે હું એના પ્રેમમાં છું અને પત્રો હું જ લખું છું.’
‘અરે પણ! તેં ચોખવટ કેમ ન કરી? મિત્રની પીઠમાં ખંજર ભોંકી દીધું? વિશ્વાસઘાત?’, ‘પાર્ટનર, તમે નહીં સમજો.’, ‘અરે! પણ તું સમજાવને મને.’, ‘હું શું સમજાવું? મારી પહેલાં તો કોઈ અનુભવી આખા જગતને સમજાવી ગયો છે કે ‘એવરીથિંગ ઇઝ ફીયર ઇન લવ એન્ડ વોર.’

જો રાધિકા જેવી સુંદર યુવતી પત્ની તરીકે મળતી હોય તો એક તો શું, પણ સુકેતુ જેવા એક લાખ મિત્રો કુરબાન છે.’
અત્યાર સુધી મને કંઈ જ સમજાતું ન હતું, હવે બધું સમજાઈ ગયું છે.
(શીર્ષક પંક્તિ : જાવેદ અખ્તર)

એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને, આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને


એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને
મરૂન કલરની મર્સિડીઝ ઊભી રહી ગઇ. કોઇ કોર્પોરેટ હાઉસના જુનિયર એક્ઝિક્યુટિવ કરતાં પણ વધુ સ્માર્ટ અને વેલ ડ્રેસ્ડ દેખાતો સ્ફૂર્તિલો શોફર નીચે ઊતર્યો. પાછલી બેઠકનું ડોર ઉઘાડીને અદબપૂર્વક ઊભો રહી ગયો. અંદરથી પચાસ-પંચાવનનો લાગતો એક સૂટેડ બૂટેડ હેન્ડસમ પુરુષ બહાર નીકળ્યો. એનો સૂટ વિદેશી બનાવટનો હતો. અરમાની બ્રાન્ડના ગ્રે કલરનાં કોટ-પેન્ટમાં એ શ્રીમંત છે એવું દેખાઇ આવતું હતું. એના બે હોઠો વચ્ચે તમાકુ ભરેલી પાઇપ શોભતી હતી. હીરાજડિત પાઇપને શોભા આપે તેવો દમામદાર ચહેરો હતો અને ગોલ્ડન ફ્રેમના રીમલેસ ચશ્માંથી શોભતી આંખો હતી. બંને કાન પાસેના સફેદ વાળના થોભિયા એની ઊંમરની નહીં પણ એના અનુભવની ચાડી ફૂંકતા હતા.

એનો દેખાવ દમામદાર હતો, એની ચાલ રૂઆબદાર હતી, એની સ્થિર નજરમાં ભારોભાર આત્મવિશ્વાસ સમાયેલો હતો અને આજુબાજુના લોકોની સલામો ઝીલવા માટે હવામાં ઊઠતો એનો જમણો હાથ એની સફળતાની, શ્રીમંતાઇની અને લોકપ્રિયતાની ગવાહી પૂરતો હતો. એ માણસનું નામ અલંકાર ઝવેરી હતું. શહેરના જાણીતા જ્વેલરી શૉ રૂમ ‘અલંકાર જ્વેલર્સ’નો અબજોપતિ માલિક અલંકાર ઝવેરી એટલે શહેરનું અત્યંત જાણીતું નામ. બધા જ એને ઓળખે.

રાજકોટમાંથી આવીને જાત મહેનતથી એ આગળ આવ્યા હતા અને વર્ષોના પરિશ્રમ અને જન્મજાત આવડતના લીધે આટલું કમાયા હતા. મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો ગ્લાસ ડોર હડસેલીને અલંકાર ઝવેરી અંદર પ્રવેશ્યા. મેનેજર હાંફળો-ફાંફળો દોડી આવ્યો, ‘પધારો સર! શેઠ અંદર ઑફિસમાં બેઠા છે. આપ મારી સાથે આવો!’
‘હું તારા શેઠ માટે નથી આવ્યો, પણ શર્ટ માટે આવ્યો છું. ગારમેન્ટ્સ વિભાગ કઇ તરફ છે?’
‘અરે, સર! આપે જાતે ધક્કો ખાવાનો હોય? મને ફોન કરી દેવો હતો ને? તમારી સાઇઝના સો-બસો શર્ટ્સ લઇને અમારો માણસ તમારા ઘરે આવી જાત.’
અલંકાર ઝવેરી હસી પડ્યા, ‘ભાઇ, મારે તારી દુકાન નથી ખરીદવી. મારે તો એક જ શર્ટ લેવું છે. અને એ પણ એક ચોક્કસ કલરનું અને ચોક્કસ ફેબ્રિકનું. આજે દસ સ્ટોર્સમાં ઘૂમી વળ્યો છું. આ અગિયારમો છે.’
‘તમારે કેવું શર્ટ લેવું છે, સર?’
‘એ હું શોધી લઇશ.’
‘ઠીક છે.’ મેનેજર જરાક ઓઝપાયો. પછી એણે પોતાના સ્ટાફમાંથી એક હોશિયાર છોકરીને ઇશારાથી પાસે બોલાવીને કહ્યું,

‘રિક્તા, તું આ સાહેબને કપડાં વિભાગમાં લઇ જા અને એમને શર્ટ્સ દેખાડ!’
છોકરી મીઠડી હતી અને હસમુખી પણ. ચપળતાપૂર્વક ચાલતી એ મોંઘેરા ગ્રાહકને શર્ટ્સના વિભાગમાં લઇ ગઇ. મોટા મોટા ખુલ્લા વૂડન રેક્સ પર નવા શર્ટ્સની થપ્પીઓ ગોઠવેલી હતી. એમ ને એમ જ દરેક શર્ટ જોઇ શકાતું હતું.

‘સર, આપને જે પસંદ પડે તે! કુલ પાંચ હજાર શર્ટ્સ છે અમારે ત્યાં. અલગ કલરના, અલગ શેડ્ઝના. ફેબ્રિકની રેન્જ પણ મોટી છે. સર, તમે મૂંઝાઇ જશો કે ક્યું લેવું અને ક્યું ન લેવું! આ તો નિઝામના ખજાનામાં પડેલાં રત્નો જેવું છે.’ અલંકાર ઝવેરીના કાન ચમક્યા. એને આ વાત મનમાં જચી ગઇ, ‘અરે, વાહ! નિઝામનો ખજાનો! એમાં તો એકથી એક ચડિયાતાં રત્નો હતાં. અહીં પણ એવું જ છે. વાહ! છોકરી, તારું નામ શું છે?’

‘રિક્તા રૂપારેલ.’
‘શું ભણેલી છે?’
‘એમ.બી.એ. થયેલી છું, સર.’
‘સાચું એમ.બી.એ.? કે પછી પેલું મને બધું આવડે-વાળું એમ.બી.એ.?’
‘બંને, સર! મારી પાસે એમ.બી.એ.ની ડિગ્રી પણ છે અને મને બધું આવડે પણ છે.’ રિક્તા ચપડ-ચપડ બોલતી રહી અને અલંકારને બધી આઇટમ્સ બતાવતી ગઇ.

અલંકાર મનોમન વિચારી રહ્યા: ‘છોકરી સ્માર્ટ છે. નામ પણ કેવું સરસ છે! રિક્તા રૂપારેલ. રૂપના રેલા જેવી જ છે આ છોકરી. રૂપાળી, નમણી, યુવાન અને ઘાટીલી. હસે છે ત્યારે ગાલોમાં ખંજન પણ કેવા પડે છે!’
શર્ટ્સ જોતાં હાથ થંભી ગયા. અલંકારનું મન ત્રીસેક વર્ષ પાછળ ચાલ્યું ગયું. કાનોમાં એક મીઠો સ્વર ગુંજવા લાગ્યો એ ઇ....! સાંભળ ને!’
‘બોલને.’
‘કાલે હું ફિલ્મ જોઇ આવી.’
‘એકલી એકલી? મને ન લઇ ગઇ?’
‘એકલી કંઇ નહીં; ફેમિલીની સાથે જોવા ગઇ હતી.’
‘કેવી લાગી ફિલ્મ?’
‘ઠીક ઠીક, પણ ગીતો બહુ સરસ હતાં. કુલ અગિયાર ગીતો હતાં, પણ બધાં એક મેકથી ચડી જાય એવાં!’
‘એવું તે શી રીતે બને? બધાં ગીતોમાંથી કોઇ એક વધુ સારું હોય, કોઇ ઓછું સારું બધાં એકસરખાં સારાં...?’

‘કેમ ન હોય? ચાલ, તું જવાબ આપ. વરસાદ પડતો હોય ત્યારે આટલાં બધાં ટીપાંઓમાંથી કયું એક ટીપું વધારે ભીનું હોય અને કયું એક ટીપું......?’
‘ચાંપલી! દઇશને હમણાં એક થપ્પડ કાનની નીચે! જો ને! કેવું સરસ સરસ શોધી લાવે છે? અમને કોમર્સવાળાને આવું સૂઝે જ નહીં.’
પચીસ વર્ષના જુવાન અલંકારની પ્રશંસા સાંભળીને બાવીસ વર્ષની રત્ના ખિલખિલ કરતી હસી પડી. એવું લાગ્યું જાણે પં. શિવકુમાર શર્માની અંગુલીઓ સંતુરના તાર પર ફરી રહી હોય!
‘સર, આ શર્ટ ગમ્યું તમને?’ અલંકાર ઝવેરી ફરીથી કપડાંના મેળામાં પટકાયા. રિક્તા પૂછી રહી હતી.
‘અરે, ના! હું તો પીચ રંગનું શર્ટ લેવા આવ્યો છું. આ ક્યાં...?’

‘સર, તો તમે ઊભા કેમ રહી ગયા’તા?’ રિક્તાએ પૂછ્યું પછી કારણ વિનાનું સેલ્સગર્લિયું હસી પડી. ફરી પાછા અલંકારના કાન સરવા થયા. આટલું કર્ણમધુર હાસ્ય કેટલાં વર્ષો પછી સાંભળવા મળ્યું! એવું લાગ્યું જાણે પથ્થરના દાદર પરથી ચાંદીનો ઘૂઘરો ગબડતો ગબડતો નીચે આવતો હોય!
‘સર, પીચ રંગના તો આઠ શેડ્ઝ છે અમારી પાસે. આવો, હું બતાવું તમને!’ રિક્તા શેઠને બીજા સેગમેન્ટમાં દોરી ગઇ.
અલંકારની આંખો એકદમ ચમકી ઊઠી. આઠ-આઠ રંગછટાઓવાળા અસંખ્ય શર્ટ્સમાંથી એણે એક શર્ટ જોઇ લીધું, ‘બસ, ત્રીજા ખાનામાંથી પાંચમું શર્ટ કાઢી આપ મને!’
રિક્તાએ તરત કાઢી આપ્યું. અલંકારે ક્હ્યું, ‘માય ફેવરિટ કલર! છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષથી હું આ કલર પહેરતો આવ્યો છું. એક જૂનું થાય એટલે બીજું નવું લઇ લેવાનું. એક જ કલરનું અને શેડ પણ એક જ.’

રિક્તાને આ ધૂની કસ્ટમરની વાતમાં હવે રસ પડવા લાગ્યો હતો, ‘સર, મને એક વાત સમજાવો. શર્ટ જૂનું થાય એટલે તો એનો રંગ ઝાંખો પડી જાય. અને નવા શર્ટનો રંગ તો....! તો તમને ખબર કેવી રીતે પડે છે કે બંને રંગોના મૂળ શેડ્ઝ એક સરખા જ હતા?’ અલંકાર ઝવેરીની ગરદન અક્કડ થઇ ગઇ, ‘અનુભવ, છોકરી, અનુભવ! હું ઝવેરીનો દીકરો છું. સોનાના દાગીનામાં કેટલો ભેગ છે એ કસોટી કર્યા વગર માત્ર જોઇને કહી આપું છું. આ તો કપડું છે. રંગ ભલેને ઝાંખો થાય, પણ એની જાત અને ભાત પરખાયા વિનાની ન રહે.’
રિક્તા મુગ્ધ થઇને સાંભળતી રહી. શર્ટ પ્લાસ્ટિક બેગમાં મૂકીને અલંકાર ઝવેરી બહાર નીકળ્યા. મર્સિડીઝમાં બેઠા. ત્યાં રિક્તા એમની પાછળ દોડતી આવી ગઇ.

‘કેમ, શું થયું?’ બારીનો ગ્લાસ નીચે ઉતારીને અલંકારે પૂછ્યું. ‘સર, તમારું વોલેટ! તમે ટેબલ પર ભૂલીને જતા રહ્યા.’ રિક્તાએ લંબાવેલા હાથમાં કરન્સી નોટોથી ફાટ-ફાટ થતું ક્રોકોડાઇલ લેધરનું ઇજિપ્શિયન પાકીટ હતું. અલંકાર હસ્યા. ‘છોકરી, આ એકલું પાકીટ જ પિસ્તાળીસ હજાર રૂપિયાની કિંમતનું છે.’
‘સર, અમારા જેવા મિડલ ક્લાસ ફેમિલીના માણસોને આવી ખબર ક્યાંથી હોય?’
‘પણ એટલી ખબર તો હોય ને કે આમાં કેટલો માલ ભરેલો છે?’

‘સર, હું થોડી ગણતી હોઇશ!’ રિક્તાના ચહેરા પર પ્રામાણિકતા હતી.
‘ઓ.કે.!’ કહીને અલંકારે વોલેટમાંથી એક હજારની નોટ કાઢીને (આ ઘટના આઠમી નવેમ્બર,2016 પહેલાંની છે, મિત્રો! સવાલો પૂછીને પરેશાન ન કરતા.) રિક્તાના હાથમાં મૂકવાની ચેષ્ટા કરી ‘આ રાખ! બક્ષિસના આપું છું. તારી પ્રામાણિકતાના બદલામાં.’

‘સોરી, સર. હું નહીં લઉં. પ્રામાણિકતા જ્યારે બક્ષિસની મોહજાળમાં લપેટાય છે ત્યારે રિશ્વત બની જાય છે.’ રિક્તા આટલું બોલીને સડસડાટ ચાલી ગઇ.
અલંકારના દિમાગમાં આષાઢી મેઘાડંબર ગાજી ઊઠ્યો. આ વાક્ય તો એમણે સાંભળેલું હતું. ત્રીસેક વર્ષ પહેલાં. અલગ ઘટના હતી. અલગ સંદર્ભ હતો. વ્યક્તિ પણ અલગ હતી. પરંતુ શબ્દો એના એ જ હતા. છટા એ જ હતી. અને ચમકતી આંખોમાં નશાની જેમ છવાયેલી ખુમારી પણ એ જ હતી.

અલંકારે રિક્તાને જવા દીધી. પછી ગાડીમાંથી ઊતરીને એ પાછા સ્ટોરમાં ગયા. માલિકની ઑફિસમાં પ્રવેશ્યા. માલિક ઊભો થઇ ગયો, ‘ શેઠજી! શેઠજી! આપ?!’
‘બેસો તમે. હું એક જ મિનિટ માટે આવ્યો છું. તમારે ત્યાં જોબ કરતી રિક્તા રૂપારેલના ઘરનો નંબર આપી શકશો?’
ફોન નંબર લઇને અલંકાર ઝવેરી બંગલે પહોંચ્યા. એકાંતમાં પુરાઇને નંબર લગાડ્યો. સામેથી બેલ્જિયમ કાચનું ઝુમ્મર રણકતું હોય એવો સ્ત્રી-સ્વર સંભળાયો.
‘કોણ, રત્ના? હું અલંકાર ઝવેરી. આજે મેં તારી દીકરી રિક્તાને પહેલીવાર જોઇ. સુંદર છોકરી છે. પણ પ્રામાણિકતામાં તારી ફોટોસ્ટેટ કૉપી છે. કાલે એને મારા શૉ રૂમમાં મોકલજે. સાવ હળવું કામ છે અને તગડો પગાર આપીશ.’

‘પણ તું? તમે? આટલાં વરસે? અને મારી દીકરીને તમે ઓળખી કેવી રીતે કાઢી?’
‘ઝવેરીનો દીકરો છું, રત્ના! ઉંમરના ધાગા ઉપર અનુભવનો માંજો પાઇને પાકો થઇ ગયો છું. જે માણસ જૂનાં વસ્ત્રની સાથે નવાં કપડાંનો રંગ મિલાવી શકે છે એ ઘડા પરથી એની ઠીકરીને ન ઓળખી શકે. આજે પણ એ જ વાક્ય કહેવું છે: ‘આઇ લવ યુ, જાનૂ!’

બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે


બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે
રચનાએ એવી વાત કરી કે હું ચોંકી ગયો. મને જે પહેલો પ્રશ્ન થયો તે આ હતો, ‘આવી ગુપ્ત વાત રચનાએ મને શા માટે કહી હશે? ખરેખર તો આ વાત એણે એનાં પતિ, સાસુ કે પિયરિયાંઓને કરવી જોઈએ.’ રચનાને કદાચ હું જ યોગ્ય લાગ્યો હોઈશ. એ મારી પાસે છેલ્લા છએક મહિનાથી નિયમિત રૂપે આવતી હતી. ક્યારેક એકલી, ક્યારેક એના પતિની સાથે.
જ્યારે પહેલી વાર રચના અને નીરવ મારી પાસે આવ્યાં હતાં ત્યારે એ બેયને જોઈને મને આશ્ચર્ય તો થયું જ હતું.

પહેલી નજરે જ બંનેના દેખાવ વચ્ચેનું અંતર નજરમાં પકડાઈ જતું હતું. રચના અત્યંત નમણી, નાજુક અને રૂપાળી હતી, નીરવ સાધારણ દેખાવનો, સામાન્ય કપડાં ધારણ કરેલો, સીધો-સાદો, ભલો દેખાતો પુરુષ હતો. કોઈ પણના મનમાં આવો પ્રશ્ન થાય કે રચનાએ આવા નિસ્તેજ પુરુષને પતિ તરીકે શા કારણથી પસંદ કર્યો હશે? જો એણે પસંદ ન કર્યો હોય તો એનાં મા-બાપે કર્યો હશે, પણ શા માટે? શા માટે? શા માટે?

મારું કામ એમની સારવાર કરવાનું હતું, સવાલો કરવાનું નહીં. મેં સારવાર ચાલુ કરી દીધી. છએક મહિના થવા આવ્યા, પણ હજુ સારવારની અસર દેખાવાને વાર હતી, ત્યાં જ એક દિવસ રચનાએ એકલા આવીને મારી પાસે એવી વાત રજૂ કરી કે હું સ્તબ્ધ થઈ ગયો.
‘સર, મારે તમને કંઈક કહેવું છે.’ એણે શરૂઆત કરી. ‘બોલને બેટા! સારવાર વિશે કંઈ જાણવું છે? દવાના ડોઝ વિશે કે એની સાઇડ ઇફેક્ટ્સ વિશે કંઈ પૂછવું છે?’
‘ના સર! મારે દવાની નહીં, પણ સંબંધોની સાઇડ ઇફેક્ટ્સ વિશે તમને પૂછવું છે.’

હું સાવધ થઈ ગયો. નક્કી રચના એના પતિ ‌વિશેની કોઈ ફરિયાદ લઈને આવી હશે. બે જણા વચ્ચેના અંગત મામલામાં ત્રીજા માણસે પડવું કે ન પડવું, કેટલું પડવું આ બધા અઘરા વિષયો છે. કહતે હૈ પ્યાર કી દુનિયા મેં, દો દિલ મુશ્કિલ સે સમાતે હૈં/ ક્યા ગૈર વહાં અપનોં તક કે સાયે ભી ના આને પાતે હૈ! મેં ધીમા સ્વરમાં આગોતરા જામીન લઈ લીધા, ‘બેટા, તારા અને નીરવ વચ્ચેના જે કંઈ મતભેદો હોય એમાં હું...’

‘ના સર! તમે ખોટું સમજ્યા છો. મારા નીરવ તો ખૂબ જ સારા છે. મારે ને એમને ક્યારેય કોઈ પણ મતભેદ થતો જ નથી.’, ‘તો પછી શું પ્રોબ્લેમ છે?’ હું હળવો થઈ ગયો. એના હોઠ સહેજ કંપી ગયા. પછી એની આંખો ઢળી ગઈ. હિંમત એકઠી કરીને એ એકીશ્વાસે બોલી ગઈ, ‘મારા સસરા... નીરવના પપ્પા... મારી પાસે...’
‘શું?’ મારી છાતી આશંકાથી થડકી ઊઠી.

‘મારા સસરા મારી પાસે અજુગતી માગણી કરે છે.’ રચના આટલું બોલતામાં તો ભાંગી પડી.
થોડી પળો એમ જ વીતી ગઈ. પ્રાથમિક આઘાતમાંથી બહાર નીકળ્યા પછી મેં મૌનને તોડ્યું, ‘મને વાત કર બેટા, શું થયું છે?’
રચનાએ સંકોચાતાં, શરમાતાં, ક્ષોભિત, તૂટક અવાજમાં વાત શરૂ કરી, ‘મારાં લગ્નને પાંચેક વર્ષ થયાં. હું રાજકોટની છું. મારાં મમ્મી-પપ્પા અત્યંત સંસ્કારી, શિક્ષિત અને નૈતિકતામાં જીવનારાં છે.

મારો ઉછેર પણ આવા જ વાતાવરણમાં થયો હતો. રોજ સાંજે મંદિરમાં જઈને ભગવાનનાં દર્શન કર્યા વગર અમે કોઈ રાતનું વાળુ કરતાં ન હતાં. પછી મારા માટે મૂરતિયાઓનાં માગાં આવવા માંડ્યાં.’
અહીં મેં મનમાં ઘૂમરાયા કરતી વાત સહેજ ઇશારા સાથે મૂકી દીધી, ‘તારા માટે ખૂબ હેન્ડસમ છોકરાઓનાં માગાં આવતાં હશે, ખરુંને?’
એ ફિક્કું હસીને બોલી, ‘હા સર. અમારી ન્યાતના 20થી 25 જેટલા સૌથી સારા ગણાતા યુવાનો મારો હાથ પામવા માટે તલપાપડ હતા, પણ આખરે મારા પપ્પાએ ઘર જોયું, વર નહીં. આમ તો વર પણ જોયો જ કહેવાય, પણ નીરવ આટલો સારો અને ભલો હશે એવી ખબર અેમને એ વખતે ન હતી.’

‘અને નીરવનું ઘર?’, ‘એ અમારી ન્યાતમાં સૌથી સુખી, સંસ્કારી અને સારું ગણાતું હતું. આજે પણ સમૃદ્ધિની બાબતમાં મારું સાસરિયું પ્રથમ નંબર પર બિરાજે છે.’, ‘પછી શું થયું?’
‘પરણીને આવી ત્યારથી જ મારા સસરાનું વર્તન મને જરાક વિચિત્ર તો લાગતું જ હતું. એ મારી તરફ તીરછી નજરથી જોયા કરતા હતા. હું જે રૂમમાં કામ કરતી હોઉં ત્યાં કારણ વગર આંટાફેરા મારી જતા હતા. મારી પાસે ચા, પાણી કે મુખવાસ મંગાવીને મારા હાથને અડકી લેતા હતા, પણ મારા મનમાં એમ કે આવું બધું સહજ અથવા નૈસર્ગિક રીતે થતું હશે. બાકી સસરો તો બાપ સમાન ગણાયને!’

‘પછી?’, ‘એમનો જામેલો વેપાર છે. મોટી દુકાન છે. બાપ-દીકરો બંને સવારથી રાત સુધી દુકાનમાં બેસીને વેપાર સંભાળતા હતા. હું અને મારી સાસુમા ઘર સંભાળતાં હતાં. ધીમે ધીમે સસરાએ દુકાનમાં જવાનું ઓછું કરવા માંડ્યું.’

‘ક્યારથી?’, ‘બે-ત્રણ મહિનાથી.’, ‘આખો દિવસ ઘરમાં રહીને એ શું કરે છે? પૂજા-પાઠ?’, ‘એવું કરતા હોત તો શું જોઈતું હતું સર? પણ એ તો મારી પાછળ પડી ગયા છે. હવે એ સાવ નફ્ફટ બની ગયા છે. મારાં સાસુમા બીજા ઓરડામાં હોય ત્યારે મારી પાસે આવીને મારા સસરા મને કહે કે, ‘જોને, તારી સાસુ તો સાવ ડોશી થઈ ગઈ! હું હજુ કેવો જુવાન લાગું છું? મારા કરતાં તો નીરવ ખખડી ગયેલો લાગે છે.

સાચી વાતને?’, ‘પછી તું શું કહે છે?’, ‘હું શું જવાબ આપું? ‘હા પપ્પા’ બોલીને નીચું જોઈ જાઉં, પણ હમણાંથી તો એ તદ્દન બેફામ થઈ ગયા છે. એકાંત જોઈને એ મારું કાંડું જ પકડી લે છે. સર, હું સંસ્કારી ઘરની દીકરી છું. મારા પપ્પાએ મોટું ઘર જોઈને મને પરણાવી હતી, પણ અત્યારે ખબર પડી કે આ તો ખોટું ઘર છે!’
‘હં....મ....મ..! તેં આ વાત ઘરમાં કોઈને જણાવી છે ખરી? તારી સાસુને? તારા મમ્મી-પપ્પાને? પડોશમાં કોઈ બહેનને?’, ‘ના સર. મારી સાસુ તો બિચારી ભગવાનનું માણસ છે. આવું સાંભળે તો એનો જીવ નીકળી જાય અને મારાં મમ્મી-પપ્પાને આ વાત જણાવું તો એ લોકો દુ:ખી દુ:ખી થઈ જાય. પડોશણને વાત કરવામાં પૂરું જોખમ છે, સર. પછી ઘરની વાત સમાજમાં ફેલાઈ જાય.’

‘તો તારા વરને વિશ્વાસમાં લઈને...’, ‘મેં એવું કરવાનો વિચાર ઘણી વાર કર્યો, પણ પછી મેં નીરવને કશું જ કહ્યું નહીં. મારા કારણે બાપ-દીકરા વચ્ચે વિખવાદ થાય એ મને નહીં ગમે. નીરવ એનાં મા-બાપનો એકનો એક દીકરો છે. વળી, એ મારી વાત પર વિશ્વાસ મૂકશે કે કેમ એ પણ પ્રશ્ન છે.’, ‘વિશ્વાસ કેમ ન મૂકે?’, ‘બે કારણથી. એક તો નીરવ પોતે અત્યંત ભોળો અને ભલો છે.

એ બીજાને પણ પોતાના જેવા જ માને છે. બીજું કારણ એ છે કે મારા સસરા પણ બાહ્ય રીતે પૂરેપૂરા સજ્જનની જેમ જીવે છે. ઠાવકું મોં રાખવું, મીઠાશથી વાત કરવી, વાત-વાતમાં ભગવાનનું નામ લેવું, સ્ત્રીઓની સાથે ‘દીકરી-દીકરી’ કહીને બોલવું, આ બધી એની એક્ટિંગ છે. જો હું એની અસલિયત ‌વિશે વાત બહાર પાડું તો કોઈ નહીં માને.’
હવે હું આખીયે વાત સમજી ગયો. એક ખૂબસૂરત સંસ્કારી, પતિવ્રતા સ્ત્રીની આબરૂ દાવ પર લાગી હતી. જો ઝડપથી કશુંક નક્કર કરવામાં ન આવે તો માત્ર બે જ પરિણામો કલ્પી શકાતાં હતાં. કાં તો રચનાએ આપઘાત કરી લેવો, કાં લંપટ સસરાની કામુકતાને તાબે થઈ જવું.

રચનાની વાત સાંભળીને હું ખરેખર અંદર-બહારથી ખળભળી ઊઠ્યો હતો. છેલ્લાં 25-25 વર્ષથી હું ‘રણમાં ખીલ્યું ગુલાબ’ લખતો આવ્યો છું. એ નિમિત્તે હજારો-લાખો પ્રેમીઓને મળ્યો છું. સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંભવિત તમામ સંબંધોને જોતો, જાણતો, માણતો અને પ્રમાણતો રહ્યો છું. પ્રણય ત્રિકોણ, ચતુષ્કોણ, હાથની અદલાબદલી, બેવફાઈ, છેતરપિંડી, દિવ્યતા, વાસના, આત્મહત્યા, ખૂન અને નિષ્કૃષ્ટ અધમતાથી લઈને ઉચ્ચતમ ત્યાગ સુધીનાં તમામ પાસાંઓને મેં જોઈ લીધાં છે.

એનું પરિણામ એ આવ્યું છે કે હવે હું સ્ત્રી-પુરુષના સંબંધના કોઈ પણ પાસાને સહજતાપૂર્વક સ્વીકારી શકું છું. હું આઘાતથી પર થઈ ગયો છું, પણ જે કેટલીક વાતો હું નથી સ્વીકારી શકતો એમાં ભાઈ-બહેન, કાકા-ભત્રીજી, બાપ-દીકરી કે સસરા-વહુ જેવા સંબંધો આવી જાય છે. દુનિયાના સહુથી પવિત્રતમ સંબંધો છે આ. મામા-ભાણી જેવા બીજા પણ બે-ચાર સંબંધો એમાં આવી જાય છે.

આવા સંબંધથી ગંઠાયેલો પુરુષ જ્યારે સંબંધિત સ્ત્રી ઉપર નજર બગાડે ત્યારે મને ભયંકર આઘાત લાગી આવે છે.
આખી વાત સાંભળી લીધા પછી મેં મારો પ્રશ્ન પૂછી જ લીધો, ‘આ વાત લઈને તું મારી પાસે શા માટે આવી છે? આમાં હું શું કરી શકીશ?’
એણે હવે એના ભાથામાંથી અફર અસ્ત્ર બહાર કાઢ્યું, ‘સર, તમારી પાસે હું એટલા માટે આવી છું, કારણ કે નીરવને આખા જગતમાં એકમાત્ર તમારી ઉપર જ વિશ્વાસ છે. એ તમને વર્ષોથી વાંચે છે. એ મારું કહેવું નહીં માને, પણ તમારું માનશે.’

‘જોજે આવું કહેતી! આ વાત તમારા પરિવારની ગુપ્ત વાત કહેવાય અને લાંછનરૂપ ઘટના ગણાય. જો નીરવને ખબર પડે કે તેં એના પિતા ‌વિશે મને કહી દીધું છે તો તને છૂટાછેડા પણ આપી શકે છે. તું બીજા કોઈને આ કામ સોંપ!’

રચના રડી પડી. મને આજીજી કરવા લાગી. એનાં આંસુ જોઈને હું તૈયાર તો થઈ ગયો, પણ મારા મનમાં કંઈક જુદું જ રમતું હતું. હું દૃઢપણે માનતો હતો કે કોઈ પણ વાચક એના લેખકની બધી જ વાત માને નહીં. લેખકો ભલે એવા ભ્રમમાં જીવતા હોય. હું એવા ભ્રમમાં નથી જ નથી.
મેં એક દિવસ નિરાંત જોઈને નીરવને મળવા માટે બોલાવ્યો. લગભગ અડધો કલાક આડીઅવળી વાતોમાં પસાર કર્યા પછી મેં વાત કાઢી, ‘નીરવભાઈ, તમે મારી એક વાત માનશો?’
એની આંખો સ્થિર બની ગઈ, ‘માથું ઉતારીને તમારા હાથમાં મૂકી દઉં સાહેબ?’

હું હસ્યો, ‘ના, એવું નથી કરવું ભાઈ! પણ વાત એના જેવી જ ગંભીર છે. તમારે મને એક પણ સવાલ નથી પૂછવાનો. હું કહું એ સ્વીકારી લેવાનું છે. બોલો, કરશો?’, ‘હા.’, ‘તો તમે એક અઠવાડિયામાં જ તમારી પત્નીને લઈને જુદા થઈ જાવ, બીજા મકાનમાં રહેવા ચાલ્યા જાવ! મમ્મી-પપ્પાને છોડીને.’
‘પણ શા...?’ નીરવે સવાલ અટકાવી દીધો. મારી શરત એને યાદ આવી ગઈ. એ થોડીક વાર સુધી વિચારતો રહ્યો, પછી એક જ શબ્દ બોલ્યો, ‘પપ્પા???’

મેં માથું હકારમાં હલાવ્યું. એ ‘હા’ કહીને ઊભો થઈ ગયો. એ પછીના ચોવીસ કલાકમાં ભાડાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો. આજે એના ઘરમાં આઠેક વર્ષનો દીકરો છે. એ રોજ સવારે-સાંજે સમય કાઢીને માતા-પિતાને મળી આવે છે. મા-બાપ માટે ચાર કામવાળા માણસો અને એક રસોઈ કરનારી બહેન રાખી લીધી છે. બધાં સુખી છે, માત્ર સસરો દુ:ખી દેખાય છે. (શીર્ષક પંક્તિ : રમેશ પારેખ)

કોઈનાં ભીનાં પગલાં થશે, એવો એક વર્તારો છે, સ્મિત ને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે?


કોઈનાં ભીનાં પગલાં થશે, એવો એક વર્તારો છે,
સ્મિત ને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે?
મિશા અને માઝુમી બંને બહેનો. સગી બહેનો. એમાંય પાછી જોડિયા બહેનો. ટ્વિન્સ સિસ્ટર્સ. યુવાનીના શિખર પર જીવતી બહેનો. સૌંદર્યમાં એવી કે એને જોઇને સો જોજન દૂર ઊભેલો પુરુષ પણ એને પામવા માટે વલખાં મારવા લાગે!
પપ્પા અનુપમભાઇ અને મમ્મી વંદનાબહેન શનિવારની સાંજે શિખર-મંત્રણામાં પરોવાયાં.
‘કહું છું...’ વંદનાબહેને કહેવાનું શરૂ કર્યું, ‘આવતી કાલે એક સારા ઘરનો મુરતિયો આપણી દીકરીને જોવા માટે આવવાનો છે.’
‘એકલો?’

‘ના હવે! એની મોટી ગાડીમાં જેટલા સમાય એટલા માણસોને લઇને આવવાનો છે. એની મમ્મી, પપ્પા, બે નાની બહેનો, એક વિધવા ફોઇ, એક કાકા અને કાકી...’
‘અને ડ્રાઇવર પણ. એનો અર્થ એ થયો કે એની કાર બહુ મોટી હશે અથવા એ બે-ત્રણ કાર લઇને આવવાનો છે. મતલબ કે મુરતિયો પૈસાદાર હશે.’
‘માત્ર પૈસાદાર નહીં, પણ આ શહેરનો સૌથી વધુ પૈસાદાર છે. દીપન ઇન્ડસ્ટ્રીના શેઠ દીપચંદનો એકનો એક દીકરો છે.’

પત્નીના મુખેથી દીપચંદ શેઠનું નામ સાંભળીને અનુભાઇ ખુરસીમાંથી ગબડવા જેવા થઇ ગયા, ‘હેં? શું વાત કરે છે તું? કંઇ ભાંગ-બાંગ તો પીધી નથી ને? આવડા મોટા ધનવાન ઉદ્યોગપતિ એમના દીકરા માટે આપણા જેવા મિડલ ક્લાસ માણસનું ઘર...?!?’
‘ઘર ભલેને મિડલ ક્લાસ રહ્યું, પણ આપણી દીકરીઓ તો ફર્સ્ટ ક્લાસ છે ને? દીપચંદ શેઠે ક્યાંકથી ઊડતી વાત સાંભળી હશે આપણી બેય રાજકુમારીઓના રૂપ વિશે. એટલે સામેથી કહેવડાવ્યું કે આવતા રવિવારે નમતા બપોરે અમે દસ-બાર જણાં તમારા ઘરે કન્યાને જોવા માટે પધારીશું.’

અનુભાઇ વાત સાંભળીને પહેલાં તો આશ્ચર્યમાં સરી પડ્યા. પછી રાજી થયા અને પછી વિમાસણમાં પડી ગયા, ‘વંદના, મને એક વાત સમજાવ, કાલે દીપચંદ શેઠનો પરિવાર આપણી કઇ દીકરીને જોવા આવવાનો છે? મિશાને કે માઝુમીને?’ અનુભાઇનો સવાલ લાખ ટકાનો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ આ સવાલનો જવાબ સૂઝે નહીં એવો!
‘હું એ જ વાતે મૂંઝાણી છું. વહેવારુ દૃષ્ટિએ પહેલો સંબંધ મોટી દીકરીનો જ કરવાનો હોય, પણ મિશા અને માઝુમી તો જોડિયા બહેનો છે. બંનેના જન્મ વચ્ચે ફક્ત સાત જ મિનિટ્સનો ફરક છે. આમાં શું મોટું ને શું નાનું?!’

‘અરે, એના કરતાં પણ મોટી મુશ્કેલી એ નક્કી કરવાની છે કે મુરતિયાને સમજાવવું શી રીતે કે આ બેમાંથી કોણ મિશા છે અને કોણ માઝુમી છે?’
અનુભાઇએ ખરું જ કહ્યું હતું. ટ્વિન્સ હોવાના કારણે એમની બંને દીકરીઓ જન્મથી જ એક સરખી દેખાતી હતી. પછી મોટી થતી ગઇ તેમ તેમ સામ્ય ઘટવાને બદલે વધતું ગયું. એવું કહેવાય છે કે પોતાનાં સંતાનોને જનેતા તો અલગ પારખી જ શકે છે, પણ પંદર વર્ષની વય સુધી તો વંદનાબહેને પણ ઓળખ માટે નિશાનીઓ રાખવી પડતી હતી. બંનેનાં વસ્ત્રો ભલે સરખાં જ હોય, પણ કપાળની બિંદીનો રંગ એ અલગ રાખતાં હતાં.

ક્યારેક મોટી મિશાના (સાત મિનિટ) જમણા કાંડે લાલ દોરો બાંધી દેતાં હતાં. પણ કૉલેજમાં ગઇ એ પછી તો મિશા-માઝુમીએ આવી નિશાનીઓ પણ ફગાવી દીધી હતી.
છેવટે એવું નક્કી થયું કે મિશાને જ મુરતિયા આગળ રજૂ કરી દેવી. અને માઝુમીને એ સમયે ઘરની બહાર જ મોકલી દેવી. જેથી મહેમાનોના મનમાં કોઇ જાતની મૂંઝવણ પ્રગટ ન થાય.
રવિવાર આવી ગયો, નમતી બપોર પણ આવી ગઇ અને મહેમાનોની કાર પણ. સવા-સવા કરોડની બે ગાડીઓમાંથી બાર જણાં બહાર ઠલવાયાં. અનુભાઇ-વંદનાબહેન પ્રવેશદ્વાર પાસે જ ઊભાં હતાં. હૈયું ઠાલવીને એમણે આવકાર આપ્યો.

પાંચ પુરુષો હતા, સાત સ્ત્રીઓ હતી, પણ એક પુરુષને જોઇને વંદનાબહેનનું હૃદય આશંકાથી થડકી ઊઠ્યું: ‘હે ભગવાન! આ કાળો પહાડ જો મુરતિયો ન હોય તો સારું!’
દસ મિનિટમાં જ ખબર પડી ગઇ કે શહેરનો કદાચ સૌથી કદરૂપો એ પુરુષ જ મિશાનો હાથ માગવા માટે આવેલો ઉમેદવાર હતો. વાત-વાતમાં પરિચય આપતાં દીપચંદ શેઠે કહ્યું: ‘આ મારો એકનો એક પુત્ર મૌલેષ.

અમેરિકામાં એમ.બી.એ. કરીને આવ્યો છે. મારો એંશી ટકા બિઝનેસ હવે એણે જ સંભાળી લીધો છે. હું તો જવા ખાતર ઑફિસમાં જઉં છું. બે-ત્રણ કલાક બેસીને પાછો આવું છું. કંપનીનું વાર્ષિક ટર્નઓવર આઠ કરોડનું હતું, મૌલેષે એક જ વર્ષમાં એને એંશી કરોડ સુધી પહોંચાડી દીધું છે.’
અનુભાઇના ગળામાં દેડકો ફસાઇ ગયો હોય એમ માંડ ખાંસી જેવો અવાજ નીકળ્યો, ‘સારું કહેવાય.’
‘હવે આનાથી વધારે સારું કામ એક જ બાકી રહ્યું છે.’ દીપચંદ ઉત્સાહથી ઊછળી રહ્યા હતા: ‘મૌલેષના હાથ પીળા કરવા છે. અમારા ખાનદાનમાં શોભી ઊઠે એવી કન્યા...’

દીપચંદ બોલતા રહ્યા, અનુભાઇ વિચારતા રહ્યા: ‘કિસ્મતનો ખેલ છે બધો! આ કોલસાના ખાનદાનમાં ઝગમગતો હીરો શોધવા નીકળી પડ્યા છે! જો દીપચંદ આ શહેરના આટલા મોટા જાણીતા અને ધનવાન શ્રેષ્ઠી ન હોત તો મેં એમને ક્યારનાયે અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂક્યા હોત! ક્યાં મારી દીકરી મિશા અને ક્યાં આ નમૂનો!’
ત્યાં જ મિશા પાણીના ગ્લાસ સાથેની ટ્રે લઇને આવી પહોંચી. ડઝનીયું ખાનદાન એને જોઇને ખુશ થઇ ગયું. મૌલેષ આંખો ફાડીને ભાવિ પત્નીને જોઇ રહ્યો. જ્યારે મિશાની નજર મૌલેષ પર પડી ત્યારે એ ચકરાઇ ગઇ.

હાથમાંથી ટ્રે હાલક-ડોલક થવા માંડી. માંડ માંડ એણે સમતુલા જાળવી રાખી. અનુભાઇ અને વંદનાબહેન મિશાનો ચહેરો વાંચી ગયાં. સમજી ગયાં કે હવે આ ઇન્ટરવ્યૂને આગળ ચલાવવાનો અર્થ નથી.
અણસાર તો દીપચંદ એન્ડ કંપનીને પણ આવી જ ગયો. ચા-નાસ્તાની ઔપચારિકતા પતાવીને ટોળી રવાના થઇ ગઇ. અનુભાઇને આવું કહીને દીપચંદે હદ કરી દીધી, ‘ભ’ઇ અમને તો કન્યા પસંદ છે, તમારો જે વિચાર હોય તે શાંતિથી જણાવજો.’

ધૂળ જણાવે?! ઘરમાં સન્નાટો છવાઇ ગયો હતો. આવા મુરતિયાને એક જ વાર જોયા પછી પૂરો એક મહિનો ડિપ્રેશનમાં પસાર થાય, એની સાથે આખી જિંદગી કેવી રીતે જાય?
રાત્રે માઝુમી બહારથી આવી. એણે પૂરી હકીકત જાણી. એ ઊંડા વિચારમાં ડૂબી પડી. બીજા દિવસે સવારે નાસ્તો કરતી વખતે માઝુમીએ મમ્મી-પપ્પા સામે પોતાના મનની વાત રજૂ કરી, ‘પપ્પા, દીપચંદ શેઠનાં પરિવારજનોને એ વાતની ખબર છે કે હું અને મિશાદીદી સરખાં જ બ્યુટિફુલ છીએ?’ ‘કદાચ ના, કદાચ હા.’

‘તો હું મૌલેષની સાથે મેરેજ કરવા તૈયાર છું.’ માઝુમીનો નિર્ણય સાંભળીને ઘરની દીવાલો પણ ધ્રૂજી ઊઠી.
અનુભાઇ હચમચી ગયા, ‘બેટા, તું આ શું બોલી રહી છે? તેં મૌલેષને જોયો પણ નથી અને એની સાથે...?’
‘હા, પપ્પા! મેં આખી રાત જાગીને પૂરતો વિચાર કરીને પછી જ આ નિર્ણય લીધો છે. ગઇ કાલે આખી સાંજ હું ઘરની બહાર હતી. સમય પસાર કરવા માટે હું દસથી બાર ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં રખડતી હતી.
એકથી એક ચડિયાતી બ્રાન્ડેડ ચીજો જોતી રહી. મારાં સૌંદર્યની શોભા વધારી મૂકે તેવી બે હજાર ચીજો મેં બજારમાં જોઇ, પણ એમાંની એક પણ ખરીદવાની મારી હેસિયત ન હતી. પપ્પા, મારે મનભરીને જિંદગી જીવવી છે. જગતભરના મોજશોખ ખરીદવા છે અને એશોઆરામથી માણવા છે.’
‘પણ બેટા, એટલા માટે તું મૌલેષ જેવા કદરૂપા પુરુષ જોડે...?’
‘પુરુષનો દેખાવ ન જોવાય, પપ્પા, એની આવડત જોવાય, આવક જોવાય અને સ્વભાવ જોવાય.’

‘પણ મૌલેષનો સ્વભાવ કેવો છે એની આપણને ક્યાં ખબર છે?’
‘સારો જ હશે. નહીં હોય તો થઇ જશે. મારા જેવી રૂપસુંદરીને પામ્યા પછી એનો અવાજ ક્યારેય ઊંચો નહીં થઇ શકે. વળી જે પુરુષ કરોડોનો કારોબાર સંભાળવામાં વ્યસ્ત હોય એની પાસે પત્નીની સાથે લડવા-ઝઘડવાનો સમય જ ન રહે. તમે ફોન કરીને જણાવી દો કે...’

અનુભાઇએ ફોન ડાયલ કર્યો, ‘શેઠજી, મારી દીકરી માઝુમીને મૌલેષકુમાર પસંદ છે.’
મિશાના આઘાતનો પાર ન હતો. નાની બહેને આ શું કર્યું? માત્ર રૂપિયા જ જોયા? ભાવિ જીવનસાથીનો દેખાવ પણ ધ્યાનમાં લેવો જઇએ ને? એણે તો માઝુમીને કહી પણ દીધું, ‘જોજે ને, તારા મેરેજના આલબમમાં મૌલેષ સાથેના બધા ફોટાઓ બ્લેક એન્ડ વ્હાઇટ જ લાગવાના છે, કલરમાં લીધા હશે તો પણ!’
માઝુમી પરણી ગઇ.

એકાદ વર્ષ પછી મિશા પણ પરણી ગઇ. એનો પતિ મલ્હાર હિન્દી ફિલ્મના હીરોને ટક્કર મારે તેવો હેન્ડસમ હતો. વાતચીતમાં પણ ચબરાક. ભલભલાને આંજી દે તેવો. મિશા અને મલ્હારની પ્રત્યેક તસવીર દીવાલનું આભૂષણ બની રહે તેવી આવતી હતી.
આ ઘટનાને આજે દસ-અગિયાર વર્ષ થઇ ગયાં છે. આજે બંને બહેનોની સ્થિતિ કેવી છે?

માઝુમીના આવ્યા પછી મૌલેષના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બસો કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માઝુમી વર્ષના છ મહિના એનાં બે સંતાનો સાથે વર્લ્ડ ટૂર પર ઘૂમતી રહે છે. એનાં બાળકોને વિદેશમાં ભણવા મૂક્યાં છે. માઝુમી જગતના સૌથી શ્રેષ્ઠ બ્રાન્ડેડ કપડાં, સૌથી મોંઘાં પર્ફ્યુમ્સ, સેન્ડલ્સ અને એસેસરીઝ વાપરી રહી છે. એનો લેડીઝ રૂમાલ પણ સોનાની જરીથી શોભે છે. સાચા ડાયમન્ડ સિવાય એ બીજાં કોઇ ઘરેણાં પહેરતી નથી.

કંપનીના પંદરસો કર્મચારીઓ એને ફર્સ્ટ લેડી સમજીને આદર આપે છે. મૌલેષ પણ ખરો જેન્ટલમેલ સાબિત થયો છે.
મિશાનું શું થયું? એનો પતિ નોકરીઓ બદલતો રહે છે. આટલાં વર્ષો પછી માંડ બાવીસ હજારના પગાર સુધી પહોંચ્યો છે. મિશા ભાડાના ઘરમાં નોકરાણીની જેમ ઢસરડો કરી કરીને ચિમળાઇ ગઇ છે. એ અકાળે ડોશી જેવી દેખાવા માંડી છે. નાણાંની તંગીના કારણે ઘરમાં કાયમનો કંકાસ જોવા મળે છે. એનો પતિ હવે ફિલ્મી હીરોના બદલે ગરીબ મજૂર જેવો દેખાવા લાગ્યો છે. હવે એ લોકો ફોટો પડાવતા નથી કેમ કે એ બંનેનો કપલ ફોટો સારો આવે એવું રહ્યું નથી. જિંદગીનો પૂરો આલબમ ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ બની ગયો છે.

[સત્ય ઘટના: આ ઘટનામાં મારો આશય લેશમાત્ર એવો નથી કે રૂપાળી યુવતીઓએ ધનવાન છોકરાઓ જ પસંદ કરવા જોઇએ. આ તો જે બન્યું છે તે લખ્યું છે.