અપની વજહ-એ-બરબાદી સુનિયે તો,ઝિંદગી સે યુ ખેલે, જૈસે દૂસરે કી હૈ...!
લગભગ 1974-75ના વર્ષનો વૈશાખી મહિનો હતો. હું ત્યારે મેડિકલ સ્ટુડન્ટ હતો. રાતના ભોજન પછી હોસ્ટેલની મારી રૂમમાં બેઠક જમાવીને વાંચવાની હજુ તો શરૂઆત જ કરતો હતો ત્યાં અચાનક ખુલ્લા બારણામાંથી અવાજ સંભળાયો, ‘શું ચાલે છે પાર્ટનર, અંદર આવી શકું કે?’
મારા હૈયામાં ધ્રાસકો પડ્યો. પરીક્ષા માથા પર ગાજતી હતી. પેથોલોજી, ફાર્મેકોલોજીનાં દળદાર થોથાં ઊથલાવી જવાનાં હતાં. આજે તો આખી રાત જાગવાનો સંકલ્પ હતો, ત્યાં આ કોણ ટપકી પડ્યું? એક પળ માટે તો મને મારી ઉપર ગુસ્સો આવી ગયો. રૂમનું બારણું ખુલ્લું ફટાક રાખ્યું એનું જ આ પરિણામ! જો બારણું બંધ હોત તો ઊંઘતો હોવાનો અભિનય કરી શક્યો હોત. આ તો જાગતો ઝડપાઈ ગયો!
‘પાર્ટનર’ એ અમારા વિશાળ કેમ્પસનું સર્વમાન્ય અને સર્વસામાન્ય સંબોધન હતું. આઠ-આઠ હોસ્ટેલ્સમાં પથરાયેલા આઠસો હજાર વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને આ સંબોધનથી વાત કરી શકતો હતો. એના માટે કોઈ પરિચયની ગરજ રહેતી ન હતી.
મેં ડોકું ઘુમાવીને જોયું તો સુકેતુ ઊભો હતો. બારસાખમાં મઢેલા ફોટાની જેમ! અને મીઠું મીઠું કારણ વગરનું સ્મિત ફરકાવી રહ્યો હતો. ત્યારે મારી વય 19-20 વર્ષની હશે, પણ મને એ ઉંમરે પણ એટલું તો સમજાઈ ચૂક્યું હતું કે આવું સ્મિત ‘ગરજાઉ સ્મિત’ હોય છે. સાવ અજાણ્યો માણસ કંઈ પણ કામ વિના આવું સ્મિત કરે નહીં.
‘આવોને પાર્ટનર!’ મેં કહ્યું. જોકે, મારા આવકારમાં ઉષ્માનો અભાવ અને ચહેરા પરનો અણગમો એ પારખી ગયો હશે.
એટલે જ એણે પૂછ્યું, ‘રીડિંગ એક્ઝામની તૈયારી?’
‘હા, આજે તો મોટો ઘાણ ઉતારી નાખવો છે. બોલો, શું કામ હતું?’, ‘મારું નામ સુકેતુ.’, ‘જાણું છું. એક જ હોસ્ટેલમાં રહેતા હોઈએ એટલે નામથી તો પરિચિત છું, કયા વર્ષમાં છો?’, ‘તમારાથી એક વર્ષ આગળ.’, ‘ઓહ! સેકન્ડ યર થર્ડ ટર્મ?’, ‘હા.’, ‘ત્યારે તો તમારી એક્ઝામ પણ આવતી જ હશેને?’, ‘હા, પણ એક્ઝામની ચિંતા કરે એ બીજા! આ બંદા નહીં.’
એના જવાબથી હું ગભરાયો. આ બંદા હવે ઓછા લાકડે બળવાના નથી! મેં પણ ‘બુક’ બાજુ પર મૂકી દીધી. પલાંઠી વાળીને જમાવી દીધી.
‘બોલો, શું કામ પડ્યું?’ મેં પૂછ્યું.
‘પાર્ટનર, તમારે મને એક લવલેટર લખી આપવાનો છે.’ હું ચોંકી ઊઠ્યો, ‘મિત્ર, ક્યાં પેથોલોજી અને ક્યાં પ્રેમપત્ર? કંઈક વાજબી વાત કરો.
‘વાજબી વાત લઈને જ આવ્યો છું. મને ખબર છે કે તમે સારું લખી શકો છો.’ એના અવાજમાં જાણકારીનો રણકો પડઘાતો હતો.
સુકેતુની જાણકારી થોડાક અંશે સાચી હતી. હું સારું તો નહીં, પણ કાચું-પાકું લખતો હતો ખરો. અમારી મેડિકલ કોલેજના વોલ મેગેઝિનનું સંપાદન એ વર્ષે હું સંભાળતો હતો. એ પખવાડિક ભીંતપત્રમાં માત્ર કવિતાને જ સ્થાન અપાતું હતું. હું પણ ગઝલના ચાળે ચડ્યો હતો. તે જમાનામાં કમ્પ્યૂટર ક્યાં હતાં? મોડી રાત સુધી હોસ્ટેલમાં જમીન પર જાડું કાર્ડબોર્ડ પાથરીને રંગીન પેનોથી બોર્ડર ચીતરીને પાંચ-સાત મિત્રોની રચનાઓને હું મારા હસ્તાક્ષરમાં આલેખતો હતો. ગઝલ, હાઇકુ, અછાંદસ, એકાદ-બે સુવિચારો એવું બધું સજાવીને ભીંતપત્ર તૈયાર કરતા હતા.
કોલેજમાં થોડું ઘણું નામ થતું આવતું હતું. (એ ભીંતપત્ર આજે પણ ચાલુ છે. વિદ્યાર્થીઓની પેઢીઓ બદલાઈ ગઈ, પણ પ્રવૃત્તિ ચાલુ રહી છે. મારી પહેલાંના વર્ષોમાં એક મિત્ર એમાં ગઝલ લખતાં લખતાં અત્યારે તો ખૂબ નામ કમાયા છે. અમેરિકાસ્થિત કવિ ડો. અશરફ ડબાવાલા એ વોલ મેગેઝિનમાંથી જ બહાર આવ્યા છે. ભાવનગરના ડો. કિશોર વાઘેલા કે રાજકોટના ખ્યાતિપ્રાપ્ત કવિ. ડો. લલિત ત્રિવેદી પણ જાણીતાં નામો છે.)
એ સમયની મારી રોમેન્ટિક રચના વાંચીને સુકેતુને લાગ્યું હશે કે આ છોકરો સારો લવલેટર લખી આપશે. મેં પણ એને ઝડપથી વિદાય કરવાના આશયથી વધુ આનાકાની ન કરી, પૂછી લીધું, ‘શું નામ છે તમારી પ્રેમિકાનું?’ એ ગૂંચવાયો, ‘નામમાં તો એવું છે ને કે માત્ર નામ જ છે. એ હજુ મારી પ્રેમિકા બની નથી.’, ‘આ તો હદ થઈ ગઈ! પ્રેમિકા ન હોય તો પ્રેમપત્ર કેવી રીતે હોઈ શકે?’, ‘પાર્ટનર, તમે સમજો.’, ‘સમજાવો!’, ‘તમે કહ્યું એનાથી ઊંધું પણ હોઈ શકેને? મારો પ્રેમપત્ર વાંચીને એ મારી પ્રેમિકા બની જાય એવું પણ શક્ય છેને?’ હું આભો બની ગયો. સુકેતુનું લોજિક મારા માટે નવું હતું, પણ સાચું લાગી રહ્યું હતું.
‘પાર્ટનર, એનું નામ જણાવો.’ મેં કાચી સામગ્રી એકઠી કરવા માંડી. ‘રાધિકા.’, ‘વાહ! નામ તો સારું છે. પત્ર લખતાં લખતાં કાનુડો બની જઈ શકાશે. એનો ફોટો-બોટો જોવા મળી શકે?’, ‘ના.’, ‘કેમ?’, ‘તમે સમજો.’, ‘તમે સમજાવો તો સમજુ ને!’, ‘એનો ફોટો મારી પાસે ક્યાંથી હોય? એ હજુ મારી પ્રેમિકા બની ગઈ નથી. એને તો ખબર પણ નથી કે હું એને ચાહું છું.’
હવે જ મને ભાન થયું કે મામલો હું ધારતો હતો એના કરતાં ઘણો વધારે અઘરો હતો. સાવ અજાણી એક છોકરીને પ્રેમમાં પાડવાની હતી.
‘પાર્ટનર, પત્રમાં તમારું નામ તો લખવાનું છેને?’ મને સવાલ ફૂટ્યો. એ ભડકી ગયો, ‘ના, જોજો, એવી ભૂલ ન કરતા.’, ‘પણ કેમ?’, ‘તમે સમજો.’, ‘સમજાવો.’ હવે હું અકળાતો જતો હતો. પછીની દસેક મિનિટ સુકેતુએ મારી સમજણનાં દ્વારો ઉઘાડવામાં પસાર કરી દીધા. એની દલીલ આવી હતી- રાધિકા સુકેતુનો પ્રેમપત્ર વાંચીને કાં તો માની જશે, અથવા નહીં માને! જો ન માને તો મોટો ભવાડો થાય.
માટે શરૂમાં નામ ગુપ્ત રાખવું હિતાવહ હતું. જો રાધિકા પ્રેમપત્ર વાંચીને પ્રભાવિત થઈ જાય તો પાર્ટનરનો બેડો પાર! પછી નામ જાહેર કરવામાં કોઈ વાંધો ન રહે.
હવે મારી જવાબદારી બમણી થઈ ગઈ. એક તો મારે પ્રેમપત્ર લખી આપવાનો હતો, બીજું એ પત્ર રાધિકાને આંજી દે તેવી ભાષામાં લખી દેવાનો હતો.
એ ટીનએજમાં મને વધુ તો શું સૂઝે? મેં લખવાની શરૂઆત કરી, ‘પ્રિય રાધિકે! દિલના દ્વારેથી, આંખોના ઉંબરેથી, કાલિનદીના કાંઠા પર બેસીને એક કાનુડો આ પત્ર લખી રહ્યો છે. તું પણ ત્રેતા યુગની રાધા બનીને, જુગ-જુગ જૂનો ઝુરાપો અને અતીતની આરજુ લઈને આ પત્ર વાંચજે, મારા તડપતાં ટેરવાં તને આટલું જ કહેવા માગે છે કે...’
જોશમાં ને જોશમાં પૂરાં છ ફુલસ્કેપ પાનાં મેં ભરી આપ્યાં. પછી લિખિતંગમાં ‘તારો જ...’ એવું લખીને પત્ર સુકેતુના હાથમાં સોંપી દીધો. પત્ર વાંચીને સુકેતુએ કહ્યું, ‘સારું છે કે હું સ્ત્રી તરીકે નથી જન્મ્યો?’, ‘કેમ આવું કહો છો?’, ‘પાર્ટનર તમે સમજતા નથી.’, ‘તો સમજાવોને યાર!’, ‘શું સમજાવું? પત્ર એટલો સુંદર લખાયો છે કે એ વાંચીને કોઈ પણ છોકરી પ્રેમમાં પડી જાય. જો હું સ્ત્રી હોત તો હું પણ.’
મને પ્રેમપત્ર સારો લખાયો હોવાની પહોંચ મળી ગઈ, પણ સુકેતુ તરફથી. રાધિકાને ગમશે કે નહીં એ સવાલનો જવાબ આવનારા સમયની કૂખમાં હતો.
મેં પૂછવા ખાતર પૂછી લીધું, ‘આ પત્ર પોસ્ટ કયા સરનામે કરશો? રાધિકાનું એડ્રેસ છે તમારી પાસે?’ ‘એડ્રેસ તો છે, પણ પત્ર પોસ્ટ કરવામાં જોખમ રહેલું છે. રાધિકાને બદલે આ લવલેટર એની મમ્મી, પપ્પા કે ભાઈના હાથમાં આવી જાય તો?’, ‘તો શું કરશો?’, ‘તમને નહીં સમજાય પાર્ટનર!’, ‘તો સમજાવોને?’ મેં કહ્યું, પણ આ વખતે એણે મને ન સમજાવ્યું.
એનું લુચ્ચું સ્મિત કહી રહ્યું હતું કે એની પાસે કોઈ ખુફિયા પ્લાન હોવો જોઈએ. એ પછીના દોઢ વર્ષમાં મેં કંઈકેટલાયે પ્રેમપત્રો એને લખી આપ્યા હશે. બે-ચાર પત્રો પછી મેં તરકીબ કરી. રાધિકાનું મન જાણવા માટે એક પત્રમાં લખ્યું, ‘મારા પત્રો તને ગમે છે કે નહીં એ મારે જાણવું છે. આવતી કાલે તું કોલેજમાં જવા નીકળે તો પિંક કલરનો ડ્રેસ પહેરીને નીકળજે.’ રાધિકા ખરેખર પિંકી બનીને કોલેજમાં આવી હતી. મેં તો જોઈ ન હતી, સુકેતુએ કહ્યું હતું. આખરે પત્રો ‘હું’ ક્યાં લખતો હતો?
સુકેતુ એમ.બી.બી.એસ. પૂરું કરીને કેમ્પસમાંથી ચાલ્યો ગયો. પછી એની સાથેનો સંપર્ક તૂટી ગયો. હવે એ કોની પાસે પ્રેમપત્રો લખાવતો હશે એની મારી પાસે કશી જ માહિતી ન હતી. હું મારા અભ્યાસમાં વ્યસ્ત હતો. આજે એ ઘટનાને ચાળીસ વર્ષ વીતી ગયાં. હમણાં વોટ્સએપમાં બે જૂના મિત્રો મળી ગયા. ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલો ડો. પૂર્વેશ અને અેની પત્ની રાધિકા. પત્નીનું નામ વાંચીને મારા દિમાગમાં હળવો આંચકો લાગ્યો. મેં પૂર્વેશને ખાનગીમાં પૂછી લીધું, ‘આ રાધિકા એટલે??’
‘હા, આ એ જ રાધિકા છે જેને તમે સેંકડો પ્રેમપત્રો લખી મોકલ્યા હતા. સુકેતુ એ પત્રો પોસ્ટ કરવાને બદલે મારા દ્વારા એની પ્રેમિકાના હાથમાં પહોંચાડતો હતો. શરૂમાં મેં એની સહેલીની મદદ લીધી હતી, પછી જ્યારે રાધિકા પિંક ડ્રેસ પહેરીને આવી તે દિવસથી મેં હાથોહાથ...! એ એવું જ માનતી હતી કે હું એના પ્રેમમાં છું અને પત્રો હું જ લખું છું.’
‘અરે પણ! તેં ચોખવટ કેમ ન કરી? મિત્રની પીઠમાં ખંજર ભોંકી દીધું? વિશ્વાસઘાત?’, ‘પાર્ટનર, તમે નહીં સમજો.’, ‘અરે! પણ તું સમજાવને મને.’, ‘હું શું સમજાવું? મારી પહેલાં તો કોઈ અનુભવી આખા જગતને સમજાવી ગયો છે કે ‘એવરીથિંગ ઇઝ ફીયર ઇન લવ એન્ડ વોર.’
જો રાધિકા જેવી સુંદર યુવતી પત્ની તરીકે મળતી હોય તો એક તો શું, પણ સુકેતુ જેવા એક લાખ મિત્રો કુરબાન છે.’
અત્યાર સુધી મને કંઈ જ સમજાતું ન હતું, હવે બધું સમજાઈ ગયું છે.
(શીર્ષક પંક્તિ : જાવેદ અખ્તર)
No comments:
Post a Comment