Tuesday, September 5, 2017

એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને, આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને


એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને
મરૂન કલરની મર્સિડીઝ ઊભી રહી ગઇ. કોઇ કોર્પોરેટ હાઉસના જુનિયર એક્ઝિક્યુટિવ કરતાં પણ વધુ સ્માર્ટ અને વેલ ડ્રેસ્ડ દેખાતો સ્ફૂર્તિલો શોફર નીચે ઊતર્યો. પાછલી બેઠકનું ડોર ઉઘાડીને અદબપૂર્વક ઊભો રહી ગયો. અંદરથી પચાસ-પંચાવનનો લાગતો એક સૂટેડ બૂટેડ હેન્ડસમ પુરુષ બહાર નીકળ્યો. એનો સૂટ વિદેશી બનાવટનો હતો. અરમાની બ્રાન્ડના ગ્રે કલરનાં કોટ-પેન્ટમાં એ શ્રીમંત છે એવું દેખાઇ આવતું હતું. એના બે હોઠો વચ્ચે તમાકુ ભરેલી પાઇપ શોભતી હતી. હીરાજડિત પાઇપને શોભા આપે તેવો દમામદાર ચહેરો હતો અને ગોલ્ડન ફ્રેમના રીમલેસ ચશ્માંથી શોભતી આંખો હતી. બંને કાન પાસેના સફેદ વાળના થોભિયા એની ઊંમરની નહીં પણ એના અનુભવની ચાડી ફૂંકતા હતા.

એનો દેખાવ દમામદાર હતો, એની ચાલ રૂઆબદાર હતી, એની સ્થિર નજરમાં ભારોભાર આત્મવિશ્વાસ સમાયેલો હતો અને આજુબાજુના લોકોની સલામો ઝીલવા માટે હવામાં ઊઠતો એનો જમણો હાથ એની સફળતાની, શ્રીમંતાઇની અને લોકપ્રિયતાની ગવાહી પૂરતો હતો. એ માણસનું નામ અલંકાર ઝવેરી હતું. શહેરના જાણીતા જ્વેલરી શૉ રૂમ ‘અલંકાર જ્વેલર્સ’નો અબજોપતિ માલિક અલંકાર ઝવેરી એટલે શહેરનું અત્યંત જાણીતું નામ. બધા જ એને ઓળખે.

રાજકોટમાંથી આવીને જાત મહેનતથી એ આગળ આવ્યા હતા અને વર્ષોના પરિશ્રમ અને જન્મજાત આવડતના લીધે આટલું કમાયા હતા. મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો ગ્લાસ ડોર હડસેલીને અલંકાર ઝવેરી અંદર પ્રવેશ્યા. મેનેજર હાંફળો-ફાંફળો દોડી આવ્યો, ‘પધારો સર! શેઠ અંદર ઑફિસમાં બેઠા છે. આપ મારી સાથે આવો!’
‘હું તારા શેઠ માટે નથી આવ્યો, પણ શર્ટ માટે આવ્યો છું. ગારમેન્ટ્સ વિભાગ કઇ તરફ છે?’
‘અરે, સર! આપે જાતે ધક્કો ખાવાનો હોય? મને ફોન કરી દેવો હતો ને? તમારી સાઇઝના સો-બસો શર્ટ્સ લઇને અમારો માણસ તમારા ઘરે આવી જાત.’
અલંકાર ઝવેરી હસી પડ્યા, ‘ભાઇ, મારે તારી દુકાન નથી ખરીદવી. મારે તો એક જ શર્ટ લેવું છે. અને એ પણ એક ચોક્કસ કલરનું અને ચોક્કસ ફેબ્રિકનું. આજે દસ સ્ટોર્સમાં ઘૂમી વળ્યો છું. આ અગિયારમો છે.’
‘તમારે કેવું શર્ટ લેવું છે, સર?’
‘એ હું શોધી લઇશ.’
‘ઠીક છે.’ મેનેજર જરાક ઓઝપાયો. પછી એણે પોતાના સ્ટાફમાંથી એક હોશિયાર છોકરીને ઇશારાથી પાસે બોલાવીને કહ્યું,

‘રિક્તા, તું આ સાહેબને કપડાં વિભાગમાં લઇ જા અને એમને શર્ટ્સ દેખાડ!’
છોકરી મીઠડી હતી અને હસમુખી પણ. ચપળતાપૂર્વક ચાલતી એ મોંઘેરા ગ્રાહકને શર્ટ્સના વિભાગમાં લઇ ગઇ. મોટા મોટા ખુલ્લા વૂડન રેક્સ પર નવા શર્ટ્સની થપ્પીઓ ગોઠવેલી હતી. એમ ને એમ જ દરેક શર્ટ જોઇ શકાતું હતું.

‘સર, આપને જે પસંદ પડે તે! કુલ પાંચ હજાર શર્ટ્સ છે અમારે ત્યાં. અલગ કલરના, અલગ શેડ્ઝના. ફેબ્રિકની રેન્જ પણ મોટી છે. સર, તમે મૂંઝાઇ જશો કે ક્યું લેવું અને ક્યું ન લેવું! આ તો નિઝામના ખજાનામાં પડેલાં રત્નો જેવું છે.’ અલંકાર ઝવેરીના કાન ચમક્યા. એને આ વાત મનમાં જચી ગઇ, ‘અરે, વાહ! નિઝામનો ખજાનો! એમાં તો એકથી એક ચડિયાતાં રત્નો હતાં. અહીં પણ એવું જ છે. વાહ! છોકરી, તારું નામ શું છે?’

‘રિક્તા રૂપારેલ.’
‘શું ભણેલી છે?’
‘એમ.બી.એ. થયેલી છું, સર.’
‘સાચું એમ.બી.એ.? કે પછી પેલું મને બધું આવડે-વાળું એમ.બી.એ.?’
‘બંને, સર! મારી પાસે એમ.બી.એ.ની ડિગ્રી પણ છે અને મને બધું આવડે પણ છે.’ રિક્તા ચપડ-ચપડ બોલતી રહી અને અલંકારને બધી આઇટમ્સ બતાવતી ગઇ.

અલંકાર મનોમન વિચારી રહ્યા: ‘છોકરી સ્માર્ટ છે. નામ પણ કેવું સરસ છે! રિક્તા રૂપારેલ. રૂપના રેલા જેવી જ છે આ છોકરી. રૂપાળી, નમણી, યુવાન અને ઘાટીલી. હસે છે ત્યારે ગાલોમાં ખંજન પણ કેવા પડે છે!’
શર્ટ્સ જોતાં હાથ થંભી ગયા. અલંકારનું મન ત્રીસેક વર્ષ પાછળ ચાલ્યું ગયું. કાનોમાં એક મીઠો સ્વર ગુંજવા લાગ્યો એ ઇ....! સાંભળ ને!’
‘બોલને.’
‘કાલે હું ફિલ્મ જોઇ આવી.’
‘એકલી એકલી? મને ન લઇ ગઇ?’
‘એકલી કંઇ નહીં; ફેમિલીની સાથે જોવા ગઇ હતી.’
‘કેવી લાગી ફિલ્મ?’
‘ઠીક ઠીક, પણ ગીતો બહુ સરસ હતાં. કુલ અગિયાર ગીતો હતાં, પણ બધાં એક મેકથી ચડી જાય એવાં!’
‘એવું તે શી રીતે બને? બધાં ગીતોમાંથી કોઇ એક વધુ સારું હોય, કોઇ ઓછું સારું બધાં એકસરખાં સારાં...?’

‘કેમ ન હોય? ચાલ, તું જવાબ આપ. વરસાદ પડતો હોય ત્યારે આટલાં બધાં ટીપાંઓમાંથી કયું એક ટીપું વધારે ભીનું હોય અને કયું એક ટીપું......?’
‘ચાંપલી! દઇશને હમણાં એક થપ્પડ કાનની નીચે! જો ને! કેવું સરસ સરસ શોધી લાવે છે? અમને કોમર્સવાળાને આવું સૂઝે જ નહીં.’
પચીસ વર્ષના જુવાન અલંકારની પ્રશંસા સાંભળીને બાવીસ વર્ષની રત્ના ખિલખિલ કરતી હસી પડી. એવું લાગ્યું જાણે પં. શિવકુમાર શર્માની અંગુલીઓ સંતુરના તાર પર ફરી રહી હોય!
‘સર, આ શર્ટ ગમ્યું તમને?’ અલંકાર ઝવેરી ફરીથી કપડાંના મેળામાં પટકાયા. રિક્તા પૂછી રહી હતી.
‘અરે, ના! હું તો પીચ રંગનું શર્ટ લેવા આવ્યો છું. આ ક્યાં...?’

‘સર, તો તમે ઊભા કેમ રહી ગયા’તા?’ રિક્તાએ પૂછ્યું પછી કારણ વિનાનું સેલ્સગર્લિયું હસી પડી. ફરી પાછા અલંકારના કાન સરવા થયા. આટલું કર્ણમધુર હાસ્ય કેટલાં વર્ષો પછી સાંભળવા મળ્યું! એવું લાગ્યું જાણે પથ્થરના દાદર પરથી ચાંદીનો ઘૂઘરો ગબડતો ગબડતો નીચે આવતો હોય!
‘સર, પીચ રંગના તો આઠ શેડ્ઝ છે અમારી પાસે. આવો, હું બતાવું તમને!’ રિક્તા શેઠને બીજા સેગમેન્ટમાં દોરી ગઇ.
અલંકારની આંખો એકદમ ચમકી ઊઠી. આઠ-આઠ રંગછટાઓવાળા અસંખ્ય શર્ટ્સમાંથી એણે એક શર્ટ જોઇ લીધું, ‘બસ, ત્રીજા ખાનામાંથી પાંચમું શર્ટ કાઢી આપ મને!’
રિક્તાએ તરત કાઢી આપ્યું. અલંકારે ક્હ્યું, ‘માય ફેવરિટ કલર! છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષથી હું આ કલર પહેરતો આવ્યો છું. એક જૂનું થાય એટલે બીજું નવું લઇ લેવાનું. એક જ કલરનું અને શેડ પણ એક જ.’

રિક્તાને આ ધૂની કસ્ટમરની વાતમાં હવે રસ પડવા લાગ્યો હતો, ‘સર, મને એક વાત સમજાવો. શર્ટ જૂનું થાય એટલે તો એનો રંગ ઝાંખો પડી જાય. અને નવા શર્ટનો રંગ તો....! તો તમને ખબર કેવી રીતે પડે છે કે બંને રંગોના મૂળ શેડ્ઝ એક સરખા જ હતા?’ અલંકાર ઝવેરીની ગરદન અક્કડ થઇ ગઇ, ‘અનુભવ, છોકરી, અનુભવ! હું ઝવેરીનો દીકરો છું. સોનાના દાગીનામાં કેટલો ભેગ છે એ કસોટી કર્યા વગર માત્ર જોઇને કહી આપું છું. આ તો કપડું છે. રંગ ભલેને ઝાંખો થાય, પણ એની જાત અને ભાત પરખાયા વિનાની ન રહે.’
રિક્તા મુગ્ધ થઇને સાંભળતી રહી. શર્ટ પ્લાસ્ટિક બેગમાં મૂકીને અલંકાર ઝવેરી બહાર નીકળ્યા. મર્સિડીઝમાં બેઠા. ત્યાં રિક્તા એમની પાછળ દોડતી આવી ગઇ.

‘કેમ, શું થયું?’ બારીનો ગ્લાસ નીચે ઉતારીને અલંકારે પૂછ્યું. ‘સર, તમારું વોલેટ! તમે ટેબલ પર ભૂલીને જતા રહ્યા.’ રિક્તાએ લંબાવેલા હાથમાં કરન્સી નોટોથી ફાટ-ફાટ થતું ક્રોકોડાઇલ લેધરનું ઇજિપ્શિયન પાકીટ હતું. અલંકાર હસ્યા. ‘છોકરી, આ એકલું પાકીટ જ પિસ્તાળીસ હજાર રૂપિયાની કિંમતનું છે.’
‘સર, અમારા જેવા મિડલ ક્લાસ ફેમિલીના માણસોને આવી ખબર ક્યાંથી હોય?’
‘પણ એટલી ખબર તો હોય ને કે આમાં કેટલો માલ ભરેલો છે?’

‘સર, હું થોડી ગણતી હોઇશ!’ રિક્તાના ચહેરા પર પ્રામાણિકતા હતી.
‘ઓ.કે.!’ કહીને અલંકારે વોલેટમાંથી એક હજારની નોટ કાઢીને (આ ઘટના આઠમી નવેમ્બર,2016 પહેલાંની છે, મિત્રો! સવાલો પૂછીને પરેશાન ન કરતા.) રિક્તાના હાથમાં મૂકવાની ચેષ્ટા કરી ‘આ રાખ! બક્ષિસના આપું છું. તારી પ્રામાણિકતાના બદલામાં.’

‘સોરી, સર. હું નહીં લઉં. પ્રામાણિકતા જ્યારે બક્ષિસની મોહજાળમાં લપેટાય છે ત્યારે રિશ્વત બની જાય છે.’ રિક્તા આટલું બોલીને સડસડાટ ચાલી ગઇ.
અલંકારના દિમાગમાં આષાઢી મેઘાડંબર ગાજી ઊઠ્યો. આ વાક્ય તો એમણે સાંભળેલું હતું. ત્રીસેક વર્ષ પહેલાં. અલગ ઘટના હતી. અલગ સંદર્ભ હતો. વ્યક્તિ પણ અલગ હતી. પરંતુ શબ્દો એના એ જ હતા. છટા એ જ હતી. અને ચમકતી આંખોમાં નશાની જેમ છવાયેલી ખુમારી પણ એ જ હતી.

અલંકારે રિક્તાને જવા દીધી. પછી ગાડીમાંથી ઊતરીને એ પાછા સ્ટોરમાં ગયા. માલિકની ઑફિસમાં પ્રવેશ્યા. માલિક ઊભો થઇ ગયો, ‘ શેઠજી! શેઠજી! આપ?!’
‘બેસો તમે. હું એક જ મિનિટ માટે આવ્યો છું. તમારે ત્યાં જોબ કરતી રિક્તા રૂપારેલના ઘરનો નંબર આપી શકશો?’
ફોન નંબર લઇને અલંકાર ઝવેરી બંગલે પહોંચ્યા. એકાંતમાં પુરાઇને નંબર લગાડ્યો. સામેથી બેલ્જિયમ કાચનું ઝુમ્મર રણકતું હોય એવો સ્ત્રી-સ્વર સંભળાયો.
‘કોણ, રત્ના? હું અલંકાર ઝવેરી. આજે મેં તારી દીકરી રિક્તાને પહેલીવાર જોઇ. સુંદર છોકરી છે. પણ પ્રામાણિકતામાં તારી ફોટોસ્ટેટ કૉપી છે. કાલે એને મારા શૉ રૂમમાં મોકલજે. સાવ હળવું કામ છે અને તગડો પગાર આપીશ.’

‘પણ તું? તમે? આટલાં વરસે? અને મારી દીકરીને તમે ઓળખી કેવી રીતે કાઢી?’
‘ઝવેરીનો દીકરો છું, રત્ના! ઉંમરના ધાગા ઉપર અનુભવનો માંજો પાઇને પાકો થઇ ગયો છું. જે માણસ જૂનાં વસ્ત્રની સાથે નવાં કપડાંનો રંગ મિલાવી શકે છે એ ઘડા પરથી એની ઠીકરીને ન ઓળખી શકે. આજે પણ એ જ વાક્ય કહેવું છે: ‘આઇ લવ યુ, જાનૂ!’

No comments:

Post a Comment