તેરે ઇશ્ક મેં ડૂબ કર કતરે સે દરિયા હો જાઉં, મૈં તુમસે શુરુ હોકર તુઝમેં ખત્મ હો જાઉં
જેદિવસે શીના શેઠની સગાઇવિધિ હતી એના આગલા દિવસે એના પર કોઇનો ફોન આવ્યો, ‘હાય! શીના, એ ન પૂછીશ કે હું કોણ બોલી રહ્યો છું. શુભચિંતકોનાં કદીયે નામો નથી હોતાં, એમની તો માત્ર ચિંતા હોય છે અને શુભેચ્છા હોય છે.’
શીનાને સમજ ન પડી કે આ કોણ હોઇ શકે, ક્યાંથી હોઇ શકે અને શા માટે હોઇ શકે? એનું તો રોમ-રોમ આવતી કાલના શુભ પ્રસંગ માટે ઉત્સાહિત બની રહ્યું હતું. પણ શીના સુંદર હોવા છતાં સરળ અને સાલસ સ્વભાવની યુવતી હતી. એણે ફોન કાપી નાખવાને બદલે વાત કરવાનું પસંદ કર્યું.
શીનાને સમજ ન પડી કે આ કોણ હોઇ શકે, ક્યાંથી હોઇ શકે અને શા માટે હોઇ શકે? એનું તો રોમ-રોમ આવતી કાલના શુભ પ્રસંગ માટે ઉત્સાહિત બની રહ્યું હતું. પણ શીના સુંદર હોવા છતાં સરળ અને સાલસ સ્વભાવની યુવતી હતી. એણે ફોન કાપી નાખવાને બદલે વાત કરવાનું પસંદ કર્યું.
‘બોલો, શા માટે ફોન કર્યો છે તમે?’
‘આવતી કાલે તારા એંગેજમેન્ટ છે ને?’
‘હા.’
‘સુયશ સાથે?’
‘હા, કેમ?’
‘તારી પાસે એક રાતનો સમય બચ્યો છે. બચવું હોય તો બચી જજે. સગાઇની ના પાડી દે. સુયશ સારો છોકરો નથી.’
‘જાવ, જાવ, હવે. સુયશ સ્માર્ટ છે, સોહામણો છે, ડેશિંગ છે અને હાઇલી એજ્યુકેટેડ છે. કોઇ પણ જુવાન ખૂબસૂરત કન્યાનું મન મોહી લે તેવો સુયોગ્ય મુરતિયો છે. તમને એ શા માટે ખરાબ લાગે છે એ કહેશો?’
‘આ હમણાં તેં જે સદ્્ગુણો ગણાવ્યા ને એ બધા જ સુયશમાં હાજર છે; અને એ જ મુદો તારી વિરુદ્ધમાં જાય છે.’
‘એટલે?’
‘એટલે એમ કે સુયશ લફરાબાજ છે. તેં જ હમણાં કહ્યું ને કે એ કોઇ છોકરીનું મન મોહી લે તેવો સુયોગ્ય છે?! એવું જ બનતું આવ્યું છે. સુયશ કૉલેજમાં ભણતો હતો ત્યારથી જ એક-બે નહીં પણ પચીસ-પચાસ છોકરીઓની સાથે ફલર્ટિંગ કરતો આવ્યો છે. એમાંથી એકની સાથે તો એ ખરેખર સિરિયસલી ઇન્વોલ્વડ છે. એનું નામ નૈસર્ગી છે. સુયશે એની સાથે મેરેજ કરવાનું પ્રોમિસ પણ.....’
‘એવું હોય તો સુયશ શા માટે આવતી કાલે મારી સાથે એંગેજમેન્ટ કરી રહ્યો છે? એ નૈસર્ગીની સાથે કરી શકે છે ને?’
‘એ સમજાવવા માટે તો મેં તને ફોન કર્યો છે. સુયશની તો જરા પણ ઇચ્છા હતી જ નહીં; પણ એના પપ્પાએ જીદ કરીને એને તારા માટે રાજી કરાવ્યો છે. નૈસર્ગી અલગ જ્ઞાતિની છે. તું સુયશની જ ન્યાતની કન્યા છે. વધુમાં તારા પપ્પા કરોડપતિ છે અને સમાજમાં એમની ખૂબ મોટી પ્રતિષ્ઠા છે; એટલે સુયશના પપ્પાએ દીકરા પર ખૂબ મોટું ઇમોશનલ દબાણ કરીને હા પડાવી છે.’
‘આઇ ડોન્ટ બીલિવ યુ.’
‘જેવી તારી મરજી! મારી તો ફરજ હતી તને લાલબત્તી બતાવવાની; મેં ફરજ બજાવી લીધી. હવે તું ચેતતી રે’જે. જે લોકો સુયશને ઓળખે છે એમને ખબર છે કે સુયશ તને....’ અને ફોન કપાઇ ગયો.
વાત પૂરી થવાથી વિચાર પણ પૂરો થતો હોય તો કેટલું સારું?! શીનાના મનમાં આ એક નનામા ફોને અસંખ્ય વમળોને જન્મ આપી દીધો. સૌથી પહેલું કામ તેણે મોબાઇલમાં ઇનકમિંગ કૉલનો નંબર વાંચવાનું કર્યું.
નંબર અજાણ્યો હતો અને લેન્ડલાઇનનો હતો. થોડીક ક્ષણો સુધી વિચાર કર્યા પછી શીનાએ એ જ નંબર પર ‘કૉલ બેક’ કર્યો. સામા છેડે રિંગ વાગતી સંભળાઇ. પછી કોઇ પુરુષના કર્કશ અવાજ આવ્યો, ‘બોલો, કોનું કામ છે?’
‘આ ક્યાંનો નંબર છે?’
‘બહેન, આ તો પબ્લિક કોલ બૂથ છે.’
‘ઓ.કે.! તમારે ત્યાંથી હમણાં જ કોઇકનો મને ફોન આવ્યો હતો; શું હું જાણી શકું કે....?’
‘અરે, બહેન! મારી પાસે ચાર-ચાર લેન્ડલાઇન્સ છે. રોજના ત્રણસો-ચારસો માણસો અહીં આવ-જા કરતા હોય છે. હું કેટલાને યાદ રાખું? બોલો, બીજી શું સેવા કરું તમારી?’
આ વખતે શીનાએ ફોન ‘કટ’ કરી નાખ્યો. આગળ વાત કરવાનો કોઇ જ અર્થ ન હતો. અને આવા અનામી બદમાશોની વાત પર વિશ્વાસ કરવાનો પણ કોઇ અર્થ ન હતો.
બીજા દિવસે એંગેજમેન્ટની વિધિ સુંદર રીતે સંપન્ન થઇ ગઇ. અડધો દિવસ એની ઉજવણીમાં પસાર થઇ ગયો. બપોર પછી છૂટા પડતી વખતે શીનાની બહેનપણીએ સુયશને પૂછ્યું, ‘જીજુ, આજે તો અમને બધાને ફિલ્મ બતાવો અને ડિનર કરાવો.’
‘સોરી, હું સાંજે બિઝનેસ મિટિંગમાં બિઝી હોઇશ.’
‘અરે, આ તે કંઇ રીત છે તમારી? એંગેજમેન્ટના દિવસે પણ બિઝનેસ? અમને બધાને નહીં તો એકલી શીનાને તો....’
‘સોરી! નો ટાઇમ. ફિલ્મો જોવા અને બતાવવા માટે આખી જિંદગી પડી છે.’
‘ખરા છો તમે? શીના કરતાં યે તમને બિઝનેસ વધુ વહાલો છે?’
‘એવી સરખામણી કરવાની જરૂર નથી; દરેક વાતનું જિંદગીમાં એક ચોક્કસ સ્થાન હોય છે, ચોક્કસ મહત્ત્વ હોય છે. એક વસ્તુ બીજી વસ્તુનું સ્થાન ક્યારેક ન લઇ શકે.’
સુયશની તર્કબદ્ધ દલીલ સાંભળીને શીનાની કઝીન્સ અને ફ્રેન્ડ્ઝ ચૂપ થઇ ગઇ. શીનાને પણ ત્યારે તો કંઇ ખરાબ ન લાગ્યું, પણ એ જ દિવસે સાંજે જ્યારે એ પોતાના રૂમમાં એકલી હતી અને પથારીમાં આડી પડી હતી ત્યારે ફરીથી એનો મોબાઇલ રણક્યો અને પ્રોબ્લેમની શરૂઆત થઇ.
‘હેલ્લો! ગુડ ઇવનિંગ!’
‘કોણ?’
‘શુભચિંતક.’
‘તમે ક્યાંથી ફોન કરો છો? શા માટે ફોન કરો છો? તમારું નામ શું છે?’
‘શુભચિંતકને નામ ન હોય, ફક્ત કામ જ હોય.’
‘તો બોલો, શું કામ છે?’
‘મારું પોતાનું તો કંઇ જ કામ નથી, પણ મેં ફોન તારા કામ માટે કર્યો છે. સૌથી પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન્સ! અંતે તમે સગાઇ કરીને જ રહ્યા ને? નો પ્રોબ્લેમ. પણ સુયશ તમારી સાથે ફિલ્મ જોવા માટે ન આવ્યો, કેમ? ક્યાંથી આવે! એનું દિલ તો નૈસર્ગીમાં લાગેલું છે. તમને તો એની સાથે બઝાડવામાં આવ્યાં છે. હજુ સમય છે; ચેતી જાવ! નહીતર અંજામ....’
‘અંજામ એટલે તમે કહેવા શું માંગે છો?’
‘હું કંઇ નથી કહેતો, બહેન! દુનિયા ગવાહ છે કે પ્રેમત્રિકોણનો અંજામ ક્યારેય સારો નથી હોતો. કોઇએ આપઘાત કરવો પડે છે, કાં એનું ખૂન....’
‘ખૂન???’ શીનાનો સવાલ અનુત્તર જ રહી ગયો; સામેથી ફોન કપાઇ ગયો હતો.
બીજા દિવસથી શીનાએ સુયશનાં વાણી-વર્તનનો ઝીણવટથી અભ્યાસ કરવો શરૂ કરી દીધો. શુભચિંતકની અડધી વાત તો સાચી લાગી રહી હતી. સુયશ એની વાગ્દતામાં ખાસ દિલચશ્પી લઇ રહ્યાં ન હતો. સગાઇ અને લગ્ન વચ્ચે સામાન્ય રીતે બે પાત્રો વચ્ચે જેવું વાતાવરણ જામેલું હોય છે એમાંનું કશું જ અહીં જોવા મળતું ન હતું. શીના સામેથી સુયશને ફોન કરે તો એકાદ-બે મિનિટ પૂરતી વાત થાય. પછી તરત સુયશ ફોન પૂરો કરી દે. એવું કહીને કે, ‘હું બિઝી છું.’
સોશિયલ મીડિયા પર પણ સુયશ તરફથી ક્યારેય ‘ગુડ મોર્નિગ કે ગુડ નાઇટ’ના મેસેજીસ ન આવે. ક્યારેય પ્રેમભરી વાતો ન થાય. બહાર ફરવા જવાનો કાર્યક્રમ ન ઘડાય. ફિલ્મની તો વાત જ ક્યાં રહી?
ક્યારેક શીનાનાં દિમાગમાં વિચાર ઝબકી જતો હતો, ‘પેલો શુભચિંતક સાચો તો નહીં હોય? મારે આવા લફરાબાઝ પુરુષની જોડે લગ્ન કરવા જોઇએ કે ના પાડી દેવી જોઇએ? પણ મારા પપ્પા માનશે ખરા? એમની સામાજિક પ્રતિષ્ઠાનું શું?’
પિતાની પ્રતિષ્ઠાનો વિચાર કરીને આ દેશમાં લાખો દીકરીઓ લગ્ન કરી લેતી હોય છે. શીનાએ પણ કરી લીધું. જોકે લગ્નના બે દિવસ પહેલાં પણ શુભચિંતકે એને ફોન કરીને ભારપૂર્વક ચેતવી દીધી હતી, ‘શીના, તું હાથે કરીને તારી જિંદગી જોખમમાં મૂકી રહી છે. મને આધારભૂત સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે લગ્ન પછી સુયશે તારી હત્યા કરવાની યોજના બનાવી લીધી છે. તમે હનિમૂન માટે જ્યાં પણ ગયાં હશો,
ત્યાંથી તારી લાશ જ પાછી આવશે. જો સમુદ્રકિનારે ગયાં હશો તો તું ‘આકસ્મિક’ રીતે દરિયામાં ડૂબી જઇશ. જો ફોરેસ્ટમાં ગયા હશો તો તું કોઇ જંગલી હિંસક પ્રાણીનો ‘શિકાર’ બની બેસીશ. જો તમે કોઇ હિલ સ્ટેશન પર ગયા હશો તો....’
‘અમે હિલસ્ટેશન પર જ જવાના છીએ...’
‘ત્યારે તો સુયશનું કામ સાવ આસાન બની જશે. પર્વતની ધાર, એક હળવો ધક્કો, હજારો ફીટ પરથી નીચે ખીણમાં પડવું, એક કારમી ચીસ, અકસ્માતનો દેખાવ, સુયશનું આક્રંદ અને બે મહિના પછી એનું નૈસર્ગી સાથેનું લગ્ન! ચાલ, હું હવે ફોન નહીં કરું. ગુડ બાય!’
અને શીના થથરી ગઇ હતી. બધું એ જ પ્રમાણે બનતું ગયું જેવું શુભચિંતકે ભાખ્યું હતું. રિસેપ્શનના ત્રીજા દિવસે સુયશ અને શીના ઉત્તર ભારતના એક દુર્ગમ હિલ સ્ટેશન પર હતાં. સાંજનો સમય હતો. સુયશે કહ્યું, ‘ચાલ, આપણે એક ઊંચા પહાડી પોઇન્ટ પર જઇએ ત્યાં મારે તારા અસંખ્ય પિક્સ લેવા છે.’ શીના ધ્રૂજી ગઇ, પણ ના ન પાડી શકી. એ શિખર ખરેખર ભયાવહ હતું. અને સાવ નિર્જન પણ. સૂરજ ધીમે ધીમે ક્ષિતિજ પર ડૂબી રહ્યો હતો. અંધારું નજીકમાં હતું.
અને શીના થથરી ગઇ હતી. બધું એ જ પ્રમાણે બનતું ગયું જેવું શુભચિંતકે ભાખ્યું હતું. રિસેપ્શનના ત્રીજા દિવસે સુયશ અને શીના ઉત્તર ભારતના એક દુર્ગમ હિલ સ્ટેશન પર હતાં. સાંજનો સમય હતો. સુયશે કહ્યું, ‘ચાલ, આપણે એક ઊંચા પહાડી પોઇન્ટ પર જઇએ ત્યાં મારે તારા અસંખ્ય પિક્સ લેવા છે.’ શીના ધ્રૂજી ગઇ, પણ ના ન પાડી શકી. એ શિખર ખરેખર ભયાવહ હતું. અને સાવ નિર્જન પણ. સૂરજ ધીમે ધીમે ક્ષિતિજ પર ડૂબી રહ્યો હતો. અંધારું નજીકમાં હતું.
પણ સુયશને પાછા ફરવાની જાણે કશી જ ઉતાવળ ન હતી. એ તો એના ઇમ્પોટેર્ડ હાઇટેક કેમેરાથી તસવીર ખેંચી રહ્યો હતો.
‘ડાર્લિંગ, તું છેક પર્વતની ધાર પાસે જઇને ઊભી રહે. મસ્ત ફોટોઝ આવશે.’ સુયશે કહ્યું. શીનાની કરોડરજ્જુમાંથી જાણે વીજળી પસાર થઇ ગઇ! ‘લાવ, હું તારો પોઝ બનાવી આપું.’ કહેતો સુયશ શીનાની દિશામાં આગળ વધ્યો. શીના ડરી ગઇ. એણે પાછળની દિશામાં જોયું ઊંડી ખીણ જોઇને એની આંખે અંધારાં આવી ગયાં. ત્યાં એનો પગ લપસ્યો. એ ખીણ તરફ ગબડવાની તૈયારીમાં જ હતી, ત્યાં એણે સુયશને પોતાની તરફ આવતો જોયો. શીનાની રાડ ફાટી ગઇ, ‘હે ભગવાન! મને પેલા શુભચિંતકે ચેતવી હતી.... પણ હું ન માની....’
સુયશ મોટી ફલાંગ મારીને ધસી આવ્યો. અડધી-પડધી હવામાં ઝૂકી ગયેલી શીનાનો હાથ પકડીને એણે ખેંચી લીધી. બંને જમીન પર ફસડાઇ પડ્યાં. નીચે સુયશ હતો, ઉપર શીના. અંધારું બંનેને ચાદરની જેમ ઢાંકી રહ્યું હતું. ગાઢ આલિંગનમાં પત્નીને જકડીને પતિ પૂછી રહ્યો હતો, ‘તું શું કહેતી હતી હમણાં? કોણે તને ચેતવી હતી? શું કહ્યું હતું?’
‘કંઇ નહીં. હતો કોઇ શુભચિંતક. એણે કહ્યું હતું કે તારો વર બહુ સારો માણસ છે. એ તને ખૂબ પ્રેમ કરશે.’
‘હું તો કરું છું અને કરતો જ રહીશ; પણ સ્વીટી! તું મને પ્રેમ કરે છે કે નહીં? બહુ એક્સપ્રેસિવ નથી એટલે કદાચ તને.....’
શીનાએ પતિના હોઠો પર આંગળી મૂકીને એને બોલતા અટકાવી દીધો. પછી એ ઝૂકી. પહાડ પર ચંદ્રમાનું તેજ પથરાવા માંડ્યું હતું. શીના પણ સુયેશના દેહ પર પથરાઇ રહી હતી.
No comments:
Post a Comment