Tuesday, September 5, 2017

તજુર્બા એક હી કાફી થા, બયાન કરને કે લિયે મૈંને દેખા હી નહીં ઈશ્ક દોબારા કરકે


નિશાંત વેડ્ઝ પરિપ્સા. ટૂંકું ને ટચ ઇન્વિટેશન કાર્ડ. લખાણ ટૂંકું પણ આમંત્રણમાં ઉમેરાયેલો પ્રેમાગ્રહ મોટો. જેટલાં સ્વજનો, મિત્રો, પરિચિતોને નિમંત્રણ મળ્યું, તે બધાં જ પધાર્યાં. 
વડીલોએ ગોઠવેલો સંબંધ હતો. નિશાંત યુવાન, સારું ભણેલો અને સારું કમાતો સુયોગ્ય મુરતિયો હતો. એનો દેખાવ હિંદી ફિલ્મનો હીરો જેવો ન હતો. એ હોશિયાર જરૂર હતો, પણ આજના કોલેજિયન યુવાનો જેવો સ્માર્ટ ન હતો. પચીસની ઉંમરે એ પાંત્રીસનો હોય તેવો ઠરેલ હતો.
સામે પક્ષે પરિપ્સા પણ એવી જ હતી. ગ્રેજ્યુએટ, સદ્્ગુણી, સુશીલ, શાંત, ઘરકામમાં પ્રવીણ અને પ્રેમાળ. પ્રથમ મુલાકાતમાં બંનેએ ખૂબ ઓછી વાતચીત કરી હતી, પણ જે કરી એ ખૂબ જરૂરી હતી. 
‘પરિપ્સા, હું એક સીધોસાદો, સંસ્કારી યુવાન છું. મારા પરિવારમાં મમ્મી-પપ્પા અને એક નાનો ભાઇ છે. મારી પ્રાથમિકતા કુટુંબની શાંતિ અને મમ્મી-પપ્પાનું સુખ છે. હું તને આસમાનના ચાંદ-સિતારા તોડી લાવવાનાં વચનો નથી આપતો, પણ એટલું કહું છું કે તને દુ:ખી નહીં થવા દઉં. જીવનભર તને અને માત્ર તને જ પ્રેમ કરતો રહીશ. સુખમાં કે દુ:ખમાં, ચડતીમાં કે પડતીમાં, તંદુરસ્તીમાં કે બીમારીમાં મારો સ્નેહ એકસરખો જ રહેશે. હું ક્યારેય તારું અપમાન નહીં કરું, તારા પિયર વિશે ઘસાતું બોલીને તને દુ:ખી નહીં કરું, ગાળો નહીં આપું, મારઝૂડ કરવાની તો વાત જ ઊભી નથી થતી. જો તને મારા જેવા સીધાસાદા પુરષ જોડે ઊબડ-ખાબડ વગરની જિંદગી માણવામાં રસ હોય તો હા કહેજે.’ 
પરિપ્સાએ પણ એવો જ સુંદર પ્રતિસાદ આપ્યો હતો, ‘મને પણ ફિલ્મી રોમાન્સમાં કોઇ રસ નથી; મારે તો માત્ર એક શાંત, સ્થિર જિંદગી જોઇએ છે. આપણે સાથે મળીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર આદર્શો પાર પાડતાં રહીએ એટલી જ મારી ઇચ્છા છે. આપણો સંબંધ સપ્તપદીથી સ્મશાન સુધી અને લગ્નની ચોરીથી લઇને ચિતા સુધી અતૂટપણે જળવાયેલો રહે એ જ મારી કામના.’ આટલો જ સંવાદ. વિચારોની આટલી જ આપ-લે. ન નિશાંતે પરિપ્સાને એવું પૂછ્યું કે, ‘તને ચાઇનીઝ ફૂડ ભાવે છે કે કોન્ટિનેટલ?’ કે ન પરિપ્સાએ નિશાંતને એવું પૂછ્યું, ‘તમને શાહરુખ ગમે કે સલમાન?’
બે નિષ્કપટ પાત્રો પાયાની સમજૂતી અને સ્નેહનો સથવારો લઇને દાંપત્યની પવિત્ર યાત્રા પર નીકળી પડ્યાં. 
બેન્ડવાજાના શોરબકોર વચ્ચે નિશાંતનો વરઘોડો પરિપ્સાના માંડવા પાસે જઇને થંભી ગયો. લગ્નનું મુહૂર્ત વીતી જતું હતું, પણ જાનૈયાઓ નાચવાના મૂડમાં હતા. બેન્ડવાળાઓ પણ ખીલ્યા હતા. હિંદી ફિલ્મોના પ્રખ્યાત પંજાબી પોપ ગીતો પર વરરાજા નિશાંતનો નાનો ભાઇ નિતાંત અને એના પંદરેક મિત્રો ભાંગડાની ધૂમ મચાવી રહ્યા હતા. 
ગોર મહારાજે અકળાઇને ફરિયાદ કરી, ‘આ જુવાનોને કોઇ સમજાવો કે હવે જાનને અંદર આવવા દે; લગ્નનું શુભ મુહર્ત વીતી જાય છે.’
કન્યાનાં માવતર બાપડાં શું બોલી શકે? રખેને વરપક્ષ નારાજ થઇ જાય તો? પણ કન્યાની નાની બહેન પ્રવીરા બટકબોલી હતી. એનાથી રહેવાયું નહીં. એ ભીડને ચીરીને જાનની મધ્યમાં પહોંચી ગઇ. કોઇનું નામ દીધા વગર એ બોલી ગઇ, ‘ચાલો, ચાલો, હવે મોડું થાય છે. અહીં વરરાજાને પરણાવવા માટે આવ્યા છો કે નાચવા માટે?’
વરરાજા તો હળવું હસીને ચૂપ થઇ ગયા, પણ નાનો ભાઇ નિતાંત સખણો ન રહ્યો. એણે રોકડું પરખાવ્યું, ‘નાચતાં આવડે છે એટલે નાચીએ છીએ; જેને સરખી રીતે ઊભાં રહેતાં ય ન આવડતું હોય એ.....’
‘તમારા કરતાં અમને વધારે સારું આવડે છે. આમ ખાલી બે હાથ હવામાં અધ્ધર કરી દેવાથી ભાંગડા નથી થઇ જતા! બેન્ડના સૂર-તાલ સાથે મોં-માથાનો યે મેળ જામતો નથી. એવું લાગે છે જાણે ભિખારીઓ ભીખ માંગવા માટે રસ્તા પર નીકળી પડ્યા હોય!’
‘એવું માનતા હો તો એવું! અમે ભિખારીઓ જ છીએ; ભીખમાં તમારી દીદીને માંગવા આવ્યા છીએ. બોલો, શું કરવું છે?’
નિતાંત અને પ્રવીરા વચ્ચે ચડભડ વધી જાત, પણ બે-ત્રણ વડીલોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો. જાન માંડવે પધારી. લગ્ન-વિધિનો શુભારંભ થયો. વિધિ દરમિયાન પણ નિતાંત અને પ્રવીરાની નોંક-ઝોંક ચાલતી જ રહી. 
પણ એમાં ઝઘડાના ઝનૂન કરતાં મીઠી છેડછાડની મસ્તી વધુ હતી. 
નિશાંત-પરિપ્સા પરણી રહ્યાં ત્યાં સુધીમાં નિતાંત-પ્રવીરા પણ પ્રેમમાં ગિરફતાર થઇ ગયાં. 
કન્યાવિદાય પછી પરિપ્સા પતિના ઘરે આવી. લગ્નના પ્રારંભિક દિવસો હરવા-ફરવામાં, બહાર ડિનર લેવામાં અને ફિલ્મો જોવામાં પસાર થવા લાગ્યા. ક્યારેક નિશાંતનો ભાઇ નિતાંત અને પરિપ્સાની બહેન પ્રવીરા પણ એમની સાથે જોડાતાં રહ્યાં. એક દિવસ બંને પ્રેમીજનોએ એલાન કરી દીધું, ‘વી આર ઇન લવ. વી વોન્ટ ટુ મેરી વિથ ઇચ અધર.’
બંને પક્ષો તરત જ સંમત થઇ ગયા. એક દીકરા અને એક દીકરીથી તો બંને પક્ષો સંબંધાયેલા હતા જ; અને પૂરેપૂરા સંતુષ્ટ હતા. નિશાંત અને પરિપ્સાનું દાંપત્ય-જીવન એવું સુંદર રીતે ચાલી રહ્યું હતું કે એ જ પરિવારોનાં બીજાં બે સંતાનો લગ્નગ્રંથિથી જોડાતાં હોય તો એની સામે કોઇને કશો જ વાંધો હોઇ શકે જ નહીં. એ તો સોનામાં સુગંધ ભળી કહેવાય. રાજા દશરથના ઘરમાં 
પણ ચાર બહેનો જ ચાર વહુઓ બનીને ક્યાં નહોતી આવી?!
નિતાંત-પ્રવીરા પણ ધામધૂમથી પરણી ગયાં. એમની વિચારધારા મોટા ભાઇ-ભાભી કરતાં અલગ હતી. હરવું-ફરવું, જિંદગીના તમામ ઉપભોગો માણવા, છુટ્ટા હાથે પૈસા ઉડાવવા, જે વસ્તુ ઘરમાં જરૂર કરતાં પણ વધારે સંખ્યા કે માત્રામાં હોય એની યે ખરીદી કરતાં જ રહેવું, આ એમના સ્વભાવમાં હતું. સૌથી મોટી સમસ્યા એ ઊભી થઇ કે નિતાંત અને પ્રવીરાના સ્વભાવમાં મનમેળ ન હતો. મોટાભાઇ અને મોટી બહેનનાં લગ્ન દરમિયાન ઊભી થયેલી નોંક-ઝોંક અને મીઠી છેડછાડમાંથી ઉત્પન્ન થયેલો પ્રેમ એ ખરેખર આત્મામાંથી જન્મેલો સ્નેહ ન હતો, પણ ફક્ત શારીરિક આકર્ષણ જ હતું. ધીમે ધીમે મતભેદો સપાટી પર આવવા લાગ્યા. 
‘તેં આજે ચા સારી નહોતી બનાવી.’
‘હું નોકરાણી નથી; ચા જાતે બનાવી લેવી.’
‘મારી સામે જીભ ચલાવે છે?’
‘ઇચ્છું તો હાથ-પગ પણ ચલાવી શકું છું.’
‘પત્ની થઇને પતિ પર હાથ ઉપાડવાની વાત કરે છે?’
‘એને વુમન એમ્પાવરમેન્ટ કહેવાય.’
‘ઘરમાંથી કાઢી મૂકીશ.’
‘ત્યાં સુધી હું રાહ જોઇને બેસી રહીશ?’
અહીં તો ઝઘડાની માત્ર ઝલક જ મૂકી છે. અને આવી અંતિમ હદની લડાઇ કંઇ પહેલી વારમાં ન આવી જાય. ધીમે ધીમે તણખામાંથી ભડકો અને પછી ભડકામાંથી અગનજ્વાળા રચાતી ગઇ. ભીનાં કાષ્ઠ જેમ આગ પકડતાં પહેલાં અંદર ને અંદર ધૂંધવાયાં કરે છે એમ બંને છ-આઠ મહિના ધૂંધવાતાં રહ્યાં. પછી શયનખંડનો ધૂંધવાટ દીવાનખંડ સુધી આવ્યો; અને ખૂબ ઝડપથી અદાલતના આંગણે જઇ પહોંચ્યો. જેટલી ઝડપથી નિતાંત અને પ્રવીરા પ્રેમમાં પડ્યાં હતાં એટલી જ ઝડપથી નફરતભર્યા છૂટાછેડામાં જઇ પહોંચ્યાં. 
નિતાંત અને પ્રવીરા તો છુટ્ટાં પડી ગયાં, પણ બંનેના પરિવારોમાં વેરઝેર થઇ ગયું. પ્રવીરાનાં મમ્મી-પપ્પા નિતાંતનો વાંક કાઢતાં હતાં, તો નિતાંતનાં માતા-પિતા વહુ વિશે ખરાબ વાતો ફેલાવતાં હતાં. વૈમનસ્ય એટલી હદ સુધી વિસ્તરી ગયું કે એક દિવસ પ્રવીરાના પપ્પાએ ફોન કરીને મોટી દીકરીને આદેશ આપી દીધો, ‘પરિપ્સા, તું તારી બેગ ભરીને પાછી આવી જા; આજે અને અત્યારે જ. જે ઘરમાંથી તારી નાની બહેને નીકળી જવું પડ્યું હોય અને જ્યાં તારાં મમ્મી-પપ્પા વિશે એલફેલ બોલાઇ રહ્યું હોય એ ઘરમાં તારે નથી રહેવાનું.’
નિતાંતનાં મમ્મી-પપ્પાએ પણ મોટા દીકરા પર દબાણ વધાર્યું, ‘નિશાંત, કાઢી મૂક તારી બાયડીને! આવા અસંસ્કારી ઘરની દીકરી આપણને નહીં ચાલે.’
એ રાત્રે બેડરૂમમાં બે જણાંની શિખર મંત્રણા યોજાણી. નિશાંતે પત્નીને પૂછ્યું, ‘તારો શો વિચાર છે?’
‘જે તમારો વિચાર હોય એ જ મારો વિચાર.’
‘મેં તો તને પહેલી વાર મળ્યાં ત્યારે જ કહી દીધું હતું....’
‘મેં પણ કીધું જ હતું ને! આપણે સંબંધ છેલ્લા શ્વાસ લગીનો છે અને રહેશે. તમારા ભાઇને અને મારી બહેનને ન ફાવ્યું કારણ કે એ બંને વચ્ચે મનભેદ હતો. આપણી વચ્ચે કોઇ જ મનભેદ નથી. આપણે શા માટે છૂટાં પડવું જોઇએ?’
નિશાંતે પોતાનાં મમ્મી-પપ્પાને સમજાવી લીધાં. મોટી વહુ ઘરમાં જ રહી. માત્ર રહી એટલું જ નહીં, પણ મોટી વહુ તરીકેની બધી જ જવાબદારીઓ બજાવતી રહી. પોતાની બહેનથી છુટ્ટા થયેલા દિયર માટે એણે જ બીજી સુંદર કન્યા શોધી કાઢી. રંગેચંગે લગ્ન કરાવ્યાં. દેરાણીને પ્રેમપૂવર્ક પોતાની પનાહમાં રાખી લીધી. પરિપ્સાને બે બાળકો થયાં; દેરાણીની ત્રણ સુવાવડો પણ એણે જ સાચવી લીધી. પાંચેય બાળકોને સમાન રીતે ઉછેર્યાં. દિયર-દેરાણીને હરવા-ફરવાનો શોખ હતો; પરિપ્સાએ એમને સંતાનોની ઝંઝટમાંથી મુક્ત કરી દીધાં. 
નિશાંત અને પરિપ્સાને પ્રેમ શું કહેવાય છે, એની ખબર ન હતી; રોમાન્સ માણતાં તો એ બંનેને આવડ્યો જ નહીં. હા એક વાત એમને આવડતી હતી; અગ્નિની સાક્ષીએ ફરેલા ફેરા, હાથમાં પકડેલો હાથ અને સપ્તપદીનાં સાત વચનો એટલે શું કહેવાય એનો સાચો જવાબ એ બંને જાણતાં હતાં. 
(સત્ય ઘટના. કથાબીજ : પરેશ પ્રજાપતિ)

No comments:

Post a Comment