બંદ પિંજરોં મેં પરિંદોં કો દેખા હૈ કભી ઐસે સિસકતે હૈ મોહબ્બત કે મુજરિમ અકસર
લગભગ 34 વર્ષ પહેલાંની ઘટના. 1983નું વર્ષ હતું. એટલા માટે યાદ રહી ગયું છે કે, આ ઘટના જ્યારે બની રહી હતી ત્યારે મારાથી નાના ભાઈ (કઝિને) આવીને સમાચાર આપ્યા હતા, ‘મોટાભાઈ, આજે તો કપિલ દેવે એકસો ને પંચોતેર ઝૂડી નાખ્યા. ઝિમ્બાબ્વેનાં છોતરાં.’ પણ જવા દો એ વાત. મારું મન એ દિવસે જરા મૂંઝવણમાં અટવાયેલું હતું. સાંજના સમયે એ ટાઉનની સૌથી સુંદર, પરણેલી યુવતીએ મારી ઓ.પી.ડી.માં આવીને વિનંતી કરતાં મને આવું કહ્યું હતું, ‘સર, હું પ્રેગ્નન્ટ છું. પાંચ મહિના પૂરા થઈ ગયા છે, પણ મારે આ બાળક જોઈતું નથી. મને એબોર્શન કરી આપો.’
હું ત્યારે સાવ યુવાન. તાજો ને એ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે જોડાયો હતો. હજી એ ચેરિટેબલ હોસ્પિટલના કાયદાઓથી પરિચિત થતો જતો હતો. એમાંનો એક કાયદો મને યાદ આવી ગયો. એ ટ્રસ્ટીમંડળના પ્રમુખ જૈન શ્રાવક હતા. જોબના પ્રથમ જ દિવસે એમણે મને હિંસક અવાજમાં અહિંસક ધમકી આપી હતી, ‘ડૉક્ટર, આપણી હોસ્પિટલમાં બધું કરવાનું, પણ એબોર્શન નહીં કરવાનું.’, ‘કેમ નહીં કરવાનું? એમ.ટી.પી. એક્ટ હેઠળ સરકારે ગર્ભપાતની છૂટ આપેલી છે.’,
‘સરકારે ભલે આપી હોય, પણ અમારાં શાસ્ત્રો એવી છૂટ નથી આપતાં અને સરકાર ચંચુપાત ન કરે એટલા માટે તો આપણે એની આર્થિક સહાયતા લેતા નથી. હોસ્પિટલનો બધો ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે.’ એ બુઝુર્ગ શ્રાવક ખરેખર ખૂબ ભલા માણસ હતા. અત્યારે જીવિત નથી. પરમાત્માએ એમને સ્વર્ગલોકમાં જ સ્થાન આપ્યું હશે એવી મને શ્રદ્ધા છે. એમની સૂચના મને યાદ હતી એટલે જ જ્યારે તન્વીએ મારી પાસે આવીને એબોર્શન કરી આપવાની વિનંતી કરી ત્યારે હું મૂંઝવણમાં મુકાઈ ગયો. હવે સરકારે તો જાહેર કરી દીધું હતું કે, ‘ગર્ભપાત કાયદેસર છે, સલામત છે અને ખાનગી છે’ એટલે મારે તન્વીને ના શી રીતે પાડવી?
તન્વી પાસે પણ બીજો કોઈ રસ્તો ન હતો, એ નાનકડા ટાઉનમાં મારાવાળી એક જ હોસ્પિટલ હતી જ્યાં ક્વોલિફાઇડ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર ઉપલબ્ધ હોય! જો હું કામ ન કરી આપું તો દર્દીએ કાં વડોદરા જવું પડે, કાં છેક અમદાવાદ સુધી લાંબા થવું પડે. મેં બહાનાં શોધવા માટે સવાલો પૂછવા માંડ્યા, ‘તારી આ કેટલામી પ્રેગ્નન્સી છે? આઈ મીન, આની પહેલાં તને કેટલાં જીવિત બાળકો છે?’ ‘એક પણ નહીં. ધિસ ઇઝ માય ફર્સ્ટ પ્રેગ્નન્સી, સર.’ હું તન્વીના જવાબથી ચોંકી ગયો. ચોંકવા માટેનાં મારી પાસે બે કારણો હતાં, એક તો આવા પછાત ગ્રામ્ય ટાઉનમાં શુદ્ધ ઉચ્ચારોવાળું અંગ્રેજી વાક્ય બોલી શકતી એ પહેલી સ્ત્રી મેં જોઈ હતી. બીજું કારણ એ કે કોઈ સ્ત્રી પોતાનું પ્રથમ જ સંતાન એના જન્મ પહેલાં પડાવી નાખવા તૈયાર થાય એ વાત મને અજુગતી લાગતી હતી.
તન્વીના કપાળમાં મોટો લાલ ચાંલ્લો, સેંથામાં સિંદૂરનો લિસોટો અને ગળામાં મંગળસૂત્ર જોઈ શકાતું હોવા છતાં મેં પ્રશ્ન કરી લીધો, ‘તારાં લગ્ન...?’
‘થઈ ગયાં છે. વૈષ્ણવોની હવેલીની સામે અનુપચંદ શેઠનું મકાન છેને! હું એ પરિવારની વહુ છું.’ તન્વીએ પરિચય આપ્યો. અનુપચંદ શેઠને એ ટાઉનમાં કોણ નહીં ઓળખતું હશે? હું તો નવોસવો જ હતો, ઊભી બજારમાંથી બે-એક વાર જ પસાર થયો હોઈશ, તો પણ મારી નજર ‘શેઠ અનુપચંદ વીરચંદ શાહ એન્ડ કંપનીના મોટા બોર્ડ પર પડી જ હતી. જથ્થાબંધ કાપડની મોટી દુકાન હતી. શેઠ અનુપચંદ ગાદી-તકિયાવાળી બેઠક પર બિરાજેલા કાયમ જોવા મળતા હતા.’
‘આટલા મોટા ખાનદાનની વહુને એવી તે શી મજબૂરી આવી પડી કે કૂખમાં પાંગરતા પ્રથમ ગર્ભને જ પડાવી નાખવો પડે?’ મેં માનવસહજ ઉત્સુકતાથી પૂછ્યું. ‘કારણ હું નહીં કહી શકું સર.’ તન્વીએ હોઠ સીવી લીધા, ‘મને એટલું કહો કે તમે ગર્ભપાત કરી આપશો કે નહીં?’
‘નહીં.’, ‘કારણ?’ ‘કારણો કેટલાં ગણાવું? પહેલું કારણ: પહેલી પ્રેગ્નન્સી ક્યારેય પડાવાય નહીં. જો છોકરી કુંવારી હોય તો અલગ વાત છે. બીજું કારણ: આ હોસ્પિટલમાં બધા ટ્રસ્ટીઓ જૈન શ્રાવકો છે. એમની મનાઈ છે. ત્રીજું કારણ: ગર્ભપાત માટે સરકારે નિર્ધારિત કરેલી સમયમર્યાદા તું પાર કરી ગઈ છે. વીસ સપ્તાહ પૂરાં થઈ ગયાં છે.’ તન્વી ઠરી ગઈ. એના ચંદ્રમા જેવા રૂપાળા ચહેરા પર શ્યામલ વાદળી છવાઈ ગઈ.
એ ઊભી થઈને ચાલી ગઈ, પણ જતાં જતાં કહેવાનું ન ચૂકી, ‘સર, તમને ખબર નથી કે તમે શું કરી રહ્યા છો! મારું એબોર્શન કરી આપવાની ના પાડીને તમે આવનારા બાળકની પૂરી જિંદગી ખરાબ કરી રહ્યા છો. મારે તો શું? હું તો...’
તન્વી તો આટલું કહીને ચાલી ગઈ, પણ મને વિચારમાં ડુબાવતી ગઈ. એનું વાક્ય ભેદી ભાસતું હતું. આવનારું બાળક દુ:ખી થવાનું હતું? શા માટે અને તન્વીને કોઈ ફરક પડવાનો ન હતો? મતલબ? મતલબ સમજવો જરૂરી હતો. હું ભલે ત્યારે લેખક બન્યો ન હતો, પણ તન્વીના એક અપૂર્ણ ભેદી વાક્યમાં મને વાર્તાની ગંધ આવવા લાગી હતી.
મેં ઓ.પી.ડી.ના દ્વારા પર ઊભેલાં આધેડ વયનાં આયાબહેનને પૂછ્યું, ‘માસી, આ હમણાં ગઈ એને તમે ઓળખો છો?’ શાંતામાસી એક-એક ઘરથી માહિતગાર હતાં. એમણે દબાયેલા અવાજમાં તન્વીની પૂરી જન્મકુંડળી મારી સામે ખોલી આપી, ‘આ તો તનુડી! પેલા નગરશેઠના દીકરાની ઘરવાળી! સારી બાઈ નથી, સાહેબ. વંઠેલી છે સાવ.’ ‘વંઠેલી એટલે? લફરાબાજ? બધાની સાથે?’
‘ના, હોં! લફરાબાજ ખરી, પણ બધાની હારે નહીં. લગન પહેલાં જ એક જુવાનની હારે એનું લફરું હતું. એના બાપે મારી-ઝૂડીને એને ઘરમાં ગોંધી રાખી. પછી અનુપ શેઠના દિનીયા હારે પૈણાવી દીધી, પણ હજુ એનું જૂનું લફરું ચાલુ જ છે. બે-ત્રણ વાર ગામની બહારના મા’દેવના મંદિર પાછળ મેં બંને જણાંને સટરપટર કરતાં જોયાં છે. આજે તમારી પાંહે શું કામ આવી’તી? કંઈ છે કે પછી...?’
મેં શાંતામાસીને થોડુંક કહ્યું, ઘણું બધું છુપાવ્યું, પણ હવે મને ઝાંખું-પાંખું અજવાળું દેખાવા માંડ્યું હતું. તન્વી નક્કી એના વરને છોડીને જૂના પ્રેમીની પાસે ભાગી જવા માગતી હતી, એમાં આ પ્રેગ્નન્સી બાધક બની રહી હતી. જો હું ગર્ભપાત કરી આપું તો બધું સરળ બની જતું હતું, પણ જો હું એબોર્શન ન કરી આપું તો એણે સુવાવડ થાય ત્યાં સુધી રાહ જોઈને અનુપચંદ શેઠના ઘરમાં જ રહી જવું પડે તેમ હતું.
તન્વીનું છેલ્લું વાક્ય જે એણે અધૂરું છોડ્યું હતું તે પણ હવે મારી સામે ઊઘડી રહ્યું હતું, ‘મારે તો શું? હું તો...’ એનો અર્થ એ જ કે બાળકને જન્મ આપ્યા પછી એને છોડીને તન્વી નાસી જવાની હતી,
એના પ્રેમીનું ઘર વસાવવા. સંતાનની જિંદગી ખરાબ થાય તો ભલે થતી!
એ ક્ષણે મને લાગ્યું કે મેં ખરેખર એક મોટું પાપ કરી નાખ્યું હતું. મારા હાથ નિયમથી બંધાયેલા હતા એટલે હું લાચાર હતો, પણ એક સાવ નિર્દોષ બાળકની નમાઈ જિંદગીને માટે હું જ જવાબદાર બની રહેવાનો હતો.
એ પછી પણ એકાદ વાર મારે મેઇન બજારમાંથી પસાર થવાનું બન્યું હતું. ગાદી પર અનુપચંદ શેઠ ગેરહાજર હતા. એમની જગ્યાએ કોઈ જુવાન બેઠો હતો. મારા ડ્રાઇવરે માહિતી આપી, ‘શેઠજી બીમાર છે. આ દિનેશ છે. એમનો દીકરો, પણ દેખાય છે નોકર જેવો? મારો બેટો બૈરી મસ્ત ઉપાડી લાવ્યો છે! કાગડો દહીંથરું...’
હું ડઘાઈ ગયો. ખરેખર દિનેશ હતો આ? તન્વી જેવી ખૂબસૂરત સ્ત્રીનો પતિ સાવ આવો? ત્યારે બાપડી સ્ત્રી પણ બીજું શું કરે? (આ એ સમયના મારા વિચારો હતા. આજે હું અલગ વિચાર ધરાવું છું. લગ્ન માટે સ્ત્રીના સંસ્કારો અને પુરુષની આવક ઉપરાંત ચારિત્ર્ય જોવું જોઈએ. માત્ર બાહ્ય દેખાવને મહત્ત્વ આપવું ન જોઈએ. આ દેશમાં લાખો અનુપમ સૌંદર્યવતી સ્ત્રીઓ સાધારણ દેખાવના પતિદેવોની સાથે સરળતાથી સંસાર નિભાવતી રહે છે, તો શું આ બધી સ્ત્રીઓ બીજા કોઈની જોડે નાસી જાય?)
પણ તન્વી નાસી ગઈ. મારા જ હાથે એની ડિલિવરી થઈ. નોર્મલ રીતે થઈ. સવા ત્રણ કિ.ગ્રા. વજનના દીકરાને જન્મ આપીને સવા મહિના પછી તન્વી પતિનું ઘર છોડી ગઈ. ધાવણા દીકરાને રડતો મૂકીને, ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ એ ગીત કદાચ તન્વી જેવી જનેતાઓ માટે નહીં બન્યું હોય. દિનેશે બીજાં લગ્ન ન કર્યાં. પાઉડરના દૂધ પર દીકરો જીવી ગયો. અનુપચંદ બીમાર હતા, આ આઘાત જીરવી ન શક્યા.
મરી ગયા. દિનેશ દુકાન અને દીકરો બંને સંભાળતો રહ્યો.હું તો બે-અઢી વર્ષ પછી અમદાવાદ આવી ગયો. મારી અલગ દુનિયામાં વ્યસ્ત બની ગયો. ક્યારેક તન્વીની ઘટના યાદ આવી જતી તો જૂના ઘાવ પરનું ભીંગડું ઊભરી આવતું કે મેં પાપ કરી નાખ્યું. મારે તન્વીને ગર્ભપાત કરી આપવા જેવો હતો. તાજેતરમાં એક યુગલ સારવાર માટે આવ્યું. એમણે સરનામું લખાવ્યું એ સાંભળીને મારા કાન ચમક્યા, ‘તમે ત્યાંથી આવો છો? ત્યાં તો મેં 1982થી ’84 સુધી...! અચ્છા, તમે ત્યાંના અનુપચંદ શેઠનું નામ તો સાંભળ્યું જ હશે.’
અને આખો ઇતિહાસ ઊઘડી ગયો. એ યુગલે જે માહિતી આપી તે આ હતી, ‘તન્વી એના પ્રેમીની સાથે ખૂબ દુ:ખી થઈ ગઈ. પેલો શરાબી રોજ એને ઢીબી નાખતો હતો. આ બાજુ તન્વીનો દીકરો સરસ રીતે ઊછરી રહ્યો હતો. છ ફીટ લાંબો, મજબૂત બાંધાનો એ જુવાન હવે દાદાની ગાદી પર બેસતો થઈ ગયો છે. છ એક મહિના પહેલાં જ તન્વી વિધવા થઈ ગઈ. સાવ ભૂખે મરતી હાલતમાં એ જૂના ઘરે પાછી આવી. દિનેશે તો લાકડીથી મારવા લીધી, પણ એના દીકરાએ પિતાને મનાવી-સમજાવીને પોતાની જનેતાને ઘરમાં લીધી. જો દીકરો ન હોત તો ભગવાન જાણે તન્વીનું શું થયું હોત?’
એ સાંભળીને મારા દિલ પરનો પહાડ જેવડો બોજ પળવારમાં દૂર થઈ ગયો. વાહ રે ઈશ્વર! તે દિવસે જો મેં તન્વીનો ગર્ભ પાડી આપ્યો હોત તો આજે? સાચ્ચે જ તે દિવસે મારાથી પુણ્યનું કામ થઈ ગયું હતું. જેને વર્ષો સુધી હું પાપકર્મ સમજીને અફસોસ કરતો રહ્યો. આ જગતમાં જે કંઈ ઘટના બને છે તે દરેકની પાછળ ઈશ્વરનો કોઈ સંકેત અવશ્ય રહેલો જ હોય છે.
No comments:
Post a Comment