Tuesday, September 5, 2017

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે


આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે
દર્દીઓ ડોક્ટરની પાસે જાય ત્યારે પોતાની ફરિયાદો રજૂ કરતા હોય છે, લાખ રૂપિયાનો સવાલ એ છે કે ડોક્ટરને પોતાને કોઈ ફરિયાદ કરવી હોય તો તે ક્યાં જાય? શારીરિક તકલીફ હોય તો એ પોતે જ હલ કરી શકે. ડોક્ટર મિત્રોની મદદ પણ લઈ શકે છે, પરંતુ પોરબંદરના સૌથી વયસ્ક પ્રેક્ટિસિંગ ફિઝિશિયન ડો. સુરેશ ગાંધી જીવનનાં પાછલાં વર્ષોમાં થોડીક ગંભીર શિકાયતો સાથે આવ્યા છે. એમની સુપ્રીમ કોર્ટ કોઈ દુન્યવી અદાલત નથી. એમને સાંભળી શકે અથવા ન્યાય તોળી શકે એવો કોઈ કાળા માથાનો માનવી જજ તરીકે નથી.

આથી જ ડો. સુરેશભાઈ પોતાની ફરિયાદ લઈને ઈશ્વરની અદાલતમાં ઉપસ્થિત થયા છે. ડો. સુરેશભાઈ ગાંધી દાયકાઓ પૂર્વે ડોક્ટર બન્યા હતા. આજથી 50-55 વર્ષો પહેલાં એમ.બી.બી.એસ. બનવું એ કોઈ નાનીસૂની વાત ન હતી. એ જમાનામાં બાપના પૈસા પર સવાર થઈને મેડિકલ કોલેજ સુધી પહોંચી શકાતું ન હતું. પંદર વોટના બલ્બના પીળા પ્રકાશમાં આંખો લાલ થઈ જાય ત્યાં સુધીના ઉજાગરાઓ કરવા પડતા હતા, મેરિટમાં આગળના ક્રમાંક પર સ્થાન મેળવવું પડતું હતું અને માતા-પિતાનાં સપનાંઓ પૂરાં કરવા માટે અનેક પ્રકારના અભાવો વચ્ચે રાત-દિવસ મહેનત કરવી પડતી હતી.
એ જમાનામાં ન તો પ્રશ્નપત્રો ફૂટતાં હતાં, ન પરીક્ષકો ફૂટતા હતા, તૂટતા હતા માત્ર વિદ્યાર્થીઓ.

એવા સમયમાં ડો. સુરેશ ગાંધી એમ.બી.બી.એસ. પણ થયા અને એમ.ડી. (ફિઝિશિયન) પણ બન્યા.
ડો. ગાંધી સાહેબે યુવાનીમાં પોરબંદરમાં પ્રેક્ટિસ શરૂ કરી. સુંદર વ્યક્તિત્વ, સ્નેહાળ સ્વભાવ, મૃદુભાષિતા, નિદાન કરવાની કુશળતા અને હાથમાં જશુભાઈની રેખા (જશરેખા!) આ બધાને કારણે અસંખ્ય દર્દીઓને એમણે સારવાર આપીને સાજા કર્યા. નવી જિંદગી બક્ષી. તો પછી જીવનની સમી સાંજે એમને વસવસો કઈ વાતનો છે?!
તા. 6-2-2017ના મારા પરના પત્રમાં ડો. ગાંધી સાહેબ શરૂઆત જ આ વસવસાથી કરે છે, ‘ઈશ્વરકૃપાથી કેટલાય દર્દીઓને સાજા કર્યા, પણ ઘરના કેસમાં સફળ ન થયો.’

ઘરનો કેસ? એટલે કોણ? ઘરનો કેસ એટલે એમનાં ધર્મપત્ની. લગભગ અડધી સદીની જીવનયાત્રાની સહપ્રવાસી. નામ મધુબહેન. યુવાનીમાં જેમની સાથે અગ્નિની સાક્ષીએ જિંદગી જીવવાનું પ્રણ લીધું હતું. કંઈકેટલાંયે સપનાંઓ સેવ્યાં હતાં. આખી જિંદગી સુંદર રીતે વિતાવીને પછી નિવૃત્તિમાં પત્નીની સાથે નિરાંતનો સમય ગુજારવાનો હતો, એ પત્ની..! એ પત્ની સાથે ઈશ્વરે શું કર્યું? એક ક્વોલિફાઇડ ફિઝિશિયન પતિ ભાંગી પડે એવી આફતનો વરસાદ સમયાંતરે વરસતો જ રહ્યો.

‘અમારા દાંપત્યજીવનનાં પાંત્રીસમાં વર્ષે મારી પત્નીને સ્વરપેટીનું કેન્સર થયું. શેક તથા રેડિયેશનથી મટી ગયું. બે વર્ષ પછી પાછો અવાજ ઘોઘરો થવા લાગ્યો.’
ડો. ગાંધીસાહેબ લખે છે. એક વાર કેન્સરના જડબામાંથી સહીસલામત બહાર આવી ગયા પછી એ જ અવયવની એવી જ ફરિયાદ ફરીથી ઊભી થાય ત્યારે પરિવારની માનસિક હાલત કેવી થઈ જાય?
ડો. ગાંધીસાહેબ તરત જ પત્નીને લઈને ઈ.એન.ટી. સર્જનની પાસે દોડી ગયા. કાન, નાક, ગળાના નિષ્ણાત ડોક્ટરે તપાસીને એમનો ભય દૂર કરી આપ્યો, ‘સર, ચિંતા કરવાની જરૂર નથી. સ્વરપેટી પર સાદો મસો જ છે. હું દૂર કરી આપું છું.’

ખરેખર મસો દૂર થઈ ગયા પછી મધુબહેન સાજાં થઈ ગયાં. એમનો અવાજ પહેલાંના જેવો જ બની ગયો. દુ:ખનાં વાદળો હટી ગયાં. સુખે વરાપ કાઢી. ( આ ‘વરાપ’ શબ્દપ્રયોગ સમજવા માટે તમારે સૌરાષ્ટ્રમાં જન્મવું ફરજિયાત છે.)
ડો. ગાંધીસાહેબ અને મધુબહેનને બે સંતાનો થયાં. એક દીકરો, એક દીકરી. બીમારીમાંથી બેઠાં થયેલાં આ દંપતીએ હવે પૂરું ધ્યાન સંતાનોના ઉછેર પાછળ પરોવી દીધું. સાથે દર વેકેશનમાં દેશ-વિદેશના પ્રવાસે જવાનું પણ શરૂ કરી દીધું.

‘અમે ઘણા દેશ-પરદેશની ટૂર્સ કરી. દર દિવાળીએ અમારું આખું ગાંધીકુટુંબ ભેગું થતું. એમાં બધા મળીને અમે પચીસ સભ્યો છીએ. એ બધા દિવાળીના તહેવાર નિમિતે અચૂક ભેગા થતા અને મજા માણતા હતા. આવું ઓગણપચાસ વર્ષ સુધી ચાલ્યું. દીકરા અને દીકરીનાં લગ્ન થયાં. બંનેનાં ઘરે સંતાનો થયાં. હવે અમે પણ આર્થિક રીતે સારા એવા સધ્ધર થતાં જતાં હતાં. લાગતું હતું કે ઉત્તરાવસ્થામાં ભેગા બેસીને આનંદ કરવાનો સમય હાથવેંતમાં છે. ત્યાં જ એક દિવસ અચાનક પત્રમાં આવું લખતી વખતે ફરી એક વાર ડો. ગાંધીસાહેબની આંગળી ધ્રૂજી ઊઠે છે.

કોઈ પણ પતિ-પત્નીનું અંતિમ સપનું શું હોય? સંતાનો પરણીને ‘સેટલ’ થઈ જાય, પોતાની તમામ સાંસારિક જવાબદારીઓ સમાપ્ત થઈ જાય, એ પછી બાકી બચેલી જિંદગી એકબીજાની સાથે બેસીને, એકમેકની હૂંફમાં વિતાવી દેવી. સવારે સહેજ મોડા ઊઠવું સાથે બેસીને ચા પીવી, મન ફાવે ત્યારે સ્નાન કરવા જવું, એક કલાક અખબાર વાંચવા પાછળ ખર્ચી નાખવો, રસોઈ બનીને તૈયાર થાય એટલી વાર ક્લિનિકમાં જઈને માત્ર ગણતરીના જ દર્દીઓ જોઈ આવવા, સાથે ભોજન કરવું, નમતી બપોર, ઢળતી સાંજ અને ઊંઘનું ઘારણ લઈને વહેલી પડતી રાત, દાંપત્યજીવનની સાચી મજા પાછલાં વર્ષોમાં જ રહેલી છે.

ઠરી ગયા કામણના દીવા, નવા નૂરનો નાતો.... એવું
સ્વ. વેણીભાઈએ એમને એમ તો નહીં જ લખ્યું હોયને?
બસ, ડો. ગાંધીસાહેબ આવા નવા નૂરનો નાતો માણવાની સરહદ સુધી આવી પહોંચ્યા હતા ત્યારે અચાનક મધુબહેનનાં ડાબા અંગમાં પક્ષાઘાતનો હુમલો થયો. તરત જ એમને હોસ્પિટલભેગાં કરવામાં આવ્યાં.
મગજના નિષ્ણાત ડોક્ટરોએ હાઇ-ફાઇ ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા પછી નિદાન જાહેર કર્યું, ‘મગજની જમણી બાજુએ મોટા પ્રમાણમાં લોહી જમા થયેલું છે જે મગજના એ ભાગના કોષો પર દબાણ ઉત્પન્ન કરે છે.

આના કારણે શ્વાસની તકલીફ થઈ રહી છે અને ડાબું અંગ ખોટું પડી ગયું છે.’
મધુબહેનનું બોલવાનું પણ બંધ થઈ ગયું હતું. એમણે ભાન ગુમાવી દીધું હતું. શ્વાસ લેવા માટે નાકમાં નળી, પ્રવાહી ગ્લુકોઝ આપવા માટે નસમાં નળી, પેશાબ કરાવવા માટે યુરિનરી કેથેટર, હાલત સાવ પરોપજીવી બની ગઈ હતી.

તાત્કાલિક એમને રાજકોટની એક જાણીતી કોર્પોરેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં. વહેલી સવાર સુધીમાં ત્યાંના ન્યુરોસર્જને ઓપરેશન કરવાનો નિર્ણય લઈ લીધો. મગજ પરનું દબાણ ઘટાડવું અત્યંત જરૂરી હતું. એના માટે ખોપરીમાં કાણું પાડીને અંદરની બાજુએ જમા થયેલું લોહી બહાર કાઢવું પડે તેમ હતું. સવારે ચાર વાગ્યે ક્રેનિયોટામી નામથી ઓળખાતું ઓપરેશન કરવામાં આવ્યું. દર્દીની હાલત હજીયે ગંભીર હતી. પૂરા સાત દિવસ સુધી મધુબહેનને ક્રિટિકલ કેર યુનિટમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યાં.

ડો. ગાંધીસાહેબ સ્વયં ડોક્ટર હોવા છતાં પત્નીની આવી હાલત જોઈ શકતા ન હતા. શરીરનાં તમામ છિદ્રોમાં નળીઓ દાખલ કરી હોવા છતાં જો કંઈ બાકી રહી જતું હતું તો મધુબહેનની શ્વાસનળીમાં કાણું પાડવામાં આવ્યું. હવે એમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યાં. પત્રમાં એ ક્ષણોને યાદ કરીને ડો. ગાંધી લખે છે, ‘શ્વાસની તકલીફ તો હતી જ હવે બ્લડપ્રેશર વધવા માંડ્યું. બસો વીસના આંકડાને આંબી ગયું. ફરીથી કેટ સ્કેનિંગ કરવામાં આવ્યું. એમાં ફરી પાછું બ્રેઇનમાં હેમરેજ થયું હોવાનું જાણવા મળ્યું. ન્યુરોફિઝિશિયન અને ન્યુરોસર્જન વિચારમાં પડ્યા. બંનેએ સારવારમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો, પણ હવે ફેફસાંમાં ઇન્ફેક્શન લાગ્યું.

ચહેરામાં તથા હાથમાં ધ્રુજારી થવા માંડી. લોહીમાં સોડિયમ-પોટેશિયમની વધઘટ થવા લાગી. અમારું આખું કુટુંબ ચિંતામાં ડૂબી ગયું. હવે શું થશે એ માત્ર ઈશ્વરના હાથમાં જ હતું.’
ઈશ્વરે સારો નિર્ણય લીધો. ચાર દિવસ પછી વેન્ટિલેટર પરથી મધુબહેનને હટાવી લેવામાં આવ્યાં. ઓક્સિજનની નળી પણ દૂર કરવામાં આવી. હવે મધુબહેન જાતે શ્વાસ લઈ શકતાં હતાં. આઠમા દિવસે એમને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યાં. પંદર દિવસ પછી બાળકની પેઠે કાલું-કાલું બોલવાનું શરૂ થયું. રાજકોટથી પોરબંદરની હોસ્પિટલમાં અને પછી ઘરે લઈ જવામાં આવ્યાં. ફિઝિયોથેરપી અને એક્યુપ્રેશર ચાલુ થયું. ધીમે ધીમે આપમેળે જમવા લાગ્યાં. બે વર્ષમાં બીજું બધું નોર્મલ થઈ ગયું, સિવાય ડાબા અંગની અચેતન અવસ્થા.

ડો. ગાંધીસાહેબનો જીવનક્રમ આખેઆખો બદલાઈ ગયો. પત્નીને વ્હીલચેરમાં બેસાડીને બહાર લઈ જવાથી માંડીને રાેજ સવારે ઈશ્વરની પૂજા, પ્રાર્થના કરવી, નવથી દસ સુધી વરંડામાં બેસીને સમાચાર સંભળાવવા, નાસ્તો કર્યા પછી દાંત સાફ કરી આપવાના, નખ કાપવાના, વચ્ચે બે કલાક ક્લિનિકમાં જઈ આવવાનું, બપોરે સાથે ભોજન કરવાનું, સાંજે પાછું વરંડામાં બેસવાનું અને સાડા સાત વાગ્યે પત્નીને પથારીમાં પોઢાડીને પાછું દવાખાને જઈ આવવાનું. જે સપનું સુખનું જોયું હતું એ હવે સેવા-ચાકરી અને સંઘર્ષનું બની ગયું.

મધુબહેનની ચાકરી માટે કંઈકેટલાયે પગારદાર નોકરો, ચાકરો, સ્ટાફના સભ્યો વગેરેએ યોગદાન આપ્યું હશે. આમ કરતાં કરતાં મધુબહેનની સિત્તેરમી વર્ષગાંઠ આવી પહોંચી. આ દરમ્યાન ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કિડનીની તકલીફો તો થયા જ કરતી હતી. મધુબહેને ઇચ્છા વ્યક્ત કરી, ‘જિંદગીનો ભરોસો નથી. મારે સિત્તેરમી વર્ષગાંઠ અનોખી રીતે ઊજવવી છે. માત્ર એ માણસોને પાર્ટી આપવી છે, જેમણે મારી સેવા-શુશ્રૂષા કરી છે.’

પતિ કામે ચડી ગયા. છેલ્લાં વીસ-પચીસ વર્ષ દરમ્યાન જેટલા માણસો ખપમાં આવ્યા હતા એ બધાનાં નામ, સરનામાં, ટેલિફોન નંબર્સ શોધી કાઢ્યાં. કોઈ ગુજરાતમાં તો કોઈ અન્ય રાજ્યોમાં જઈ વસ્યા હતા. બધાંને ઇન્વાઇટ કર્યા. અઠ્યાવીસમી જાન્યુઆરીએ બધાને પોરબંદર આમંત્રિત કર્યા. ફાઇવસ્ટાર હોટલમાં પાર્ટી ગોઠવી. કેક કાપી. ભોજન કર્યું. દરેકનો વ્યક્તિગત નામ સાથે આભાર માન્યો. મેમેન્ટો અર્પણ કર્યાં. બપોર પછી વૃદ્ધાશ્રમ, ગુરુકુળ, પ્રાગજીબાપા આશ્રમ, રસિકબાપા રોટલા વાળાની બાલશાખા, તિરુપતિ સેવામંડળ, હોસ્પિટલ, દાનાપવન જેવી તમામ સંસ્થાઓમાં બપોરનું ભોજન જમાડવાનું આયોજન કર્યું.

રાત્રે સંતોષના ઓડકાર સાથે સહુ પથારીભેગા થયા. ડો. ગાંધીસાહેબને લાગ્યું કે હવે જિંદગી સુખમાં વિતાવવાના દિવસો આવ્યા છે. એ રાત્રે બે વાગ્યે જ મધુબહેનને શ્વાસ ચડ્યો. એમ્બ્યુલન્સ બોલાવી, પણ એ પહેલાં ઈશ્વરે દોરી ખેંચી લીધી. ડો. ગાંધીસાહેબ ઈશ્વરની અદાલતમાં ફરિયાદ લઈને ઊભા છે, ‘હે પરમાત્મા, મારા જીવનમાં તેં આટલો બધો સંઘર્ષ શા માટે મોકલી આપ્યો?’
(શીર્ષક પંક્તિ: શૂન્ય પાલનપુરી )

No comments:

Post a Comment