વક્ત બહા કર લે જાતા હૈ નામો-નિશાન મગર
કોઈ હમ મેં રહ જાતા હ ઔર કિસી મેં હમ...
કોઈ હમ મેં રહ જાતા હ ઔર કિસી મેં હમ...
જાણે કાનૂની વયમર્યાદા પૂરી થવાની રાહ જોઇને જ બેઠો હોય તેમ બરાબર એકવીસમી વર્ષગાંઠની ઉજવણી વખતે જ તેજેન્દ્રે ભરી મહેફિલમાં જાહેર કરી દીધું, ‘મોમ! ડેડ! ઓલ માય કઝિન્સ એન્ડ ફ્રેન્ડ્ઝ! લેટ મી એનાઉસ... આઇ એમ ઇન લવ!!!’
તેજેન્દ્રના પપ્પા ધર્મેશભાઇએ એકના એક દીકરાની વર્ષગાંઠ ઊજવવા માટે ખાસ પોતાના ફાર્મ હાઉસમાં નજીકના મિત્રો અને સ્વજનો માટે ડિનર પાર્ટીનુ આયોજન કર્યું હતું. ડી.જે.નો શોર હજુ હમણાં જ શાંત પડ્યો હતો. મહેમાનો ભોજનના કાઉન્ટર તરફ જવાની તૈયારીમાં જ હતા. ત્યાં બર્થ ડે બોયની આ અણધારી જાહેરાતે મહેફિલમાં ઉતેજના પ્રસરાવી દીધી.
સૌથી પહેલી અને વહેલી પ્રતિક્રિયા મિત્રો તરફથી આવી, ‘વી નો ઇટ! અમને તો બે મહિનાથી આ વાતની ખબર છે.’
તરત જ કઝિન બહેનો ચિલ્લાઇ ઊઠી, ‘તેજુ! આવું ન ચાલે. અમને અત્યાર સુધી કેમ કંઇ કહ્યું નહીં? જા, અમે તારી સાથે હવે નહીં બોલીએ.’
કઝિન ભાઇઓએ રીતસર તેજેન્દ્રને ઢીબી જ નાંખ્યો, ‘બદમાશ! અમારી સાથે ચાલાકી? હવે જોઇએ છીએ કે તું એની સાથે લગ્ન કેવી રીતે કરે છે! અમારામાંથી કોઇ આવશે ત્યારે ને!’
તેજેન્દ્રની મમ્મી તો દીકરાનું પરાક્રમ સાંભળીને ચિંતામાં પડી ગઇ. કપાળમાં ત્રણ ત્રણ આડી રેખાઓ જેવી કરચલીઓ સાથે એ તેજેન્દ્રના કાનમાં પૂછી રહી, ‘કોણ છે એ છોકરી? ક્યાંની છે? દેખાવમાં રૂપાળી છે? ન્યાત કઇ છે? તું એને ક્યાં મળ્યો? એનાં મમ્મી-પપ્પા? તારે અમને વાત તો કરવી હતી! સીધું અહીં..... આ રીતે... જાહેરમાં...???’
જો સવાસો માણસોની મહેફિલમાં કોઇ એક માણસ શાંત, પ્રસન્નચિત અને આશ્વસ્ત રહી શક્યા હોય તો તે હતા ધર્મેશભાઇ. તેજેન્દ્રના પપ્પા.
એમણે તો માઇક પર જ પોતાનો પ્રતિભાવ આપી દીધો, ‘થ્રી ચીયર્સ ફોર માય સન! હિપ હિપ....’ અને ‘હુર્રરે....’ના નાદથી ફાર્મહાઉસનું એકાંત ગાજી ઊઠ્યું.
પછી ધર્મેશભાઇએ ગર્વપૂર્વક જાહેર કર્યું, ‘મને તો પહેલેથી જ ખબર હતી કે તેજુ પ્રેમમાં પડવાનો જ છે. આખરે એની રગોમાં ખૂન કોનું દોડે છે? મારું! એના દાદાજીએ પણ પ્રેમલગ્ન કર્યાં હતાં. એના બાપે એટલે કે મેં પણ એની મમ્મી સાથે લવમેરેજ કર્યાં હતાં.
હવે મારો દીકરો કંઇ અમે બતાવેલી છોકરી સાથે થોડો પરણી જવાનો હતો?! શાબાશ, દીકરા, શાબાશ! તેં તો આપણા કુળની પરંપરા જાળવી રાખી! હવે એટલું કહી દે કે કન્યા દેખાવમાં કેવી છે?’
તેજેન્દ્ર સહેજ અમથો શરમાયો. પછી બોલી ગયો, ‘શી ઇઝ વેરી બ્યુટિફુલ, ડેડી! મારી મમ્મી કરતાં યે વધારે સુંદર.’
‘ગધેડા! તારી માને જુવાનીમાં તેં ક્યાં જોઇ હતી? તારી આ પરી ભલેને મિસ યુનિવર્સ હોય, પણ તો યે એ તારી મમ્મીની તોલે તો નહીં જ આવે. અને તારી દાદી તો વળી તારી મા કરતાંયે વધુ બ્યુટિફુલ હતી!’
બાપ-દીકરાની આ ચડસા-ચડસી સાંભળીને મહેફિલમાં ફરીથી ચિચિયારીઓ ઊઠી. વાતાવરણ રંગીન બની ગયું. રાત સંગીન બની ગઇ. પછી ભોજનના કાઉન્ટર્સ ખૂલી ગયાં. મોડી રાતે ડિનર કરીને સહુ વિખેરાયાં.
રાત્રે દોઢ વાગ્યે બંગલે પાછા ફરીને બેડરૂમમાં જતા પહેલાં ધર્મેશભાઇએ દીકરાને મુદ્દાનો સવાલ પૂછી લીધો, ‘તારી એ રૂપાળીનો ફોટો-બોટો છે કે નહીં તારી પાસે? હોય તો બતાવ મને. એટલે ખબર પડે કે સાસુ ચડે કે વહુ?’
તેજેન્દ્રે તરત જ મોબાઇલ ફોન હાથમાં લીધો. થોડીક રમત કરી. ત્યાં તો પ્રેમિકાના પચાસ પિક્સ ઊઘડી ગયા. એમાંથી જે સૌથી સારો ફોટો હતો એ એન્લાર્જ કરીને સ્ક્રીન પપ્પાની સામે ધરી દીધો.
ધર્મેશભાઇ પહેલી નજરમાં જ ફોટો જોઇને ખુશ થઇ ગયા. તેજેન્દ્રની મમ્મી માધુરી પણ પતિની બાજુમાં ઊભી રહીને ભાવિ વહુનો ચહેરો જોવા લાગી.
‘વાહ! બ્યુટિફુલ!’ ધર્મેશભાઇના મુખમાંથી પ્રશંસાના ઉદ્્ગારો નીકળી ગયા, ‘આઇ મસ્ટ કન્ફેસ, માય સન! આ તારાવાળી છોકરી મારાવાળી કરતાં વધારે દેખાવડી લાગે છે. અલબત, અત્યારે આ ઉંમરે. જો માધુરીને ભગવાન પાછી વીસ વર્ષની કરી મૂકે તો એ કહેવું મુશ્કેલ થઇ પડે કે બેમાંથી કોણ....? જસ્ટ એ મિનિટ! તેજેન્દ્ર...’
અચાનક ધર્મેશભાઇ બોલતા અટકી ગયા. ધારી ધારીને મોબાઇલના સ્ક્રીન પર દેખાતા રૂપાળા ચહેરાને બારીકીથી જોવા લાગ્યા.
‘તેજુ! તું આ ફોટો જરા ઝૂમ કરી આપીશ?’ એમણે દીકરાને કહ્યું. તેજેન્દ્રે કરી આપ્યો.
ધર્મેશભાઇ બબડી ઊઠ્યા, ‘આ છોકરીને મેં ક્યાંક જોયેલી છે એવું કેમ લાગે છે? ક્યાંક મળ્યાં હોઇશું કે પછી......?’
ધર્મેશભાઇ હજુ એમની ગૂંચવણમાંથી બહાર આવે તે પહેલાં જ માધુરીબહેન પણ એવું જ બોલી ઊઠ્યા, ‘મને પણ આ ચહેરો ક્યાંક જોયો હોય તેવો લાગે છે. મને લાગે છે કે ક્યારેક કોઇક પ્રસંગમાં ભટકાઇ ગઇ હશે.
તેજુ, બેટા! એ આપણી ન્યાતની જ છે?’
‘હા, મમ્મી. પણ તારી ધારણા ખોટી છે. એના પપ્પા કોલકતામાં રહે છે. વર્ષોથી ત્યાં જ સેટલ થયેલા છે. વર્ષમાં એ લોકો જવલ્લે જ એકાદ વાર ગુજરાત તરફ આવતા હશે. માટે તેં એને ક્યાંક જોઇ હોય એવી શક્યતા નહીંવત્ છે.’
માધુરીબહેને તરત જ મન મનાવી લીધું, ‘કંઇ વાંધો નહીં. તારાં લગ્ન પછી આખી જિંદગી એને જોવાની જ છે ને? પણ દીકરા, તેં એનું નામ તો કહ્યું જ નહીં.’
‘તાન્યા.’
‘તાન્યા?!? આવું કેવું નામ? આ તો રશિયન નામ હોય એવું લાગે છે.’
‘રશિયન નામ જ છે, મમ્મી. તાન્યાના દાદા તાન્યાની દાદીને લઇને રશિયા ફરવા ગયા હતા. ત્યાં એમને આ નામ ગમી ગયું હશે. મરતી વખતે વિલમાં સંપત્તિનો વહીવટ કરવાની સાથે સાથે દાદાજી તાન્યાનાં પપ્પા-મમ્મીને આવી સૂચના આપતા ગયા હતા કે જો ભવિષ્યમાં આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય તો એનું નામ તાન્યા જ પાડજો. તાન્યા તો ત્યારે જન્મીયે નહોતી. એ તો એના દાદાના મૃત્યુ પછી ત્રીજા વર્ષે.....’
તેજેન્દ્રે પોતાની પ્રેમિકાની ત્રણ પેઢીની જન્મકુંડળી વાંચી સંભળાવી. એ જાણ્યા પછી ધર્મેશભાઇ-માધુરીબહેનનાં દિમાગોમાં ચાલતું ચક્ર અટકી ગયું; ‘હશે ત્યારે! ક્યાં કોલકતા અને ક્યાં આપણું અમદાવાદ! આપણે તો આ છોકરીને ક્યારેય જોઇ જ ન હોય. જોકે લાગે છે કે જોઇ હોય એવી જ. પણ એ આપણા મનનો વહેમ પણ હોઇ શકે. ઘણીવાર આવું બને છે. જ્યારે ખૂબ સુંદર ચહેરો જોવા મળી જાય ત્યારે આપણા મનમાં સાચો-ખોટો પરિચિતપણાનો આભાસ ઝબકી જતો હોય છે. આનું પણ એવું જ.’
બે-ત્રણ દિવસ આમ જ પસાર થઇ ગયા. પછી અચાનક ધર્મેશભાઇના દિમાગમાં ઝબકારો થયો. ત્યારે અડધી રાતનો સમય હતો. માધુરીબહેન બેડરૂમમાં ઊંઘી રહ્યાં હતાં. ધર્મેશભાઇના મોંમાંથી આશ્ચર્ય સરી પડ્યું, ‘ઓ.....હો......હો...! સાલું અત્યાર સુધી યાદ કેમ ન આવ્યું? અદ્દલ એ જ ચહેરો. એ જ આંખો. એના જેવી જ ચિબુક. નાકની નમણાશ પણ એવી જ....!’
ધર્મેશભાઇ ટી.વી. જોઇ રહ્યા હતા એ બંધ કરીને ઊભા થયા. દોડતા હોય એમ બેડરૂમમાં ધસી ગયા. વોર્ડરોબની ઉપર વુડન સ્ટોરેજ હતો એ ઉઘાડીને એક જૂની પતરાની પેટી નીચે ઉતારી. અંદરથી એક કાચની ફ્રેમમાં મઢેલી છબિ બહાર કાઢી. તસવીરમાં ધર્મેશભાઇનાં માતુશ્રી હસતા મુખે કપાળમાં લાલ ચાંલ્લા સાથે શોભી રહ્યાં હતાં. નીચે એમનું નામ લખેલું હતું.: અ.સૌ. તાપીબા કેશવરામ પારેખ. પછી નીચે જન્મતારીખ અને અવસાનની તારીખ લખેલી હતી.
ધર્મેશભાઇથી રહેવાયું નહીં. ભરઊંઘમાં પોઢેલી પત્નીને ઢંઢોળીને એમણે જગાડી દીધી, ‘માધુરી! માધુરી! ઊઠ! જો, મને ગંગાનું મૂળ જડી ગયું.’ માધુરીબહેન આંખો ચોળતાં બેઠાં થઇ ગયાં, ‘શું છે પણ અત્યારે......?’ પછી તરત અવાક થઇ ગયાં. સ્વ. સાસુમાનો ફોટો જોઇને બાકીના શબ્દો એમના ગળામાં જ અટકી ગયા.
બંને જણાં ખાસ્સી એવી વાર સુધી તાપીબાનો ફોટો ધારી-ધારીને જોતાં રહ્યાં. પહેલી વાચા માધુરીબહેનને ફૂટી, ‘અરે! આ તો તાપીબા છે કે તાન્યા? ઝેરોક્ષ કોપી જેવું જ લાગે છે આ તો! બસ, માત્ર વાળની સ્ટાઇલ જમાના પ્રમાણે અલગ પડે છે. અને કપાળના ચાંલ્લાની સાઇઝ.’ ‘અને આ દાઢી પરનો કાળો નાનો મસો જોયો? તાપીબાને જમણી બાજુએ હતો; તાન્યાને ડાબી બાજુ પર છે.’
‘જો બેયના ફોટા સામસામે રાખવામાં આવે તો એવું જ લાગે જાણે તાન્યા આયનાની સામે ઊભી હોય! એક્ઝેક્ટલી મિરર ઇમેજ.’
પરફેક્ટ મેચિંગ તપાસી લીધા પછી પતિ-પત્ની વિચારવા બેઠાં. આવું કેવી રીતે શક્ય છે? ‘મને યાદ આવ્યું. મારા પપ્પા બહુ રોમેન્ટિક હતા. મારી માને ક્યાંક જોઇ લીધી અને પ્રેમમાં પડી ગયાં. માએ ના પાડી દીધી. એ બીજા પુરુષના પ્રેમમાં હતી. પછી જે થયું હોય તે, પણ બે વર્ષ પછી મા સામે ચાલીને મારા બાપા પાસે....! મને આછું આછું યાદ આવે છે કે ક્યારેક મને ઊંઘતો માનીને એ બંને વાતો કરતાં હતાં. મા મારા બાપુના પગ પકડીને રડતી ને બોલતી કે- ‘તમે તો મને નવી જિંદગી આપી.
મારું પાપ છુપાવીને તમે મને અપનાવી. હું કયા ભવે તમારું ઋણ....?’ જવાબમાં મારા બાપુ કહેતા કે, ‘અરે, ગાંડી! તું મને ઓળખી ન શકી. જો સહેજ વહેલાસર કબૂલ કરી દીધું હોત તો એ દીકરીને પણ હું અપનાવી લેત. ધર્મેશને એક બહેન મળી જાત! ભગવાન જાણે એ બાપડી ક્યાં હશે?’ અને મારી મા કંઇક કોલકતાવાળા કોઇ વેપારીની વાત કરતી હતી.’‘ત્યારે તો તાળો મળી ગયો; આ તાન્યા એ જ તાપીબાની દીકરા કે દીકરાની દીકરી!
હવે શું કરીશું? તાન્યા એક દૃષ્ટિએ તેજેન્દ્રની
બહેન જ થાય ને? એ બેયનાં લગ્ન થઇ શકે ખરા?’
‘હા, કેમ નહીં? આપણે ક્યાં ડી.એન.એ. ટેસ્ટ કરાવ્યો છે? અને સમાજ પણ ક્યાં આ બધી વાત જાણે છે? અને બંનેના બાપ-દાદાઓ ક્યાં એક હતા? તાન્યા આ ઘરની દીકરી જ બનવાની હતી ને?
હવે વહુ બનીને આવશે.’
No comments:
Post a Comment