કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા, કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા
વિવાન અને રિયા કોલેજમાં હતાં ત્યારથી જ એકબીજાના પ્રેમમાં ગિરફતાર હતાં. હવે ડિગ્રી મેળવી લીધી એટલે આગળનું પગલું વિચારવાનું હતું. મુલાકાતનો સમય નિર્ધારિત કરીને બંને કોફી કેફેમાં મળ્યાં. ઓર્ડર આપ્યો. પછી વાતે વળગ્યાં.
શરૂઆત રિયાએ કરી, ‘વિવાન, મને લાગે છે કે આપણે હવે મેરેજ કરી લેવા જોઇએ. મેં મમ્મી-પપ્પા સાથે વાત કરી લીધી છે. બોથ હેવ એગ્રીડ. તારે તો કોઇને પૂછવાપણું છે જ નહીં.’
શરૂઆત રિયાએ કરી, ‘વિવાન, મને લાગે છે કે આપણે હવે મેરેજ કરી લેવા જોઇએ. મેં મમ્મી-પપ્પા સાથે વાત કરી લીધી છે. બોથ હેવ એગ્રીડ. તારે તો કોઇને પૂછવાપણું છે જ નહીં.’
વિવાન હસ્યો, ‘પૂછવું હોય તો દોઢ ડઝન સગાંવહાલાં છે, પણ હું સ્વતંત્ર અને મૌલિક વિચારો ધરાવતો યુવાન છું. મારું જીવન અને મારી જીવનસાથી વિષે મારે શા માટે બીજા કોઇને પૂછવું પડે?’
‘વિવ, ડિયર! તારી આ અદા જ તો મને ગમે છે. તું બધા પુરુષો કરતાં સાવ જુદો છે.’
‘ધેટ્સ ફાઇન! હવે મારે કેટલીક ગંભીર ચર્ચા કરવી છે તારી સાથે...’
‘મારે નથી કરવી. મારે તો ખાલી એટલું જ જાણવું છે કે આપણે મેરેજ કઇ તારીખે કરીશું?!’
‘બધી છોકરીઓ આ જ પ્રશ્ન પૂછે. સાવ બૈરક સવાલ!’ વિવાને તુચ્છકારના ભાવ સાથે કહ્યું.
રિચા ચિડાઇ ગઇ, ‘સારું, ત્યારે તમે મર્દાના સવાલો પૂછો બસ?’
‘મર્દાના-બર્દાના જેવું તો કંઇ નથી; પણ મારે કેટલાક પાયાના મુદ્દાઓ પર તારો અભિપ્રાય જાણવો છે. જેમ કે એક યુવાન અને એક યુવતી પ્રેમમાં પડે એટલે એમણે લગ્ન કરવા જ પડે? ન કરે તો ન ચાલે?’
‘ન ચાલે.’ રિચા છેડાઇ પડી, ‘લગ્નસંસ્થા બહુ સારી વ્યવસ્થા છે. એનાથી જ તો મોટા ભાગનાં સ્ત્રી-પુરુષો મતભેદો હોવા છતાં જોડાયેલાં રહે છે.’
‘તારી ભૂલ સુધારું? જોડાયેલાં નહીં પણ બંધાયેલાં રહે છે.’
‘સારું એમ રાખ!’ રિયાએ બીજો મુદ્દો રજૂ કર્યો, ‘લગ્ન કર્યા વગર બાળકો પેદા ન કરી શકાય.’
‘કોણે કહ્યું? નીના ગુપ્તાએ.....’
‘એણે વિવિયન સાથે પ્રેમ કર્યો હતો, વિવાન સાથે નહીં. એ બધાં સ્ટાર્સ કહેવાય! એ લોકો જે કરે કે બધું ચાલે આપણાથી એવું ન થાય. બાળકો પેદા કરવા હોય તો લગ્ન...’
‘અને જો બાળકો પેદા ન કરવાં હોય તો???’
વિવાનનો આ પ્રશ્ન ઘણનો ઘા બનીને રિયાના દિમાગ પર વાગ્યો. એક ક્ષણ માટે તો એ સ્તબ્ધ બની ગઇ; પણ પછી તરત જ એ એનાં મૂળ ઉત્સાહમાં આવી ગઇ, ‘વિવાન, તું રહ્યો લેક્ચરર. એ પણ પાછો તર્કશાસ્ત્રનો. એટલે તારું દિમાગ ચકરાઇ ગયું છે આવું બધું ભણાવી-ભણાવીને. હું તો એટલું જ જાણું કે પ્રેમ કર્યો એટલે લગ્ન કરવા જ પડે અને લગ્ન કરીએ તો જ બાળકો....’
‘ઠીક છે.’
વિવાને કોફીનો પહેલો ઘૂંટ ભરતાં મેરેજની વાત પર મૌખિક મહોર લગાવી દીધી, ‘હું તને ચાહું છું એટલે તારી આ એક વાત સ્વીકારી લઉં છું. બાકીની વાતો આપણે લગ્ન કર્યાં પછી ચર્ચીશું.’
‘વાઉ! તું કેટલો સારો છે, વિવાન?!’ રિયા ઊછળી પડી. એના હાથમાંના મગમાંથી થોડી કોફી છલકાઇ પડી. અને અવાજ તો એટલો બધો છલકાઇ ગયો કે કેફેમાં બેઠેલા તમામ લોકોનું ધ્યાન એની જ દિશામાં ખેંચાઇ રહ્યું.
લગ્નોત્સુક યુવાનો અને યુવતીઓની આ જ એક મોટી તકલીફ હોય છે. ખાસ તો યુવતીઓની. લગ્નના ઉત્સાહમાં એ એટલી ઘેલી ઘેલી થઇ જાય છે કે ભાવિ જીવનસાથીના વિચારો જાણવાની ન તો એમને પરવા હોય છે, ન ધીરજ.વિવાન અને રિયા સાદી વિધિથી પરણી ગયાં. રિયા તો ધામધૂમપૂર્વક પરણવાનો મત ધરાવતી હતી, પણ વિવાનને મન એક નાનકડી ઘટના પાછળ આટલો બધો ખર્ચ કરવો એ રૂપિયાનો ધુમાડો કરવા બરાબર જ હતું.
છ મહિના ગયા. બાર મહિના પસાર થયા. પહેલા બે વર્ષ તો પવનની પાવડી પર ચડીને આવ્યાં અને મોજ મસ્તીના અરમાનો પૂરા કરીને પસાર થઇ ગયાં. ત્રીજું વર્ષ અડધે રસ્તે પહોચ્યું ત્યારે રિયાના દેહમાં માતૃત્વની ઝંખના સળવળવા માંડી. એક રાત્રે શયનખંડમાં મેગેઝિન વાંચી રહેલા પતિના હાથમાંથી મેગેઝિન ઝૂંટવી લઇને એણે પૂછ્યું, ‘વિવાન, આપણે હવે બાળકનું પ્લાનિંગ ક્યારે કરવું છે?’
વિવાન હસ્યો, ‘મેં તો ક્યારનુંયે વિચારી લીધું છે.’
‘એમ? ક્યારે?’
‘ક્યારેય નહીં.’
‘વ્હોટ? યુ આર ટોકિંગ નોનસેન્સ.’
‘આવી નોનસેન્સ વાત મેં લગ્ન કરતાં પહેલાં જ કરી દીધી હતી.’
‘પણ તો લોકો લગ્ન શા માટે કરતા હશે; જો બાળકો ન જોઇતાં...’
‘તારો પ્રશ્ન હું જરા ફેરવીને પૂછું; લગ્ન કરી લીધા પછી લોકો બાળકો શા માટે ઇચ્છતા હશે?’
રિયા ઢીલી પડી ગઇ. પતિને દલીલોથી સમજાવવા લાગી, ‘વિવાન બાળકો હોય તો બુઢાપાનો સહારો બની રહે.’
‘રિયા, આપણી સોસાયટીમાં સો ફ્લેટ્સ છે. બધે જઇને જોઇ આવ કે કેટલાં ઘરોમાં વૃદ્ધ મા-બાપ એમનાં દીકરા-વહુની સાથે રહે છે?’
રિયાએ બીજી દલીલ આગળ કરી, ‘વિવ, તું સમજતો કેમ નથી? હું અને તું બંને જોબ કરીએ છીએ. દર મહિને દોઢેક લાખ રૂપિયા કમાઇ લઇએ છીએ. અઢી વર્ષમાં જ આપણી પાસે ફ્લેટ છે, સ્કૂટર છે, ભવિષ્યમાં ગાડી પણ આવશે. જ્યારે નિવૃત્ત થઇશું ત્યારે આપણી પાસે ખૂબ મોટું સેવિંગ હશે. આ બધું કોના માટે મૂકીને જવાનું?’ ‘બાળકો માટે તો નહીં જ! હું તો કહું છું કે મૂકીને શા માટે જવાનું? જિંદગીનાં પાછલાં વર્ષો એશ નહીં કરીએ! ખાઇશું, પીશું, ફિલ્મો જોઇશું, દર છ મહિને નાની-મોટી ટૂર્સ કરીશું, દુનિયા જોઇશું. આપણી કમાણી છે તો આપણા માટે જ વાપરીશું.’
‘ઓહ યાર!’ રિયા અકળાઇ ગઇ, ‘અરે, પણ આપણે ઘરડાં થયાં, સાજા-માંદાં પડ્યાં ત્યારે સારવાર કોણ કરશે? સેવા-ચાકરી કોણ કરશે?’ ‘સારવાર ડોક્ટરો કરશે. અને સેવા નર્સ કરશે. ઘરનાં તમામ કામો નોકર-ચાકર કરી આપશે. જો એ માટે આપણી પાસે પૂરતી બચત હશે તો....!’
રિયાની એક પણ દલીલ કામિયાબ ન નીવડી. એક તર્કશાસ્ત્રી આગળ એક પત્ની હારી ગઇ.
બીજા એક-બે વર્ષ આવી રીતે જ વીતી ગયાં. રિયા ધીરજથી કામ લેતી રહી.
એનાં હૈયામાં ઊંડે ઊંડે એવી આશા હતી કે સમય જતાં પતિ માની જશે. ક્યારેક ગફલતના કારણે પણ ગર્ભ રહી જશે. પછી એ કોઇ પણ સંજોગોમાં એબોર્શન નહીં કરાવે. મા બનીને જ રહેશે. પણ વિવાને ચાર-ચાર વર્ષના લગ્નજીવનમાં એક પણ વાર ભૂલ ન કરી. રિયાના શરીરની ડાળી પર સંતાનરૂપી એક પણ ફૂલ ન જ ખીલ્યું.
આખરે સાડા ચાર વર્ષના કકળાટ પછી રિયાએ નિર્ણય જણાવી દીધો, ‘વિવાન, આઇ વોન્ટ ડિવોર્સ.’
રિયાને હતું કે વિવાન આ સાંભળીને ડઘાઇ જશે. ઢીલો પડી જશે. નમતું જોખી દેશે. પ્રેગ્નન્સી રાખવા માટે રાજી થઇ જશે. એને બદલે વિવાન માત્ર આટલું જ બોલ્યો, ‘જ્યારે પત્નીનું માતૃત્વ એનાં સ્ત્રીત્વ કરતાં ચડી જાય ત્યારે એવી પત્નીને છૂટાછેડા આપી દેવા એ જ બહેતર છે.’ બંને કોર્ટમાં જઇને રાજીખુશીથી છૂટાં પડી ગયાં. કાગળો પર દસ્તખત થઇ ગયા પછી વિવાને કહ્યું, ‘મારી ચિંતા ન કરતી. હું ફરીવાર પરણી જઇશ. બહુ જલદી. અને એ પણ એવી સ્ત્રીની સાથે જેનામાં માતૃત્વની ઝંખના કરતાં પ્રેમભાવ વધારે હોય.’
‘પરણી તો હું પણ જઇશ. તારા કરતાં યે વહેલી. અને એવા પુરુષને હું પરણીશ જેને બાળકો વહાલાં હોય.’ પાંચ વર્ષ પછી ફરીથી મળવાનો વાયદો કરીને બંને છૂટાં પડ્યાં. નવી દિશા તરફ. નવી મંજિલ ભણી. રિયા પહેલા પરણી ગઇ. એ હજીયે સુંદર દેખાતી હતી. ઉંમર પણ પચીસ વર્ષની જ હતી. અને કાયા પણ નછોરવી હતી. અનેક મુરતિયાઓ રિયાનો હાથ સ્વીકારવા માટે તલપાપડ હતા.
રિયાએ આરામ શાહ નામના એક યુવાન બિઝનેસમેન પર પસંદગીનો કળશ ઢોળ્યો. પહેલા લગ્ન સાદગીથી કર્યાં હતાં, આ વખતે મન ભરીને ધામધૂમ માણી.
વિવાન પણ વધુ સમય માટે બેસી ન રહ્યો. એને પણ નિરજા મળી ગઇ. નિરજા નાણાવટી એની સાથે જ નોકરી કરતી હતી. બંનેના વિભાગો અલગ હતા. પણ હોદ્દાઓ એકસરખા હતા. વિવાન અને રિયાનો વાયદો પાંચ વર્ષ પછી ફરીથી મળવાનો હતો. પણ એમ મળવા માટે કોણ નવરું હોય? આ તો અચાનક એક સમારોહમાં બંને કપલ્સ અનાયાસ ભટકાઇ ગયાં. વિવાન ધીમેથી સરકીને પાણી પીવા માટે દૂરની તરફ આવેલા કાઉન્ટર તરફ ચાલ્યો ગયો. રિયા પણ કોઇનું ધ્યાન ન ખેંચાય તે રીતે ત્યાં પહોંચી ગઇ.
‘સુખી છે તું?’ શરૂઆત વિવાને કરી.
‘હા. તું?’
‘હા, હું પણ... વિવાન જવાબ આપતી વખતે ગંભીર હતો.
રિયાએ પૂછ્યું, ‘તારો ચહેરો કહી આપે છે કે તું ખુશ નથી.’
‘હા, રિયા! નિરજાની પણ સંતાનની ઝંખના તારા જેવી જ હતી. એણે તો પહેલા મહિનાથી જ સ્ત્રી-હઠ શરૂ કરી દીધી. હું કેટલી પત્નીઓથી છૂટાછેડા લઉં? અત્યારે અમારાં ત્રણ બાળકો છે. રિયા, તું તો સુખી ને?’
રિયા રડી પડી, ‘ના, વિવ! લગ્ન કરતા પહેલાં મેં આરામ પાસેથી ચાર બાળકોનું વચન લીધું હતું; પણ આજ સુધી... એક પણ... નથી થયું...!’ (શીર્ષક પંક્તિ : નિદા ફાઝલી)
No comments:
Post a Comment