હજારો નામુકમ્મલ હસરતોં કે બોજ તલે ભી,
એ દિલ, તેરી ગજબ હિમ્મત હૈ,જો તૂ ધડકતા હૈ!
એ દિલ, તેરી ગજબ હિમ્મત હૈ,જો તૂ ધડકતા હૈ!
હેલ્લો,સર! ઓળખાણ પડી?’ બેઠી દડીના, ગોળમટોળ, ભીનેવાન એવા એક અજાણ્યા પુરુષે મને પૂછ્યું.
એક સામાજિક ફંક્શનમાં આ ઘટના બની ગઇ. હું બુફે પૂરું કરીને હાથમાંની ડિશ દૂર આવેલા કાઉન્ટર પર મૂકવા માટે જતો હતો ત્યાં અચાનક આવું પૂછીને એણે મને અટકાવી દીધો.
હું એની સામે ધારી-ધારીને જોઇ રહ્યો. અણસારનું સહેજ પણ પગેરું મળ્યું નહીં. મેં સામે ઊભેલા પુરુષના પેટ પરથી દસેક કિલોગ્રામ જેટલી ચરબી મનોમન હટાવી લીધી. ચહેરા પરથી દસ-બાર વર્ષ દૂર કરી દીધી. એના ડબલરોટી જેવા ગાલ કાલ્પનિક રીતે સહેજ પાતળા કરી દીધા. જાડા કાચવાળા ચશ્માં ‘ફેંકી દીધા!’ પછી એને પિછાણવાનો પ્રયત્ન આદર્યો, પણ મેળ ન પડ્યો તે ન જ પડ્યો.
એક સામાજિક ફંક્શનમાં આ ઘટના બની ગઇ. હું બુફે પૂરું કરીને હાથમાંની ડિશ દૂર આવેલા કાઉન્ટર પર મૂકવા માટે જતો હતો ત્યાં અચાનક આવું પૂછીને એણે મને અટકાવી દીધો.
હું એની સામે ધારી-ધારીને જોઇ રહ્યો. અણસારનું સહેજ પણ પગેરું મળ્યું નહીં. મેં સામે ઊભેલા પુરુષના પેટ પરથી દસેક કિલોગ્રામ જેટલી ચરબી મનોમન હટાવી લીધી. ચહેરા પરથી દસ-બાર વર્ષ દૂર કરી દીધી. એના ડબલરોટી જેવા ગાલ કાલ્પનિક રીતે સહેજ પાતળા કરી દીધા. જાડા કાચવાળા ચશ્માં ‘ફેંકી દીધા!’ પછી એને પિછાણવાનો પ્રયત્ન આદર્યો, પણ મેળ ન પડ્યો તે ન જ પડ્યો.
છેવટે મારે કહેવું પડ્યું, ‘ભાઇ, મારી યાદદાસ્તની સાથે આવી રમત ન રમશો. હું માણસોનાં નામ અને ચહેરાઓ યાદ રાખવામાં આમ પણ કમજોર છું. તમે જ તમારી ઓળખાણ આપી દો.!’
માણસ સમજદાર નીકળ્યો. હસીને એણે કહ્યું, ‘હું કુશ કારેલિયા.’
હું બાઘો બનીને સાંભળી રહ્યો. એ સમજી ગયો. બીજી ‘ક્લુ’ આપી એણે, છેલ્લે આપણે 1980માં મળ્યા હતા.’
‘ઓહ! આડત્રીસ વર્ષ પહેલાં? ત્યારે તો મને ક્યાંથી યાદ હોય?’ હું એવી રીતે બોલી ગયો કે એ પકડી ન પાડી શકે કે મને આઠ દિવસ પહેલાં મળેલો માણસ પણ યાદ રહેતો નથી.
‘જન્માષ્ટમીનો તહેવાર હતો. તીન પત્તીની બેઠક જામી હતી. તમે પણ હાજર હતા....’ હું ધ્રૂજી ઊઠ્યો. મેં જિંદગીમાં તીન પત્તીનો જુગાર ખેલ્યો નથી. મને રમતાં આવડતું પણ નથી. આ માણસ ક્યાંક મને ફસાવવાની કોશિશમાં તો નહીં હોય ને?
ત્યાં કુશ કારેલિયાએ મારા મનનો સંશય દૂર કરાવી દીધો, ‘તમે રમતા ન હતા; અમારી સાથે બેસીને માત્ર જુગારની રમતને જોતા હતા.’
‘હા, હા, યાદ આવે છે....’ મેં બબડવા જેવા અવાજમાં કહ્યું, ‘હું ત્યારે વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો. મારો એક સિનિયર મિત્ર મને શહેરની જાણીતી ક્લબમાં આગ્રહ કરીને ખેંચી ગયો હતો. મેં ના પાડી ત્યારે એણે કહ્યું હતું- ‘તું’ ન રમે તો કંઇ નહીં, પણ જો તો ખરો કે એમાં કેવી મજા છે, કેવો રોમાંચ છે, કેવી કેવી યુક્તિ-પ્રયુક્તિ કરવામાં આવે છે. એક વાર અનુભવ કરી લે.’ અને હું ગયો હતો.
લગભગ ત્રીસેક જણાઓનું ટેબલ જામ્યું હતું. ભાંગતી રાત હતી. જામતો જુગાર હતો. પંદરેક પુરુષો હતા; દરેકની સાથે એક-એક યુવતી હતી. કાં પત્ની, કાં પ્રેમિકા હતી. હું એક જ ત્યાં એકલો હતો. વિસ્મયભરી આંખે હું આ માહોલને જોઇ રહ્યો હતો. જિંદગીમાં પહેલી વાર હું કોઇક જુગારના અડ્ડામાં ગયો હતો. જ્યારે નાનો હતો ત્યારે જૂનાગઢમાં મારી શેરીની બહેનોને જન્માષ્ટમીના દિવસે જુગાર રમતી જોઇ હતી. પાંચ-પાંચ પૈસાની બાજી રમાતી હતી. એમાં હાર-જીત કરતાં આનંદનું મહત્ત્વ વધારે જોવા મળતું હતું. પણ અહીં તો બધું પ્રોફેશનલ જોવા મળી રહ્યું હતું.
ક્લબનો ગુપ્ત ખંડ. ધીમી રોશની. ગોળાકાર ટેબલની ફરતે ડિઝાઇનર્સ ખુરશીઓ. ખાણી-પીણીનો સતત ચાલતો દૌર. મુક્ત મજાક-મસ્તી. દરેક યુગલ દરેક વાત પર જોર જોરથી હસી લેતું હતું. કોઇ નોનવેજ જોક પર પુરુષો શૃંગારિક છેડછાડ પણ કરી લેતા હતા. હું માત્ર બાવીસ વર્ષનો યુવાન, અબુધ નજરે, વિસ્મિત બનીને એ બધું જોયા કરતા હતો. ગ્રૂપ લીડરે પત્તાંની કેટ ચીપવાની શરૂ કરી. સાથે જ નિયમો પણ ચીપવા માંડ્યા, ‘ફ્રેન્ડ્ઝ, લેટ મી ટેલ યુ સમ ઓફ ધી રુલ્સ. આજની દરેક બાજી પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થશે. એ પછી જેણે આવવું હોય તેણે એક હજાર રૂપિયા મૂકવા પડશે. બ્લાઇન્ડ ખેલવું હોય તો ડબલ. અને બાજી
ઓપન કરાવવી હોય તો...’
હું તો આંકડાઓ સાંભળીને જ આભો બની ગયો હતો. મારું આખા મહિનાનું સ્ટાઇપેન્ડ પાંચસો-સાડા પાંચસો જેટલું હતું. વી.એસ. હોસ્પિટલના ડોક્ટર્સ ક્વાર્ટર્સની મેસમાં પૂરો મહિનો સવારનો બ્રેકફાસ્ટ, પછી લંચ અને બપોરની ચા વત્તા રાતનું ડિનર આ બધું મળીને માત્ર એકસો પંચોતેર રૂપિયામાં આવી જતું હતું. ત્યારે અહીં તો રૂપિયાની ફેંકમ્ ફેંક જામી હતી. સમય પસાર થતો રહ્યો. દરેક બાજીની સાથે કિસ્મતનું પાસું પણ પલટાતું રહ્યું. જે જીતતું એ આનંદની ચિચિયારીઓથી ઓરડો ગજાવી મૂકતું, જે હારતું એ ખામોશીનું મહોરું ઓઢી લેતું હતું.
શહેરના એક જાણીતા બિલ્ડરે પંદરેક બાજી પત્યા પછી જાહેર કર્યું, ‘આજે મારું નસીબ મને સાથ નથી આપતું.’
‘કેમ? તમારું નસીબ તો અમારા કરતાં બહુ સારું છે. શહેરમાં તમારી પંદર સ્કીમ્સ બંધાઇ રહી છે.’ એક વેપારીએ કહ્યું.
‘હા, પણ અહીં તો હું લાગલગાટ પંદર બાજીઓ હારી ચૂક્યો છું. લાગે છે કે સવાર સુધીમાં એક ફ્લેટ જેટલા રૂપિયા હારી જઇશ.’ (એ જમાનામાં ચાળીસ-પચાસ હજાર રૂપિયામાં એક ફ્લેટ મળી જતો હતો.)
જેના ઘરમાં ત્રણ-ત્રણ પેઢીઓથી વકીલાત ચાલી આવતી હતી એવા જાણીતા એડવોકેટ પણ અકળાઇ રહ્યા હતા, ‘સાલ્લુ! આજે શું થવા બેઠું છે? જિંદગીમાં હું એક પણ કેસ હાર્યો નથી અને અહીં એક પણ બાજી જીતતો નથી.’
શહેરના જાણીતા જ્વેલર હસી પડ્યા, ‘બિલ્ડર એક ફ્લેટ ગુમાવશે અને તમે એક અસીલની ફી હારી જશો. તમને ક્યાં નડે એવું છે?’
હવે બિલ્ડર અને વકીલ એક થઇ ગયા. જ્વેલરને ઝપટમાં લીધો, ‘તમારું ભાગ્ય આજે ચોવીસ કેરેટના સોના જેવું ચમકે છે. ઉપરા-છાપરી બાજીઓ જીતતા જ જાવ છો.’
જ્વેલરે દડો ફંગોળી દીધો, ‘જીતતો હું નથી. મારા તો બે-ચાર દાવ ઊંધા પણ પડ્યા છે. પણ આ મારી બાજુમાં બેઠો છે એ જુવાનિયો અત્યાર સુધીની તમામ બાજીઓ જીતતો રહ્યો છે.’
એ દિવસે મેં કુશ કારેલિયાને પહેલી વાર જોયો હતો. કુશ એ જ એ રાત્રે સતત જીતનારો જુવાન હતો. આટલાં વર્ષો પછી મને ન તો એનું નામ યાદ હતું, ન એનો ચહેરો. જોકે એ ઘટના મને બરાબર યાદ હતી.
એ રાત્રે એ પછી પણ કંઇક એવું બની ગયું હતું કે એ ઘટના હું ભૂલી શક્યો ન હતો.
બિલ્ડરે મોડી રાત્રે વાત કાઢી હતી, ‘આ કુશ અત્યાર સુધીમાં એંશી હજાર રૂપિયા જીતી ચૂક્યો છે.’
‘એનાથીયે વધારે.’ વકીલે અનુમાન કર્યું. ‘હજુ તો બે કલાક બાકી છે. આ જુવાનિયો એક જ રાતમાં લખપતિ થઇ જશે.’
‘એને કંઇ એમ ને એમ જવા ન દેવાય. એણે બધાને પાર્ટી આપવી પડશે.’
કુશ આ સાંભળીને સહેજ અમથું હસ્યો હતો. પડખામાં દબાઇને બેઠેલી એની ખૂબસૂરત સાથીદારની સામે જોઇને ગણગણી ઊઠ્યો હતો, ‘પાર્ટી તો હું આને આપીશ; એ મારી લેડીલક છે. એના કારણે જ તો આજે હું જીતતો રહ્યો છું.’
‘કોણ છે, બહેન? તમારી ફિયાન્સી? કે વાઇફ?’ એક જુગારીએ પૂછ્યું.
‘આમ જુઓ તો કોઇ નહીં; અને એમ જુઓ તો બધું જ.’ કુશ મદહોશ બનીને એની અપ્સરાને પરિચય આપી રહ્યો: ‘શી ઇઝ કોષા. માય ગર્લફ્રેન્ડ. માય ફ્યુચર વાઇફ. માય લાઇફ. માય એવરીથિંગ.’
ત્યાં સુધીમાં બધાંની જીભ છુટ્ટી થઇ ગઇ હતી. એક મિત્ર બોલી ગયો, ‘કાશ, દોસ્ત! આજે તું જીતવાને બદલે હારતો હોત! તો યુધિષ્ઠિરની જેમ છેલ્લી બાજીમાં તારી દ્રૌપદીને પણ....’
અને હાસ્યના ઠહકાઓથી હવા ગુંજી ઊઠી હતી. એ સમયે મેં કોઇ ખૂબસૂરત યુવતીનું અદ્્ભુત શરમાવું પહેલીવાર જોયું હતું.
સવારે છ વાગે રમત પૂરી કરવામાં આવી. વકીલ મિત્રે રજૂઆત કરી, ‘કોંગ્રેચ્યુલેશન, યંગ ફ્રેન્ડ! ભલે તું જીતી ગયો, પણ હવે તારે એક કામ તો કરવું જ પડશે.’
‘શું?’ કુશ પણ મસ્તીમાં હતો. ‘અમારી સામે, બધાના દેખતા તારે તારી કોષાને એક ‘કિસ’ કરવી પડશે.’ વકીલનો રોમેન્ટિક પ્રસ્તાવ બધાએ હાથોહાથ વધાવી લીધો.
‘નો! નો! એ શક્ય નથી...! કોષા.....’ કુશ આનાકાની કરવા માંડ્યો.
અચાનક કોણ જાણે શું થયું તે કોષા ઊભી થઇ ગઇ. અત્યાર સુધી જે લજામણીના છોડ જેવી શરમાતી, સંકોચાતી, મર્યાદાસભર લાવણ્યની પૂતળી લાગતી હતી તે હવે બધો સંકોચ ત્યાગીને કુશની સામે આવી ઊભી. એના ગળામાંથી રોમાન્સનો દરિયો છલકાયો, ‘કુશ! એમાં શરમાવાનું શા માટે? બધા જાણે છે કે આપણે બંને રિલેશનમાં છીએ. લેટ અસ સેલિબ્રેટ ધ ઓકેઝન. એક મિનિટ માટે તું ને હું ભૂલી જઇએ કે આ રૂમમાં બીજા અઠ્ઠાવીસ લોકો હાજર છે. લેટ એસ....’
અને એ કુશને વળગી પડી. એનું માથું પકડીને એ પ્રેમીના ચહેરા પર ઝળુંબી. પછીનું દૃશ્ય સેન્સર-કટ છે. એક મિનિટ, બે મિનિટ, ત્રણ મિનિટ...! લખવા માટે ત્રણ મિનિટ બહુ ઓછો સમય ગણાય; બે પ્રેમીઓ એકમેકને ચૂમે એના માટે તો આ કંઇ ગણાય જ નહીં; પણ આવું દૃશ્ય જોનારાઓ માટે ત્રણ મિનિટ એ ત્રણ યુગ જેટલો લાંબો કાળ ગણાય! એટલા બધા લોકોની સામે કોષાએ અંગત સંબંધ જાહેર કરી દીધો.
આજે આટલા વરસો બાદ એ સદ્્ભાગી યુવાન ફરી પાછો મને મળી ગયો હતો. એણે મને ઓળખી કાઢ્યો. પણ હું ન ઓળખી શક્યો. પણ જેવું એણે યાદ કરાવ્યું એટલે મને એ દૃશ્ય યાદ આવી ગયું.
મેં પૂછી લીધું, ‘ તમે એકલા જ આવ્યા છો? કે બેકલાં?’
‘બેકલો! હું પત્નીને લીધા સિવાય કોઇ ફંક્શનમાં જતો જ નથી.’
‘સરસ વાત છે! ક્યાં છે તમારી એ અપ્સરા? હજુ પણ એ એવી ને એવી જ રહી છે? કે એ પણ તમારી જેમ.....?’
એ જાડિયો ચમકી ગયો, ‘તમે કોની વાત કરો છો? પેલી...કોષાની? અરે, એ તો ટાઇમ પાસ હતી મારે મન! બે વર્ષ મજા કરીને મેં એને છોડી દીધી. મારી વાઇફ તો પેલી ત્યાં ઊભી એ......’ ત્યારે તો મેં કશું જ ન કહ્યું, પણ આજે હું મનોમન વિચારું છું: ‘કોષાએ જાહેરમાં જે કર્યું તે યોગ્ય કર્યું હતું?
આજે એ પણ બીજા કોઇને પરણી ગઇ હશે. હું જેમ કુશને મળી ગયો એમ અઠ્ઠાવીસ જણામાંથી કોઇ એને નહીં ભટકાઇ ગયું હોય? ત્યારે એની સ્થિતિ કેવી થઇ ગઇ હશે?’ {
(આજકાલની મોડર્ન યુવતીઓએ આ સવાલ પર વિચારવું જોઇએ.)
No comments:
Post a Comment