Tuesday, September 5, 2017

યા તો હમેં મુકમ્મલ ચાલાકિયાઁ સિખાઈ જાયે, નહીં તો માસૂમોં કી અલગ બસ્તિયાં બસાઈ જાયે


યા તો હમેં મુકમ્મલ ચાલાકિયાઁ સિખાઈ જાયે,
નહીં તો માસૂમોં કી અલગ બસ્તિયાં બસાઈ જાયે
હેશ પટેલ હજી ડૉ. મહેશ પટેલ બન્યો ન હતો. હજુ તો ડૉક્ટર બનવા આડે એક વર્ષ બાકી હતું. ફાઇનલ એમ.બી.બી.એસ.ની પ્રથમ ટર્મમાં એ ભણી રહ્યો હતો ત્યારે અચાનક એક દિવસ એક ઘટના બની ગઈ.
મહેશ લાઇબ્રેરીમાં બેસીને સર્જરીની બુક વાંચી રહ્યો હતો ત્યારે એના મિત્ર સુરેશે આવીને ધીમેથી એના કાનમાં કહ્યું, ‘તારા ફાધર આવ્યા છે. હોસ્ટેલમાં એમને મારા રૂમમાં બેસાડીને તને કહેવા માટે આવ્યો છું.’
‘બાપુજી આવ્યા છે? મારા? કેમ અચાનક? શું થયું હશે? કંઈ માંદાબાંદા તો..?’

‘ના, માંદા જેવા તો નથી દેખાતા, પણ જરાક ગંભીર હોય એવું લાગતું હતું. એમનું મોં પડી ગયું છે.’ સુરેશની વાત સાંભળીને મહેશ તરત જ ઊભો થઈ ગયો.
બુક ત્યાં જ મૂકીને નીકળી પડ્યો. લગભગ 1975-76ની ઘટના. ત્યારે મેડિકલ કોલેજમાં એક પણ સ્ટુડન્ટ પાસે સ્કૂટર કે મોપેડ જોવા મળતું ન હતું. ગાડી તો દૂરની વાત ગણાય. કોઈની પાસે બાઇસિકલ હોય તો એ પણ લક્ઝરી ગણાતી હતી.

મહેશ પગે ચાલીને પાંચ-સાત મિનિટ્સમાં જ હોસ્ટેલમાં પહોંચી ગયો. મિત્રનું રિપોર્ટિંગ સાચું હતું. એના પિતા રમણભાઈ ઊતરેલા ચહેરા સાથે રૂમમાં બેઠા હતા.
‘બાપુજી, તમે અચાનક ક્યાંથી? ગામડે બધું બરાબર છેને?’ ફાળભર્યા અવાજે મહેશે પૂછ્યું.
‘બેટા, ગજબ થઈ ગયો! તું બીજું કંઈ આડુંઅવળું ન ધારી લેતો, ઘરમાં બધા સાજાનરવા છે, પણ...’

‘પણ શું બાપુજી?’
‘તું માધાભાઈને તો ઓળખેને?’
‘હા, કેમ નહીં? માધાકાકાની દુકાન આપણા ઘરની સાવ બાજુમાં તો છે. શું થયું એમને?’
‘એને કંઈ નથી થયું, એના કારણે આપણને થયું છે.’

‘પણ શું થયું એ તો કહો!’,
‘એ માધાકાકા પંદર દી’ પહેલાં આપણા ઘરે આવ્યા’તા. રડતા હતા. મેં કારણ પૂછ્યું તો કહે કે એમણે ધંધામાં નાણાં રોક્યાં હતાં. એમાં મોટી ખોટ ગઈ. હજારો રૂપિયાં ડૂબી ગયાં. ઝેર પીવાનો વારો આવ્યો હતો. એમાંથી બચવાનો એક જ ઉપાય હતો. મકાન વેચી નાખવાનો.’
‘ઓહ! પછી તમે શું કહ્યું?’

‘હું શું કહું? કીધું કે વેચી નાખો મકાન!’ તો માધાભાઈ કહે કે આમ રાતોરાત વેચવા જાઉં તો મકાનની કિંમત કોણ આપે? એટલે તમે જ રાખી લો. મેં વગર વિચાર્યે હા પાડી દીધી.’
‘માધાકાકાનું મકાન મેં જોયેલું છે. લગભગ 25થી 30 હજાર રૂપિયાની કિંમતનું ગણાય. તમે કેટલા કહ્યા?’
‘મેં પાંત્રીસ હજારમાં લઈ લીધું. રોકડા ગણી આપ્યા.’
‘ઓહ! થોડાક વધારે આપી દીધા તમે.’

‘હા, હું એ વખતે જ જાણતો હતો કે પાંત્રીસ હજાર એ બજારભાવ કરતાં થોડાક વધારે છે, પણ મારા મનમાં એવું હતું કે માધો આપણો જ ન્યાતીલો છે. એ જ્યારે ભીડમાં આવી ગ્યો હોય ત્યારે...’
‘જે કર્યું તે સારું કર્યું બાપા!’
‘ધૂળ સારું કર્યું? મેં તો ભલાઈનું જ કામ કર્યું, પણ એ ડામીસે મને ખાડામાં ઉતારી દીધો.’
‘હેં? શું કર્યું માધાકાકાએ?’,

‘એણે રોકડા રૂપિયા ગણી લીધા, પછી મકાનનો દસ્તાવેજ કરતી વખતે એ ફરી ગયો. બીજા મિત્રોનો સાથ લઈને એણે મારો વિશ્વાસઘાત કર્યો. હું રહ્યો અભણ માણસ! કાળા અક્ષર એ મારે મન ભેંસ બરાબર! માધાએ મારી પાસે કોરા કાગળ ઉપર અંગૂઠો મરાવી લીધેલો. દસ્તાવેજનો સમય થયો ત્યારે એણે બાવીસ હજાર રૂપિયાનું લેણું કાઢ્યું.’
‘બાવીસ હજાર?’ મહેશની ચીસ નીકળી ગઈ. એ જમાનામાં જ્યારે ત્રણ રૂપિયામાં કોઈ પણ હોટલમાં આખી થાળી મળતી હતી (ભોજનની) ત્યારે પચીસ હજારના મકાન માટે બધું મળીને સત્તાવન હજાર રૂપિયા ગણી આપવા એ મસમોટા નુકસાન જેવું જ કહેવાય.

‘હા દીકરા! અત્યારે તારા ગળામાંથી ચીસ નીકળી ગઈને? એવી જ ચીસ મારા મોઢામાંથી પણ નીકળી ગઈ હતી. મેં માધાને ખૂબ સમજાવ્યો, આપણા ને એના જૂના સંબંધોની યાદ અપાવી, પણ એ માને તોને? એના મળતિયાઓ પણ એની સાથે હતા. લખ્યું વંચાય! મારે બાવીસ હજાર રૂપિયા ચૂકવી દેવા પડ્યા.’
‘પણ તમે આટલા બધા રૂપિયા લાવ્યા ક્યાંથી? આપણી આર્થિક સ્થિતિ કંઈ સધ્ધર નથી.’

‘વ્યાજે લાવ્યો દીકરા! આ જ વાત કહેવા માટે મેં અહીં સુધીનો ધક્કો ખાધો છે. ઓણ સાલ ખેતી પણ સાવ નબળી છે. ભયંકર દુષ્કાળનું વર્ષ છે. એમાં આટલી મોટી રકમ અને એનું વ્યાજ ભરવાનું છે. દીકરા, તને આટલું જ કહેવું છે કે હમણાં તું જરાક કરકસરથી જીવજે. કારણ વિનાનો ખર્ચો ન કરતો.’
મહેશ સમજી ગયો. પિતાનું મોં જ કહી આપતું હતું કે આ વર્ષે કારણ હોય તો પણ પૈસા ન ખર્ચતો.

રમણલાલ તો ગામડે ચાલ્યા ગયા, પણ મહેશની ચિંતા ચાલુ થઈ ગઈ. એમ.બી.બી.એસ.નું અંતિમ વર્ષ હતું. ભારે દળદાર ચોપડીઓની કિંમત જ કેટલી મોંઘી હતી? એ ઉપરાંત મેસબિલ, કેન્ટિન, લોન્ડ્રીંનું બિલ, સાબુ, હેર ઓઇલ, બૂટ પોલિશ જેવા અસંખ્ય અનિવાર્ય ખર્ચાઓ હતા. મહેશે બધા ખર્ચાઓમાં કાપકૂપ કરી નાખી. મેસમાં જમવાનું ઓછું કરી નાખ્યું. બ્રેડ અને ચાથી ચલાવી લેવા માડ્યું. માથામાં તેલ નાખવાનું બંધ. કપડાં જાતે ધોવાનાં. બુક્સ કાં મિત્રોની કાં લાઇબ્રેરીની વાંચવાની, ફિલ્મો તો સદંતર બંધ. પ્રેક્ટિકલ્સ માટેનાં સાધનો ખરીદવાને બદલે મિત્રો પાસેથી ઉછીના લઈને ચલાવી લેવાનું.

ભયંકર કાપકૂપના મહિનાઓ પૂરા કરીને આખરે મહેશે છેલ્લી પરીક્ષા આપી. એ પાસ થઈ ગયો. હવે એને ‘હાશ’ થઈ. દુ:ખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે!
હવે એની ઇન્ટર્નશિપ ચાલુ થઈ ગઈ. એ જમાનામાં તાલીમી સમય દરમિયાન દરેક તાજા ડૉક્ટરને સરકાર તરફથી દર મહિને બસો પાંસઠ રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળતું હતું. મહેશ આ રકમમાંથી પણ સોએક રૂપિયા બચાવીને ગામડે મોકલી આપતો હતો.

આવી કારમી તંગી અને ભીષણ કરકસરના દિવસો મહેશના દિલમાં એક પ્રકારની કડવાશ ભરી ગયા. એ લગભગ રોજ સરેરાશ દસ-બાર વાર ઈશ્વરને આવી ફરિયાદ કરતો રહેતો હતો, ‘હે ભગવાન! આ માધાકાકાએ મારા સાવ ભોળા, અભણ અને વિશ્વાસુ બાપને કરજના ખાડામાં ઉતારી મૂક્યો છે. એની પીઠમાં ખંજર ભોંક્યું છે. અમે તો એનું શું બગાડી શકવાના છીએ, પણ તું એના લેખા લેજે. જો ખરેખર તું હો, તો અમને ન્યાય અપાવજે.’

ઈશ્વર ખરેખર હશે ખરો? જો હોય તો એ આવી પ્રાર્થનાઓ સાંભળતો હશે ખરો? કોને ખબર ભગવાન જાણે! મહેશ હવે ડૉ. મહેશ પટેલ બની ગયો. ઇન્ટર્નશિપનું એક વર્ષ પૂરું થઈ ગયું. આગળ ભણવાના રૂપિયા ન હતા. પિતાના માથા પર દેવું ગાજતું હતું. મહેશે એના જ ગામમાં એક નાની દુકાન લઈને જનરલ પ્રેક્ટિસ શરૂ કરી દીધી. પિતાના સંબંધો અને પોતાની આવડત. પ્રેક્ટિસ ધીમે ધીમે જામવા લાગી. ડૉ. મહેશ બે પૈસા રળવા માંડ્યો. પિતાનું દેવું ભરપાઈ કરી દીધું. જોકે, જુવાનીનાં સોનેરી વર્ષો એમાં વપરાઈ ગયાં. તોયે પરણ્યો.

બહેનોને પરણાવી. મકાનને રિનોવેટ કરાવ્યું. ડૉ. મહેશ હવે પાંચ માણસોમાં પુછાવા લાગ્યો.
ત્યાં એક સાંજે એના ક્લિનિકમાં ત્રીસેક માણસોનું ધાડું ધસી આવ્યું. સાથે કપડામાં ટીંગાટોળી કરેલો એક આધેડ આદમી હતો. ડૉ. મહેશે પૂછપરછ કરી તો માહિતી મળી, ‘આ આપણા જ ગામના માધાકાકા છે. બહારગામ જતા હતા ત્યારે કોઈ શત્રુઓએ વેતરી નાખ્યા. માધાકાકા ભારાડી તો હતા જ. સ્વભાવના પણ આકરા. જૂનું વેર મનમાં સંઘરીને દુશ્મનો લાગ જોઈને ઘા કરવાની વેતરણમાં જ ફરતા હતા.

આજે મોકો મળી ગયો.’
ડૉ. મહેશ મનોમન બોલી ગયા, ‘વાહ રે ભગવાન! મારા બાપના દુશ્મનને સામે ચાલીને મારે આંગણે મોકલી આપ્યો!’ માધાભાઈની હાલત અત્યંત ગંભીર હતી. માથામાં ધારદાર હથિયાર વાગવાથી હેડ ઇન્જરી થઈ હતી. લગભગ મરવાની હદ પર પહોંચી ગયા હતા. નાનકડા ગામડામાં એમની સારવાર કરવી શક્ય ન હતી અને બાજુમાં આવેલા જામનગરની મોટી જનરલ હોસ્પિટલ સુધી એમને પહોંચાડી શકાય તેવું ન હતું.

ડૉ. મહેશ જો એને તાત્કાલિક સારવાર આપીને માધાકાકાનું બ્લડ પ્રેશર, પલ્સ અને શ્વાસોશ્વાસ જાળવી લે તો કદાચ જામનગર સુધી જવા જેટલો સમય મળી રહે.
ડૉ. મહેશે માધાભાઈને મારવા માટે બીજું કશું જ કરવાનું ન હતું. માત્ર આટલું જ કહી દેવાનું હતું, ‘સોરી! પેશન્ટની હાલત નાજુક છે. આપણા ગામમાં કંઈ જ થઈ શકે તેમ નથી. આને જેમ બને તેમ જલદી જામનગરભેગા કરો.’

બસ! મામલો ખતમ! માધોકાકો રસ્તામાં જ ઊકલી જવાનો હતો. વર્ષોનું મનમાં ધોળાતું ઝેર અને બાપનું જૂનું વેર બંને ચીજોનો ઉકેલ આવી જાય તેમ હતો.
પણ આ નબળો વિચાર અડધી ક્ષણથી વધુ લાંબો સમય ન ટકી શક્યો. મહેશ પટેલ અડધી ક્ષણમાં જ ડૉ. મહેશ પટેલ બની ગયો.

એણે સ્ટાફની મદદથી ઇમરજન્સી સારવાર શરૂ કરી દીધી. ગ્લુકોઝના બાટલા, જરૂરી ઇન્જેક્શનો અને પાટાપિંડી કરીને માથાના ઘાવમાંથી વહેતું લોહી બંધ કર્યું. બ્લડ પ્રેશરને જાળવી રાખ્યું. ઓક્સિજનની નળી નાકમાં દાખલ કરીને પોતાની જ મોટી વેનમાં માધાકાકાને સુવડાવીને ગાડી મારી મૂકી. ઇમરજન્સી દવાઓની બેગ લઈને પોતે પણ સાથે ગયા. માધાકાકને જામનગર પહોંચાડી દીધા. પછી તો ઇરવિન હોસ્પિટલ હતી, ત્યાંના હોશિયાર ડૉક્ટરો હતા અને માધાકાકાનું જોર કરતું નસીબ હતું. માધાકાકા બચી ગયા.

આ વાતની ખબર જ્યારે ગામમાં થઈ ત્યારે એક-એક માણસ આવીને ડૉ. મહેશના પિતાજીને અભિનંદન આપી ગયા.
વેરની વસૂલાત ક્યારેક આ રીતે પણ લેવાય છે. (સત્યઘટના. કથાબીજ: ડૉ. મોહન રાબડિયા)

No comments:

Post a Comment