એક અમસ્તા ટહુકામાં તરબોળ થયા ત્યાં, શ્વાસ લીધાના વચગાળામાં સાંજ ઢળી ગઈ
ડો અગ્રજ ન્યુરોસર્જરી વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. સાંજનો સમય હતો. એ પોતાના ક્વાર્ટરમાં બેસીને લેપટોપ પર કોઈકના ફોટોઝ જોઈ રહ્યો હતો. ત્યાં એનો સેલફોન રણક્યો. જનરલ હોસ્પિટલના વોર્ડમાંથી નર્સનો ફોન હતો. કહી રહી હતી, ‘ડોક્ટર! આજે સવારે જે પાંચ પેશન્ટ્સનાં ઓપરેશનો થયાં છે તેમને જોવા માટે આવો છોને? સાંજના રાઉન્ડનો સમય થઈ ગયો છે.’
‘ઓહ માય ગોડ! સિસ્ટર, આઇ એમ વેરી સોરી. એક અગત્યનું કામ હતું એટલે ભુલાઈ ગયું. હું હમણાં જ આવું છું.’ ડો. અગ્રજ આટલું કહીને ઊભો થઈ ગયો. ઘડિયાળમાં જોયું. પાંચ વાગ્યા હતા. પોસ્ટ ઓપરેટિવ રાઉન્ડનો સમય ચાર વાગ્યાનો હતો.
એ બબડ્યો, ‘સાલું, એક તરફ પેશન્ટ છે અને બીજી તરફ સામાજિક જવાબદારી. સિસ્ટર મને રાઉન્ડ માટે બોલાવે છે અને મમ્મી-પપ્પા લગ્ન માટે જીદ પકડીને બેઠાં છે. આ છોકરી જો અને પેલીને જો! હું તો શું કરું? વોર્ડમાં જઈને મારા દર્દીઓને તપાસું કે પછી...’
‘ભાઈ, એ જ કામ પહેલાં કર!’ ધીમા અવાજે પુછાયેલા સવાલનો મોટા અવાજમાં મળેલો જવાબ સાંભળીને ડો. અગ્રજ ચમક્યો. બારણાં તરફ જોયું તો એનો ગાઢ મિત્ર નીલ ઊભો હતો. નીલ એન્જિનિયરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરીને હમણાં જ બહાર આવ્યો હતો. પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપનીમાં જોડાયો હતો. અઠવાડિયામાં ત્રણ વાર ડો. અગ્રજને મળવા માટે હોસ્પિટલ કેમ્પસમાં આવી ચડતો હતો. એણે પોતાનું વાક્ય પૂરું કર્યું, ‘હું તો એવું માનું છું કે ડોક્ટરોએ લગ્ન કરવાં જ ન જોઈએ. પછી આવી મૂંઝવણ જ નહીં રહે, પત્ની પહેલાં કે પેશન્ટ?’
ડો. અગ્રજ મિત્રને જોઈને હળવો બની ગયો, ‘ઉલ્લુના પઠ્ઠા, તું યોગ્ય સમયે જ આવી ગયો. મને રૂમ લોક કરવામાં કંટાળો આવતો હતો. ચાલ, હવે તું રૂમમાં બેસ, ત્યાં સુધીમાં હું રાઉન્ડ પતાવીને...’
‘પણ તારે તો દોઢ-બે કલાક લાગી જશે.’
‘અરે! હોતું હશે? મૈં તો યૂં ગયા ઔર યૂં આયા!’ આટલું બોલીને ડો. અગ્રજ વોર્ડની દિશામાં ચાલી નીકળ્યો.
નીલ હવે એકલો પડ્યો. સમય કેવી રીતે પસાર કરવો? એણે ટેબલ પર પડેલી બુક્સ હાથમાં લીધી. ઉઘાડીને તરત જ બંધ કરી દીધી. માનવ-ખોપરીની અંદરની માયાજાળ અને એના અટપટા ડાયાગ્રામ્સ અને ઇમેજીસ જોઈને જ એ ગભરાઈ ગયો.
ત્યાં એની નજર લેપટોપ ઉપર પડી. ડો. અગ્રજ લેપટોપ ચાલુ રાખીને જ ચાલ્યો ગયો હતો. નીલે સહજતાથી કી-બોર્ડ પર ‘ક્લિક’ કર્યું. સ્ક્રીન ઝગમગી ઊઠ્યો, પણ પછી જે જોવા મળ્યું એનાથી નીલ અવાક બની ગયો. એક અવર્ણનીય, અનુપમ, મનભાવન, સૌંદર્યવતી યુવતીનો ચહેરો લેપટોપના સ્ક્રીનને શોભાયમાન કરી રહ્યો હતો.
‘ઓહ માય! માય! વ્હોટ એ બ્યૂટી! વ્હોટ એ સિમ્પ્લિસિટી! હું સપનું જોઈ રહ્યો છું કે..???’
અપલક નેત્રે ક્યાંય સુધી નીલ એ રૂપયૌવનાનો રૂપ નીતરતો ચહેરો નીરખી રહ્યો. પ્રત્યેક ક્ષણે એના દિલમાં એ ચહેરા પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું. લગભગ ત્રીસેક મિનિટ પછી એ મક્કમ નિર્ધાર પર આવી ગયો, ‘જો પરણીશ તો આ યુવતીને જ.’
એ નિર્ણય વધારે પાકો થાય ત્યાં સુધીમાં વોર્ડમાં ગયેલો ડો. અગ્રજ પાછો ફર્યો. એની સાથે વોર્ડબોય હતો. વોર્ડબોયના હાથમાં બે મલાઈ કુલ્ફી હતી. ડો. અગ્રજને ખબર હતી કે એના મિત્રને આ કેન્ડી ખૂબ પસંદ હતી.
‘જો તો નીલ! હું તારા માટે શું લાવ્યો છું?’ અગ્રજે ઉત્સાહપૂર્વક કહ્યું.
જવાબમાં પહેલાં એક ફળફળતો નિસાસો સંભળાયો, પછી દેવદાસના અવાજમાં બોલાયેલું વાક્ય, ‘હવે મારે બીજું કશું જ નથી જોઈતું, અગ્રજ! જો આપવું જ હોય તો આ અપ્સરાનું નામ આપ, સરનામું આપ અને એનો હાથ આપ!’
ડો. અગ્રજ થંભી ગયો. એક-બે પળ માટે તો એને સૂઝ્યું નહીં કે શું બોલવું! પછી થૂંકનો ઘૂંટડો ગળા નીચે ઉતારીને એણે કહ્યું, ‘એ ન્યાસા છે. મારી જ્ઞાતિની જ...’
ત્યાં તો નીલ ઊછળી પડ્યો, ‘એ તારી જ્ઞાતિની છે? ઓળખે છે તું એને? ત્યારે તો મામલો ફિટ થઈ ગયો દોસ્ત! હવે એનાં મમ્મી-પપ્પાને વાત કરવાથી લઈને અમારાં હનીમૂન સુધીની બધી જવાબદારી તારા માથે! મારી છાતી પરનો પહાડ દૂર થઈ ગયો.’
ડો. અગ્રજ ઘણું બધું કહી દેવા માગતો હતો, પણ નીલની હાલત, એનો ઉત્સાહ, ન્યાસા માટેની એની દીવાનગી આ બધું જોઈને એ ચૂપ થઈ ગયો. ન્યાસા હકીકતમાં એના માટેની કન્યા હતી. પપ્પાએ ફોન કરીને જણાવ્યું હતું, ‘મનુમાસાની નાની બહેનની દીકરીનું માગું આવ્યું છે. છોકરી ખૂબ જ હોશિયાર છે. સારું ભણેલી છે. રૂપાળી પણ ખૂબ જ છે. ન્યાસા નામ છે એનું. એણે તો તને ન્યાતના એક ફંક્શનમાં જોઈ લીધો છે. તું રજા લઈને અહીં આવે ત્યારે રૂબરૂમાં...’
પછી નાની બહેને ન્યાસાના કેટલાક ફોટોગ્રાફ્સ લેપટોપમાં મોકલી આપ્યા હતા. થોડીવાર પહેલાં ડો. અગ્રજ એ ફોટોગ્રાફ્સ જોવા બેઠો હતો, ત્યારે નર્સનો ફોન આવ્યો. પછી નીલ આવ્યો, પછી ઘટનાક્રમમાં અણધાર્યો વળાંક આવ્યો. નીલને એ ખૂબ ચાહતો હતો. દાયકાઓથી બંને ગાઢ મિત્રો રહ્યા હતા. બંને જણ બે દેહો અને એક પ્રાણ હતા! અગ્રજે તરત જ વાત સંભાળી લીધી, ‘યુ ડોન્ટ વરી, નીલ. હું મારા પપ્પાને વાત કરીશ. આવતા અઠવાડિયે હું ઘરે જવાનો છું ત્યારે...’
‘પણ તારા પપ્પાનું આમાં શું કામ છે? તું ન્યાસાના પપ્પાને મળીને એમને વાત કરને! જોજે હં! ફિલ્મ ‘શોલે’માં ધર્મેન્દ્રનું માગું લઈને અમિતાભ પેલી બસંતીની મૌસી પાસે જાય છે એના જેવું ન કરતો. જો ન્યાસા મને નહીં મળે તો હું મરી જઈશ.’
‘એટલે?’
‘આપઘાત.’ નીલની આંખો કહી આપતી હતી કે એ એની વાતમાં મક્કમ હતો.
‘ઓકે. તું મલાઈ કુલ્ફી ખા! હું તને વચન આપું છું, તારે મરવું નહીં પડે.’ રજાઓમાં ઘરે જઈને ડો. અગ્રજ કામ પર જોતરાઈ ગયો. સૌથી અઘરું કામ ન્યાસાને સમજાવવાનું હતું. વડીલોની વાત તો પછી આવતી હતી. પ્રથમ મુલાકાતમાં જ અગ્રજે ન્યાસા સમક્ષ નીલની વાત મૂકી, ન્યાસા કંપી ઊઠી.
‘તમે આ શું બોલી રહ્યા છો? મારા પપ્પાએ તો તમને પસંદ કર્યા છે.’ ન્યાસા બાપડી એવું ન બોલી શકી કે ‘હું પણ તમને જ વરી ચૂકી છું.’ પણ અગ્રજ ન્યુરોસર્જન હતો. માનવીના મનની વાત એ પામી શકતો હતો. એણે ન્યાસાને ભારપૂર્વક કહી દીધું, ‘હું તને બે જ વાત કહેવા આવ્યો છું. જો તું મને ચાહતી હોય તો મારા બદલે મારા મિત્રની સાથે પરણી જા. જો તું એવું નહીં કરે તો હું પણ તને રિજેક્ટ કરી દઈશ.’
ન્યાસાને જબરો આઘાત લાગ્યો, ‘આવું કેમ કરો છો? મારો શો વાંક?’
‘તારો એક જ વાંક છે, ન્યાસા. તું જરૂરથી વધારે સુંદર છે અને બીજો દોષ વિધાતાનો છે. એણે તારો ફોટો નીલની નજર સામે ધરી દીધો. તારા વગર મારો દોસ્ત જીવી નહીં શકે.’
‘પણ હું એક જીવતી-જાગતી, સંવેદનશીલ, સ્વપ્નિલ સ્ત્રી છું. હું કોઈ રમકડું નથી જેને તમે ધારો તેના હાથમાં.....’
‘ના, ન્યાસા, ના! તું આવું ન વિચારીશ. અમે બંને તને ખૂબ ઊંચા સ્થાને બેસાડીએ છીએ, માટે જ અમે તને સમજાવી રહ્યા છીએ.’ નીલ મારા કરતાં પણ વધુ હેન્ડસમ છે. તેજતર્રાર છે. કસરતી દેહ ધરાવે છે.
એ મારાથી વધુ ‘વિટ્ટી’ છે અને સૌથી મહત્ત્વની વાત એ તને મારા કરતાં અનેકગણો વધારે પ્રેમ કરે છે. તું દુ:ખી નહીં થાય. એક વાર તું હા કહી દે, પછી તારા પપ્પાને સમજાવવાની જવાબદારી મારી!’
કંઈક મનામણાં કર્યા પછી ન્યાસા તૈયાર થઈ ગઈ. એણે અગ્રજને વચન આપ્યું. અગ્રજ છુટ્ટો પડ્યો. બે દિવસમાં જ એણે તખ્તો પલટાવી નાખ્યો. માત્ર ગોળ-ઘાણા ખાવાનું જ બાકી રાખ્યું. બધાને મનાવી લીધા. ત્રીજા દિવસથી તો નીલ અને ન્યાસા મોબાઇલ ફોનમાં કલાકો સુધી વાતો કરતાં થઈ ગયાં.
યુવાન હૈયાંઓને એકબીજાની સાથે બંધાતાં વાર કેટલી? પંદરેક દિવસમાં તો ન્યાસાને પણ લાગવા માંડ્યું કે એ નીલને વર્ષોથી ઓળખે છે. એ એના પ્રેમમાં ગિરફતાર થઈ ગઈ. વાસ્તવમાં નીલે જ એને જીતી લીધી. લાગણીથી, રોમાન્સથી, ભરપૂર વાતચીતથી, સ્વભાવની મીઠાશથી. સાવ તાજી જ ઘટના છે. એક દિવસ બપોરના સમયે નીલ પોતાની બાઇક પર સવાર થઈને ગાંધીનગર જઈ રહ્યો હતો. અચાનક એક ગાંડાતુર હાથી જેવી ટ્રકની હડફેટમાં આવી ગયો.
નીલ ફૂટબોલની જેમ ઊછળીને જમીન પર પડ્યો. બેભાન થઈ ગયો. ડો. અગ્રજને સમાચાર મળ્યા. એકસો આઠ નંબર લાશ જેવા નીલને લઈને હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તો અગ્રજ પહોંચી ગયો. આઇ.સી.યુ.માં આખી ટીમને તૈયાર કરી દીધી. એ દોસ્તનો જીવ બચાવવાની ફરજમાં વ્યસ્ત હતો, ત્યાં જ એનો સેલફોન રણકી ઊઠ્યો. સામેથી ન્યાસા ચિંતાભર્યા સ્વરમાં પૂછી રહી હતી, ‘મેં સાંભળ્યું એ સાચું છે? મારા નીલને...? એક્સિડન્ટ? એ....?’
‘હા, એ જીવે છે ન્યાસા, પણ એની સ્થિતિ ક્રિટિકલ છે. એને હેડ ઇન્જરી થઈ છે. એ કોમામાં છે. શું થશે એ વિશે કંઈ જ કહી ન શકાય. વી આર ટ્રાઇંગ ટુ સેવ હિમ. તું ભગવાનને પ્રાર્થના કર. મારું માને તો ઈશ્વરની સામે કોઈ સંકલ્પ કર. નિયમ કે બાધા! એનાથી તારા મનને આધાર મળી રહેશે.’ ‘ઠીક છે. હું અત્યારે જ સંકલ્પ કરું છું. મારા નીલનો પ્રાણ બચાવવા માટે મારી સૌથી પ્રિય વસ્તુનો હું ત્યાગ કરીશ. હું પ્રાર્થના કરું છું, તમે સારવાર કરો.’ વાત પૂરી કરી.
ઉત્તમ પ્રકારની સારવાર અને અંગત કાળજીના પરિણામે નીલ બચી ગયો. દસમા દિવસે હરતો-ફરતો થઈ ગયો. હજુ એ હોસ્પિટલમાં જ હતો. એની નજર ન્યાસાને શોધતી હતી. ડો. અગ્રજે ન્યાસાને ફોન કર્યો, ‘તારો નીલ બચી ગયો છે, એ તને ઝંખે છે. તું ક્યારે આવે છે અહીં?’ જવાબમાં એક લાંબા ‘પોઝ’ પછી ન્યાસાનો અવાજ આવ્યો, ‘હવે હું ક્યારેય નહીં આવું. નીલનો જીવ બચાવવા માટે મેં મારી સૌથી પ્રિય ચીજનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો, એ ચીજનું નામ છે: નીલ.’
‘ન્યાસા...’ ડો. અગ્રજ ચીસ પાડી ઊઠ્યો.
‘હા અગ્રજ, હવે હું મારો સંકલ્પ નહીં તોડું. જો તું ઇચ્છે તો મારો સ્વીકાર કરી શકે છે. નહીંતર હું તમને બંનેને ત્યાગી દઈશ. નીલને કેવી રીતે સમજાવવો એ જવાબદારી તારી રહેશે. હું જાણું છું કે તારી સમજાવવાની શક્તિ ખૂબ સારી છે. આવજે! જો આવવું જ હોય તો જાન જોડીને, બેન્ડવાજાં સાથે, ઘોડી પર બેસીને આવજે. હું તારી વાટ જોઈશ.’
No comments:
Post a Comment