Tuesday, September 5, 2017

તકદીર કે રંગ કિતને અજીબ હૈ, અનજાને રિશ્તે હૈ ફિર ભી કરીબ હૈ


બહેન, હવે તમારે છેક વડોદરાથી વારંવાર અહીં ધક્કા ખાવાની જરૂર નથી. મેં સારવારની દિશા નક્કી કરી દીધી છે. એ પ્રમાણેની ટ્રીટમેન્ટ વડોદરાના ડૉક્ટર્સ પણ કરી શકશે. જરૂર પડે તો ત્યાંના ડૉક્ટરને કહેજો કે મારી સાથે ફોન પર વાત કરે.’
લગભગ એકાદ વર્ષની મહેનત પછી અને વીસેક ધક્કા ખાઈને થાકી ગયાં હોવાં જોઈએ એવાં એક પતિ-પત્નીને મેં આજથી ત્રણેક મહિના પહેલાં ઉપર મુજબનાં વાક્યો કહ્યાં.

તન્મયી અને તાપસ એક ‘રેર’ સ્થિતિનો ભોગ બનેલાં પતિ-પત્ની હતાં.
આજથી લગભગ એક-દોઢ વર્ષ પહેલાં જ્યારે એ બંને મારી પાસે આવ્યાં હતાં, ત્યારે એમની બેગમાં રિપોર્ટ્સની જાડી ફાઇલ હતી. જીવનમાં હતાશા અને આંખોમાં મારી પાસેથી ઘણી મોટી અપેક્ષા.
શરૂઆત તાપસે કરી હતી, ‘સર, હું વર્ષોથી તમારો વાચક છું. સાચું કહું તો મારી પત્નીએ તમને વાંચ્યા નથી, પણ મારા અતિશય આગ્રહને માન આપીને તન્મયી અહીં આવવા માટે તૈયાર થઈ છે.’
‘નો પ્રોબ્લેમ. તમારી વાઇફ મને વાંચે છે કે નહીં એના કરતાં મને એ જાણવામાં રસ છે કે એને તકલીફ શી છે.’ મેં નિખાલસ સ્મિત કરીને પૂછ્યું હતું.

અને તાપસે પ્લાસ્ટિકની થેલીમાંથી જાડી ફાઇલ બહાર કાઢીને મારા ટેબલ પર મૂકી દીધી. પછી એમની તકલીફ વિશે વિગતવાર માહિતી આપી.

ટૂંકમાં જણાવું તો આ સુંદર, શિક્ષિત યુગલને સંતાનરૂપે એક દીકરી હતી. એમને હવે બીજા બાળકની અપેક્ષા હતી. દીકરો આવે કે દીકરી એની ચિંતા ન હતી. જ્યારે પ્રથમ સંતાનની ઉંમર સાવ નાની હતી ત્યારે તન્મયી અનાયોજિતપણે ગર્ભવતી બની ગઈ હતી, પણ એ ગર્ભ દોઢેક માસ પછી આપોઆપ સુકાઈ ગયો હતો.

એ વખતે તન્મયીનો સોનોગ્રાફી રિપોર્ટ જોઈને વડોદરાના એક જાણીતા ગાયનેકોલોજિસ્ટે સલાહ આપી હતી, ‘ક્યુરેટિંગ કરાવી નાખો. આ ગર્ભ હવે વિકાસ પામે તેવો નથી.’

સલાહ સાચી હતી. તન્મયીએ ક્યુરેટિંગ કરાવી લીધું. એ પછી ત્રણેક વર્ષ પસાર થઈ ગયાં. હવે આ દંપતી બીજા બાળક માટે તૈયાર થઈ ગયું હતું, પણ મહિનાઓ સુધી કોશિશ કરવા છતાં સારું પરિણામ મળતું ન હતું.

એક ગાયનેકોલોજિસ્ટે લેપ્રોસ્કોપી અને હિસ્ટરોસ્કોપીની સલાહ આપી. આ સલાહ પણ સાચી જ હતી. આ શરીરનાં અંગોની દૂરબીન વડે આંતરિક તપાસ કરવાની એક ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. મને હવે એ તપાસનો રિપોર્ટ જાણવામાં રસ પડી રહ્યો હતો.

મેં ફાઇલના કાગળો ઉથલાવ્યા. રિપોર્ટ શોધી કાઢ્યો. રિપોર્ટમાં સ્પષ્ટપણે લખેલું હતું, ગર્ભાશયની દીવાલો એકમેકની સાથે ચોંટી ગઈ છે. તબીબી પરિભાષામાં આ સ્થિતિને એશરમેન્સ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.

‘સર, આવું બનવાનું કારણ સમજાવો.’ તાપસે પૂછ્યું.

મેં સાવધાનીપૂર્વક બોલવાનું શરૂ કર્યું. સાવધાની સાથે એટલા માટે કે એમને એવું ન લાગે કે વડોદરાના ડૉક્ટરે કશુંક ખોટું કર્યું છે.

‘તમે જ્યારે ક્યુરેટિંગ કરાવ્યું એ પછી કોઈ પણ કારણથી ગર્ભાશયની દીવાલ વધુ પડતી ઘસાઈ ગઈ છે અને અન્ય કારણથી સામે-સામેની બંને દીવાલો ચોંટી ગઈ છે. આવું કોઈ પણ ડૉક્ટરથી થઈ શકે છે, પણ જે થયું છે તેના કારણે ગર્ભાશયનું પોલાણ નષ્ટ થઈ ગયું છે, આથી ગર્ભધારણ થતું નથી.’

બંને જણાં સમજી શક્યાં, પણ આ તો માત્ર એમની તકલીફનું કારણ હતું, એનું નિવારણ ક્યાં હતું?

‘આનો ઉપાય છે, પણ લાંબો છે. જો તમારી પાસે ધીરજ હોય તો બતાવું.’, ‘અમે તૈયાર છીએ. અમારે તો પ્રેગ્નન્સી જોઈએ છે.’, ‘સૌથી પહેલું કામ તન્મયીએ કોપર-ટી મુકાવવાનું કરવું પડશે.’
મારી સલાહ સાંભળીને બંને ચોંકી ઊઠ્યાં. તાપસે પૂછ્યું પણ ખરું, ‘સર, અમે પ્રેગ્નન્સી રાખવા માટે તમારી પાસે આવ્યાં છીએ. તમે કોપર-ટીની સલાહ આપો છો? અમને એટલી તો ખબર છે કે કોપર-ટી મુકાવીએ તો ગર્ભ ન રહે.’

તાપસની દલીલ સાચી હતી, ‘પણ એણે જે સાંભળ્યું હતું એટલા પૂરતી સાચી હતી. જન સામાન્યને માત્ર એટલી જ ખબર હોય છે કે કોપર-ટી એ ગર્ભનિરોધક સાધન છે, પણ એના બીજા ઉપયોગો વિશે સામાન્ય લોકોને માહિતી હોતી નથી. મેં તાપસને કહ્યું, ‘તમારી વાત સાચી છે. તન્મયીના ગર્ભાશયમાં પણ જ્યાં સુધી કોપર-ટી રહેશે ત્યાં સુધી એ ગર્ભ ધારણ નહીં કરી શકે, પણ ઓછામાં ઓછા છ મહિના માટે તો તમારે કોપર-ટીવાળો ઉપાય અપનાવવો જ પડશે. કોપર-ટીના કારણે એના ગર્ભાશયની ચોંટેલી દીવાલો છૂટી પડી જશે. એ પછી કોપર-ટી કઢાવી નાખજો.’

બંને જણાં શિક્ષિત હતાં. સમજદાર હતાં. સૌથી મહત્ત્વની વાત કે એમને મારા વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. એમણે આંખો બંધ કરીને મારી વાત સ્વીકારી લીધી. કોપર-ટી મુકાવી લીધી. સમય વીતતો ગયો. છ મહિના પૂરા થઈ ગયા. એક દિવસ તાપસનો ફોન આવ્યો, ‘સર, હવે કોપર-ટી કઢાવી નાખીએ? ગર્ભાશયની આંતરિક દીવાલ જાડી થઈ ગઈ હશે?’

‘એ જોવું પડશે. તમે એક સોનોગ્રાફી રિપોર્ટ કરાવો અને એનો ફોટો પાડીને મને ‘વોટ્સએપ’ પર મોકલી આપો. આવું કહેવા પાછળ મારો આશય એક જ હતો, મારા પેશન્ટને વડોદરાથી અમદાવાદનો ધક્કો ન થાય.’

તાપસે ફોટો મોકલી આપ્યો. રિપોર્ટ સંતોષજનક ન હતો. મેં કોપર-ટી કઢાવવાની ના પાડી દીધી. જો બીજું કોઈ કપલ હોત તો જરૂર અકળાઈ ગયું હોત, કારણ કે એ લોકોને સંતાનપ્રાપ્તિની ઉતાવળ હતી અને હું ગર્ભ ન રહે એવો ઉપાય બતાવી રહ્યો હતો.

બે-ત્રણ મહિના બીજા પસાર થઈ ગયા. મેં ગર્ભાશયની અંદરની દીવાલ જાડી થાય એ માટેની ખાસ સારવાર લખી આપી. ઘણી વાર એવું બનતું કે હું પ્રિસ્ક્રિપ્શન ટાઇપ કરીને મોકલી આપું, પણ તાપસ-તન્મયી એ સ્વીકારી લેવાને બદલે ખાસ ગાડી લઈને મને મળવા માટે અમદાવાદ દોડી આવે.

હું પૂછું, ‘અરે! આવું શા માટે કરો છો?’

એ હસીને ખુલાસો આપે, ‘સર, અમારા મનમાં જરા પણ કન્ફ્યૂઝન ન રહી જવું જોઈએ. અમને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે. ડૉક્ટરો તો વડોદરામાં પણ છે જ ને?’

છેલ્લે બે વાર તો એ બંને ખાસ સોનોગ્રાફી ટેસ્ટ કરાવવા માટે અમદાવાદ આવી ગયાં. અંતે એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે હવે તન્મયીના ગર્ભાશયની દીવાલ જેવી હોવી જોઈએ તેવી થઈ ગઈ છે.

મેં કોપર-ટી કાઢી આપી. પછી લીલી ઝંડી ફરકાવતાં કહ્યું, ‘હવે તમે પ્રેગ્નન્સી રહી જાય તે માટે પ્રયત્નો કરી શકો છો. હું એ માટેની ગોળીઓ લખી આપું છું. તમે વડોદરામાં ઓવ્યુલેશન સ્ટડી કરાવીને મને જણાવતાં રહેજો. આ એક એવી તપાસ છે જેમાં દર મહિને ચોક્કસ દિવસોમાં તમારે ત્રણથી ચાર વાર સોનોગ્રાફી રિપોર્ટ માટે જવું પડશે. જે દિવસે સ્ત્રીબીજ છૂટું પડ્યું છે એવું જાણવા મળે તે દિવસે સમાગમ કરશો તો ઇચ્છિત પરિણામ મળવાની શક્યતા વધી જશે.’

એકાદ મહિનો એ પ્રમાણે ચાલ્યું, પણ તાપસે ઓવ્યુલેશન સ્ટડી માટે ચાર-પાંચ વાર અમદાવાદના ધક્કાઓ ખાવાનું જ પસંદ કર્યું, ‘સર, ભલે દરેક ધક્કો અમને બેથી અઢી હજારમાં પડે પણ...! અમને તમારામાં જ શ્રદ્ધા છે.’
બે મહિના સુધી વારંવારના આંટાફેરા અને પાણીની જેમ પૈસા ખર્ચ્યા પછી પણ ગર્ભધારણ ન થયું. એ લોકો થાક્યાં હશે કે નહીં એ ભગવાન જાણે, પણ હું થાકી ગયો.

આખરે મેં કહી દીધું, ‘બહેન, હવે તમારે છેક વડોદરાથી અહીં સુધીના ધક્કા ખાવાની જરૂર નથી. મેં સારવારની દિશા નક્કી કરી આપી છે. એ પ્રમાણેની ટ્રીટમેન્ટ વડોદરામાં પણ...’
‘નહીં સર. અમારી ચિંતા છોડી દો. ભલે છ મહિના લાગે કે બે વર્ષ નીકળી જાય, અમે સારવાર તો તમારી જ ચાલુ રાખીશું.’ તાપસે દૃઢતાપૂર્વક કહી દીધું. તન્મયીની પણ એમાં સંમતી ભળી.
ત્રીજા મહિને પરિણામ મળી ગયું. વડોદરાથી ખાસ ‘કન્ફર્મ’ કરવા માટે જ તન્મયી મારી પાસે આવી પહોંચી, ‘સર, આ વખતે તારીખની ઉપર થોડાક દિવસો ચડ્યા છે. મેં યુરિન ટેસ્ટ જાતે જ કરી લીધો છે. પોઝિટિવ આવ્યો છે.’

મારી ખુશીનો પાર ન હતો. શું આ માત્ર મારી સારવારનું જ પરિણામ હતું? સારવાર તો બધા ડૉક્ટરો એક જ પ્રકારની આપતા હોય છે. દરેકની પદ્ધતિમાં ફરક હોઈ શકે છે, પણ ખરી સફળતા આ સમજુ દંપતીની મારામાં રહેલી અપાર શ્રદ્ધા અને અખૂટ ધીરજના કારણે મળી હતી.

‘કોંગ્રેચ્યુલેશન્સ બહેન, તારે જે જોઈતું હતું તે તને મળી ગયું છે. હવે પ્રેગ્નન્સીની સારવાર માટે તું વડોદરાના જ કોઈ ડાૅક્ટર પાસે...’

‘નહીં સર, તાપસ બિઝી હોવાના લીધે આજે સાથે આવી શક્યા નથી, પણ એમણે નિર્ણય કરી લીધો છે સારવાર માટે તમારી પાસે જ આવીશું. તમે મહિનામાં જ્યારે, જેટલી વાર બોલાવશો ત્યારે, તેટલી વાર...’ તન્મયી બોલી રહી હતી અને મારી આંખો, મારું ગળું અને મારું મન ભીનું ભીનું થઈ રહ્યું હતું.

No comments:

Post a Comment