Tuesday, September 5, 2017

તુ એકાદ સપનાનો દસ્તાવેજ મોકલ, હું હૃદયની મિલકત ગીરવે મૂકી દઉં!


તુ એકાદ સપનાનો દસ્તાવેજ મોકલ, હું હૃદયની મિલકત ગીરવે મૂકી દઉં!
મા ઇક પર એનાઉન્સરે જાહેર કર્યું: ‘અબ આ રહા હૈ આજ કી ઇસ સૂરીલી મેહફિલ કા સબસે બહેતરીન ગાના જીસે પેશ કરેંગે હમારી કૉલેજ કા બેસ્ટ મેલ સિંગર મિ. નિશાન્ત નાણાવટી...! ફિલ્મ કા નામ હૈ સૂરજ. ગીતકાર હરસત જયપુરી. આવાઝ મહંમદ રફી સાહબકી. ઔર, ઇસ ગાનેકો સ્વરબદ્ધ કિયા હૈ સંગીતકાર શંકર-જયકિસનને...’

એનાઉન્સરનો અવાજ કૉલેજિયન છોકરા-છોકરીઓની ચિચિયારીઓ, સીટીઓ અને તાળીઓના ત્રિવિધ શોરમાં દબાઇ ગયો. પછી તરત જ એક ઊંચા, ગોરા, હેન્ડસમ યુવાનની સ્ટેજ પર એન્ટ્રી થઇ. સભાગૃહમાં પીનડ્રોપ શાંતિ પ્રસરી ગઇ. આ શાંતિ અપેક્ષાભરી શાંતિ હતી. કાર્યક્રમના સર્વશ્રેષ્ઠ ગીતને સાંભળવા માટેની શાંતિ હતી. છેલ્લાં બબ્બે વર્ષથી કૉલેજના વાર્ષિકોત્સવમાં બેસ્ટ મેલ સિંગરનો એવોર્ડ જીતી જનાર નિશાન્તના અવાજને પી જવા માટેની શાંતિ હતી.

ડાર્ક બ્લુ કલરના જીન્સ અને વેનિલા રંગના બ્લેઝરમાં ફિલ્મી હીરો જેવા હેન્ડસમ દેખાતા નિશાન્તે એક નજર પાછળ બઠેલા વાજિંત્રકારો તરફ ફેંકી લીધી, પછી ઓડિયન્સ સામે જોઇને જાણે ત્રાટક કરતો હોય એવી નજરે જોઇને ભાવપૂર્ણ સ્વરમાં ગીત ઉપાડ્યું: ‘બહારો ફૂલ બરસાઓ... મેરા મહેબૂબ આયા હૈ...’

એનો ઘૂંટાયેલો, મીઠો અવાજ દોઢ હજાર શ્રોતાઓના ત્રણ હજાર કાનોમાં જલેબીની ચાસણી બનીને ઠલવાયો. નિશાન્તની પહેલાંના વીસેક કલાકારો સ્ટેજ પર આવીને નવી ફિલ્મોના રેઢિયાળ ગીતો રજૂ કરી ગયાં હતાં. દ્વિઅર્થી શબ્દો અને ઘોંઘાટિયું સંગીત અને અશ્લીલ ચેનચાળા સિવાય એ ગીતોમાં બીજું કશું જ ન હતું. હુડ... હુડ... દબંગ... દબંગ અને ઢિંકા ચિકા... ઢિંકા ચિકા જેવાં ગીતો પર જુવાન શ્રોતાઓએ શોરગૂલ તો ખૂબ મચાવ્યો, પણ એ બધાં ગીતો ભાદરવાના ભીંડા જેવા સાબિત થયાં. શ્રોતાઓના દિલ પર કોઇ ચિરકાલીન છાપ છોડી શક્યાં નહીં.

પણ નિશાન્તના ગીતે ઓડિયન્સને વશીભૂત કરી લીધું. આગળનાં ગીતોમાં બધાના હાથ-પગ ડોલતા હતા, આ ગીતમાં સહુનાં મસ્તકો ડોલવા માંડ્યાં. નિશાન્તે મૂળ સાઉન્ડ ટ્રેક સાથે ત્રણેય અંતરા પૂરા કર્યા એ સાથે જ ઓડિયન્સમાંથી ‘વન્સ મોર... વન્સ મોર’ના પોકારો ઊઠ્યા. એનાઉન્સરે શ્રોતાઓની સામૂહિક ફરમાઇશ આગળ નમતું જોખીને નિશાન્તને વિનંતી કરવી પડી.

નિશાન્તે વચ્ચેનો અંતરો ફરીથી રજૂ કર્યો. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સ્ટેજ પરના કાર્યક્રમોમાં જે ગીત ખૂબ જામ્યું હોય તે ‘વન્સ મોર’માં ફરીથી એવી જમાવટ કરી શકતું નથી. પણ નિશાન્તે તો પહેલાંના કરતાં પણ એ અંતરો વધારો ભાવોદ્રેકથી અને ઊલટથી ગાઇ બતાવ્યો. યુવાનો ઝૂમી ઊઠ્યા. યુવતીઓ ઓળઘોળ થઇ ગઇ. ફરી પાછી ફરમાઇશ ઊઠી: ‘વન્સ મોર...! વન્સ મોર...!’

આ વખતે નિશાન્તે જ જવાબ આપ્યો: ‘માય ફ્રેન્ડ્ઝ! આઇ એમ સોરી. આઇ કાન્ટ સિંગ ધીસ સોન્ગ અગેઇન એન્ડ અગેઇન. કોઇ મારો તો વિચાર કરો. હું આટલી લાગણી સાથે આ સોન્ગ રજૂ કરું છું, તો પણ મારા માટે કોઇ મહેબૂબા તો પધારતી નથી. ખાલી ગીત ગાયા કરવાથી મારું મન થોડું ભરાવાનું છે?

નિશાન્તના હૈયામાંથી ઊઠતી ફરિયાદનો પ્રતિસાદ પાઠવતી હોય એમ જ ઉદ્્ઘોષિકાએ જાહેર કર્યું, ‘નાઉ કમ્સ મિસ નવ્યા ફોર એ ડાન્સ પરફોર્મન્સ! શી વિલ પ્રેઝન્ટ એ ફિલ્મી સોન્ગ બેઝ્ડ ઓન ક્લાસિકલ નંબર ફ્રોમ ગાઇડ.’

અને નવ્યાનો પ્રવેશ થયો. જાણે આકાશમાંથી તેજ ખર્યું! શાસ્ત્રીય નૃત્યશૈલીને અનુરૂપ પરંપરાગત વસ્ત્ર-પરિધાનમાં પગમાં ઘૂંઘર બાંધીને જાણે ઇન્દ્રના દરબારની કોઇ નર્તકી પૃથ્વીના રંગમંચ પર રમવા માટે ઊતરી હોય એવી એ જાજરમાન દીસતી હતી!

શ્રોતાસમૂહે તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધી. અને બેકગ્રાઉન્ડમાંથી ગીત ઊઠ્યું: ‘પિયા તોસે નૈના લાગે રે...!’
સભાગૃહમાં તમામ જીવો એક નજર બનીને નવ્યાને જ જોઇ રહ્યા હતા, એક કાને સાંભળી રહ્યા હતા. જે ગીતમાં વહીદા રહેમાન જેવી પ્રતિભાવંત અભિનેત્રીએ અનેક વારના રીહર્સલ્સ પછી અને અસંખ્ય ટેક-રીટેક્સ પછી જે શ્રેષ્ઠ પરફોર્મન્સ રજૂ કર્યું હોય તે જ નૃત્યને લાઇવ પેશ કરવું એ લગભગ અશક્ય કાર્ય બની રહે. પણ નવ્યાએ અડધી બાજી એનાં સૌંદર્ય વડે જીતી લીધી અને બાકીની અડધી એની કળા વડે.

દસ મિનિટ કરતાં પણ વધુ લાંબા ચાલેલા આ નૃત્યે જોનારાઓના દિલ જીતી લીધા. અને એ દિલવાળાઓમાં એક નામ નિશાન્તનું પણ હતું.
કાર્યક્રમ પૂરો થયા પછી નિશાન્ત નવ્યાને મળ્યો, ‘અભિનંદન! તમે તો બધાનું ચિતડું ચોરી લીધું! ખૂબ સુંદર નૃત્ય!’
‘તમે પણ ક્યાં ઓછા છો? તમારા અવાજમાં સંમોહન છે. જે સાંભળે તે તમારા પ્રેમમાં પડી જાય.’

‘ઓહ! તો હું જ્યારે ગાતો હતો ત્યારે તમે ક્યાં હતાં?’ નિશાન્તે રૂપની રાણીને શબ્દોની ભૂલભૂલામણીમાં રમાડવા માંડી.
‘હું? હું અહીં જ હતી. હું પણ તમને સાંભળી રહી હતી.’
‘આઇ સી!’

‘કેમ, શું થયું?’
‘કંઇ નહીં. આ તો તમે જ હમણાં કહ્યું ને કે જે મારો અવાજ સાંભળે એ મારા પ્રેમમાં પડી જાય! તમે પણ મારો અવાજ સાંભળ્યો...’
નવ્યાના દિમાગમાં હવે જ અજવાળું થયું. એણે પોતે જ ઉચ્ચારેલાં બે વાક્યોમાં એ સ્વયં પકડાઇ ગઇ હતી!
‘હું... હું... મારા કહેવાનો મતલબ... આઇ મીન...’ એ ફાંફાં મારવા લાગી.

નિશાન્તે એની વિમાસણ દૂર કરી આપી, ‘આવી રીતે અવાજને લડખડાવવાથી સાચો જવાબ નહીં મળે, નવ્યા. જો સાચો જવાબ મેળવવો હોય તો તમારા હૃદયની અંદર ડોકિયું કરો. પછી જે મળે તેનો પ્રામાણિકતાથી સ્વીકાર કરો. અને પછી હિંમતથી એનો એકરાર કરો.’
નવ્યા ચૂપચાપ ઊભી રહી ગઈ. સ્ટેજના ગ્રીનરૂમમાં બંને એકલા જ રહ્યાં હતાં. ધીમે ધીમે બધા સરકી ગયાં હતાં. નવ્યાએ આસપાસમાં નજર ફેરવી લીધી. પછી સુકાતી સ્વરપેટીમાંથી ધ્રૂજતા અવાજમાં શબ્દો બહાર કાઢ્યા. ‘હું તમને ચાહું છું, નિશાન્ત. મને પણ એ સમજાતું નથી કે આજે મારી સાથે આવું કેમ બન્યું છે. તમે ને હું આમ તો છેલ્લાં ત્રણ-ત્રણ વર્ષથી એક જ કૉલેજમાં ભણતાં રહ્યાં છીએ. મેં તમને આ પહેલાં પણ પાંચસો વાર જોયા હશે. તમે દેખાવમાં હેન્ડસમ છો એટલે કંઇ હું તમારા પ્રેમમાં પડી જાઉં એટલી તો હું ભોળી નથી. તો આજે આવું...?’

નિશાન્ત હસ્યો, ‘એનું કારણ હું સમજાવું. નવ્યા, જે માત્ર બાહ્ય દેખાવથી જન્મે છે એ સાચો પ્રેમ નથી હોતો, તમે જો કોઇના આંતરિક વ્યક્તિત્વથી આકર્ષાવ છો તો જે પ્રગટે છે તે પ્રેમ હોય છે. તને મારા અવાજનું આકર્ષણ થયું છે, મને તારા નૃત્યનું. આ પ્રેમ કળા પ્રત્યેનો પ્રેમ છે, કળાકાર તો ગૌણ બની જાય છે.’

એ દિવસ પછી નિશાન્ત-નવ્યાનો પ્રેમ આખી કૉલેજમાં જાહેર થઇ ગયો. બંને સાથે જ ફરવા લાગ્યાં. કૉલેજનો ક્લાસરૂમ, કૉલેજની કેન્ટીન, ગાર્ડન પોર્ચ, લાઇબ્રેરીની પાછળનો સૂમસામ ખૂણો આ બધાં એમના પ્રેમનાં સાક્ષી સ્થાનો બની રહ્યાં. કૉલેજના પ્રાંગણમાં ઊભેલું એક-એક વૃક્ષ એમના સંવાદોનું શ્રોતા બની રહ્યું. ‘પત્તા પત્તા, બુટ્ટા બુટ્ટા, હાલ હમારા જાને હૈ...’ આ વાત અલગ સંદર્ભમાં સાચી પડી રહી.
કૉલેજનું છેલ્લું વર્ષ હતું.

છેલ્લી ટર્મ હતી. છેલ્લી પરીક્ષા હતી. બધું પૂરું થયું. બંને પાસ થઇ ગયાં. યુનિવર્સિટીને બદલે હવે જગતના અનુભવો અને સંઘર્ષોની બનેલી ઓપન યુનિવર્સિટીમાં દાખલ થયાં.
નિશાન્તે ઘરમાં વાત રજૂ કરી. પપ્પાએ તરત જ માથું હલાવ્યું, ‘મને કેટલાયે દિવસોથી ખબર હતી. હું રાહ જોતો હતો કે ક્યારે તું મને પૂછે છે? મેં મારી રીતે કન્યા વિશે અને એના ખાનદાન વિશે બારીક તપાસ કરાવી લીધી છે.’

‘શું જાણવા મળ્યું?’ મમ્મી વાતમાં કૂદી પડી.
‘બીજું બધું તો સારું છે, પણ... છોકરી...’ પપ્પા ગંભીરતાપૂર્વક આટલું બોલીને અટકી ગયા.

નિશાન્તનો જીવ અધ્ધર થઇ ગયો, ‘પપ્પા, શું જાણવા મળ્યંુ? ઝટ કહો ને? નવ્યા વિશે કોઇએ તમારા કાન ભંભેર્યા લાગે છે!’
‘ના, દીકરા! તારો બાપ એવા કાચા કાનનો નથી. મેં જે સાંભળ્યું એ સાચું નીકળ્યું. મેં જાત-તપાસ પણ કરાવી છે. નવ્યા...’
‘શું છે નવ્યાનું?’

‘નવ્યા કોઇના પ્રેમમાં છે!!! આજથી આઠેક મહિના પહેલાં તમારી કૉલેજમાં મ્યુઝિકલ નાઇટ કે એવું કંઇક હતું. એમાં કોઇ છેલબટાઉ, આવરા, લફંગાએ જૂની ફિલ્મનું કોઇ રોમેન્ટિક ગીત ગાયું હતું. નવ્યા એ સાંભળીને, ભાઇસાહેબના પ્રેમમાં પડી ગઇ. ત્યારથી એ બંનેનું લફરું...’

‘ઓહ પપ્પા! યુ આર કરમચંદ જાસૂસ! યુ આર ગ્રેટ!’ નિશાન્ત કૂદીને પપ્પાને વળગી પડ્યો.
પછીની પ્રક્રિયા ‘ફાર્સ્ટ ફોરવર્ડ’ની જેમ દોડવા માંડી. બંનેના પેરેન્ટ્સનું મળવું, ગોળ-ધાણા ખાવા, મેરેજ કરવા, રિસેપ્શન યોજવું અને હનિમૂન માટે ઊડી જવું, ઊપડી જવું.

લગ્ન પછી બંનેએ એમની કળાને જ આજીવિકાનું માધ્યમ બનાવી દીધું. એક સેક્રેટરી રાખી લીધો. ઑફિસ તો પપ્પાની હતી જ. વ્યવસ્થિત પબ્લિસિટી દ્વારા માર્કેટિંગ કરવા માંડ્યું. ધીમે ધીમે સ્ટેજ શો શરૂ કરી દીધા. નિશાન્ત હિન્દી ફિલ્મોનાં ગીતો ગાય અને નવ્યા એમાંનાં સાતેક ગીતો પર પરફોર્મન્સ આપે.

બહુ ઝડપથી બંને જામી ગયાં. ચારે તરફ નામ થઇ ગયું. નાણાંનો વરસાદ વરસવા લાગ્યો. નિશાન્ત અને નવ્યાની ગણના એક સેલિબ્રિટી કપલ તરીકે જામી ગઇ.
અચાનક એક દિવસ નિશાન્તના શરીર પર સોજા આવ્યા. પગ પર તો ખરા જ પણ એનાથી વધુ તો ચહેરા પર. ફેમિલી ડૉક્ટર ચિંતામાં પડી ગયા, ‘આ સ્થિતિ બહુ સારી ન ગણાય. હું તમને નેફ્રોલોજિસ્ટ પર રેફરન્સ ચિટ લખી આપું છું.’

નેફ્રોલોજિસ્ટે ચેકઅપ અને પરીક્ષણો કરાવ્યાં બાદ નિદાન જાહેર કર્યું, ‘એક્યુટ બાઇ-લેટરલ રીનલ ફેઇલ્યોર છે. તમારી બંને કિડનીઓ કામ કરતી બંધ થઇ ગઇ છે.’
‘સારવાર?’

‘કામચલાઉ ઉપાય ડાયાલિસિસ છે, કાયમી ઉપાય કોઇ તંદુરસ્ત દાતાની કિડની કાઢીને તમારા શરીરમાં પ્રત્યારોપણ...’
આ સાંભળીને તરત નવ્યા બોલી ઊઠી, ‘હું મારી એક કિડની આપવા તૈયાર છું.’ નિશાન્તે બહુ સમજાવી, પણ એ મક્કમ રહી. નેફ્રોલોજિસ્ટે બંનેના ટેસ્ટ્સ કરાવ્યા.મેચિંગ કરાવ્યું. બધું બરાબર આવ્યું. નવ્યાની કિડની કાઢીને નિશાન્તના શરીરમાં બેસાડી દેવામાં આવી.

છ-આઠ મહિના પછી નિશાન્તે કહ્યું, ‘નવ્યા, આમ તો હું સાજો-સારો થઇ ગયો છું, પણ મારો આત્મવિશ્વાસ ડગી ગયો છે. હું હવે ગામ-પરગામ ફરીને સ્ટેજ શૉઝ કદાચ નહીં કરી શકું. મને દુ:ખ એ વાતનું છે કે મારા કારણે તમારી કારકિર્દી પણ...! તું જો ઇચ્છે તો બીજા ગ્રૂપ્સની સાથે જોડાઇને પરફોર્મન્સ આપી શકે છે.’

‘ના, નિશાન્ત! જ્યાં તું ત્યાં હું. મારું નૃત્ય ફક્ત તારાં ગીતો માટે જ હતું. આપણે બંને એ બધું ભૂલીને હવે નવી કારકિર્દી અપનાવીશું. મેં નાના પાયા પર બિઝનેસ શરૂ કરી પણ દીધો છે. પપ્પા આપણી સાથે છે. તું માત્ર ઑફિસ સંભાળજે, બહારની દુનિયા હું સાચવી લઇશ.’

અને નિશાન્ત ઊભો થઇને નવ્યાને ભેટી પડ્યો.

No comments:

Post a Comment