Tuesday, September 5, 2017

પૂછશે ઘરે કે કેમ પલળ્યા હતા? કહીશું, રસ્તામાં ભીનાં નયન મળ્યાં હતાં...


પૂછશે ઘરે કે કેમ પલળ્યા હતા? કહીશું, રસ્તામાં ભીનાં નયન મળ્યાં હતાં...
નામ આદિત્યરાજસિંહ ચુડાસમા. જન્મે, કર્મે અને હિંમતે રાજપૂત. ઉંમર વર્ષ છવ્વીસ. છ ફીટ, બે ઇંચની હાઇટ. સિંહના જેવી પાતળી કમ્મર. વાઘના જેવી આંખો. ચિત્તા જેવી ચપળતા. અશ્વની રવાની અને એક સાચા ક્ષત્રિયમાં હોય તેવી તમીજ.

આદિત્યરાજ ક્યારેય કારમાં ન બેસે. એનું પ્રિય વાહન બાઇક. બાપુ જમીનદાર એટલે પૈસાની પૂરેપૂરી છૂટ. અઢાર લાખ રૂપિયાની કિંમતની મોટર બાઇક પર સવાર થઇને આદિત્યરાજ નીકળે ત્યારે રસ્તા પરનો ટ્રાફિક બે ભાગમાં વહેંચાઇ જાય, પોણા બસો કિલોગ્રામ વજનની એ શાહી સવારી જ્યારે સડક પરથી ગુજરતી હોય ત્યારે એના સાતસો અઠ્ઠાણું 
સી.સી.ના એન્જિનનો અવાજ કાચા-પોચા રાહદારીના હૈયાને પળવાર માટે થંભાવી દેવા માટે પૂરતો બની જાય.

આદિત્યરાજ કોલેજ પૂરી કરીને પાંચેક વર્ષથી પિતાએ ખોલી આપેલા બિઝનેસમાં બેસી ગયા હતા, પણ એ ઓફિસમાં જવલ્લે જ જોવા મળતા હતા.
‘મને ડનલોપની પોચી ગાદીવાળી રિવોલ્વિંગ ચેર કરતાં મારી બાઇકની સીટ પર બેસવાનું વધુ ગમે છે.’ એ કહેતા હતા. પોતાનાં વસ્ત્રોની બાબતમાં બે-પરવાહ હતા; એ મિત્રોને ઘણીવાર ટોણો મારી દેતા હતા, ‘તમે બધાં શું ટાપટીપ કર્યા કરો છો? આપણે તો મરદ મૂછાળા ભાયડા છીએ.

શરીર સુદૃઢ હોય તો એની ઉપર ફાટેલું કંતાન ઓઢીયે તો યે રૂડું લાગે.’ આવું માનનાર આદિત્યરાજ પોતાની બાઇકની ટાપટીપ કરવામાં પાછું વાળીને જોતા ન હતા. રોજ સવારે પહેલું કામ એ બાઇકને નવડાવવાનું અને શણગારવાનું કરતા હતા. પૂરેપૂરા સક્ષમ, યુવાન અને કામણગારા હોવા છતાં આદિત્યરાજને કોઇએ છોકરીઓમાં રસ લેતા જોયા ન હતા. એ કહેતા હતા, ‘મારી બાઇક એ જ મારી પ્રેયસી છે. મને કોઇ રૂપાળી યુવતીના કંઠમાંથી ઝરતો મધુર ટહુકો સાંભળવામાં રસ નથી પડતો, મારો તમામ રોમાંચ અને રોમાન્સ જ્યારે હું મારી બાઇકને ‘કિક’ મારું છું ત્યારે એના ફાયરિંગના અવાજમાં જ સમાઇ જાય છે.’

આટલું મોંઘું બાઇક વસાવવાનું કારણ એક જ; આદિત્યરાજને રેસિંગનો ગાંડો શોખ. શહેરની બહાર મિત્રોની સાથે પહોંચી જાય અને પછી બાઇકની રેસ લગાવે. બાપુની હિંમત અને બાઇકની કેપેસિટી આ બંને ભેગા થાય એ પછી કોણ ટકી શકે? ધીમે ધીમે આદિત્યરાજે સમાન શોખ ધરાવતા મિત્રોનું એક ગ્રૂપ જમાવ્યું. લગભગ વીસેક યુવાનો એમાં જોડાઇ ગયા. જ્યારે પણ લાંબી સફર ખેડવાનો મૂડ આવે ત્યારે આદિત્યરાજ બધાને ફોન કરી દે: ‘આવતી દસમી તારીખે તૈયાર રહેજો બધા.’

‘કઇ દિશામાં જવાનું છે?’
‘ઉત્તરાખંડ તરફ. ફક્ત બે જોડી કપડાં. જીન્સ અને ટી-શર્ટ. એક જેકેટ લઇ લેજો. ઠંડીમાં અને વરસાદમાં બંનેમાં ચાલે તેવું. સારી કંપનીના બ્રાન્ડેડ સ્પોર્ટ્સ શૂઝ. અને એક રકસેક. ખાવાનું અને પાણીની બોટલ્સ જ્યાં મળે ત્યાંથી લઇ લેવાની. ઇઝ ઇટ ઓ.કે. વિથ યુ?’

‘ઓ.કે.’ દોસ્તોએ પડઘો પાડ્યો. અને પૂરી તેયારી સાથે દસમી તારીખે વીસ જણાનો કાફલો નીકળી પડ્યો. એક સાથે વીસ બાઇક્સનાં એન્જિનો સ્ટાર્ટ થયાં અને પૂરેપૂરી સ્પીડમાં દોડવા લાગ્યા. પાંચ જ મિનિટ પછી આદિત્યરાજસિંહની સવારી બધાં કરતાં આગળ નીકળી ગઇ. પ્રથમ પડાવ પર પહોંચીને આદિત્યરાજે પોણો કલાક સુધી મિત્રોની રાહ જોવી પડી. એટલા સમયમાં તેણે એ સ્થાનનું સંપૂર્ણ અવલોકન કરી લીધું. ક્યાં ફ્રેશ થવું, ક્યાં સારું ભોજન મળશે, ક્યાં બે કલાક આરામ કરી શકાશે, આ બધું જોઇ-તપાસીને એણે સગવડ કરી લીધી.

પછી તો આ રોજનો ક્રમ બની ગયો. આવો જ એક દિવસ. બપોરનો આરામ પતાવીને વીસ મિત્રો સાંજના પ્રવાસ માટે તૈયાર થયા. હવે પછીનું રોકાણ લગભગ અઢીસો કિ.મી. દૂર આવેલું હતું. રાબેતા મુજબ આદિત્યરાજ બધાથી આગળ નીકળી ગયો. લગભગ બસો કિ.મી. કપાઇ ગયા હશે. સૂરજ આથમી રહ્યો હતો. આછું એવું અંધારું છવાયે જતું હતું. આદિની બાઇક ગાઢ જંગલમાંથી પસાર થતી હતી. જ્યાં જંગલ પૂરું થાય ત્યાંથી વસ્તી શરૂ થવાની હતી.

અચાનક આદિની નજર એક દૃશ્ય પર પડી. એણે બાઇકની બ્રેક મારી. ગતિ ધીમી પડી ત્યાં સુધીમાં દૃશ્ય વધારે સ્પષ્ટ થઇ ગયું. 
આદિએ બાઇકની હેડલાઇટના શેરડામાં જોયું કે સ્વર્ગમાંથી ઊતરી આવી હોય એવી એક અપ્સરા ત્યાં આવેલા જંગલી અવાવરું કૂવાના કાંઠા પર ઊભી હતી અને કૂવામાં પડતું મૂકવાની તૈયારીમાં હતી.
આદિત્યરાજે જંગલ ગાજી ઊઠે એવી બૂમ પાડી, ‘હે....યુ! હોલ્ડ ઓન ધેર ઓન્લી! સ્ટોપ ઇટ! પ્લીઝ સ્ટોપ ઇટ!’

અંગ્રેજીમાં બોલવાનાં બે કારણો હતાં. એક, એ પ્રદેશ ગુજરાતની બહારનો હતો અને બીજું, એ યુવતી મોડર્ન અને સુશિક્ષિત લાગતી હતી. 
આદિનો અવાજ સાંભળીને યુવતીએ ઝડપ કરી, પણ ઉતાવળમાં એનો પગ લપસ્યો. એ અંદરની તરફ પડવાને બદલે બહારની દિશામાં ફસડાઇ પડી. એ ફરીથી ઊભી થવા જાય તે પહેલાં જ બાઇકને એક તરફ પડતું મૂકીને આદિત્ય કૂવાની દિશામાં ધસી ગયો. સીધો એ યુવતીને વળગી પડ્યો. યુવતી એની બાથમાંથી છૂટવા માટે હાથ-પગ વીંઝવા માંડી, પણ આ તો રાજપૂતી પક્કડ હતી.

‘આપ ક્યું મુઝે રોક રહે હૈ? મુઝે મર જાને દો.’
‘નહીં. જબ તક તુમ મરનેકી બાત કરોગી, મૈ યૂં હી તુમસે લિપટકર પડા રહૂંગા.’
‘હુ આર યુ ટુ સ્ટોપ મી?’

‘આઇ એમ એ રાજપૂત. માય નેઇમ ઇઝ આદિત્યરાજસિંહ. ગાય, બ્રાહ્મણ ઔર સ્ત્રીકી રક્ષા કરના મેરા ધર્મ હૈ.’
દસ મિનિટ એમ જ પસાર થઇ ગઇ. આદિત્યરાજના મનમાં માત્ર એ યુવતીનો જીવ બચાવવાનો જ વિચાર રમી રહ્યો હતો. એણે એક વાર પણ એવું ન વિચાર્યું કે એ યુવતી કેટલી સુંદર હતી!
આખરે અપ્સરા હારી ગઇ, ‘છોડ દો મુઝે. મૈં વચન દેતી હૂં કિ કૂએંમેં કૂદ કર અપની જાન નહીં દૂંગી.’ એ પછી જ આદિત્યે એને મુક્ત કરી.

‘ચલો, બૈઠ જાઓ મેરી બાઇક પર. મૈં તુમ્હેં ઘર તક પહૂંચા દેતા હૂં.’ કહીને આદિત્યે બાઇક ચાલુ કરી. પચાસ કિ.મી.ના પ્રવાસમાં વાક્યોની આપ-લે પણ માંડ થઇ હશે. વાતચીત ભાંગી તૂટી હિંદી અને સડેડાટ અંગ્રેજીમાં ચાલતી હતી; જેનો ગુજરાતી અનુવાદ આવો હતો. 
‘મને શા માટે જિવાડી? મારે મરી જવું હતું.’

‘કારણ જાણી શકું?’
‘પ્રેમના નામ પર મળેલી બેવફાઇ.’
‘ગૃહત્યાગ?’

‘હા, ઘર છોડતી વખતે ચિઠ્ઠી લખીને આવી છું, હવે પાછા જવાય તેવું નથી રહ્યું.’
‘પ્રેમી ક્યાં છે? હું એને સમજાવવાનો પ્રયાસ કરું?’ ‘ના, એ કપટી નીકળ્યો. હવે હું જ એની પાસે જવા તૈયાર નથી.’
‘તો હવે શું કરીશ?’

‘આપઘાત. તમારાથી છુટ્ટી પડું એટલી જ વાર છે.’
આદિત્યરાજ અપ્સરાની સામે જોઇને હસ્યો, ‘શું નામ રાખ્યા છે?’
‘ચૌલા.’

‘ચૌલા દેવી, તમે એક ભૂલ કરી નાખી છે. તમે જાહેર કરી દીધું કે મારાથી છુટ્ટા પડ્યા પછી તમે ચોક્કસ આત્મહત્યા કરી લેવાનાં છો.’
‘તો?’
‘હવે હું તને એકલી પડવા જ નહીં દઉં. હું મારા મિત્રોની સાથે લાંબી રેસ પર નીકળ્યો છું. હવે તમારે પણ અમારી સાથે જ આવવું પડશે. મારી જ બાઇક પર, મારી પાછળ 
બેસીને.’

‘ક્યાંક મારું રૂપ જોઇને તમારી દાનત તો નથી બગડી ને? કે હું તમારા પ્રેમમાં પડી જઇશ અને તમારી સાથે....’
‘હંહ! મારી પ્રેમિકા મારી બાઇક છે, તારા જેવી કોઇ ‘બાઇ’ નથી.’
પૂરા વીસ દિવસ ચૌલા બાઇક પર સવાર થઇને આદિને વળગીને બેસી રહી, ફરતી રહી, એનો પડછાયો બનીને જીવતી રહી. આદિત્યરાજે એના જીવનદાતા હોવાનો જરા પણ ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન ન કર્યો. મિત્રોની સાથે ચૌલાને પણ એક દોસ્ત ગણીને સાચવતો રહ્યો. ચૌલાને જિંદગીમાં પહેલીવાર પુરુષને બદલે એક ‘મર્દ’નો અનુભવ થયો.

એકવીસમાં દિવસે એકવીસ જણાં અમદાવાદ પરત આવ્યા. આદિત્યરાજે પૂછ્યું, ‘ચૌલા, હવે આપણે છુટ્ટાં પડીશું; તારો આત્મહત્યાનો વિચાર ઓગળી ગયો છે ને?’
‘ના, જરા પણ નહીં.’ ચૌલાએ તીરછી નજરે જોઇને અર્થસભર વાક્ય ઉચ્ચાર્યું, ‘ત્યારે હું એક બેવફા પુરુષથી આઘાત પામીને મરવા માટે નીકળી હતી, આ વખતે એક બેપરવા પુરુષની બેરૂખીથી આઘાત પામીને આપઘાત કરી લઇશ.’

આ સાંભળીને પહેલીવાર આદિત્યરાજસિંહે ચૌલાનાં સૌંદર્યમઢ્યા ચહેરા તરફ એવી નજરે જોયું જેવી નજરથી એ અત્યાર સુધી એની બાઇક તરફ જોતો હતો. આજે એને લાગ્યું કે આ સામે ઊભેલી ‘બાઇ’ પણ એને ‘બાઇક’ જેટલી જ ગમવા 
લાગી છે.

No comments:

Post a Comment