Tuesday, September 5, 2017

તેરા મુઝ પર કોઈ અહેસાન નહીં જિંદગી, મૈંને યહાં હર સાંસ કી કિંમત ચુકાઈ હૈ


અઢાર વર્ષની પિયાસી સોશિયલ મીડિયામાં નવી-સવી હતી. ત્યારે હજુ વૉટ્સએપ આવ્યું ન હતું. એક ચોક્કસ નામવાળું મીડિયમ ખૂબ ચલણમાં હતું. ભારતના બંધિયાર વાતાવરણમાં ઊછરેલાં અને મમ્મી-પપ્પાની કડક નિગરાની હેઠળ જીવતાં યુવાનો-યુવતીઓ અચાનક આવી લોખંડી દીવાલ તૂટતી જોઈને ગેલમાં આવી ગયાં હતાં. પિયાસી પણ આમાંની જ એક.
સોશિયલ સાઇટ પર પિયાસીનો ફોટોગ્રાફ જોઈને યુવાનો પાગલ થઈ ઊઠ્યા. ફ્રેન્ડશિપ રિક્વેસ્ટનું ચોમાસું જામી ગયું. પિયાસીએ ચૂંટી-ચૂંટીને મિત્રોનો સમાવેશ કરવાનું શરૂ કર્યું.
‘હાય!’ એક મેસેજ આવ્યો, ‘આઈ એમ ગૌરવ શર્મા. મૈં દિલ્હી કા રહનેવાલા હૂં.’
‘હાય!’ પિયાસીએ અભિવાદન સ્વીકાર્યું.
‘એક બાત બોલું? તુમ બહોત ખૂબસૂરત હો. સચ-સચ બતાઓ, તુમ લડકી હો યા પરી?’
વાંચીને જ પિયાસીના ગાલ શરમથી લાલ થઈ ગયા. પછી તો ગૌરવ શર્માએ પ્રશંસાનો પટારો ખોલી નાખ્યો.
પિયાસીને પણ ધીમે ધીમે રસ પડવા માડ્યો. એને રસ પડવાનાં બે મુખ્ય કારણો હતાં, એક તો પ્રશંસા પ્રભુજીને પણ પ્યારી લાગે છે એ, અને બીજું કારણ એ કે ગૌરવ શર્મા સ્વયં હિન્દી ફિલ્મોના હીરોને ટક્કર મારે તેવો હેન્ડસમ લાગતો હતો. દિલ્હીના પંજાબી પરિવારમાં જન્મેલો ગૌરવ છ ફીટની હાઇટ ધરાવતો, ગોરો, હટ્ટોકટ્ટો, સ્ટાઇલિશ અને સ્માર્ટ યુવાન હતો. પિયાસીએ આવો સોહામણો જુવાન ન તો એની સોસાયટીમાં જોયો હતો, ન કૉલેજમાં.
રોજ-રોજ બંને જણાં નિકટ આવતાં રહ્યાં. નવાં નવાં ફેશનેબલ વસ્ત્રોમાં, નવાં લોકેશન્સ પરના ‘પિક્સ’ રજૂ થતા ગયા અને આગની જ્વાળા બંને તરફે ભભૂકતી રહી.
છએક મહિના પછી એક મધરાતે ગૌરવે કહી જ દીધું, ‘પિયાસી, તુમ મુઝે બહોત અચ્છી લગતી હો. આઈ હેવ ફોલન ઇન લવ વિથ યુ.’
‘મી ટૂ.’ પિયાસી આટલું લખતામાં તો ઊછળી પડી. એનો સ્વપ્ન-પુરુષ હવે હાથવેંતમાં હોય તેવું લાગતું હતું.
પાંચ-સાત દિવસ આવી જ રીતે ‘ઇલુ-ઇલુ’ના એક્શન રિપ્લેમાં પસાર થઈ ગયા. પછી બધી જ છોકરીઓની જેમ પિયાસીએ પણ પાયાનો પ્રશ્ન પૂછી લીધો, ‘તુમ મુઝ સે શાદી તો કરોગે ના? યા ફિર ખ્વાબ દિખા કર ભૂલ જાઓગે.’
‘શાદી?’ ગૌરવ ગૂંચવાયો, ‘તુમસે શાદી કરના તો મુશ્કિલ હોગા. હમારા દોનોં કા બેકગ્રાઉન્ડ ડિફરન્ટ હૈ, કાસ્ટ, સ્ટેટસ, રીતિ-રિવાજ અલગ હૈ. મેરે મમ્મી-પપ્પા માનેંગે નહીં.’
પિયાસી ઢીલી પડી ગઈ, ‘તો ફિર હમ ક્યા કરે? યહીં સે સ્ટોપ કર દે?’
‘ઐસા કરને કી ક્યા જરૂરત હૈ? દોસ્તી તો દોસ્તી હોતી હૈ. હર એક જાન-પહેચાન શાદી મેં તો તબદીલ નહીં હો સકતી હૈ, તો ક્યા લોગ બાતેં કરના ભી બંદ કર દે?’
પિયાસીના ગળે આ તર્ક ઊતરી ગયો. આમ પણ એને ગૌરવ ગમી ગયો હતો. લગ્ન નહીં થાય એ કારણથી પિયાસી ગૌરવ સાથેની મૈત્રી ઉપર પૂર્ણવિરામ મૂકી દેવા માટે તૈયાર ન હતી. રોજ બે-ચાર કલાક બંને વચ્ચે મેસેજીસની આપ-લે ન થાય તો બેઉંને ઊંઘ ન આવે એવી સ્થિતિ થઈ ગઈ હતી.
સમય સરકતો ગયો. પિયાસી અઢારની હતી તે હવે એકવીસ વર્ષની થઈ ગઈ. ગૌરવ બાવીસમાંથી પચીસનો બની ગયો. હવે ચેટિંગના મુદ્દાઓમાં પણ નવું તત્ત્વ ઉમેરાયું.
પિયાસી લખતી હતી, ‘મેરે પાપા મેરે લિયે લડકા ઢૂંઢતે હૈ. તીન-ચાર લડકે દેખે ભી સહી, લેકિન મુઝે એક ભી લકડા પસંદ નહીં આયા.’
‘મેરે ભી હાલાત ઐસે હી હૈ. મેરી મમ્મી રોજ તીન-ચાર લડકીવાલોં સે બાત ચલાતી હૈ.’ ગૌરવ કહેતો હતો.
પણ આ ન ગમવાનું યે ક્યાં સુધી ચાલે? એક દિવસ પિયાસીએ ગુડ ન્યૂઝ મૂક્યા, ‘મેરે મમ્મી-પાપાને મેરે લિયે લડકા ચુન લિયા હૈ. પૌરવ નામ હૈ ઉસકા. હમારી કાસ્ટ કા હી હૈં. બિઝનેસ કરતા હૈ. શાદી શાયદ ડિસેમ્બર મેં...’
બે મહિના પછી ગૌરવે પણ ‘ગુડ ન્યૂઝ’ પેશ કર્યા, ‘મેરી મંગની તય હો ગઈ હૈ. ગરિમા કપૂર હમારી બિરાદરી કી હી લડકી હૈ. મેરે હોનેવાલે સસૂરજી બડે રસૂખવાલે ઇન્સાન હૈ. ઉનકે ઘર મેં દો-તીન કરોડ રૂપયે કા તો ચિલ્લર પડા રહતા હૈ. મેરી હોનેવાલી બીવી ભી બહોત સ્માર્ટ હૈ.’
બંનેએ સામ-સામે સુખી લગ્નજીવન માટેની શુભેચ્છાઓ આપી અને પોતપોતાનાં લગ્નની તૈયારીમાં વ્યસ્ત બની ગયાં. ડિસેમ્બરમાં પરણી ગયાં. હનિમૂનની ઉત્તેજના અને ઉજવણીમાં જાન્યુઆરી અડધો પૂરો થઈ ગયો. ધીમે ધીમે જિંદગી ફરીથી મૂળ લયમાં ગોઠવાતી ગઈ.
ફરીથી ચેટિંગનું ચક્ર ચાલુ થઈ ગયું, ‘કૈસી રહી સુહાગરાત?’થી લઈને ‘મુઝે કભી યાદ કરતે હો કિ ભૂલ ગયે?’ સુધીના સવાલો પુછાવા લાગ્યા. બે જૂના, ગાઢ વિજાતીય મિત્રો વચ્ચે અત્યંત ઇન્ટિમેટ વાતો થતી હોય ત્યારે હૃદય પણ ભીનાં થતાં વગર ન જ રહે!
‘પિયાસી, એક બાત કહું? આજ-કાલ મૈં તુમ્હેં બહોત મિસ કરને લગા હૂં. ગરિમા વૈસે તો અચ્છી હૈ, મુજે પ્યાર ભી બહોત કરતી હૈ, લૈકિન ન જાને ક્યું મુઝે તુમ બહોત યાદ...’
‘મુઝે ભી.’ પિયાસીએ પણ કબૂલ કર્યું. એ પછી શરૂ થયો જૂની ઝંખનાનો અને નવી તરસનો એક વણથંભ્યો સિલસિલો.
દોઢેક વર્ષમાં બંનેના ઘરમાં એક-એક બાળક રમતું થઈ ગયું. ગૌરવ હવે જીવ પર આવી ગયો હતો. એક રાત્રે એણે લખી દીધું, ‘મૈં પરસો આ રહા હૂં. તુમ્હારે શહર મેં. ફાઇવ સ્ટાર હોટલ મેં ઠહરુંગા. તુમ આઓગી ના?’
‘હાં, મિલને કો જરૂર આઉંગી.’ પિયાસીને મન હજુ આ વાતની ગંભીરતા હોવી જોઈએ એટલી વસી નહોતી.
શનિવારે સવારની ફ્લાઇટમાં ગૌરવ આવી પહોંચ્યો. અમદાવાદની જાણીતી હોટલમાં રોકાયો. પછી પિયાસીને ફોન કર્યો. પિયાસી રિક્ષામાં બેસીને પહોંચી ગઈ. ગૌરવ એને લેવા માટે હોટલના મેઇન ગેટ સુધી આવ્યો. એને લઈને કાઉન્ટર પાસે ગયો. હોટલના કાયદા પ્રમાણે વિઝિટર તરીકે પિયાસીનું નામ લખાવ્યું. પછી બંને કમરામાં બંધ થઈ ગયાં.
એ પછી બંધબારણે ચાર કલાકના એકાંતમાં બે જુવાન વિજાતીય ‘મિત્રો’ વચ્ચે જે થવું જોઈએ તે બધું જ થઈ ગયું. એ રાત્રે જ ગૌરવ વિમાનમાં બેસીને દિલ્હી ભેગો થઈ ગયો. પત્નીને તો એ કહીને જ નીકળ્યો હતો, ‘અહેમદાબાદ જા રહા હૂં, બિઝનેસ મિટિંગ કે લિયે.’
લગ્નેતર સંબંધમાં કૂદી પડતાં વિશ્વભરના પુરુષો એવા ભ્રમમાં જીવતા હોય છે કે એમની પત્નીને એમનાં પરાક્રમોની ખબર નહીં પડે, પણ પત્ની તો પતિનું પડખું સૂંઘી લેતી હોય છે. એમાં પણ ગરિમા તો દિલ્હીની સ્માર્ટ સ્ત્રી હતી. એ વિચારમાં પડી ગઈ, ‘અહેમદાબાદ મેં તો હમારા બિઝનેસ હી નહીં હૈ, તો ફિર બિઝનેસ મિટિંગ કહાં સે આ ગઈ?’
એક મહિના પછી દિલ્હીથી અમદાવાદ ફોન કૉલ આવ્યો. મિસિસ ગરિમા ગૌરવ શર્મા વોઝ સ્પીકિંગ ટુ મિસિસ પિયાસી પૌરવ: ‘પિયાસી, તુમને મેરા સંસાર ઉજાડને કી કોશિશ કી હૈ. મૈં તુમ્હે છોડૂંગી નહીં. બદનામ કર દૂંગી.’
પિયાસીના માથે વજ્રાઘાત થયો, ‘મૈં... મંૈ... આપ... આપ... યે ક્યા કહે રહી હો? મૈં કુછ સમજી નહીં.’
‘લિસન ફોર એ મિનિટ! સબ સમજ મેં આ જાયેગા.’ આટલું કહીને ગરિમાએ વિગતવાર માહિતી આપી.
બન્યું હતું એવું કે પતિની હરકતથી શંકાશીલ બની ઊઠેલી ગરિમાએ એના વગદાર પિતાની મદદથી તાબડતોબ બધું ગોઠવી કાઢ્યું હતું. અમદાવાદમાં ગૌરવની પાછળ ચાર-ચાર ખાનગી જાસૂસો કામે લગાડી દીધા હતા. ગૌરવ-પિયાસીના ફોન કૉલ્સ, રિક્ષામાંથી ઊતરીને આવી રહેલી પિયાસીને રિસીવ કરતો ગૌરવ, રિસેપ્શનના રજિસ્ટરમાં થયેલી એન્ટ્રી, હોટલના સી.સી.ટી.વી. ફ્રૂટેજમાં ઝડપાયેલી બંનેની હિલચાલ, આ બધું જ એની પાસે આવી ગયું હતું.
પછી તો એણે પાછલાં ચાર-પાંચ વર્ષોનું ચેટિંગ પણ ‘રિકવર’ કરાવી લીધું. હવે એની જિંદગીનો એક જ મકસદ રહ્યો છે, ગૌરવ અને પિયાસીને ઉઘાડાં પાડવાં અને સમાજમાં બદનામ કરી નાખવાં.
પિયાસી ભાંગી પડી છે. આત્મહત્યાનો વિચાર કરી રહી છે. તાજેતરમાં મારી ઉપર એનો ફોન આવ્યો. રડતી હતી અને આજીજી કરી રહી હતી, ‘સર, મને બચાવી લો. મારી ગંભીર ભૂલ થઈ ગઈ. હું તો મરીને છૂટી જઈશ, પણ મારી દીકરીનું શું થશે?’
‘એનો વિચાર તારે હોટલમાં જતાં પહેલાં કરવો જોઈએ હતો બહેન, પણ હું તને એક સલાહ આપું છું. જે થયું તે થયું! હવે બધું ભૂલીને એક છેલ્લી કોશિશ કરી લે. તારા પતિની સમક્ષ બધું કબૂલી લે. તારા પશ્ચાત્તાપના અશ્રુજળથી એનાં ચરણો ભીંજવી દે. જો એ તને માફ કરી દે, તો તું બચી ગઈ એવું માની લે જે. ગરિમા પણ તારું કંઈ જ નહીં બગાડી શકે.’

No comments:

Post a Comment