Tuesday, September 5, 2017

વાસંતી વાયરાની હડફેટે અમે પણ ચડ્યા, ને લથબથ સુગંધના પ્રેમમાં અનહદ પડ્યા


વાસંતી વાયરાની હડફેટે અમે પણ ચડ્યા, ને લથબથ સુગંધના પ્રેમમાં અનહદ પડ્યા
નિવિ તૈયારીમાં વ્યસ્ત હતી. વેલેન્ટાઇન ડે નજીકમાં જ હોવાથી એનું દિલ-દિમાગ પૂરવેગમાં દોડી રહ્યું હતું. નચિકેત સાથે સગાઇ થયા પછીનો આ પહેલો જ ‘વેલેન્ટાઇન ડે’ આવતો હતો. અખબારોમાં વેલેન્ટાઇન ડે વિશે જ માહિતી પ્રગટ થવા લાગી હતી. ટી.વી. ચેનલ્સ પણ એના વિશે જ ધૂમ મચાવી રહી હતી. સેન્ટ વેલેન્ટાઇન કોણ હતા, ક્યાં અને ક્યારે જન્મ્યા હતા, પ્રેમ વિશે તેઓ વિશ્વને કેવો અદ્દભુત સંદેશ આપી ગયા છે એ બધી વાતોના ચોસલા પર સોનાનું વરખ ચડાવીને દેશની યુવા પેઢીની સામે પીરસવામાં આવી રહ્યું હતું.

અખબારી પૂર્તિઓ પ્રેમના વિશેષાંકો પ્રગટ કરવાનું વિચારી રહી હતી. કટારલેખકો પણ એમની કલમને ધાર કાઢવામાં વ્યસ્ત હતા. આ બધું જોઇ, વાંચીને નિવિએ પણ નિર્ધારી લીધું હતું કે આ વેલેન્ટાઇન ડે પર પોતે કંઇક એવું કરશે જેનાથી એનો મંગેતર નચિકેત એની ઉપર ઓળઘોળ થઇ જાય. નિવિ અઢારમું પૂરું કરીને ઓગણીસમા વર્ષમાં જીવતી મુગ્ધ કૉલેજકન્યા હતી. ખૂબ સુંદર હતી. સસલી જેવી બીકણ, હરણી જેવી નાજુક, કબૂતરી જેવી ભોળી અને તિતલી જેવી ચંચળ. પણ એની એક ખાસિયત હતી.

એ ઘેંટાની જેમ નકલખોર હતી. ઘેંટાની જેમ એ પણ ગાડરિયા પ્રવાહમાં ભળી જતી હતી. એની બહેનપણી એક દિવસ કોલેજમાં નવો ડ્રેસ પહેરીને આવી. નિવિને ગમી ગયો. એણે પૂછી લીધું, ‘ક્યાંથી લાવી? કેટલો ભાવ છે?’ નિશાએ કહ્યું, ‘પૂરા આઠ હજારમાં પડ્યો? ‘ફેશન ફોર ફીમેલ્સ’માંથી બે દિવસ પહેલાં જ ખરીદ્યો છે.’ નિશા તો ધનવાન બાપની દીકરી હતી. એના રૂટિન કપડાં પણ ક્યારેય આઠ-દસ હજારથી ઓછી કિંમતનાં ન જોવા મળતાં. નિવિના પપ્પા બેંકમાં ક્લાર્ક હતા. પણ પપ્પા પાસે જીદ કરીને, રડીને, એમની એક પણ દલીલ નહીં માનીને, ચાર દિવસના સત્યાગ્રહ અને પાંચમા દિવસના અન્ન-ત્યાગના અંતે એવો ડ્રેસ ખરીદીને જ એ જંપી હતી.

લાસ્ટ સમર વેકેશન પૂરું થયું ત્યારે એની ફ્રેન્ડ ઇશિતાએ કોલેજમાં આવીને કહ્યું, ‘આ વેકેશનમાં પપ્પા અમને લેહ-લદાખ લઇ ગયા હતા. ખૂબ મઝા આવી.’ બસ, થઇ રહ્યું. ઘરે આવીને નિવિએ હઠયોગ શરૂ કર્યો, ‘પપ્પા, આ વખતના વેકેશનમાં તમારે અમને લેહ-લદાખ લઇ જ જવા પડશે.’ પપ્પા હબકી ગયા, ‘બેટા, હવે પછીનું વેકેશન દિવાળીનું આવશે. શિયાળો શરૂ થઇ ગયો હશે. એ સમયે તો લેહ-લદાખનો ફોટો જોવાથી પણ શરદી થઇ જશે. ત્યાં એટલો બધો સ્નો ફોલ થશે કે આપણાથી છેક લગી પહોંચાશે જ નહીં. રસ્તામાં જ ફસાઇ જઇશું.’

કેટલાયે પ્રયત્નો પછી નિવિ માની ગઇ હતી. જોકે એના પપ્પાએ ઉનાળાના વેકેશનમાં નિવિની જીદ પૂરી કરવાનું વચન તો આપવું જ પડ્યું. ભારતનાં મોટાભાગનાં ઘરોમાં આ જ પરિસ્થિતિ જોવા મળે છે. કિશોરાવસ્થામાં અને યુવાનીના ઉંબરે જીવતી આજની પેઢી મુગ્ધાવસ્થામાં શ્વસે છે. બુદ્ધિમાં તો આ લોકો ખૂબ આગળ છે, પણ બીજી બધી રીતે તેઓ આસપાસના વાતાવરણની જબરદસ્ત અસર હેઠળ છે. ટી.વી.માં આવતી જાહેરાતની પ્રોડક્ટ્સ એટલે તો આટલી બધી વેચાય છે. જો દિખતા હૈ વો બિકતા હૈ!

નિવિ પણ આવી જ એક મુગ્ધા હતી. એ અઢાર વર્ષની થઇ, ત્યારથી જ એના પપ્પાએ છોકરો જોવાનું શરૂ કરી દીધું હતું. પૂરા એક વર્ષની મહેનત પછી એક લાયક યુવાન મળી ગયો.
નચિકેત બાવીસ વર્ષનો હતો. તીવ્ર બુદ્ધિમત્તા ધરાવતો સાત્ત્વિક યુવાન હતો. આ મહાન દેશ, એની સંસ્કૃતિ અને આપણા વિરાટ વારસાનો પ્રગાઢ ચાહક હતો. પહેલી બે-ત્રણ મુલાકાતમાં જ એને સમજાઇ ગયું હતું કે એની ભાવિ જીવનસંગિની સુંદર છે, પણ હજુ અણસમજુ છે. એટલે એને રાષ્ટ્રવાદની મુખ્ય ધારા તરફ વાળવી જ પડશે.

નચિકેત મોકાની તલાશમાં હતો ને વેલેન્ટાઇન ડેની ઉજવણીએ એને એવો મોકો પૂરો પાડી આપ્યો. એ દિવસે નિવિએ કોલેજમાં બંક માર્યો અને એની પાંચેક ફ્રેન્ડ્ઝને લઇને એ નચિકેતના ફ્લેટ પર પહોંચી ગઇ. નચિકેતનો પરિવાર વડોદરામાં રહેતો હતો અને નચિકેત અમદાવાદમાં રહીને આઇ.એ.એસ.ની એક્ઝામ માટે તૈયારી કરતો હતો.
નિવિ જ્યારે ફ્લેટ પર પહોંચી ત્યારે નચિકેત તાજો જ સ્નાનથી પરવાર્યો હતો. બગલાની પાંખ જેવા ઝભ્ભા-લેંઘામાં એ મર્દાના અને સોહામણો લાગી રહ્યો હતો. સૌંદર્યનું ટોળું જોઇને એ હસી પડ્યો, ‘સાત સહેલિયાં ખડી ખડી...! આજ મેરે ગલે પડી...!’ ‘અમે કંઇ ગળે પડવા માટે નથી આવ્યાં, અમે તો તમારું મોઢું મીઠું કરાવવા આવ્યા છીએ. આજે વેલેન્ટાઇન ડે છે ને! એટલે...!’

નચિકેત બધું સમજી ગયો, પણ આ તબક્કે એ પોતાની વાગ્દતાને નારાજ કરવા નહોતો માગતો. એટલે એ ઘટનાના ચાલુ વહેણમાં જોડાઇ ગયો. નિવિએ કેક કાપી. એક મોટો ટુકડો નચિકેતના મોંમાં મૂકી દીધો. પછી વિદેશી ચોકલેટ આપી. મોંઘું ગ્રીટિંગ કાર્ડ ભાવિ પતિના હાથમાં મૂકીને એણે ભાવસભર ચહેરા સાથે કહ્યું: ‘વિલ યુ પ્લીઝ બી માય વેલેન્ટાઇન?’
બધી સખીઓએ તાળીઓ પાડી. નચિકેત મંદ મંદ સ્મિત વરસાવી રહ્યો. એણે ફ્રીજમાંથી કાઢીને આઇસક્રીમ મહેમાનોને આપ્યો. પછી બધાં વાતો કરવા બેઠાં.

નિવિની એક સહેલી ચિનાર બહુ બારીક નિરીક્ષણશક્તિ ધરાવતી હતી. એ પંદર-વીસ મિનિટથી નચિકેતની બોડી લેંગ્વેજ ઝીણવટપૂર્વક જોયા કરતી હતી.
આખરે એણે પૂછી જ લીધું, ‘નચિકેત! મને એવું ‘ફીલ’ થાય છે કે અમે અહીં આવ્યાં એ તમને ગમ્યું નથી. તમે કહેતા હો તો નિવિને તમારી પાસે મૂકીને અમે...’
‘જોજો એવું કરતાં! આપણાં શાસ્ત્રોમાં પતિ-પત્ની સિવાય બીજાં કોઇ પણ સ્ત્રી અને પુરુષ માટે એકાંત વજ્્ર્ય છે. અને હું-નિવિ હજુ સુધી પતિ-પત્ની બન્યાં નથી. તમને જો મારી નારાજગી વરતાઇ ગઇ હોય તો એ આ વિદેશી તહેવારની ઘેલછાપૂર્ણ ઉજવણી માટે છે, નહીં કે પ્રેમની મર્યાદાપૂર્ણ અભિવ્યક્તિ માટે.’

ડ્રોઇંગરૂમમાં સન્નાટો પ્રસરી ગયો. મોસમે પૂછ્યું, ‘તો તમે બધી જ વિદેશી ચીજોના વિરોધી છો?’ ‘ના, હું એવું કહીશ કે હું બધી જ સ્વદેશી ચીજ-વસ્તુઓનો સમર્થક છું. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જ્યારે વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી ત્યારે આ બધા ચડ્ડી-બનિયન ધારીઓ ક્યાં ગયા હતા?’
‘ચડ્ડી બનિયનધારીઓ? એ વળી કોણ?’

‘આ એ લોકો છે જે આ દેશના પીઢ, વિચારવંત અને રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા ચિંતકોને ધોતિયાધારી, તિલકધારી, બુદ્ધિના લઠ્ઠ અને જડવાદીઓ કહીને ગાળો ભાંડે છે. કપડાંને અને વિચારોને શો સંબંધ? ધોતી-ઝભ્ભો આપણા દેશનો એક પરંપરાગત પહેરવેશ હતો. અત્યારે કોણ પહેરે છે? માત્ર ગણ્યા ગાંઠ્યા બુઝુર્ગો જ. નવી પેઢી તો પેન્ટ-શર્ટ જ પહેરે છે. તો શું જુવાનિયાઓ બધા વેલેન્ટાઇનિયા થઇ ગયા? મારા જેવા અસંખ્ય યુવાનો ધોતી-ઝભ્ભો કે ટીલાં-ટપકાં કર્યા વગર પણ રાષ્ટ્રવાદી વિચારધારામાં વિશ્વાસ રાખે છે.’

‘પણ સેન્ટ વેલેન્ટાઇન તો પ્રેમના સંત...?’ ‘એમ? તો આપણા કૃષ્ણ કોણ હતા? નફરતના દેવ? આપણો મહાકવિ કાલિદાસ કોણ હતો? શંૃગારરસનો એના જેવો ઉપાસક વિશ્વભરમાં બીજો શોધી લાવો! ખજૂરાહો અને અજંટા-ઇલોરા ક્યાં આવેલા છે, ઇટાલી, રોમ કે ગ્રીસમાં? મુનિ વાત્સાયનનો જન્મ અમેરિકામાં થયો હતો? તળપદી ભાષામાં કહું તો કેટલાક લોકો ‘હાલી નીકળ્યા છે!’ આ ટી.વી. ચેનલો પણ હાલી નીકળી છે! મીડિયા એક જાતનો ‘હાઇપ’ ઊભો કરે છે અને મીડિયાના કારણે યુવાપેઢી ઘેલી થાય છે. હું આજના યુવાનો શોર્ટ્સ અને ટી.શર્ટ્સ પહેરે તેને આવકારું છું, પણ જો હું એવા મિત્રોને ‘ચડ્ડી-બનિયનધારી’ કહું તો કોઇને ગમશે?’

નિવિએ પૂછ્યું, ‘નચિકેત, તમે શું કહેવા માગો છો?’ ‘હું એટલું જ કહેવા માગું છું કે આ દેશ ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રાનો દેશ છે, મેડોના કે કેટરીનાનો દેશ નથી. વિશ્વામિત્ર, વાલ્મીકિ અને વશિષ્ઠની આ ધરતી છે, અહીં પશ્ચિમી વિકૃતિને માટે કોઇ જ સ્થાન ન હોવું જોઇએ. તમારે વેલેન્ટાઇન ડે જ શા માટે ઊજવવો છે? વસંતપંચમી ઊજવો ને? જો વિદેશી વિભાવના, સંગીત, સાહિત્ય વગેરેને ભારતમાં લાવવું જ હોય તો ચેખોવ, વર્ડ્ઝવર્થ, ટૉલ્સટૉય, મોંપાસા, મોઝાર્ટ અને બિથોવનને લાવો ને! એક જ દિવસમાં અબજો રૂપિયાનું હૂંડિયામણ ઘસડી જતાં આ વેલેન્ટાઇન ડેનું શું કામ છે?’

‘આ બધી તો અમને ખબર જ ન હતી.’ નિવિ બોલી. ‘ક્યાંથી ખબર હોય? લેભાગુ લેખકો અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ન્યૂઝ ચેનલો તમને માહિતી આપે તો તમે જાણોને! આપણામાંથી કેટલાને જાણ છે કે આપણા મહાન તપસ્વીઓ, ઋષિઓ, વિદ્વાનો, સંતો અને વિચારકોની જન્મતિથિ ક્યારે આવે છે? પણ બધાને એ ખબર છે કે વેલેન્ટાઇન ડે ક્યારે આવે છે! એક મહાન રાષ્ટ્રભક્ત ક્રાંતિવીર કહી ગયા છે કે ભારત એક મહાન રાષ્ટ્ર છે પણ કમનસીબે એમાં ઇતિહાસનાં પ્રારંભિક પૃષ્ઠો ફાડી નાખવામાં આવ્યાં છે. આ પૃષ્ઠો ફરી પાછાં જોડવાનું કામ આપણા સૌનું છે. મને તો ડર છે કે આગળ જતાં વેલેન્ટાઇન ડે ક્યાંક આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર ન બની જાય!’

No comments:

Post a Comment