Tuesday, September 5, 2017

આંખોમાંથી ખર્યું આંસુ, એનો પ્રવાહ જોઉં છું કોણ આવે છે રોકવા, એની રાહ જોઉં છું…


આંખોમાંથી ખર્યું આંસુ, એનો પ્રવાહ જોઉં છું કોણ આવે છે રોકવા, એની રાહ જોઉં છું…
છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ. 2002નું વર્ષ. પચીસ વર્ષની યુવતી અંજના બપોરનું ભોજન પતાવીને ટીવી પરના સમાચાર જોવા માટે બેઠી. એને સાતમો મહિનો જતો હતો. સગર્ભા હોવાથી ડૉક્ટરે ભારે કામ કરવાની મનાઈ ફરમાવેલી હતી. રસોડાની સાફસૂફી અને એંઠાં વાસણો માંજવા માટે મંગુ નામની બાઈ આવતી હતી. મંગુ અત્યારે કામ કરી રહી હતી. એ જાય એટલે પછી આરામ કરીશ એવો અંજુનો વિચાર હતો.

ટીવી સ્ક્રીન પર ‘ફ્લેશ બેક’ ચાલતો હતો. બરાબર એક વર્ષ પહેલાં આજની જ તારીખે કચ્છ-ગુજરાતમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આજે એની વરસી હતી. તમામ ન્યૂઝ ચેનલો સવારથી એક મુદ્દાનો કાર્યક્રમ લઈને મચી પડી હતી, ‘આજ સે એક સાલ પહેલે, ઇસી તારીખ, કચ્છ મેં ક્યા હુઆ થા? દેખિયે યે વિઝ્યુઅલ્સ’ અને પછી એ દિવસે કુદરતી આફતના પરિણામે કચ્છની ધરતી પર જે વિનાશ વેરાયો હતો એનાં દૃશ્યો પીરસાવા લાગ્યાં.

જમીનદોસ્ત થયેલાં મકાનો, કાટમાળના ઢગલાઓ, ઠેર ઠેર સૂતેલી, દબાયેલી લાશો, ચકરાવા મારતા ગીધો, બચી ગયેલા અને વિલાપ કરતા માનવીઓ! પાષાણ દિલના માનવીને પણ હચમચાવી મૂકે તેવી કરુણ દૃશ્યાવલિ ચાલતી હતી. અચાનક સોફામાં બેસીને પ્રોગ્રામ જોઈ રહેલી અંજુ ચીસ પાડી ઊઠી. કિચનમાંથી મંગુ દોડી આવી. જુએ છે તો માલકિન પેટ પર હાથ મૂકીને તરફડી રહી હતી. સોફામાં આડી પડી ગઈ હતી.

‘બુન, શું થાય છે તમને?’, ‘મંગુ, મને પેટનો દુખાવો ઉપડ્યો છે. આ બીજી વારનું છે. માટે મને ખબર છે. આ સુવાવડનું જ દર્દ છે.’, ‘હાય! હાય! હવે શું કરશો, બુન? સાહેબ તો બહારગામ છે.’
‘હા, એ તો કાશ્મીર મોરચે ડ્યૂટી બજાવી રહ્યા છે. એમને ડિસ્ટર્બ કરવાનો કશો જ અર્થ નથી. તું એક કામ કર, બહાર જઈને રિક્ષા લઈ આવ. સૌથી પહેલું કામ મને દવાખાનાભેગી કરવાનું કર.’
મંગુ ચંપલ પહેરવા માટે પણ ન રોકાઈ. વાયુના વેગથી બહાર ગઈ, વાવાઝોડાના વેગથી રિક્ષા લઈને પાછી ફરી. માલકિનને સહારો આપીને રિક્ષામાં સુવડાવી. પોતે મકાનને તાળું મારવા દોડી.

એ પાછી આવે ત્યાં સુધીમાં અંજુએ રિક્ષાવાળાના હાથમાં એક કાર્ડ મૂકી દીધું, ‘ભાઈ, આ ડૉક્ટરના હાથમાં મારો કેસ ચાલે છે. આમાં જે સરનામું છે એ મેટરનિટી હોમમાં મને પહોંચાડી દે. જરાક સાચવીને રિક્ષા ચલાવજે, ભાઈ!’ રિક્ષાચાલકે અડધી નજર અંજુના ઉપસેલા પેટ તરફ ફેંકી, અડધી નજરમાં અંજુનો પીડાગ્રસ્ત ચહેરો જોઈ લીધો, ‘ચિંતા ન કરશો બહેન! હું સમજી ગયો.’ મંગુ આવીને અંદર ગોઠવાઈ ગઈ. રિક્ષા ડ્રાઇવરે ગાડી ‘સ્ટાર્ટ’ કરી. કાચનો સામાન સાચવીને લઈ જતો હોય તે રીતે એક-એક ખાડા-ટેકરાને ટાળતો, સહેજ પણ આંચકો ન લાગે તે રીતે રસ્તો વટાવતો રિક્ષા દોડાવતો રહ્યો.

ગાયનેકોલોજિસ્ટ તરત જ આવી ગયા. પેશન્ટને તપાસીને કહ્યું, ‘બહેન, તમને તો લેબલ પેઇન ચાલુ થઈ ગયું છે. ગર્ભાશયનું મુખ ખૂલવા લાગ્યું છે. પૂરા મહિના થવા આડે તો બે મહિના કરતાં પણ વધારે સમય બાકી છે.’ ‘સર, શું મને પ્રિમેચ્યોર ડિલિવરી થઈ જશે?’, ‘હા.’, ‘ત્યારે તો મારું બાળક બચી નહીં શકેને?’ ડૉક્ટરે જોયું કે સાચું કહી દેવાથી દર્દીની માનસિક હાલત બગડી જશે. એ જુઠ્ઠું બોલ્યા, ‘ચિંતા ન કર, બહેન! બધું સારું થશે. ભગવાન ઉપર ભરોસો રાખ.’

‘ભગવાનનું તો નામ જ ન લેશો, ડૉક્ટર! ભગવાન પર શું ધૂળ ભરોસો રાખું? આ જગતમાં ભગવાન જેવું કંઈ છે જ નહીં. નર્યું તૂત છે એ બધું.’ ડૉક્ટર આંચકો ખાઈ ગયા. એક ગર્ભવતી સ્ત્રી, એ પણ સરેરાશ ભારતીય માનસિકતા ધરાવતી, એ અત્યારે આવું બોલી રહી છે? શા માટે? અંજુના હવે પછીના શબ્દોએ એમને જવાબ આપી દીધો, ‘તમે તો બધું જાણો જ છો, ડૉક્ટર! ગયા વર્ષે આ જ તારીખે મારી સાથે શું બન્યું હતું? જો ભગવાન જેવું કંઈક હોત તો આવું બન્યું જ ન હોતને!
શું બન્યું હતું અંજુની સાથે?
***

2001ની છવ્વીસમી જાન્યુઆરીની સવારે અંજુની જિંદગીમાં જે બન્યું હતું એવું બીજા કોઈની સાથે નહીં બન્યું હોય. એના માટે ‘ટ્રેજેડી’ અથવા ‘શોક’ જેવા શબ્દો વામણા લાગે.
અંજુ કોલેજમાં હતી ત્યારે એક દિવસ એક ઘટના બની ગઈ. રસ્તા પર ચાર-પાંચ મવાલીઓ એક યુવતીને છેડી રહ્યા હતા. આવતા-જતા લોકો નજર ફેરવીને પસાર થઈ રહ્યા હતા. યુવતી પરેશાન હતી. ત્યાં જ બાજુની શોપમાં ખરીદી માટે આવેલા વિક્રમ અરોરા નામના એક યુવાનના કાને આ ચણભણ પડી. એ છલાંગ મારીને વચ્ચે કૂદી પડ્યો. મવાલીઓને મારી મારીને ખોખરા કરી નાખ્યા. યુવતી આભાર માનીને ચાલતી થઈ.

પણ અંજુ અભિભૂત થઈ ગઈ. ચાર આંખો મળી. બે વાતોની આપ-લે થઈ, ‘શું કરો છો?’ સવાલ થયો. જવાબ મળ્યો, ‘ઇન્ડિયન આર્મીમાં સોલ્જર છું.’ બંને પ્રેમમાં પડ્યાં. અંજુ કચ્છની ધરતીમાં રણમાં ખીલેલું ગુલાબ. વિક્રમ અરોરા હતો. પંજાબદા પૂત્તર. અંજુનાં મમ્મી-પપ્પાએ આ સંબંધનો જબરજસ્ત વિરોધ કર્યો, પણ બંને પરણી ગયાં. તે સમયે વિક્રમનું પોસ્ટિંગ કચ્છની બોર્ડર પર હતું. એટલે ગાંધીધામમાં જ લગ્નજીવનની શરૂઆત થઈ.

સમયની ડાળ પર સ્નેહનું પુષ્પ ઊગ્યું. એક વર્ષ પછી દીકરો જન્મ્યો. અંજુ-વિક્રમની ખુશી રણની જેમ અફાટ બની ગઈ. જોકે, એની ઠંડક રણદ્ધીપના જેવી હતી.
દીકરો છ વર્ષનો થયો ત્યારે વિક્રમની ટ્રાન્સફર થઈ. એને કાશ્મીર મોરચે તૈનાત કરવામાં આવ્યો. અંજુ રડવા માંડી, ‘અમને સાથે લઈ જાવ. તમારા વગર અમને નહીં ગમે.’
‘અવશ્ય લઈ જઈશ, પણ આપણો દીકરો રાજા શાળામાં જાય છે. એની પરીક્ષા આડે ત્રણ-ચાર મહિના રહ્યા છે. અધૂરી ટર્મે મારે એને નથી લઈ જવો. એનું આ વર્ષ પૂરું થાય એ પછી જ.’

અંજુએ મન મનાવ્યું, ‘પરીક્ષાને હવે ક્યાં ઝાઝી વાર છે. માર્ચ અથવા એપ્રિલમાં પતી જશે. વાંધો નહીં. તમે સિધાવો. તમારી તબિયતનું ધ્યાન રાખજો. અમારી ચિંતા કરતા નહીં.’
પ્રાણપ્રિય પત્ની અને જીગરના ટુકડા જેવા દીકરાને ગાંધીધામમાં છોડીને લશ્કરનો જવાન બોર્ડર પર હાજર થવા ચાલ્યો ગયો. અને એ કાળમુખી સવાર પડી. શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે રજા હતી, પણ રાજાને ધ્વજવંદન માટે જવાનું હતું.

‘મમ્મી, મને ભૂખ લાગી છે. ઝટ ઝટ કંઈક ખાવાનું આપને! પછી મારે સ્કૂલમાં...’ રાજા ડ્રોઇંગરૂમમાં ટીવી ચાલુ કરીને બેસી ગયો. અંજુ દૂધ અને ગરમ-ગરમ પરોઠાં બનાવવા લાગી.
એક પરોઠું ખાધા પછી રાજાએ કહ્યું, ‘વાહ મમ્મી! તું ખાવાનું કેટલું ટેસ્ટી બનાવે છે! મને તારા હાથનાં બનાવેલાં પરોઠાં ખૂબ ભાવે છે. હજુ એક પરોઠું આપી જાને!’ અંજુએ આટામાં મમતા ભરીને ગરમ-ગરમ પરોઠું તૈયાર કર્યું ઉપર શુદ્ધ દેશી ઘીનો ચમચો ઊંઘો વાળ્યો. પ્લેટમાં પરોઠું લઈને એણે ડ્રોઇંગરૂમ તરફ જવા માટે પગ ઉપાડ્યો. ત્યાં અચાનક પગ નીચેની ધરતી નાચવા માંડી.

એ પડું પડું થઈ રહી. એણે ભીંત પર હાથ ટેકવ્યો. આ બધું શું થઈ રહ્યું છે એની જરા સરખીયે ગતાગમ પડે તે પહેલાં તો એક પ્રચંડ અવાજ સંભળાયો. જાણે આસમાન ફાટ્યું હોય એવા ઘેરા અવાજ સાથે મકાનના આગળના ભાગની છત તૂટી પડી. એક કારમી ચીસ સંભળાઈ, ‘મમ્મી!’ અને પછી બધું શાંત થઈ ગયું. દીકરો એક પરોઠાની ભૂખ લઈને અનંતના પ્રવાસે ઊપડી ગયો હતો. એની જનેતા મમતાભરેલી પ્લેટ હાથમાં પકડીને પાષાણવત્ જોતી રહી ગઈ હતી. બધું અંધકારમય બની ગયું હતું. વિક્રમ આવ્યો. બંને ચોધાર આંસુએ રડ્યાં. વિક્રમે બહુ સમજાવી, ‘અંજુ, હવે ચાલ મારી સાથે. અહીં રહેવાનો કશોયે અર્થ નથી હવે.’ પણ અંજુ માની નહીં. હવે તો ગાંધીધામ ક્યારેય નથી છોડવું. મારું રતન આ માટીમાં દટાયેલું છે. એ પાછું આવશે ત્યાર પછી જ!
***

ગાંધીધામના ગાયનેકોલોજિસ્ટે અંજુના આવનાર બાળકની જિંદગી બચાવી લેવા માટે યોજના વિચારી લીધી. એને તાબડતોબ અમદાવાદ ‘શિફ્ટ’ કરી દીધી. રસ્તામાં પ્રસૂતિ ન થઈ જાય તે માટે જરૂરી ઇંજેક્શનો આપી દીધાં. અંજુના બાળકને જન્મતાંની સાથે જ ગુજરાતના શ્રેષ્ઠ નિઓનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિરમાં સંભાળ માટે મૂકી દેવું ખૂબ જરૂરી હતું. માટે આમ કરવું પડ્યું.
અંજુની પ્રસૂતિ કુદરતી રીતે સંપન્ન થઈ ગઈ. અધૂરા મહિને જન્મેલા બાળકનું વજન સાતસો-આઠસો ગ્રામ જેટલું માંડ હતું. પૂરા મહિને જન્મનાર તંદુરસ્ત બાળકો અઢીથી સાડા ત્રણ કિગ્રા. જેટલું વજન ધરાવતાં હોય છે. આ તો સાવ માંસનો લોચો જ કહેવાય.

અર્પણ ચિલ્ડ્રન નર્સિંગ હોમના ડૉ. આશિષ મહેતા ડિલિવરી વખતે હાજર રહ્યા. તરત જ બાળકને લઈને પોતાની હોસ્પિટલમાં લઈ ગયા. બાબો જન્મ્યો હતો. એને ઇન્ક્યુબેટરમાં મૂકીને સારવાર શરૂ કરી દીધી.
અંજુ અધ્ધરજીવે દિવસો પસાર કરતી હતી. એનો પતિ પણ આવી પહોંચ્યો હતો. ડૉ. આશિષભાઈએ ખૂબ મહેનત કરવી પડી. આટલા બધા પ્રિમેચ્યોર બાળકને સહીસલામત રીતે મૃત્યુના ઇલાકામાંથી બહાર કાઢીને જિંદગીના વિસ્તારમાં લઈ જવું એ માત્ર પૈસાનો ખેલ નથી હોતો, આવું કામ બિલથી નહીં, પણ દિલથી થતું હોય છે.

દોઢ મહિનાની આકરી લડત પછી જિંદગી જીતી ગઈ, મોત હારી ગયું. દીકરો ઘૂઘવાટા કરતો હતો. અંજુ રડતી હતી, ‘ડૉક્ટર સાહેબ, તમે જ મારા માટે ભગવાન.’
‘એવું ના બોલીશ બહેન! મેં તો તારા દીકરાની સારવાર જ માત્ર કરી છે, એને બચાવનારો તો ઉપર બેઠો છે. હવે ક્યારેય એવું ન બોલીશ કે દુનિયામાં ભગવાન જેવું કશુંયે છે જ નહીં.’ ડૉ. આશિષભાઈએ અંજુને અને એના દીકરાને રજા આપી દીધી.

No comments:

Post a Comment