બંદ લિફાફે મેં રખી ચિઠ્ઠી સી હૈ યે જિંદગી પતા નહીં અગલે હી પલ કૌન સા પૈગામ લે આયે
હોસ્પિટલના સી.એમ.ઓ. ડો. ઝાલા સાહેબે બેલ મારીને પટાવાળાને બોલાવ્યો, ‘રઘુ, ડો. તન્નાને કહે કે હું એમને બોલાવું છું.’ પછી કાંડા ઘડિયાળમાં જોઈને ઉમેર્યું, ‘અઢી વાગવા આવ્યા છે એટલે મને લાગે છે કે ડો. તન્ના ઓપરેશનમાંથી પરવારી ગયાં હશે. જો હજુ પણ એકાદું ઓપરેશન ચાલુ કે બાકી હોય તો એમને કહેજે કે એ પૂરું કરીને આવે.’
પટાવાળો ગયો. પાંચ મિનિટમાં પાછો આવ્યો. બારણું ખોલીને ઊભો રહ્યાે. ડો. તન્ના સી.એમ.ઓ.ની ઓફિસમાં પ્રવેશ્યાં એટલે રઘુએ બારણું વાસી દીધું.
‘આવો, ડો. તન્ના, બેસો.’ ડો. ઝાલાએ આવકાર આપ્યો. ડો. તન્ના યુવાન હતાં, સર્જન હતાં. અહીં આઠેક મહિનાથી જોડાયાં હતાં. એમના મન પર ચીફ મેડિકલ ઓફિસર ડો. ઝાલા સાહેબની છાપ એક પીઢ, સમજદાર, હસમુખ અને મિલનસાર ઓફિસરની હતી, પણ અત્યારે ઝાલા સાહેબ સહેજ ચિંતાગ્રસ્ત અને વધુ તો વિચારગ્રસ્ત દેખાતા હતા.
થોડી ક્ષણોના વજનદાર મૌન પછી ઝાલા સાહેબે સીધો અણધાર્યો સવાલ પૂછી લીધો, ‘બે દિવસ પહેલાં આપણી હોસ્પિટલમાં ગિરધરલાલ કોઠારીનું મૃત્યુ થયું એનું ઓપરેશન તમે જ કર્યું હતુંને?’
ડો. તન્નાના હૃદયના ધબકારા વધી ગયા. છેલ્લા બે દિવસથી ઓછામાં ઓછા બસો માણસો એમને આ જ સવાલ પૂછી ચૂક્યા હતા. શેઠ ગિરધરલાલ કોઠારી મોટા અને જાણીતા વેપારી હતા, એટલે એમના મૃત્યુની ચર્ચા સામાન્ય કરતાં વધારે ચાલે તે સમજી શકાય તેવું હતું,
પણ જ્યારે ખુદ ઝાલા સાહેબ એમને ઓફિસમાં બોલાવીને બંધ બારણે એ જ સવાલ પૂછી રહ્યા હોય ત્યારે સમજી લેવું પડે કે વાત ચોક્કસ હદ કરતાં આગળ વધી ગઈ હોવી જોઈએ.
‘હા, સર.’ ડો. તન્નાનું ગળું સુકાઈ રહ્યું હતું, ‘પણ ઓપરેશન દરમ્યાન બધું સરસ રીતે ઇવન, ઓપરેશન પછી પણ બધું ઓ.કે. હતું. ત્રીજા દિવસથી તો શેઠે ખોરાક લેવાનું પણ શરૂ કરી દીધું હતું. એ વોર્ડની બહાર કોરિડોરમાં લટાર પણ મારતા થઈ ગયા હતા. ચોથા દિવસે અચાનક શું થયું કે એ...’, ‘હા, મને ખબર છે. હું એમના કેસપેપરનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી ચૂક્યો છું. મને પણ દાળમાં કશુંક કાળું હોય એવી શંકા પડી રહી છે. મૃત્યુનું કારણ સમજાતું નથી. તમને શું લાગે છે?’
ડો. તન્નાને પરસેવો વળી ગયો, ‘સર, આપને વાંધો ન હોય તો હું એ.સી.નું કૂલિંગ જરાક વધારું?’ ડો. ઝાલા હસ્યા, ‘આઇ કેન અન્ડરસ્ટેન્ડ. હું જ કરી આપું છું.’ કહીને એમણે રિમોટ હાથમાં લીધું, ટેમ્પરેચર 160 સે.ગ્રે. કરી દીધું. ડો. તન્ના યાદ કરીને બોલતાં ગયાં, ‘સાચું કહું તો મને પણ એ પેશન્ટના મૃત્યુનું કારણ સમજાતું નથી. પોસ્ટમોર્ટમ કર્યું હોત તો કદાચ સાચું કારણ જાણવા મળી જાત, પણ દર્દીના પરિવારજનોએ પી.એમ. કરવા દેવાની ના પાડી એટલે આપણે લેખિતમાં એમની સહી લઈ લીધી અને લાશ સોંપી દીધી.’
‘આઇ નો ધેટ, પણ તમે એની સારવાર કરતાં હતાં એટલે તમને તો ખબર હશે જ ને કે શેઠ ગિરધરને...’, ‘આઇ કાન્ટ સે વિથ સર્ટન્ટી, પણ શેઠજીને અચાનક રેસ્પિરેટરી એરેસ્ટ થઈ ગયું હતું, હું ત્યાં દોડી ગયો ત્યારે કંઈ કરવા જેવું રહ્યું ન હતું. હી વોઝ ડેડ.’ ‘હં...મ...મ...મ...! ખૂબ વિચિત્ર કહેવાય.’ ડો. ઝાલા આટલું બબડીને ચૂપ થઈ ગયા. રૂમની છત તરફ તાકી રહ્યા. લાગતું હતું કે એ ફરી પાછા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા હતા.
ડો. તન્નાએ રજા માગી, ‘સર, હું જાઉં હવે? એક વાત પૂછું? સર, મારી કરિયર પર તો કોઈ આંચ નહીં આવેને? પેશન્ટ આપણા શહેરમાં એક વજનદાર વ્યક્તિ હતા એટલે મારા હૈયામાં જરાક ફફડાટ જેવું થાય છે.’, ‘તમે ચિંતા ન કરશો. હું બેઠો છુંને? અને હું સત્ય સુધી જઈને જ જંપીશ. મને આ કેસમાં કશીક ગરબડ લાગે છે. ઇટ કેન નોટ બી એ નેચરલ ડેથ. મેં ફોરેન્સિક મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે એટલે હું શેઠજીના મોતના ખરા કારણ સુધી પહોંચીને જ રહીશ.’
ડો. તન્ના ઊંડી ચિંતા લઈને ઊભાં થયાં, ગંભીરતા સાથે ઓફિસમાંથી બહાર નીકળ્યાં અને અગમ્ય ફફડાટ સાથે ઘર તરફ રવાના થયાં. ડો. ઝાલા સાહેબે રઘુને સૂચના આપી, ‘રઘુ, શેઠ ગિરધરલાલ વિશેની રજેરજ માહિતી મેળવી લાવ. તું વાતોડિયો માણસ છો. તારા સોર્સ ઓફ ઇન્ફોર્મેશન પણ ઘણા છે. હું તને ચોવીસ કલાક આપું છું, એટલામાં તારે શેઠ ગિરધરલાલ કોઠારીની જિંદગીનાં અડતાળીસ વર્ષનો હિસાબ લાવી આપવાનો છે. હું તને પાંચસો રૂપિયાનું ઇનામ આપીશ.’
રઘુ કામે લાગી ગયો. ચોવીસ કલાક દરમિયાન ડો. ઝાલા પણ સાવ નવરા બેસી ન રહ્યા. એમણે ઓપરેશન થિયેટરનાં ઇન્ચાર્જ નર્સને ફોન કર્યો, ‘નેન્સી સિસ્ટર, ગુડ આફ્ટરનૂન. ડો. ઝાલા સ્પીકિંગ.’
‘સર! મારાથી કોઈ મિસ્ટેક થઈ ગઈ. આપે ફોન કરવો પડ્યો!’, ‘નો, સિસ્ટર. યુ આર જસ્ટ પર્ફેક્ટ. બટ આઇ નીડ સમ હેલ્પ. શેઠ ગિરધરલાલનું ઓપરેશન થયું તે દિવસે ઓપરેશન થિયેટરમાં શું શું વપરાયું હતું? આઇ મીન, ઇન્જેક્શન્સ, સોલ્યુશન્સ, આઇ.વી. ફ્લુઇડ્ઝ, એનીથિંગ ઓફ ઇન્ટરેસ્ટ?’
‘નથિંગ સર, એ દિવસે મારી જ ડ્યૂટી હતી. બધું મારી નજર તળે જ અપાયું હતું. મારી પાસે એ દિવસે વપરાયેલાં તમામ ઇન્જેક્શન્સનો હિસાબ પણ છે.’ ‘હં...મ્...મ્...! ડો. ઝાલા મૂંઝાઈ ગયા. ત્યાં જ એમના કાન ચમક્યા. સિસ્ટર કશુંક મહત્ત્વનું આપી રહ્યા હતા, ‘ સર, મારે તમને એક વાત કહેવી છે. હું ક્યારની વિચાર કરતી હતી, પણ ગભરાતી હતી.’, ‘ટેલ મી.’ ‘શેઠ ગિરધરલાલના ઓપરેશનના દિવસે તો કશું જ અજુગતું બન્યું ન હતું, પણ જે દિવસે એમનું મૃત્યુ થયું તે દિવસે...’ , ‘યસ! યસ! સિસ્ટર, ગો ઓન પ્લીઝ. શું થયું હતું તે દિવસે?’
‘એ દિવસે ગાર્બેજની ટોપલીમાં મેં એક વપરાયેલું ઇન્જેક્શન જોયું હતું. એ એમ્પ્યુલ પર લખ્યું હતું.’ નેન્સી સિસ્ટરે જે નામ આપ્યું એ સાંભળીને ડો. ઝાલા ઊભા થઈ ગયા, ‘વ્હોટ? ઇન્જેક્શન નિઓસ્ટિગ્મીન? એ ઇન્જેક્શન વોર્ડમાં કેવી રીતે આવ્યું?’ ‘સર, હું પણ એ જ વિચારતી હતી. એ ઇન્જેક્શન તો માત્ર ઓપરેશન થિયેટરમાં જ રાખવામાં આવે છે. ફક્ત એનેસ્થિટિસ્ટ ડોક્ટર જ એ વાપરી શકે છે.’
‘પણ એ તો તમારા સ્ટોકમાં રહે છેને?’
‘યસ સર, હું કબાટમાં રાખું છું એવી બધી ડેન્જરસ ડ્રગ્ઝ અને કબાટને લોક કરીને ચાવી મારી પાસે... સર, એટલે જ હું તમને જણાવતાં ડરતી હતી કે ક્યાંક આમાં મારું નામ ન આવે.’, ‘તમારું નામ નહીં આવે, સિસ્ટર. તમને હું ઓળખું છું. તમે આવું કામ ક્યારેય ન કરી શકો. તમારી પાસે કોઈની હત્યા કરવાનો મોટિવ જ નથી.’ ‘હત્યા? યુ મીન મર્ડર?’ સિસ્ટર પૂછતાં રહ્યાં, ફોન કપાઈ ગયો હતો.
ચોવીસ કલાક પછી રઘુનો રિપોર્ટ આવી ગયો. શેઠ ગિરધરલાલ યુવાનીમાં સૌરાષ્ટ્રના એક દરિયાકાંઠાના તાલુકા સેન્ટરમાં રહેતા હતા. જાકૂબીના ધંધા કરતા હતા. મારામારી, સુપારી કિલિંગ, દારૂની હેરાફેરી, વેપારીઓ પાસેથી ખંડણી અને... અને... હા, ગિરધર ગુંડો ચારિત્ર્યની બાબતમાં પણ લંપટ હતો. એના કારણે કંઈક ભોળી યુવતીઓએ કૂવો પૂરવો પડ્યો હતો.
‘રઘુ, હું તને બીજા પાંચસો રૂપિયા આપીશ, પણ કલાક હવે બાર જ આપીશ. હોસ્પિટલમાં કામ કરતાં તમામ કર્મચાઓમાંથી કોડીનારનું કોણ છે એ શોધી લાવ.’ બાર કલાક પછી યાદી હાજર હતી. સ્પેશિયલ વોર્ડમાં ડ્યૂટી બજાવતી યુવાન, ખૂબસૂરત નર્સ પ્રિયા રાવલનું નામ વાંચીને ડો. ઝાલા ખુશ થઈ ઊઠ્યા. એક કલાક પછી પ્રિયા ઝાલા સરની સામે ઊભી હતી અને રડી રહી હતી, ‘હા સર, એ હરામખોરને મેં જ મારી નાખ્યો છે. હું તો ત્યારે સાવ નાની અને અણસમજુ હતી જ્યારે મારી સૌથી મોટી બહેન સુષમાએ કૂવામાં પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે એને પાંચ મહિનાનો ગર્ભ હતો.
એ ચિઠ્ઠી છોડી ગઈ ન હતી, પણ ગામમાં ચર્ચા ચાલતી હતી કે એ પાપ ગિરધરનું જ હતું. ત્યારથી હું ગિરધર કોઠારીનું નામ દિમાગમાં વેરભાવથી અને ઝેરભાવથી સંઘરીને જીવતી રહી છું. અચાનક ભગવાને મને મારી બહેનના અપમૃત્યુનો બદલો લેવાની તક આપી દીધી. મેં બુકમાં વાંચ્યું હતું કે નિયોસ્ટિગ્મીન ઇન્જેક્શન આપવાથી પેશન્ટના શરીરના તમામ મસલ્સ નિશ્ચેતન બની જાય છે. એ શ્વાસ લેતો બંધ થઈ જાય છે. મેં ઓ.ટી.માંથી ગમે તે રીતે...’
ડો. ઝાલા છત સામે જોઈ રહ્યા, ઊંડા વિચાર પછી થોડીવારે બોલ્યા, ‘ડોન્ટ વરી, પ્રિયા. તે ક્રાઇમ તો કર્યો છે, પણ પાપ નથી કર્યું. તારી પાસે એવું કરવાનું મજબૂત કારણ હતું.’
‘સર, તમે મને પોલીસના હાથમાં તો નહીં સોંપી દો ને?’ પ્રિયાની મોટી, ભોળી આંખોમાં ભય છવાયેલો હતો.
‘ના, પ્રિયા. મને મુખ્ય રસ કોઈ પણ અપરાધનું મૂળ શોધી કાઢવામાં રહેલો છે, અપરાધીને સજા કરવી એ મારું કામ નથી અને તને સજા અપાવવા માટે મારી પાસે કોઈ મોટિવ પણ નથી.’ ડો. ઝાલાએ યુવાન નર્સને વિદાય કરી દીધી.
No comments:
Post a Comment