Thursday, July 13, 2017

ચલા જાઉંગા જૈસે ખુદ કો તન્હા છોડકર ‘અલ્વી’, મૈં અપને આપ કો રાતોં મેં ઉઠકર દેખ લેતા હૂઁ



ચલા જાઉંગા જૈસે ખુદ કો તન્હા છોડકર ‘અલ્વી’, મૈં  અપને આપ કો રાતોં મેં ઉઠકર દેખ લેતા હૂઁ
વિક્રાંતની પાછળ આખી કૉલેજની યુવતીઓ પાગલ હતી. એ હાઇસ્કૂલમાં ભણતો હતો ત્યારથી જ ટીનેજર છોકરીઓ વિક્રાંતની પ્રેમિકા બનવાનાં સપનાં જોતી હતી. વિક્રાંતનો સુદૃઢ બાંધો, પહોળી છાતી, સ્નાયુબદ્ધ હાથ-પગ, તામ્રવર્ણો સોહામણો ચહેરો અને સાવ બેફિકરો અંદાજ, આ બધું દક્ષિણ ગુજરાતના એ વીસેક હજારની વસ્તીવાળા ટાઉન માટે અનોખું હતું.

ટાઉનના મિડલ ક્લાસ એરિયામાં વિક્રાંતના પપ્પાનું મકાન હતું. જશુભાઇની આર્થિક સ્થિતિ સાવ મધ્યમ કહેવાય તેવી હતી. એમને ત્રણ સંતાનો હતાં. મોટો વિક્રાંત. વચેટ જયંત અને સૌથી નાનો રમણ.
બીજા બે દીકરાઓ ઘરની આર્થિક સ્થિતિ અનુસાર જીવતા હતા, પણ વિક્રાંત મનસ્વી અને માથાભારે હતો. 

‘પપ્પા, સો રૂપિયા આપો.’ અે મનફાવે ત્યારે પિતા પાસે પૈસાની માંગણી કરી લેતો હતો. આજથી ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં સો રૂપિયાનું મુલ્ય ખૂબ મોટું હતું.
‘બેટા, આટલા બધા રૂપિયાનું તારે શું...?’ પપ્પા દબાયેલા અવાજમાં પૂછવાનો પ્રયત્ન કરતા.
પણ ભારાડી દીકરો એમના પ્રશ્નને અધવચ્ચે જ કાપી નાખતો, ‘એવા બધા સવાલો નહીં કરવાના, પપ્પા. દીકરાને કૉલેજમાં ભણાવવો હોય તો પાકીટ ખુલ્લું મૂકી દેવું પડે. આ કંઇ બાલમંદિર નથી, સમજ્યા?’

સો રૂપિયાના બદલામાં વિક્રાંત નવું ટી-શર્ટ કે સારા શૂઝ ખરીદી લાવતો અને બીજા દિવસે કૉલેજમાં છાકો પાડી દેતો. એનો મિજાજ આક્રમક હતો, દેહ સુદૃઢ હતો અને હાથ છુટ્ટો હતો. છોકરાઓને એનામાં મદદગાર મિત્ર દેખાતો હતો, છોકરીઓને એનામાં બિન્ધાસ્ત પ્રેમી અને પ્રભાવક પતિ કળાતો હતો.
છેલ્લા વર્ષ સુધી પહોંચતાંમાં તે વિક્રાંતે આખા ટાઉનની ગોપીઓને ગાંડી કરી મૂકી. સ્થિતિ એવી બની ગઇ હતી કે એ જેની તરફ જોઇને આંગળીનો સંકેત કરે એ યુવતી એની જીવનસંગિની બનવા તૈયાર થઇ જાય.

વિક્રાંતે આખરે સંકેત કરી જ દીધો. માત્ર કૉલેજની જ નહીં, એ ટાઉનની જ નહીં, પણ આસપાસનાં વીસેક ગામોમાં પથરાયેલા એના સમાજમાં જે સર્વશ્રેષ્ઠ, સુંદરતમ, સર્વગુણ સંપન્ન કન્યા હતી એની ઉપર એણે પસંદગી ઉતારી. બધું વિધિવત્ (જેને થ્રૂ પ્રોપર ચેનલ કહીએ છીએ) એ રીતે જ થયું. વિક્રાંતે એ છોકરીને કશું જ કહ્યું નહીં, સીધું પપ્પા-મમ્મીને જ વાત કરી, ‘મને સુહાની ગમે છે, તમે એના પપ્પાને મળીને વાત ચલાવો.’

વાતમાં તો શું ચલાવવા જેવું હતું? જેવી જશુભાઇએ અંબાલાલને વાત કરી કે, ‘તમારી સુહાની પરણાવવાલાયક ઉંમરની થઇ ગઇ છે, છોકરો શોધો છો કે નહીં?’ ત્યાં જ અંબાલાલે તક ઝડપી લીધી, ‘અમારે બીજો કોઇ મુરતિયો શોધવો જ નથી, સુહાની મનથી તમારા વિક્રાંતને વરી ચૂકી છે. જો તમે આજે ન પૂછ્યું હોત તો પરીક્ષા પત્યાં પછી હું જ માગું નાખવા આવવાનો હતો.’
નિર્ણય લેવાઇ ગયો. પરીક્ષા પહેલાં સગાઇ અને પરીક્ષા પછી લગ્ન.

સગાં-સંબંધીઓમાં, અાડોશ-પાડોશમાં, ન્યાતમાં અને કૉલેજમાં જેણે જેણે આ સાંભળ્યું કે વિક્રાંતની સગાઇ સુહાનીની જોડે જાહેર કરવામાં આવી છે, એ દિલથી નાચી ઊઠ્યું. 
‘વાહ! શું જોડી જામે છે? જાણે બીજાં રામ-સીતા જોઇ લો!’ કોઇએ કહ્યું. તો વળી કોઇ બોલી ઊઠ્યું, ‘સાક્ષાત્ કામદેવ અને રતિનું રૂપ છે!’
પરીક્ષા બાજુ પર રહી ગઇ અને વિક્રાંત-સુહાનીનાં મિલનો શરૂ થઇ ગયાં. આખો દિવસ બંને પ્રેમી-પંખીઓ પોતાનું એકાંત  શોધીને ભાવિ લગ્નજીવનનાં સપનાંઓ ગૂંથી રહ્યાં.

પરીક્ષા આવી અને પૂરી થઇ ગઇ. પરિણામ જાહેર થયું. બંને પાસ થયાં હતાં. હવે એક જ પ્રસંગ બાકી રહ્યો-લગ્નનો.
બધું બરાબર ચાલતું હતું. બંને પક્ષે કંકોતરી છપાવવાથી લઇને કપડાં-દાગીનાની ખરીદી કરવા સુધીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. સુહાનીમાં થનગનાટનો પાર ન હતો. એ મનોમન મધુરજનીનો માળો રચી રહી હતી.

અચાનક એક દિવસ વિક્રાંતે ઘરમાં નિર્ણય જાહેર કર્યો, ‘મારે સંસાર-ત્યાગ કરવો છે. સાધુ બની જવું છે. દીક્ષા લઇ લેવી છે.’
પપ્પા-મમ્મી, બંને ભાઇઓ આઘાતના પ્રહારથી મૂર્છિત જેવાં બની ગયાં.
પપ્પાને માંડ વાચા ફૂટી, ‘દીકરા, તું આ શું બોલે છે? આવતા અઠવાડિયે તો તારાં લગ્ન...’

‘લગ્ન એ બીજું કંઇ નથી, પપ્પા, બે વિજાતીય પાત્રોની વાસના સંતોષવા માટે ઉપજાવી કાઢવામાં આવેલી એક સામાજિક વ્યવસ્થા માત્ર છે. મારે એવી વ્યવસ્થાનો ભોગ નથી બનવું.’ આવું બોલતી વખતે વિક્રાંતની આંખોમાં એક સાત્ત્વિક ચમક ઝલકતી હતી. 
‘એવું નથી બેટા, આપણા ધર્મમાં લગ્ન એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય બાબતોનું આચરણ...’

‘હશે, પણ અંતે તો મોક્ષ જ આવે છે ને! મારે તો શરૂઆત જ મોક્ષ-પ્રાપ્તિથી કરવી છે. સંન્યાસ, સંયમજીવન, તપ, ધર્માચરણ અને મોક્ષપ્રાપ્તિ. મારા માટે આ જ જીવનપંથ રહેશે.’ વિક્રાંતની વાતો પરથી દેખાઇ આવતું હતું કે એના માથા પર કોઇ સંતનો અથવા ગુરુદેવનો હાથ ફરી ગયો છે.
ખરેખર એવું જ હતું. છેલ્લા એકાદ મહિનાથી વિક્રાંત એક ગુરુજીના સંપર્કમાં આવ્યો હતો. અહીં એક સ્પષ્ટતા કરી દઉં- વિક્રાંતના મનમાં દીક્ષા લઇને સાધુ બની જવાની જે ઇચ્છા જન્મી હતી તે મહાન ધર્મ જિનશાસન અથવા એવા જ આપણા અન્ય સુખ્યાત ધર્મો કે સંપ્રદાયોની વાત નથી. 

એ કયો સંપ્રદાય હતો એ હું જાહેર કરતો નથી. કારણ કે અહીં એનું મહત્ત્વ જ નથી. મહત્ત્વ વિક્રાંતના જીવનમાં બનેલા અણધાર્યા ઘટનાક્રમનું છે. તમામ સગાંવહાલાંઓની સમજાવટની કશી જ અસર થઇ નહીં. આ સમાચાર જ્યારે કન્યાપક્ષમાં પહોંચ્યા ત્યારે ત્યાં પણ ખળભળાટ મચી ગયો. સુહાની જાતે જ દોડી આવી. લજ્જાનો ત્યાગ કરીને બધાની ઉપસ્થિતિમાં વિક્રાંતને વિનંતી કરતાં કહી દીધું, ‘વિક્કી, હું મનથી તને વરી ચૂકી છું. હું જીવનભર તારા જ નામનું મંગળસૂત્ર ધારણ કરવા માટે દૃઢનિશ્ચયી છું. તારે સાધુ બનવું છે ને! તો પહેલાં મારી સાથે ચાર ફેરા ફરી લે. 

સમાજની સામે મને તારી પત્ની બનાવી લે. પછી તું છુટ્ટો છે. હું તારી પાસે સુહાગરાતની યે અપેક્ષા નહીં રાખું. તું સાધુ બનીને ચાલ્યો જજે, હું તારા ઘરમાં તારાં મમ્મી-પપ્પા અને બે ભાઇઓની સેવામાં મારી જિંદગી પસાર કરી નાખીશ.’ વિક્રાંત ટસનો મસ ન થયો. ભયાનક કલ્પાંત અને તમામ સ્વજનોની નારાજગી વચ્ચે એક શુભ દિવસે એણે ગૃહત્યાગ કર્યો. ગુરુજીના હાથે દીક્ષા લઇને સંન્યાસ ધારણ કરી લીધો. એક સમયનો ફેશન પરસ્ત યુવાન હવે ભગવા વસ્ત્રધારી થઇ ગયો. વિક્રાંત બની ગયો સ્વામી શ્રી પ.પૂ. વિનયાનંદજી.

ઘરમાં વાતાવરણ નોર્મલ થવામાં છ-બાર મહિના નીકળી ગયા. મમ્મી-પપ્પા દર અઠવાડિયે બે-ત્રણ વાર દીકરાને મળવા માટે આશ્રમમાં દોડી જતાં હતાં, એક દિવસ ગુરુજીએ કહી દીધું, ‘જો તમે અહીં આવવાનું ઓછું નહીં કરો તો મારે વિનયાનંદને અમારા મધ્યપ્રદેશ ખાતેના આશ્રમમાં મોકલી દેવા પડશે. એની તપસ્યામાં અને શાસ્ત્રાભ્યાસમાં ખલેલ ન પાડો તો સારું.’ માવતર સમજી ગયા. ભાઇઓએ તો ક્યારનીયે મોહમાયા ઓછી કરી નાખી હતી. સ્વામી વિનયાનંદજી હવે નર્મદાના કિનારે આવેલા આશ્રમમાં રહીને તપસ્યા આગળ ધપાવવા લાગ્યા. બે વર્ષ પછી એમનાં સંસારી માતા-પિતા એમને મળવા આવ્યાં. 

ડઘાઇ ગયા, ‘બેટા, શરીર સાવ હાડપિંજર જેવું શાથી થઇ ગયું? અને તારા ચહેરા પરનો આનંદ ક્યાં અદૃશ્ય થઇ ગયો?’ ‘મારા ગુરુજી ખૂબ તામસી સ્વભાવના છે. એ રોજ મારું અપમાન કર્યા કરે છે એનાથી મારી ભૂખ મરી જાય છે. પછી વજન ઘટતું જ જાય ને?’
મા રડી પડી, ‘બેટા, ઘરે પાછો આવી જા. ભગવા ઉતારી નાખ.’

‘નહીં હવે એ શક્ય નથી.’ વિનયાનંદ ગંભીર મુદ્રામાં હતા. પેલી કહેવત છે ને- ‘બાવાના બેય બગડ્યા,’ એ આ કિસ્સામાં સાચી પડી રહી હતી. પણ જેમ તેમ કરીને એમણે દસેક વર્ષ ખેંચી કાઢ્યાં. છેવટે એક દિવસ સ્વામી વિનયાનંદે સંન્યસ્ત જીવનનો ત્યાગ કરી દીધો. ભગવા ઉતારીને શર્ટ-પેન્ટ ધારણ કરી લીધાં.

પણ ઘરનું વાતાવરણ હવે બદલાઇ ગયું હતું. સાથે જીવવા-મરવાની કસમો ખાતી પ્રેમિકા બીજાની સાથે પરણી ગઇ હતી. મમ્મી મૃત્યુ પામી હતી. પિતાજી દમ અને ખાંસીના ખાટલામાં પડ્યા હતા. બંને નાના ભાઇઓ પરણીને એમના સંસારમાં ડૂબી ગયા હતા. રોજનાં મહેણાં-ટોણા શરૂ થઇ ગયા હતા. વચેટ ભાઇની વહુ દિવસમાં ચાર-પાંચ વાર સંભળાવતી રહેતી હતી, ‘એવા કેવા અપલખણ હતા કે સાધુ જીવનમાં યે ન ટક્યા?’

નાની વહુ જવાબ આપતી, ‘કર્યું હશે કોઇક ભક્તાણીને અટકચાળું! ગુરુએ જ ધોકો મારીને કાઢી મૂક્યા હશે!’  ‘એવું જ લાગે છે, મૂવો જેઠ થઇને આપણી સામે જ આખો દી’ ટગર-ટગર જોયા કરે છે. મને તો ડર લાગે છે કે ક્યાંક...’ ભાઇઓને પણ મોટાભાઇની ઘર-વાપસી જરાયે ગમી ન હતી. બંને આપસમાં ચર્ચા કરતા હતા એ વિક્રાંતના કાનમાં પડી ગયું, ‘આ બાવો પાછો ઘરે આવ્યો એટલે મિલકતમાં ભાગ પડાવશે.’
એ રાત્રે જ વિક્રાંતે પંખા સાથે દોરડું બાંધીને ફાંસો ખાઇ લીધો. (શીર્ષક પંક્તિ:  મોહમ્મદ અલ્વી)

No comments:

Post a Comment