Thursday, July 13, 2017

બંદ લિફાફે મેં રખી ચિટ્ઠી સી હૈ યે જિંદગી પતા નહીં અગલે હી પલ કૌન સા પૈગામ લે આયે



બંદ લિફાફે મેં રખી ચિટ્ઠી સી હૈ યે જિંદગી પતા નહીં અગલે હી પલ કૌન સા પૈગામ લે આયે
લાગે છે કે કમસીન કાયા ધરાવતી મિસ કમસીન કામાણીનો જન્મ જ લોકોને આશ્ચર્યનો આંચકો આપવા માટે થયો હશે. નહીંતર એના જેવી ખૂબસૂરત પચીસ વર્ષની કન્યા ચાળીસ વર્ષના કરણ સાથે લગ્ન જ ન કરે. જ્યારે કમસીન-કરણના મેરેજના સમાચાર બહાર આવ્યા ત્યારે એમને જાણનારાઓની પ્રતિક્રિયા આવી હતી: લગભગ કમસીનની ઉંમરના યુવાનો ફળફળતો નિસાસો મૂકીને બોલતા હતા, ‘કાગડો દહીંથરું લઇ ગયો! 

સમજાતું નથી કે કમસીને આવું કેમ કર્યું હશે! આપણે મરી ગયા હતા? સાલું બીજું કંઇ નહીં તો છેવટે ઉંમર તો જોવી હતી. પંદર વર્ષનો તફાવત કંઇ ચલાવી લેવાતો હશે?’
જે ઇર્ષાળુ સહેલીઓ હતી એ પોતાનો બળાપો આ શબ્દોમાં ઠાલવતી હતી, ‘ભારે લુચ્ચી અને ગણતરીબાજ નીકળી કમસીન! એણે ન તો ઉંમર જોઇ, ન દેખાવ જોયો, ન પર્સનાલિટીનું મેચિંગ જોયું. બસ રૂપિયો જ જોયો અને કરણની સાથે પરણી ગઇ.’

જે થોડા-ઘણા લોકો કરણને પણ જાણતા હતા એમનું કહેવું કંઇક આવું હતું, ‘કરણ ભલે ઉંમરમાં કમસીન કરતાં પંદર વર્ષે મોટો હોય, પણ એ છે ભારે ઇન્ટેલેક્ચ્યુઅલ. એનું નોલેજ ગજબનું છે. ચાળીસ વર્ષની ઉંમરમાં તો એણે પૈસા બનાવી લીધા છે; એ કંઇ પ્રારબ્ધના જોર પર નથી બનાવ્યા. એણે પુરુષાર્થ પણ કર્યો છે અને બુદ્ધિ પણ વાપરી છે.’

હા, કરણ ખરેખર બૌદ્ધિક પુરુષ હતો. એને બિઝનેસ સિવાય પણ બીજા અનેક ક્ષેત્રોમાં રસ હતો. એ મોડી રાત સુધી ગાલિબ, ફૈઝ અને મીર તકી મીરની ગઝલો સંભળાવી શકતો હતો, તો પ્રવાસ દરમિયાન કારની પાછલી સીટ પર બેસીને એન્ટોન ચેખોવ અને મોંપાસાની વાર્તાઓ પણ વાંચી શકતો હતો. કોઇ એના લેવલનું મળી જાય તો એ રમણ મહિર્ષ, જે. કૃષ્ણમૂર્તિ અને ગુર્જ્યેફની ચર્ચા પણ કરી શકતો હતો અને કોઇક હિંદી ફિલ્મનું ગીત સાંભળીને એ કહી આપતો હતો કે- 

‘ આ ધૂન તો બિથોવનની ફલાણી સિમ્ફનીની બેઠ્ઠી ઉઠાંતરી છે.’ એને ગમે તે ફંક્શનમાં, ગમે તે વિષય પર, ગમે ત્યારે વક્તવ્ય આપવા માટે વિનંતી કરવામાં આવે તો એ કશી જ પૂર્વ તૈયારી વગર શ્રોતાઓને જકડી રાખે એવું બોલી પણ શકતો હતો. હી વોઝ રીઅલી એ જિનિઅસ. 

કમસીન કામાણીએ ખરેખર તો કરણના ઓવર ઓલ વ્યક્તિત્વથી આકર્ષાઇને જ એની સાથે મેરેજ કર્યાં હતાં. પોતાનાં મમ્મી-પપ્પાને એણે આવી દલીલો સાથે જ મનાવી લીધાં હતાં: ‘હા, કરણ મારાથી પંદર વરસે મોટા છે. એ દેખાવમાં એટલા બધા હેન્ડસમ પણ નથી. પણ એ જ્યારે કોઇ પણ વિષય પર વાત કરવા માટે મોઢું ખોલે છે ત્યારે એમના વાણીના પ્રવાહમાં એમનો દેખાવ, એમની ઉંમર એ બધું વહી જાય છે. 

મોરઓવર, હી ઇઝ વેરી રિચ, ડેડ! એની સાથે મેરેજ કરીને હું ભૌતિક સુખો પણ મન ભરીને માણી શકીશ. તમને એક જ વાતની ચિંતા છે ને કે પતિની ઉંમર જો આટલી બધી મોટી હોય તો ક્યારેક એની પત્નીને વૈધવ્યનો સામનો કરવો પડે! પણ કરણ રોજ કસરત કરે છે, યોગા કરે છે, જીમમાં જાય છે; મને વિશ્વાસ છે કે એ મારા કરતાં પણ લાંબું જીવશે.’

બંનેનું મેરેજ લઘુતમ સ્વજનોની ઉપસ્થિતિમાં ઊજવાઇ ગયું. બે વર્ષ તો લગ્નજીવન સુખપૂર્વક ચાલ્યું, પણ અચાનક એક દિવસ કરણ હૃદયરોગના જોરદાર હુમલામાં મૃત્યુ પામ્યો. 
સન્નાટો છવાઇ ગયો. સગાં-વહાલાં, સ્વજનો, મિત્રો અને પરિચિતો સ્તબ્ધ હતાં. એવું લાગતું હતું જાણે કમસીનનો જન્મ લોકોને આશ્ચર્યનો આંચકો આપવા માટે જ થયો હતો!
પ્રારંભિક આઘાતની કળ વળી, કમસીનની જિંદગી જરા-તરા પાછી પાટા પર આવી, ત્યારે સહુએ એને સમજાવવાની કોશિશ ચાલુ કરી દીધી. 

પહેલ એના પપ્પાએ કરી, ‘બેટા, હવે તારે બીજા મેરેજ માટે વિચારવાનું શરૂ કરવું જોઇએ.’
‘પ્લીઝ, પપ્પા. મારી સામે આ વાત ફરી ક્યારેય ઉખેળશો નહીં.’
મમ્મીએ પણ પ્રયત્ન કરી જોયો, ‘દીકરી, તારી ઉંમર સામું તો જો. સત્યાવીસની ઉંમરે તો આજ-કાલની છોકરીઓ પરણતી પણ નથી હોતી અને તું આ ઉંમરે વિધવા થઇ ગઇ! તારી સામે હજી ખૂબ લાંબી જિંદગી પડેલી છે.’

‘મમ્મી, મારી પાસે જિંદગી પસાર કરવા માટેનું કારણ પણ છે જ; કરણ એમની પાછળ મોટો બિઝનેસ મૂકતા ગયા છે. એને સંભાળવા માટે એક આખી જિંદગી પણ ઓછી પડે તેમ છે. રહી વાત કંપનીની. તો તમે બધાં છો જ ને મારી સાથે! મારા ભાઇઓ છે, ભાભીઓ છે, ભત્રીજા-ભત્રીજીઓ છે. હું ક્યારેક કંટાળીશ તો કોઇની પણ સાથે ફરવા ઊપડી જઇશ. પૈસાનો પણ પ્રશ્ન નથી, સગાંઓની પણ ખોટ નથી.’

ધીમે ધીમે અન્ય મિત્રો, સ્વજનોએ પણ એને મનાવવાનો પ્રયત્ન કરી જોયો, ‘કમસીન, જિંદગી કંઇ એકલા ધનથી જીવી નથી શકાતી; મનનું શું? માણસની ખોટ પૈસાથી ક્યારેય પૂરી શકાતી નથી. તું આજે પણ એટલી જ સુંદર દેખાય છે. હવે તો તારી પાસે સંપત્તિ પણ છે. તું ધારે તો તારી જ ઉંમરના હેન્ડસમ યુવાન સાથે મેરેજ કરી શકે તેમ છે.’

હવે કમસીનના મગજની કમાન છટકી ગઇ. એણે સહેજ તોછડાઇપૂર્વક સંભળાવી દીધું, ‘તમે બધાં શું જોઇને મારી પાછળ પડી ગયાં છો? મારું કહેવું કાન ખોલીને સાંભળી લો. મેં કરણની સાથે મેરેજ નહોતું કર્યું પણ લવમેરેજ કર્યું હતું. લગ્ન અને પ્રેમ-લગ્ન વચ્ચેનો ફરક સમજાય છે તમને? રહી વાત માણસની. તો એ પણ સાંભળી લો. કરણ મારે મન હજુ જીવે જ છે. એ આખો દિવસ મારી સાથે ઓફિસમાં હાજર હોય છે, બિઝનેસ-વર્કમાં મને માર્ગદર્શન આપતો રહે છે અને આખી રાત એ મારા સપનામાં આવીને મને પ્રેમ કરતો રહે છે. માત્ર બે જ વર્ષના લગ્નજીવનમાં કરણે મને એટલું બધું સુખ આપ્યું છે કે એની યાદોના સથવારે હું એક જિંદગી જ નહીં, 

પણ આવનારા સાત-સાત જન્મો એકલી રહીને પસાર કરી શકું. માટે હવે પછી....’
બધાં ચૂપ થઇ ગયાં. લાગતું હતું કે કમસીનનો જન્મ જ બધાને આશ્ચર્યનો આંચકો આપવા માટે થયો હતો!
ખરેખર કમસીને બધાને ચૂપ કરી દીધા. છ એક મહિનામાં તો એણે કરણનો બિઝનેસ સંપૂર્ણ રીતે સંભાળી લીધો. રોજ સવારે વહેલા ઊઠી જવું, મોર્નિંગવોક કરવા જવું, પછી જીમમાં ફિટનેસ માટે પરસેવો પાડવો, ઘરે પાછા આવીને નહાવું, બ્રેકફાસ્ટ કરવો, પૂજા-પાઠ કરવા, મેડિટેશન કરવું, તૈયાર થઇને ઓફિસે જવું, 

લંચ સમયે ફણગાવેલા કઠોળ અને ફ્રૂટ્સ ખાવાં, છેક સાંજ સુધી કામ કરતાં રહેવું અને રાત્રે ઘરે આવીને હળવું ડિનર લઇને પથારીમાં પડવું. આ એનો નિત્યક્રમ બની ગયો. 
દર ચાર-છ મહિને એકાદ નાનો પ્રવાસ અને વર્ષમાં એક વાર વિદેશનો પ્રવાસ; આ એના માટે શોખ નહીં પણ જરૂરિયાત બની રહ્યું. બિઝનેસના સ્ટ્રેસમાંથી હળવા થવાનું નિમિત્ત બની ગયું. 
આવા જ એક પ્રવાસ દરમિયાન કમસીનનો ભેટો પરેશભાઇની સાથે થયો. બંને જણાં સાઇટ સીઇંગ વખતે ભટકાઇ ગયાં. કમસીન તો ઓળખી ન શકી, પણ પરેશભાઇ એને ઓળખી ગયા, 

‘અરે, કમસીન, તું?’
‘સોરી, તમે કોણ?’
‘મને ન ઓળખ્યો? તું જે કોલેજમાં ભણતી હતી ત્યાં હું ઓફિસમાં કલાર્ક હતો. પરેશ પંજવાણી મારું નામ.’

‘હા, હા, યાદ આવ્યું. પણ ત્યારે તો તમે....’
‘ત્યારે હું જવાન હતો ને, એટલે ફિટ હતો; અત્યારે બેઠાડુ જીવનના લીધે વજન વધી ગયું છે અને પેટ પણ માટલા જેવું થઇ ગયું છે. તમારી વાત સાંભળાવો. શું કરો છો? ક્યાં રહો છો? મેરિડ છો કે સિંગલ?’
સહપ્રવાસીઓ પણ જોઇ રહ્યા કે આ તન્વાંગી રૂપયૌવના પેલા ગેંડા જેવા પુરુષની સાથે કેમ આટલી લળી-લળીને વાત કરે છે?

પરેશ પંજવાણી પંચાવન વર્ષનો હતો. ત્રણ સંતાનોનો બાપ હતો. એની પત્ની બે વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. હજુ પણ પરેશ એ જ કોલેજમાં એ જ સ્થાન પર ફરજ બજાવતો હતો. એનું કાચા પપૈયા જેવું મોં અને ખરી ગયેલા વાળવાળું માથું અને તમાકુથી પીળા-ગંદા થઇ ગયેલા દાંત કોઇ પણ જોનારાના મનમાં ચીતરી જન્માવવા માટે પૂરતા હતા. 

પ્રવાસેથી પાછા ફરતાં સુધીમાં બંનેએ નિર્ણય લઇ લીધો. અમદાવાદ આવીને કમસીન અને પરેશ પંજવાણીએ લગ્ન કરી લીધાં. પીળા દાંતનો માલિક સૌંદર્યથી ઊભરતી ગં.સ્વ. ઇંદ્રાણીનો માલિક બની ગયો અને ત્રણ સંતાનોની સાથે બંગલામાં રહેવા આવી ગયો; કમસીન એક ક્ષણમાં જ ત્રણ-ત્રણ સંતાનોની મમ્મી બની ગઇ. હવે પછી ચોથું, પાંચમું અને છઠ્ઠું થાય તો એ વધારાનાં!
જેણ-જેણે આ સમાચાર સાંભળ્યા એ અવાક બની ગયા. કમસીને આખરે આવું પગલું શા માટે ભર્યું? સવાલો સેંકડો હતા, જવાબ એક પણ ન હતો. 

એવું લાગે છે જાણે કમસીનનો જન્મ લોકોને આશ્ચર્યનો આંચકો આપવા માટે જ થયો હશે! 

No comments:

Post a Comment