Thursday, July 13, 2017

લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી


ડો.પ્રશાંતે ઘડિયાળમાં જોયું. બપોરના બે વાગ્યા હતા. એ અમદાવાદની મોટી જનરલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. બાળકોનો વિભાગ હતો. આજે એમની ઇમર્જન્સી ડ્યૂટી હતી.
સવારના આઠ વાગ્યાથી ડો. પ્રશાંત સરહદ પર તૈનાત સોલ્જરની જેમ ઝઝૂમી રહ્યા હતા. જે દિવસે એણે પીડિયાટ્રિક વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો તે પ્રથમ દિવસે જ યુનિટનાં વડા ડો. મિસિસ મહેતાએ એને આવું કહ્યું હતું, ‘સતત ચોવીસ કલાક આંખનું મટકું પણ માર્યા વગર કામ કરી શકીશ?’, ‘યસ મેડમ.’, ‘આપણી પાસે આવતા દરેક બાળકમાં પ્રભુનાં દર્શન કરી શકીશ?’, ‘યસ, મેડમ.’
‘દર્દીની હાલત ગમે તેવી નિરાશાજનક હોય, એની જીવવાની તક શૂન્યવત્ હોય, તો પણ એને બચાવવા માટેના પ્રયત્નો ચાલુ રાખી શકીશ?’
‘યસ મેડમ.’, 

‘ગુડ. તો આ વિભાગમાં તારું સ્વાગત છે. અહીં તારી શારીરિક અને માનસિક ઉપરાંત આત્મિક શક્તિની પણ કસોટી થઈ જશે. જો તું આ બધામાં સફળ સાબિત થઈશ તો ભવિષ્યનાં વર્ષો તારા માટે લાલ જાજમ બિછાવીને ઊભાં હશે, જો તું ઊણો ઊતરીશ તો નિષ્ફળ ડોક્ટરની યાદીમાં તારો ઉમેરાે થઈ જશે.’
‘મેડમ, હું વચન આપું છું કે હું તમને નિરાશ નહીં કરું.’ પ્રશાંતે સાચા હૃદયપૂર્વક કહ્યું હતું અને એ સાથે જ એની જિંદગીનો સૌથી કપરો તબક્કો શરૂ થયો હતો.
દર એકાંતરા દિવસે પ્રશાંતની નાઇટ ડ્યૂટી આવતી હતી. એ દિવસે ચોવીસ કલાક સતત કામ કર્યા પછી બીજા દિવસે પણ બપોરના બે વાગ્યા સુધી તો એણે રોજિંદું કામ કરવું જ પડતું હતું. એટલે સતત ત્રીસ કલાકની ફરજ એણે બજાવવી પડતી હતી.

એ દિવસે પણ આવો જ એક કતલનો દિવસ હતો. સવારની ઓ.પી.ડી.માં બસો જેટલા આઉટડોર દર્દીઓને તપાસીને પછી ડો. પ્રશાંત વોર્ડમાં કામ કરી રહ્યો હતો. આજે કેટલાં બધાં બાળકો વોર્ડમાં એડમિટ થયાં હતાં! કોઈને તાવ હતો, કોઈને ઝાડા-ઊલટી. એ દરેકનો કેસપેપર લખીને તૈયાર કરવાનો, એને તપાસીને ટ્રીટમેન્ટ નક્કી કરવાની, પછી એ ટ્રીટમેન્ટ યોગ્ય રીતે અપાય એની ચીવટ રાખવાની, સિસ્ટર્સને સૂચનાઓ આપવાની, બાળકનાં મમ્મી-પપ્પાની સાથે વાત કરવાની થાકી જવાય તેવું કામ હતું.

ઊંઘવાનો પ્રશ્ન જ ન હતો, બપોરના ભોજનનાં પણ ફાંફાં હતાં. લગભગ ત્રણેક વાગ્યે ફરજ પરની નર્સે આવીને ડો. પ્રશાંતને કહ્યું, ‘જાવ, બાજુના રૂમમાં જઈને સેન્ડવિચ ખાઈ લો, નહીંતર ચક્કર ખાઈને ઢળી પડશો.’
ત્યારે ડો. પ્રશાંત નિયોનેટલ કેર યુનિટની પાસેની ઓરડીમાં જઈને બે સેન્ડવિચના ડૂચા ગળામાં ઠૂંસી આવ્યા. અડધો કપ ચા પીને પાછા યુદ્ધ-મોરચા પર હાજર થઈ ગયા. સાંજ પડી. રાત ઢળી. વોર્ડ આખો ચિક્કાર ભરેલો હતો. અવાજો, બાળકોની ચીસો અને માવતરોની પૂછપરછના શોર વચ્ચે ડો. પ્રશાંત ઝઝૂમી રહ્યા હતા. રાતના આઠ વાગ્યા. મેસમાં ડિનર માટે જવા જેટલો સમય ન હતો.
રાત્રિના બાર વાગ્યા. બીજા બધા સ્ટાફની ડ્યૂટી બદલાઈ ગઈ. નાઇટ ડ્યૂટી માટે વર્ષાબહેન નામનાં એક સિનિયર સિસ્ટર આવ્યાં. એમને જોઈને ડો. પ્રશાંતની આંખમાં રાહતની ચમક આવી ગઈ. વર્ષા સિસ્ટર એક સિનિયર, સંનિષ્ઠ અને હોશિયાર નર્સબહેન હતાં. એ હંમેશાં જીવનની દરેક વાતને હકારાત્મક નજરથી જોતાં હતાં. એમણે આવતાંની સાથે જ નાસ્તાનો ડબ્બો ડો. પ્રશાંત સામે ખુલ્લો મૂકી દીધો, ‘જમ્યા નથીને? પહેલાં આ ડબ્બો ખાલી કરી નાખો. કામ તો આખી રાત ચાલવાનું છે.’

ડો. પ્રશાંત મોટી બહેન જેવી નર્સના આદેશને અનાદર ન કરી શક્યા. એ પછી પાછાં બંને કામ પર વળગ્યાં. બાળકો તો આવ્યે જ જતાં હતાં. લગભગ રાતનો એક વાગી ગયો. વર્ષા સિસ્ટર ફરી પાછાં મદદે આવ્યાં, ‘ડોક્ટર, થોડીવાર માટે ઊંઘ ખેંચી લો. હું મોરચો સંભાળી લઈશ.’‘સિસ્ટર, પણ...’ ડો. પ્રશાંતે કહ્યું, ‘વોર્ડમાં આઠ-દસ બાળકો ડચકાં ખાય છે. તમે એકલાં હાથે...?’
‘આ માથાના વાળ કંઈ તડકામાં ‘ગ્રે’ નથી થયા ડોક્ટર. હું બધું સંભાળી લઈશ.’ વર્ષા સિસ્ટરે કહ્યું. એમના આત્મવિશ્વાસમાં દાયકાઓના કામનો અનુભવ અને ઘનિષ્ઠ તાલીમનો સરવાળો પડઘાતો હતો. 
‘સારું. હું બાજુના રેસ્ટરૂમમાં જઉં છું, પણ જો કોઈ નવું એડમિશન આવે તો મને જગાડજો હોં!’ કહીને ડો. પ્રશાંત સૂવા માટે ચાલ્યો ગયો. માંડ આંખ મળી હશે ત્યાં પટાવાળો આવીને કહી ગયો, ‘સર, જલદી દોડો! એક સિરિયસ બેબલું આવ્યું છે.’

આંખોમાં તો એસિડ જેવો ઉજાગરો અંજાયેલો હતો, પણ ડો. પ્રશાંત દોડીને બહાર આવ્યા. એક પોલીસ કોન્સ્ટેબલ હાથમાં નવજાત શિશુ લઈને ઊભો હતો.‘ડોક્ટર, એક કલાક પહેલાં મારી ઘરવાળીએ આ દીકરીને જન્મ આપ્યો. પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સુવાવડ થઈ, પણ છોકરી જન્મ્યા પછી રડી નથી. ત્યાંના ડોક્ટરે ખૂબ પ્રયત્નો કર્યા પછી હાથ અધ્ધર કરી દીધા. એટલે હું...’ડો. પ્રશાંતે બાળકીની તરફ જોયું. હાથ અધ્ધર કરી દેવા જેવો જ મામલો હતો. ડો. પ્રશાંત બબડ્યા, ‘સિસ્ટર, આ તો લાશ જ છે. હું એના પપ્પાને કહી દઉં કે...’વર્ષા સિસ્ટરે ડો. પ્રશાંતને રોકી લીધા, ‘નો, ડોક્ટર! આ બેબીનો શ્વાસ ભલે બંધ છે, પણ એનું હૃદય ક્યારેક ક્યારેક એકાદ વાર ધબકી જાય છે. આપણે પ્રયત્ન તો કરી છૂટીએ.’ડો. પ્રશાંતે બેબીને રીસસીટેટ કરવાનું શરૂ કરી દીધું. સામાન્યપણે ડોક્ટરોને એવું શિખવવામાં આવે છે કે નવજાત શિશુ જો જન્મ પછી તરત જ મોટેથી ન રડે અને એવી સ્થિતિ 15-20 મિનિટ્સ સુધી ચાલુ રહે તો એ શિશુ બચે નહીં.’

ડો. પ્રશાંત હારેલી બાજી જીતવા માટે ધમપછા મારી રહ્યા હતા. વર્ષા સિસ્ટર પણ પૂરો સાથ આપી રહ્યાં હતાં. થોડીવાર પછી બાળકીએ એક ડચકું ખાધું. શ્વાસ ખેંચ્યો. પછી પાછું બધું શાંત, પણ આ એક નાનકડી ક્રિયાએ ડોક્ટરને જોશમાં લાવી દીધા.પૂરા એક કલાકની કોશિશો પછી બાળકીનું હૃદય તો તદ્દન સામાન્ય રીતે ધબકવા લાગ્યું, પણ શ્વાસની ક્રિયા હજુ સંતોષજનક જણાતી ન હતી. ‘સિસ્ટર, આપણું કામ પૂરું થયું. બેબીનું હૃદય આપણે પાછું ચાલુ કરી આપ્યું. હવે શ્વાસની તકલીફ માટે એક જ ઉપાય છે. આ બાળકીને વેન્ટીલેટર પર મૂકવી પડશે.’આ ઘટના ઈ.સ. 2003ની છે. ત્યારે એ હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટરની સગવડ હતી નહીં. એને સિવિલ હોસ્પિટલમાં લઈ જવી એ જ એકમાત્ર રસ્તો બચ્યો હતો, પણ ડો. પ્રશાંતે સિવિલ હોસ્પિટલમાં ફોન કર્યો તો જાણવા મળ્યું, ‘અહીં બધાં જ વેન્ટિલેટર્સ રોકાયેલાં છે.’

પોલીસ પિતાની આર્થિક ત્રેવડ પ્રાઇવેટ વેન્ટિલેટરનો ખર્ચ ઉઠાવી શકે તેવી ન હતી. આખી રાત ડો. પ્રશાંત કૃત્રિમ રીતે રબ્બરની બેગ વડે બાળકીને ઓક્સિજન આપતા રહ્યા. સવારે છ વાગ્યે એમના હાથ સૂજી ગયા. વર્ષા સિસ્ટરે કહ્યું, ‘તમે વોર્ડમાં બીજા બાળકોનો રાઉન્ડ લઈ આવો, ત્યાં સુધી હું બેબીને શ્વાસ આપવાની ફરજ બજાવું છું.’ત્રીસ-ત્રીસ કલાકનો ઊજાગરો, ભૂખ-તરસ અને થાક, પૂરતી ઊંઘ અને આરામનો અભાવ, આ બધાને અંતે શું મળ્યું? ઘોર નિષ્ફળતા. બાળકી હજુ પણ એની જાતે શ્વાસ ખેંચી શકતી ન હતી. વર્ષા સિસ્ટરે બાળકીની જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી. ત્યાં સુધીમાં ડો. પ્રશાંતે વોર્ડમાં એડમિટ થયેલાં 70-75 બાળકોનો રાઉન્ડ લઈ લીધો. નવ વાગ્યા. હવે એ વિભાગના અધ્યક્ષ મેડમ. ડો. મહેતાના આવવાનો સમય થયો.આખું યુનિટ ભેગું થયું. ડો. મિસિસ મહેતાએ રાતભર ચાલેલા મૃત્યુ સામેના જંગના સમાચાર જાણ્યા. પ્રશાંતની પીઠ થાબડીને બોલ્યાં, ‘સારું કામ કર્યું. આ બેબીની હાલતમાં અત્યારે મોટો સુધારો થયેલો દેખાય છે. એને હવે ટી.પિસ વેન્ટિલેશન પર મૂકી દો. એ બચી જશે.

પછી મેડમ એ બાળકીના પિતા તરફ ફર્યા, ‘ભાઈ, અમે ડોક્ટરો તો માત્ર માધ્યમ છીએ. દર્દીઓના પ્રાણ બચાવનાર તો અલૌકિક શક્તિ હોય છે. માટે એને પ્રાર્થના કરો.’પૂરા સાત દિવસ પછી એ કળી ખીલી ઊઠી. એને રજા આપવાનો સમય આવ્યો. પોલીસ પિતા તો આંસુથી તરબતર હતો. ડોક્ટરોનો આભાર માની રહ્યો હતો. મેડમે પ્રશાંતને સૂચના આપી, ‘દીકરા, આ બાળકીને તેં અને વર્ષા સિસ્ટરે બચાવી છે. મૃત્યુના મુખમાંથી પાછી લાવી છે. હવે એ જ્યારે પણ ચેકઅપ માટે આવે ત્યારે તું જ એને તપાસજે. એની સારવારની જવાબદારી હું તને સોંપું છું.’સતત ત્રીસ કલાકનો પરસેવો ડો. પ્રશાંતની આંખોમાં આંસુ બનીને છલકાયો. મેડમનાં આ બે વાક્યો સાંભળીને એનો પૂરો થાક ઊતરી ગયો. આજે આ ઘટનાને 17 વર્ષ થઈ ગયાં, દર વર્ષે બાળકીના પપ્પા યાદ કરીને ડો. પ્રશાંતને ફોન કરતા રહે છે, ‘સર, કોન્સ્ટેબલ સ્પીકિંગ. આજે મારી ઢીંગલીનો જન્મદિવસ છે. સાહેબ, એને તમે શ્વાસ આપ્યા હતા. આજે તમે જ એને આશીર્વાદ આપો.’ સંબંધોનો એક ભીનો સિલસિલો લાગણીના દુકાળ વચ્ચેથી અવિરત આગળ વધતો રહે છે.

No comments:

Post a Comment