Thursday, July 13, 2017

કબ તક ભૂગતૂઁ મૈ અબ સજા તેરી, એ- ઇશ્ક... ગલતી હો ગઇ, બસ માફ કર અબ મુઝે!!


કબ તક ભૂગતૂઁ મૈ અબ સજા તેરી, એ- ઇશ્ક... ગલતી હો ગઇ, બસ માફ કર અબ મુઝે!!
જોમારા ઘરમાં રહેવું હશે તો હું કહું તે પ્રમાણે જ કરવું પડશે. આ તારું સાસરિયું છે, પિયર નથી.’ અર્હમ ત્રાડ પાડી ઊઠ્યો.
આશકા ડઘાઇ ગઇ. આવાં વાક્યો એણે પોતાના પપ્પાના ઘરે ક્યારેય સાંભળ્યાં ન હતાં. પપ્પા દીકરીની સાથે તો વહાલથી વર્તન કરે જ; એ સમજી શકાય. પણ આશકાએ એના પપ્પાને આશકાની મમ્મી સાથે પણ આવી તોછડાઇથી વાત કરતાં ક્યારેય જોયા-સાંભળ્યા ન હતા.

‘હું સમજું છું, અર્હમ! પણ...’
‘નો આર્ગ્યુમેન્ટ્સ!’ ફરી પાછું સુપ્રીમ કોર્ટનું ફરમાન છૂટ્યું,’ આ ઘરમાં તારો અવાજ ન સંભળાવો જોઇએ. ચૂપચાપ કામ કર્યા કર અને અમને બધાંને શાંતિથી જીવવા દે.’
બધાં એટલે અર્હમ, એના પપ્પા શશાંકભાઇ અને મમ્મી વિભૂતિબહેન.

આશકા તરત જ ચૂપ થઇ ગઇ. કારણ કે એ આ ઘરમાં પ્રેમલગ્ન કરીને આવી હતી અને અર્હમને અતિશય ચાહતી હતી. એક રીતે જોઇએ તો આશકાએ કોઇ ગંભીર ભૂલ કરી ન હતી. અર્હમ દેખાવડો હતો. ઠીકઠીક કમાતો હતો. કોલેજકાળથી આશકાને પ્રેમ પણ કરતો હતો. રોમાન્સથી ભરપૂર વાતો કરી જાણતો હતો. આશકાને મોંઘી ભેટો આપતો હતો. આશકા લગ્ન પૂર્વે જ અર્હમના ઘરે પણ જઇ આવી હતી. બધું જાતે જોઇ આવી હતી.

બે માળનો બંગલો હતો. મારુતિ ફ્રન્ટી કાર હતી. ઘરકામ માટે નોકરાણી હતી. દિયર-જેઠ કે નણંદની કચકચ ન હતી.  બધું જ સારું હતું. એટલે આશકા પોતાના નિર્ણયમાં આગળ વધી. એનાં મમ્મી-પપ્પાએ પણ હા પાડી દીધી. લગ્ન કરાવી આપ્યાં.  લગ્ન પછી એકાદ મહિનો તો બધું બરાબર ચાલ્યું; પછી વાસણો ખખડવાની શરૂઆત થઇ ગઇ. બીજું તો કશુંયે ન હતું, માત્ર અર્હમનો અસલ સ્વભાવ સપાટી પર આવવા માંડ્યો.

મૂળભૂત રીતે અર્હમ તામસી સ્વભાવ ધરાવતો હતો. નાની નાની વાતમાં એ ઉશ્કેરાઇ જતો હતો; ઘાંટા પાડવા લાગતો હતો. આશકાનું અપમાન કરી નાખતો હતો. જોકે એકાદ કલાક પછી જ્યારે એનો ક્રોધ શમી જાય ત્યારે એ સામે ચાલીને માફી પણ માંગી લેતો હતો, ‘સોરી, આશુ! હું જોબના સ્ટ્રેસને કારણે ગુસ્સો કરી બેઠો. તને ન કહેવા જેવું બોલી ગયો. તું મન ઉપર ન લેતી, હોં! આઇ રિયલી લવ યુ!’
અને આશકાનો ચહેરો ખીલી ઊઠતો; એની આંખો હસી દેતી.

આશકા થોડા મહિનાઓ પહેલાંના ગુલાબી દિવસોની યાદમાં ખોવાઇ જતી; જ્યારે કોલેજની કેન્ટીનના કોર્નર ટેબલ પાસેની ખુરશીમાં બેસીને અર્હમ એનો હાથ પોતાના હાથમાં પકડીને બોલતો રહેતો હતો; ‘આઇ લવ યુ. આઇ લવ યુ. આઇ લવ યુ. આઇ....’
‘બસ! બસ! હવે કેટલી વાર બોલીશ?’

‘એક હજાર વાર. એક લાખ વાર. એક કરોડ વાર. કેમ, તને કંઇ વાંધો છે?’
‘પ્રેમી આવું સાંભળવું ગમે તેવું બોલતો હોય તો દુનિયાની કઇ પ્રેમિકાને એની સામે વાંધો હોય?’ આશકા નશામાં ડૂબી જતી હતી. પ્યારનો નશો. ભાવિ જિંદગીની કલ્પનાનો નશો. સુખના અહેસાસનો નશો. અને આ નશાના ઘેનમાં સમયનો કાફલો પસાર થતો રહ્યો.

અચાનક આશકા એ વિચારોના વિમાનમાંથી ફેંકાઇને વાસ્તવિકતાની ઘરતી પર ફેકાઇ ગઇ. કાનમાં કર્કશતા પ્રસરી ગઇ, ‘જો મારા ઘરમાં રહેવું હોય તો હું કહું તે પ્રમાણે જ કરવું પડશે. આ તારું..... પિયર નથી.... આ ઘરમાં તારો અવાજ સંભળાવો ન જોઇએ.... ચૂપચાપ તારું કામ કર્યા કર અને અમને બધાંને શાંતિથી જીવવા દે.’ તો શું એ આ ઘરમાં વહુ બનીને આવી હતી કે ચૂપચાપ કામ કરતી નોકરણી?? આશકાનું પ્રેમ ઝંખતું હૃદય લોહીઝાણ બની ગયું. પણ એ લાચાર હતી. પિયરમાં એનાથી નાનાં બીજાં ત્રણ ભાઇ-બહેન હતાં; અહીંથી ચાલ્યા જવું એને પોસાય તેમ ન હતું.

રોજની જેમ એક કલાક પછી અર્હમ એની પાસે આવીને ‘સોરી’ કહી ગયો. આલિંગનમાં જકડીને કહેવા લાગ્યો, ‘હજુ પણ નારાજ છો મારાથી? ચાલ, તને આઇસક્રીમ ખાવા લઇ જાઉં. મારી જાનૂ! મારી સ્વીટુ! માય લવ! માય....’ આશકાનો ચહેરો તરત જ ખીલી ઊઠ્યો. આંખોએ હસી દીધું, ‘બસ, બસ, હવે! કેટલી વાર કહીશ આવું?’
‘એક હજાર વાર! એક લાખ વાર! એક કરોડ વાર! તને કંઇ પ્રોબ્લેમ છે? મારી વાઇફને હું ગમે એટલી વાર....’

‘ગમે એટલી વાર બોલ ને! મને તો ગમે જ ને?’ આશકા ઊભી થઇ અને પહેરેલાં કપડે કારમાં બેસી ગઇ.  બે દિવસ માંડ થયા હશે અને ઘર પાછું અર્હમની સાત રિક્ટર સ્કેલની ત્રાડથી ધ્રૂજી ઊઠ્યું, ‘આ દાળ-શાકમાં મીઠું કેમ વધારે છે? કોણે બનાવી છે રસોઇ?’ આશકાના ગળામાંથી માંડ આવાજ નીકળ્યો, ‘મેં’ ‘તારી માએ તને રાંધતાં નથી શીખડાવ્યું? ફ્લાવરનું શાક છે કે મીઠાનું એ જ નથી સમજાતું! ગમાર! ડોબી! ડફોળ! આવડત વિનાની....’

આશકા સ્તબ્ધ થઇ ગઇ. આ એ જ માણસ છે જેની સાથે પ્રેમ કરીને, પરણીને, લાખ-લાખ ગુલાબી સપનાંઓ જોઇને એ આ ઘરમાં આવી છે???
એ બેડરૂમમાં પુરાઇ ગઇ. એનું દિમાગ રેલગાડીના એન્જિનની જેમ ધમધમતું હતું. અચાનક ક્યાંકથી મીઠો પાવો વાગતો હોય એવો અવાજ સંભળાયો. છ એક મહિના પહેલાંનો અર્હમનો જ અવાજ હતો, ‘આશુ, ડાર્લિંગ!

તું કેટલી સ્માર્ટ છો! કેટલી બધી હોશિયાર! તારા હાથની સેન્ડવિચ તો દુનિયામાં બીજું કોઇ ન બનાવી શકે. અને ચા તો તારા હાથની બનેલી જ.....! તું માનીશ? મને તો હવે મારી મમ્મીએ બનાવેલી રસોઇ ભાવતી જ નથી. હું રાહ જોઉં છું કે ક્યારે તું મારી જીવનસંગિની બનીને મારા ઘરમાં પ્રવેશે અને ક્યારે તારી બંગડીઓ રણકાવતા હાથની બનાવેલી વાનગીઓ મને માણવા મળે!’ તરણેતરના મેળામાં વાગતા જોડિયા પાવાના મીઠા ઘેરા સૂરો જેવાં આ વાક્યો યાદ આવી ગયાં અને આશકાના હૈયા પર જાણે ચંદનનો લેપ પ્રસરી ગયો! પતિના આકરા શબ્દોએ આપેલો જખમ ક્ષણવારમાં રૂઝાઇ ગયો.

બાકી જો કંઇ રહ્યું હતું તો અર્હમે આવીને પૂરું કરી આપ્યું. એક પ્રગાઢ આલિંગન. પ્રલંબ ચુંબનો. પાંચ-સાત સાકરિયાં વાક્યો. અને કારમાં બેસીને લોંગ ડ્રાઇવ પર નીકળી જવાની ઘટના.
આશકા પાછી ખીલી ઊઠી. મનોમન વિચારી રહી: ‘હોય! પુરુષો બધા આવા જ હોય! બહારનું ટેન્શન ઘરમાં ન કાઢે તો બીજે ક્યાં કાઢે? પણ એ મને પ્રેમ તો કરે છે ને! પ્રેમ પણ કેટલો બધો! જો ને અત્યારે એણે....’
આમ ને આમ સમય સરકતો રહ્યો.

એક વર્ષ પૂરું થયું. આશકા નામની નમણી વેલ પર સુહાની નામની દીકરી પ્રગટી. નાનાં-મોટાં ઘરેલુ ઝઘડાઓ તો ચાલતા જ હતા. અર્હમ ગમે ત્યારે માણસ મટીને ભડકો બની જતો હતો. આશકાને ગમે તેવા શબ્દો સંભળાવી દેતો હતો. પછી આવેશ ઊતરે ત્યારે મનાવી પણ લેતો હતો. આશકા માની પણ જતી હતી.  એની પાસે એક ધરખમ આશ્વાસન હતું. મજબૂત દલીલ હતી. દમદાર દિલાસો હતો. પુરુષજાત છે. ગુસ્સો તો કરે જ. પણ એ મને પ્રેમ તો કરે છે ને!

એક દિવસ એક સહજ ઘટના બની ગઇ. અર્હમ બાથરૂમમાં સ્નાન કરી રહ્યો હતો. સવારના આઠ વાગ્યા હતા. આશકા કિચનમાં હતી. સુહાની માટે દૂધ અને કોર્ન ફ્લેક્સનો બ્રેક ફાસ્ટ લઇને એ બેડરૂમમાં આવી. દીકરીને જગાડવા લાગી. ત્યાં અચાનક મોબાઇલ ફોનનો રિંગટોન બજવા લાગ્યો. આશકાને આશ્ચર્ય થયું, ‘અરે! આ તો અર્હમનો સેલફોન છે. એ રૂમમાં જ મૂકીને નહાવા ગયો? લેટ મી એટેન્ડ ધ કોલ.’
આશકાએ કોલ રિસીવ કર્યો, ‘હું ઇઝ કોલિંગ? માય સેલ્ફ મિસિસ લાખાણી.....’ પણ એટલી વારમાં તો ફોન કપાઇ ગયો. આશકાને નવાઇ લાગી.

એણે કોલ કરનારનો નંબર વાંચવા માટે જોયું તો સ્ક્રીન પર નામ વાંચવા મળ્યું: પિન્ક રોઝ.
ઘણું બધું સ્પષ્ટ થઇ ગયું. જે બાકી રહ્યું હતું તે જાણવા માટે એણે મોબાઇલ ફોનની અંદર ખાંખાં-ખોળા કર્યાં. અર્હમ અને એના ગુલાબ વચ્ચે તો સુંગંધી સંદેશાઓનો પૂરો સમંદર ઘૂઘવતો હતો. આશકાએ મોબાઇલ ફોન પાછો એના સ્થાન પર મૂકી દીધો. અર્હમ સ્નાન કરીને બહાર નીકળ્યો. આશકાએ તદ્દન સ્વાભાવિક વર્તન ચાલુ રાખ્યું.

ચાર દિવસ પછી અચાનક ચાનો ઘૂંટડો ભરીને અર્હમે ત્રાડ પાડી, ‘ચામાં આટલી બધી ખાંડ હોતી હશે? તારી માએ તને....’
‘જસ્ટ હોલ્ડ ઓન! મારી મમ્મીએ તો મને ઘણું બધું સારું સારું શીખવ્યું છે, પણ તારી માએ તને શું શીખવ્યું છે? હવે પછી જો એક પણ શબ્દ આગળ બોલીશ તો આ ગરમ ચાનો કપ તારા ડાચા પર ઊંઘો વળી જશે.’ આશકાનો અવાજ પહેલીવાર મોટો થયો.

અર્હમ ચોંકી ઊઠ્યો, ‘આશકા.....! શટ અપ....’
‘યુ શટ અપ! યુ રાસ્કલ! તારા બધા ગોરખધંધા હું જાણી ગઇ છું. તને આજે સ્પષ્ટ શબ્દોમાં એક વાત કહી દઉં છું. હવે પછી ભૂલી જજે કે હું તારી પત્ની છું. મારી નજીક આવવાની દુષ્ટતા ન કરતો. માથું ભાંગી નાખીશ.

હું મારી સુહાનીના ભવિષ્યનો વિચાર કરીને જ આ ઘરમાં જીવી જઇશ, પણ આ ઘરની દાસી બનીને નહીં, પણ માલિકણ બનીને. આજ સુધી હું તારા તમામ જુલમો સહેતી રહી કેમ કે મારી પાસે એક આશ્વાસન હતું –તું મને ચાહે છે-એવો દિલાસો હતો. હવે એ ભ્રમ ભાંગી ગયો છે. કોઇ પણ સ્ત્રીને જ્યારે એ વાતની જાણ થઇ જાય છે કે એનો પતિ એને પ્રેમ નથી કરતો ત્યારે એ સ્ત્રી પણ એને પ્રેમ કરવાનું બંધ કરી દે છે. યુ વિલ કીપ અવે ફ્રોમ મી નાઉ! ઓ.કે?’ ભીગી બિલ્લી બની ગયેલા અર્હમના ગળામાંથી માંડ આવાજ નીકળ્યો, ‘ઓ.કે.’

No comments:

Post a Comment