ઉસ ખુદા કી તલાશ હૈ કુછ યૂં કી, જો ખુદા હો કે આદમી સા લગે!
દીકરી, સાચવીને જજે. ભણવામાં ધ્યાન આપજે. ખાવા-પીવા માટે પૈસાની કરકસર કરતી નહીં. રોજ દિવસમાં ત્રણ વાર ફોન કરતી રહેજે.’ ડો. વિનોદભાઈ એમની દીકરી પલકને છેક ટ્રેન આવી ત્યાં સુધી શિખામણો સંભળાવતા રહ્યા. એમાં એમનાં પત્ની અમિતાબહેન પણ ‘ફિફ્ટી પર્સન્ટ’ના ભાગીદાર હતાં. કાળજાનો કટકો જ્યારે વિખૂટો પડતો હોય ત્યારે જનક-જનેતાના શબ્દોમાં લાગણી વહેતી હોય છે, સલાહો નહીં.
1999ની 9મી ડિસેમ્બરની સવાર હતી. સુરતમાં દિલ્હી ગેટ પાસે જનરલ પ્રેક્ટિસનું ક્લિનિક ચલાવતા ખ્યાતનામ ફેમિલી ફિઝિશિયન ડો. વિનોદભાઈ શાહ પરપ્રાંતમાં અભ્યાસ કરતી દીકરીને વળાવવા માટે રેલવે સ્ટેશને આવ્યા હતા. શિયાળાની ખુશનુમા સવાર હતી. હવામાં મનભાવન ઠંડી હતી. પશ્ચિમ એક્સપ્રેસ બરાબર સમય અનુસાર આવીને પ્લેટફોર્મ નંબર થ્રી પર ઊભી રહી ગઈ. ડો. વિનોદભાઈ, અમિતાબહેન અને સ્ટાફના સભ્યો દીકરીનો સામાન ઊંચકીને ટ્રેનમાં ચડી ગયા. સીટની નીચે સરસ રીતે સામાન જમાવી દીધો. રિઝર્વ્ડ સીટ પર દીકરીને બેસાડી દીધી.
પછી છેલ્લી મિનિટની સલાહો, શિખામણો, ચેતવણીઓ અને સાવધાનીઓ આપવાનું શરૂ કર્યું. કમ્પાર્ટમેન્ટમાં એક પરપ્રાંતીય ફેમિલી બેઠું હતું. મિ. પ્રેમચંદ ડોગરા, એમનાં પત્ની મનીષા ડોગરા અને યુવાન પુત્રી ડો. મોનિકા ડોગરા. પ્રેમચંદ ડોગરા ગયા મહિને જ નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. પત્ની મનીષાબહેને ઇચ્છા વ્યક્ત કરી હતી, ‘મેં ક્યારેય મુંબઈ જોયું નથી. નોકરીના કારણે તમે મને ક્યાંય ફરવા લઈ ન ગયા. હવે બીજું કંઈ નહીં તો છેવટે....’
અને પ્રેમચંદજી પોતાની અર્ધાંગિનીની ઇચ્છા પૂર્ણ કરવા માટે પશ્ચિમ એક્સપ્રેસમાં સવાર થઈને નીકળી પડ્યા હતા. સુરત સ્ટેશન આવ્યું એટલે મનીષાબહેન નીચે ઊતર્યાં, ‘મૈં અભી ચાય લેકર આઈ.’
પ્રેમચંદજી ઊંઘતા હતા. દીકરીએ કહ્યું, ‘મમ્મીજી, સાથ મેં નાસ્તા ભી લેતે આના. ફિર મૈં પાપા કો જગાતી હૂં.’ મનીષાબહેન ઝટપટ નીચે ઊતર્યાં, સારું એવું ચાલીને સ્ટોલ સુધી ગયાં. ઠંડીથી બચવા માટે એમણે શોલ વીંટાળી હતી. બંને હાથમાં ઊનનાં મોજાં પહેર્યાં હતાં. ટ્રેનનાં પૈડાં ધીમે-ધીમે પાટા પર સરકવાં માંડ્યાં.
વ્હિસલ સાંભળીને મનીષાબહેન દોડ્યાં. ડો. વિનોદભાઈ વગેરે પણ ડબ્બામાંથી ઊતરી ગયા. એમણે વૃદ્ધ થવા આવેલી મહિલાને ડબ્બામાં ચડવાની મથામણ કરતાં જોઈ લીધી. તેઓ શ્વાસ થંભાવીને જોઈ રહ્યા કે હવે શું થાય છે! થવાનું શું હતું બીજું. ઓગણસાઠ વર્ષની મહિલા, ચાલતી થઈ ગયેલી ટ્રેન, આર્થ્રાઇટિસવાળા પગના સાંધા, હાથમાં નાસ્તાનાં પેકેટ્સ અને ચા, આટલું ઓછું હોય તેમ હાથ પર પહેરેલાં ગરમ મોજાં!
મનીષાબહેને જેમ-તેમ કરીને દરવાજા પાસેનો સળિયો તો પકડી લીધો, પણ મોજાંના કારણે જરૂરી ‘ગ્રીપ’ ન આવી શકી. એ દોડતી ટ્રેનની સાથે ઘસડાયાં. એમના બે પગ અને થાપા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે સેન્ડવિચ બની ગયા. પ્લેટફોર્મ પર આ દૃશ્ય જોઈને ચીસાચીસ મચી ગઈ. કમ્પાર્ટમેન્ટમાં પણ બધાને લાગ્યું કે કંઈક ન થવાનું બની ગયું છે. કોઈએ ટ્રેનની સાંકળ ખેંચીને ટ્રેન થંભાવી દીધી. ટોળું દોડી આવ્યું, પણ લગભગ સો મીટર જેટલું ઘસડાવાને કારણે મનીષાબહેનના પેટની અંદરના અવયવો ચગદાઈ ગયા હતા. આંતરિક હેમરેજ અને ન્યુરોજેનિક શોકના કારણે એ લગભગ મૃતપ્રાય: બની ગયાં હતાં.
ટોળામાં ડો. વિનોદભાઈ પણ હતા. એમણે મનીષાબહેનને ‘રીસસિટેટ’ કરવાનો પ્રયત્ન કરી જોયો, પણ મનિષાબહેનનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પ્રેમચંદજીના આઘાતનો કોઈ પાર ન રહ્યો. દીકરી મોનિકા પાગલની જેમ રડી રહી હતી, માથું પછાડી રહી હતી. ડો. વિનોદભાઈ, એમના મિત્રો અને સ્ટેશનના કૂલીઓએ બાપ-બેટીને થોડું-ઘણું આશ્વાસન આપ્યું, છાનાં રાખ્યાં. મૂળ સવાલ હવે ઊભો થયો. હતપ્રભ બની ગયેલા પ્રેમચંદ ડોગરાની મરજી હતી- ‘મારે ડેડબોડી જલંધર લઈ જવી છે, મારી પત્નીની અંતિમક્રિયા ત્યાં જ કરવી છે.’
પણ એટલા સમયમાં સરકારી હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ થઈ જવું, પોલીસની કાર્યવાહી સંપૂર્ણ થઈ જવી, લાશને લઈ જવા માટે કોફિનની વ્યવસ્થા કરવી અને બે જીવતા પ્રવાસીઓ વત્તા એક લાશ માટે અલાયદી બોગીની સગવડ કરવી, આ બધું કેવી રીતે શક્ય બને? કોણ કરે? અને શા માટે કરે? ડો. વિનોદભાઈએ એક ક્ષણ માટે વિચારી લીધું, પછી બીજી ક્ષણે અંતરમાં જે સૂઝ્યું તેમ કર્યું. પૂછ્યું, ‘ ડોગરાજી સુરતમાં તમે કોઈને ઓળખો છો? મિત્ર? સગાંવહાલાં?’
‘નહીં.’ ઊંડાણમાંથી અવાજ આવ્યો. ‘સારુ.’ વિનોદભાઈએ કહ્યું, ‘તમે મારી સાથે ચાલો. મારા ક્લિનિક પર લેન્ડલાઇન ફોન છે. તમે ત્યાંથી ભારતભરમાં ફોન કરી શકો છો. ડેડબોડી માટે જે કરવાનું છે તે હું કરીશ.’ પોતાના મિત્રોને વિનંતી કરી, ‘ડોગરાજીનો સામાન ગાડીમાં મૂકી દો અને સરકારી હોસ્પિટલમાં કોણ ડ્યૂટી પર છે એ શોધી કાઢો. મારે ફોન કરવો છે.’ એ સમયે મોબાઇલ ફોનનું આટલું બધું ચલણ ન હતું.
ડો. વિનોદભાઈનું ક્લિનિક જાણે કે હેલ્પલાઇન કેન્દ્ર બની ગયું! પ્રેમચંદજી ફોન પર કામે લાગી ગયા. આ બાજુ ડો. વિનોદભાઈ પણ માનવધર્મ સમજીને વ્યસ્ત બની ગયા.
પંજાબ જવા માટેનો ‘ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ’ મધરાત પછી દોઢ વાગ્યે ઊપડવાનો હતો. એમાં અલાયદી બોગી માટે રૂપિયા સાત હજાર ભરવા પડે તેમ હતા. ફારુખ પૂનાવાળા નામના એક મિત્રે ઊભા-ઊભા ખિસ્સામાંથી દસ હજાર કાઢી આપ્યા. સાડા ચાર વાગ્યા સુધીમાં પોસ્ટમોર્ટમ પતી ગયું. મૃતકના આંતરિક અવયવો (લીવર, સ્પ્લિન, આંતરડું વગેરે) ફાટી ગયાં હતાં. હવે ડેડ બોડીને મધરાત સુધી સાચવી રાખવું પડે તેમ હતું.
કોલ્ડ સ્ટોરેજ રૂમની વ્યવસ્થા કરી દેવામાં આવી. સાંજે પાંચ વાગ્યા. ડો. વિનોદભાઈએ વિનંતી કરી, ‘ડોગરા સાહેબ! મોનિકાજી! જે થયું તે થયું, જે માણસ ગયું તે પાછું આવવાનું નથી, પણ તમારે દુ:ખ અને આઘાતને ભૂલીને પેટમાં કંઈક નાખવું તો પડશે જ. આપ મારા ઘરે પધારો. જે ઇચ્છા થાય તે...’ ડોગરાજીની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. સવારે ચા-નાસ્તાની વાતને કારણે તો એમની પત્ની...! પણ જીવનનું બીજું નામ જ છે, ચાલતા રહો!
ડો. વિનોદભાઈના ઘરે બાપ-દીકરીએ વ્યગ્ર ચિત્તે થોડોક નાસ્તો કર્યો, ચા પીધી. એટલી વારમાં પંદરથી વીસ સજ્જનો આવી ચડ્યા. એ બધા ડો. વિનોદભાઈનું ઘર શોધતા આવ્યા હતા.
‘પ્રેમચંદ ડોગરા સાહેબ અહીં છે?’ એક મોભાદાર પુરુષે પૂછ્યું, પછી પરિચય આપ્યો, ‘અમે બધા યુનાઇટેડ ઇન્સ્યોરન્સની સુરત શાખાના કર્મચારીઓ છીએ. પ્રેમચંદજીને અને મોનિકાજીને અમારા ઘરે લઈ જવા માટે આવ્યા છીએ.’
‘તમે? અહીં? ડોગરાજીને લેવા માટે? કંઈ સમજાયું નહીં. વિનોદભાઈ પૂછી રહ્યા. ‘વાત એમ છે કે પ્રેમચંદજીના સગા સાળા મધ્યપ્રદેશમાં ‘યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની’ના વડા છે. એમને ખબર મળી કે એમનાં બહેનનું આકસ્મિક મૃત્યુ થયું છે એટલે એમણે અમારી બ્રાન્ચમાં ફોન કર્યો. અમે દોડી આવ્યા. હવે તમે તમારી ફરજમાંથી મુક્ત. ડોગરેજીને અમારા ઘરે...’ ડો. વિનોદભાઈએ આનાકાની કરી, પણ સામેવાળા વધારે આગ્રહી સાબિત થયા. ડોગરા બાપ-બેટી પોતાના ઘરે લઈ ગયા, પણ મધરાતે ટ્રેનના સમયે ડો. વિનોદભાઈ મિત્રો સમેત રેલવે સ્ટેશન પર પહોંચી ગયા.
કોફિનને બોગીમાં વ્યવસ્થિત ગોઠવીને પ્રેમચંદજી અને મોનિકાને અશ્રુભરી વિદાય આપી. આ ઘટનાને કેટલાક મહિનાઓ થઈ ગયા. ડો. વિનોદભાઈ પણ એ વાતને ભૂલીને પોતાના કામમાં ડૂબી ગયા, ત્યારે એક દિવસ એક પત્ર મળ્યો. જલંધર, પંજાબથી હતો. પત્રમાં શ્રીમાન પી. સી. ડોગરા લખતા હતા, ‘પ્રિય આત્મીય, ડો. વિનોદ શાહ, નમસ્કાર. મારી તીવ્ર ઇચ્છા હતી કે હું આ પત્ર તમને વહેલા લખું, પણ મારી સ્થિતિ પત્ર લખી શકાય તેવી ન હતી. હું મારી દીકરી અને મારા પૂરા પરિવાર તરફથી આપનો આભાર માનું છું.
તમે અને તમારા મિત્રોએ અહીંથી માઇલો દૂરના સ્થળે મારા જેવા સાવ અજાણ્યા માણસને કોઈ જાતની અપેક્ષા રાખ્યા વગર, ફક્ત માનવતાના ધોરણે જે મદદ કરી હતી તે અમે ક્યારેય ભૂલીશું નહીં. તમે જ્યારે મારી મદદે દોડી આવ્યા હતા ત્યારે મારા જીવનની એક અત્યંત કટોકટીપૂર્ણ ક્ષણ હતી. મારી નજર સામે મારી વહાલી જીવનસાથી એક જ મિનિટમાં મૃત્યુના ખોળામાં જઈ બેઠી હતી. હું આઘાતનો માર્યો જડવત્ બની ગયો હતો.
તે સમયે જો તમારા જેવા સહૃદયી માનવી ન મળ્યા હોત તો મારી પત્નીને એના અંતિમ સંસ્કાર માટે આટલે દૂર કેવી રીતે લાવી શક્યો હોત? હું તમને, તમારાં પત્નીને, તમારી પૂરી ટીમને, મિ. નાગપાલ, મિ. સુરતી, મિ. ઉપાધ્યાય. મિ. ધનંજય, મિ. ફારુકભાઈ, ડો. સુરેશભાઈ અને રેલવે પ્લેટફોર્મ પર આવેલ જય-વિજય લોજના માલિકને આ તમામને આજીવન યાદ કરતો રહીશ. તમે જ્યારે પણ પંજાબ આવો તો મને જાણ કરજો. તમારા માટે કંઈ પણ કરવામાં હું ધન્યતા અનુભવીશ.
લિ. પી. સી. ડોગરાના નમસ્કાર.’ પત્રના અંતમાં એમણે હૃદયના તાર ઝણઝણાવી મૂકે તેવું વાક્ય લખ્યું હતું. ‘આ દુનિયા છોડીને જતાં પહેલાં મારે એકવાર સુરતની મુલાકાતે આવવું છે અને ત્યારે હું એવું નહીં કહું કે સુરતમાં મારું કોઈ નથી, તમારા શહેરના તમારા જેવા મિત્રોએ મારું દિલ જીતી લીધું છે.’ આ ઘટનાને અઢાર વર્ષ થઈ ગયાં. બંને વચ્ચે પત્રવ્યવહાર થયા જ કરે છે. ડો. વિનોદભાઈ જ્યારે પણ પંજાબ ગયા છે, ત્યારે પ્રેમચંદજી અને એમની ડો. દીકરી (બીજી દીકરી પણ ડોક્ટર છે)ને ફાઇવસ્ટાર મહેમાન ગતિ માણવા મળી છે. (શીર્ષક પંક્તિ: અંજુમ સલીમી)
No comments:
Post a Comment