જખ્મ કહાં કહાં સે મિલે હૈ, છોડ ઇન બાતોં કો જિંદગી તૂ તો યે બતા, સફર કિતના બાકી હૈ
અઠ્ઠાવન વર્ષનાં ચંદનબહેન સવારમાં છ વાગ્યે ઊઠીને ચા બનાવે છે. પછી દીકરાને ઉદ્દેશીને બૂમ પાડે છે: ‘બેટા, વિનેશ...! વિનુ દીકરા! ઊઠો હવે મારી આંખના રતન. જો, સૂરજદાદા પણ આવી ગયા. મેં ચા બનાવી દીધી છે. દીકરા, જલદી બ્રશ કરીને આવી જા. તને ઠંડી ચા ભાવતી નથીને? વિનુ બેટા...’
વિનેશને બદલે એના પિતા અનંતભાઈ કિચનમાં આવી પહોંચે છે. પત્નીને પૂછે છે, ‘ચા તૈયાર છેને? લાવ, મને એક કપ આપી દે.’, ‘ના, હોં! પહેલો કપ મારા વિનેશનો. એ પછી જ તમને ચા મળશે. તમે તો રિટાયર છો. તમારે ચા-નાસ્તો કરીને ક્યાં જંગ જીતવા જવાનું છે કે ઉતાવળ કરો છો? વિનુને તો... પણ આ વિનીયો કેમ હજી આવ્યો નહીં? એને તમે જ જગાડીને લઈ આવો અહીં. મારા દીકરાને ઠંડી ચા ભાવતી નથી.’
એ કાર્યક્રમ પૂરો થયો એટલે બીજો શરૂ થયો. ચંદનબહેન બાથરૂમના બંધ બારણાની પાસે બેસીને દીકરાને સૂચના આપતાં રહ્યાં, ‘દીકરા, નહાવામાં આટલી બધી વાર? બેટા, હું તારાં કપડાં હાથમાં લઈને ઊભી છું. જલદી કર. તૈયાર થઈને નીકળી પડ. નોકરીનો સમય થવા આવ્યો છે. બેટા, આપણે પાંચ-દસ મિનિટ મોડા પડીએ એના કારણે કોઈનો ઠપકો સાંભળવો પડે એ સારું નો કે’વાય અને સાંભળ, આજે નોકરીમાંથી જરાક વહેલો આવી જજે.
તારો સાયેબ કડક છે એની મને ખબર છે, પણ તું એને કહી દેજે કે આજે આપણા ઘરે છોકરીવાળા આવવાના છે. તને જોવા માટે. હવે એ કામ પણ શરૂ કરવું પડશેને? ક્યાં લગી હું આ ઢસરડો કરતી રહીશ? બેટા, મારા બેય પગના સાંધામાં હવે...’ ચંદનબહેનની આ જ રોજિંદી ઘટમાળ. વિનેશને જગાડવો, વિનેશને જમાડવો, વિનેશને બાથરૂમમાં મોકલવો, વિનેશની એક-એક સગવડ સાચવવી, એના માટે ભાવિ પત્ની શોધવી, હજારો વર્ષ પહેલાં જેમ ગોકુળમાં જશોદામૈયાની જિંદગીનું કેન્દ્રબિંદુ કાનુડો બની ગયો હતો એમ જ અમદાવાદના ચંદનબહેનની જિંદગીનું એકમાત્ર કેન્દ્રબિંદુ અને રસબિંદુ એમનો એકમાત્ર પુત્ર વિનેશ બની રહ્યો.
સાંજ પડી અને વિનેશનો ઘરે આવવાનો સમય થયો. ચંદનબહેન ઘરના બારણા આગળ ઊભા રહીને વાટ જોવા લાગ્યાં, ‘હજી ન આવ્યો. આ આજકલના જુવાનિયાવ કીધાં એટલે થઈ રહ્યું! એમને સમયનું ભાન તો રહેતું જ નથી. રોજ મોડો આવે છે. મારા પિટ્યા વિનીયાને એટલીયે ખબર નહીં પડતી હોય કે ઘરે એની ઘરડી મા રાહ જોઈને બેઠી હશે? અનંતભાઈ પત્નીને સમજાવવાની કોશિશ કરે, ‘વિનુને ખબર નથી પડતી તો નથી પડતી, તું તો સમજ! આપણો દીકરો હવે મોટો થઈ ગયો છે. એને હવે છુટ્ટો મૂકી દેવાનો. ચાલ, હવે રાંધવાની તૈયારી કર.’
‘ના હોં! મારા વિનુને પૂછ્યા વગર હું રસોઈ નહીં બનાવું. એને કયું શાક ખાવું છે એ તો મારે પૂછવું પડેને?’ અને એને છુટ્ટો મૂકવાની તો તમે વાત જ ન કરતા. છોકરો ભલેને ગમે એટલા વરહનો થઈ જાય, પણ એની માને મન તો એ કાયમ બાળક જ રહેવાનો.’ રાતના નવ વાગ્યા સુધી રાહ જોઈને છેવટે ચંદનબહેન કંટાળ્યાં. બબડતાં રસોડામાં ગયાં. વિનેશને ખૂબ ભાવતાં પરોઠાં-શાક બનાવવા માંડ્યાં. બબડવાનું તો ચાલુ જ હતું, ‘મને ખબર છે કે આ શાક તો એને ભાવશે જ, પણ મારા પિટ્યા વિનીયાનું કંઈ ઠેકાણું નહીં. પીરસેલી થાળી પરથી ઊભો થઈ જાય એવો છે. કંઈ નહીં.
એવું હશે તો હું અડધી રાતેય એને જે ખાવું હશે એ બનાવી આપીશ. બીજું શું? છોરું કછોરું થાય, પણ કંઈ માવતર કમાવતર થોડાં થાય! પણ વિનુ આવે ત્યારેને?’ એક દિવસ, બે દિવસ, અઠવાડિયું, મહિનો, વરસ! એક નહીં, બે નહીં, ચંદનબહેન છ-છ વરસથી આ રીતે દિવસો પસાર કરી રહ્યાં છે, પણ આ બધું એક તરફી ચાલ્યા કરે છે. આ આખીયે વાતમાં તમે માત્ર ચંદનબહેનનો ‘મોનોલોગ’ જ સાંભળ્યો છે, એક પણ વાર એમના દીકરાનો પ્રત્યુત્તર સાંભળ્યો નથી. ક્યાંથી સંભળાય? ચંદનબહેનનો એકનો એક દીકરો વિનેશ છ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો છે. બાવીસ વર્ષની ભરયુવાન ઉંમરે એ આથમી ગયો છે.
એ હવે ક્યારેય પાછો ફરવાનો નથી. આ હકીકત ચંદનબહેનના પતિ અનંતરાય જાણે છે, પડોશીઓ જાણે છે, અડધું શહેર અને એમની આખી જ્ઞાતિ જાણે છે, પણ નથી જાણતાં એકમાત્ર ચંદનબહેન. એક વાત્સલ્યમૂર્તિ જનેતાને પળ-પળ એમના પુત્રની પ્રતીક્ષા છે.
***
છ વર્ષ પહેલાંની ઘટના. બાવીસ વર્ષનો વિનેશ. કોલેજ પૂરી કરીને બે વર્ષનો એક્સ્ટ્રા અભ્યાસ કરતો હતો. તરવરીઓ જુવાન. રિતિક રોશન જેવું શરીર. લેટેસ્ટ ફેશનનાં કપડાં પહેરે. મમ્મી-પપ્પાનો સાત ખોટનો દીકરો. એટલે ઘરની આર્થિક સ્થિતિ મધ્યમ હોવા છતાં કોઈ પણ વસ્તુની ના નહીં.
‘મમ્મી, મારે નવા શૂઝ ખરીદવા છે. સ્પોર્ટ્સ શૂઝ, ત્રણ હજાર રૂપિયા જોઈએ છે.’ અભણ મા બાપડી ડઘાઈ જાય, ‘બેટા, તારી પાસે બે જોડી બૂટ અને એક જોડી ચંપલ તો...’, ‘ઓહ મમ્મી! એને ફોર્મલ શૂઝ કહેવાય. મારે તો સ્પોર્ટ્સ શૂઝ લેવા છે.’
‘ભલે મારા દીકરા, તને ગમતા હોય તો લઈ લે.’
‘પણ મમ્મી, કેવી રીતે લઉં? મારી પાસે એટલા રૂપિયા તો હોવા જોઈએને?’, ‘બેટા, ત્રણ હજાર રૂપિયા તો મારી પાસેય નથી.’, ‘જાણું છું મમ્મી, પણ તું પપ્પાને કહી શકેને! મને પપ્પા પાસેથી માગતા ડર લાગે છે.’
અને ચંદનબહેન પતિને સમજાવીને, મનાવીને, આજીજી કરીને, દલીલો કરીને વિનેશના સ્પોર્ટ્સ શૂઝ માટેનું બજેટ મંજૂર કરાવી આપે. આ માગણી પહેલી પણ ન હતી અને છેલ્લી પણ ન હતી. ક્યારેક મોંઘું જીન્સ લેવાનું હોય કે બ્રાન્ડેડ શર્ટ, ક્યારેક મિત્રોની સાથે પિકનિક પર જવાનું હોય કે જિમ જોઈને કરવાનું હોય, દરેક વખતે વિનેશ એની મમ્મી પાસે જ વાત મૂકતો હતો.
ચંદનબહેન ગમે તેમ કરીને પતિને મનાવી લેતાં હતાં. વિનેશ માટે એક વાત કહેવી પડે. એ ખરેખર એક તેજસ્વી, હોનહાર અને સારો યુવાન હતો. એનામાં વર્તમાન સમયના યુવાનોમાં જોવા મળે છે એવું એક પણ ખરાબ વ્યસન જોવા મળતું ન હતું. બાવીસ વર્ષની ઉંમર મોજ-મજા, મસ્તી કરવાની ઉંમર ગણાય અને વિનેશ એના મિત્રોની દેખાદેખીમાં એ જ કરી રહ્યો હતો. બાકી એ એક સ્વપ્નસેવી યુવાન હતો. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને એ કોઈ સારા પગારની નોકરીમાં જોડાવા માગતો હતો.
ખૂબ રૂપિયા કમાઈને પોતાનાં મા-બાપને સુખ-સુવિધાભર્યું જીવન આપવા માગતો હતો. ચંદનબહેનની ઇચ્છા મુજબ સુંદર, સંસ્કારી યુવતીને પરણીને સંસાર વસાવવા માગતો હતો અને આ બધું કરતાં પહેલાં જે થોડાક મહિનાઓ મળ્યા હતા એમાં જલસા કરી લેવા માગતો હતો. આજના યુવાનોમાં સૌથી મોટો જલસો કોને માનવામાં આવે છે?! એ જ વસ્તુ જે હવે પછી વિનેશ એની મા પાસે માગવા જતો હતો.
‘મમ્મી, મારે બાઇક ખરીદવું છે.’, ‘બેટા, સાંભળ્યું છે કે એ તો મોઘું...’, ‘માત્ર એંસી હજારમાં જ મળે છે, મમ્મી! તું પપ્પાને સમજાવને, પ્લીઝ. મારા બધા ફ્રેન્ડ્ઝ પાસે છે. મારી એકની પાસે જ નથી.’
પૂરા એક કલાકની રકઝક પછી ચંદનબહેન માની ગયાં. એક અઠવાડિયાની આનાકાની પછી અનંતરાય ઝૂકી ગયા. વિનેશને બાઇક મળી ગયું. હવે એ રોજ સાંજે મિત્રોની સાથે ફરવા માટે નીકળી પડવા લાગ્યો.
આવી જ એક સાંજ હતી. ત્રણ-ચાર કલાક સુધી ફરીને પછી કંટાળેલા મિત્રોએ રોમાંચ મેળવવા માટે એક સ્પર્ધા વિચારી. એસ.જી. હાઇવે પર બે જગ્યાઓ નક્કી કરી. લગભગ દસ કિમી.નું સીધી લીટીનું અંતર હતું. એક બિંદુ પરથી શરૂ કરીને બીજા બિંદુ પર પહોંચવાનું હતું. જે પહેલાં પહોંચે વિજેતા. આમાં પૈસાની કોઈ લેવડદેવડ ન હતી. માત્ર રોમાંચ.
સાત મિત્રો ને સાત બાઇક્સ. એન્જિનો ધણધણી ઊઠ્યાં. રોડ સૂમસામ હતો. સર્વિસ રોડ પર પવનવેગે બાઇક્સ ભાગતી હતી. દસ કિમી. અંતર કાપતાં વાર કેટલી? વિનેશ સૌથી પહેલાં પહોંચી ગયો. નિર્ધારિત જગ્યા પર જઈને એણે બાઇક થંભાવી દીધી. હવે એની કમનસીબી નડી ગઈ. એણે જ્યાં એનું બાઇક ઊભું રાખ્યું ત્યાં સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી સંપૂર્ણ અંધકાર છવાયેલો હતો. એની પાછળના બાઇકની હેડલાઇટ બંધ હતી. પૂરપાટ વેગે આવતી બાઇકે વિનેશને અડફેટમાં લઈ લીધો.
વિનેશનું શરીર ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયું. એક કારમી ચીસ, પછી મોટો ધમાકો, ખોપરીનું ફાટી જવું અને એક શાનદાર જિંદગીનો કરુણ અંત.
અનંતરાયે તો છ-બાર મહિના રડ્યા પછી સમાધાન સ્વીકારી લીધું, પણ જનેતા પોતાના વહાલસોયા દીકરાનું મૃત્યુ સ્વીકારી શકી નથી. છ-છ વર્ષ પછી પણ ચંદનબહેન રોજ એના વિનીયાને જીવતો કલ્પીને એની સાથે વાતો કરે છે, એને ઊંઘમાંથી જગાડે છે, ગરમાગરમ ચા પીવડાવે છે, સ્નાન કરાવે છે, જમાડે છે, નોકરી કરવા મોકલે છે અને ભાવિ વહુની પસંદગી કરવાનાં આયોજનો ઘડે છે.
જે રીતે આ દેશની લાખો મરજાદી માતાઓ કાનુડાને ‘મારો લાલો’ કહીને એનું લાલનપાલન કરે છે એ જ રીતે ચંદનબહેન પણ... અને એમાં ખોટું પણ શું છે? એક નાનકડો ભ્રમ જો કોઈ માતાને મોટા આઘાત સામે રક્ષણ આપી શકતો હોય તો એમાં કશું જ ખોટું નથી.
(આ સત્યઘટના એવા યુવાનોને અર્પણ જેઓ બાઇક પર ઊડવાની મૂર્ખતા કરે છે.)
No comments:
Post a Comment