Thursday, July 13, 2017

આંખ ખુલી હોય ને બનતા રહે આંખ ખોલી નાખનારા કંઈ બનાવ



આંખ ખુલી હોય ને બનતા રહે આંખ ખોલી નાખનારા કંઈ બનાવ 
માલવ મેડિકલ કોલેજમાં ભણતો સ્ટુડન્ટ.19-20 વર્ષની વય. હજુ ડોક્ટર બનવામાં દોઢ-બે વર્ષની વાર, પણ ચહેરા પર બૌદ્ધિકતાનો ઉજાસ અને આંખોમાં જ્ઞાનની ચમક વર્તાય.
વેકેશન પડ્યું. 

માલવ ઘરે ગયો. સાવ નાનું નહીં એવું ડિસ્ટ્રિક્ટ પ્લેસ એ એનું વતન. મમ્મી-પપ્પા દીકરાને આવેલો જોઈને રાજી-રાજી થઈ ગયાં. ભાવતાં ભોજન રંધાવા માંડ્યાં. અડોશપડોશમાં પણ બધાંને જાણ થઈ ગઈ કે ભાવિ ડોક્ટર ઘરે આવી ગયો છે. 

એક દિવસ બપોરના સમયે પપ્પાએ કહ્યું, ‘બેટા માલવ! સાંજે બહાર જાય તો બાજુની સોસાયટીમાં રહેતા રોહિતભાઈના ઘરે થાતો જજેને!’
‘કેમ? રોહિતકાકાને કંઈ થયું છે?’

‘હા, આજે સવારે એમને તાવ આવ્યો હતો. એક ડોક્ટર તરીકે નહીં તો છેવટે કૌટુંબિક સંબંધના કારણે પણ તું એમને મળી આવે તો એમને સારું લાગશે’
માલવ પપ્પાની ઇચ્છા સમજી ગયો, ‘ભલે પપ્પા! હું આજે જ જતો આવીશ.’

માલવ જ્યારે રોહિતકાકાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજના છ વાગ્યા હતા. ઓસરીમાં હતો ત્યાં જ એના કાને કોઈના દાંત કકડવાનો અવાજ સંભળાયો. સાથે ભૂવો ધૂણતો હોય એવા ‘હું... હું... હું...’ જેવો ધ્વનિ પણ ખરો. 
રોહિતકાકાનો દીકરો પ્રણવ માલવને જોઈને બોલી ઊઠ્યો, ‘સારું થયું દોસ્ત, તું સમયસર આવી ગયો. જોને, પપ્પાને ભયંકર ધ્રુજારી સાથે તાવ ચડ્યો છે. આખો ડામચિયો એમની ઉપર ઠાલવી દીધો, તોયે ઠંડી જતી નથી.’

‘નહીં જાય.’ માલવને ટેક્સ્ટબુકમાં વાંચેલું યાદ આવી ગયું, ‘આ મેલેરિયાનો તાવ લાગે છે. એમાં ઠંડી શરીરની અંદરથી પ્રગટે છે, બહારથી નહીં. એટલે દર્દીને ગમે એટલાં ગોદડાં, રજાઈ કે ધાબળા ઓઢાડશો તો પણ ધ્રુજારી ઓછી નહીં થાય. થોડીવાર પછી એની મેળે જ...’

‘એ બધી વાતો... હું... હું... હું... પછી ક...ર...જો... (દાંત કકડવાનો અવાજ), પહેલાં મને દવાખાને તો લઈ જાવ. હું... હું... હું....’ રજાઈઓના પહાડ નીચે દટાયેલા ગુફાવાસી મનુષ્ય બોલતા હોય એવો રોહિતકાકાનો અવાજ સંભળાયો.

‘ચાલ પ્રણવ. ગાડી બહાર કાઢ. આપણે રોહિત અંકલને કોઈ સારા, સિનિયર ફિઝિશિયન પાસે લઈ જઈએ.’ 
માલવે કહ્યું. 
પ્રણવે કાર બહાર કાઢી. પંદરેક મિનિટ પછી ધ્રુજારી શમી એટલે રોહિતભાઈને ટેકો આપીને ઊભા કર્યા. દૂધ સાથે એક પેરાસિટામોલની ટેબ્લેટ ગળાવી દીધી. એમને કારની પાછલી બેઠકમાં આડા પાડ્યા. 

માલવની સૂચનાથી પ્રણવે કારને ડો. વ્યાસના ક્લિનિક તરફ દોડાવી મૂકી. 
ડો. વ્યાસ એ શહેરના સૌથી સિનિયર અને જાણીતા ફિઝિશિયન હતા. એમણે બે ફિઝિશિયન ડોક્ટરોને તો સહાયકો તરીકે રાખ્યા હતા. એમને ત્યાં દર્દીઓની ભીડ જામતી હતી. માલવ જ્યારે ડો. વ્યાસના ક્લિનિકમાં પ્રવેશ્યો ત્યારે પણ આખો વેઇટિંગ રૂમ ભરાઈ ગયો હતો. ત્યાં ઉપસ્થિતિ પરિચારિકાએ કહ્યું, ‘બેસો, તમારો વારો આવતાં દોઢ-બે કલાક લાગશે.’

માલવે વિનંતી કરી, ‘હું પાતે મેડિકલ સ્ટુડન્ટ છું. મારા સંબંધીને લઈને આવ્યો છું. એમને સખત તાવ હતો. એક પેરાસિટામોલ આપી છે એટલે અત્યારે થોડુંક સારું લાગે છે, પણ એમનાથી ઝાઝું બેસી શકાય તેવું નથી. તમે જો ડોક્ટર સાહેબને આટલું જણાવો તો કદાચ...’
ડો. વ્યાસે તરત જ આ હકીકત જાણીને કહી દીધું, ‘એમને વહેલા લઈ લો. પહેલાં એ દર્દીને મારા આસિસ્ટન્ટ ડોક્ટર પાસે મોકલી દો. એ પૂરી કેસ હિસ્ટ્રી લખી લે, પ્રાથમિક તપાસ કરી લે, જરૂરી ટેસ્ટ્સ કરાવી લે, એ પછી જ્યારે રિપોર્ટ્સ તૈયાર થઈ જાય ત્યારે મારી પાસે મોકલી આપજો.’

આ દરમ્યાન રોહિતભાઈએ પટાવાળાને પૂછી લીધું, ‘ડોક્ટર સાહેબની કન્સલ્ટેશન ફી કેટલી છે?’
‘ચારસો રૂપિયા.’ પટાવાળાએ જવાબ આપીને દીવાલ પરનું પાટિયું દર્શાવ્યું, જ્યાં લખેલું હતું, દર્દીને તપાસવાની ફી પહેલીવારના ચારસો રૂપિયા, પછી દર વખતે બસો રૂપિયા.

રોહિતભાઈ વગર તાવે ધ્રૂજી ઊઠ્યા. આ વખતનું લખલખું અંદરને બદલે બહારથી જન્મેલું હતું. એમણે માલવને ઇશારો કરીને નજીક બોલાવ્યો. કાનમાં કહ્યું, ‘આ ડોક્ટર તો ચીરવા બેઠો છે. તું મને અહીંથી બહાર લઈ જા.’
‘પણ અંકલ...! આટલા સિનિયર અને બાહોશ ફિઝિશિયન નવા કેસના ચારસો રૂપિયા તો...’

‘અરે શેના ચારસો રૂપિયા? તું મને મારા જૂના અને જાણીતા ડોક્ટર પાસે લઈ જા. હું તો વર્ષોથી એમની જ ટ્રીટમેન્ટ લઉં છું. એ જનરલ પ્રેક્ટિશનર છે. મારા ફેમિલીના બધા સભ્યોની પ્રકૃતિથી એ વાકેફ છે. ચાલ ભાઈ, ચાલ! જલદી કર.’
માલવ લાચાર બની ગયો. પ્રણવની મદદથી એણે અંકલને ઊભા કર્યા અને કારમાં બેસાડ્યા. કાર સીધી એક સામાન્ય વિસ્તારમાં આવેલા રહેણાક વિસ્તારમાં જઈને ઊભી રહી. એક બેઠા ઘાટનું ટેનામેન્ટ હતું. 

રહેવાના મકાનની ઓસરી પાર્ટિશન જેવા પાટિયાથી કવર કરીને એક ઓરડી જેવું બનાવેલું હતું. એમાં એક નિસ્તેજ દેખાતો ડોક્ટર બેઠો હતો. એ જ ડો. રમણલાલ. 
માલવે પાટિયા પર લખેલી ડિગ્રી તરફ નજર ફેંકી લીધી. જરા પણ જાણીતા ન હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરોમાંથી ચારેક અક્ષરો ત્યાં લખેલા હતા. ડો. રમણલાલની અટક હું જાણી જોઈને જાહેર કરતો નથી. (કારણ કે એને આ ઘટના સાથે કશો જ સંબંધ નથી.)

ડો. રમણલાલની તથાકથિત કન્સલ્ટિંગ રૂમમાં ત્રણ જણા પણ બેસી ન શકે એટલી જ જગ્યા હતી. ઓરડીનો મોટો ભાગ દવાઓનાં ખોખાંથી રોકાયેલો હતો. 
રોહિતભાઈને આવેલા જોઈને એમનો ચહેરો ખીલી ઊઠ્યો, ‘આવો આવો રોહિતભાઈ, શું લઈને આવ્યા છો?’

માલવે જવાબ આપ્યો, ‘સર, રોહિત અંકલને ઠંડી ચડીને તાવ આવ્યો છે. મને લાગે છે કે મેલેરિયા જ છે.’
ડો. રમણલાલ બેદરકારીપૂર્વક હસી પડ્યા, ‘મેલેરિયા? કોણ કહે છે? આપણા શહેરમાં આ વરસે મેલેરિયાની સિઝન જ ક્યાં આવી છે? મેલેરિયાના મચ્છરો જ નથી ત્યાં તાવ ક્યાંથી આવે? મને તો લાગે છે રોહિતભાઈને સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન હોવું જોઈએ. હું દવાઓ આપું છું. બે દિવસમાં દોડતા થઈ જશે.’

ડો. રમણલાલને ત્યાં કમ્પાઉન્ડર તો હતો નહીં. એમણે જાતે જ દવાઓનાં ડબલાંઓ ખોલ્યાં, પેરાસિટામોલની ગોળીઓ કાઢી આપી. પછી થોડુંક વિચારીને એક એન્ટિબાયોટિકની પણ છ કેપ્સૂલ્સ બાંધી આપી. માલવ આ બધું આઘાત પામીને જોઈ રહ્યો હતો. આઘાત એ કારણથી કે એ જાણતો હતો કે કોઈ પણ એન્ટિબાયોટિક ઓછામાં ઓછી પાંચ દિવસ માટે તો આપવી જ જોઈએ (આમાં અપવાદ છે), પણ રમણલાલે તો માત્ર બે જ દિવસનો ડોઝ આપ્યો હતો જે દર્દીના વર્તમાન માટે અપૂરતો હતો અને ભવિષ્ય માટે નુકસાનકર્તા હતો. 

આવા અધૂરા કોર્સના લીધે જ ભવિષ્યમાં દર્દીના શરીરમાં જે-તે એન્ટિબાયોટિકની અસર નહીંવત્ થઈ જતી હોય છે. 
‘કેટલા રૂપિયા આપવાના થયા?’ રોહિતભાઈએ પૂછ્યું.
‘દોઢસો.’ ડો. રમણલાલે કહ્યું. ઘરે આવ્યા પછી રોહિતભાઈએ ગર્વથી માલવને કહ્યું, ‘જોયુંને! ફેમિલી ડોક્ટર એટલે ફેમિલી ડોક્ટર!’

‘હું ફેમિલી ડોક્ટરને સારા જ માનું છું અંકલ, પણ ડો. રમણલાલ પાસે તો કોઈ ડિગ્રી જ નથી.’
‘ડિગ્રી ભલે ન હોય, અનુભવ તો છેને? મારી નાડ તપાસ્યા વગર જ એમણે કેવું કહી દીધું કે આ તો મામૂલી વાઇરલ ચેપ છે. તારો પેલો ફિઝિશિયન ‘મેલેરિયા-મેલેરિયા’ કરીને ચારસો પડાવી લેત.’
છત્રીસ કલાક તો શાંતિથી પસાર થઈ ગયા. પેરાસિટામોલના કારણે થોડીક રાહત લાગી રહી હતી અને આમ પણ ટાઢિયો તાવ એકાંતરે દિવસે આવે છે એ કારણે પણ વાંધો ન આવ્યો. 

ત્રીજા દિવસે રોહિતભાઈને ફરીથી ટાઢ ચડી. આ વખતે જે ટાઢનો હુમલો આવ્યો એ એમની સહનશક્તિની બહાર હતો. તાવ પણ એકસો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો. રોહિતભાઈ બેભાન જેવા થઈ ગયા. માલવ દોડી આવ્યો. માંડ માંડ અંકલને ડો. વ્યાસના ક્લિનિકમાં લઈ જઈ શકાયા. તરત જ એમને નર્સિંગ હોમમાં એડમિટ કરી દેવામાં આવ્યા. ત્રણ દિવસ સુધી ઇન્ટ્રાવિનસ ડ્રીપ અને અન્ય સારવાર આપવામાં આવી. ગોળીઓની સરહદ સમાપ્ત થઈ ચૂકી હતી. ઇન્જેક્શનો જ આપવાં પડ્યાં. 

તગડું બિલ ચૂકવીને ચોથા દિવસે ઘરે આવ્યા. પથારીમાં પડ્યા-પડ્યા રોહિતભાઈને માલવને પૂછ્યું, ‘મને એટલું તો જણાવ કે મારા બ્લડ ટેસ્ટનો રિપોર્ટ શું કહે છે?’
‘મેલેરિયા.’ માલવે કહ્યું. આ એક શબ્દ ઉચ્ચારીને એ ત્યાંથી નીકળી ગયો. અત્યારે માલવ એમ.બી.બી.એસ. થઈ ગયો છે. આગળ ભણવાનું વિચારી રહ્યો છે, પણ એના દિમાગમાં એક પ્રશ્ન ઘૂમરાયાે છે, દર્દીઓની માનસિકતા બદલાશે ખરી?’ (શીર્ષક પંક્તિ: ભરત વિંઝુડા) 

No comments:

Post a Comment