Thursday, July 13, 2017

હર બાત પે ઉઠતી હૈ ઉંગલિયાં મેરી તરફ ક્યા મેરે સિવા શહર મેં માસૂમ હૈ સારે



હર બાત પે ઉઠતી હૈ ઉંગલિયાં મેરી તરફ ક્યા મેરે સિવા શહર મેં માસૂમ હૈ સારે
પ્રસૂને એક નંબર જોડ્યો. સામેથી કોઇનો ભારે ભરખમ આવાજ સંભળાયો, ‘હેલ્લો....!
‘ભાઇ સાહેબ, એક બોટલ શિવાઝ રીગલ કી, તીન બોટલ્સ સોડા ઔર સાથ મેં મંચિંગ કા પૂરા....’
‘કૌન બોલતે હૈ, સા’બ?’

‘મૈં પ્રસૂન પારેખ.’
‘નામ નહીં, કોડ નેઇમ બતાઇયે, સા’બ?’
‘ઊડતી ચીડિયા.’ પ્રસૂને યાદ કરીને જણાવ્યું.

‘એક મિનિટ, સા’બ.’ ભારે ભરખમ અવાજ થોડી ક્ષણો માટે શાંત રહ્યો; પછી એણે કહ્યું, ‘ઊડતી ચીડિયા. બ્લૂ ઓશન ટાવર. સેવન્થ ફ્લોર. ઑફિસ નંબર સાત સૌ એક. બરાબર હૈ, સા’બ?’
‘હાં, ઠીક હૈ.’
‘માલ એક ઘંટે કે અંદર પહૂંચ જાયેગા, સા’બ. બાબુ નામ કા લડકા આયેગા માલ કી ડિલીવરી કે લિયે. પેમેન્ટ ઉસી કો દે દિજીયેગા કેશ મેં.’

‘ઓ.કે.! મૈં ઇંતેઝાર કરતા હૂં’ વાત પૂરી કરીને પ્રસૂને ફોન કાપ્યો.
આજે સવારથી જ પ્રસૂન ઉત્તેજિત હતો. સવારે બાથરૂમમાંથી જ મોબાઇલ ફોન પર એણે આજનો નાઇટ આઉટનો કાર્યક્રમ પાક્કો કરી નાંખ્યો હતો. સિક્તાએ શરૂમાં થોડીક આનાકાની કરી હતી.
‘આખી રાત? ના, બાબા, ના. મને તો ડર લાગે.’

‘અરે, ડરવા જેવું શું છે આમાં? બે-ત્રણ કલાક માટે તો આપણે મળીએ જ છીએ ને! હોટલોમાં આપણે કેટલી બધી વાર મજા કરી આવ્યાં! પણ ક્યારેય આખી રાત...’
‘પણ જવાનું છે ક્યાં? હોટલમાં?’ સિક્તાનું દિલ હજુ યે ફફડતું હતું.

‘અરે, નહીં રે ગાંડી! મારા એક મિત્રનો ફ્લેટ છે. એ બે દિવસ માટે મુંબઇ ગયો છે. વિથ ફેમિલી. એણે મને ડુપ્લિકેટ ચાવી આપી છે. ફ્લેટ વેલ ફર્નિશ્ડ છે. ડબલબેડવાળો એરકન્ડિશનર બેડરૂમ છે. ફ્રિજ છે. બરફ પણ જમાવીને ગયો છે. બાકીની વ્યવસ્થા હું.....’
‘બાકીની વ્યવસ્થા?’

‘હા જાનુ! આજની રાત મદહોશીની રાત હશે. તારા રૂપનો નશો હશે. શરાબનો નશો હશે. હેમંતકુમારના પૌરુષી અવાજમાં ગવાયેલાં ગીતોનો નશો હશે. તું હોઇશ હું હોઇશ. અને આપણાં તન-મનમાં ભભૂકતી કામનાનો ભડકો હશે. આપણી આ સાચા અર્થમાં આનંદરાત્રી હશે. આપણે માત્ર સેક્સ માણવા માટે ભેગાં નહીં થઇશું. આપણે ઘણું બધું માણીશું. સાહિત્ય, સંગીત, ધર્મ, અધ્યાત્મ, ફિલોસોફી, પોલિટિક્સ, સ્પોર્ટ્સ, ફિલ્મો, નાટક; જગતનો એક પણ વિષય એવો નહીં હોય જેના પર આપણે ચર્ચા નહીં કરીએ.’

‘ટૂંકમાં આપણે આખી રાતનો ઉજાગરો કરીશું; એમ જ ને?’
‘આને ઊજાગરો ન કે’વાય, મારી રાણી, આને તો જાગરણ કે’વાય જાગરણ.’ આટલું બોલીને પ્રસૂન ફોન પૂરો કર્યો હતો. પણ ફોન પૂરો થયો એ ક્ષણે જ કલ્પનાઓ શરૂ થઇ ગઇ.
સાંજ ઢળશે.

પોતે ઑફિસમાંથી નીકળીને ‘મિશન હનિમૂન’ માટે નીકળી પડશે. એક ચોક્કસ જગ્યા પર સિક્તા રાહ જોતી ઊભેલી હશે. એને કારમાં બેસાડીને પોતે મિત્રના ફ્લેટ પર ઊપડી જશે. ડુપ્લિકેટ ચાવીથી ફ્લેટનું મેઇન ડોર ઉઘાડશે. અંદર જઇને બારણું બંધ કરી દેશે. પછી જામશે મહેફિલ વાતોની વાતો, ને એ પણ, રાતોની રાતો સજનવા......! સિક્તાની ‘હા’ મળી ગઇ એ પછી બીજું કામ પ્રસૂને પત્નીની સાથે વાત કરવાનું કર્યું. બ્રેકફાસ્ટના ટેબલ પર એણે ચા પીતાં પીતાં વાત શરૂ કરી, ‘ રિદ્ધિમા, આજે મારે કદાચ બહારગામ જવાનું થશે. ઑફિસમાંથી સીધો જ હું કાર લઇને નીકળી જઇશ.’

‘કેમ, અચાનક?’ રિદ્ધિમાને નવાઇ લાગી હતી. ‘એક પેમેન્ટ અટકેલું છે એ લેવા માટે રાજકોટ જવું પડશે. જેની પાસેથી પૈસા લેવાના છે એ રાત્રે અગિયાર વાગ્યા પછી જ મળશે. પછી મોડી રાત્રે પાછા આવવામાં જોખમ હોવાથી હું ત્યાં જ રહી જઇશ. સવારે નીકળી જઇશ. તું ડિનર માટે મારી રાહ ન જોતી.’
રિદ્ધિમાએ પતિની વાત માની લીધી, ‘ઠીક છે. પણ તમારું ધ્યાન રાખજો. ડ્રાઇવર નથી ને, એટલે...’

‘ડોન્ટ વરી. મારું ડ્રાઇવિંગ કોઇ પણ ડ્રાઇવરના કરતાં વધારે સેઇફ છે. ચાલ, હું જઉં હવે.’
આખો દિવસ ઑફિસમાં ‘કામ’ને બદલે પ્રસૂનના મનમાં ‘કામ’ના જ વિચારો પાંગરતા રહ્યા. બપોરે ચારેક વાગે એણે એક ચોક્કસ ફોન નંબર લગાડીને ઓર્ડર આપી દીધો, ‘એક બોટલ શિવાઝ રીગલ કી. તીન સોડા. ઔર સાથ મેં...’

એ નંબર બુટલેગર રઇસ ખાનનો હતો. રઇસ ખાન ગમે ત્યારે અને ગમે ત્યાં માલની હોમ ડિલિવરી કરાવી આપતો હતો. એની પાસે ગ્રાહકોનાં નામ-નંબરની પૂરી યાદી રહેતી હતી. અને દરેક ગ્રાહકને એણે કોડ નેઇમ આપી રાખ્યું હતું. રખે ને ક્યારેક પોલીસનો દરોડો પડે અને ચોપડો પકડાઇ જાય તો ગ્રાહકોના સાચા નામ જાહેર ન થઇ જાય! રઇસ ખાનના તમામ ગ્રાહકો રઇસ હતા, મોભાદાર હતા અને વફાદાર હતા.
બરાબર છના ટકોરે બાબુ નામનો છોકરો આવી પહોંચ્યો. એક આકર્ષક કેરીબેગમાં માલ-સામાન આપી ગયો. પછી બોલ્યો, ‘સાહેબ, સામાન ચેક કરી લો. અને આ રહ્યું બિલ.’

પ્રસૂને બેગની ચેઇન ખોલીને અછડતી નજર ફેંકી લીધી. એને સહેજ આંચકો લાગ્યો. શિવાઝ રીગલને બદલે અંદર બ્લેક લેબલ સ્કોચની એક બોટલ હતી. કાગળના લેબલ ઉપર પેન વડે ‘મિ. શાનબાગ’ એવું લખેલું હતું. સોડાની એક પણ બોટલ ન હતી. એને બદલે સ્ત્રીઓ પીવે છે એવી જીનની એક બોટલ હતી. અને મંચિંગનું તો એક પણ પેકેટ ન હતું.

‘આ માલ મારા માટેનો નથી.’ પ્રસૂને છોકરાને કહ્યું, ‘મારું નામ મિ. શાનબાગ નથી, પ્રસૂન પારેખ છે.’ બાબુ ઓઝપાઇ ગયો, ‘સોરી, સાહેબ! ગલતી થઇ ગઇ. બેગની અદલ-બદલ થઇ ગઇ. લાવો, એ બેગ પાછી
આપો. અને આ લઇ લો.’

પ્રસૂને બીજી બેગ ચેક કરી લીધી. બધું બરાબર હતું. શિવાઝ રીગલની બોટલના કાગળ પર લખેલું હતું મિ. પી.પી.
એણે રૂપિયા ચૂકવી દીધા. છોકરો લિફ્ટમાં ઓગળી ગયો. થોડીવાર પછી પ્રસૂન પણ.

અડધા કલાક પછી પ્રસૂન અને સિક્તા બંધ ફ્લેટની બંધ દીવાલો વચ્ચે ઊઘડી રહ્યાં હતાં. શિવાઝ રીગલની બોટલ ખૂલી ગઇ હતી. મસાલાવાળા કાજુ અને પનીરની વાનગીઓના બાઇટ્રસ ઓરોગાઇ રહ્યો હતો. સોડા વિથ શરાબના જામમાં બરફનાં ચોસલાં ઓગળી રહ્યાં હતાં અને પ્રસૂન એની રૂપાળી પ્રેમિકાને આગ્રહ કરી રહ્યો હતો, ‘સિક્તા, આજે તો તારે પણ પીવું જ પડશે. પ્લીઝ ના નહીં પાડતી. તારા માટે એક છોટા પેગ બનાવું છું.’

‘પણ હું ક્યાં ના પાડું છું? હું કંઇ સાવ ઓર્થોડોક્સ વુમન થોડી છું? ચીઅર્સ!’ અને જામ સાથે જામ ટકરાયો; પછી દેહ સાથે દેહ અને વૃત્તિઓ સાથે વૃત્તિઓ.
‘એક વાત પૂછું?’ પ્રસૂનના ગાઢ આલિંગનમાં ભીંસાતી સિક્તા પૂછી રહી, ‘તમને મારા પ્રત્યે અકર્ષણ કેમ થયું? સાંભળ્યું છે કે સુંદર તો તમારી વાઇફ પણ છે.’

‘તેં સાચું જ સાંભળ્યું છે, સિક્તા. રિદ્ધિમા બ્યુટિફુલ છે. કદાચ તારાથી પણ વધુ બ્યુટિફુલ. પણ હમણાંથી એ પૂજા-પાઠ અને ભક્તિમાં ડૂબી ગઇ છે. બાળકો બહારગામ ભણે છે. હું આખો દિવસ બિઝનેસમાં વ્યસ્ત હોઉં. અને રિદ્ધિમા એની ભક્તિમાં. એની વાતોમાં, વર્તનમાં, રીત-ભાતમાં મને ક્યાંય રોમાન્સ જેવું દેખાતું જ
નથી. એને જોઇને મને સતત એવું લાગ્યા કરે છે કે જાણે હું....’

‘જવા દો એ વાત. આપણે મૂડ ખરાબ નથી કરવો. રિદ્ધિમાને જિંદગી માણતાં ભલે ન આવડતી હોય, પણ આપણને તો આવડે છે ને? તમે એક ગીત સંભળાવો; હું નવો પેગ
બનાવું છું.’
એ રાત ઉજાગરાની નહીં પણ ઉજવણીની રાત બની ગઇ. સવાર સુધી સંગીત, શરાબ અને સેક્સનો સિલસિલો ચાલતો જ રહ્યો. સવારે બ્રેકફાસ્ટ પતાવીને, બાથરૂમમાં સાથે સ્નાન માણીને પ્રસૂન-સિક્તા તૈયાર
થયાં.

ગાડીમાં બેઠાં. સિક્તાને એના ઘર પાસે ઉતારીને પ્રસૂન પોતાના ઘર તરફ હંકારી ગયો. એના મનમાં રાજકોટથી અમદાવાદ પહોંચવા માટેના સાડા ત્રણ કલાકનો સમય બરાબર રમી રહ્યા હતા. સાડા અગિયારે એ ઘરે પહોંચ્યો. રિદ્ધિમા ઘરમંદિરમાં બેસીને ભજન ગાઇ રહી હતી. પતિનો પગરવ સાંભળીને એ અટકીને માત્ર આટલું જ બોલી, ‘આવી ગયા તમે? હું પૂજા-પાઠ પૂરા કરી લઉં. તમારે ફ્રેશ થવું હોય તો થઇ જાવ.’
હોઠ મચકોડીને પ્રસૂન દાદર ચડી ગયો. બેડરૂમમાં પ્રવેશ્યો, પણ અચાનક એક ન સમજાય તેવી દુર્ગંધ એના નાકમાં પ્રવેશી ગઇ. એ સિગારેટના ધુમાડાની વાસ હતી? કે શરાબની?

‘શરાબની વાસ તો કદાચ મારા મોંમાંથી જ આવતી હશે પણ....’ એ મનોમન વિચારી રહ્યો. અચાનક એની નજર ખૂણામાં પડેલા મોટા ડસ્ટબિનમાં પડેલી એક ચીજ ઉપર પડી. આખો રૂમ તો સુઘડ દેખાતો હતો પણ.....!
ડસ્ટબીનમાં પડેલી ખાલી બોટલ બ્લેક લેબલ વ્હિસ્કીની હતી અને એના લેબલ પર સ્પષ્ટ રીતે વંચાઇ રહ્યું હતું : મિ. શાનબાગ.

No comments:

Post a Comment