Thursday, July 13, 2017

સિંહપુરુષ: સાવરકરજી



આજે 28મી મે. આજથી 134 વર્ષ પહેલાં આ જ તારીખે મા ભારતીની કૂખે એક વીર સપૂતનો જન્મ થયો હતો. એ હતા સ્વાતંત્ર્યવીર સાવરકરજી. હિન્દુસ્તાની તવારીખનું એક તેજસ્વી નામ જે સંજોગો, વિરોધીઓ અને કપટબાજીનો શિકાર બનીને ગુમનામીના અંધકારમાં વિલીન થઇ ગયા.

વીર સાવરકરનો જન્મ 1883માં નાસિક પાસેના ભગૂર ગામમાં એક ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતાનું નામ રાધા અને પિતાનું નામ દામોદરરાવ. રાધામૈયાના ત્રણ દીકરાઓમાં સૌથી જ્યેષ્ઠ ગણેશરાવ, વચેટ વિનાયક અને સૌથી નાનાનું નામ નારાયણરાવ. એક વાઘ હતો, એક સિંહ અને એક ચિત્તો. 

વીર વિનાયક સાવરકરના પિતાશ્રી જમીનદાર હતા. આજે પણ ભગૂરમાં ઊભેલી બે માળની વિશાળ હવેલી એમની શ્રીમંતાઇની ગવાહી આપે છે. ભગૂરના પાદરમાં એમની માલિકીનાં વિશાળ ખેતરો હતાં, આંબાવાડિયાં હતાં. સહેજ ઉંમરમાં આવ્યા ત્યારે વિનાયકની સગાઇ જવાર નામના દેશી રજવાડાના દીવાનની પુત્રી સાથે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. એ નિશ્ચિત હતું કે જો સાવરકરજી વિલાયત જઇને બેરિસ્ટર થઇ આવે તો રાજ્યનું દીવાનપદું એમને જ સોંપવામાં આવશે. 

એટલે સાવરકરજીએ સશસ્ત્ર ક્રાંતિની આગમાં કૂદી પડવા માટે ન તો કોઇ કારણ હતું, ન ગરજ હતી, ન મજબૂરી હતી. પણ આ સિરફિરા દેશભક્તની છાતીમાં દિલ ઉપરાંત દેશદાઝ ધબકતી હતી અને રગોમાં દોડતા ખૂનમાં રક્તકણો અને શ્વેતકણોની સાથે કેટલાક કેસરિયા કણો પણ વહેતા હતા. એમને સોનાનું ખેતર, ચાંદીનો વરસાદ અને સુખની ફસલ રાસ ન આવી. માત્ર બાર વર્ષની કુમળી વયે ઘરમાં સ્થાપિત માતા ભવાનીની રક્તપિપાસુ શાપિત મૂર્તિ સમક્ષ ઊભા રહીને વીસમી સદીના આ દેવવ્રતે ભીષ્મ પ્રતિજ્ઞા જાહેર કરી દીધી, ‘મા, હું મારું સંપૂર્ણ જીવન દેશની સેવામાં અર્પણ કરું છું. 

તને વચન આપું છું કે તારું ખપ્પર હું દેશના શત્રુઓના રક્તથી છલકાવી દઇશ.’ આ સાથે જ આરંભાયો એક લોહિયાળ ઘટનાક્રમ જેણે વીર સાવરકરજીને માત્ર ભારતના જ નહીં પણ વિશ્વભરના ક્રાંતિવીરોના સમૂહમાં શહેનશાહના પદ પર સ્થાપિત કરી દીધા. યુરોપના મેઝિની અને ગેરીબાલ્ડીનાં પરાક્રમો એમના શૌર્ય આગળ ઝાંખાં પડી ગયાં. માત્ર ચૌદ જ વર્ષની ઉંમરે નાસિકમાં આયોજિત એક વક્તૃત્વ સ્પર્ધામાં વિનાયકે ભાગ લીધો. બ્રિટિશ સામ્રાજ્યની સમ્રાજ્ઞી વિરુદ્ધ એમનાં વિધાનો સાંભળીને ગોદાવરીનાં જળ પણ ખળભળી ઊઠ્યાં, ‘વિક્ટોરિયા તો અંગ્રેજોની મહારાણી છે, 

આપણી મહારાણીઓ તો સીતા માતા, દ્રૌપદી અને અહલ્યાબાઇ છે. હું ચોરોની રાણીને માનવાનો ઇન્કાર કરું છું.’ પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાં ભણતી વખતે લોકમાન્ય ટિળકની પ્રેરણાથી વીર સાવરકરે જાહેરમાં વિદેશી વસ્ત્રોની હોળી કરી, જેની સજા રૂપે એમને હોસ્ટેલમાંથી બરતરફ કરવામાં આવ્યા. કૉલેજ પૂરી કરીને સાવરકર વિલાયત ગયા. ટિળકજીએ લંડન સ્થિત શ્યામજી કૃષ્ણવર્મા પર ભલામણપત્ર લખી આપ્યો. એ પત્ર કોઇ સામાન્ય સિફારીશની ચિઠ્ઠી ન હતી, એ તો ટિળક નામના એક વૃદ્ધ વનરાજ દ્વારા કચ્છના ડણકતા વાઘ શ્યામજીના હાથમાં સોંપાયેલી એક મરાઠી સિંહબાળરૂપી થાપણ હતી.

શ્યામજી કૃષ્ણવર્માના ‘ઇન્ડિયા હાઉસ’માં રોજ સાંજે મરજીવાઓની મહેફિલ ભરાતી હતી. ‘અભિનવ ભારત’ના નેજા હેઠળ કેટલાક તેજસ્વી ક્રાંતિકારીઓ ગુપ્ત યોજનાઓ ઘડતા હતા. કેવાં કેવાં તેજસ્વી નામો હતાં?! સ્વયં શ્યામજી, મેડમ કામા, સરદારસિંહ રાણા, (સરોજિની નાયડુના ભાઇ) વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, સેનાપતિ બાપટ, ઐયર, મદનલાલ ધિંગરા અને વીર વિનાયક. આ બધાં એ નામો હતાં જેમને લાંબું જીવવાની લાલસા ન હતી, પણ વહેલા મરી જવાની ઉતાવળ હતી. 

આ બધા એ પાગલો હતા જેમને પ્રેમનાં પરાક્રમો કરવાની ઇચ્છા ન હતી, પણ પરાક્રમોને પ્રેમ કરવાની ઝંખના હતી. એ દરેકના નામ પર સરફરોશીનું એક-એક આગ ઝરતું પ્રકરણ બોલે છે. અને દરેકની જિંદગીનો અંત કાં તો ફાંસીના ફંદાથી આવ્યો, કાં બ્રિટિશરોની બુલેટથી આવ્યો અથવા બે-વતન રહીને તડપી-તડપીને આવતા મૃત્યુથી આવ્યો. ક્રાંતિના યુવરાજ વીર સાવરકરજીના નસીબમાં આવી જનમટીપની સજા. એ પણ એક નહીં, 25-25 વર્ષની બેવડી જનમટીપ. ભારતની ભૂમિ પરની જેલમાં નહીં, પણ આંદામાનની કાળા પાણીની સજા. ત્યાં ગયેલો કેદી જવલ્લે જ જીવતો પાછો ફરતો હતો.

પચ્ચીસ વર્ષના સાવરકરજી જ્યારે કેદીનાં કપડાંમાં પચાસ વર્ષ માટે આંદામાન જઇ રહ્યા હતા ત્યારે એમની યુવાન પત્ની છેલ્લી મુલાકાતે આવી, રડી પડી: ‘હું તો તમને બેરિસ્ટરના સૂટ-બૂટમાં જોવાનાં સપનાં સેવતી હતી. તમે આ કપડાંમાં? મને જો એક સંતાનની ભેટ આપી ગયા હોત તો પણ હું એના સહારે જીવી લેત...’  ‘અરે, ગાંડી! તું જે સંસાર જીવવાનાં સપનાં જોતી હતી એવો સંસાર તો પશુઓ અને પંખીઓ પણ ભોગવે છે. એના માટે તું આવતા ભવની રાહ જોજે. આ જન્મ તો ભારતમાતા માટે ન્યોછાવર કરું છંુ. 

રહી વાત સંતાનની, તો સાંભળ-ધન્ય છે એ વંશવેલી જે દેવકાર્ય માટે નિર્વંશ રહેવાનું કબૂલ રાખે છે.’ આંદામાનની જેલમાં આ વીરપુરુષે જે અત્યાચારો સહ્યા તે અવર્ણનીય પણ હતા અને અમાનવીય પણ. એકાંત કોટડીમાં વર્ષો સુધી પુરાયેલા રહેવું, નાળિયેરના છિલકાં કૂટવા, ઘાણીમાં બળદની જગ્યાએ જોતરાઇને રોજનું 40 પાઉન્ડ તેલ કાઢવું, ભોજનમાં કેરોસીનવાળી કાંજી અને કાચી રોટી ખાઇને વારંવાર ઝાડા-મરડાનો ભોગ બની જવું, ખુલ્લી પીઠ પર નેતરના ફટકાઓ ઝીલવા અને પઠાણ વોર્ડનની ગંદી ગાળો તથા બ્રિટિશ જેલરનાં અપમાનો સહેવાં.

આવી ભાંગી નાખનારી હાલતમાં પણ સાવરકરજી રાત્રે જેલની દીવાલો પર કવિતા લખતા હતા. નખ વડે, કાંટા વડે અને ખીલા વડે. ત્રણ-ત્રણ વાર આત્મહત્યા કરવા જેટલી હતાશામાં પહોંચી ગયેલા આ સિંહપુરુષ લખતા હતા: ‘અનાદિ મૈં... અનંત મૈં... અવધ્ય મૈં...! હું મૃત્યુથી ડરતો નથી, સ્વયં મૃત્યુ મારાથી ડરે છે.’ દર વર્ષે દિવાળી સમયે દીવાલો પર ચૂનો ધોળવામાં આવે ત્યારે આ કવિતા પણ ભૂંસાઇ જાય. દાયકાઓ બાદ કેદમાંથી મુક્ત થઇને સાવરકરજીએ સેંકડો પંક્તિઓનું બનેલું મહાકાવ્ય ‘કમલા’ પ્રગટ કર્યું ત્યારે લોકો એમની યાદશક્તિ જોઇને અચરજ પામી ગયા હતા. એક પણ પંક્તિમાં છંદ તૂટતો ન હતો.

દેશના તમામ ક્રાંતિવીરો માટે સાવરકરજી ગુરુ દ્રોણ સમાન હતા. એમના એક જ ઇશારાથી દૂધમલ જુવાન મદનલાલ ધિંગરા લંડનની જાહેરસભામાં લોર્ડ કર્ઝન વાયલીને ઠાર મારી શકતો હતો, સાવરકરજીએ તૈયાર કરેલો ભાવિ આઝાદ ભારતનો પ્રથમ ધ્વજ મેડમ કામા જર્મનીના સ્ટટગાર્ડમાં ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં જઇને લહેરાવી આવ્યા હતા, શહીદ ભગતસિંહ સાવરકરજીને મળીને પછી જ પિસ્તોલના ટ્રીગર પર આંગળી મૂકી ચૂક્યા હતા, સુભાષચંદ્ર બોઝ પણ ‘આઝાદ હિંદ ફોજ’ની સ્થાપના કરવા માટે વિદેશ જવાની પ્રેરણા સાવરકરજી પાસેથી લઇ ગયા હતા.

માર્સેલ્સના દરિયાકાંઠે બ્રિટિશ પોલીસોના જાપ્તામાંથી છટકવા માટે જહાજમાંથી ઐતિહાસિક છલાંગ મારી બતાવનાર આ વીરપુરુષ જ આવું કહી શકે: ‘દેશના દુશ્મનો સાથે પ્રથમ હરોળમાં રહેવાને બદલે હું દેશભક્તોની સાથે છેલ્લી હરોળમાં ઊભા રહેવાનું પસંદ કરીશ.’ સ્વયં સાવરકરે લખ્યું છે: ‘આ દેશ હતભાગી છે કારણ કે એનો સાચો ઇતિહાસ ક્યારેય ભણાવવામાં આવ્યો જ નથી, આપણા ઇતિહાસનાં કેટલાંક પૃષ્ઠો ફાડી નાખવામાં આવ્યાં છે.’

વીર સાવરકરજી ખુદ ઇતિહાસનું એક ફાડી નાખવામાં આવેલું પૃષ્ઠ બની ગયા. મૃત્યુથી ક્યારેય નહીં ડરેલા આ વીરપુરુષે 1966ની 26મી ફેબ્રુઆરીએ કેટલાયે દિવસોના અન્ન-જળ-ત્યાગ પછી ઇચ્છામૃત્યુને વહોરી લીધું. પાશ્ચાત્ય સંગીત, જંક ફૂડ અને ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણીમાં વ્યસ્ત એવી આજની યુવા પેઢીને કદાચ ખબર નથી કે કાળની પગદંડી પરથી ગર્જના કરતો એક સિંહપુરુષ પસાર થઇ ગયો જેનું નામ હતું સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર. 
 
સાવરકરજી વિશ્વના એક માત્ર એવા કમનસીબ માણસ હતા જેમણે બેરિસ્ટર માટેની તમામ લાયકાતો પ્રાપ્ત કર્યા પછી પણ અંગ્રેજોએ ‘બેરિસ્ટર’ની ડિગ્રી ન આપી હોય. જગતના એ એક માત્ર ક્રાંતિવીર હતા જેમને અંગ્રેજોએ ‘બ્રિટિશ સામ્રાજ્યના સૌથી ખતરનાક દુશ્મન’ ઘોષિત કર્યા હોય. ઇતિહાસનું એક માત્ર ઉદાહરણ જ્યારે 1857ની ક્રાંતિ પરના એમના પુસ્તકને પ્રકાશિત થતાં પહેલાં જ પ્રતિબંધિત જાહેર કરાયું હોય. અને દેશ આઝાદ બન્યા પછી આટલી નિર્ઘૃણ અવહેલના પામનાર પ્રખર દેશભક્ત પણ વિશ્વભરમાં એકમાત્ર સાવરકરજી જ હતા.
 
વિશ્વનું આ એક માત્ર ઉદાહરણ જ્યાં ત્રણ સગા ભાઇઓ દેશની આઝાદી માટે ક્રાંતિની આગમાં બળીને રાખ થઇ ગયા હોય! 

No comments:

Post a Comment