બિછડા ઇસ કદર સે કે રુત હી બદલ ગઈ, એક શખ્સ સારે શહર કો વિરાન કર કર ગયા
સુલેખા પાસે હવે સમય જ સમય હતો. નિર્જીવ ફર્નિચરથી ભરેલું ખાલી ઘર હતું. કામ વગરની દિનચર્યા હતી. બગાસાં ખાતી સવાર હતી અને કંટાળા ભરેલી રાત હતી. પ્રિન્સના મૃત્યુને આજે બરાબર એક વર્ષ પૂરું થયું હતું. આજે કેટલા બધા મિત્રો મળવા આવ્યા! સગાં-સ્વજનો આવી ગયાં. પ્રિન્સના મિત્રોના પણ ફોન કૉલ્સ આવી ગયા. લગભગ તમામે પ્રિન્સના મૃત્યુનો શોક વ્યક્ત કર્યા પછી દબાયેલા સૂરમાં એક જ સલાહ આપી હતી, ‘સુલુ, તારે હવે ફરીથી મેરેજ કરી લેવું જોઇએ.
એ વાત સાચી કે તારા અને પ્રિન્સના લવમેરેજ હતા, પણ તારે એ વાત સ્વીકારી લેવી જોઇએ કે પ્રિન્સ હવે ક્યારેય પાછો આવવાનો નથી. તારી પાસે હજી ખૂબ લાંબી જિંદગી પડી છે. તારે જરૂર વિચારવું જોઇએ.’
સાંજ પડી અને બધાના ફોન કૉલ્સ પણ બંધ થઇ ગયા. એક જાતનો ન સમજાય તેવો ખાલીપો ઘરને ઘેરી વળ્યો. મન ઉદાસ થઇ ગયું. ભૂખ તો હતી, પણ રસોઇ બનાવવાની આળસ....!
‘હેલ્લો...! સુલુ! પ્રિન્સ બોલું છું.’ હજુ એક વર્ષ પહેલાંની જ વાત. ત્યારે પ્રિન્સ જીવતો હતો. અને એનો આવો ફોન ગમે ત્યારે આવી જતો હતો.
‘હા, બોલ.’
‘શું કરતી હતી?’
‘બસ, બેઠી છું. આજે મૂડ નથી. ભૂખ તો કકડીને લાગી છે, પણ....’
‘સાંભળ, સાંભળ! મેં ફોન એટલા માટે જ કર્યો છે. આજે મારા બોસે મારા કામથી ખુશ થઇને મને દસ હજાર રૂપિયાનું ઇન્સેન્ટિવ આપ્યું છે; આજે મારો મૂડ બહાર જમવા જવાનો છે. હું આઠ વાગે ઘરે પહોંચું છું. ત્યાં સુધીમાં તું તૈયાર થઇ જજે.’
કેટલું સારું લાગ્યું હતું એ દિવસે સુલેખાને! એની બધી જ સુસ્તી વરાળની જેમ ઊડી ગઇ હતી. એ ઝટપટ નાહીને સરસ રીતે તૈયાર થઇ ગઇ હતી. આઠ વાગે પ્રિન્સ એની નાની કારમાં આવી પહોંચ્યો હતો અને સુલેખાને ક્વીનની જેમ સાથે લઇ ગયો હતો. એ સાંજ, એ રેસ્ટોરાં, એ કેન્ડલ લાઇટમાં ગુંજતું ધીમું ધીમું વેર્સ્ટન મ્યુઝિક અને મેક્સિકન ફૂડની મઝા!
અને છેલ્લા એક વર્ષની ત્રણસો પાંસઠ સાંજો ઉદાસીની ફોટોસ્ટેટ કૉપી જેવી ગુજરી હતી. ન પ્રિન્સનો ફોન આવતો હતો, ન એના ઊછળતા અવાજમાં પડઘાતું ઇન્સેન્ટિવ સંભળાતું નહોતું. ન તે દિવસના જેવી યાદગાર સાંજ ફરી ક્યારેય માણવા મળી હતી. એક દિવસ સવારના પહોરમાં સુલેખા કિચનમાં કૉફી બનાવી રહી હતી. ત્યાં પ્રિન્સ આવી ગયો. મોટા કર્કશ અવાજમાં રાગડો તણાવા માંડ્યો, ‘ભોર ભયે પનઘટ પે...’
‘ઓહ નો! પ્રિન્સ, જસ્ટ શટ અપ!’ સુલેખાએ બંને કાન પર હથેળી દબાવી દીધી હતી.
‘કેમ, શું થયું? ન ગમ્યું? તને તો ક્લાસિકલ ગીતો ગમે છે ને?’ પ્રિન્સ બાળકની નિર્દોષતાથી પૂછી રહ્યો હતો.
‘હા, પણ અત્યારે તું જે રીતે ગાઇ રહ્યો છે એ તને ક્લાસિકલ લાગે છે? કાટ ખાધેલા લોખંડના પતરા સાથે ખરબચડો પથ્થર ઘસાતો હોય એને...’
‘સમજી ગયો. તને પોતાને ગાતાં આવડતું નથી ને, એટલે મારા અવાજની તને ઇર્ષા આવે છે.’
‘મને ગાતાં નથી આવડતું એમ? મેં શાસ્ત્રીય સંગીતમાં વિશારદ કર્યું છે. તું પણ આ વાત જાણે છે. છતાં ન માનતો હોય તો સેમ્પલ સંભળાવું. આ ગીત આવી રીતે ગવાય...’ સુલેખા સ્ટફ્ડ પરોઠાં અને કૉફીના બે મગ ભરીને બ્રેકફાસ્ટના ટેબલ પાસે ગોઠવાઇ ગઇ. અને ગાવાનું શરૂ કર્યું.
એના સુંદર, મધુર, તાલીમબદ્ધ સ્વરથી એ નાનકડું ઘર ભરાઇ ગયું. એ દિવસની સવાર બનારસી બની ગઇ. ગીત પૂરું થયું એ પછી જ બ્રેકફાસ્ટ શરૂ થયો.
‘કેવું લાગ્યું ગીત?’ સુલેખાએ પૂછવું પડ્યું હતું. પ્રિન્સે બનાવટી ગંભીરતાથી જવાબ આપ્યો હતો, ‘ઓ.કે.! ઠીક લાગ્યું. મારી પાસેથી શીખતી રહીશ તો ધીમે ધીમે તને સારું ગાતાં આવડી જશે. કીપ ઇટ અપ!’
‘જા ને....!’ કહીને સુલેખા પ્રિન્સના ગાલ પર એક હળવી ટપલી મારી બેઠી હતી. પ્રિન્સે એને લવ યુ, સુલુ!’કહીને બાથમાં જકડી લીધી હતી.
છેલ્લી ત્રણસો પાંસઠ સવારો એક પણ ગીત ગાયા વગરની નિ:શબ્દ પસાર થઇ હતી.
સુલેખાનાં અને પ્રિન્સના લવમેરેજ હતાં. સુલેખાનાં મમ્મી-પપ્પા આ લગ્નથી અત્યંત નારાજ હતાં. સુલેખા એમને ખૂબ ‘મિસ’ કરતી હતી. એને ઘણીવાર ઇચ્છા થઇ આવતી હતી કે એ પપ્પાને ફોન કરે, માફી માગી લે, પોતાને સ્વીકારી લેવા માટે મનાવી લે; પણ એ જાણતી હતી કે આવું ક્યારેય બનવાનું નથી. પરપ્રાંતીય પ્રેમલગ્ન માટે પપ્પા ક્યારેય એને માફ કરવાના નથી. આ વાતની ઉદાસી એના ચહેરા પર ઘણીવાર ઊભરી આવતી હતી.
એક દિવસ પ્રિન્સ ઑફિસમાંથી ઘરે આવ્યો, ત્યારે સુલેખા ઉદાસ બેઠી હતી. પ્રિન્સે એની ઉદાસીને જોઇ જ ન હોય એ રીતે કહ્યું, ‘સુલુ, તૈયારી શરૂ કરી દે; આપણે રવિવારથી રવિવાર પ્રવાસમાં જવાનું છે. ગયા મહિને કંપનીને મેં પંદર લાખ રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો એના બદલામાં બોસે મને સાત દિવસની ટ્રિપ ગિફ્ટમાં આપી છે; આવવા-જવાનો અને રહેવા-જમવાનો બધો ખર્ચ કંપની તરફથી....’
એ ટ્રિપ યાદગાર બની ગઇ હતી. હરિદ્વાર અને ઋષિકેશના પહાડો અને પવિત્ર ગંગામૈયાનું સાંનિધ્ય સુલેખાની ઉદાસીને તાણી ગયું હતું. એક સાંજે ગંગાકિનારે બેસીને પ્રિન્સે કહ્યું હતું, ‘સુલુ, તને ખબર છે?
દરેક ભારતવાસીનાં સાચાં માતા-પિતા કોણ છે? જે જન્મ આપે છે તે તો ખરાં જ. પણ મારા, તારા અને બધાના સાચા પિતા આ પર્વતરાજ હિમાલય છે અને સાચી માતા આ ગંગામૈયા છે. આ એવા માવતર છે જે પોતાનાં સંતાનોથી કદીયે નારાજ થતા નથી. જ્યારે પણ તારું મન ઉદાસી અનુભવે ત્યારે આપણે અહીં આવી જઇશું.’
ત્યારે પહેલીવાર સુલેખાને શંકા ગઇ હતી કે એની ઉદાસી પારખીને જ પ્રિન્સે આ પ્રવાસનું આયોજન કર્યું હોવું જોઇએ.
પછી તો ધીમે ધીમે પ્રિન્સનું પ્રેમભર્યું વ્યક્તિત્વ એના અનેક આયામોમાં ઊઘડતું ગયું. સુલેખા પણ હવે પતિના સ્નેહભર્યા ષડ્્યંત્રોને સમજવા લાગી હતી. પ્રિન્સ જ્યારે પણ સુલેખાના કેળવાયેલા કંઠે કોઇ ક્લાસિકલ સોન્ગ સાંભળવા ઇચ્છતો હોય ત્યારે સીધું કહી દેવાને બદલે એનો આગવો રમતિયાળ અંદાઝ અપનાવતો હતો. એ જ ગીત પ્રિન્સ પોતાના કર્કશ અવાજમાં ગાવાનું શરૂ કરી દેતો હતો; સુલેખા એને ઠપકો આપે અને પછી એ પોતે જ ગાવાનું શરૂ કરી દે.
જ્યારે પણ સુલેખા થાકેલી હોય, ત્યારે જ પ્રિન્સને એની કંપની તરફથી પાંચ કે દસ હજાર રૂપિયાનું ‘ઇન્સેન્ટિવ’ મળતું હતું. અને એ પોતાની પ્રિય સુલુને લઇને કેન્ડલ લાઇટ ડિનર માટે નીકળી પડતો હતો.
અને એક દિવસ સુલેખાની જિંદગીમાં ઝંઝાવાત બનીને આવ્યો. કંપનીના કામ માટે બહારગામ ગયેલો પ્રિન્સ પરત આવતો હતો. જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો, એ પાટા પરથી ઊતરી ગઇ. ચાળીસ પેસેન્જર્સ મોત થયાં; અઢીસો ઘવાયા. મૃતકોની યાદીમાં પ્રિન્સનું નામ પણ હતું.
ત્રણ જ વર્ષનું લગ્નજીવન. સંતાનવિહોણું દાંપત્ય. અને પિયરના આધાર વગરની જિંદગી. સુલેખા જડવત્ બની ગઇ. પૈસાની ચિંતા ન હતી. સરકાર તરફથી, ઑફિસ તરફથી અને વીમા કંપની તરફથી એટલા બધા રૂપિયા મળ્યા હતા કે સુલેખા આખી જિંદગી શાંતિપૂર્વક જીવી શકે. પણ જિંદગી માત્ર પૈસાથી નથી જિવાતી, પ્રેમથી જિવાય છે. આજે એ ઘટનાને એક વર્ષ થઇ ગયું. પ્રિન્સના મિત્રના ફોન કૉલ્સ આવ્યા, ‘ભાભી, એક વાત માનશો? પ્રિન્સ તો પાછો નથી આવવાનો; તમે યુવાન છો, જિંદગી લાંબી છે. કોઇ સારું પાત્ર શોધીને મેરેજ કરી લો.’
સુલેખાનાં મમ્મી-પપ્પાએ પણ હવે દીકરીની સાથે સમાધાન કરી લીધું હતું. એમની પણ આવી જ સલાહ હતી, ‘દીકરી, આપણી ન્યાતમાંથી અમે તારા માટે યોગ્ય છોકરો શોધી કાઢીશું. તું એકવાર હા પાડ એની જ રાહ જોઇએ છીએ.’આડોશી-પાડોશીઓ પણ આવીને સહાનભૂતિ વ્યક્ત કરી ગયા; સાથે સલાહ આપતાં ગયા: ‘સુલુબહેન, અમે જોઇએ છીએ કે તમે સાવ અકેલાં પડી ગયાં છો. આ રીતે જિંદગી નહીં જાય. અમારા ધ્યાનમાં કેટલાંક સારાં પાત્રો છે. જો તમે...’
એ આખી રાત સુલેખાએ મનોમંથનમાં વિતાવી દીધી. એની પોતાની ઇચ્છા ત્રાજવાના એક પલ્લામાં હતી; આખા સમાજની સલાહ બીજા પલ્લામાં હતી. સવારે ઊઠીને પહેલું કામ એણે તમામ મિત્રો, સ્વજનો, પાડોશીઓને એક મેસેજ ‘સેન્ડ’ કરવાનું કર્યું: ‘થેન્ક યુ વેરી મચ ફોર યોર કન્સર્ન. તમે બધાં તમારી રીતે સાચા છો. તમારી સલાહ પણ સાચી છે. પણ મારું દિલ મને બીજાં લગ્ન માટે ના પાડે છે. પ્રિન્સ સાથેનું લગ્ન પણ મારા દિલનો નિર્ણય હતો, દિમાગનો નહીં. અમે ભલે ત્રણ જ વર્ષ સાથે રહ્યાં, પણ પ્રિન્સ એટલો બધો પ્રેમ અને યાદો છોડતો ગયો છે જે પૂરી જિંદગી મારી સાથે રહેશે.
મહેરબાની કરીને ભવિષ્યમાં મને આવી સલાહ ન આપશો. આભાર! (સત્ય ઘટના)
No comments:
Post a Comment