Thursday, July 13, 2017

મેરા ફર્ઝ બનતા હૈ મૈં ઉસકે હાથ ધુલવાઉ, સુના હૈ ઉસને મેરી જાત પર કિચડ ઉછાલા હૈ



મેરા ફર્ઝ બનતા હૈ મૈં ઉસકે હાથ ધુલવાઉ,  સુના હૈ ઉસને મેરી જાત પર કિચડ ઉછાલા હૈ  
અંશુલ એન્જિનિયરિંગના ફાઇનલ વર્ષમાં ભણતો હતો. એનાં મમ્મી-પપ્પાએ છોકરીઓ શોધવાનુ શરૂ કર્યું. એની જ્ઞાતિ સામાજિક અને આર્થિક દૃષ્ટિએ વિકસિત ન હોવાથી કન્યા-શિક્ષિત ખાસ જોવા મળતી ન હતી. એટલે જે દસ-બાર કન્યાઓનાં માગાં આવ્યાં તે બધી કન્યાઓ સાતમા ધોરણથી અગિયારમા ધોરણ સુધીમાં ઝોલાં ખાતી હતી.

એમાં જાણે નસીબ આડેનું પાંદડું ઊઘડી ગયું! અંશુલ માટે એક ડોક્ટર થયેલી છોકરીની વાત આવી.
અંશુલ એનાં મમ્મી-પપ્પાને લઈને છોકરીને જોવા માટે એનાં ઘરે જઈ પહોંચ્યો.

‘પધારો! પધારો! બરાબર સમયસર આવી ગયા.’ બે હાથ જોડીને જનકભાઈએ છોકરા પક્ષને આવકાર આપ્યો.
અંશુલનાં પપ્પા-મમ્મી તો બંગલો જોઈને જ આભા બની ગયાં. અંશુલના પપ્પા અશોકભાઈએ તો પૂછી પણ માર્યું, ‘વાહ! આટલો સુંદર બંગલો? સારું કમાયા
લાગો છો!’

‘હા, હું અને પ્રભાવીની મમ્મી બંને ક્લાસ વન ઓફિસર્સ છીએ. ખૂબ સારો પગાર મળે છે. અમારે સંતાનમાં માત્ર એક દીકરી જ છે અને બીજા કોઈ ખોટા ખર્ચાઓ નથી. એટલે સારી રીતે જીવી શકીએ
છીએ.’
અશોકભાઈ સોફામાં બિરાજ્યા. ડ્રોઇંગ રૂમમાં ઝીણવટથી બધું અવલોકી રહ્યા. એમના મનમાં અનાયાસ સરખામણી થઈ રહી હતી. પોતાનું મકાન ભાડાનું હતું, નાનું હતું, સાવ ખખડી ગયેલું રાચરચીલું, જૂના
પડદા, માંડમાંડ હપ્તેથી લીધેલું એક નાનું ફ્રીઝ અને એક દીકરો-ચાર દીકરીઓ સમેત સાત સભ્યોનો પરિવાર.

એની સામે જનકભાઈનું નાનું કુટુંબ, સુખી કુટુંબ હતું.  એકની એક દીકરી. એ પણ તાજી જ એમ.બી.બી.એસ. થયેલી. સાંભળ્યું હતું કે પ્રભાવી સૌંદર્યવાન પણ હતી. જ્યારે પોતાનો અંશુલ શામળો અને લાંબો, પાતળો, ટેઢોમેઢો હતો.
એન્જિનિયરિંગ ડિગ્રી પણ ઉચ્ચ જ ગણાય, પણ પ્રવેશ મેળવવા માટે મેરિટની વાત અને સિલેબસની વાત કરીએ તો એમ.બી.બી.એસ.ની ડિગ્રીનું સામાજિક વજન બીજી તમામ ડિગ્રીઓ કરતાં સહેજ ચડી જાય છે.

સામાન્ય રીતે ડોક્ટર બનેલી યુવતી ડોક્ટર યુવાનનો જ આગ્રહ રાખતી હોય છે. ખબર નહીં કે આ છોકરી અંશુલ માટે હા પાડશે કે નહીં?
આવી સરખામણી ભીતરમાં ચાલતી રહી અને બાહ્ય રીતે દુનિયાદારીની વાતો ચાલતી રહી. જનકભાઈ જ વાતવાતમાં બોલી ગયા, ‘આ જુઓને? આપણી ન્યાતમાં એક ખૂબ મોટી સમસ્યા છે. નેતાઓ કહે છે:

બેટી વધાવો! બેટી બચાવો! બેટી પઢાવો! પણ બેટાઓને પઢાવવાનું તો કોઈ કહેતું જ નથી. આ મારી પ્રભાવીની જ વાત કરોને! એ ભણવામાં બ્રિલિયન્ટ હતી. એટલે મેં એને મેડિકલના અભ્યાસમાં મોકલી દીધી. એ થ્રૂ આઉટ પાસ પણ થઈ ગઈ. એમ.બી.બી.એસ. થયા પછી અત્યારે એ ઇન્ટર્નશિપ કરી રહી છે, પણ આપણી જ્ઞાતિમાં એક પણ ડોક્ટર છોકરો જોવા મળતો નથી. હવે શું કરીએ? દીકરીને કંઈ ઘરમાં તો ન જ બેસાડી રખાયને! એટલે પછી અમે સહેજ બાંધછોડ કરવાનું વિચારી લીધું. તમારો દીકરો એન્જિનિયર છે એટલે જોડી યોગ્ય ગણાશે.

એટલી વારમાં ડો. પ્રભાવી ડ્રોઇંગ રૂમમાં પ્રવેશી. સાથે ઘરકામ કરતો નોકર હતો, એના હાથમાં ચા-નાસ્તાની ટ્રે હતી. પ્રભાવી પ્રવેશતાંની સાથે જ એના પ્રભાવક સૌંદર્ય અને વાણી-વર્તન દ્વારા સહુના મન ઉપર છવાઈ ગઈ.  સુંદર વસ્ત્રોમાં સજ્જ થયેલી પ્રભાવી ખરેખર સુંદર લાગી રહી હતી. એનાં મનમોહક સ્મિતે અંશુલને જીતી લીધો અને અંશુલનાં મમ્મી-પપ્પાને આંજી દીધાં.

‘નમસ્તે અંકલ! નમસ્તે આન્ટી! હાય, માય નેમ ઇઝ પ્રભાવી!’ છેલ્લું વાક્ય એણે અંશુલને ઉદ્દેશીને કહ્યું. અંશુલના ગળામાંથી માંડ દબાયેલી ઘરઘર્રાટી જેવો અવાજ બહાર આવ્યો.
‘આપ શું લેશો? બધું જ મેં જાતે જ બનાવ્યું છે. હું ડોક્ટર હોવા છતાં પણ ચારસો જેટલી વાનગીઓ બનાવી જાણું છું. મારી મમ્મીએ મને સરસ તાલીમ આપી છે. લો, આ ચોકલેટ પૂડિંગથી શરૂ કરો. પછી આ ક્રિસ્પી મેક્સિકન વાનગી તમને જરૂર ભાવશે અને આ પનીર વિથ...’

અંશુલના મનમાં ખુશીની ફૂલઝડી ફૂટવા લાગી. આવી સર્વગુણસંપન્ન, સ્માર્ટ, સુંદર અને ડોક્ટર થયેલી યુવતી જો પત્ની રૂપે મળી જાય તો જન્મારો આખો
સુધરી જાય.  જનકભાઈએ થોડીવાર પછી સૂચન કર્યું, ‘અંશુલકુમાર, તમારે પ્રભાવીની સાથે અંગત વાત કરવી હોય તો બાજુના રૂમમાં...’

અંશુલ જવાબ આપે તે પહેલાં જ અશોકભાઈએ કહી દીધું, ‘અમારે કશુંયે પૂછવું પણ નથી અને વધારે કંઈ જાણવું પણ નથી. અમારા તરફથી તો હા જ છે. તમારી જે ઇચ્છા હોય તે જાહેર કરી દો.’
જનકભાઈએ પણ કહી દીધું, ‘તો અમારા તરફથી પણ હા જ છે.’ ત્યાં ને ત્યારે જ સંબંધ પાક્કો થઈ ગયો.

વાસ્તવમાં આ સગાઈ બે પાત્રો વચ્ચેની ન હતી, પણ બે ડીગ્રીઓ વચ્ચેની હતી. અંશુલ માટે તો બીજો વિકલ્પ ખુલ્લો હતો કે જો પ્રભાવી ના પાડે તો એનાથી ઓછું ભણેલી બીજી કોઈ પણ કન્યા એને મળી જાય તેમ હતી. પણ  ડો. પ્રભાવી માટે આ લગ્ન માટેની ટ્રેનનો છેલ્લો ડબ્બો હતાે. એમની જ્ઞાતિમાં ડોક્ટર મૂરતિયો તો એક પણ હતો જ નહીં, એ પછીના ક્રમે એન્જિનિયરિંગમાં ભણતો આ એકમાત્ર છોકરો હતો. જો અંશુલને રિજેક્ટ કરવામાં આવે તો પછી ડો. પ્રભાવીએ કોઈ બી.એ. પાસ મૂરતિયા સાથે જ જીવનની દોર  જોડવી પડે.

આ મજબૂરીનું જ એ પરિણામ કે બંને પાત્રોએ એકબીજાના વિચારો, સ્વભાવ, રુચિ-અરુચિ, શોખના વિષયો એ બધું જાણવા માટે જરા પણ કોશિશ કરી જ નહીં.
સગાઈ થઈ ગઈ એના બીજા જ મહિને ડો. પ્રભાવીને પોસ્ટગ્રેજ્યુએશન માટે એડમિશન મળી ગયું. એણે સામે ચાલીને પીડિયાટ્રિક્સનો કોર્સ પસંદ કર્યો હતો.

નિર્ણય લેવાઈ ગયો. ‘મેરેજ ત્રણ વર્ષ પછી થશે. ત્યાં સુધીમાં ડો. પ્રભાવી પણ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ બની ગઈ હશે અને અંશુલ પણ એન્જિનિયરિંગનું ભણવાનું પૂરું કરીને ક્યાંક થાળે પડી ગયો હશે.’
અંશુલ અને ડો. પ્રભાવી મોબાઇલ ફોન પર વાત કરતાં રહેતાં હતાં. પ્રસંગોપાત એકબીજાને રૂબરૂમાં પણ મળતા રહેતાં હતાં. ક્યારેક કોઈ નિમિત્ત નીકળી આવે તો ડો. પ્રભાવી અંશુલના ઘરે જમવા માટે પણ જઈ
આવતી હતી.

અશોકભાઈ ક્યારેક ભાવિ વહુને કહેતાં, ‘બેટા, અમારું તો ભાડાનું મકાન છે. બધો આધાર અંશુલ અને તારા પર છે. તમારે મહેનત કરીને આ પરિવારને નબળી આર્થિક સ્થિતિમાંથી બહાર કાઢવાનો છે. ચાર-ચાર દીકરીઓનાં લગ્ન કરાવવાનાં છે. તને અમારા ઘરમાં સંઘર્ષ કરવા સિવાય બીજું કશું જ મળે તેમ નથી.’ ‘પપ્પા, તમે ચિંતા ન કરો. હું અને અંશુલ ખૂબ મહેનત કરીશું. ભગવાન બધું સારું જ કરશે.’  ડો. પ્રભાવી આશાવાદ પ્રગટ કરતી હતી. અંશુલના દિલમાં રોમાન્સનો દરિયો ઉછાળા મારતો હતો.

એક દિવસ સવારે દસ વાગ્યે એણે પ્રભાવીને ફોન કર્યો. રિંગ જતી હતી, પણ પ્રભાવીએ કોલ રિસીવ ન કર્યો. અંશુલ કોલ પર કોલ કરતો રહ્યો. પૂરા ત્રણ કલાક પછી ડો. પ્રભાવીનો કોલ આવ્યો. એના અવાજમાં આછી-પાતળી ચીડ ઝલકતી હતી, ‘બોલ, શું હતું?’
‘મારો કોલ કેમ રિસીવ ન કર્યો?’ અંશુલે ઝઘડો આદર્યો.

‘મારો મોબાઇલ સાઇલન્ટ મોડ પર હતો. હું મારા સાહેબની સાથે દર્દીઓના રાઉન્ડમાં હતી. તારે સમજવું જોઈએને! ત્રેવીસ-ત્રેવીસ વાર કોલ્સ કરાતા હશે?’
ડો. પ્રભાવીના સવાલ આગળ અંશુલ ચૂપ થઈ ગયો.  એક વાર રાત્રે અગિયાર વાગ્યે આવું બન્યું. નવરો પડેલો અંશુલ જબરા રોમેન્ટિક મૂડમાં હતો. એણે પ્રભાવીને ફોન કર્યો. રિંગ વાગી, પણ પ્રભાવીએ વાત ન કરી. બીજા દિવસે સવારે પ્રભાવીએ ખુલાસો કર્યો, ‘હું બિઝી હતી.

એક નવજાત શિશુ ગંભીર હાલતમાં હતું. એની સારવારમાં મારે બે કલાક ખર્ચાઈ ગયા. મેં તારો મિસ્ડ કોલ જોયો, પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. બોલ, શું હતું? મારે ડ્યૂટી પર પહોંચવાનું છે, પણ આપણે પાંચેક મિનિટ્સ વાત...’ અંશુલ બરાડ્યો, ‘પાંચ મિનિટ્સ? મને લાગે છે કે તું મને ‘એવોઇડ’ કરે છે. તારા માટે ડ્યૂટી વધારે મહત્ત્વની છે? કે હું?’

પ્રભાવીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘આ બંને સાવ અલગ જ મુદ્દાઓ છે. ફરજ હંમેશાં ફરજિયાત હોય છે, પ્રેમ અને પતિ તો કાયમના હોય છે. એમાં બે-ચાર કલાક વહેલુ-મોડું થઈ શકે છે, પણ દર્દીની જિંદગી રાહ નથી જોતી હોતી. હું એક એવા વ્યવસાયમાં છું જેમાં માનવતા...’

અંશુલે ફોન કાપી નાખ્યો. જ્યારે સાત-આઠ વાર આવું બન્યું ત્યારે એક દિવસ ડો. પ્રભાવીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એણે ફોનમાં જ તડ ને ફડ કરી નાખ્યું, ‘હું આપણી સગાઈને ફોક જાહેર કરું છું. તું ઈંટ, રેતી ને ચૂનાનો માણસ છે, હું જિવાતી જિંદગીની સાથે પનારો પાડતી એક સંવેદનશીલ તબીબ નારી છું. તું અત્યારથી આવું કરે છે તો ભવિષ્યમાં શું નહીં કરે? જે માણસ પોતાની ડોક્ટર પત્નીની પ્રાયોરિટીઝને ન સમજી શકે એ ક્યારેય સાચો જીવનસાથી ન બની શકે.’

સગાઈ તૂટી ગઈ. ડો. પ્રભાવીએ એક અન્ય જ્ઞાતિના કાર્ડિયોલોજિસ્ટ યુવાન સાથે લગ્ન કરી લીધાં. અંશુલને પણ દસ ચોપડી પાસ કન્યા મળી ગઈ. ભાડાના મકાનમાં સિમિત આવકમાં આઠ જણાનો પરિવાર હાંફતો-હાંફતો જિંદગી પસાર કરી રહ્યો છે. ડો. પ્રભાવી પાંચ કરોડના બંગલામાં મહાલી રહી છે. (શીર્ષક પંક્તિ: શકીલ)

No comments:

Post a Comment