બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે
રચનાએ એવી વાત કરી કે હું ચોંકી ગયો. મને જે પહેલો પ્રશ્ન થયો તે આ હતો, ‘આવી ગુપ્ત વાત રચનાએ મને શા માટે કહી હશે? ખરેખર તો આ વાત એણે એનાં પતિ, સાસુ કે પિયરિયાંઓને કરવી જોઈએ.’ રચનાને કદાચ હું જ યોગ્ય લાગ્યો હોઈશ. એ મારી પાસે છેલ્લા છએક મહિનાથી નિયમિત રૂપે આવતી હતી. ક્યારેક એકલી, ક્યારેક એના પતિની સાથે.
જ્યારે પહેલી વાર રચના અને નીરવ મારી પાસે આવ્યાં હતાં ત્યારે એ બેયને જોઈને મને આશ્ચર્ય તો થયું જ હતું.
જ્યારે પહેલી વાર રચના અને નીરવ મારી પાસે આવ્યાં હતાં ત્યારે એ બેયને જોઈને મને આશ્ચર્ય તો થયું જ હતું.
પહેલી નજરે જ બંનેના દેખાવ વચ્ચેનું અંતર નજરમાં પકડાઈ જતું હતું. રચના અત્યંત નમણી, નાજુક અને રૂપાળી હતી, નીરવ સાધારણ દેખાવનો, સામાન્ય કપડાં ધારણ કરેલો, સીધો-સાદો, ભલો દેખાતો પુરુષ હતો. કોઈ પણના મનમાં આવો પ્રશ્ન થાય કે રચનાએ આવા નિસ્તેજ પુરુષને પતિ તરીકે શા કારણથી પસંદ કર્યો હશે? જો એણે પસંદ ન કર્યો હોય તો એનાં મા-બાપે કર્યો હશે, પણ શા માટે? શા માટે? શા માટે?
મારું કામ એમની સારવાર કરવાનું હતું, સવાલો કરવાનું નહીં. મેં સારવાર ચાલુ કરી દીધી. છએક મહિના થવા આવ્યા, પણ હજુ સારવારની અસર દેખાવાને વાર હતી, ત્યાં જ એક દિવસ રચનાએ એકલા આવીને મારી પાસે એવી વાત રજૂ કરી કે હું સ્તબ્ધ થઈ ગયો.
‘સર, મારે તમને કંઈક કહેવું છે.’ એણે શરૂઆત કરી. ‘બોલને બેટા! સારવાર વિશે કંઈ જાણવું છે? દવાના ડોઝ વિશે કે એની સાઇડ ઇફેક્ટ્સ વિશે કંઈ પૂછવું છે?’
‘ના સર! મારે દવાની નહીં, પણ સંબંધોની સાઇડ ઇફેક્ટ્સ વિશે તમને પૂછવું છે.’
હું સાવધ થઈ ગયો. નક્કી રચના એના પતિ વિશેની કોઈ ફરિયાદ લઈને આવી હશે. બે જણા વચ્ચેના અંગત મામલામાં ત્રીજા માણસે પડવું કે ન પડવું, કેટલું પડવું આ બધા અઘરા વિષયો છે. કહતે હૈ પ્યાર કી દુનિયા મેં, દો દિલ મુશ્કિલ સે સમાતે હૈં/ ક્યા ગૈર વહાં અપનોં તક કે સાયે ભી ના આને પાતે હૈ! મેં ધીમા સ્વરમાં આગોતરા જામીન લઈ લીધા, ‘બેટા, તારા અને નીરવ વચ્ચેના જે કંઈ મતભેદો હોય એમાં હું...’
‘ના સર! તમે ખોટું સમજ્યા છો. મારા નીરવ તો ખૂબ જ સારા છે. મારે ને એમને ક્યારેય કોઈ પણ મતભેદ થતો જ નથી.’, ‘તો પછી શું પ્રોબ્લેમ છે?’ હું હળવો થઈ ગયો. એના હોઠ સહેજ કંપી ગયા. પછી એની આંખો ઢળી ગઈ. હિંમત એકઠી કરીને એ એકીશ્વાસે બોલી ગઈ, ‘મારા સસરા... નીરવના પપ્પા... મારી પાસે...’
‘શું?’ મારી છાતી આશંકાથી થડકી ઊઠી.
‘મારા સસરા મારી પાસે અજુગતી માગણી કરે છે.’ રચના આટલું બોલતામાં તો ભાંગી પડી.
થોડી પળો એમ જ વીતી ગઈ. પ્રાથમિક આઘાતમાંથી બહાર નીકળ્યા પછી મેં મૌનને તોડ્યું, ‘મને વાત કર બેટા, શું થયું છે?’
રચનાએ સંકોચાતાં, શરમાતાં, ક્ષોભિત, તૂટક અવાજમાં વાત શરૂ કરી, ‘મારાં લગ્નને પાંચેક વર્ષ થયાં. હું રાજકોટની છું. મારાં મમ્મી-પપ્પા અત્યંત સંસ્કારી, શિક્ષિત અને નૈતિકતામાં જીવનારાં છે.
મારો ઉછેર પણ આવા જ વાતાવરણમાં થયો હતો. રોજ સાંજે મંદિરમાં જઈને ભગવાનનાં દર્શન કર્યા વગર અમે કોઈ રાતનું વાળુ કરતાં ન હતાં. પછી મારા માટે મૂરતિયાઓનાં માગાં આવવા માંડ્યાં.’
અહીં મેં મનમાં ઘૂમરાયા કરતી વાત સહેજ ઇશારા સાથે મૂકી દીધી, ‘તારા માટે ખૂબ હેન્ડસમ છોકરાઓનાં માગાં આવતાં હશે, ખરુંને?’
એ ફિક્કું હસીને બોલી, ‘હા સર. અમારી ન્યાતના 20થી 25 જેટલા સૌથી સારા ગણાતા યુવાનો મારો હાથ પામવા માટે તલપાપડ હતા, પણ આખરે મારા પપ્પાએ ઘર જોયું, વર નહીં. આમ તો વર પણ જોયો જ કહેવાય, પણ નીરવ આટલો સારો અને ભલો હશે એવી ખબર અેમને એ વખતે ન હતી.’
‘અને નીરવનું ઘર?’, ‘એ અમારી ન્યાતમાં સૌથી સુખી, સંસ્કારી અને સારું ગણાતું હતું. આજે પણ સમૃદ્ધિની બાબતમાં મારું સાસરિયું પ્રથમ નંબર પર બિરાજે છે.’, ‘પછી શું થયું?’
‘પરણીને આવી ત્યારથી જ મારા સસરાનું વર્તન મને જરાક વિચિત્ર તો લાગતું જ હતું. એ મારી તરફ તીરછી નજરથી જોયા કરતા હતા. હું જે રૂમમાં કામ કરતી હોઉં ત્યાં કારણ વગર આંટાફેરા મારી જતા હતા. મારી પાસે ચા, પાણી કે મુખવાસ મંગાવીને મારા હાથને અડકી લેતા હતા, પણ મારા મનમાં એમ કે આવું બધું સહજ અથવા નૈસર્ગિક રીતે થતું હશે. બાકી સસરો તો બાપ સમાન ગણાયને!’
‘પછી?’, ‘એમનો જામેલો વેપાર છે. મોટી દુકાન છે. બાપ-દીકરો બંને સવારથી રાત સુધી દુકાનમાં બેસીને વેપાર સંભાળતા હતા. હું અને મારી સાસુમા ઘર સંભાળતાં હતાં. ધીમે ધીમે સસરાએ દુકાનમાં જવાનું ઓછું કરવા માંડ્યું.’
‘ક્યારથી?’, ‘બે-ત્રણ મહિનાથી.’, ‘આખો દિવસ ઘરમાં રહીને એ શું કરે છે? પૂજા-પાઠ?’, ‘એવું કરતા હોત તો શું જોઈતું હતું સર? પણ એ તો મારી પાછળ પડી ગયા છે. હવે એ સાવ નફ્ફટ બની ગયા છે. મારાં સાસુમા બીજા ઓરડામાં હોય ત્યારે મારી પાસે આવીને મારા સસરા મને કહે કે, ‘જોને, તારી સાસુ તો સાવ ડોશી થઈ ગઈ! હું હજુ કેવો જુવાન લાગું છું? મારા કરતાં તો નીરવ ખખડી ગયેલો લાગે છે.
સાચી વાતને?’, ‘પછી તું શું કહે છે?’, ‘હું શું જવાબ આપું? ‘હા પપ્પા’ બોલીને નીચું જોઈ જાઉં, પણ હમણાંથી તો એ તદ્દન બેફામ થઈ ગયા છે. એકાંત જોઈને એ મારું કાંડું જ પકડી લે છે. સર, હું સંસ્કારી ઘરની દીકરી છું. મારા પપ્પાએ મોટું ઘર જોઈને મને પરણાવી હતી, પણ અત્યારે ખબર પડી કે આ તો ખોટું ઘર છે!’
‘હં....મ....મ..! તેં આ વાત ઘરમાં કોઈને જણાવી છે ખરી? તારી સાસુને? તારા મમ્મી-પપ્પાને? પડોશમાં કોઈ બહેનને?’, ‘ના સર. મારી સાસુ તો બિચારી ભગવાનનું માણસ છે. આવું સાંભળે તો એનો જીવ નીકળી જાય અને મારાં મમ્મી-પપ્પાને આ વાત જણાવું તો એ લોકો દુ:ખી દુ:ખી થઈ જાય. પડોશણને વાત કરવામાં પૂરું જોખમ છે, સર. પછી ઘરની વાત સમાજમાં ફેલાઈ જાય.’
‘તો તારા વરને વિશ્વાસમાં લઈને...’, ‘મેં એવું કરવાનો વિચાર ઘણી વાર કર્યો, પણ પછી મેં નીરવને કશું જ કહ્યું નહીં. મારા કારણે બાપ-દીકરા વચ્ચે વિખવાદ થાય એ મને નહીં ગમે. નીરવ એનાં મા-બાપનો એકનો એક દીકરો છે. વળી, એ મારી વાત પર વિશ્વાસ મૂકશે કે કેમ એ પણ પ્રશ્ન છે.’, ‘વિશ્વાસ કેમ ન મૂકે?’, ‘બે કારણથી. એક તો નીરવ પોતે અત્યંત ભોળો અને ભલો છે.
એ બીજાને પણ પોતાના જેવા જ માને છે. બીજું કારણ એ છે કે મારા સસરા પણ બાહ્ય રીતે પૂરેપૂરા સજ્જનની જેમ જીવે છે. ઠાવકું મોં રાખવું, મીઠાશથી વાત કરવી, વાત-વાતમાં ભગવાનનું નામ લેવું, સ્ત્રીઓની સાથે ‘દીકરી-દીકરી’ કહીને બોલવું, આ બધી એની એક્ટિંગ છે. જો હું એની અસલિયત વિશે વાત બહાર પાડું તો કોઈ નહીં માને.’
હવે હું આખીયે વાત સમજી ગયો. એક ખૂબસૂરત સંસ્કારી, પતિવ્રતા સ્ત્રીની આબરૂ દાવ પર લાગી હતી. જો ઝડપથી કશુંક નક્કર કરવામાં ન આવે તો માત્ર બે જ પરિણામો કલ્પી શકાતાં હતાં. કાં તો રચનાએ આપઘાત કરી લેવો, કાં લંપટ સસરાની કામુકતાને તાબે થઈ જવું.
રચનાની વાત સાંભળીને હું ખરેખર અંદર-બહારથી ખળભળી ઊઠ્યો હતો. છેલ્લાં 25-25 વર્ષથી હું ‘રણમાં ખીલ્યું ગુલાબ’ લખતો આવ્યો છું. એ નિમિત્તે હજારો-લાખો પ્રેમીઓને મળ્યો છું. સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંભવિત તમામ સંબંધોને જોતો, જાણતો, માણતો અને પ્રમાણતો રહ્યો છું. પ્રણય ત્રિકોણ, ચતુષ્કોણ, હાથની અદલાબદલી, બેવફાઈ, છેતરપિંડી, દિવ્યતા, વાસના, આત્મહત્યા, ખૂન અને નિષ્કૃષ્ટ અધમતાથી લઈને ઉચ્ચતમ ત્યાગ સુધીનાં તમામ પાસાંઓને મેં જોઈ લીધાં છે.
એનું પરિણામ એ આવ્યું છે કે હવે હું સ્ત્રી-પુરુષના સંબંધના કોઈ પણ પાસાને સહજતાપૂર્વક સ્વીકારી શકું છું. હું આઘાતથી પર થઈ ગયો છું, પણ જે કેટલીક વાતો હું નથી સ્વીકારી શકતો એમાં ભાઈ-બહેન, કાકા-ભત્રીજી, બાપ-દીકરી કે સસરા-વહુ જેવા સંબંધો આવી જાય છે. દુનિયાના સહુથી પવિત્રતમ સંબંધો છે આ. મામા-ભાણી જેવા બીજા પણ બે-ચાર સંબંધો એમાં આવી જાય છે.
આવા સંબંધથી ગંઠાયેલો પુરુષ જ્યારે સંબંધિત સ્ત્રી ઉપર નજર બગાડે ત્યારે મને ભયંકર આઘાત લાગી આવે છે.
આખી વાત સાંભળી લીધા પછી મેં મારો પ્રશ્ન પૂછી જ લીધો, ‘આ વાત લઈને તું મારી પાસે શા માટે આવી છે? આમાં હું શું કરી શકીશ?’
એણે હવે એના ભાથામાંથી અફર અસ્ત્ર બહાર કાઢ્યું, ‘સર, તમારી પાસે હું એટલા માટે આવી છું, કારણ કે નીરવને આખા જગતમાં એકમાત્ર તમારી ઉપર જ વિશ્વાસ છે. એ તમને વર્ષોથી વાંચે છે. એ મારું કહેવું નહીં માને, પણ તમારું માનશે.’
‘જોજે આવું કહેતી! આ વાત તમારા પરિવારની ગુપ્ત વાત કહેવાય અને લાંછનરૂપ ઘટના ગણાય. જો નીરવને ખબર પડે કે તેં એના પિતા વિશે મને કહી દીધું છે તો તને છૂટાછેડા પણ આપી શકે છે. તું બીજા કોઈને આ કામ સોંપ!’
રચના રડી પડી. મને આજીજી કરવા લાગી. એનાં આંસુ જોઈને હું તૈયાર તો થઈ ગયો, પણ મારા મનમાં કંઈક જુદું જ રમતું હતું. હું દૃઢપણે માનતો હતો કે કોઈ પણ વાચક એના લેખકની બધી જ વાત માને નહીં. લેખકો ભલે એવા ભ્રમમાં જીવતા હોય. હું એવા ભ્રમમાં નથી જ નથી.
મેં એક દિવસ નિરાંત જોઈને નીરવને મળવા માટે બોલાવ્યો. લગભગ અડધો કલાક આડીઅવળી વાતોમાં પસાર કર્યા પછી મેં વાત કાઢી, ‘નીરવભાઈ, તમે મારી એક વાત માનશો?’
એની આંખો સ્થિર બની ગઈ, ‘માથું ઉતારીને તમારા હાથમાં મૂકી દઉં સાહેબ?’
હું હસ્યો, ‘ના, એવું નથી કરવું ભાઈ! પણ વાત એના જેવી જ ગંભીર છે. તમારે મને એક પણ સવાલ નથી પૂછવાનો. હું કહું એ સ્વીકારી લેવાનું છે. બોલો, કરશો?’, ‘હા.’, ‘તો તમે એક અઠવાડિયામાં જ તમારી પત્નીને લઈને જુદા થઈ જાવ, બીજા મકાનમાં રહેવા ચાલ્યા જાવ! મમ્મી-પપ્પાને છોડીને.’
‘પણ શા...?’ નીરવે સવાલ અટકાવી દીધો. મારી શરત એને યાદ આવી ગઈ. એ થોડીક વાર સુધી વિચારતો રહ્યો, પછી એક જ શબ્દ બોલ્યો, ‘પપ્પા???’
મેં માથું હકારમાં હલાવ્યું. એ ‘હા’ કહીને ઊભો થઈ ગયો. એ પછીના ચોવીસ કલાકમાં ભાડાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો. આજે એના ઘરમાં આઠેક વર્ષનો દીકરો છે. એ રોજ સવારે-સાંજે સમય કાઢીને માતા-પિતાને મળી આવે છે. મા-બાપ માટે ચાર કામવાળા માણસો અને એક રસોઈ કરનારી બહેન રાખી લીધી છે. બધાં સુખી છે, માત્ર સસરો દુ:ખી દેખાય છે. (શીર્ષક પંક્તિ : રમેશ પારેખ)
I love your stories.... Sir 🌻🌻🌻🌻
ReplyDelete