આજ શહરોં મેં હૈં જિતને ખતરે જંગલોં મેં ભી કહાં થે પહલે
સૂરજ આથમી રહ્યો હતો. અમદાવાદની ધરતી પર અંધારાની કાળી ચાદર પથરાઈ રહી હતી. એક નવા બંધાતા સાત માળાના ફ્લેટ્સની નીચે ખુલ્લી ધૂળમાં કેટલાંક બાળકો રમી રહ્યાં હતાં. એમાં એક રાજસ્થાની મજૂર પરિવારની બાર-તેર વર્ષની દીકરી પૂનમ પણ હતી. પૂનમની મા ઘર માટે લોટ-દાળ-ચોખા ખરીદવા બજારમાં ગઈ હતી. પૂનમનો મજૂર બાપ દિવસ આખાની તનતોડ મજૂરી બાદ કેટલાક રાજસ્થાની દોસ્તોને મળવા માટે બીજાં બાંધકામ ચાલતાં હતાં ત્યાં ગયો હતો.
પૂનમ હજુ ટીનેજર હતી, પણ એની કાયાની ડાળી ઉપર માયાનાં ફૂલો બેસવાં માંડ્યાં હતાં. જૂના, ફાટેલા ઘાઘરી-પોલકામાંથી એની ગોરી ત્વચા ડોકાઈ રહી હતી. એ તો બાપડી રમવામાં મશગૂલ હતી. એને એ વાતની જાણ ન હતી કે કોઈ કામી પુરુષની બે લોલુપ આંખો છેલ્લા અડધા કલાકથી એની તરફ કીકીઓનું દૂરબીન સેટ કરીને બેઠેલી હતી.
એ હતો વૉચમેન તેજપાલ. ઉત્તર તરફના રાજ્યમાંથી રોજી રળવા આવેલો તેજપાલ પાંત્રીસેક વર્ષનો ખરબચડો જડમતિ પુરુષ હતો. વર્ષમાં એકાદ વાર રજા મળે ત્યારે વતનમાં જઈને ‘ઘર-ખાટલો’ સૂંધી આવતો હતો. બાકીના અગિયાર મહિના અમદાવાદમાં નજરે ચડતાં લાલ લૂગડાંને ઝાંખ્યા કરતો હતો. એણે પૂનમને રમતી જોઈ. એના પવનમાં ઊડતા વાળ અને ઊંચાં-નીચાં થતાં કપડાંને જોયાં. એ ભાન ભૂલ્યો. વાસનાના ચશ્માં એની આંખો પર ગોઠવાઈ ગયા. એણે પેંતરો વિચારી લીધો.
જેવી રમતી, દોડતી પૂનમ એ બેઠો હતો એ ખાટલા પાસે આવી, એટલે તેજપાલે માત્ર પૂનમ જ સાંભળી શકે એવા ધીમા અવાજમાં એને પૂછ્યું, ‘અલી, તારી મા ક્યાં ગઈ છે?’
‘બહાર.’ પૂનમે જવાબ આપ્યો, ‘કલાકમાં પાછી આવશે.’
‘તને કંઈ ખાવાનું આપીને ગઈ છે કે ભૂખી મેલીને?’
‘મારી મા ઘરે આવીને જમવાનું બનાવશે.’
‘તને ભૂખ નથી લાગી?’
‘લાગી છે ને, પણ રમવામાં ભૂખ ભુલાઈ જાય.’
‘તને લાડુ ભાવે? ખાવા છે?’ તેજપાલે લાલચ આપી. પૂનમ કંઈ વિચારે કે, ‘હા-ના’ કરે તે પહેલાં જ તેજપાલે બીજો પાસો ફેંક્યો, ‘લાડુની સાથે ખોબો ભરીને ચોકલેટો પણ છે. તને ભાવે છે ને?’
ચોકલેટ ન ભાવતી હોય એવું બાળક જગતમાં ક્યાંય હોય ખરું?
પૂનમે માથું હલાવીને હા પાડી, પછી હાથ લંબાવ્યો: ‘ક્યાં છે ચોકલેટ? આપો!’
તેજપાલ એની ઓરડીમાં ગયો. ખોટેખોટા ખાંખાંખોળા કરીને પાછો બહાર આવ્યો, ‘અરે, યાદ આવ્યું. ચોકલેટો અને લાડુ જે ડબ્બામાં હતાં એ તો હું અગાસી પર ભૂલી આવ્યો. ચાલ, તું પણ મારી સાથે. આપણે
ધાબા પર જઈને લઈ આવીએ.’
બાળકોને ખબર પણ ન પડી કે એમની એક સાથીદાર ગાયબ થઈ ગઈ છે. તેજપાલ ટાઇલ્સ વગરનાં પગથિયાં ચડીને ઉપર ગયો. પાછળ પાછળ ભોળી પૂનમ હતી. ઇમારત હજુ પૂરંપૂરી બંધાઈ રહી ન હતી. લિફ્ટ મુકાવાને પણ વાર હતી. એટલે સારાં એવાં પગથિયાં ચડવાનાં હતાં. ચોથા માળ સુધીમાં તો પૂનમ થાકી ગઈ. ‘લાવ, હું તને ઊંચકી લઉં.’ કહીને તેજપાલે એને તેડી લીધી. જે દીકરીને જોઈને દિલમાં વહાલ ઉભરાવું જોઈએ અેને તેડ્યા પછી એના સ્પર્શથી આ વાસનારત ચોકીદારના તન-મનમાં આગ પ્રસરી ગઈ. એ ઝડપથી ધાબા પર પહોંચી ગયો.
‘ક્યાં છે ચોકલેટ?’ પૂનમ પૂછી રહી.
તેજપાલ ખલનાયક જેવું હસ્યો, ‘અરે, તું જ છે મારી ચોકલેટ! આવ તને મજા કરાવું.’ અને તેજપાલે એ ભોળી બાળાનાં અંગો સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું.
પહેલાં તો પૂનમને સમજાયું નહીં કે ચોકીદાર અંકલ આ શું કરે છે, પણ પછી તરત એને લાગ્યું કે એની સાથે કશુંક ખરાબ થઈ રહ્યું છે.
ત્યાં સુધીમાં તો તેજપાલે એનાં કપડાં બળજબરીપૂર્વક ખેંચી કાઢ્યાં હતાં. ફ્રોક ન નીકળી શક્યું તો એણે ફાડીને દૂર કરી નાખ્યું. પછી એને ધાબા પર પટકીને એ તૂટી પડ્યો.
પૂનમે ચીસો પાડવાનું શરૂ કર્યું. સાતમા માળના ધાબા પરથી એણે આસમાન ગાજી ઊઠે એવી રાડારાડ કરી મૂકી. એના સદ્નસીબને પવનની દિશા અનુકૂળ હતી.
ફ્લેટ્સના ખુલ્લા કમ્પાઉન્ડની સાવ નજીકના પહેલા જ ટેનામેન્ટમાં રહેતાં દર્શનાબહેન ડ્રોઇંગ રૂમમાં ટી.વી. જોતાં જોતાં શાક સમારી રહ્યાં હતાં. એમના કાને કોઈ છોકરીની ચીસોનો અવાજ અથડાયો.
‘પિન્ટુ, બેટા!’ દર્શનાબહેને એમના આઠેક વર્ષના દીકરાને કહ્યું, ‘જો તો આ કોણ ચીસો પાડે છે? બાજુના કમ્પાઉન્ડમાં મજૂરોનાં બાળકો રમે છે એ ઝઘડતાં હોય એવું...’
ત્યાં તો પિન્ટુએ અવાજની દિશા પકડી પાડી, ‘ના, મમ્મી! આ નવા ફ્લેટ્સ બંધાય છે એના ધાબા પરથી અવાજ આવે છે. કોઈ છોકરી ચીસો પાડે છે.’
એક ક્ષણમાં દર્શનાબહેન ઊભાં થઈ ગયાં. સ્ત્રીની અંદર ઈશ્વરે સિક્સ્થ સેન્સ મૂકી હોય છે. સાંજ પછીનું અંધારું, અધૂરી ઇમારતનું એકાંતવાળું ધાબું અને છોકરીની ચીસો! દર્શનાબહેનના દિમાગને કશુંક અજુગતું બની રહ્યું હોવાની વાતની ગંધ આવી ગઈ.
શાકની થાળી ફેંકીને એ દોડ્યાં. હાથમાં ત્રણ ઈંચના પાનાવાળું ચપ્પું હતું. આવું ચપ્પું કોઈને મારવા માટે ભલે પૂરતું ન હોય પણ ડરાવવા માટે ચાલી શકે તેમ હતું.
‘પિન્ટુ, બેટા! તારું બેટ લઈને આવ મારી પાછળ. તારા મિત્રોને પણ બોલાવી લે.’ કહીને દર્શનાબહેન ફ્લેટ્સનાં પગથિયાં ચડવાં માંડ્યાં. આગળ અાગળ એ વીરાંગના અને પાછળ પાછળ વાનરસેના.
ધાબા પરનું દૃશ્ય વર્ણવી શકાય નહીં તેવું હતું. ચૌદ વર્ષની અબૂધ કન્યા નિર્વસ્ત્ર ચત્તીપાટ...! જવા દો! આગળ લખતાં મારી કલમ ના પાડે છે.
પૂનમના દેહ પર તૂટી પડવા તત્પર થયેલા તેજપાલની પીઠ ઉપર ચપ્પુ, બેટ, સ્ટમ્પ્સ અને લાકડી-સળિયા જેવાં હથિયારો સાથે બચાવ-ટુકડી તૂટી પડી. તેજપાલ ગભરાઈ ગયો. પરિસ્થિતિ સમજીને એ કપડાં પહેરવા માંડ્યો. દર્શનાબહેને પોતાનો જાડો ખાદીનો દુપટ્ટો પહોળો કરીને પૂનમને ઓઢાડી દીધો. પછી એને ઊંચકીને દાદર ઊતરી ગયાં. નીચે જઈને એમણે બૂમો મારીને અાડોશ-પાડોશના સો-દોઢસો પુરુષોનું ટોળું ભેગું કરી દીધું. બે વાક્યોમાં સ્થિતિનું વર્ણન કરીને પછી તરત એ પૂનમને લઈને ઘરમાં ચાલ્યાં ગયાં.
તેજપાલ જ્યારે શર્ટનાં બટન બંધ કરતો કરતો નીચે ઊતર્યો ત્યારે એની ધોલાઈ કરવા માટે મોટી ભીડ જમા હતી. લોકોએ એને જે માર્યો છે, જે માર્યો છે! મારી જ નાખત, પણ અંધકારનો લાભ લઈને અધમૂવો બની ગયેલો એ બદમાશ ભીડ વચ્ચેથી સરકી ગયો. એ ઘડી અને અાજનો દિવસ! કોઈએ તેજપાલને જોયો નથી. કદાચ એ એના ગામડે ચાલ્યો ગયો હશે. રાત્રે પૂનમનાં માતા-પિતા ઘરે આવ્યાં ત્યારે બધી હકીકત જાણી. રડવા લાગ્યાં. લોકોએ પોલીસ-ફરિયાદ કરવા માટે ખૂબ સમજાવ્યા, પણ બાપડા ગરીબ મજૂર માણસો! ડરી ગયા. રાતોરાત સામાનનાં પોટલાં બાંધ્યાં અને સવારે તો રવાનાં થઈ ગયાં.
પૂનમની મા દર્શનાબહેનને મળીને કહેતી ગઈ, ‘બૂન! તમે મારી દીકરીની ઇજ્જત બચાવી છે, પણ હવે અમે આ શહેરમાં ફરીથી ક્યારેય પગ નહીં મૂકીએ. બહુ કડવી યાદ જીવનભર મનમાં રહ્યા કરશે. એક માત્ર સારું સંભારણું એ રહેશે કે મારી દીકરીની ચીસો સાંભળીને તમે બેસી ન રહ્યાં.’ રડતી આંખે એ મારવાડી કુટુંબ મારવાડ ભેગું થઈ ગયું.
***
એ વાતને કેટલાંક વર્ષો થઈ ગયાં. તાજેતરમાં દર્શનાબહેનના સરનામે એક કંકોતરી આવી પહોંચી. એમના પતિ વિપુલભાઈએ વાંચીને પછી પત્નીને કહ્યું, ‘લે, આપણી દીકરીનો માંડવો આવ્યો. પૂનમ તને યાદ છે? એનાં લગ્ન લેવાયાં છે. આપણને ખાસ આમંત્રણ છે. એનો બાપ લખે છે, ‘તમે મારી દીકરીનાં ઉઘાડાં શરીર ઉપર તમારું કપડું ઓઢાડ્યું હતું, એટલે જ અત્યારે એના જીવનમાં આવો શુભ અવસર આવ્યો છે. નહીંતર અમારા સમાજમાં એનો હાથ કોઈએ ન પકડ્યો હોત! આવશો ને?’ ‘બોલ, શું કરવું છે?’
‘જવું જ પડે. પૂછવું હોય તો મને એવું પૂછો કે પૂનમ માટે ભેટમાં શું લઈ જઈશું!’
‘શું લઈ જવું છે?’
‘પાનેતર.’ દર્શનાબહેન બોલ્યાં, ‘જેની આબરૂ ઢાંકવા ક્યારેક ખાદીનો દુપટ્ટો ઓઢાડ્યો હતો એ મારી પૂનમની શોભા વધારવા
માટે રેશમી પાનેતરથી ઓછું બીજું કંઈ ચાલે જ નહીં.’ {(સત્ય ઘટના: કથાબીજ - અરુણ ત્રિવેદી)
No comments:
Post a Comment