Friday, January 25, 2019

દિલ વીંધાયું ને ગીતો ગુંજ્યાં, તો સમજાઈ ગયું, કે લાકડાના છિદ્રમાંથી વાંસળી વાગી શી રીતે?


આઠેક વર્ષ પહેલાંની ઘટના. બપોરના સાડા બાર વાગ્યા હશે. કન્સલ્ટિંગ રૂમનું બારણું ખૂલ્યું અને એક મીઠો ટહુકો સંભળાયો, ‘મે આઇ કમ ઇન સર.’ કોઈ પેશન્ટ જ્યારે આવું પૂછે ત્યારે હું સમજી લઉં છું કે એ શિક્ષિત પણ છે અને સંસ્કારી પણ.
  • યોગ્ય સમય જવા દીધા પછી નેત્રીએ દિયરવટું કરી લીધું. ત્રીજા જ મહિને ઇચ્છિત પરિણામ મળી ગયું. નેત્રી ઊબકા અને ઊલટીની ફરિયાદો લઈને મને મળવા આવી
એણે આવીને બેઠક લીધી. મેં દસ સેકન્ડમાં એને અવલોકી લીધી. એના આખા વ્યક્તિત્વમાં સૌથી ધ્યાનાકર્ષક તેની આંખો હતી. કીકીનો રંગ તપખીરી હતો. પાંપણ પણછ જેવી હતી. પોપચાં પાંચીકા જેવાં હતાં અને નજર તીર જેવી હતી.

મેં અવલોકન સમેટી લીધું અને પૂછપરછ શરૂ કરી, ‘શું નામ છે?’
એણે પલક ઝપકાવતાં જવાબ આપ્યો, ‘નેત્રી.’

હું પ્રગટપણે તો કશું બોલ્યો નહીં, પણ મનમાં બબડી રહ્યો, ‘જેણે પણ નામ પાડ્યું છે એને દાદ આપવી જોઈએ. સુંદર નેત્રોવાળી દીકરીનું નામ નેત્રી જ હોવું ઘટે.’
મારો બીજો પ્રશ્ન, ‘શા માટે આવવું પડ્યું? શી તકલીફ છે?’

નેત્રીએ જણાવ્યું, ‘લગ્નને ત્રણ વર્ષ થયાં છે. એક પણ વાર પ્રેગ્નન્સી રહી નથી.’
મેં પૂછ્યું, ‘કોઈને બતાવ્યું છે? કોઈ ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યાં છે?’

ઉત્તરમાં એણે બે ફાઇલો કાઢીને ટેબલ પર મૂકી. બે ગાયનેકોલોજિસ્ટ તેને તપાસી ચૂક્યા હતા. લગભગ ત્રણેક વાર એના પતિનો સીમેન ટેસ્ટ થઈ ચૂક્યો હતો. ત્રણેય રિપોર્ટ્સમાં શુક્રાણુની સંખ્યા શૂન્ય હતી. એ પછી પણ નેત્રીને લેપોસ્ક્રોપી તેમજ બીજાં પરીક્ષણો કરાવવાની સલાહ આપવામાં આવી હતી. બંને ફાઇલો વાંચી લીધા પછી મેં નેત્રીને કહ્યું,‘બહેન, તારે જેટલાં ચેક અપ્સ થયાં છે તે બધાં જ નોર્મલ છે. સોનોગ્રાફીનો રિપોર્ટ પણ નોર્મલ છે. મારી સલાહ એવી છે કે તારે વધુ પરીક્ષણો કરાવવાની હમણાં જરૂર નથી. તારા પતિનો રિપોર્ટ ખૂબ જ નિરાશાજનક છે, માટે હમણાં પૂરું ધ્યાન તેેની તરફ આપવું પડશે.’

નેત્રી ઉદાસ થઈ ગઈ. કદાચ એ આ વાત જાણતી હશે. તેણે પૂછ્યું, ‘મારા હસબન્ડનો રિપોર્ટ સુધારવા માટે કંઈ થઈ શકે?’

મેં જવાબ આપ્યો, ‘એક વાર યુરોસર્જનનો અભિપ્રાય મેળવી લઈએ. જો વેરિકોસીલ અથવા હાઇડ્રોસીલ જેવી સમસ્યા હશે તો સર્જરી કરાવ્યા પછી સારું પરિણામ આવી શકશે, પણ જો શુક્રાણુનું ઉત્પાદન જ નહીં થતું હોય
તો પછી...’

‘તો પછી શું?’ નેત્રીની આંખોમાં ચિંતા ઊપસી આવી. ‘તો પછી એક ઉપાય છે. સ્પર્મ બેન્કમાંથી ડોનરનું સેમ્પલ મેળવીને તારા ગર્ભાશયમાં મૂકી આપવાનું. અમારી ભાષામાં એને ટૂંકમાં આઇ.યુ.આઈ (ડી) કહેવાય છે, પણ એ માટે તમારા બંનેની સંમતિ હોવી જોઈએ.’
નેત્રી તરત જ સંમત થઈ ગઈ, ‘સર, મને તો કોઈ જ વાંધો નથી અને મારા પતિ પણ સંમત થઈ જશે એવો મને વિશ્વાસ છે. અમે ક્યારે આવીએ?’

મેં કહ્યું, ‘હમણાં નહીં. પહેલાં યુરોસર્જનને મળીને એમનો અભિપ્રાય લઈ આવો.’

નેત્રી ગઈ. એ પછી 10 દિવસ બાદ એનો ફોન આવ્યો. યુરોસર્જને ટેસ્ટિક્યુલર બાયોપ્સી કરીને અભિપ્રાય આપ્યો હતો કે નેત્રીના પતિના શુક્રપિંડોમાં શુક્રાણુનું ઉત્પાદન જ થતું ન હતું અને હવે ઉપાય રહ્યો હતો આઇ.યુ.આઇ. કરવાનો.
મેં સલાહ આપી, ‘મારે તારા પતિની સંમતિ લેવી પડશે. માટે હવે પછી જ્યારે પણ આવો ત્યારે તમે એને સાથે લાવજો.’

એણે કહ્યું, ‘સર, મારા પતિ તો અત્યારે બીમાર છે, એમને કમળો થયો છે એટલે ફિઝિશિયનના નર્સિંગહોમમાં દાખલ કર્યા છે.’
મેં કહ્યું, ‘એક મહિના પછી આવજે. એને સાજા થઈ જવા દે.’

વાત પૂરી થઈ. હું બીજા દર્દીઓની ધમાલમાં આ વાત ભૂલી ગયો. ક્યારેક નેત્રી યાદ આવી જતી, પણ એ એના સંદર્ભમાં નહીં, એના પતિના સંદર્ભમાં યાદ આવી જતી હતી. એનો પતિ કમળામાંથી બેઠો થઈ ગયો હશેને? કંઈ કોમ્પ્લિકેશન્સ તો નહીં ઊભી થઈ હોય ને?
ત્રણેક મહિના પસાર થઈ ગયા. ન નેત્રી આવી, ન એનો ફોન. પછી અચાનક એ આવી ચડી. તેનું કોરું કપાળ, સફેદ વસ્ત્રો અને આભૂષણો વગરનાં અંગો જોઈને મારા હૈયામાં ધ્રાસ્કો પડ્યો, ‘શું થયું બહેન? તારા પતિ..?’

‘મારા પતિ હવે ક્યારેય નહીં આવી શકે. કમળામાંથી બેઠા થવાના બદલે એ હિપેટિક કોમામાં ચાલ્યા ગયા. હું તમને મળવા આવી હતી તેના છઠ્ઠા દિવસે તેમનું મૃત્યું થયું.’
‘ઓહ! સો સોરી.’ મેં કહ્યું, ‘તો એ કહે કે હવે તું શા માટે આવી છે?’

‘સર, હું એ જાણવા આવી છું કે મારું ફ્યુચર કેવું હશે! તમે સમજી શકો છો કે આટલી જુવાન વયે હું વિધવા તરીકે બેસી તો ન જ રહી શકું. હું જોબ પણ કરતી નથી. આખી જિંદગી સાસરીમાં બોજ બનીને ન જ જીવી શકું. મારાં મમ્મી-પપ્પા મને લઈ જશે અને ભવિષ્યમાં બીજે પરણાવી દેશે. પછી તો મને પ્રેગ્નન્સી રહેશે ને?’

‘હા, જરૂર રહેશે. જો તારામાં કોઈ ખામી નહીં હોય અને તારા બીજી વારના પતિનો શુક્રાણુનો રિપોર્ટ નોર્મલ હશે તો તને અચૂક પ્રેગ્નન્સી રહેશે.’

એ થોડી વાર નીચું જોઈને પગના અંગૂઠા વડે જમીન ખોતરતી રહી. હું સમજી ગયો કે એ કશુંક કહેવા માગે છે. આખરે એણે મોં ખોલ્યું, ‘સર, મારે દિયર છે. મારા પતિથી એ બે વર્ષ નાનો છે. મારાં સાસુ-સસરાની ઇચ્છા એવી છે કે હું મારા દિયર સાથે લગ્ન કરી લઉં, કારણ કે એમ કરવાથી મિલકતના ઝઘડા થતા અટકી જશે.’

મેં પૂછ્યું, ‘સવાલ મિલકતના વિભાજનનો નથી. સવાલ બે હૈયાંને જોડવાનો છે, મનમેળનો છે. તું અત્યાર સુધી જેને દિયરના રૂપમાં જોતી હતી તેને પતિ તરીકે સ્વીકારી શકીશ?’
એ શરમાઈ ગઈ, ‘હા, મારા દિયર દેખાવમાં મારા પતિ કરતાં પણ વધારે હેન્ડસમ છે. અમારા સંબંધો દિયર-ભાભી કરતાં ફ્રેન્ડ્સ જેવા વધારે રહ્યા છે.’
‘અને તારો દિયર શું ઇચ્છે છે?’

એ ફરી શરમાઈ ગઈ, ‘એ તો રાહ જોઈને બેઠો છે.’
‘બસ ત્યારે, કરો કંકુના.’

યોગ્ય સમય જવા દીધા પછી નેત્રીએ દિયરવટું કરી લીધું. ત્રીજા જ મહિને ઇચ્છિત પરિણામ મળી ગયું. નેત્રી ઊબકા અને ઊલટીની ફરિયાદો લઈને મને મળવા આવી. તેને પ્રેગ્નન્સી રહી ગઈ હતી. મેં સારવાર લખી આપી. હવે બધો સમયનો સવાલ હતો. પણ મારી ભીતરમાં રહેલો વાર્તાકાર મને પજવી રહ્યો હતો. મેં એને પૂછ્યું, ‘નેત્રી, સાચું કહેજે, તું બબ્બે પુરુષોનો સંસાર માણી ચૂકી છે. બંને સગા ભાઈઓ હતા. તું કોની સાથે વધારે ખુશ થઈ હોય એવું લાગે છે. ક્યારેય પહેલા પતિને યાદ કરે છે ખરી?’

એને નિખાલસતાથી કબૂલ કર્યું, ‘હા સાહેબ. હું એને ક્યારેય ભૂલી નહીં શકું. એ ખૂબ જ કોમળ સ્વભાવના હતા. મારું ખૂબ ધ્યાન રાખતા હતા. એમણે મને મનનું સુખ આપ્યું. બીજા પતિએ મને તનનું સુખ વધારે આપ્યું, પણ મને એ જ ઘરમાંથી ઇચ્છિત પરિણામ મળી ગયું.’ એ ખુશ થઈને ગઈ અને હું ભાગ્યનું ચક્ર કેવી રીતે ફરે છે એ વિચારતો રહ્યો.

Wednesday, January 23, 2019

જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં સકતી


તારીખ 6 જાન્યુઆરી, 2019. અમેરિકાથી ઊડેલું વિમાન અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું અને અંદરથી ગોરા, અર્ધ ગોરા અને ઘઉંવર્ણા પ્રવાસીઓ બહાર ઠલવાયા. ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય એ સામાન્ય રીતે એન.આર.આઇ.ના આગમનનો સમય ગણાય છે. ઇંગ્લેન્ડ-અમેરિકામાં અગિયાર મહિના પરસેવો પાડીને થાક ઉતારવા માટે આપણા ગુજરાતીઓ વતનમાં પધારે છે. છઠ્ઠી તારીખે વિમાનમાંથી ઊતરેલા પ્રવાસીઓમાં પાંચ પ્રવાસીઓ એવા હતા જે પોતાનો થાક ઉતારવા માટે નહીં, પરંતુ થાક વધારવા માટે પધાર્યા હતા.

એમાં એક આપણા ગુજ્જુ ડૉક્ટર હતા. ડૉ. શીતલ પરીખ. ડૉ. શીતલભાઈ અમદાવાદમાંથી ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરીને ઘણાં વર્ષોથી અમેરિકાના ઓહાયો સ્ટેટમાં સિનસિનાટી ખાતે આવેલી બાળકો માટેની હોસ્પિટલમાં હાડકાંના વિભાગમાં નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. ખૂબ સારું કમાયા છે. વિશાળ બંગલામાં રહે છે, ડોલરની દીવાલો છે અને ઐશ્વર્યની છત છે. સુખી થવા માટે હવે એમણે વધારે કશું જ કરવાની જરૂર નથી, પણ આજથી છ વર્ષ પહેલાં એમના દિમાગમાં અજંપાનો કીડો સળવળ્યો. જે દેશે મને ડિગ્રી આપી, ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યો, પરદેશમાં જઈને પૈસા કમાવાની આવડત આપી એ દેશ માટે મેં શું કર્યું?
  • અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે?
આ અજંપો એમની છાતીમાં શારડીની જેમ ઘૂમરાતો હતો ત્યાં જ અનાયાસે જવાબ જડી ગયો. અમદાવાદ ખાતે આવેલી હેલ્થ એન્ડ કેર સંસ્થાના મોભી ડૉ. ભગતસાહેબનો સંપર્ક થયો. ડૉ. ભગત ભારે જાલિમ માણસ છે. જાતે તો જિંદગી સેવામાં ખર્ચી નાખી, પણ જે એમના સંપર્કમાં આવ્યા તેમને પણ સેવામાં જોતરી દીધા. એમાં આ ડૉક્ટર શીતલ પણ ઉમેરાઈ ગયા.

‘આપણા ગુજરાત રાજ્યમાં હાથ-પગનાં વાંકા વળેલાં હાડકાંની જન્મજાત ખોડ ધરાવતાં અસંખ્ય બાળ વિકલાંગો છે. એ બધાં અત્યંત ગરીબ પરિવારોમાં જન્મ્યાં છે. કોઈના હાથ વળેલા છે તો કોઈના પગ વળેલા છે. આ બાળકોનું જીવન નર્કસમાન બની ગયું છે. તમે એમના માટે કંઈ કરી શકશો?’ ભગતસાહેબે પૂછ્યું.

ડૉ. શીતલે જવાબ આપ્યો, ‘હું એકલો તો કંઈ ન કરી શકું, પણ જો મારી સાથે કામ કરતા નિષ્ણાત ડૉક્ટરો સહકાર આપે તો ઘણું બધું કરી શકાય.’

ડાૅ. શીતલે એમનું કામ શરૂ કર્યું. એમની સાથે કામ કરતા બધા ડૉક્ટરો અલગ અલગ દેશોમાંથી આવેલા હતા. એક પણ ડૉક્ટર ભારતીય ન હતો. એમને મનાવવાનું કામ અઘરું હતું. ભારતની ગરીબી, ગંદકી, કોલાહલભર્યું વાતાવરણ, બેફામ ટ્રાફિક અને માણસોનાં ટોળેટોળાં! અમેરિકાની શ્રેષ્ઠ હોસ્પિટલમાં બેક્ટેરિયારહિત વાતાવરણમાં સાફસૂથરા દર્દીઓ ઉપર ઓપરેશન કરવા ટેવાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટરો ગુજરાતના ગરીબ, ગંદા, અશિક્ષિત અને અભાગી દર્દીઓને સાજા કરવા માટે હજ્જારો માઇલનો પ્રવાસ કરીને અમદાવાદ આવવા તૈયાર થાય ખરા? અને જો થાય તો એમની ફી કેટલી માગે?

ડૉ. શીતલને એમનું કામ કરવા દઈને થોડી વાર આપણે ભગતસાહેબની ગતિવિધિ તરફ ધ્યાન આપીએ. ભગતસાહેબે સૌથી પહેલાં એમની સાથે જોડાયેલા ઓર્થોપેડિક સર્જનોને ભેગા કર્યા. ડૉ. કેતન દેસાઈ, ડૉ. દેવમુરારિ, ડૉ. મૌલિન શાહની સાથે મંત્રણા કરી. એક્શન પ્લાન તૈયાર કર્યો. શક્ય તેટલા દર્દીઓ સુધી વાત પહોંચાડી. ઝૂંપડાંઓમાં આશાનો સૂરજ ઝળહળવા મંડ્યો. મગન, વિઠ્ઠલ, રઘુ, ચીમન, બબલી, મંગુ, ચંપા આ બધાં અભાગી બાળકોનાં માવતરોની આંખો ચમકી ઊઠી. બધે વાત ફેલાઈ ગઈ. અમેરિકાથી મોટા ડૉક્ટરો આવશે અને આપણાં છોકરાઓ અને છોકરીઓનાં ઓપરેશનો કરીને એમને સાજાં-સારાં કરી આપશે. પછી એ બાળકો પોતાના પગ પર ટટ્ટાર ઊભાં રહીને ચાલી શકશે. લોકો તેની હાંસી કરે છે તે બંધ થઈ જશે. આ કૂબડાંઓને કન્યાઓ મળશે અને કુબજાઓને વર મળી જશે. વાતાવરણ બંધાઈ ગયું.

અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે? ભોજનનો પ્રબંધ કેવો હશે? તમારા ઓપરેશન થિયેટરનું અંદરનું વાતાવરણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું હશે કે નહીં? ઓપરેશન માટે વપરાતાં સાધનો, દવાઓ તથા ઇમ્પ્લાન્ટનો ખર્ચો કોણ ભોગવશે? દર્દીઓનું શારીરિક આરોગ્ય કેવું હશે? એમનું શૈક્ષણિક સ્તર અને સમજદારીની કક્ષા કેવી હશે?

ડૉ. ભગતસાહેબ તરફથી સાંપડતા જવાબો મૂંઝવી નાખે તેવા હતા. દર્દીનાં મા-બાપ તદ્દન ગરીબ હશે. દર્દીઓ (બાળકો) મહિનાઓથી નહાયા ન હોય તેવાં ગંદાં હશે. પોષણનો અભાવ. ભાષાનું અજ્ઞાન. વાણી-વર્તનની શુદ્રતા. પણ અમારા તરફથી તમને પૂરો સહકાર મળી રહેશે. ઉતારાની વ્યવસ્થા, ભોજનપ્રબંધ, ઓપરેશન થિયેટરનું સ્તર શ્રેષ્ઠ કક્ષાનું આપીશું. અમારા ડૉક્ટરો, નર્સ બહેનો તથા અન્ય કર્મચારીઓ ખડેપગે સેવામાં હાજર રહેશે, પણ એક વાતની ચોખવટ કરી લઉં. તમને કે તમારા ડૉક્ટર મિત્રને ફી પેટે એક પૈસો પણ નહીં આપી શકું. જો સેવા કરવાનો સંતોષ લેવો હોય તો આવજો; તો જ આવજો અને હું વિશ્વાસ અપાવું છું કે એમાં કચાશ નહીં રહે.

ડૉ. શીતલનો જવાબ આવી ગયો, ‘અમે આવીએ છીએ.’ આ ઘટના 2013ની. એ પછી સતત પાંચ વર્ષથી ડૉક્ટર શીતલ પરીખ અમેરિકાથી ઊડીને, એમના નિષ્ણાત સર્જનમિત્રોને લઈને અમદાવાદ આવતા રહ્યા છે અને સેવાઓ આપતા રહ્યા છે. આ છઠ્ઠી જાન્યુઆરીએ વધુ એક વાર તેઓ આવી ગયા. એમની સાથે આવેલા ડૉક્ટરો કોઈ રેંજીપેંજી ન હતા. ડૉક્ટર મિસિસ વેન્ડી, ડાૅ. એન્ડ્રિયા ચાન, ડૉ. ડોમિનિક લેરોન, ડૉ. મિકાહ શિન્કલેર, આ બધાં એવાં નામો છે, જેમનું અમેરિકામાં માત્ર મુખદર્શન કરવું હોય તો પણ તગડી ફી ચૂકવવી પડે અને તે પણ ડોલરની કરન્સીમાં.
કોઈ અમેરિકામાં જન્મેલું હતું તો કોઈ કેનેડામાં. ડો. એન્ડ્રિયા ચાઇનીઝ મૂળની હતી. તો ડૉ. મિકાહ ફિલિપાઇન્સથી અમેરિકા ગયેલા હતા. આ બધાં ડૉ. શીતલ પરીખના પ્રેમના તાંતણે બંધાઈને અમદાવાદ આવી પહોંચ્યાં. આવતાં પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી હતી, ‘વિમાનની આવવા-જવાની મુસાફરીનો ખર્ચો અમે જાતે ભોગવીશું.’ ડૉ. શીતલે કહ્યું.

‘રહેવાનું કોઈ મધ્યમ કક્ષાની હોટલમાં રાખીએ તો ફાવશે? કે કોઈ ડૉક્ટરના બંગલામાં ગોઠવીએ?’
સામૂહિક ઉત્તર મળ્યો, ‘રહેવાનું મોંઘામાં મોંઘી હોટલમાં રાખીશું. એનું બિલ જાતે ભોગવીશું.’
એમ જ થયું. મહેમાનોને રિસીવ કરવા ગયેલા ભગતસાહેબે પૂછ્યું, ‘લંચ, ડિનર અને બ્રેકફાસ્ટનું શું કરીશું?’

ફરીથી કોરસ ગુંજી ઊઠ્યું, ‘સવારનો બ્રેકફાસ્ટ અને સાંજનું જમણ સ્વખર્ચે હોટલમાં જ કરી લઈશું. આખો દિવસ તો ઓપરેશનો ચાલતાં હશે એટલે લંચ માટે બહાર જવા જેટલો સમય નહીં રહે.’
એનો તોડ ભગતસાહેબ પાસે હતો. બપોરે દોઢ વાગ્યે, બે વાગ્યે કે અઢી વાગ્યે જ્યારે ઓપરેશનોમાં ઇન્ટરવલ પડે ત્યારે બધા મહેમાનોને સંસ્થાના જ એક રૂમમાં શુદ્ધ ભારતીય ભોજન જમાડવાનું ગોઠવી દીધું.

તારીખ 7મી જાન્યુઆરીની સવારે ચા-નાસ્તો પતાવીને ડૉક્ટરો કામ પર ચડી ગયાં. કુલ 155 દર્દીઓને તપાસ્યા. એમાંથી 45 બાળકોને ઓપરેશન માટે અલગ તારવ્યાં. આ એવાં બાળકો હતાં જેમની ડિફરમિટી ખૂબ વધારે હતી. એ પછી ઓપરેશનોનો સિલસિલો શરૂ થયો. એક એક ઓપરેશન કલાકો સુધી ચાલનારું અને થકવી નાખનારું હતું. ભગતસાહેબે સંસ્થાના ઓપરેશન થિયેટરને વર્લ્ડ ક્લાસનું બનાવી દીધું હતું.
ડૉ. પ્રકાશ ભટ્ટ બધી વ્યવસ્થા પર નજર રાખી રહ્યા હતા. સ્થાનિક સર્જનોની ટીમ અમેરિકાથી આવેલાં સર્જનોને મદદ કરી રહી હતી. સતત 10થી 12 કલાક સુધી ઓપરેશનો ચાલતાં રહ્યાં. દૂર દૂરનાં ગામડાંઓમાંથી આવેલાં સાવ ચીંથરેહાલ માવતરો પોતાનાં ખોડખાંપણવાળાં બાળકોને અજાણ્યાં ડૉક્ટરોના હાથમાં સોંપીને થિયેટરની બહાર બેસીને ભીની આંખે ઈશ્વરને પૂછી રહ્યા હતા, ‘હે ભગવાન! આ સપનું છે કે સાચું? અમારાં સંતાનોને જોઈને અમારા જ ગામના લોકો હાંસી ઉડાવતા હતા ત્યારે આ દેવતાઈ લોકો કોના મોકલ્યા અહીં આવી પહોંચ્યાં છે?’

આ ગરીબ બાળ વિકલાંગોની સારવાર માટે જેટલો ખર્ચ કરવો પડ્યો એ તમામ ખર્ચ સંસ્થાએ જાતે જ ભોગવ્યો. મોંઘી-મોંઘી દવાઓ, ઇમ્પ્લાન્ટ્સ, રહેવાનો તથા ભોજનનો ખર્ચ ઉપરાંત 8 લાખ રૂપિયાની કિંમતનું ડ્રિલ મશીન આ બધું દાતાઓનાં ખિસ્સાંમાંથી આવી ગયું.
હું જ્યારે આ પરદેશી પંખીડાંઓને મળ્યો ત્યારે તેઓ થાકીપાકીને પછી પણ પ્રસન્ન જણાતાં હતાં. મેં પૂછ્યું, ‘તમે આ અભણ બાળકો અને એમનાં મા-બાપો સાથે વાતચીત કેવી રીતે કરી શક્યાં? એમને તો ગુજરાતી પણ શુદ્ધ બોલતા આવડતું નથી?’

ડૉ. વેન્ડીએ જવાબ આપ્યો, ‘જગતમાં સૌથી અસરકારક ભાષા ઇશારાઓની જ હોય છે અને જે વાત વાણીથી નથી બોલી શકાતી તે આંખો બોલી નાખે છે.’

જ્યારે મેં મહેમાનોનો આભાર માનતા કહ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર! મારા ગરીબ દેશનાં અત્યંત ગરીબ બાળકો માટે તમે ઈશ્વર બનીને આવ્યાં છો. એમની પાસે આભાર માનવા જેટલા શબ્દો નથી. એ બધાં વતી હું તમારો આભાર માનું છું.’

ડૉ. મિકાહ ભીના અવાજમાં બોલી ઊઠ્યા, ‘મિત્ર, જે વાત તમે શબ્દોમાં કહી એ જ વાત એ બાળકોની આંખોમાં ઊભરાયેલાં આંસુઓએ અમને જણાવી દીધી છે.’ (આવતા વર્ષે પણ ડૉ. શીતલ પરીખ ફરીથી આવવાના છે. ખોડખાંપણવાળાં બાળકોનાં મા-બાપ સંપર્ક સાધી
શકે છે.)