અબ માયૂસ ક્યૂં હૈ ઉસકી બેવફાઇ સે દોસ્ત ...
તુમ હી કહતે થે વો જુદા હૈ સબસે...!
લેખક: ડૉ. શરદ ઠાકર
પરમ પાઠકની સરખામણીમાં કોલસો ઊજળો લાગે. આ વાક્ય અતિશયોક્તિ નહીં, પણ સત્યોક્તિનું સચોટ ઉદાહરણ છે. એને મળ્યા પછી મને ખબર પડી કે ‘ચેઇન સ્મોકર’ કોને કહેવાય! સવારે ઊંઘમાંથી જાગે ત્યારે પહેલું કામ એ સિગારેટ સળગાવવાનું કરે. પછી દિવસ આખો એ સળગતો રહે. એમાં લાઇટરનો ઉપયોગ તો એ એક જ વાર કરે, પહેલી સિગારેટ સળગાવવા માટે. બાકીની દરેક સિગારેટ એ આગળની સિગારેટ વડે જ સળગાવે. તમાકુના હદ ઉપરાંતના સેવનના કારણે એના ફેફસાંનું તો જે થયું હશે તે ફેફસાં જાણે. પણ સતત બળતાં રહેવાથી એના હોઠોનું શું થયું તે જોનારાં બધાં જ જાણે. અતિશય કાળા દેહ ઉપર પરમ પાઠકના બે હોઠ એટલા બધા કાળા લાગે કે એનાથી આગળ બીજું કંઇ હોઇ શકે જ નહીં. ઇન્તેહા હો ગઇ કાલે રંગ કી! પરમની બીજી મોટી ખામી એ કે એની વસ્ત્ર-પસંદગી. એના શરીર પર કેવા રંગના કપડાં શોભશે એ બાબતમાં એની જાણકારી શૂન્ય. પરિણામે એ કાયમ ડાર્ક કલરનું પેન્ટ અને મોટા ચોકડાવાળા બ્લૂ કે ગ્રે કે લાલ, પીળા રંગના શર્ટમાં જોવા મળે. એને જોઇને જ એવું લાગે કે આ માણસ કંઇ ભણ્યો નહીં હોય, એનામાં બુદ્ધિનો અંશ પણ નહીં હોય, એ ખાસ કંઇ કમાતો નહીં હોય અને એને કોઇ મિત્ર પણ નહીં હોય. અહીં જ બધાં માર ખાઇ જતાં હતાં. દેખાવમાં તદ્દન (સામાન્ય નહીં પણ) ખરાબ લાગતો પરમ બુદ્ધિની બાબતમાં ભારે તેજ હતો. એની વાચાળતા બિરબલ જેવી. એનો અવાજ ચુંબકીય. એનું વાંચન ઊંડું એટલે એ કોઇ પણની સાથે જગતના કોઇ પણ વિષય ઉપર બૌદ્ધિક ચર્ચા કરી શકે. એટલું જ નહીં, એ ચર્ચા દ્વારા એ સામેવાળાને આંજી પણ નાખે. આનું સીધું પરિણામ એ છે કે પરમનું મિત્રવર્તુળ માની ન શકાય એટલું મોટું હતું. એની વાક્પટુતાના પ્રશંસકો પણ એક બાબતે એની ઇર્ષા કરતા હતા : ‘આ ‘બ્લેક પર્લ ઓફ ઇન્ડિયા’માં એવું તે શું છે કે ખૂબસુરત સ્ત્રીઓ એની ઉપર મરે છે?!’ આ સત્ય વચન હતું. સ્ત્રી ગમે તે ઉંમરની હોય, ગમે એટલી રૂપાળી, સ્માર્ટ અને બુદ્ધિશાળી હોય, એક વાર એ પરમને મળે અને એની સાથે વાત કરે એટલે એનો કેસ ફાઇલ થઇ જાય. બીજા દિવસે એ યુવતી જ સામે ચાલીને પરમને ફોન કરીને પૂછે: ‘ક્યારે મળો છો? તમે તો મને સાવ ભૂલી જ ગયા લાગો છો…’ એ પછી જ્યારે પરમ એ યુવતીને એકાંતમાં મળતો ત્યારે એની સ્માર્ટનેસની તમામ ખૂબીઓ એ ખુલ્લી મૂકી દેતો. રૂપાળી અપ્સરાની આંખોમાં આંખ રોપીને, પોતાના ખરજતા અવાજમાં જ્યારે પરમ રોમાન્સની રેશમી ગઠરી ખુલ્લી મૂકી દેતો ત્યારે ભલભલી ગુમાની યુવતી પોતાનાં હોશ-હવાસ ખોઇ બેસતી હતી. પૂરી એક ડઝન ગર્લફ્રેન્ડ્સ સાથે ફ્લર્ટિંગ કર્યાં પછી પરમે સાંવરી શાહ નામની સુંદર અને નમણી યુવતી પર પસંદગી ઉતારી. જેણેજેણે સાંવરીને જોયેલી હતી એ બધા જ યુવાનો આ સમાચાર સાંભળીને પરમની સિગારેટમાંથી ખરતી રાખની જેમ સળગીને ખાક થઇ ગયા. પરમની ગેરહાજરીમાં મિત્રોના બે જૂથ વચ્ચે ગંભીર ડિબેટ ચાલી. એક જૂથ આવું માનતું હતું : ‘સાંવરી ભોળી છે. ભોળી નહીં પણ મૂર્ખ છે. પરમની પ્રપંચજાળમાં ફસાઇ ગઇ. એ સિવાય કોઇ આવા કાળુરામને પસંદ કરે ખરી? હવે આખી જિંદગી આંખ ઉપર પાટો બાંધીને જીવ્યાં કરશે. આની સાથે ઉઘાડી આંખે તો કોઇ સ્ત્રી એક દિવસ પણ કાઢી ન શકે.’ વિરોધી જૂથની દલીલ આવી હતી : ‘તમારો દરેક મુદ્દો ખોટો છે. સાંવરી ભોળી પણ નથી અને મૂર્ખ પણ નથી. ભણવામાં એ હંમેશાં ડિસ્ટિન્કશન માર્ક્સ લઇ આવતી હતી. જેટલાં વર્ષ કોલેજમાં હતી એ બધાં જ વર્ષ દરમિયાન ડિબેટ કોમ્પિટિશન્સમાં એ જ જીતતી હતી. એની દલીલોમાં લોજિક હોય છે અને એની પાસે ઉત્તમ કક્ષાની અભિવ્યક્તિ પણ છે. મેથેમેટિક્સ સાથે એણે માસ્ટર્સ કર્યું છે. એનો અર્થ એ કે એની ગણતરી પાકી છે. પરમ પાઠક સાથે પરણવા પાછળ એના મનમાં ચોક્કસ ગણતરીઓ રહેલી હશે. પરમની તગડી કમાણી, વૈભવી ફ્લેટ, મોંઘી કાર; આ બધાંમાં સાંવરીને આરામદાયક જિંદગીનો અહેસાસ વર્તાયો હશે. કોઇ હેન્ડસમ લુખ્ખેશ સાથે લગ્ન કરીને શું કાંદા કાઢવાના?’ ઇર્ષાળુને આશીર્વાદ. બૂરી નજરવાલે તેરા મૂંહ કાલા. દુનિયા જલે તો જલે. મિત્રો કાંદાનાં ફોતરાં કાઢતાં રહ્યાં ત્યાં સુધીમાં કોલસો અને કોહિનૂર પરણી ગયાં. પરમ શોખીન જીવડો હતો. હી વોઝ એ પાર્ટીબર્ડ. સવારથી સાંજ સુધી પોતાની ઓફિસમાં બેસીને એ પરિશ્રમનો પરસેવો અને સિગારેટની રાખ પાડતો રહેતો હતો અને રોજ રાત્રે પોતાની પસંદગીના મિત્ર-દંપતીઓ સાથે મોડે સુધીની મહેફિલો માણતો હતો. એના પસંદગીના મિત્રોમાં કોઇ સામાન્ય ન હતું. ઉચ્ચ કક્ષાના સરકારી અમલદારો અને પ્રાઇવેટ બિઝનેસમેન એના અંગત મિત્રો હતા. લેખકો, કવિઓ, કળાકારો; આ બધાની સાથે ઊઠવા-બેસવાનું પરમને ગમતું હતું. દરેક પાર્ટીમાં એ ખાતો ઓછું અને પીતો વધારે. એના જમણા હાથમાં આગ ઓકતી સિગાર અને ડાબા હાથમાં હોજરી બાળી નાખતી વ્હિસ્કીનો ગ્લાસ રહેતો હતો. તમામ યુગલોની નજર પરમના પડખામાં શોભતી પદમણી નાર ઉપર મંડરાયેલી રહેતી હતી. હસતી-રમતી જિંદગીનું એક વર્ષ પૂરું થયું. પરમ તરફથી ગ્રાન્ડ પાર્ટી યોજવામાં આવી. દરેક મિત્રને પરમે ફોન કર્યો, ‘રવિવારે સેવન હેવન ક્લબના બેન્ક્વેટ હોલમાં આવી જવાનું છે. નો ગિફ્ટ્સ, નો ફ્લાવર્સ. માત્ર અમારા માટે ખોબો ભરીને શુભેચ્છા લઇને આવજો.’ એ દિવસે સાંવરી સોળે કળાએ સજીધજીને આવી હતી. એને જોઇને શુભેચ્છા લઇને આવેલા તમામ મિત્રો આપસમાં પોતાની બળતરા ઠાલવી રહ્યા હતા, ‘યાર, આ તો પરમના ઘરમાં ટકી ગઇ. એવું લાગે છે કે આમ ને આમ પૂરી જિંદગી કાઢી નાખશે. સમજાતું નથી કે આ ધુમાડાની દુકાન સાથે આ સાંવરી સલોની રૂપસુંદરી કેવી રીતે રહી શકતી હશે? અને શા માટે રહેતી હશે?’ છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપતી હોય એવી ઘટના બની ગઇ. રવિવારની રાત હતી. સાંવરી દસ વાગે બેડરૂમમાં જઇને ઊંઘી ગઇ. બાજુમાં પરમ બે મોટા તકિયાના સહારે અધૂકડો બેસીને ઇંગ્લિશ નોવેલ વાંચી રહ્યો હતો. ધૂમ્રપાન ચાલુ હતું. સૂતાં પહેલાં સાંવરીએ પરમની સાઇડ પર મૂકેલા ટેબલ પર વ્હિસ્કીની બોટલ, સોડા અને આઇસ ક્યુબ્સ મૂકી આપ્યાં હતાં. વહેલી સવારના છ વાગે સાંવરીની ઊંઘ ઊડી. એણે જોયું તો પરમ ચત્તોપાટ પડ્યો હતો. એની છાતી પર ઊંધી સ્થિતિમાં ખુલ્લી બુક પડી હતી. માથા પાછળની લાઇટ ચાલુ હતી. સાંવરીએ એને ઢંઢોળ્યો. પછી એેણે પરમના નજીકના ચાર મિત્રોને ફોન કરીને જાણ કરી, ‘જલદી આવો. પરમ મૃત્યુ પામ્યો છે.’ દોડી આવેલા મિત્રો સાંવરીની સ્વસ્થતા જોઇને દંગ હતા. એમાંના બે તો ડોક્ટર હતા. સાંવરીએ એમને વિનંતી કરી, ‘મને લાગે છે કે પરમને ઊંઘમાં જ કાર્ડિયાક એટેક આવી ગયો હશે. પોસ્ટમોર્ટમ ન થાય તો સારું. એના શરીરમાં આલ્કોહોલ પીધો છે એવા પુરાવા મળી આવશે. પરમ પાસે પરમિટ ન હતી. નાહક મામલો મીડિયામાં ચગશે.’ બધું ઝડપથી આટોપાઇ ગયું. એક કલાકમાં તો પરમના અગ્નિ-સંસ્કાર પતી ગયા. એ પછીના આઠેક મહિનામાં પરમની તમામ ચલ-અચલ સંપત્તિ કાયદાકીય વિધિ દ્વારા પોતાના નામે કરીને સાંવરી વિદેશ ચાલી ગઇ. લોકો કહે છે કે એણે બીજું લગ્ન કરી લીધું છે. સાંવરી અત્યારે ક્યાં અને કોની સાથે રહે છે એની માહિતી કોઇની પાસે નથી, ગૂગલ મહારાજ પાસે પણ નહીં.